સભાશિક્ષક
૧ દાઉદના દીકરા, યરૂશાલેમના રાજા,+ ઉપદેશકના*+ શબ્દો.
૨ ઉપદેશક કહે છે, “નકામું છે! નકામું છે!
બધું જ નકામું છે!”+
૫ સૂર્ય ઊગે છે* અને સૂર્ય આથમે છે,
પછી તે ઉતાવળે* એ જગ્યાએ પાછો જાય છે, જ્યાંથી તેણે ફરી ઊગવાનું છે.+
૬ પવન દક્ષિણમાં જાય છે અને ફરીને ઉત્તરમાં આવે છે.
એ ગોળ ગોળ ચક્કર મારે છે, બસ ફર્યા જ કરે છે.
૭ નદીઓ* વહેતી વહેતી દરિયામાં ભળી જાય છે, છતાં દરિયો કદી ઊભરાતો નથી.+
નદીઓ જ્યાંથી નીકળી છે, ત્યાં પાછી આવીને ફરી વહે છે.+
૮ બધી વાતો મનને થકવી નાખનારી છે.
કોઈ એનું વર્ણન કરી શકતું નથી.
એ જોઈ જોઈને આંખ થાકી જાય છે, કંઈક નવું જોવા ઝંખે છે,
એ સાંભળી સાંભળીને કાન પાકી જાય છે, કંઈક નવું સાંભળવા તલપે છે.
૧૦ એવું તો શું છે જેના વિશે કોઈ કહે, “જુઓ! આ કંઈક નવું છે”?
આ આજનું નથી, આ તો વર્ષોથી છે,
આપણા જમાનાનું નહિ, પણ સદીઓથી છે.
૧૧ જૂના જમાનાના લોકોને કોઈ યાદ રાખતું નથી.
તેઓ પછી આવનાર લોકોને પણ કોઈ યાદ રાખતું નથી,
અને આવનાર પેઢી પણ તેઓને યાદ નહિ રાખે.+
૧૨ હું ઉપદેશક, યરૂશાલેમથી ઇઝરાયેલ પર રાજ કરું છું.+ ૧૩ પૃથ્વી પર થઈ રહેલાં કામોને સમજવા મેં મારી બુદ્ધિ કસી. એનો અભ્યાસ કરવા મેં મન લગાડ્યું.+ ઈશ્વરે માણસોને* સોંપેલું એ કામ થકવી નાખનારું છે, માણસો એમાં જ ડૂબેલા રહે છે.
૧૪ પૃથ્વી પર થતાં બધાં કામો પર મેં નજર કરી,
અને જુઓ! બધું જ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.+
૧૫ જે વાંકું છે, એને સીધું કરી શકાતું નથી.
જે છે જ નહિ, એને ગણી શકાતું નથી.
૧૬ મેં મનમાં કહ્યું: “મેં પુષ્કળ જ્ઞાન મેળવ્યું છે, યરૂશાલેમમાં મારી પહેલાં થઈ ગયેલા લોકોથી પણ વધારે બુદ્ધિ મેળવી છે.+ મને* જ્ઞાન અને ડહાપણનો બહોળો અનુભવ છે.”+ ૧૭ બુદ્ધિ, ગાંડપણ અને મૂર્ખાઈ વિશે જાણવા મેં દિલ લગાડ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ પણ નકામું છે,+ હવામાં બાચકા ભરવા જેવું છે.
૧૮ જેટલી વધારે બુદ્ધિ મેળવીએ, એટલી વધારે નિરાશા હાથ લાગે છે,
જેટલું વધારે જ્ઞાન લઈએ, એટલું વધારે દુઃખ વેઠવું પડે છે.+
૨ મેં મનમાં કહ્યું: “ચાલ ત્યારે મોજમજા કરું. જોઉં તો ખરો એનાથી શો ફાયદો થાય છે.” જુઓ! એ પણ નકામું છે.
૨ મેં કહ્યું: “હાસ્ય તો ગાંડપણ છે!”
મને થયું: “મોજમજા કરવાથી શો ફાયદો?”
૩ મેં વિચાર્યું, ચાલ દ્રાક્ષદારૂની મજા માણી જોઉં.+ મેં ઘણો દ્રાક્ષદારૂ પીધો, પણ હોશ ગુમાવ્યો નહિ. મેં મૂર્ખાઈનાં કામો પણ કર્યાં. મારે જાણવું હતું કે પોતાના ટૂંકા જીવન દરમિયાન મનુષ્ય માટે શું કરવું સૌથી સારું છે. ૪ મેં મોટાં મોટાં કામો કર્યાં:+ મેં મારા માટે ઘરો બાંધ્યાં+ અને દ્રાક્ષાવાડીઓ રોપી.+ ૫ મેં વાડીઓ અને બાગ-બગીચા બનાવ્યાં. સર્વ પ્રકારનાં ફળ આપે એવાં વૃક્ષો એમાં રોપ્યાં. ૬ વાડીમાં* રોપેલાં વૃક્ષોને પાણી સિંચવા મેં તળાવો ખોદાવ્યાં. ૭ મેં ઘણાં દાસ-દાસીઓ મેળવ્યાં.+ મારી પાસે એવા દાસો પણ હતા, જેઓ મારા ઘરમાં પેદા થયા હતા. મારી અગાઉ યરૂશાલેમમાં થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં મેં વધારે ઘેટાં-બકરાં અને ઢોરઢાંક ભેગાં કર્યાં.+ ૮ મેં મારા માટે એટલું સોનું-ચાંદી ભેગું કર્યું,+ જેટલું રાજાઓ અને પ્રાંતોના* ખજાનામાં હોય છે.+ મેં અનેક ગાયકો અને ગાયિકાઓ ભેગાં કર્યાં. માણસોને જેની સંગતથી ખુશી મળે એવી સ્ત્રી, હા, એવી ઘણી સ્ત્રીઓ મેં મેળવી. ૯ આમ હું મોટો માણસ બન્યો. યરૂશાલેમમાં મારી અગાઉના કોઈ પણ માણસ કરતાં મેં વધારે ભેગું કર્યું.+ મારી બુદ્ધિએ હંમેશાં મને સાથ આપ્યો.
૧૦ મારા મનમાં જે કંઈ ઇચ્છા જાગી, એ મેં પૂરી કરી.*+ મેં મારા દિલને કોઈ પણ જાતની મોજમજા કરવાથી રોક્યું નહિ, કેમ કે મારી મહેનતથી મારું દિલ ખુશ થતું. એ મારી સખત મહેનતનું ઇનામ હતું.+ ૧૧ મેં મારા હાથે કરેલાં કામો પર વિચાર કર્યો. મેં સખત મહેનતથી જે કંઈ મેળવ્યું હતું એના પર પણ વિચાર કર્યો.+ મને ખ્યાલ આવ્યો કે એ બધું જ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.+ પૃથ્વી પર એવું કંઈ નથી, જેનાથી ખરેખર લાભ થાય.+
૧૨ પછી મેં બુદ્ધિ, ગાંડપણ અને મૂર્ખાઈ પર વિચાર કર્યો.+ (રાજા પછી આવનાર માણસ બીજું શું નવું કરવાનો? એ જ કરવાનો, જે થઈ ચૂક્યું છે.) ૧૩ મને સમજાયું કે જેમ અંધકાર કરતાં અજવાળું વધારે ચઢિયાતું છે, તેમ મૂર્ખાઈ કરતાં બુદ્ધિ વધારે ચઢિયાતી છે.+
૧૪ બુદ્ધિમાન માણસ પોતાનો માર્ગ સાફ જોઈ શકે છે,*+ પણ મૂર્ખ અંધારામાં ચાલે છે.+ મને ખ્યાલ આવ્યો કે છેવટે બધાના હાલ* એક જેવા જ થાય છે.+ ૧૫ મેં મનમાં કહ્યું: “મૂર્ખની જે દશા થાય છે, એ જ મારી પણ થવાની.”+ તો પછી આટલું બધું જ્ઞાન લઈને મને શો ફાયદો થયો? મેં મનમાં કહ્યું: “એ પણ નકામું છે.” ૧૬ ન બુદ્ધિમાનને યાદ રાખવામાં આવે છે, ન મૂર્ખને.+ સમય જતાં, તેઓ બધા ભુલાઈ જાય છે. બુદ્ધિમાનનું મરણ કઈ રીતે થાય છે? મૂર્ખની જેમ જ તેનું મરણ થાય છે.+
૧૭ એટલે મને જીવનથી નફરત થઈ ગઈ.+ મને ખ્યાલ આવ્યો કે પૃથ્વી પર થતાં બધાં કામોથી નિરાશા જ હાથ લાગે છે. બધું જ નકામું છે,+ હવામાં બાચકા ભરવા જેવું છે.+ ૧૮ પૃથ્વી પર સખત મહેનત કરીને મેં જે કંઈ ભેગું કર્યું હતું,+ એનાથી મને નફરત થઈ ગઈ. કેમ કે મારે એ બધું મારા પછી આવનાર માટે છોડી જવું પડશે.+ ૧૯ કોણ જાણે તે બુદ્ધિમાન હશે કે મૂર્ખ?+ પૃથ્વી પર મેં સખત મહેનતથી અને બુદ્ધિથી જે કંઈ મેળવ્યું છે, એ બધું તેના હાથમાં જતું રહેશે. એ પણ નકામું છે. ૨૦ મારું દિલ દુઃખી થઈ ગયું કે મેં કેમ પરસેવો પાડીને પૃથ્વી પર આ કામો કર્યાં! ૨૧ માણસ પોતાનું ડહાપણ, જ્ઞાન અને આવડત વાપરીને સખત મહેનત કરે છે. પણ તેણે પોતાનો હિસ્સો* એવા માણસને આપવો પડે છે, જેણે એ માટે મહેનત કરી નથી.+ એ પણ નકામું અને દુઃખ આપનારું* છે.
૨૨ પૃથ્વી પર માણસ સખત મહેનત કરે છે, પોતાનાં સપનાં પૂરાં કરવા* રાત-દિવસ એક કરે છે, તેને આખરે શું મળે છે?+ ૨૩ તેનાં કામોને લીધે તેના બધા દિવસો દુઃખમાં અને ચિંતામાં વીતે છે.+ રાતે પણ તેના મનને ચેન પડતું નથી.+ એ પણ નકામું છે.
૨૪ ખાવું-પીવું અને પોતાની મહેનતનો આનંદ માણવો એ સિવાય માણસ માટે બીજું કંઈ સારું નથી.+ મને ખ્યાલ આવ્યો કે એ બધું સાચા ઈશ્વર* તરફથી જ છે.+ ૨૫ શું એવો કોઈ માણસ છે, જે મારા કરતાં વધારે સારું ખાતો-પીતો હોય?+
૨૬ સાચા ઈશ્વર જે માણસથી ખુશ થાય છે તેને ડહાપણ, જ્ઞાન અને ખુશી આપે છે.+ પણ પાપીઓને તે ધનસંપત્તિ ભેગી કરવાનું કામ સોંપે છે, જેથી ભેગું કરેલું બધું તેઓ એ માણસને સોંપી દે જેનાથી ઈશ્વર ખુશ છે.+ એ પણ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.
૩ દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે,
પૃથ્વી પર દરેક કામ માટે એક યોગ્ય સમય છે:
૨ જન્મનો સમય અને મરણનો સમય.
રોપવાનો સમય અને ઉખેડી નાખવાનો સમય.
૩ મારી નાખવાનો સમય અને બચાવવાનો* સમય.
તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.
૪ રડવાનો સમય અને હસવાનો સમય.
શોક કરવાનો સમય અને ખુશીથી નાચી ઊઠવાનો સમય.
૫ પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો ભેગા કરવાનો સમય.
ભેટવાનો સમય અને ભેટવાથી દૂર રહેવાનો સમય.
૬ શોધવાનો સમય અને ખોવાઈ ગયું છે એવું માની લેવાનો સમય.
રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય.
૭ ફાડવાનો સમય+ અને સીવવાનો સમય.
ચૂપ રહેવાનો સમય+ અને બોલવાનો સમય.+
૮ પ્રેમ કરવાનો સમય અને નફરત કરવાનો સમય.+
યુદ્ધનો સમય અને શાંતિનો સમય.
૯ મજૂરને કાળી મજૂરી કરીને શું મળે છે?+ ૧૦ મેં જોયું કે ઈશ્વરે સોંપેલાં કામોમાં મનુષ્ય ડૂબેલો રહે છે. ૧૧ ઈશ્વરે દરેક વસ્તુ એ રીતે રચી છે, જે એના સમયે સુંદર* લાગે.+ તેમણે મનુષ્યના દિલમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. છતાં, સાચા ઈશ્વરે કરેલાં કામોને મનુષ્ય ક્યારેય પૂરી રીતે* જાણી નહિ શકે.
૧૨ આખરે, હું એ તારણ પર આવ્યો કે મનુષ્ય માટે આના સિવાય બીજું કશું જ સારું નથી: તે જીવનમાં મોજમજા કરે, ભલાઈ કરે,+ ૧૩ ખાય-પીએ અને સખત મહેનતથી જે મેળવ્યું હોય એમાં આનંદ કરે. એ તો ઈશ્વર તરફથી ભેટ છે.+
૧૪ હું સમજી ગયો છું કે સાચા ઈશ્વરે દરેક વસ્તુ કાયમ ટકે એવી બનાવી છે. એમાં ન કંઈ ઉમેરી શકાય, ન કંઈ ઘટાડી શકાય. સાચા ઈશ્વરે બધું એ રીતે રચ્યું છે, જેથી લોકો તેમનો ડર* રાખે.+
૧૫ જે થઈ રહ્યું છે, એ અગાઉ થઈ ચૂક્યું છે. જે થવાનું છે, એ પણ અગાઉ થઈ ચૂક્યું છે.+ મનુષ્યો જેની પાછળ દોડે છે,* એને સાચા ઈશ્વર શોધી કાઢે છે.
૧૬ મેં પૃથ્વી પર આવું પણ જોયું છે: ન્યાયને બદલે દુષ્ટતા અને નેકીને* બદલે બૂરાઈ કરવામાં આવે છે.+ ૧૭ મેં મનમાં વિચાર્યું: “સાચા ઈશ્વર જરૂર નેક અને દુષ્ટ માણસનો ન્યાય કરશે,+ કેમ કે દરેક કામ કરવા અને પગલાં ભરવા યોગ્ય સમય હોય છે.”
૧૮ મેં વિચાર્યું કે સાચા ઈશ્વર માણસની પરીક્ષા કરશે અને તેને બતાવશે કે માણસ તો જાનવર જેવો જ છે. ૧૯ છેવટે તો માણસનું પણ એ જ થાય છે,* જે જાનવરનું થાય છે. બધાના એકસરખા હાલ થાય છે.+ જેમ જાનવર મરે છે, તેમ માણસ પણ મરે છે. તેઓમાં એક જેવો જ જીવનનો શ્વાસ* છે.+ એટલે માણસ જાનવર કરતાં ચઢિયાતો નથી. બધું જ નકામું છે. ૨૦ તેઓ બધા એક જ જગ્યાએ જાય છે.+ તેઓ માટીમાંથી આવ્યા હતા+ અને પાછા માટીમાં ભળી જાય છે.+ ૨૧ કોને ખબર કે મર્યા પછી માણસની જીવન-શક્તિ* ઉપર જાય છે અને જાનવરની નીચે ધરતીમાં?+ ૨૨ મને ખ્યાલ આવ્યો કે માણસ પોતાના કામથી ખુશી મેળવે એ કરતાં વધારે સારું બીજું કંઈ નથી.+ એ જ તેનું ઇનામ છે. તેના ગયા પછી શું થશે એ તેને કોણ જણાવી શકે?+
૪ મેં ફરી એક વાર પૃથ્વી પર થતા જુલમ પર વિચાર કર્યો. મેં જુલમ સહેતા લોકોનાં આંસુ જોયાં, તેઓને દિલાસો આપનાર કોઈ ન હતું.+ જુલમ ગુજારનાર સત્તામાં હોવાથી, એ લાચાર લોકોને કોઈ દિલાસો આપતું ન હતું. ૨ એટલે મને થયું, જીવતાઓ કરતાં તો મરેલા વધારે સારા.+ ૩ એ બંને કરતાં તો જેનો જન્મ થયો નથી+ અને જેણે પૃથ્વી પર થતાં ખરાબ કામો જોયાં નથી,+ તે વધારે સારો.
૪ મેં જોયું કે બીજાઓથી આગળ નીકળી જવાના ઝનૂનમાં+ માણસ ખૂબ મહેનત કરે છે અને પૂરી લગનથી કામ કરે છે. એ પણ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.
૫ મૂર્ખ માણસ હાથ પર હાથ ધરીને બેસી રહે છે અને પોતાને જ બરબાદ કરે છે.*+
૬ પુષ્કળ* કામ કરવું તો હવામાં બાચકા ભરવા જેવું છે. એના કરતાં થોડો* આરામ કરવો વધારે સારું છે.+
૭ મેં પૃથ્વી પર થતાં બીજાં નકામાં કામો જોયાં: ૮ એક માણસ એકલો-અટૂલો છે. તેને કોઈ સાથી કે દીકરો કે ભાઈ નથી. છતાં તે તનતોડ મહેનત કરે છે. તેની આંખો ધનદોલતથી ધરાતી નથી.+ તે વિચારતો પણ નથી, ‘હું કોના માટે આટલી મહેનત કરું છું? હું કેમ મોજમજા કરતો નથી?’+ એ પણ નકામું અને દુઃખ આપનારું છે.+
૯ એક કરતાં બે ભલા,+ કેમ કે તેઓને પોતાની મહેનતનું ફળ* મળશે. ૧૦ જો એક પડી જાય, તો તેનો સાથી તેને ઊભો થવા મદદ કરશે. પણ જો તે એકલો હોય અને પડી જાય, તો તેને ઊભો થવા કોણ મદદ કરશે?
૧૧ જો બે જણ સાથે સૂઈ જાય, તો તેઓને હૂંફ મળશે. પણ એકલો માણસ કઈ રીતે હૂંફ મેળવી શકે? ૧૨ એકલા માણસને તો કોઈ પણ હરાવે, પણ બે જણ સાથે હોય તો ભેગા મળીને તેનો સામનો કરી શકે. ત્રણ દોરાથી ગૂંથેલી દોરી સહેલાઈથી* તૂટતી નથી.
૧૩ વૃદ્ધ અને મૂર્ખ રાજા, જે હવે કોઈની સલાહ માનતો નથી,+ તેના કરતાં ગરીબ પણ સમજુ છોકરો વધારે સારો.+ ૧૪ એ વૃદ્ધ રાજાના રાજમાં ભલે તે* ગરીબ કુટુંબમાં પેદા થયો હોય,+ પણ તે કેદખાનામાંથી નીકળીને રાજા બને છે.+ ૧૫ મેં પૃથ્વીના બધા લોકોનો ફરી વિચાર કર્યો. એ પણ જોયું કે પેલા છોકરાનું શું થાય છે, જેણે રાજાની જગ્યા લીધી હતી. ૧૬ ભલે તેને સાથ આપનારા ઘણા છે, પણ પછીથી આવનાર લોકો તેનાથી ખુશ નહિ હોય.+ એ બધું નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.
૫ તું સાચા ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે, તારાં પગલાં સંભાળ.+ મૂર્ખની જેમ તું ત્યાં ફક્ત બલિદાન ચઢાવવા ન જા,+ પણ ધ્યાનથી સાંભળવા જા, એમ કરવું વધારે સારું છે.+ કેમ કે મૂર્ખો જાણતા નથી કે તેઓ જે કરે છે એ ખોટું છે.
૨ તું ઉતાવળે કંઈ ન બોલ. સાચા ઈશ્વર આગળ મન ફાવે એમ ન બોલ,+ કેમ કે સાચા ઈશ્વર સ્વર્ગમાં રહે છે અને તું પૃથ્વી પર. એટલે તું વધારે પડતું ન બોલ.+ ૩ પુષ્કળ કામની ચિંતાથી સપનાં આવે છે.*+ મૂર્ખની બકબકમાં તેની મૂર્ખતા દેખાઈ આવે છે.+ ૪ જો તું ઈશ્વર આગળ કોઈ માનતા લે, તો એને પૂરી કરવામાં મોડું ન કર,+ કેમ કે માનતા પૂરી ન કરનાર મૂર્ખ માણસથી તે ખુશ થતા નથી.+ તું જે માનતા લે, એને પૂરી કર.+ ૫ તું માનતા લઈને એને પૂરી ન કરે, એના કરતાં તું કોઈ માનતા જ ન લે એ વધારે સારું.+ ૬ ધ્યાન રાખ, તારી જીભ તારી પાસે* પાપ ન કરાવે.+ દૂતની* આગળ એમ ન કહે, “મારાથી ભૂલ થઈ ગઈ.”+ નહિતર તારા શબ્દોથી ઈશ્વર ગુસ્સે થશે અને તે તારું કામ ધૂળમાં મેળવી દેશે.+ ૭ જેમ પુષ્કળ કામની ચિંતાથી સપનાં આવે છે,*+ તેમ ઘણા શબ્દોથી નકામી વાતો ઊપજે છે. તું સાચા ઈશ્વરનો ડર રાખ.+
૮ તારા વિસ્તારમાં* જો તું કોઈ અધિકારીને ગરીબ પર જુલમ કરતા જુએ, ન્યાય ઊંધો વાળતા જુએ, સચ્ચાઈને* કચડી નાખતા જુએ, તો ચોંકી ન જા.+ તેની ઉપર પણ કોઈ નજર રાખનારું છે. મોટા મોટા અધિકારીઓની ઉપર પણ બીજા અધિકારીઓ હોય છે.
૯ તેઓ જમીનનો નફો વહેંચી લે છે. રાજાની જરૂરિયાતો પણ ખેતરની ઊપજથી પૂરી થાય છે.+
૧૦ ચાંદીનો લોભી ચાંદીથી ધરાતો નથી. ધનદોલતનો પ્રેમી પોતાની કમાણીથી ધરાતો નથી.+ એ પણ નકામું છે.+
૧૧ ધનદોલત* વધે તેમ ખાનારાઓ પણ વધે છે.+ તેના માલિકને એ જોયા સિવાય બીજો શો ફાયદો?+
૧૨ ચાકર ભલે થોડું ખાય કે વધારે, તેને મીઠી ઊંઘ આવે છે. પણ અમીરની પુષ્કળ મિલકત તેને નિરાંતે સૂવા દેતી નથી.
૧૩ મેં પૃથ્વી પર એક ભારે દુઃખની વાત જોઈ: ભેગી કરેલી સંપત્તિ માલિકને જ મુશ્કેલીમાં મૂકે છે. ૧૪ ખોટી યોજનામાં* પૈસા રોકવાથી તેના પૈસા ડૂબી જાય છે. તેને દીકરો થાય ત્યારે વારસામાં આપવા તેની પાસે કંઈ રહેતું નથી.+
૧૫ જેમ માણસ માની કૂખમાંથી નગ્ન બહાર આવે છે, તેમ નગ્ન જતો રહે છે.+ મહેનત કરી કરીને તેણે જે કંઈ મેળવ્યું છે, એમાંથી તે કશું લઈ જતો નથી.+
૧૬ આ પણ ભારે દુઃખની વાત છે: તે જેવો આવ્યો હતો, તેવો પાછો જાય છે. જો તેની બધી મહેનત હવામાં ઊડી જવાની હોય, તો એ મહેનતનો શો ફાયદો?+ ૧૭ તેનું આખું જીવન અંધકારમાં વીતે છે.* તે જીવનભર નિરાશા, બીમારી અને ગુસ્સાને લીધે હેરાન-પરેશાન થાય છે.+
૧૮ મને આ વાત સારી અને યોગ્ય લાગી છે: ઈશ્વરે માણસને જે ટૂંકું જીવન આપ્યું છે, એમાં તે ખાય-પીએ અને મજા કરે. તે પૃથ્વી પર પોતાની સખત મહેનતનું સુખ ભોગવે.+ એ તેનું ઇનામ છે.+ ૧૯ જો સાચા ઈશ્વર માણસને ધનસંપત્તિ આપે,+ એની મજા માણવાની શક્તિ પણ આપે, તો એનાથી સારું બીજું શું હોય! તેણે એ ઇનામ સ્વીકારવું જોઈએ અને પોતાની મહેનતનો આનંદ માણવો જોઈએ. એ ઈશ્વર તરફથી ભેટ છે.+ ૨૦ તેને ખ્યાલ પણ નહિ આવે* કે જિંદગી ક્યાં વીતી ગઈ, કેમ કે સાચા ઈશ્વર તેને એવાં કામોમાં વ્યસ્ત રાખે છે, જેનાથી તેનું દિલ ખુશ થાય છે.+
૬ મેં પૃથ્વી પર બીજી એક દુઃખની વાત જોઈ, જે માણસોમાં સામાન્ય છે: ૨ સાચા ઈશ્વર માણસને ધનદોલત અને માન-મોભો આપે છે, જેથી માણસની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય. પણ સાચા ઈશ્વર એ માણસને એનો આનંદ માણવા દેતા નથી, કોઈ બીજો જ એનો આનંદ માણે છે. એ નકામું છે, ભારે દુઃખની વાત છે. ૩ જો કોઈ માણસને ૧૦૦ બાળકો થાય અને તે લાંબું જીવીને ઘરડો થાય, પણ કબરમાં જતાં પહેલાં પોતાની સારી વસ્તુઓનો આનંદ ન માણે, તો મારું માનવું છે કે તેના કરતાં એ બાળક વધારે સારું, જે મરેલું* પેદા થયું હોય.+ ૪ તે બાળક નકામું આ દુનિયામાં આવે છે અને અંધારામાં જતું રહે છે. તેનું નામ અંધારામાં ક્યાંય ખોવાઈ જાય છે. ૫ ભલે તે બાળકે સૂર્ય જોયો નથી કે બીજું કશું જાણ્યું નથી, છતાં તે પેલા માણસ કરતાં વધારે સારું છે,* જેણે જીવતેજીવ સુખ ભોગવ્યું નથી.+ ૬ માણસ ૨,૦૦૦ વર્ષ જીવે, પણ જીવનની મજા ન માણે તો શો ફાયદો? શું બધા લોકો એક જ જગ્યાએ જતા નથી?+
૭ માણસ પોતાનું પેટ ભરવા સખત મહેનત કરે છે,+ પણ તે ક્યારેય ધરાતો નથી. ૮ તો મૂર્ખ માણસ કરતાં બુદ્ધિમાન માણસને શો ફાયદો?+ ગરીબ માણસ થોડામાં ગુજરાન ચલાવવાનું જાણતો હોય,* તોપણ તેને શો ફાયદો? ૯ ઇચ્છાઓ પાછળ આંધળી દોટ મૂકવી નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે. એના કરતાં આંખો સામે જે છે એનો આનંદ માણવો વધારે સારું.
૧૦ જે કંઈ અસ્તિત્વમાં છે એનું નામ પહેલેથી પાડવામાં આવ્યું છે. માણસનો ખરો સ્વભાવ છતો થઈ ગયો છે, તે પોતાના કરતાં બળવાનની સામે દલીલ કરી શકતો નથી.* ૧૧ જેટલા વધારે શબ્દો, એટલી વધારે નકામી વાતો.* એનાથી માણસને શો ફાયદો? ૧૨ માણસ માટે જીવનમાં શું કરવું સૌથી સારું છે, એની કોને ખબર? તેનું ટૂંકું જીવન નકામું છે, એ પડછાયાની જેમ પસાર થઈ જાય છે.+ તેના ગયા પછી પૃથ્વી પર શું થશે એ તેને કોણ જણાવી શકે?
૭ કીમતી અત્તર કરતાં સારું નામ* વધારે સારું.+ જન્મના દિવસ કરતાં મરણનો દિવસ વધારે સારો. ૨ મિજબાનીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું વધારે સારું,+ કેમ કે મરણ દરેક માણસનો અંત છે અને એ વાત જીવતા માણસોએ દિલમાં ઠસાવી રાખવી જોઈએ. ૩ હાસ્ય કરતાં ઉદાસી વધારે સારી,+ કેમ કે ચહેરાની ઉદાસી મનને સારું કરે છે.+ ૪ બુદ્ધિમાનનું મન શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખનું મન મિજબાનીના* ઘરમાં હોય છે.+
૫ મૂર્ખના મોંએ પ્રશંસા* સાંભળવા કરતાં બુદ્ધિમાનનો ઠપકો સાંભળવો વધારે સારું.+ ૬ જેમ હાંડલા નીચે બળતા ઝાંખરાંમાંથી તડતડ અવાજ આવે છે, એવું મૂર્ખનું હસવું છે.+ એ પણ નકામું છે. ૭ જુલમને લીધે સમજુ માણસ મૂર્ખ બને છે અને લાંચને લીધે તેનું મન ભ્રષ્ટ થાય છે.+
૮ કોઈ વાતની શરૂઆત કરતાં એનો અંત વધારે સારો. ઘમંડી બનવા કરતાં ધીરજ ધરવી વધારે સારું.+ ૯ ગુસ્સો કરવામાં* ઉતાવળો ન થા,+ ગુસ્સો તો મૂર્ખના હૃદયમાં વસે છે.*+
૧૦ તું એવું ન કહે, “હાલના કરતાં અગાઉના દિવસો વધારે સારા હતા.” એવું કહેવામાં સમજદારી નથી.+
૧૧ બુદ્ધિની સાથે સાથે વારસો મળે તો એ સારી વાત છે. બુદ્ધિથી એ બધાને ફાયદો થાય છે, જેઓ દિવસનો પ્રકાશ જુએ* છે. ૧૨ જેમ પૈસા રક્ષણ આપે છે,+ તેમ બુદ્ધિ પણ રક્ષણ આપે છે.+ પણ જ્ઞાન અને બુદ્ધિનો ફાયદો એ છે કે તેઓ પોતાના માલિકનો જીવ બચાવે છે.+
૧૩ સાચા ઈશ્વરનાં કામોનો વિચાર કર. તેમણે જેને વાંકું બનાવ્યું છે એને કોણ સીધું કરી શકે?+ ૧૪ તારો દિવસ સારો વીતે તો સારાં કામ કર,+ પણ મુસીબતના દિવસે આનો વિચાર કર: સાચા ઈશ્વરે સારા અને ખરાબ દિવસોને ચાલવા દીધા છે,+ જેથી કાલે શું થશે એ કોઈ જાણી ન શકે.+
૧૫ મારા ટૂંકા* જીવન+ દરમિયાન મેં બધું જોયું. નેક* માણસ નેક કામો કરવા છતાં મરી જાય છે+ અને દુષ્ટ માણસ દુષ્ટ કામો કરવા છતાં લાંબું જીવે છે.+
૧૬ વધુ પડતો નેક ન થા+ અને દોઢડાહ્યો પણ ન થા.+ તું કેમ પોતાનો જ નાશ કરવા ચાહે છે?+ ૧૭ વધુ પડતો દુષ્ટ ન થા અને મૂર્ખ પણ ન થા.+ તું કેમ અકાળે મરવા ચાહે છે?+ ૧૮ તું પહેલી ચેતવણી* માને અને બીજીને* કાન ધરે એ સારું છે.+ ઈશ્વરનો ડર રાખનાર માણસ એ બંને ચેતવણી સાંભળશે.
૧૯ ડહાપણ બુદ્ધિમાન માણસને શક્તિશાળી બનાવે છે, હા, શહેરના દસ બળવાન માણસો કરતાં પણ વધારે શક્તિશાળી બનાવે છે.+ ૨૦ પણ આખી પૃથ્વી પર એવો એકેય નેક* માણસ નથી, જે હંમેશાં ભલું કરે અને કદી પાપ ન કરે.+
૨૧ લોકોએ કહેલી દરેક વાત દિલ પર ન લે,+ નહિતર તું તારા ચાકરને તારી બૂરાઈ કરતા* સાંભળીશ. ૨૨ તારું દિલ સારી રીતે જાણે છે કે તેં પણ ઘણી વાર બીજાઓની બૂરાઈ કરી છે.*+
૨૩ મેં બુદ્ધિથી એ બધાની પરખ કરી અને કહ્યું: “હું બુદ્ધિમાન બનીશ.” પણ એ મારી પહોંચ બહાર હતું. ૨૪ જે થઈ ગયું છે એ મારી સમજ બહાર છે. એ ખૂબ ઊંડું છે, એને કોણ સમજી શકે?+ ૨૫ બુદ્ધિને શોધવા અને સમજવા મેં મારું મન લગાડ્યું. બધી વસ્તુઓ પાછળનું કારણ તપાસવા મથામણ કરી. મારે જાણવું હતું કે દુષ્ટતા કેમ મૂર્ખાઈ છે અને ગાંડપણ કેમ મૂર્ખતા છે.+ ૨૬ પછી મને આ જાણવા મળ્યું: એક એવી સ્ત્રી છે, જે મોત કરતાં પણ વધારે દુઃખ આપે છે. તે શિકારીની જાળ જેવી છે. તેનું હૃદય મોટી જાળ જેવું છે. તેના હાથ કેદીની બેડીઓ જેવા છે. સાચા ઈશ્વરને ખુશ કરનાર માણસ તેની જાળમાંથી બચી જાય છે,+ પણ પાપી એમાં ફસાઈ જાય છે.+
૨૭ ઉપદેશક+ કહે છે, “જો, મને શું મળી આવ્યું! મેં એક પછી એક બધી વસ્તુઓની પરખ કરી, જેથી કોઈ તારણ પર આવી શકું. ૨૮ પણ હું જે શોધવા મથતો હતો, એ ન મળ્યું. હજાર લોકોમાંથી મને એક નેક માણસ મળ્યો, પણ એકેય નેક સ્ત્રી ન મળી. ૨૯ મને આટલું જ જાણવા મળ્યું: સાચા ઈશ્વરે માણસને નેક બનાવ્યો છે,+ પણ માણસે પોતાના માટે બીજો રસ્તો શોધી કાઢ્યો છે.”+
૮ બુદ્ધિમાન માણસ જેવું કોણ છે? મુશ્કેલીનો ઉકેલ કોણ જાણે છે?* બુદ્ધિથી માણસનો ચહેરો ખીલી ઊઠે છે અને તેના ચહેરાની કઠોરતા ખુશીમાં ફેરવાઈ જાય છે.
૨ હું તને કહું છું: “તેં ઈશ્વર આગળ સમ ખાધા હોવાથી+ રાજાનો હુકમ માન.+ ૩ તેની આગળથી નીકળી જવા ઉતાવળ ન કર+ અને ખરાબ કામમાં હાથ ન નાખ.+ રાજા તો મન ફાવે એમ કરી શકે છે. ૪ તેનો આદેશ કોણ ટાળી શકે?+ કોણ તેને કહી શકે, ‘આ તમે શું કરો છો?’”
૫ જે માણસ આજ્ઞા પાળે છે, તેને નુકસાન નહિ થાય.+ સમજુ માણસ જાણે છે કે કોઈ બાબતને ક્યારે અને કઈ રીતે કરવી.*+ ૬ માણસની મુશ્કેલીઓનો કોઈ પાર નથી, એટલે દરેક બાબત માટે યોગ્ય સમય અને રીત* હોય છે.+ ૭ કોઈ જાણતું નથી કે ભાવિમાં શું થશે. તો પછી કોણ કહી શકે કે એ કઈ રીતે થશે?
૮ જેમ માણસ પોતાનો શ્વાસ* રોકી શકતો નથી, તેમ તે મરણના દિવસને પણ રોકી શકતો નથી.+ જેમ યુદ્ધમાં ગયેલો સૈનિક ફરજમાંથી છટકી શકતો નથી, તેમ માણસ દુષ્ટ કામો કરીને છટકી શકતો નથી.*
૯ મેં એ બધું જોયું, પૃથ્વી પર થતાં એકેએક કામ પર મન લગાડ્યું. મેં જોયું કે આખો વખત એક માણસ બીજા માણસ પર સત્તા જમાવીને તેને નુકસાન* પહોંચાડે છે.+ ૧૦ મેં દુષ્ટોને દફન થતાં જોયા, જેઓ પવિત્ર જગ્યાએ* આવજા કરતા હતા. તેઓએ જે શહેરોમાં દુષ્ટ કામો કર્યાં હતાં, ત્યાંથી તેઓની યાદ જલદી જ ભૂંસાઈ ગઈ.+ એ બધું પણ નકામું છે.
૧૧ ખોટાં કામ માટે જલદી સજા થતી નથી,+ એટલે માણસમાં ખોટાં કામ કરવાની હિંમત વધી જાય છે.+ ૧૨ ભલે પાપી માણસ સેંકડો વાર ખોટું કામ કરે અને લાંબું જીવે, છતાં હું જાણું છું કે, ઈશ્વરનો ડર રાખનાર માણસનું ભલું થશે, કેમ કે તે ઈશ્વરનો ડર રાખીને ચાલે છે.+ ૧૩ પણ દુષ્ટ માણસનું ભલું થશે નહિ.+ તેના દિવસો પડછાયાની જેમ પસાર થઈ જશે, તે એને વધારી શકશે નહિ.+ કેમ કે તે ઈશ્વરનો ડર રાખીને ચાલતો નથી.
૧૪ પૃથ્વી પર એવું કંઈક થાય છે જે દુઃખી કરે* છે: નેક* લોકો સાથે એ રીતે વર્તવામાં આવે છે, જાણે તેઓએ દુષ્ટ કામો કર્યાં હોય.+ દુષ્ટ લોકો સાથે એ રીતે વર્તવામાં આવે છે, જાણે તેઓએ નેક કામો કર્યાં હોય.+ હું કહું છું, એ પણ નકામું છે.
૧૫ હું તો કહું છું કે આનંદ કરો.+ માણસ માટે ખાવા-પીવા અને મોજમજા કરવા સિવાય બીજું કંઈ સારું નથી. સાચા ઈશ્વરે પૃથ્વી પર માણસને જે જીવન આપ્યું છે, એમાં મોજમજાની સાથે સાથે તેણે સખત મહેનત પણ કરવી જોઈએ.+
૧૬ બુદ્ધિ મેળવવા અને પૃથ્વી પર થતાં બધાં કામો સમજવા મેં મન લગાડ્યું.+ એ માટે હું રાત-દિવસ જાગ્યો પણ ખરો.* ૧૭ પછી મેં સાચા ઈશ્વરનાં બધાં કામો પર વિચાર કર્યો. મને ખ્યાલ આવ્યો કે પૃથ્વી પર થતાં કામોને માણસ સમજી નહિ શકે.+ તે ગમે એટલી કોશિશ કરે, તોપણ એને સમજી નહિ શકે. ભલે તે દાવો કરે કે પોતે જ્ઞાની છે, બધું સમજે છે, છતાં તે ક્યારેય એ બધું સમજી નહિ શકે.+
૯ એ બધી વાતો પર મેં મન લગાડ્યું. પછી હું એ તારણ પર આવ્યો કે નેક* માણસો, સમજુ માણસો અને તેઓનાં કામો સાચા ઈશ્વરના હાથમાં છે.+ મનુષ્યો સમજતા નથી કે તેઓની અગાઉના લોકો કેમ એકબીજાને પ્રેમ કે નફરત કરતા હતા. ૨ માણસ નેક હોય કે દુષ્ટ,+ સારો અને શુદ્ધ હોય કે અશુદ્ધ, બલિદાન ચઢાવતો હોય કે ન ચઢાવતો હોય, છેવટે તો બધાનો અંત સરખો જ હોય છે.+ ભલો માણસ પાપી જેવો જ છે. સમજી-વિચારીને સમ ખાનાર માણસ વગર વિચાર્યે સમ ખાનાર માણસ જેવો જ છે. ૩ મેં પૃથ્વી પર એક વાત જોઈ, જે દુઃખી કરે છે: બધાનો અંત સરખો જ હોય છે.+ એટલે માણસનું દિલ ખરાબ વિચારોથી ભરેલું રહે છે. જીવનભર તેના મનમાં મૂર્ખાઈ રહે છે અને આખરે તે મરી જાય છે!*
૪ જીવતા લોકો પાસે આશા છે, કેમ કે મરેલા સિંહ કરતાં જીવતો કૂતરો વધારે સારો.+ ૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+ ૬ તેઓનો પ્રેમ, તેઓની નફરત અને તેઓની ઈર્ષાનો અંત આવ્યો છે. પૃથ્વી પર જે કંઈ કામ થાય છે એમાં હવે તેઓનો કોઈ હિસ્સો નથી.+
૭ જા, આનંદ કરતાં કરતાં તારું ભોજન ખા અને ખુશી ખુશી દ્રાક્ષદારૂ પી,+ કેમ કે સાચા ઈશ્વર તારા કામથી ખુશ છે.+ ૮ તારાં કપડાં હંમેશાં સફેદ રહે.* તારા માથા પર તેલ ચોળવાનું ભૂલતો નહિ.+ ૯ ઈશ્વરે તને જે ટૂંકું જીવન આપ્યું છે, એમાં તારી વહાલી પત્ની સાથે જીવનની મજા માણ.+ તારા ટૂંકા જીવનમાં તું આનંદ માણે, એ જ તારો હિસ્સો અને પૃથ્વી પર તારી સખત મહેનતનું ઇનામ છે.+ ૧૦ જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી અને પૂરા મનથી કર. કેમ કે તું જ્યાં જવાનો છે એ કબરમાં* કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.+
૧૧ મેં પૃથ્વી પર આ પણ જોયું: એવું નથી કે ઝડપથી દોડનાર હંમેશાં દોડમાં જીતે અને તાકતવર હંમેશાં લડાઈમાં વિજયી થાય.+ એવું પણ નથી કે સમજુ માણસને હંમેશાં ખોરાક મળે, બુદ્ધિશાળી માણસ હંમેશાં ધનવાન હોય+ કે જ્ઞાની માણસને હંમેશાં સફળતા મળે.+ કેમ કે સમય અને અણધાર્યા સંજોગોની અસર બધાને થાય છે. ૧૨ માણસ જાણતો નથી કે તેનો સમય ક્યારે આવશે.+ જેમ માછલી છેતરામણી જાળમાં અને પક્ષીઓ ફાંદામાં ફસાઈ જાય છે, તેમ માણસ પર આફતનો સમય અચાનક આવી પડે છે અને તે એમાં ફસાઈ જાય છે.
૧૩ મેં પૃથ્વી પર બુદ્ધિની એક વાત જોઈ અને મારા પર એની ઊંડી અસર થઈ: ૧૪ એક નાના શહેરમાં થોડા માણસો રહેતા હતા. એક શક્તિશાળી રાજા એ શહેર પર ચઢી આવ્યો. તેણે ઊંચી ઊંચી દીવાલો બાંધીને એને ઘેરી લીધું. ૧૫ એ શહેરમાં એક ગરીબ અને સમજુ માણસ રહેતો હતો. તેણે પોતાની બુદ્ધિથી એ શહેરને બચાવ્યું. પણ કોઈએ એ ગરીબ માણસને યાદ ન રાખ્યો.+ ૧૬ મને થયું: ‘તાકાત કરતાં બુદ્ધિ વધારે સારી.+ છતાં, ગરીબ માણસની બુદ્ધિ તુચ્છ ગણાય છે અને તેની વાત કોઈ સાંભળતું નથી.’+
૧૭ મૂર્ખોના સરદારના બૂમબરાડા કરતાં સમજુ માણસે શાંતિથી આપેલી સલાહ સાંભળવી વધારે સારું.
૧૮ યુદ્ધનાં હથિયારો કરતાં બુદ્ધિ વધારે સારી. પણ બધી સારી વસ્તુઓનો નાશ કરવા એક પાપી જ પૂરતો છે.+
૧૦ જેમ મરેલી માખીઓ ખુશબોદાર તેલને* બગાડે છે અને એને ગંધાતું કરી મૂકે છે, તેમ થોડી મૂર્ખાઈ સમજુ અને આબરૂદાર માણસનું નામ બગાડે છે.+
૨ જ્ઞાનીનું હૃદય તેને સાચા માર્ગે દોરે છે,* પણ મૂર્ખનું હૃદય તેને ખોટા માર્ગે દોરે છે.*+ ૩ ભલે મૂર્ખ ગમે એ માર્ગે ચાલે, તેનામાં જરાય બુદ્ધિ હોતી નથી.+ તે પોતાની મૂર્ખાઈ જગજાહેર કરે છે.+
૪ જો અધિકારીનો ગુસ્સો તારા પર સળગી ઊઠે, તો તેની આગળથી જતો ન રહે,+ કેમ કે શાંત રહેવાથી મોટાં મોટાં પાપ ઓછાં કરી શકાય છે.+
૫ મેં પૃથ્વી પર બીજી એક વાત જોઈ, જે દુઃખી કરે છે. જેઓ પાસે અધિકાર છે તેઓ આવી ભૂલ કરી બેસે છે:+ ૬ તેઓ મૂર્ખને ઊંચી પદવીએ ચઢાવે છે અને હોશિયારને* નીચે જ રાખે છે.
૭ મેં ચાકરોને ઘોડા પર સવારી કરતા જોયા છે અને અધિકારીઓને ચાકરોની જેમ પગે ચાલતા જોયા છે.+
૮ ખાડો ખોદનારને એમાં પડવાનું જોખમ હોય છે.+ પથ્થરની દીવાલ તોડનારને સાપ કરડવાનું જોખમ હોય છે.
૯ ખાણમાં પથ્થર તોડનારને પથ્થરથી ઈજા થવાનું જોખમ હોય છે. લાકડું કાપનારને લાકડું વાગવાનું જોખમ હોય છે.*
૧૦ જો કુહાડી બુઠ્ઠી હોય અને એની ધાર કાઢવામાં ન આવે, તો વાપરનારે વધારે મહેનત કરવી પડે છે. પણ બુદ્ધિ સફળ થવા મદદ કરે છે.
૧૧ જો મંત્રથી વશ કરતા પહેલાં સાપ કરડી જાય, તો મંત્ર બોલનારની વિદ્યા નકામી છે.
૧૨ બુદ્ધિમાનના શબ્દો સૌને મીઠા લાગે છે,*+ પણ મૂર્ખની વાતો તેનું પોતાનું જ નુકસાન કરે છે.+ ૧૩ તેની વાતની શરૂઆત મૂર્ખાઈથી અને અંત ગાંડપણથી થાય છે,+ જે છેવટે આફત લઈ આવે છે. ૧૪ તોપણ મૂર્ખ પોતાનું મોઢું બંધ કરતો નથી.+
માણસ જાણતો નથી કે કાલે શું થવાનું છે. તેના ગયા પછી શું થશે એ તેને કોણ જણાવી શકે?+
૧૫ મૂર્ખની મહેનત તેને થકવી નાખે છે, કેમ કે તે એટલું પણ જાણતો નથી કે શહેર પહોંચવા કયા રસ્તે જવું જોઈએ.
૧૬ એ દેશના કેવા હાલ થશે, જેનો રાજા એક નાનો છોકરો હોય+ અને જેના અધિકારીઓ સવાર સવારમાં જ મિજબાની શરૂ કરતા હોય! ૧૭ એ દેશ કેટલો ખુશહાલ હશે, જેનો રાજા શાહી કુટુંબમાંથી હોય અને જેના અધિકારીઓ યોગ્ય સમયે ખાતાં-પીતાં હોય! તેઓ તાકાત મેળવવા ખાતાં-પીતાં હોય, નશા માટે નહિ!+
૧૮ આળસને લીધે છાપરું નમી પડે છે. હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી છતમાંથી પાણી ટપકે છે.+
૧૯ ખોરાક મનને ખુશ કરે છે* અને દ્રાક્ષદારૂ જીવનને ખુશીઓથી ભરી દે છે.+ પણ પૈસો દરેક જરૂરિયાત પૂરી કરે છે.+
૨૦ તારા વિચારોમાં* પણ રાજાને શ્રાપ ન આપ.+ તારી સૂવાની ઓરડીમાં ધનવાનને શ્રાપ ન આપ. નહિતર પક્ષી તારા શબ્દો* લઈ જશે અને નાનું પક્ષી તારી વાતો જણાવી દેશે.
૧૧ તારી રોટલી પાણી પર નાખ+ અને ઘણા દિવસો પછી એ તને પાછી મળશે.+ ૨ તારી સંપત્તિમાંથી સાત લોકોને, હા, આઠ લોકોને આપ,+ કેમ કે પૃથ્વી પર કઈ આફત આવશે એ તું જાણતો નથી.
૩ જો વાદળો પાણીથી ભરેલાં હોય, તો પૃથ્વી પર ચોક્કસ વરસાદ પડશે. ભલે ઝાડ ઉત્તરમાં પડે કે દક્ષિણમાં, તે જ્યાં પડે છે ત્યાં જ પડેલું રહેશે.
૪ જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે, તે બી વાવશે નહિ. જે માણસ વાદળો તરફ જોયા કરે છે, તે કાપણી કરશે નહિ.+
૫ તું જાણતો નથી કે માના ગર્ભમાં બાળકનાં હાડકાં કઈ રીતે આકાર લે છે.*+ એવી જ રીતે, એ બધું કરનાર સાચા ઈશ્વરનાં કામો પણ તું જાણતો નથી.+
૬ સવારમાં બી વાવ અને સાંજે તારો હાથ પાછો ખેંચી ન લે.+ કેમ કે આ બી ઊગશે* કે પેલું ઊગશે અથવા એ બંને ઊગશે એ તું જાણતો નથી.
૭ અજવાળું પ્રિય લાગે છે. સૂર્ય જોવો આંખ માટે સારો છે. ૮ જો માણસ ઘણાં વર્ષો જીવે, તો તેણે જીવનના એકેએક દિવસની મજા માણવી જોઈએ.+ પણ તેણે યાદ રાખવું જોઈએ કે દુઃખના દિવસો ઘણા હશે. દુઃખના એ દિવસો નકામા છે.+
૯ હે યુવાન, તારી યુવાનીમાં આનંદ કર. યુવાનીના દિવસોમાં તારા દિલને ખુશ રાખ. તારા દિલનું સાંભળ અને તારી આંખો જ્યાં લઈ જાય ત્યાં જા. પણ યાદ રાખજે, સાચા ઈશ્વર તારી પાસે એ બધાનો હિસાબ માંગશે.*+ ૧૦ તારા દિલમાંથી ચિંતા કાઢી નાખ. તારા શરીરમાંથી નુકસાન કરનાર બાબત દૂર કર, કેમ કે યુવાની અને ભરયુવાની નકામી છે.+
૧૨ તારી યુવાનીના દિવસોમાં તારા મહાન સર્જનહારને યાદ કર.+ હજી દુઃખના દિવસો આવ્યા નથી, એવાં વર્ષો આવ્યાં નથી જ્યારે તું કહેશે, “હવે જીવનમાં જરાય મજા નથી.” એવા દિવસો આવે એ પહેલાં+ તું તારા સર્જનહારને યાદ કર. ૨ કેમ કે પછી તો સૂર્ય, ચંદ્ર અને તારાઓની ચમક ઓછી થઈ જશે,+ ધોધમાર વરસાદ પડ્યા પછી* વાદળો પાછાં ઘેરાશે. ૩ એ દિવસે ઘરના ચોકીદારો ધ્રૂજવા લાગશે, બળવાન માણસો વાંકા વળી જશે, દળનારી સ્ત્રીઓ ઓછી હોવાથી તેઓ દળવાનું છોડી દેશે અને બારીમાંથી બહાર જોનાર સ્ત્રીઓને ઝાંખું દેખાશે,+ ૪ શેરીઓ સામેના દરવાજા બંધ થઈ જશે, દળવાનો અવાજ ધીમો પડશે, પક્ષીના અવાજથી તું જાગી જશે અને બધી દીકરીઓનાં ગીતોનો અવાજ મંદ પડશે,+ ૫ ઊંચાઈથી તને ડર લાગશે, રસ્તે ચાલતા તું ગભરાશે, બદામડીને ફૂલો લાગશે,+ તીતીઘોડો ઘસડાઈને ચાલશે, કેરડા* પાકીને ફાટી જશે, માણસ પોતાના કાયમી ઘરે જશે+ અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરશે.+ ૬ ચાંદીની દોરી કપાઈ જશે, સોનાનો વાટકો ભાંગી જશે, ઝરણા પાસે ઘડો ફૂટી જશે અને કૂવા પરની ગરગડી તૂટી જશે. ૭ પછી માટીમાંથી આવેલો માણસ પાછો માટીમાં ભળી જશે+ અને સાચા ઈશ્વરે આપેલી જીવન-શક્તિ* પાછી તેમની પાસે જતી રહેશે.+
૮ ઉપદેશક+ કહે છે, “નકામું છે! બધું જ નકામું છે!”+
૯ ઉપદેશકે ખૂબ જ્ઞાન મેળવ્યું. તે લોકોને પણ જ્ઞાનની વાતો શીખવતો.+ તેણે ઘણું મનન કરીને અને ઊંડું સંશોધન કરીને અનેક નીતિવચનો* રચ્યાં.*+ ૧૦ દિલને સ્પર્શી જાય એવા શબ્દો શોધવા+ અને સત્યની વાતો ચોકસાઈથી લખવા ઉપદેશકે મહેનત કરી.
૧૧ જ્ઞાની માણસોના શબ્દો આર* જેવા છે.+ તેઓએ ભેગી કરેલી કહેવતો મજબૂત બેસાડેલા ખીલા જેવી છે. એ બધું એક ઘેટાંપાળકે આપ્યું છે. ૧૨ મારા દીકરા, જો આ સિવાય તને બીજું કંઈ કહેવામાં આવે, તો સાવધ રહેજે: ઘણાં પુસ્તકો રચવાનો કોઈ પાર નથી. પુસ્તકોના અભ્યાસમાં ડૂબેલા રહેવાથી શરીર થાકી જાય છે.+
૧૩ બધી વાતો સાંભળવામાં આવી, એનું તારણ આ છે: સાચા ઈશ્વરનો ડર* રાખવો+ અને તેમની આજ્ઞાઓ પાળવી,+ એ જ માણસની ફરજ છે.+ ૧૪ સાચા ઈશ્વર દરેક ખરા-ખોટા કામનો ન્યાય કરશે. છૂપી રીતે કરેલાં કામોનો પણ તે ન્યાય કરશે.+
અથવા, “સભા બોલાવનારના; સભાશિક્ષકના.”
મૂળ, “સૂર્ય નીચે.” આ શબ્દો સભાશિક્ષક પુસ્તકમાં ૨૯ વખત જોવા મળે છે.
મૂળ, “ઊભી.”
અથવા, “પ્રકાશે છે.”
અથવા, “હાંફતો હાંફતો.”
અથવા, “શિયાળાનાં ઝરણાં.”
અથવા, “માણસોના દીકરાઓને.”
મૂળ, “મારા દિલને.”
અથવા, “જંગલમાં.”
અથવા, “જિલ્લાઓના.”
મૂળ, “મારી આંખોને જે કંઈ ગમ્યું, એ મેં મેળવ્યું.”
મૂળ, “બુદ્ધિમાનની આંખો તેના માથામાં હોય છે.”
અથવા, “બધાનું પરિણામ.”
અથવા, “પોતાનું સર્વસ્વ.”
અથવા, “આફત લાવનારું.”
મૂળ, “દિલની ઇચ્છા પૂરી કરવા.”
શબ્દસૂચિ જુઓ.
મૂળ, “સાજા કરવાનો.”
અથવા, “યોગ્ય; ગોઠવેલું; બરાબર.”
મૂળ, “શરૂઆતથી તે અંત સુધી.”
શબ્દસૂચિમાં “ઈશ્વરનો ડર” જુઓ.
અથવા કદાચ, “જે વીતી ગયું છે.”
અથવા, “ન્યાયીપણાને.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “પરિણામ આવે છે.”
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
મૂળ, “પોતાનું જ માંસ ખાય છે.”
મૂળ, “બે મુઠ્ઠી.”
મૂળ, “એક મુઠ્ઠી.”
અથવા, “સારું ઇનામ.”
અથવા, “જલદી.”
એ કદાચ સમજુ છોકરાને બતાવે છે.
અથવા, “ધોળે દહાડે સપનાં આવે છે.”
મૂળ, “તારા શરીર પાસે.”
અથવા, “સંદેશવાહકની.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “ધોળે દહાડે સપનાં આવે છે.”
અથવા, “પ્રાંતમાં.”
અથવા, “ન્યાયીને.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “સારી સારી વસ્તુઓ.”
અથવા, “ખોટા ધંધામાં.”
મૂળ, “તે અંધકારમાં ખાય છે.”
અથવા, “તેને યાદ પણ નહિ રહે.”
અથવા, “અધૂરા મહિને મરેલું.”
મૂળ, “તેને વધારે આરામ છે.”
મૂળ, “જીવતાઓ આગળ ચાલવાનું જાણતો હોય.”
અથવા, “તે પોતાનો દાવો રજૂ કરી શકતો નથી.”
અથવા કદાચ, “જેટલી વધારે વસ્તુઓ, એટલી વધારે વ્યર્થતા.”
અથવા, “સારી શાખ.”
અથવા, “મોજમસ્તીના.”
મૂળ, “ગીત.”
અથવા, “ખોટું લગાડવામાં; ખાર ભરી રાખવામાં.”
અથવા કદાચ, “મૂર્ખની નિશાની છે.”
એટલે કે, જીવતાઓ.
અથવા, “નકામા.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
એટલે કે, સભા ૭:૧૬માં જણાવેલી ચેતવણી.
એટલે કે, સભા ૭:૧૭માં જણાવેલી ચેતવણી.
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “તને શ્રાપ આપતા.”
મૂળ, “બીજાઓને શ્રાપ આપ્યો છે.”
અથવા, “વાતનો અર્થ કોણ જાણે છે?”
અથવા, “કેવો નિર્ણય લેવો.”
અથવા, “નિર્ણય.”
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
અથવા કદાચ, “માણસનાં દુષ્ટ કામો તેને બચાવી શકતાં નથી.”
અથવા, “ઈજા.”
શબ્દસૂચિ જુઓ.
અથવા, “જે નકામું.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા કદાચ, “લોકો રાત-દિવસ ઊંઘતા નથી.”
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
મૂળ, “પછી તે મરેલા લોકો સાથે ભળી જાય છે.”
અથવા, “વેતન.”
અથવા, “તેઓની યાદ ભૂંસાઈ જશે.”
એટલે કે, ઊજળાં કપડાં, જે શોકની નહિ પણ ખુશીની નિશાની છે.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “અત્તર બનાવનારના તેલને.”
મૂળ, “તેના જમણા હાથે છે.”
મૂળ, “તેના ડાબા હાથે છે.”
મૂળ, “ધનવાનને.”
અથવા કદાચ, “લાકડું કાપનારે લાકડાથી સાવધ રહેવું જોઈએ.”
અથવા, “સૌની કૃપા મેળવે છે.”
અથવા, “ખોરાક મુખ પર હાસ્ય લાવે છે.”
અથવા કદાચ, “તારી પથારીમાં.”
અથવા, “તારો સંદેશો.”
હિબ્રૂમાં અહીં બતાવ્યું છે કે ગર્ભમાં રહેલા બાળકનાં હાડકાંમાં કઈ રીતે જીવન-શક્તિ અથવા ઈશ્વરની શક્તિ કામ કરે છે.
અથવા, “સફળ થશે.”
અથવા, “તારો ન્યાય કરશે.”
અથવા કદાચ, “મુશળધાર વરસાદ સાથે.”
એક પ્રકારનું ફળ જે ભૂખ વધારે છે.
શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.
શબ્દસૂચિ જુઓ.
અથવા, “ક્રમ પ્રમાણે ગોઠવ્યાં.”
શબ્દસૂચિ જુઓ.
શબ્દસૂચિ જુઓ.