લેવીય
૮ યહોવાએ મૂસાને વધુમાં કહ્યું: ૨ “હારુન અને તેના દીકરાઓને નજીક લાવ.+ તેઓનાં વસ્ત્રો,+ અભિષેક કરવાનું તેલ,+ પાપ-અર્પણનો આખલો, બે નર ઘેટા અને બેખમીર રોટલી+ મૂકેલી ટોપલી લે ૩ અને બધા ઇઝરાયેલીઓને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગા કર.”
૪ મૂસાએ યહોવાની આજ્ઞા પ્રમાણે જ કર્યું અને બધા ઇઝરાયેલીઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગા થયા. ૫ હવે મૂસાએ ઇઝરાયેલીઓને કહ્યું: “યહોવાએ આપણને આ બધું કરવાની આજ્ઞા આપી છે.” ૬ તેથી મૂસાએ હારુન અને તેના દીકરાઓને નજીક લાવીને તેઓને સ્નાન કરાવ્યું.+ ૭ પછી તેણે હારુનને ઝભ્ભો+ પહેરાવ્યો અને તેની કમરે કમરપટ્ટો+ બાંધ્યો. પછી તેને બાંય વગરનો ઝભ્ભો+ પહેરાવ્યો. એના પર એફોદ*+ પહેરાવ્યો અને તેની કમરે એફોદનો ગૂંથેલો કમરપટ્ટો+ કસીને બાંધ્યો. ૮ ત્યાર બાદ, તેણે છાતીએ પહેરવાનું ઉરપત્ર*+ હારુનને પહેરાવ્યું અને એમાં ઉરીમ અને તુમ્મીમ*+ મૂક્યાં. ૯ પછી તેના માથા પર પાઘડી+ મૂકી અને એના પર સોનાની ચળકતી પટ્ટી, એટલે કે સમર્પણની પવિત્ર નિશાની*+ મૂકી. યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.
૧૦ પછી મૂસાએ અભિષેક કરવાનું તેલ લીધું અને એ તેલથી મંડપ* તથા એમાંની બધી વસ્તુઓનો અભિષેક કર્યો+ અને એ બધાંને પવિત્ર કર્યાં. ૧૧ ત્યાર બાદ, તેણે થોડું તેલ લઈને વેદી પર સાત વાર છાંટ્યું અને વેદી, એનાં બધાં વાસણો, કુંડ અને એને મૂકવાની ઘોડીનો અભિષેક કરીને એ બધાંને પવિત્ર કર્યાં. ૧૨ છેલ્લે, તેણે હારુનના માથા પર થોડું તેલ રેડ્યું અને તેનો અભિષેક કરીને તેને પવિત્ર કર્યો.+
૧૩ પછી મૂસા હારુનના દીકરાઓને નજીક લાવ્યો. મૂસાએ તેઓને ઝભ્ભા પહેરાવ્યા અને તેઓની કમરે કમરપટ્ટા બાંધ્યા અને તેઓને સાફા પહેરાવ્યા.+ યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.
૧૪ પછી તેણે પાપ-અર્પણનો આખલો લીધો. હારુન અને તેના દીકરાઓએ પાપ-અર્પણના આખલાના માથા પર પોતાના હાથ મૂક્યા.+ ૧૫ પછી મૂસાએ એ આખલો કાપ્યો અને એનું થોડું લોહી+ પોતાની આંગળી પર લઈને વેદીની ચારે બાજુનાં શિંગડાં પર લગાવ્યું. આમ તેણે વેદીને પાપથી શુદ્ધ કરી. પણ બાકી રહેલું લોહી તેણે વેદીને તળિયે રેડી દીધું અને એને પવિત્ર કરી, જેથી એના પર પ્રાયશ્ચિત્ત કરી શકાય. ૧૬ ત્યાર બાદ, મૂસાએ આખલાનાં આંતરડાં ફરતેની ચરબી, કલેજા ઉપરની ચરબી, બંને મૂત્રપિંડ અને એની ચરબી લઈને એ બધું વેદી પર આગમાં ચઢાવ્યું.+ ૧૭ પછી આખલાનો બાકી રહેલો ભાગ, એનું ચામડું, એનું માંસ અને એનું છાણ છાવણીની બહાર બાળવામાં આવ્યાં.+ યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.
૧૮ પછી મૂસા અગ્નિ-અર્પણનો ઘેટો નજીક લાવ્યો. હારુન અને તેના દીકરાઓએ એ ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.+ ૧૯ મૂસાએ એને કાપ્યો અને એનું લોહી વેદીની ચારે બાજુ છાંટ્યું. ૨૦ મૂસાએ એ ઘેટાના ટુકડા કર્યા. પછી એ ટુકડાઓને, એના માથાને અને ચરબીને* આગમાં ચઢાવ્યાં. ૨૧ તેણે ઘેટાનાં આંતરડાં અને એના પગ પાણીથી ધોયાં. તેણે એ આખો ઘેટો વેદી પર આગમાં ચઢાવ્યો. એ અગ્નિ-અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ* થાય છે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે. યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.
૨૨ પછી તેણે બીજો ઘેટો લીધો, જે યાજકોને નિયુક્ત કરવાની વિધિમાં ચઢાવવાનો હતો.+ હારુન અને તેના દીકરાઓએ એ ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.+ ૨૩ મૂસાએ એને કાપ્યો અને એનું થોડું લોહી લઈને હારુનના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાવ્યું. ૨૪ પછી મૂસા હારુનના દીકરાઓને નજીક લાવ્યો. તેણે થોડું લોહી લઈને તેઓના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાવ્યું. પણ બાકીનું લોહી તેણે વેદીની ચારે બાજુ છાંટી દીધું.+
૨૫ પછી તેણે ચરબી, ચરબીથી ભરેલી પૂંછડી, આંતરડાં ફરતેની બધી ચરબી, કલેજા ઉપરની ચરબી, બંને મૂત્રપિંડ અને એની ચરબી અને જમણો પગ લીધાં.+ ૨૬ તેણે યહોવા આગળ મૂકેલી બેખમીર રોટલીની ટોપલીમાંથી એક બેખમીર રોટલી,*+ તેલથી બનેલી એક બેખમીર રોટલી*+ અને એક પાપડ લીધાં. એ બધું તેણે પ્રાણીની ચરબી અને એના જમણા પગ પર મૂક્યું. ૨૭ પછી તેણે એ બધું હારુન અને તેના દીકરાઓના હાથમાં મૂક્યું અને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે એને આગળ-પાછળ હલાવ્યું. ૨૮ ત્યાર બાદ, મૂસાએ એ બધું તેઓના હાથમાંથી લીધું અને વેદી પર ચઢાવેલા અગ્નિ-અર્પણ ઉપર મૂકીને આગમાં ચઢાવ્યું. એ યાજકોને નિયુક્ત કરવાની વિધિનું અર્પણ છે, જેની સુવાસથી ઈશ્વર ખુશ થાય છે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.
૨૯ પછી મૂસાએ ઘેટાની છાતીનો ભાગ લીધો અને એને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે આગળ-પાછળ હલાવ્યો.+ યાજકોને નિયુક્ત કરવાની વિધિમાં ચઢાવેલા ઘેટાનો એ હિસ્સો મૂસાનો થયો, જેમ યહોવાએ તેને આજ્ઞા આપી હતી.+
૩૦ મૂસાએ અભિષેક કરવાનું થોડું તેલ+ અને વેદી પરનું થોડું લોહી લીધું. એ તેણે હારુન પર, તેના દીકરાઓ પર અને તેઓનાં વસ્ત્રો પર છાંટ્યું. આમ, તેણે હારુન, તેના દીકરાઓ+ અને તેઓનાં વસ્ત્રોને+ પવિત્ર કર્યાં.
૩૧ પછી મૂસાએ હારુન અને તેના દીકરાઓને કહ્યું: “અર્પણ કરેલા પ્રાણીનું માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બાફો.+ પછી એને એ રોટલી સાથે ખાઓ, જે યાજકોને નિયુક્ત કરવાની વિધિ દરમિયાન ટોપલીમાં મૂકી હતી, જેમ મને આજ્ઞા આપી હતી કે, ‘હારુન અને તેના દીકરાઓ એ ખાય.’+ ૩૨ પછી જે માંસ અને રોટલી બચે એને આગમાં બાળી દો.+ ૩૩ તમને યાજકો તરીકે નિયુક્ત કરવાની* વિધિ પૂરી ન થાય ત્યાં સુધી, એટલે કે સાત દિવસ સુધી મુલાકાતમંડપના પ્રવેશદ્વારની નજીક રહો, કેમ કે એ વિધિ સાત દિવસ ચાલશે.+ ૩૪ આજે આપણે જે કર્યું એ પ્રમાણે કરવાની આજ્ઞા યહોવાએ આપી છે, જેથી તમારા માટે પ્રાયશ્ચિત્ત થાય.+ ૩૫ તમે સાત દિવસ સુધી રાત-દિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રહો+ અને યહોવાની આજ્ઞાઓ કાળજીપૂર્વક પાળો,+ જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે એ વિશે મને આજ્ઞા આપવામાં આવી છે.”
૩૬ યહોવાએ મૂસા દ્વારા જે આજ્ઞાઓ આપી હતી, એ પ્રમાણે જ હારુન અને તેના દીકરાઓએ બધું કર્યું.