વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt દાનિયેલ ૧:૧-૧૨:૧૩
  • દાનિયેલ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દાનિયેલ
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
દાનિયેલ

દાનિયેલ

૧ યહૂદાના રાજા યહોયાકીમના+ શાસનના ત્રીજા વર્ષની આ વાત છે. બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ આવ્યો અને એને ઘેરી લીધું.+ ૨ પછી યહોવાએ* યહૂદાના રાજા યહોયાકીમને અને સાચા ઈશ્વરના* મંદિરનાં* અમુક વાસણોને નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યાં.+ તે એ વાસણો શિનઆર દેશમાં*+ પોતાના દેવના મંદિરમાં લઈ ગયો અને એના ભંડારમાં મૂક્યાં.+

૩ રાજાએ મુખ્ય દરબારી આસ્પનાઝને હુકમ કર્યો કે તે ઇઝરાયેલના* અમુક યુવાનોને લઈ આવે, જેઓમાં રાજાઓના અને પ્રધાનોના વંશજો પણ હોય.+ ૪ મુખ્ય દરબારીએ જોવાનું હતું કે એ યુવાનો* ખોડખાંપણ વગરના અને દેખાવડા હોય. તેઓ બુદ્ધિ, જ્ઞાન અને સમજશક્તિથી ભરપૂર હોય+ અને રાજાના મહેલમાં સેવા કરવા સક્ષમ હોય. તેણે તેઓને ખાલદીઓનાં* સાહિત્યનું* અને ભાષાનું શિક્ષણ આપવાનું હતું. ૫ રાજાએ હુકમ આપ્યો કે તેઓને રાજાના ભોજનમાંથી દરરોજ ખોરાક અને દ્રાક્ષદારૂ આપવામાં આવે. તેઓને ત્રણ વર્ષ સુધી તાલીમ* આપવાની હતી. તાલીમ પૂરી થયા પછી તેઓએ રાજાની સેવામાં હાજર થવાનું હતું.

૬ તેઓમાંથી અમુક યુવાનો યહૂદા કુળના* હતા, જેમ કે દાનિયેલ,*+ હનાન્યા,* મીશાએલ* અને અઝાર્યા.*+ ૭ મુખ્ય દરબારીએ તેઓને નવાં નામ* આપ્યાં. તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસ્સાર,+ હનાન્યાનું નામ શાદ્રાખ, મીશાએલનું નામ મેશાખ અને અઝાર્યાનું નામ અબેદ-નગો+ પાડ્યું.

૮ દાનિયેલે પાકો નિર્ણય કર્યો હતો કે તે રાજાના ખોરાકથી કે દ્રાક્ષદારૂથી પોતાને અશુદ્ધ નહિ કરે. તેણે મુખ્ય દરબારીને વિનંતી કરી* કે તેને એવું ભોજન ન આપે જેનાથી તે અશુદ્ધ થાય. ૯ સાચા ઈશ્વરે મુખ્ય દરબારીને પ્રેરણા આપી કે તે દાનિયેલ પર કૃપા* અને દયા બતાવે.+ ૧૦ મુખ્ય દરબારીએ દાનિયેલને કહ્યું: “હું મારા માલિક, મારા રાજાથી ડરું છું. તેમણે તમારા બધાનું ખાવા-પીવાનું નક્કી કર્યું છે. જો રાજા જુએ કે તમારી ઉંમરના બીજા યુવાનોની સરખામણીમાં તમે નબળા દેખાઓ છો, તો ખબર છે શું થશે? તે મારું માથું ધડથી અલગ કરી દેશે.”* ૧૧ હવે મુખ્ય દરબારીએ દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા પર એક કારભારી ઠરાવ્યો હતો. દાનિયેલે એ કારભારીને કહ્યું: ૧૨ “કૃપા કરીને દસ દિવસ સુધી તમારા આ સેવકોની પરખ કરી જુઓ. અમને ખાવા માટે શાકભાજી* અને પીવા માટે પાણી આપો. ૧૩ પછી રાજાના ભોજનમાંથી ખાતા યુવાનોની સાથે અમારી સરખામણી કરી જોજો. આખરે તમને જેમ ઠીક લાગે એમ કરજો.”

૧૪ કારભારીએ તેઓની વાત માની અને દસ દિવસ સુધી તેઓની પરખ કરી. ૧૫ દસ દિવસના અંતે જોવા મળ્યું કે રાજાના ભોજનમાંથી ખાતા બીજા યુવાનો કરતાં આ યુવાનો વધારે દેખાવડા અને તંદુરસ્ત* હતા. ૧૬ એટલે કારભારી તેઓને રાજાના ભોજન અને દ્રાક્ષદારૂને બદલે શાકભાજી* આપતો રહ્યો. ૧૭ સાચા ઈશ્વરે આ ચાર યુવાનોને જ્ઞાન, બુદ્ધિ અને દરેક પ્રકારનું સાહિત્ય સમજવા ઊંડી સમજણ આપી. તેમણે દાનિયેલને બધાં પ્રકારનાં દર્શનો અને સપનાં સમજવાની આવડત આપી.+

૧૮ રાજાએ ઠરાવેલો સમય પૂરો થયો પછી, મુખ્ય દરબારીએ બધા યુવાનોને નબૂખાદનેસ્સાર રાજા આગળ હાજર કર્યા.+ ૧૯ રાજાએ તેઓ સાથે વાત કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે બધા યુવાનોમાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા+ જેવું બીજું કોઈ નથી. પછી તેઓએ રાજાની હજૂરમાં સેવા કરવાનું શરૂ કર્યું. ૨૦ રાજા જ્યારે બુદ્ધિ અને સમજણ વિશે વાત કરતો, ત્યારે આ ચાર યુવાનો અલગ તરી આવતા. રાજાને ખ્યાલ આવ્યો કે તેના આખા સામ્રાજ્યના જાદુગરો* અને તાંત્રિકો+ કરતાં એ યુવાનો દસ ગણા વધારે ચઢિયાતા છે. ૨૧ કોરેશ રાજાના શાસનના પહેલા વર્ષ સુધી દાનિયેલ બાબેલોનમાં જ રહ્યો.+

૨ નબૂખાદનેસ્સારના રાજના બીજા વર્ષે તેને કેટલાંક સપનાં આવ્યાં. તે એટલો બેચેન થઈ ગયો+ કે તેની ઊંઘ ઊડી ગઈ. ૨ રાજાને પોતાનાં સપનાં જાણવાં હતાં. એટલે તેણે હુકમ કર્યો કે જાદુગરો,* તાંત્રિકો, ભૂવાઓ અને ખાલદીઓને* બોલાવવામાં આવે. તેઓ આવ્યા અને રાજાની હજૂરમાં ઊભા રહ્યા.+ ૩ રાજાએ તેઓને કહ્યું: “મને એક સપનું આવ્યું હતું. હું બેચેન થઈ ગયો છું, મારે મારું સપનું જાણવું છે.” ૪ ખાલદીઓએ રાજાને અરામિક ભાષામાં*+ કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! તમારા આ સેવકોને તમારું સપનું જણાવો અને અમે એનો અર્થ જણાવીશું.”

૫ રાજાએ ખાલદીઓને કહ્યું: “જો તમે મારું સપનું અને એનો અર્થ નહિ જણાવો, તો હું તમારા ટુકડે-ટુકડા કરી નાખીશ. હું તમારાં ઘરોને જાહેર શૌચાલય* બનાવી દઈશ. મારો નિર્ણય બદલાશે નહિ. ૬ પણ જો તમે મને એ સપનું અને એનો અર્થ જણાવશો, તો તમને ઘણી ભેટ-સોગાદો અને ઇનામ મળશે, તમારું માન-સન્માન કરવામાં આવશે.+ એટલે મને સપનું અને એનો અર્થ જણાવો.”

૭ તેઓએ રાજાને બીજી વાર કહ્યું: “રાજા, તમે સપનું જણાવો અને અમે એનો અર્થ જણાવીશું.”

૮ રાજાએ કહ્યું: “મને ખબર છે, તમારે સમય જોઈએ છે એટલે મોડું કરી રહ્યા છો. પણ તમે મારો નિર્ણય બરાબર જાણો છો. ૯ જો તમે સપનું નહિ જણાવો, તો તમને બધાને એકસરખી સજા થશે. તમને લાગે છે કે સમય જતાં મારું મન બદલાશે. એટલે તમે ભેગા મળીને મને છેતરવાનું અને જૂઠી વાતો કહેવાનું નક્કી કર્યું છે. પણ તમે મને છેતરી નહિ શકો. પહેલા મને મારું સપનું જણાવો, એટલે મને ખબર પડશે કે તમે એનો અર્થ પણ જણાવી શકો છો.”

૧૦ ખાલદીઓએ રાજાને કહ્યું: “આખી પૃથ્વી પર એવો એકેય માણસ નથી જે રાજાની માંગણી પૂરી કરી શકે. કોઈ પણ મહાન રાજાએ કે રાજ્યપાલે આજ સુધી કોઈ તાંત્રિક કે જાદુગર કે ખાલદીને આવું ફરમાન કર્યું નથી. ૧૧ તમે જે જાણવા ચાહો છો એ બતાવવું ખૂબ અઘરું છે. કોઈ માણસ એ જણાવી શકતો નથી, ફક્ત દેવો જ જણાવી શકે છે, જેઓ માણસોની વચ્ચે રહેતા નથી.”

૧૨ એ સાંભળીને રાજાનો ગુસ્સો ભડકી ઊઠ્યો. તેણે બાબેલોનના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ કર્યો.+ ૧૩ હુકમ બહાર પડ્યા પછી રાજાના માણસો બધા જ્ઞાનીઓને મારી નાખવા નીકળી પડ્યા. તેઓ દાનિયેલ અને તેના સાથીઓને પણ શોધવા લાગ્યા, જેથી તેઓને પણ મારી નાખે.

૧૪ એ સમયે દાનિયેલે સમજી-વિચારીને અને સાવધાનીથી આર્યોખ સાથે વાત કરી. તે રાજાના અંગરક્ષકોનો ઉપરી હતો. તે બાબેલોનના જ્ઞાનીઓને મારી નાખવા નીકળ્યો હતો. ૧૫ દાનિયેલે અંગરક્ષકોના ઉપરી આર્યોખને પૂછ્યું: “રાજાએ આવો કડક હુકમ કેમ બહાર પાડ્યો છે?” આર્યોખે દાનિયેલને આખી વાત જણાવી.+ ૧૬ એટલે દાનિયેલે રાજા પાસે જઈને થોડો સમય માંગ્યો, જેથી તે સપનાનો અર્થ જણાવી શકે.

૧૭ દાનિયેલે ઘરે જઈને પોતાના સાથીઓ હનાન્યા, મીશાએલ અને અઝાર્યાને એ વાત જણાવી. ૧૮ તેણે તેઓને પ્રાર્થના કરવા કહ્યું કે સ્વર્ગના ઈશ્વર દયા બતાવે અને રહસ્ય જણાવે, જેથી બાબેલોનના જ્ઞાનીઓ સાથે દાનિયેલ અને તેના સાથીઓ માર્યા ન જાય.

૧૯ રાતે દર્શનમાં દાનિયેલને એ સપનાનું રહસ્ય જણાવવામાં આવ્યું.+ તેથી દાનિયેલે સ્વર્ગના ઈશ્વરની સ્તુતિ કરી. ૨૦ તેણે કહ્યું:

“યુગોના યુગો સુધી* ઈશ્વરના નામની સ્તુતિ થાય,

તે જ બુદ્ધિ અને સામર્થ્ય આપે છે.+

૨૧ તે સમયો અને ૠતુઓ બદલે છે,+

તે રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે,+

તે બુદ્ધિશાળીને બુદ્ધિ આપે છે અને સમજુને જ્ઞાન આપે છે.+

૨૨ તે ઊંડી અને ગુપ્ત વાતો ખુલ્લી પાડે છે,+

તે જાણે છે કે અંધકારમાં શું છે,+

અજવાળું તેમની સાથે રહે છે.+

૨૩ હે અમારા બાપદાદાઓના ઈશ્વર, હું તમારો આભાર માનું છું, તમારો જયજયકાર કરું છું,

તમે મને બુદ્ધિ અને શક્તિ આપી છે.

અમે તમને જે પૂછ્યું, એ તમે મને જણાવ્યું છે,

રાજાને જે વાતની ચિંતા હતી, એ તમે અમને જણાવી છે.”+

૨૪ દાનિયેલ આર્યોખ પાસે ગયો, જેને રાજાએ બાબેલોનના જ્ઞાનીઓનો નાશ કરવા ઠરાવ્યો હતો.+ દાનિયેલે તેને કહ્યું: “બાબેલોનના જ્ઞાનીઓનો નાશ કરશો નહિ. મને રાજા પાસે લઈ જાઓ. હું તેમના સપનાનો અર્થ જણાવીશ.”

૨૫ આર્યોખ તરત જ દાનિયેલને રાજા પાસે લઈ ગયો. તેણે રાજાને કહ્યું: “યહૂદાના ગુલામોમાંથી* મને એક માણસ મળી આવ્યો છે.+ તે તમારા સપનાનો અર્થ જણાવી શકે છે.” ૨૬ રાજાએ દાનિયેલને, જેનું નામ બેલ્ટશાસ્સાર હતું,+ તેને કહ્યું: “શું તું સાચે જ મારું સપનું અને એનો અર્થ જણાવી શકે છે?”+ ૨૭ દાનિયેલે કહ્યું: “રાજા જે રહસ્ય જાણવા માંગે છે, એ કોઈ જ્ઞાની, તાંત્રિક, જાદુગર કે જ્યોતિષ જણાવી શકતો નથી.+ ૨૮ પણ સ્વર્ગમાં એક ઈશ્વર છે, જે રહસ્યો ખુલ્લાં પાડે છે.+ તેમણે રાજા નબૂખાદનેસ્સારને જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં શું બનવાનું છે. આ તમારું સપનું છે, તમે પલંગ પર સૂતા હતા ત્યારે તમને આ દર્શનો થયાં હતાં:

૨૯ “હે રાજા, તમે સૂતા હતા ત્યારે તમે સપનામાં જોયું* કે ભાવિમાં શું બનવાનું છે. રહસ્યો ખુલ્લાં પાડનાર ઈશ્વરે તમને જણાવ્યું છે કે આવનાર દિવસોમાં શું થશે. ૩૦ હવે હું બીજાઓ કરતાં વધારે બુદ્ધિશાળી છું એટલે નહિ, પણ તમે તમારા હૃદયના વિચારો અને સપનાનો અર્થ સમજી શકો એટલે મને રહસ્ય જણાવવામાં આવ્યું છે.+

૩૧ “હે રાજા, તમે સપનામાં એક મોટી મૂર્તિ* જોઈ. તમારી સામે જે મૂર્તિ હતી, એ ખૂબ વિશાળ અને પ્રકાશથી ઝળહળતી હતી. એનો દેખાવ ખૂબ ડરામણો હતો. ૩૨ એનું માથું ચોખ્ખા સોનાનું હતું,+ એની છાતી અને હાથ ચાંદીનાં હતાં,+ એનું પેટ અને જાંઘ તાંબાનાં હતાં,+ ૩૩ એના પગ લોખંડના હતા,+ એના પગના પંજાનો અમુક ભાગ લોખંડનો અને અમુક ભાગ માટીનો* હતો.+ ૩૪ તમે જોતા હતા એવામાં કોઈ માણસનો હાથ અડ્યા વગર પર્વતમાંથી એક પથ્થર કાપી નંખાયો. એ પથ્થર જઈને લોખંડ અને માટીથી બનેલા પંજાને અથડાયો અને એના ટુકડે-ટુકડા કરી નાખ્યા.+ ૩૫ એ જ સમયે લોખંડ, માટી, તાંબા, ચાંદી અને સોનાના ચૂરેચૂરા થઈ ગયા. એ બધું ઉનાળાની ૠતુમાં ખળીમાં* પડેલાં ફોતરાં જેવું થઈ ગયું. પવન તેઓને એવી રીતે ઉડાવી લઈ ગયો કે તેઓનું નામનિશાન રહ્યું નહિ. પણ જે પથ્થર મૂર્તિ સાથે અથડાયો હતો, એનો મોટો પર્વત બની ગયો અને એનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ.

૩૬ “એ તમારું સપનું હતું અને હવે અમે એનો અર્થ જણાવીશું. ૩૭ હે રાજા, તમે રાજાઓના રાજા છો. સ્વર્ગના ઈશ્વરે તમને રાજ્ય,+ પરાક્રમ, સામર્થ્ય અને ગૌરવ આપ્યું છે. ૩૮ તેમણે તમારા હાથમાં પૃથ્વીના બધા લોકો સોંપ્યા છે. તેમણે તમને પ્રાણીઓ અને પક્ષીઓ પણ આપ્યાં છે. તેમણે એ બધાં પર તમને અધિકાર આપ્યો છે.+ મૂર્તિનું સોનાનું માથું તો તમે છો.+

૩૯ “તમારા પછી બીજું એક રાજ્ય ઊભું થશે.+ પણ એ તમારા કરતાં ઊતરતું હશે. એ પછી ત્રીજું રાજ્ય ઊભું થશે, જે તાંબાનું હશે. એ રાજ્ય આખી પૃથ્વી પર રાજ કરશે.+

૪૦ “ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત હશે.+ જેમ લોખંડ બધી વસ્તુઓને ભાંગીને એના ચૂરેચૂરા કરી નાખે છે, તેમ આ રાજ્ય એની અગાઉનાં બધાં રાજ્યોને ભાંગીને ચૂરેચૂરા કરી નાખશે.+

૪૧ “તમે જોયું કે મૂર્તિના પગનાં પંજાનો અને આંગળીઓનો અમુક ભાગ માટીનો* અને અમુક ભાગ લોખંડનો હતો. એનો અર્થ કે એ રાજ્યના ભાગલા પડી જશે. પણ જેમ તમે માટી સાથે લોખંડ ભળેલું જોયું, તેમ એ રાજ્યનો અમુક ભાગ લોખંડ જેવો મજબૂત હશે. ૪૨ જેમ પગની આંગળીઓનો અમુક ભાગ લોખંડનો અને અમુક ભાગ માટીનો હતો, તેમ રાજ્યનો અમુક ભાગ મજબૂત અને અમુક ભાગ નબળો હશે. ૪૩ તમે જોયું કે લોખંડ માટી સાથે ભળેલું હતું, તેમ રાજ્યનો મજબૂત ભાગ લોકો* સાથે ભળેલો હશે. પણ જેમ માટી લોખંડ સાથે મળી જતી નથી, તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહિ.

૪૪ “એ રાજાઓના દિવસોમાં સ્વર્ગના ઈશ્વર એક રાજ્યની* સ્થાપના કરશે.+ એ રાજ્યનો કદી નાશ થશે નહિ+ કે એને બીજા લોકોના હાથમાં સોંપવામાં આવશે નહિ.+ એ રાજ્ય આ બધાં રાજ્યોને ભાંગીને તેઓનો અંત લાવશે+ અને એ હંમેશાં ટકશે.+ ૪૫ તમે જે જોયું એવું જ થશે. તમે જોયું કે કોઈ માણસનો હાથ અડ્યા વગર પર્વતમાંથી એક પથ્થર કાપી નાખવામાં આવ્યો અને એણે લોખંડ, તાંબા, માટી, ચાંદી અને સોનાના ચૂરેચૂરા કરી નાખ્યા.+ મહાન ઈશ્વરે રાજાને બતાવ્યું છે કે ભાવિમાં શું બનવાનું છે.+ આ સપનું સાચું છે અને એનો અર્થ ભરોસાપાત્ર છે.”

૪૬ ત્યારે રાજા નબૂખાદનેસ્સાર દાનિયેલ આગળ ઘૂંટણિયે પડ્યો. તેણે જમીન સુધી માથું નમાવીને દાનિયેલને માન આપ્યું. તેણે હુકમ આપ્યો કે દાનિયેલને ભેટ-સોગાદો આપવામાં આવે અને તેની આગળ ધૂપ* ચઢાવવામાં આવે. ૪૭ રાજાએ દાનિયેલને કહ્યું: “સાચે જ તારો ઈશ્વર તો ઈશ્વરોનો ઈશ્વર છે, રાજાઓનો રાજા* છે અને રહસ્ય ખુલ્લું પાડનાર ઈશ્વર છે. એટલે જ તું આ રહસ્યનો ખુલાસો કરી શક્યો છે.”+ ૪૮ રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો અને ઉત્તમ ભેટ-સોગાદો આપી. તેણે દાનિયેલને બાબેલોનના પ્રાંતનો* અધિકારી+ અને બાબેલોનના જ્ઞાનીઓનો સરસૂબો* બનાવ્યો. ૪૯ દાનિયેલની વિનંતીથી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને+ બાબેલોનના પ્રાંતનો વહીવટ સોંપ્યો. પણ દાનિયેલ તો રાજાના દરબારમાં સેવા આપતો રહ્યો.

૩ રાજા નબૂખાદનેસ્સારે સોનાની એક મૂર્તિ બનાવી. એ ૬૦ હાથ* ઊંચી અને ૬ હાથ* પહોળી હતી. તેણે એ મૂર્તિ બાબેલોનના પ્રાંતના દૂરાના મેદાનમાં ઊભી કરી. ૨ રાજા નબૂખાદનેસ્સારે સંદેશો મોકલ્યો કે સૂબાઓ,* સરસૂબાઓ, રાજ્યપાલો, સલાહકારો, ખજાનચીઓ, ન્યાયાધીશો, શહેરના ઉચ્ચ અધિકારીઓ* અને પ્રાંતોના બધા વહીવટ કરનારાઓને ભેગા કરવામાં આવે. એ બધાએ રાજાએ ઊભી કરેલી મૂર્તિની પ્રતિષ્ઠા માટે આવવાનું હતું.

૩ એટલે સૂબાઓ, સરસૂબાઓ, રાજ્યપાલો, સલાહકારો, ખજાનચીઓ, ન્યાયાધીશો, શહેરના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાંતોના બધા વહીવટ કરનારાઓ રાજા નબૂખાદનેસ્સારે ઊભી કરેલી મૂર્તિની પ્રતિષ્ઠા માટે આવ્યા. તેઓ રાજાએ ઊભી કરેલી મૂર્તિ આગળ ઊભા રહ્યા. ૪ રાજાના સંદેશવાહકે* જાહેર કર્યું: “હે લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો, તમને હુકમ આપવામાં આવે છે કે, ૫ જ્યારે તમે રણશિંગડું, વાંસળી, વીણા, નાની વીણા, તારવાળાં વાજિંત્રો, મશકવાજું અને બીજાં બધાં વાજિંત્રોનો અવાજ સાંભળો, ત્યારે રાજા નબૂખાદનેસ્સારે ઊભી કરેલી મૂર્તિ આગળ તમારે ઘૂંટણિયે પડવું અને એની પૂજા કરવી. ૬ જે કોઈ ઘૂંટણિયે પડીને એની પૂજા નહિ કરે, તેને તરત જ ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.”+ ૭ હવે રણશિંગડું, વાંસળી, વીણા, નાની વીણા, તારવાળાં વાજિંત્રો, મશકવાજું અને બીજાં બધાં વાજિંત્રોનો અવાજ સંભળાયો. એ સાંભળીને બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો રાજા નબૂખાદનેસ્સારે ઊભી કરેલી મૂર્તિ આગળ ઘૂંટણિયે પડ્યા અને એની પૂજા કરી.

૮ એ સમયે અમુક ખાલદીઓ રાજા પાસે આવ્યા. તેઓએ યહૂદીઓ પર આરોપ મૂક્યો.* ૯ તેઓએ રાજા નબૂખાદનેસ્સારને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! ૧૦ હે રાજા, તમે હુકમ આપ્યો હતો કે રણશિંગડું, વાંસળી, વીણા, નાની વીણા, તારવાળાં વાજિંત્રો, મશકવાજું અને બીજાં બધાં વાજિંત્રોનો અવાજ સંભળાય ત્યારે, દરેક માણસે સોનાની મૂર્તિ આગળ ઘૂંટણિયે પડવું અને એની પૂજા કરવી. ૧૧ તમે એ પણ કહ્યું હતું કે જે કોઈ ઘૂંટણિયે પડીને એની પૂજા નહિ કરે, તેને ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.+ ૧૨ પણ હે રાજા, અમુક યહૂદીઓએ તમારું અપમાન કર્યું છે. તેઓ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો છે,+ જેઓને તમે બાબેલોનના પ્રાંતનો વહીવટ સોંપ્યો છે. તેઓ તમારા દેવોની ભક્તિ કરતા નથી. અરે, તમે ઊભી કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવાની પણ ના પાડે છે!”

૧૩ એ સાંભળીને રાજા નબૂખાદનેસ્સારનો ક્રોધ સળગી ઊઠ્યો. તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બોલાવવાનો હુકમ આપ્યો. તેઓને રાજા આગળ લાવવામાં આવ્યા. ૧૪ નબૂખાદનેસ્સારે તેઓને પૂછ્યું: “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, શું એ સાચું છે કે તમે મારા દેવોને ભજતા નથી+ અને મેં ઊભી કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવાની ના પાડો છો? ૧૫ હવે જો તમે રણશિંગડું, વાંસળી, વીણા, નાની વીણા, તારવાળાં વાજિંત્રો, મશકવાજું અને બીજાં બધાં વાજિંત્રોનો અવાજ સાંભળીને મેં ઊભી કરેલી મૂર્તિ આગળ ઘૂંટણિયે પડીને એની પૂજા કરશો, તો સારું છે. પણ જો તમે એમ નહિ કરો, તો તમને તરત જ ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. પછી જોઈએ, એવો કયો ભગવાન છે, જે તમને મારા હાથમાંથી છોડાવી શકે?”+

૧૬ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ રાજાને કહ્યું: “રાજા નબૂખાદનેસ્સાર, આ વિશે અમારે તમને કંઈ કહેવાની જરૂર નથી. ૧૭ જો અમને ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે, તોપણ જે ઈશ્વરની અમે સેવા કરીએ છીએ તે અમને બચાવી શકે છે. તે અમને તમારા હાથમાંથી પણ છોડાવી શકે છે.+ ૧૮ અને જો તે અમને ન બચાવે, તોપણ હે રાજા, અમે તમને જણાવવા માંગીએ છીએ કે, અમે તમારા દેવોની ભક્તિ કરીશું નહિ કે તમે ઊભી કરેલી સોનાની મૂર્તિની પૂજા કરીશું નહિ.”+

૧૯ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો પર નબૂખાદનેસ્સાર એટલો ગુસ્સે ભરાયો કે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.* તેણે ભઠ્ઠીને સાત ગણી વધારે ગરમ કરવાનો હુકમ કર્યો. ૨૦ તેણે સેનાના અમુક બળવાન માણસોને આદેશ આપ્યો કે તેઓ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાંધીને ધગધગતી ભઠ્ઠીમાં ફેંકી દે.

૨૧ આ ત્રણ માણસોને બાંધી દેવામાં આવ્યા અને તેઓને પહેરેલાં કપડે, એટલે કે તેઓનાં ઝભ્ભા, વસ્ત્રો, ટોપીઓ અને બીજાં કપડાં સાથે ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા. ૨૨ રાજાનો હુકમ ખૂબ કડક હતો અને ભઠ્ઠી ધગધગતી હતી. એટલે જે માણસો શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને ભઠ્ઠી પાસે લઈ ગયા, તેઓ પોતે આગની જ્વાળાઓથી બળીને ખાખ થઈ ગયા. ૨૩ પણ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો બાંધેલી હાલતમાં જ ધગધગતી ભઠ્ઠીમાં પડ્યા.

૨૪ પછી રાજા નબૂખાદનેસ્સાર બહુ જ ગભરાઈ ગયો. તે જલદીથી ઊઠીને ઉચ્ચ અધિકારીઓ પાસે ગયો. તેણે તેઓને પૂછ્યું: “શું આપણે ત્રણ માણસોને બાંધીને આગમાં ફેંક્યા ન હતા?” તેઓએ કહ્યું, “હા, રાજા.” ૨૫ તેણે કહ્યું: “જુઓ! મને તો ચાર માણસો આગમાં છૂટા ફરતા દેખાય છે. તેઓને કંઈ જ થયું નથી. ચોથો તો કોઈ દેવ* જેવો દેખાય છે.”

૨૬ નબૂખાદનેસ્સારે ભઠ્ઠીના દરવાજે આવીને કહ્યું: “હે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, સર્વોચ્ચ ઈશ્વરના સેવકો,+ તમે બહાર નીકળી આવો.” એટલે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો આગમાંથી બહાર આવ્યા. ૨૭ સૂબાઓ, સરસૂબાઓ, રાજ્યપાલો અને રાજાના ઉચ્ચ અધિકારીઓ ભઠ્ઠી આગળ ઊભા હતા.+ તેઓએ જોયું કે આ ત્રણ માણસોને આગની જરાય અસર થઈ ન હતી.+ તેઓનો એકેય વાળ બળ્યો ન હતો. તેઓના ઝભ્ભાને ઊની આંચ પણ આવી ન હતી. તેઓનાં શરીરમાંથી બળવાની વાસ પણ આવતી ન હતી.

૨૮ નબૂખાદનેસ્સારે જાહેર કર્યું: “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ થાય,+ તેણે પોતાનો દૂત* મોકલીને પોતાના સેવકોને બચાવ્યા છે. આ ત્રણ યુવાનોએ પોતાના ઈશ્વરમાં ભરોસો રાખ્યો અને રાજાની આજ્ઞા વિરુદ્ધ ગયા. પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈની ભક્તિ કે સેવા કરવાને બદલે તેઓ મરવા* પણ તૈયાર હતા.+ ૨૯ હું હુકમ આપું છું કે લોકોએ, પ્રજાઓએ કે જુદી જુદી ભાષાના લોકોએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર વિરુદ્ધ એકેય શબ્દ બોલવો નહિ. જે કોઈ એમ કરશે, તેના ટુકડે-ટુકડા કરી નાખવામાં આવશે અને તેના ઘરને જાહેર શૌચાલય* બનાવી દેવામાં આવશે. કેમ કે આ રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર નથી.”+

૩૦ પછી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બાબેલોનના પ્રાંતમાં ઊંચી પદવી આપી.+

૪ “આખી પૃથ્વી પર રહેનાર લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો માટે રાજા નબૂખાદનેસ્સારનો સંદેશો: તમને પુષ્કળ શાંતિ મળે! ૨ સર્વોચ્ચ ઈશ્વરે મને જે જે ચિહ્‍નો અને અદ્‍ભુત કામો બતાવ્યાં છે, એ જાહેર કરવામાં મને ખુશી થાય છે. ૩ તેમનાં ચિહ્‍નો કેટલાં મહાન છે! તેમનાં અદ્‍ભુત કામો કેટલાં શક્તિશાળી છે! તેમનું રાજ્ય હંમેશ માટેનું રાજ્ય છે અને તેમનું રાજ પેઢી દર પેઢી ટકી રહે છે.+

૪ “હું નબૂખાદનેસ્સાર મારા મહેલમાં શાંતિ અને સમૃદ્ધિમાં રહેતો હતો. ૫ એકવાર મેં એક સપનું જોયું અને હું ખૂબ ડરી ગયો. હું પલંગ પર સૂતો હતો ત્યારે મેં એવાં દૃશ્યો અને દર્શનો જોયાં, જેનાથી હું ખૂબ ગભરાઈ ગયો.+ ૬ મેં હુકમ કર્યો કે બાબેલોનના બધા જ્ઞાનીઓને મારી આગળ ભેગા કરવામાં આવે, જેથી તેઓ મારા સપનાનો અર્થ જણાવે.+

૭ “ત્યારે જાદુગરો,* તાંત્રિકો, ખાલદીઓ* અને જ્યોતિષીઓ+ અંદર આવ્યા. મેં તેઓને મારું સપનું જણાવ્યું, પણ તેઓ એનો અર્થ જણાવી શક્યા નહિ.+ ૮ છેલ્લે મારી આગળ દાનિયેલ આવ્યો. મારા દેવના નામ પરથી+ તેનું નામ બેલ્ટશાસ્સાર પાડવામાં આવ્યું હતું.+ તેનામાં પવિત્ર દેવોની શક્તિ હતી.+ મેં તેને મારું સપનું જણાવ્યું:

૯ “‘હે બેલ્ટશાસ્સાર, જાદુગરોના મુખી,+ હું સારી રીતે જાણું છું કે તારામાં પવિત્ર દેવોની શક્તિ છે.+ તારા માટે કોઈ પણ રહસ્યનો ખુલાસો કરવો અઘરું નથી.+ તું મને કહે, મેં સપનામાં જે જોયું એનો શો અર્થ થાય.

૧૦ “‘હું મારા પલંગ પર સૂતો હતો ત્યારે દર્શનોમાં મેં એક ઝાડ જોયું.+ એ ઝાડ પૃથ્વીની વચ્ચોવચ હતું અને બહુ ઊંચું હતું.+ ૧૧ એ વધીને ખૂબ મજબૂત થયું. એની ટોચ છેક આકાશ સુધી પહોંચી હતી, એ પૃથ્વીના ખૂણે ખૂણેથી દેખાતું હતું. ૧૨ એનાં પાંદડાં સુંદર હતાં. એના પર પુષ્કળ ફળ લાગ્યાં હતાં, એના પરથી બધાને ખાવાનું મળતું હતું. જાનવરો એની છાયામાં આશરો લેતાં અને પક્ષીઓ એની ડાળીઓ પર રહેતાં. એનાથી બધાનું પોષણ થતું.

૧૩ “‘હું પલંગ પર સૂતો હતો ત્યારે મેં દર્શનોમાં જોયું કે એક ચોકીદાર, પવિત્ર સંદેશવાહક સ્વર્ગમાંથી નીચે ઊતરી રહ્યો હતો.+ ૧૪ તેણે મોટેથી પોકાર કર્યો: “એ ઝાડ કાપી નાખો,+ એની ડાળીઓ કાપી નાખો. એનાં પાંદડાં ખંખેરી નાખો અને એનાં ફળ વિખેરી નાખો. એની નીચેથી જાનવરોને ભાગી જવા દો અને ડાળીઓ પરથી પક્ષીઓને ઊડી જવા દો. ૧૫ પણ એના ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં રહેવા દો. એને લોખંડ અને તાંબાના બંધનથી બાંધીને મેદાનનાં ઘાસ વચ્ચે રહેવા દો. એને આકાશના ઝાકળથી પલળવા દો અને જાનવરો સાથે પૃથ્વીનાં ઘાસ વચ્ચે રહેવા દો.+ ૧૬ એનું માનવી હૃદય બદલાઈને જાનવરના હૃદય જેવું થઈ જાઓ. એના માથે સાત સમયો*+ વીતવા દો.+ ૧૭ એ હુકમ ચોકીદારોએ આપ્યો છે+ અને એ આજ્ઞા પવિત્ર સંદેશવાહકોએ આપી છે, જેથી બધા લોકો જાણે કે મનુષ્યના રાજ્ય પર સર્વોચ્ચ ઈશ્વર રાજ કરે છે.+ તે ચાહે તેને એ રાજ સોંપે છે અને નાનામાં નાના માણસને પણ રાજગાદીએ બેસાડે છે.”

૧૮ “‘મેં નબૂખાદનેસ્સાર રાજાએ એ સપનું જોયું. હવે હે બેલ્ટશાસ્સાર, તું મને એનો અર્થ જણાવ. મારા આખા સામ્રાજ્યમાં એકેય જ્ઞાની માણસ એનો અર્થ જણાવી શક્યો નથી.+ પણ તું એ જણાવી શકે છે, કેમ કે તારામાં પવિત્ર દેવોની શક્તિ છે.’

૧૯ “એ સમયે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર હતું,+ એક પળ માટે સ્તબ્ધ થઈ ગયો. તે પોતાના મનના વિચારોથી ગભરાઈ ગયો.

“રાજાએ તેને કહ્યું, ‘બેલ્ટશાસ્સાર, તું સપનાથી અને એના અર્થથી ગભરાઈશ નહિ.’

“બેલ્ટશાસ્સારે કહ્યું, ‘મારા માલિક, એ સપનું તમારા પર નહિ, પણ તમને નફરત કરનાર પર પૂરું થાય અને એનો અર્થ તમારા દુશ્મનોને લાગુ પડે.

૨૦ “‘તમે એક ઝાડ જોયું હતું. એ વધીને ખૂબ મજબૂત થયું હતું, એની ટોચ છેક આકાશ સુધી પહોંચી હતી અને એ પૃથ્વીના ખૂણે ખૂણેથી દેખાતું હતું.+ ૨૧ એનાં પાંદડાં સુંદર હતાં, એ ફળોથી લચી પડ્યું હતું, એના પરથી બધાને ખાવાનું મળતું, એની છાયામાં જાનવરો આશરો લેતાં અને એની ડાળીઓ પર પક્ષીઓ રહેતાં.+ ૨૨ હે રાજા, એ ઝાડ તમે છો. કેમ કે તમે મહાન અને બળવાન થયા છો. તમારું ગૌરવ વધીને છેક આકાશ સુધી પહોંચ્યું છે.+ તમારું રાજ પૃથ્વીના ખૂણે ખૂણે ફેલાયું છે.+

૨૩ “‘રાજાએ એક ચોકીદારને, પવિત્ર સંદેશવાહકને+ સ્વર્ગમાંથી નીચે ઊતરતા જોયો હતો. તે મોટેથી પોકાર કરીને કહેતો હતો: “એ ઝાડ કાપી નાખો, એનો નાશ કરી નાખો. પણ એના ઠૂંઠાને મૂળ સાથે જમીનમાં રહેવા દો. લોખંડ અને તાંબાના બંધનથી બાંધીને એને મેદાનનાં ઘાસ વચ્ચે રહેવા દો. એના માથે સાત સમયો* વીતે ત્યાં સુધી એને આકાશના ઝાકળથી પલળવા દો અને જાનવરો સાથે પૃથ્વીનાં ઘાસ વચ્ચે રહેવા દો.”+ ૨૪ હે રાજા, મારા માલિક, તમારા સપનાનો અર્થ સાંભળો. સર્વોચ્ચ ઈશ્વરે જે ચુકાદો આપ્યો છે, એ તમારા પર આવી પડશે. ૨૫ તમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે. તમે જંગલી જાનવરો સાથે રહેશો અને બળદની* જેમ ઘાસ ખાશો. તમે આકાશના ઝાકળથી પલળશો+ અને તમારા માથે સાત સમયો*+ વીતશે.+ પછી તમને સમજાશે કે મનુષ્યનાં રાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વરનું રાજ છે અને તે ચાહે તેને એ રાજ સોંપે છે.+

૨૬ “‘પણ તેઓએ ઝાડના ઠૂંઠાને એના મૂળ સાથે રહેવા દેવાનું કહ્યું હતું.+ એનો અર્થ થાય, જ્યારે તમે સ્વીકારશો કે સ્વર્ગમાં એક ઈશ્વર રાજ કરી રહ્યા છે,* ત્યારે તમારું રાજ્ય તમને પાછું સોંપવામાં આવશે. ૨૭ એટલે હે રાજા, કૃપા કરીને મારી સલાહ સ્વીકારો. પાપ કરવાનું છોડીને સારાં કામો કરો, દુષ્ટ કામો છોડીને ગરીબોને દયા બતાવો. એમ કરવાથી કદાચ તમારી શાંતિ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી રહેશે.’”+

૨૮ એ બધું રાજા નબૂખાદનેસ્સાર પર આવી પડ્યું.

૨૯ એ સપનાને બાર મહિના વીતી ગયા. પછી એક દિવસે રાજા બાબેલોનના મહેલની છત પર લટાર મારતો હતો. ૩૦ રાજાએ કહ્યું: “આ મહાન બાબેલોન નગરી તો જુઓ! મેં મારા સામર્થ્ય અને તાકાતથી એને બાંધી છે, જેથી એ મારો રાજમહેલ બને અને એનાથી મારું ગૌરવ અને માન-મોભો વધે.”

૩૧ હજી તો રાજા બોલતો હતો એવામાં આકાશમાંથી એક અવાજ સંભળાયો: “હે નબૂખાદનેસ્સાર રાજા, આ સંદેશો તારા માટે છે, ‘તારી પાસેથી રાજ્ય લઈ લેવામાં આવ્યું છે.+ ૩૨ તને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તું જંગલી જાનવરો સાથે રહીશ અને બળદની જેમ ઘાસ ખાઈશ. તારા માથે સાત સમયો* વીતશે. પછી તને સમજાશે કે મનુષ્યનાં રાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વરનું રાજ છે અને તે ચાહે તેને એ રાજ સોંપે છે.’”+

૩૩ એ જ ઘડીએ નબૂખાદનેસ્સાર પર એ શબ્દો પૂરા થયા. તેને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તે બળદની જેમ ઘાસ ખાવા લાગ્યો. આકાશના ઝાકળથી તે પલળ્યો. તેના વાળ વધીને ગરુડનાં પીંછાં જેવા અને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા.+

૩૪ “એ સમયના અંતે,+ મેં નબૂખાદનેસ્સારે આકાશો તરફ જોયું. મારી સમજશક્તિ પાછી આવી. મેં સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી, જે હંમેશાં જીવે છે. મેં તેમનો જયજયકાર કર્યો અને તેમને મહિમા આપ્યો. કેમ કે તેમનું રાજ કાયમનું રાજ છે અને તેમનું રાજ્ય પેઢી દર પેઢી ટકી રહે છે.+ ૩૫ તેમની આગળ પૃથ્વીના રહેવાસીઓની કોઈ વિસાત નથી. તે આકાશનાં સૈન્યો અને પૃથ્વીના રહેવાસીઓ સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે છે. તેમને કોઈ રોકી શકતું નથી,+ તેમને કોઈ પૂછી શકતું નથી, ‘આ તમે શું કર્યું?’+

૩૬ “એ સમયે મારી સમજશક્તિ પાછી આવી. મારા રાજ્યનું ગૌરવ, મારો માન-મોભો અને મારો વૈભવ મને પાછો મળ્યો.+ મારા ઉચ્ચ અધિકારીઓ અને પ્રધાનો ફરીથી મારી સલાહ લેવા લાગ્યા. મને મારું રાજ્ય પાછું સોંપવામાં આવ્યું. મને પહેલાં કરતાં પણ વધારે માન આપવામાં આવ્યું.

૩૭ “હવે હું રાજા નબૂખાદનેસ્સાર, સ્વર્ગના રાજાની સ્તુતિ કરું છું. હું તેમનો જયજયકાર કરું છું અને તેમને મહિમા આપું છું.+ કેમ કે તેમનાં કામો સાચાં અને તેમના માર્ગો ન્યાયી છે.+ તે ઘમંડી લોકોને નીચા પાડી શકે છે.”+

૫ રાજા બેલ્શાસ્સારે+ પોતાના એક હજાર પ્રધાનોને મોટી મિજબાની આપી. તે તેઓની આગળ દ્રાક્ષદારૂ પીતો હતો.+ ૨ દારૂના નશામાં તેણે સોના-ચાંદીનાં એ વાસણો લાવવાની આજ્ઞા કરી, જે તેનો પિતા* નબૂખાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી લૂંટી લાવ્યો હતો.+ તેણે એ વાસણો મંગાવ્યા જેથી તે, તેના પ્રધાનો, તેની ઉપપત્નીઓ અને તેની બીજી પત્નીઓ એમાં દ્રાક્ષદારૂ પી શકે. ૩ યરૂશાલેમમાં આવેલા મંદિરમાંથી, એટલે કે ઈશ્વરના ઘરમાંથી લૂંટેલાં સોનાનાં વાસણો તેઓ લઈ આવ્યા. પછી રાજાએ, તેના પ્રધાનોએ, તેની ઉપપત્નીઓએ અને તેની બીજી પત્નીઓએ એમાં દ્રાક્ષદારૂ પીધો. ૪ તેઓએ દ્રાક્ષદારૂ પીને સોના-ચાંદીના દેવોની અને તાંબાના, લોખંડના, લાકડાના અને પથ્થરના દેવોની સ્તુતિ કરી.

૫ એ જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ. રાજાના મહેલમાં દીવીની સામેની દીવાલ* પર એ લખવા લાગી. રાજાએ જોયું કે એ હાથ કંઈક લખી રહ્યો હતો. ૬ એ જોઈને રાજાનો ચહેરો ફિક્કો પડી ગયો. તે પોતાના વિચારોથી ગભરાઈ ગયો. તેના પગ ઢીલા પડી ગયા+ અને તેનાં ઘૂંટણો એકબીજા સાથે અથડાવા લાગ્યા.

૭ રાજાએ મોટેથી બૂમ પાડીને હુકમ આપ્યો કે તાંત્રિકો, ખાલદીઓ* અને જ્યોતિષીઓને બોલાવવામાં આવે.+ તેણે બાબેલોનના જ્ઞાનીઓને કહ્યું: “જે માણસ આ લખાણ વાંચી આપશે અને એનો અર્થ કહેશે, તેને જાંબુડિયા રંગનાં કપડાં અને સોનાનો હાર પહેરાવવામાં આવશે.+ તેને આ રાજ્યમાં ત્રીજું સ્થાન આપવામાં આવશે.”+

૮ રાજાના બધા જ્ઞાનીઓ અંદર આવ્યા. પણ તેઓ એ લખાણ વાંચી શક્યા નહિ કે રાજાને એનો અર્થ જણાવી શક્યા નહિ.+ ૯ રાજા બેલ્શાસ્સાર ખૂબ ગભરાઈ ગયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેના પ્રધાનો મૂંઝાઈ ગયા.+

૧૦ રાજા અને તેના પ્રધાનોની વાત સાંભળીને રાણી* મિજબાનીના ઓરડામાં આવી. રાણીએ કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! તમારો ચહેરો કેમ ફિક્કો પડી ગયો છે? તમારે ડરવાની કોઈ જરૂર નથી. ૧૧ તમારા રાજ્યમાં એક માણસ* છે, જેનામાં પવિત્ર દેવોની શક્તિ છે. તમારા પિતાના* દિવસોમાં તેનામાં અદ્‍ભુત જ્ઞાન, ઊંડી સમજણ અને દેવો જેવી બુદ્ધિ જોવા મળી હતી.+ તમારા પિતા* નબૂખાદનેસ્સાર રાજાએ તેને જાદુગરો,* તાંત્રિકો, ખાલદીઓ* અને જ્યોતિષીઓનો મુખી બનાવ્યો હતો.+ હા, તમારા પિતાએ* એવું કર્યું હતું. ૧૨ દાનિયેલ, જેનું નામ રાજાએ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું,+ તે બહુ બુદ્ધિશાળી હતો. તેનામાં અદ્‍ભુત જ્ઞાન હતું. તેની પાસે સપનાંનો અર્થ જણાવવાની, ઉખાણાં ઉકેલવાની અને ગૂંચવણભરી સમસ્યાનો હલ લાવવાની* ઊંડી સમજણ હતી.+ હવે દાનિયેલને બોલાવો અને તે તમને આ લખાણનો અર્થ જણાવશે.”

૧૩ દાનિયેલને રાજા આગળ લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછ્યું: “શું તું એ જ દાનિયેલ છે, જેને મારા પિતા* યહૂદામાંથી ગુલામ બનાવીને લાવ્યા હતા?+ ૧૪ મેં સાંભળ્યું છે કે તારામાં પવિત્ર દેવોની શક્તિ છે.+ તારામાં અદ્‍ભુત જ્ઞાન, ઊંડી સમજણ અને અજોડ બુદ્ધિ છે.+ ૧૫ આ લખાણ વાંચવા અને એનો અર્થ જણાવવા જ્ઞાનીઓને અને તાંત્રિકોને મારી આગળ બોલાવવામાં આવ્યા હતા. પણ તેઓ આ સંદેશાનો અર્થ જણાવી શક્યા નહિ.+ ૧૬ મેં સાંભળ્યું છે કે તું રહસ્યનો ખુલાસો કરી શકે છે+ અને ગૂંચવણભરી સમસ્યાનો હલ લાવી શકે છે.* જો તું આ લખાણ વાંચી આપે અને એનો અર્થ જણાવે, તો તને જાંબુડિયા રંગનાં કપડાં અને સોનાનો હાર પહેરાવવામાં આવશે. તને આ રાજ્યમાં ત્રીજું સ્થાન આપવામાં આવશે.”+

૧૭ દાનિયેલે રાજાને કહ્યું: “મારે એ ભેટ-સોગાદો નથી જોઈતી, તમે એ બીજા કોઈને આપી દો. પણ હું તમને આ લખાણ વાંચી આપીશ અને એનો અર્થ જણાવીશ. ૧૮ હે રાજા, સર્વોચ્ચ ઈશ્વરે તમારા પિતા* નબૂખાદનેસ્સારને રાજ્ય, મહાનતા, માન-સન્માન અને ઘણું ગૌરવ આપ્યું હતું.+ ૧૯ ઈશ્વરે આપેલી મહાનતાને લીધે લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો તમારા પિતા આગળ થરથર કાંપતા હતા.+ તે ચાહે તેને મારી નાખતા, ચાહે તેને જીવતદાન આપતા. તે ચાહે તેને ઊંચો કરતા, ચાહે તેને નીચો પાડતા.+ ૨૦ પણ તેમનું દિલ ઘમંડથી ભરાઈ ગયું ત્યારે તે હઠીલા બન્યા અને અહંકારથી વર્ત્યા.+ તેમને રાજગાદી પરથી ઉતારી દેવામાં આવ્યા અને તેમનો માન-મોભો લઈ લેવામાં આવ્યો. ૨૧ તેમને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમનું હૃદય બદલાઈને જાનવરના હૃદય જેવું થઈ ગયું. તે જંગલી ગધેડાં સાથે રહ્યા. તેમણે બળદની જેમ ઘાસ ખાધું. આકાશના ઝાકળથી તે પલળ્યા. પછી તેમને સમજાયું કે મનુષ્યના રાજ્ય પર સર્વોચ્ચ ઈશ્વર રાજ કરે છે અને તે ચાહે તેને એ રાજ સોંપે છે.+

૨૨ “પણ રાજા બેલ્શાસ્સાર, તેમના દીકરા,* આ બધું જાણવા છતાં તમે પોતાને નમ્ર કર્યા નથી. ૨૩ તમે સ્વર્ગના પ્રભુ વિરુદ્ધ પોતાને ઊંચા કર્યા છે.+ તમે તેમના મંદિરનાં વાસણો અહીં મંગાવ્યાં છે.+ તમે, તમારા પ્રધાનો, તમારી ઉપપત્નીઓ અને તમારી બીજી પત્નીઓએ એમાં દ્રાક્ષદારૂ પીધો છે. તમે સોના-ચાંદીના દેવોની અને તાંબાના, લોખંડના, લાકડાના અને પથ્થરના દેવોની સ્તુતિ કરી છે. એ દેવો તો કંઈ જોઈ શકતા નથી કે સાંભળી શકતા નથી કે કંઈ જાણતા નથી.+ પણ જે ઈશ્વરના હાથમાં તમારું જીવન+ અને તમારાં કામો છે, એ ઈશ્વરને તમે મહિમા આપ્યો નહિ. ૨૪ એટલે ઈશ્વરે એ હાથ મોકલ્યો અને એ લખાણ લખાયું.+ ૨૫ એ લખાણ આ હતું: મેને, મેને, તકેલ અને પાર્સિન.*

૨૬ “એ શબ્દોનો અર્થ આ છે: મેને, એટલે કે ઈશ્વરે તમારા રાજ્યના દિવસો ગણ્યા છે અને એનો અંત લાવ્યા છે.+

૨૭ “તકેલ, એટલે કે તમને ત્રાજવામાં તોળવામાં આવ્યા છે અને તમે ઊણા ઊતર્યા છો.

૨૮ “પેરસ, એટલે કે તમારા રાજ્યના ભાગલા પડ્યા છે અને એ માદીઓને અને ઈરાનીઓને* આપી દેવામાં આવ્યું છે.”+

૨૯ પછી બેલ્શાસ્સારની આજ્ઞાથી દાનિયેલને જાંબુડિયા રંગનાં કપડાં અને સોનાનો હાર પહેરાવવામાં આવ્યાં. એવી જાહેરાત કરવામાં આવી કે દાનિયેલને રાજ્યમાં ત્રીજું સ્થાન આપવામાં આવશે.+

૩૦ એ જ રાતે ખાલદી રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.+ ૩૧ પછી રાજ્ય માદાયના દાર્યાવેશને+ મળ્યું, જે આશરે ૬૨ વર્ષનો હતો.

૬ દાર્યાવેશ રાજાએ આખા રાજ્યમાં ૧૨૦ સૂબાઓ નીમવાનું નક્કી કર્યું.+ ૨ એ સૂબાઓનું+ કામકાજ જોવા રાજાએ ત્રણ ઉચ્ચ અધિકારીઓ નીમ્યા, જેથી તેને કોઈ ખોટ ન જાય. એમાંનો એક ઉચ્ચ અધિકારી દાનિયેલ હતો.+ ૩ તે ખૂબ જ બુદ્ધિશાળી હતો.+ તે બીજા ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ કરતાં વધારે કુશળ હતો. રાજાએ તેને આખા રાજ્ય પર ઊંચી પદવી આપવાનું નક્કી કર્યું હતું.

૪ એ સમયગાળામાં ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ રાજ્યને લગતા કામકાજમાં દાનિયેલની ભૂલો શોધવા લાગ્યા, જેથી તેના પર આરોપ મૂકી શકે. પણ દાનિયેલ પર આરોપ મૂકવા તેઓને કોઈ બહાનું કે દોષ મળ્યો નહિ, કેમ કે તે ભરોસાપાત્ર હતો, ચીવટથી કામ કરતો હતો અને વફાદારીથી પોતાની ફરજ નિભાવતો હતો. ૫ એ માણસો કહેવા લાગ્યા: “આ દાનિયેલના કામકાજમાં તો આપણને એકેય ભૂલ મળવાની નથી. તેના પર આરોપ મૂકવા આપણે તેની ભક્તિ* સંબંધી જ કંઈક શોધી કાઢવું પડશે.”+

૬ એ ઉચ્ચ અધિકારીઓ અને સૂબાઓ ભેગા મળીને રાજા પાસે ગયા. તેઓએ રાજાને કહ્યું: “મહારાજા દાર્યાવેશ, તમે અમર રહો! ૭ બધા રાજ્ય અધિકારીઓ, સરસૂબાઓ, સૂબાઓ, મંત્રીઓ અને રાજ્યપાલોએ ચર્ચા-વિચારણા કરી છે. અમે ચાહીએ છીએ કે તમે એક મનાઈ હુકમ બહાર પાડો. આવનાર ૩૦ દિવસ સુધી જો કોઈ માણસ તમારા સિવાય બીજા કોઈ માણસ કે દેવને અરજ કરે, તો તેને સિંહોના બીલમાં* નાખી દેવામાં આવે.+ ૮ હે મહારાજા, તમે ફરમાન બહાર પાડો અને એના પર સહી કરો,+ જેથી એને બદલી ન શકાય. કેમ કે માદીઓ અને ઈરાનીઓનો નિયમ કદી બદલાતો નથી.”+

૯ રાજા દાર્યાવેશે મનાઈ હુકમ પર સહી કરી.

૧૦ રાજાએ મનાઈ હુકમ પર સહી કરી છે એ વિશે જાણ્યું કે તરત દાનિયેલ પોતાના ઘરે ગયો. (તેના ઘરની ઉપરની ઓરડીની બારીઓ યરૂશાલેમ તરફ ખુલતી હતી.)+ તે અગાઉ કરતો હતો તેમ તેણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી અને પોતાના ઈશ્વરની સ્તુતિ કરી. ૧૧ એવામાં પેલા માણસો દાનિયેલના ઘરમાં ઘૂસી ગયા. તેઓએ જોયું કે દાનિયેલ પોતાના ઈશ્વરને પ્રાર્થના અને અરજ કરતો હતો.

૧૨ એ માણસો રાજા પાસે ગયા અને મનાઈ હુકમ વિશે યાદ અપાવતા કહ્યું: “હે મહારાજા, શું તમે એવા મનાઈ હુકમ પર સહી કરી ન હતી કે આવનાર ૩૦ દિવસ સુધી જો કોઈ માણસ તમારા સિવાય બીજા કોઈ માણસ કે દેવને અરજ કરે, તો તેને સિંહોના બીલમાં નાખી દેવામાં આવે?” રાજાએ કહ્યું: “હા, માદીઓ અને ઈરાનીઓના નિયમ મુજબ એ મનાઈ હુકમ બહાર પાડવામાં આવ્યો છે, જેને કોઈ બદલી શકતું નથી.”+ ૧૩ તેઓએ તરત જ રાજાને કહ્યું: “યહૂદાના એક ગુલામે, પેલા દાનિયેલે+ તમારું અપમાન કર્યું છે. તેણે તમારા મનાઈ હુકમનો અનાદર કર્યો છે, જેના પર તમે પોતે સહી કરી હતી. તે દિવસમાં ત્રણ વાર પોતાના ઈશ્વરને પ્રાર્થના કરે છે.”+ ૧૪ એ શબ્દો સાંભળતાં જ રાજા દુઃખી દુઃખી થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે દાનિયેલને કઈ રીતે બચાવી શકાય. સૂર્ય આથમતાં સુધી તેણે દાનિયેલને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. ૧૫ પેલા માણસો ભેગા થઈને રાજા પાસે પાછા ગયા. તેઓએ રાજાને કહ્યું: “હે અમારા માલિક, તમે સારી રીતે જાણો છો કે માદીઓ અને ઈરાનીઓના નિયમ પ્રમાણે જો રાજા કોઈ મનાઈ હુકમ કે ફરમાન બહાર પાડે તો એને બદલી શકાતું નથી.”+

૧૬ રાજાએ હુકમ કર્યો અને તેઓ દાનિયેલને લઈ આવ્યા. તેઓએ દાનિયેલને સિંહોના બીલમાં નાખી દીધો.+ રાજાએ દાનિયેલને કહ્યું: “તારો ઈશ્વર, જેની તું હંમેશાં ભક્તિ કરે છે, તે તને બચાવશે.” ૧૭ પછી એક પથ્થર લાવીને બીલનું મોં બંધ કરવામાં આવ્યું. રાજાએ પોતાની વીંટીથી* અને પ્રધાનોની વીંટીથી એના પર મહોર* કરી, જેથી દાનિયેલ વિશે લીધેલો નિર્ણય બદલી ન શકાય.

૧૮ રાજા પોતાના મહેલમાં પાછો ગયો. તેણે આખી રાત કંઈ ખાધું-પીધું નહિ. તેણે નાચ-ગાન જોવાની પણ ના પાડી દીધી.* તે રાતભર ઊંઘી શક્યો નહિ.* ૧૯ વહેલી સવારે ઊઠીને રાજા ઉતાવળે સિંહોના બીલ પાસે ગયો. ૨૦ બીલ નજીક પહોંચતાં જ તેણે દુઃખી અવાજે દાનિયેલને બૂમ પાડી. તેણે કહ્યું: “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જે ઈશ્વરની તું હંમેશાં ભક્તિ કરે છે, તે શું તને સિંહોના મોંમાંથી બચાવી શક્યો છે?” ૨૧ દાનિયેલે તરત જવાબ આપ્યો: “રાજાજી, તમે જુગ જુગ જીવો! ૨૨ મારા ઈશ્વરે દૂત મોકલીને સિંહોનાં મોં બંધ કરી દીધાં+ અને સિંહોએ મને કંઈ ઈજા કરી નથી.+ કેમ કે મારા ઈશ્વરની નજરમાં હું નિર્દોષ છું અને મારા માલિક, મેં તમારું પણ કંઈ ખોટું કર્યું નથી.”

૨૩ રાજા બહુ ખુશ થઈ ગયો. તેણે આજ્ઞા આપી કે દાનિયેલને સિંહોના બીલમાંથી બહાર કાઢવામાં આવે. દાનિયેલને બહાર કાઢવામાં આવ્યો. તેને જરાય ઈજા થઈ ન હતી, કેમ કે તેણે પોતાના ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.+

૨૪ રાજાએ હુકમ કર્યો કે દાનિયેલ પર આરોપ મૂકનારાઓને લાવવામાં આવે. પછી તેઓને, તેઓની પત્નીઓને અને તેઓનાં બાળકોને સિંહોના બીલમાં ફેંકી દેવામાં આવ્યાં. તેઓ હજી તળિયે પહોંચે ત્યાં સુધીમાં તો સિંહોએ તેઓ પર તરાપ મારી અને તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં.+

૨૫ રાજા દાર્યાવેશે પૃથ્વીના બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકોને એક સંદેશો લખીને મોકલ્યો:+ “તમને બધાને પુષ્કળ શાંતિ મળે! ૨૬ હું એક હુકમ બહાર પાડું છું, મારા આખા સામ્રાજ્યમાં રહેતા બધા લોકો દાનિયેલના ઈશ્વરનો આદર કરે અને તેનો ડર રાખે.+ તેનો ઈશ્વર જીવંત અને સનાતન છે. તેનું રાજ* સર્વકાળ ટકી રહે છે, તેના રાજ્યનો ક્યારેય નાશ થશે નહિ.+ ૨૭ તે પોતાના ભક્તોને છોડાવે છે અને બચાવે છે.+ તે આકાશમાં અને પૃથ્વી પર ચિહ્‍નો અને અદ્‍ભુત કામો કરે છે.+ એ ઈશ્વરે દાનિયેલને સિંહોના પંજામાંથી છોડાવ્યો છે.”

૨૮ આમ, દાર્યાવેશના+ રાજ્યમાં અને ઈરાની રાજા કોરેશના+ રાજ્યમાં દાનિયેલ સફળ થયો.

૭ બાબેલોનના રાજા બેલ્શાસ્સારના+ રાજના પહેલા વર્ષે દાનિયેલે એક સપનું જોયું. તે પલંગ પર સૂતો હતો ત્યારે તેણે દર્શનો જોયાં.+ તેણે એ સપનું લખી લીધું.+ તેણે જે કંઈ જોયું હતું એ બધાનો અહેવાલ નોંધી લીધો. ૨ દાનિયેલે કહ્યું:

“હું દર્શનો જોતો હતો એવામાં જુઓ! આકાશની ચાર દિશાઓથી ભારે પવન ફૂંકાયો અને* વિશાળ સમુદ્રને હચમચાવી નાખ્યો.+ ૩ સમુદ્રમાંથી ચાર કદાવર જાનવરો+ બહાર આવ્યાં. તેઓ એકબીજા કરતાં એકદમ અલગ હતાં.

૪ “પહેલું જાનવર સિંહ જેવું હતું.+ તેને ગરુડના જેવી પાંખો હતી.+ હું જોતો હતો એવામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. તેને પૃથ્વી પરથી ઊંચકવામાં આવ્યું અને માણસની જેમ બે પગ પર ઊભું રાખવામાં આવ્યું. તેને માણસના જેવું હૃદય આપવામાં આવ્યું.

૫ “પછી મને બીજું એક જાનવર દેખાયું. તે રીંછ જેવું હતું.+ તેનો એક પંજો ઊંચો રાખવામાં આવ્યો હતો. તેના દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું: ‘ઊભું થા, પુષ્કળ માંસ ખા.’+

૬ “હું જોતો હતો એવામાં મને ત્રીજું જાનવર દેખાયું. તે દીપડા જેવું હતું.+ તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી. તેને ચાર માથાં હતાં+ અને તેને રાજ કરવાનો અધિકાર આપવામાં આવ્યો.

૭ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં મને ચોથું જાનવર દેખાયું. તે ખૂબ ડરામણું, ભયાનક અને અતિશય શક્તિશાળી હતું. તેને લોખંડના મોટા મોટા દાંત હતા. તે પોતાની આસપાસનું બધું ફાડી ખાતું અને કચડી નાખતું અને બાકીનું બધું પગ નીચે ખૂંદી નાખતું.+ તે અગાઉનાં બધાં જાનવરો કરતાં એકદમ અલગ હતું. તેને દસ શિંગડાં હતાં. ૮ હું એ શિંગડાં જોઈને એના પર વિચાર કરતો હતો એવામાં તેઓની વચ્ચે એક નાનું શિંગડું+ ફૂટી નીકળ્યું. એની માટે જગ્યા કરવા પહેલાંનાં શિંગડાંમાંથી ત્રણ શિંગડાં પાડી નાખવામાં આવ્યાં. એ નાના શિંગડાને માણસના જેવી આંખો હતી અને એનું મોં ઘમંડથી વાતો કરતું હતું.*+

૯ “હું જોતો હતો એવામાં રાજગાદીઓ ગોઠવવામાં આવી અને એક વયોવૃદ્ધ*+ બિરાજમાન થયા.+ તેમનાં કપડાં હિમ જેવા ઊજળાં હતાં.+ તેમના માથાના વાળ ઊન જેવા સફેદ હતા. તેમની રાજગાદી આગની જ્વાળાઓ જેવી હતી અને એનાં પૈડાં સળગતી આગ જેવાં હતાં.+ ૧૦ આગની ધારા નીકળીને તેમની આગળ વહેતી હતી.+ હજારો ને હજારો* તેમની સેવા કરતા હતા અને લાખો ને લાખો* તેમની આગળ ઊભા હતા.+ અદાલત+ ભરાઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં.

૧૧ “એ શિંગડું ઘમંડી* વાતો+ કરતું હતું, એ હું જોતો રહ્યો. હું જોતો હતો એવામાં એ જાનવરને મારી નાખવામાં આવ્યું. તેનો નાશ કરવામાં આવ્યો અને તેની લાશ આગમાં બાળી નાખવામાં આવી. ૧૨ પછી બાકીનાં જાનવરો+ પાસેથી અધિકાર છીનવી લેવામાં આવ્યો. તેઓને એક સમય અને એક ૠતુ માટે જીવતા રાખવામાં આવ્યાં.

૧૩ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં જુઓ! આકાશનાં વાદળો સાથે માણસના દીકરા+ જેવા કોઈકને મેં આવતા જોયો. તેને વયોવૃદ્ધ+ પાસે જવાની મંજૂરી મળી. તેઓ તેને વયોવૃદ્ધ આગળ લાવ્યા. ૧૪ તેને સત્તા,+ માન+ અને રાજ્ય આપવામાં આવ્યું, જેથી બધા લોકો, પ્રજાઓ અને જુદી જુદી ભાષાના લોકો તેની સેવા કરે.+ તેની સત્તા કાયમ માટે છે, એનો કદી અંત નહિ આવે અને તેના રાજ્યનો કદી નાશ નહિ થાય.+

૧૫ “એ દર્શનોને લીધે હું ખૂબ ગભરાઈ ગયો, મારો જીવ ઊંચો-નીચો થઈ ગયો.+ ૧૬ ત્યાં ઊભેલા દૂતોમાંથી એકને મેં એ બધાનો અર્થ પૂછ્યો. એટલે તેણે મને એનો અર્થ જણાવ્યો.

૧૭ “‘એ ચાર કદાવર જાનવરો+ ચાર રાજાઓ છે, જેઓ પૃથ્વી પરથી ઊભા થશે.+ ૧૮ પણ સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનો+ રાજ્ય* મેળવશે.+ એ રાજ્ય યુગોના યુગો માટે, હા, સદાને માટે તેઓનું જ રહેશે.’+

૧૯ “મારે પેલા ચોથા જાનવર વિશે વધારે જાણવું હતું, જે બધાં કરતાં એકદમ અલગ હતું. તે ખૂબ ભયાનક હતું. તેને લોખંડના દાંત અને તાંબાના પંજા હતા. તે પોતાની આસપાસનું બધું ફાડી ખાતું અને કચડી નાખતું અને બાકીનું પગ નીચે ખૂંદી નાખતું.+ ૨૦ મારે તેના માથાનાં દસ શિંગડાં+ વિશે જાણવું હતું. મારે પેલા શિંગડા વિશે પણ જાણવું હતું, જેની આગળ ત્રણ શિંગડાં પડી ગયાં.+ એ શિંગડાને આંખો હતી અને એનું મોં ઘમંડથી વાતો કરતું હતું.* એ શિંગડું બીજાઓ કરતાં મોટું દેખાતું હતું.

૨૧ “હું જોતો હતો એવામાં એ શિંગડાએ પવિત્ર જનો સામે યુદ્ધ કર્યું. એ ત્યાં સુધી તેઓ પર જીત મેળવતું રહ્યું,+ ૨૨ જ્યાં સુધી વયોવૃદ્ધે+ આવીને સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોના+ પક્ષમાં ચુકાદો ન આપ્યો અને પવિત્ર જનો માટે રાજ્ય મેળવવાનો ઠરાવેલો સમય ન આવ્યો.+

૨૩ “દૂતે મને કહ્યું: ‘ચોથું જાનવર તો ચોથું રાજ્ય છે, જે આ પૃથ્વી પર ઊભું થશે. તે બીજાં બધાં રાજ્યો કરતાં એકદમ અલગ હશે. તે આખી પૃથ્વીને ફાડી ખાશે, એને કચડી નાખશે અને ખૂંદી નાખશે.+ ૨૪ દસ શિંગડાં દસ રાજાઓ છે, જેઓ એ રાજ્યમાંથી ઊભા થશે. તેઓ પછી બીજો એક રાજા આવશે. તે પહેલાંના બધા રાજાઓ કરતાં એકદમ અલગ હશે. તે ત્રણ રાજાઓનું અપમાન કરશે.+ ૨૫ તે સર્વોચ્ચ ઈશ્વર વિરુદ્ધ બડાઈ હાંકશે.+ તે સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોને સતાવતો રહેશે. તે સમયો અને નિયમ બદલવાની કોશિશ કરશે. સમય, સમયો અને અડધા સમય* સુધી પવિત્ર જનોને તેના હાથમાં સોંપવામાં આવશે.+ ૨૬ પણ અદાલત ભરવામાં આવી. તેઓએ તેનો અધિકાર છીનવી લીધો, જેથી તેને જડમૂળથી ઉખેડી નાખવામાં આવે અને તેનો સર્વનાશ કરવામાં આવે.+

૨૭ “‘પછી રાજ્ય, સત્તા અને આકાશ નીચેનાં બધાં રાજ્યોનો વૈભવ સર્વોપરી ઈશ્વરના પવિત્ર જનોને સોંપવામાં આવ્યો.+ તેઓનું રાજ્ય કાયમ માટે છે.+ બધી સત્તાઓ તેઓની સેવા કરશે અને તેઓને આધીન રહેશે.’

૨૮ “મેં જોયેલાં દર્શનોનો અહેવાલ અહીં પૂરો થાય છે. મારા મનના વિચારોથી હું ખૂબ ગભરાઈ ગયો, મારો ચહેરો ફિક્કો પડી ગયો. પણ મેં એ બધી વાતો મારા દિલમાં રાખી.”

૮ રાજા બેલ્શાસ્સારના+ રાજના ત્રીજા વર્ષે મેં દાનિયેલે, બીજું એક દર્શન જોયું.+ ૨ હું એલામ+ પ્રાંતના શુશાન*+ કિલ્લામાં* હતો. મને ઉલાય નદી* પાસે દર્શન થયું. ૩ મેં નજર ઊંચી કરીને જોયું તો જુઓ! નદી પાસે એક નર ઘેટો+ ઊભો હતો. તેને બે શિંગડાં હતાં.+ બંને શિંગડાં ઊંચાં હતાં, પણ એક શિંગડું વધારે ઊંચું હતું, જે પછીથી આવ્યું હતું.+ ૪ મેં જોયું કે એ ઘેટો પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો હતો. તેની સામે એકેય જાનવર ઊભું રહી શકતું નહિ. તેના હાથમાંથી* કોઈ પોતાને બચાવી શકતું નહિ.+ તે પોતાની મરજી પ્રમાણે વર્તતો અને બડાઈ હાંકતો હતો.

૫ હું જોતો હતો એવામાં મને પશ્ચિમથી* એક બકરો+ આવતો દેખાયો. તે એટલી ઝડપે આખી પૃથ્વી ફરી વળ્યો કે તેનો પગ પણ જમીનને અડકતો ન હતો. એ બકરાને આંખોની વચ્ચે એક બહુ મોટું* શિંગડું હતું.+ ૬ એ બકરો બે શિંગડાંવાળા ઘેટા તરફ આવી રહ્યો હતો, જેને મેં નદી પાસે જોયો હતો. બકરો ખૂબ ગુસ્સામાં ઘેટા પાસે ધસી આવતો હતો.

૭ મેં જોયું કે તે ઘેટાની પાસે જઈ રહ્યો હતો અને ખૂબ જ ગુસ્સે ભરાયેલો હતો. તેણે ઘેટા પર હુમલો કર્યો અને તેનાં બંને શિંગડાં ભાંગી નાખ્યાં. તેનો સામનો કરવાની ઘેટામાં તાકાત ન હતી. બકરાએ ઘેટાને જમીન પર પછાડ્યો અને તેને કચડી નાખ્યો. બકરાના હાથમાંથી* ઘેટાને છોડાવનાર કોઈ ન હતું.

૮ બકરાએ ખૂબ જ બડાઈઓ હાંકી. પણ તે બળવાન થયો કે તરત તેનું મોટું શિંગડું તૂટી ગયું. એ શિંગડાની જગ્યાએ ચાર મોટાં શિંગડાં ફૂટી નીકળ્યાં. એ ચાર શિંગડાં આકાશની ચાર દિશાઓમાં* ફૂટી નીકળ્યાં.+

૯ એ ચારમાંના એક શિંગડાંમાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. એ શિંગડું દક્ષિણ તરફ, પૂર્વ* તરફ અને સુંદર દેશ*+ તરફ ખૂબ મોટું થયું. ૧૦ એ ખૂબ મોટું થયું ને છેક આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. તેણે સૈન્યમાંથી અમુકને અને કેટલાક તારાને પૃથ્વી પર પાડી નાખ્યા. તેણે તેઓને કચડી નાખ્યા. ૧૧ એ શિંગડું સૈન્યના આગેવાન સામે પણ ઘમંડથી વર્ત્યું. આગેવાન પાસેથી દરરોજનું અર્પણ છીનવી લેવામાં આવ્યું અને તેણે ઠરાવેલી પવિત્ર જગ્યા* પાડી નાખવામાં આવી.+ ૧૨ અપરાધને લીધે એક સૈન્ય અને દરરોજનું અર્પણ એ શિંગડાના હાથમાં સોંપવામાં આવ્યું. એ શિંગડું સત્યને પૃથ્વી પર ફેંકતું રહ્યું. એ પોતાની મરજી પ્રમાણે વર્ત્યું અને સફળ થયું.

૧૩ પછી મેં એક પવિત્ર દૂતને વાત કરતા સાંભળ્યો. બીજા એક પવિત્ર દૂતે તેને પૂછ્યું: “દરરોજના અર્પણનું અને અપરાધને લીધે થતા વિનાશનું દર્શન ક્યાં સુધી ચાલશે?+ ક્યાં સુધી પવિત્ર જગ્યાને અને સૈન્યને ખૂંદવામાં આવશે?” ૧૪ તેણે મને કહ્યું: “૨,૩૦૦ સાંજ અને સવાર સુધી એ પ્રમાણે ચાલશે. પછી પવિત્ર જગ્યા એની ખરી હાલતમાં પાછી સ્થપાશે.”

૧૫ હું દર્શન જોતો હતો અને સમજવાની કોશિશ કરતો હતો, એવામાં માણસ જેવું કોઈક અચાનક મારી સામે ઊભું રહ્યું. ૧૬ પછી મેં ઉલાય નદીની+ વચ્ચે ઊભેલા માણસનો અવાજ સાંભળ્યો. તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું: “ગાબ્રિયેલ,+ તેણે જે જોયું છે એનો અર્થ બતાવ.”+ ૧૭ હું જ્યાં ઊભો હતો ત્યાં ગાબ્રિયેલ આવ્યો. તે મારી પાસે આવ્યો ત્યારે હું એટલો ગભરાયેલો હતો કે હું ઊંધા મોઢે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું: “હે માણસના દીકરા, એ દર્શન અંતના સમય માટે છે,+ એ તું સમજી લે.” ૧૮ પણ તે વાત કરતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરઊંઘમાં સરી ગયો. એટલે તે મને અડક્યો અને મને ફરી ઊભો કર્યો.+ ૧૯ તેણે મને કહ્યું: “ઈશ્વરના ક્રોધના અંત ભાગમાં જે થવાનું છે એ હું તને જણાવીશ. કેમ કે એ દર્શન ઠરાવેલા સમય, એટલે કે અંતના સમય માટે છે.+

૨૦ “તેં જોયેલો બે શિંગડાંવાળો ઘેટો માદાય અને ઈરાનના રાજાઓને બતાવે છે.+ ૨૧ રુવાંટીવાળો બકરો ગ્રીસના રાજાને બતાવે છે.+ તેની આંખો વચ્ચે ફૂટી નીકળેલું મોટું શિંગડું પહેલા રાજાને બતાવે છે.+ ૨૨ એ શિંગડું તૂટી ગયું અને એની જગ્યાએ ચાર શિંગડાં ફૂટી નીકળ્યાં,+ એ બતાવે છે કે તેની પ્રજામાંથી ચાર રાજ્યો ઊભાં થશે, પણ તેઓ એ રાજા જેટલા શક્તિશાળી નહિ હોય.

૨૩ “તેઓના રાજ્યના અંત ભાગમાં જ્યારે અપરાધીઓ હદ બહાર ગુના કરશે, ત્યારે એક ખૂંખાર રાજા ઊભો થશે. એ રાજા કાવાદાવા કરવામાં પાકો હશે.* ૨૪ તે ખૂબ શક્તિશાળી થશે, પણ પોતાની તાકાતથી નહિ. તે એટલો ભયાનક વિનાશ કરશે કે લોકો એ જોઈને દંગ રહી જશે. તે જે કંઈ કરશે એમાં સફળ થશે. તે બળવાન લોકોનો અને પવિત્ર જનોનો નાશ કરશે.+ ૨૫ તે સફળ થવા પોતાની ચાલાકીઓથી બીજાઓને છેતરશે. તે દિલમાં પોતાને મહાન ગણશે. સલામતીના સમયમાં* તે ઘણાનો નાશ કરશે. તે આગેવાનોના આગેવાન વિરુદ્ધ પણ ઊભો થશે, પણ કોઈ માણસનો હાથ લગાડ્યા વગર તેને તોડી પાડવામાં આવશે.

૨૬ “સાંજ અને સવારના દર્શન વિશે જે કહેવામાં આવ્યું છે, એ ખરું છે. પણ તું એ દર્શન ગુપ્ત રાખજે, કેમ કે એ ઘણા દિવસો પછી પૂરું થશે.”*+

૨૭ હું દાનિયેલ, ખૂબ થાકી ગયો અને કેટલાક દિવસો સુધી બીમાર રહ્યો.+ પછી હું ઊઠ્યો અને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો.+ પણ મેં જોયેલા દર્શનને લીધે હું સ્તબ્ધ થઈ ગયો અને એ દર્શન કોઈ સમજી શક્યું નહિ.+

૯ માદીઓના વંશજ અહાશ્વેરોશના દીકરા દાર્યાવેશના+ રાજનું પહેલું વર્ષ ચાલતું હતું. તેને ખાલદીઓના રાજ્ય પર રાજા બનાવવામાં આવ્યો હતો.+ ૨ તેના રાજના પહેલા વર્ષે મને પુસ્તકોના* અભ્યાસ પરથી સમજાયું કે યરૂશાલેમ કેટલાં વર્ષો સુધી ઉજ્જડ રહેશે.+ યર્મિયા પ્રબોધકને* મળેલા યહોવાના સંદેશા પ્રમાણે એ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ રહેવાનું હતું.+ ૩ એટલે મેં મદદ માટે સાચા ઈશ્વર યહોવા તરફ મીટ માંડી. મેં પ્રાર્થનામાં તેમને આજીજી કરી. મેં ઉપવાસ કર્યો,+ કંતાન પહેર્યું અને પોતાના પર રાખ નાખી.* ૪ મેં મારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરી અને અમારાં પાપ કબૂલ કરતા કહ્યું:

“હે સાચા ઈશ્વર યહોવા, તમે મહાન અને અદ્‍ભુત* ઈશ્વર છો. તમે તમારો કરાર* પાળો છો. જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે,+ તેઓને તમે અતૂટ પ્રેમ*+ બતાવો છો. ૫ અમે પાપ કર્યું છે, ખરાબ અને દુષ્ટ કામો કર્યાં છે, બળવો કર્યો છે.+ અમે તમારી આજ્ઞાઓ પાળી નથી, તમારા ન્યાયચુકાદા ધ્યાનમાં લીધા નથી. ૬ તમારા સેવકો, એટલે કે પ્રબોધકોએ તો અમારા રાજાઓ, અધિકારીઓ, બાપદાદાઓ અને દેશના બધા લોકોને તમારા નામે સંદેશો જણાવ્યો હતો, પણ અમે એ પ્રબોધકોની વાત માની નથી.+ ૭ હે યહોવા, તમે તો ન્યાયી છો, પણ અમે શરમમાં મુકાયા છીએ, જેમ આજે જોવા મળે છે. યહૂદાના માણસો, યરૂશાલેમના રહેવાસીઓ અને બધા ઇઝરાયેલીઓ શરમમાં મુકાયા છે, જેઓને તમે નજીકના અને દૂરના દેશોમાં વિખેરી નાખ્યા હતા, કેમ કે તેઓ તમને બેવફા બન્યા હતા.+

૮ “હે યહોવા, અમે, અમારા રાજાઓ, અધિકારીઓ અને બાપદાદાઓ શરમમાં મુકાયા છીએ, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૯ અમારા ઈશ્વર યહોવા, તમે દયાળુ અને માફી આપનાર ઈશ્વર છો.+ પણ અમે તમારી વિરુદ્ધ બળવો કર્યો છે.+ ૧૦ અમારા ઈશ્વર યહોવા, અમે તમારી વાત માની નથી. તમે તમારા સેવકો, એટલે કે પ્રબોધકો દ્વારા આપેલા નિયમો અમે પાળ્યા નથી.+ ૧૧ બધા ઇઝરાયેલીઓએ તમારા નિયમો તોડ્યા છે અને તમારી વાત માનવાને બદલે પોતાનું મોં ફેરવી લીધું છે. એટલે તમે અમારા પર શ્રાપ રેડી દીધો, જે વિશે શપથ ખાઈને કહેવામાં આવ્યું હતું અને સાચા ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં* લખવામાં આવ્યું હતું.+ તમે એ શ્રાપ રેડ્યો, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૧૨ અમારા પર અને અમારા અધિકારીઓ* પર આફત લાવીને તમે પોતાના શબ્દો પૂરા કર્યા છે.+ યરૂશાલેમ પર જે આફત આવી હતી, એવી આફત આખી પૃથ્વી પર આજ સુધી આવી નથી.+ ૧૩ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે અમારા પર એ આફતો આવી પડી.+ છતાં હે અમારા ઈશ્વર યહોવા, અમે તમારી પાસે દયાની ભીખ માંગી નથી, અમે અપરાધો કરવાનું છોડ્યું નથી+ અને તમારા સત્ય* વિશે ઊંડી સમજણ મેળવી નથી.

૧૪ “હે અમારા ઈશ્વર યહોવા, તમે તો બધાં કામોમાં ન્યાયી છો, એટલે હે યહોવા, તમે યોગ્ય સમય જોઈને અમારા પર આફત લાવ્યા. છતાં અમે તમારી વાત માની નથી.+

૧૫ “હે અમારા ઈશ્વર યહોવા, તમે પોતાના શક્તિશાળી હાથથી તમારા લોકોને ઇજિપ્તમાંથી* બહાર કાઢી લાવ્યા.+ તમે તમારું નામ મોટું મનાવ્યું, જે આજે પણ જગજાહેર છે.+ તોપણ અમે પાપ કર્યું છે અને દુષ્ટ કામો કર્યાં છે. ૧૬ યહોવા, તમે હંમેશાં ન્યાયથી વર્તો છો.+ કૃપા કરીને તમારા શહેર યરૂશાલેમ પરથી, તમારા પવિત્ર પર્વત પરથી તમારો ગુસ્સો અને ક્રોધ દૂર કરો. અમારાં પાપ અને અમારા બાપદાદાઓના અપરાધને લીધે આસપાસના લોકો યરૂશાલેમની અને તમારા લોકોની નિંદા કરે છે.+ ૧૭ હે અમારા ઈશ્વર, તમારા આ સેવકની પ્રાર્થના સાંભળો, તેની વિનંતીને કાન ધરો. યહોવા, તમારા નામના મહિમાને લીધે આ પવિત્ર જગ્યાનું ભલું કરો,*+ જે ઉજ્જડ પડી છે.+ ૧૮ મારા ઈશ્વર, મારી પ્રાર્થનાને કાન ધરો. મહેરબાની કરીને તમારી આંખો ખોલો અને અમારી બરબાદી જુઓ, તમારા નામે ઓળખાતા શહેરના હાલ જુઓ. અમે નેક કામો કર્યાં છે એટલે નહિ, પણ તમે દયાળુ ઈશ્વર છો+ એટલે તમને કાલાવાલા કરીએ છીએ. ૧૯ યહોવા, અમારું સાંભળો. યહોવા, અમને માફ કરો.+ યહોવા, ધ્યાન આપો અને અમને મદદ કરો. ઓ મારા ઈશ્વર, તમારા નામને લીધે મોડું ન કરો, કેમ કે તમારું શહેર અને તમારા લોકો તમારા નામથી ઓળખાય છે.”+

૨૦ હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારાં અને ઇઝરાયેલી લોકોનાં પાપ કબૂલ કરતો હતો અને મારા ઈશ્વરના પવિત્ર પર્વત+ માટે મારા ઈશ્વર યહોવાને વિનંતી કરતો હતો, ૨૧ હા, હું પ્રાર્થના કરતો હતો એવામાં ગાબ્રિયેલ નામનો માણસ+ મારી આગળ આવ્યો, જેને મેં અગાઉ દર્શનમાં જોયો હતો.+ તે આવ્યો ત્યારે સાંજના ભેટ-અર્પણનો સમય થયો હતો અને હું ખૂબ થાકેલો હતો. ૨૨ તેણે મને સમજાવતા કહ્યું:

“હે દાનિયેલ, તું બધું સમજી શકે માટે હું તને બુદ્ધિ અને સમજશક્તિ આપવા આવ્યો છું. ૨૩ તું કાલાવાલા કરતો હતો ત્યારે ઈશ્વર તરફથી મને એક સંદેશો મળ્યો. હું તને એ સંદેશો જણાવવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે.*+ તું સંદેશા પર ધ્યાન આપ અને દર્શન સમજવાની કોશિશ કર.

૨૪ “તારા લોકો માટે અને તારા પવિત્ર શહેર+ માટે ૭૦ અઠવાડિયાં* નક્કી કરવામાં આવ્યાં છે, જેથી અપરાધ બંધ કરવામાં આવે, પાપનો અંત લાવવામાં આવે,+ ગુનાઓનું પ્રાયશ્ચિત્ત* કરવામાં આવે,+ કાયમ માટે નેકી* લાવવામાં આવે,+ દર્શન અને ભવિષ્યવાણી* પર મહોર કરવામાં આવે+ અને પરમ પવિત્રનો* અભિષેક* કરવામાં આવે. ૨૫ તું આ જાણી લે અને સમજી લે કે યરૂશાલેમને ફરી બાંધવાનો અને સ્થાપવાનો હુકમ બહાર પડે+ ત્યારથી લઈને મસીહ,*+ એટલે કે આગેવાન+ આવે ત્યાં સુધી ૭ અઠવાડિયાં અને ૬૨ અઠવાડિયાં વીતશે.+ યરૂશાલેમને તેના ચોક અને નહેર* સાથે ફરી બાંધવામાં અને સ્થાપવામાં આવશે, પણ એ બધું આફતના સમયોમાં થશે.

૨૬ “૬૨ અઠવાડિયાં પછી મસીહને* મારી નાખવામાં* આવશે,+ તેની પાસે કંઈ નહિ બચે.+

“પછી એક આગેવાન આવશે, જેની સેનાઓ શહેરનો અને પવિત્ર જગ્યાનો વિનાશ કરશે.+ એનો અંત પૂરથી આવશે, અંત આવશે ત્યાં સુધી યુદ્ધ થશે. એના સર્વનાશનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.+

૨૭ “તે* ઘણા લોકો માટે એક અઠવાડિયા સુધી કરાર અમલમાં રાખશે.* અડધું અઠવાડિયું વીતશે ત્યારે તે બલિદાન અને ભેટ-અર્પણ બંધ કરાવશે.+

“ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર બેસીને વિનાશ કરનાર આવશે.+ જે નક્કી કરવામાં આવ્યું છે, એ બધું ઉજ્જડ થયેલી જગ્યા પર ત્યાં સુધી રેડવામાં આવશે, જ્યાં સુધી એનો પૂરેપૂરો નાશ ન થાય.”

૧૦ ઈરાનના રાજા કોરેશના+ રાજનું ત્રીજું વર્ષ ચાલતું હતું. એ સમયે દાનિયેલ જેનું નામ બેલ્ટશાસ્સાર+ હતું, તેને એક સંદેશો મળ્યો. એ સંદેશો સાચો હતો. એ મોટી લડાઈ વિશે હતો. દાનિયેલને એ સંદેશો સમજાયો અને તેણે જોયેલી બાબતો વિશે તેને ઊંડી સમજણ આપવામાં આવી.

૨ એ દિવસોમાં હું દાનિયેલ, ત્રણ અઠવાડિયાંથી શોક પાળી રહ્યો હતો.+ ૩ ત્રણ અઠવાડિયાંથી મેં સ્વાદિષ્ટ ભોજન કે માંસ ખાધું ન હતું, દ્રાક્ષદારૂ પીધો ન હતો કે મારા શરીરે તેલ ચોળ્યું ન હતું. ૪ પહેલા મહિનાના ૨૪મા દિવસે હું મહાનદી તીગ્રિસના*+ કિનારે ઊભો હતો ત્યારે, ૫ મેં નજર ઊંચી કરીને જોયું તો મને એક માણસ દેખાયો. તેણે શણનાં કપડાં પહેર્યાં હતાં+ અને તેની કમરે ઉફાઝના ઉત્તમ સોનાનો કમરપટ્ટો હતો. ૬ તેનું શરીર તૃણમણિ* જેવું હતું.+ તેનો ચહેરો વીજળીની જેમ ચમકતો હતો. તેની આંખો સળગતી મશાલો જેવી હતી. તેના હાથ અને પગ ચળકતા તાંબા જેવા હતા.+ તેનો અવાજ ટોળાના અવાજની જેમ ગુંજતો હતો. ૭ ફક્ત મને જ એ દર્શન દેખાયું. મારી સાથેના માણસોને એ દર્શન દેખાયું નહિ.+ પણ તેઓ ખૂબ જ ડરી ગયા અને નાસીને સંતાઈ ગયા.

૮ હું સાવ એકલો પડી ગયો. એ અદ્‍ભુત દર્શન જોયા પછી મારી શક્તિ જતી રહી, મારો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો અને મારામાં જરાય તાકાત ન રહી.+ ૯ પછી તેણે મારી સાથે વાત શરૂ કરી. પણ તે બોલતો હતો ત્યારે, હું ઊંધા મોઢે જમીન પર પડી ગયો અને ભરઊંઘમાં સરી ગયો.+ ૧૦ પછી કોઈકનો હાથ મને અડક્યો.+ તેણે મને ઢંઢોળ્યો, જેથી હું ઘૂંટણ અને હાથના સહારે ઊભો થઈ શકું. ૧૧ તેણે મને કહ્યું:

“હે દાનિયેલ, તું અતિ પ્રિય છે.*+ હું તને જે કહેવાનો છું એના પર ધ્યાન આપ. હવે તારી જગ્યાએ ઊભો થા, કેમ કે ઈશ્વરે મને તારી પાસે મોકલ્યો છે.”

તેના શબ્દો સાંભળીને હું ધ્રૂજતાં ધ્રૂજતાં ઊભો થયો.

૧૨ તેણે મને કહ્યું: “દાનિયેલ, ગભરાઈશ નહિ.+ જે દિવસથી તેં ઊંડી સમજણ મેળવવા મન લગાડ્યું અને તારા ઈશ્વર આગળ પોતાને નમ્ર કર્યો, એ જ દિવસથી તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી પ્રાર્થનાને લીધે જ હું અહીં આવ્યો છું.+ ૧૩ પણ ઈરાનના સામ્રાજ્યના આગેવાને+ ૨૧ દિવસ સુધી મારો વિરોધ કર્યો. પછી મુખ્ય આગેવાનોમાંથી એક,* એટલે કે મિખાયેલ*+ મારી મદદે આવ્યો અને હું ત્યાં ઈરાનના રાજાઓ સાથે હતો. ૧૪ હું તને સમજાવવા આવ્યો છું કે છેલ્લા દિવસોમાં તારા લોકો પર શું આવી પડશે,+ કેમ કે તેં જોયેલું દર્શન ભાવિમાં પૂરું થવાનું છે.”+

૧૫ તેણે એ શબ્દો કહ્યા ત્યારે હું નીચું જોઈને એકદમ ચૂપ થઈ ગયો. ૧૬ માણસ જેવું દેખાતું કોઈક મારા હોઠોને અડક્યું+ અને હું બોલી શક્યો. મારી સામે જે ઊભો હતો, તેને મેં કહ્યું: “મારા માલિક, એ દર્શનને લીધે હું થરથર કાંપું છું. મારામાં જરાય તાકાત રહી નથી.+ ૧૭ મારા માલિક, તમારો આ સેવક કઈ રીતે વાત કરી શકે?+ મારામાં જરાય તાકાત રહી નથી, હું તો માંડ માંડ શ્વાસ લઈ રહ્યો છું.”+

૧૮ જે માણસ જેવો દેખાતો હતો, તે ફરી મને અડક્યો અને મારું બળ વધાર્યું.+ ૧૯ તેણે મને કહ્યું: “હે અતિ પ્રિય માણસ,*+ તું ગભરાઈશ નહિ.+ તારું ભલું થશે.+ તું બળવાન થા, હા, બળવાન થા.” તે વાત કરતો હતો ત્યારે મને બળ મળ્યું. મેં તેને કહ્યું: “મારા માલિક, તમે બોલો કેમ કે તમે મારી હિંમત વધારી છે.”

૨૦ તેણે મને કહ્યું: “શું તને ખબર છે, હું તારી પાસે કેમ આવ્યો છું? હવે હું પાછો જઈને ઈરાનના આગેવાન સામે લડીશ.+ હું જઈશ ત્યારે ગ્રીસનો આગેવાન આવશે. ૨૧ પણ હું જઈશ એ પહેલાં હું તને સત્યનાં પુસ્તકોમાં લખેલી વાતો જણાવીશ. એવું કોઈ નથી જે મને મદદ કરી શકે. ફક્ત તારો મુખ્ય આગેવાન+ મિખાયેલ+ મને મદદ કરી શકે છે.”

૧૧ પછી તેણે કહ્યું: “માદી રાજા દાર્યાવેશના+ રાજના પહેલા વર્ષે, મેં ઊભા થઈને મિખાયેલને* દૃઢ અને મજબૂત કર્યો.* ૨ હવે હું તને એક સત્ય જણાવું છું:

“સાંભળ! ઈરાનમાં બીજા ત્રણ રાજાઓ ઊભા થશે અને ચોથો એ બધા કરતાં વધારે સંપત્તિ ભેગી કરશે. તે પોતાની સંપત્તિથી બળવાન થશે ત્યારે, ગ્રીસના રાજ્ય+ વિરુદ્ધ બધાને ઊભા કરશે.

૩ “પછી એક શક્તિશાળી રાજા ઊભો થશે. તે પૂરી તાકાતથી* રાજ કરશે+ અને મનમાની કરશે. ૪ પણ તેના ઊભા થયા પછી તેનું રાજ્ય ભાંગી પડશે અને આકાશની ચાર દિશાઓમાં* વહેંચાઈ જશે.+ એ રાજ્ય તેના વંશજોને આપવામાં નહિ આવે અને તેની જેમ પૂરી તાકાતથી રાજ ચલાવવામાં નહિ આવે. કેમ કે તેના રાજ્યને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે અને બીજાઓને સોંપી દેવામાં આવશે.

૫ “તેના આગેવાનોમાંથી એક, એટલે કે દક્ષિણનો રાજા બળવાન થશે. પણ બીજો એક* તેનાથી વધારે બળવાન થશે, તે પૂરી તાકાતથી રાજ કરશે અને તેના કરતાં પણ વધારે અધિકાર મેળવશે.

૬ “થોડાં વર્ષો પછી તેઓ એક સંધિ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે આવશે, જેથી તેઓ કરાર* કરી શકે. પણ એ દીકરી પાસે તાકાત નહિ રહે, રાજા પણ ટકશે નહિ અને તેની તાકાતનો અંત આવશે. એ દીકરીને બીજાઓના હાથમાં સોંપવામાં આવશે. તેને અને તેને લાવનારાઓને, તેના પિતાને અને એ દિવસોમાં તેને મજબૂત કરનારને પણ બીજાઓના હાથમાં સોંપવામાં આવશે. ૭ એ દીકરીના મૂળમાંથી ફૂટેલો ફણગો પોતાના પિતાની* જગ્યાએ ઊભો થશે. તે સેના પાસે આવશે અને ઉત્તરના રાજાના કિલ્લા પર ચઢાઈ કરશે. તે તેઓ વિરુદ્ધ પગલાં ભરશે અને જીત મેળવશે. ૮ તે તેઓના દેવો, ધાતુની મૂર્તિઓ, સોના-ચાંદીની કીમતી* ચીજવસ્તુઓ અને ગુલામો સાથે ઇજિપ્ત આવશે. તે અમુક વર્ષો સુધી ઉત્તરના રાજા પર ચઢાઈ નહિ કરે. ૯ પણ ઉત્તરનો રાજા દક્ષિણના રાજાના રાજ્ય પર હુમલો કરશે, પણ પાછો પોતાના દેશ ચાલ્યો જશે.

૧૦ “તેના* દીકરાઓ યુદ્ધની તૈયારી કરશે, તેઓ ખૂબ મોટી અને વિશાળ સેના ભેગી કરશે. તે ચોક્કસ આગળ વધશે અને પૂરની જેમ બધું તાણી જશે. પણ તે પાછો ફરશે અને યુદ્ધ કરતાં કરતાં પોતાના કિલ્લાએ પાછો જશે.

૧૧ “પછી દક્ષિણનો રાજા ખૂબ ક્રોધે ભરાશે અને તેની સામે, એટલે કે ઉત્તરના રાજા સામે જઈને લડશે. તે* મોટું ટોળું ભેગું કરશે, પણ એ ટોળું પેલા રાજાના* હાથમાં સોંપવામાં આવશે ૧૨ અને તે ટોળાને લઈ જશે. તેનું દિલ ઘમંડી બનશે અને તે લાખોને પાડી નાખશે, પણ તે પોતાની મજબૂત સ્થિતિનો ફાયદો નહિ ઉઠાવે.

૧૩ “ઉત્તરનો રાજા પાછો આવશે અને અગાઉના કરતાં મોટું ટોળું ભેગું કરશે. સમયોના અંતે, અમુક વર્ષો પછી, તે હથિયારોથી સજ્જ થયેલી વિશાળ સેના લઈને જરૂર આવશે. ૧૪ એ સમયોમાં દક્ષિણના રાજા વિરુદ્ધ ઘણા ઊભા થશે.

“તારા લોકોમાંથી હિંસક માણસો* બીજાઓની વાતોમાં આવીને દર્શન સાચું પાડવાની કોશિશ કરશે, પણ તેઓ નિષ્ફળ જશે.*

૧૫ “ઉત્તરનો રાજા આવશે, તે હુમલો કરશે અને કોટવાળું શહેર જીતી લેશે. દક્ષિણની સેનાઓ કે તેના યોદ્ધાઓ ટકી નહિ શકે. તેઓમાં સામનો કરવાની તાકાત નહિ રહે. ૧૬ દક્ષિણના રાજા સામે ચઢી આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે. તેની સામે કોઈ ટકી નહિ શકે. તે સુંદર દેશમાં*+ ઊભો રહેશે અને તેના હાથમાં નાશ કરવાની શક્તિ હશે. ૧૭ તે દૃઢ નિશ્ચય કરીને પોતાના રાજ્યની પૂરી તાકાત સાથે આવશે. તેની સાથે કરાર* કરવામાં આવશે અને તે પગલાં ભરશે. તેને સ્ત્રીઓની દીકરીનો નાશ કરવાની મંજૂરી આપવામાં આવશે. એ દીકરી સફળ થશે નહિ અને રાજાના* પક્ષમાં રહેશે નહિ. ૧૮ તે દરિયા કિનારાના વિસ્તારો તરફ નજર કરશે અને ઘણા પ્રદેશો કબજે કરશે. એક સેનાપતિ તેનું અપમાન દૂર કરશે, જેથી તેના અપમાનનો અંત આવે. એ સેનાપતિ અપમાન કરનારના માથે અપમાન પાછું વાળશે. ૧૯ પછી તે પોતાના દેશના કિલ્લાઓ તરફ ધ્યાન આપશે. તે ઠોકર ખાઈને પડી જશે અને ફરી કદી નજરે નહિ પડે.

૨૦ “તેની જગ્યાએ બીજો એક રાજા ઊભો થશે. તે પોતાના ભવ્ય રાજ્યમાં બધે એક કર ઉઘરાવનાર* મોકલશે, પણ થોડા દિવસોમાં તે મરી જશે. જોકે, હિંસા કે યુદ્ધને લીધે તેનું મોત નહિ થાય.

૨૧ “તેની જગ્યાએ એક તુચ્છ* માણસ ઊભો થશે, પણ તેઓ રાજ્યનો વૈભવ તેના હાથમાં નહિ સોંપે. તે સલામતીના સમયમાં* આવશે અને કપટથી* રાજ્ય મેળવી લેશે. ૨૨ તે પૂર જેવા લશ્કરોને તાબે કરશે. તેઓને કચડી નાખવામાં આવશે. કરારના+ આગેવાનને+ પણ કચડી નાખવામાં આવશે. ૨૩ તેઓ સાથે કરેલી સંધિને લીધે તે કપટ કરતો રહેશે. તે ઊભો થશે અને એક નાની પ્રજાથી શક્તિશાળી બનશે. ૨૪ સલામતીના સમયમાં* તે પ્રાંતના સૌથી ઉત્તમ પ્રદેશમાં આવશે. તેના બાપદાદાઓએ કે પૂર્વજોએ કર્યાં ન હોય એવાં કામ તે કરશે. તે લોકોમાં લૂંટનો માલ અને બીજી વસ્તુઓ વહેંચશે. તે કોટવાળી જગ્યાઓ વિરુદ્ધ કાવતરાં ઘડશે, પણ ફક્ત થોડા સમય માટે એમ કરી શકશે.

૨૫ “તે તાકાત અને હિંમત ભેગી કરશે અને મોટી સેના લઈને દક્ષિણના રાજા પર ચઢાઈ કરશે. દક્ષિણનો રાજા ખૂબ જ વિશાળ અને શક્તિશાળી સેના લઈને યુદ્ધની તૈયારી કરશે. પણ તે ટકી નહિ શકે, કેમ કે તેઓ તેની વિરુદ્ધ કાવતરાં ઘડશે. ૨૬ તેની સાથે સ્વાદિષ્ટ ભોજન ખાનારા તેને પાડી નાખશે.

“તેની સેનાનો સફાયો થઈ જશે* અને ઘણા માર્યા જશે.

૨૭ “એ બે રાજાઓનું દિલ બૂરાઈ કરવા તરફ ઢળેલું હશે. તેઓ એક મેજ પર બેસીને એકબીજાને જૂઠું કહેશે. પણ તેઓ કશામાં સફળ નહિ થાય, કેમ કે અંત તો ઠરાવેલા સમયે આવશે.+

૨૮ “તે* પુષ્કળ ધનદોલત લઈને પોતાના દેશ પાછો જશે. તેનું દિલ પવિત્ર કરારની વિરુદ્ધ હશે. તે પગલાં ભરશે અને પોતાના દેશમાં પાછો ફરશે.

૨૯ “ઠરાવેલા સમયે તે પાછો આવશે અને દક્ષિણ પર હુમલો કરશે. પણ આ સમયે સંજોગો અગાઉ જેવા નહિ હોય, ૩૦ કેમ કે કિત્તીમનાં+ વહાણો તેની વિરુદ્ધ આવશે અને તેને નીચો કરવામાં આવશે.

“તે પાછો જશે, પવિત્ર કરાર પર પોતાનો ક્રોધ* રેડશે+ અને પગલાં ભરશે. તે પાછો જશે અને પવિત્ર કરારનો ત્યાગ કરનાર લોકો પર ધ્યાન આપશે. ૩૧ તેની સેનાઓ ઊભી થશે. તેઓ પવિત્ર જગ્યાને અને કિલ્લાને ભ્રષ્ટ કરશે+ અને દરરોજનું અર્પણ બંધ કરશે.+

“તેઓ વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને ઊભી કરશે.+

૩૨ “જેઓ કરાર વિરુદ્ધ દુષ્ટ કામો કરે છે, તેઓને તે* મીઠી મીઠી વાતો* કરીને બંડ* કરવા દોરશે. પણ જેઓ પોતાના ઈશ્વરને ઓળખે છે, તેઓ દૃઢ રહેશે અને પગલાં ભરશે. ૩૩ લોકોમાંથી જેઓ પાસે ઊંડી સમજણ છે,+ તેઓ ઘણાને સમજણ આપશે. તેઓ થોડા સમય માટે ઠોકર ખાશે. તેઓ તલવાર, આગ, ગુલામી અને લૂંટનો શિકાર બનશે. ૩૪ પણ તેઓને પાડી નાખવામાં આવશે ત્યારે તેઓને થોડી મદદ આપવામાં આવશે. ઘણા લોકો મીઠી મીઠી વાતો* કરીને તેઓની સાથે જોડાશે. ૩૫ જેઓ પાસે ઊંડી સમજણ છે, તેઓમાંથી અમુકને પાડી નાખવામાં આવશે, જેથી તેઓના લીધે શુદ્ધ કરવાનું કામ થાય તેમજ સાફ કરવાનું અને ઊજળા કરવાનું કામ+ અંત સુધી ચાલતું રહે. કેમ કે ઠરાવેલો સમય હજુ આવ્યો નથી.

૩૬ “રાજા* પોતાની મરજી પ્રમાણે કરશે. તે બીજા બધા દેવો કરતાં પોતાને ઊંચો અને મહાન કરશે. તે ઈશ્વરોના ઈશ્વર+ વિરુદ્ધ ઘમંડી વાતો કહેશે. ક્રોધના સમયનો અંત આવશે ત્યાં સુધી તે સફળ થશે, કેમ કે જે નક્કી કરવામાં આવ્યું છે, એ પૂરું થઈને જ રહેશે. ૩૭ તે પોતાના પિતાઓના ઈશ્વરને જરાય માન નહિ આપે. તે સ્ત્રીઓની ઇચ્છાને કે કોઈ દેવને ગણકારશે નહિ, પણ બધા કરતાં પોતાને મહાન ગણશે. ૩૮ તે કિલ્લાઓના દેવને મહિમા આપશે. તેના પિતાઓ જાણતા ન હતા એવા દેવને તે સોના-ચાંદી, મૂલ્યવાન પથ્થરો અને કીમતી* ચીજવસ્તુઓથી મહિમા આપશે. ૩૯ પારકા દેવ પર આધાર રાખીને* તે સૌથી મજબૂત કિલ્લાઓ વિરુદ્ધ પગલાં ભરશે. જેઓ તેને સ્વીકારે છે,* તેઓને તે ખૂબ માન-મહિમા આપશે. તે તેઓને ઘણા લોકો પર રાજ કરવાનો અધિકાર આપશે અને મૂલ્ય લઈને તે જમીન વહેંચી આપશે.

૪૦ “અંતના સમયે દક્ષિણનો રાજા તેની સામે થશે.* ઉત્તરનો રાજા વાવાઝોડાની જેમ રથો, ઘોડેસવારો અને વહાણોનો કાફલો લઈને તેની વિરુદ્ધ ચઢી આવશે. તે દેશોમાં જશે અને પૂરની જેમ બધું તાણી જશે. ૪૧ તે સુંદર દેશમાં*+ પણ જશે અને ઘણા દેશોને હરાવશે. પણ અદોમ, મોઆબ અને આમ્મોનીઓનો મુખ્ય ભાગ તેના હાથમાંથી બચી જશે. ૪૨ તે દેશો પર હાથ ઉગામતો રહેશે. ઇજિપ્ત પણ તેનાથી બચી નહિ શકે. ૪૩ તે સોના-ચાંદીના છૂપા ભંડારો પર અને ઇજિપ્તની કીમતી* ચીજવસ્તુઓ પર રાજ કરશે. લિબિયા અને ઇથિયોપિયાના લોકો તેની પાછળ જશે.*

૪૪ “પણ પૂર્વથી* અને ઉત્તરથી આવતા સમાચારો તેને બેચેન કરી દેશે. તે ખૂબ ગુસ્સે ભરાઈને ઘણાનો સંહાર અને સર્વનાશ કરવા નીકળી પડશે. ૪૫ તે વિશાળ સમુદ્ર અને સુંદર દેશના*+ પવિત્ર પર્વત વચ્ચે પોતાના શાહી* તંબુઓ ઊભા કરશે. આખરે તેનો અંત આવશે અને તેને મદદ કરનાર કોઈ નહિ હોય.

૧૨ “એ સમય દરમિયાન મુખ્ય આગેવાન+ મિખાયેલ*+ ઊભો થશે, જે તારા લોકો* વતી ઊભો છે. સૌથી પહેલી પ્રજા ઉત્પન્‍ન થઈ ત્યારથી લઈને એ સમય સુધીમાં કદી આવ્યો ન હોય એવો આફતનો સમય આવશે. તારા લોકોમાંથી જેઓનાં નામ પુસ્તકમાં લખેલાં છે,+ તેઓ એ સમય દરમિયાન બચી જશે.+ ૨ જેઓ માટીમાં ભળી ગયા છે, મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓ જાગી ઊઠશે. અમુકને હંમેશ માટેનું જીવન મળશે અને બીજાઓએ અપમાન અને કાયમ માટેના તિરસ્કારનો ભોગ બનવું પડશે.

૩ “જેઓમાં ઊંડી સમજણ છે, તેઓ આકાશની જેમ પ્રકાશશે. જેઓ ઘણાને સત્યના* માર્ગે દોરી લાવે છે, તેઓ તારાઓની જેમ સદાને માટે ચમકતા રહેશે.

૪ “પણ હે દાનિયેલ, તું આ શબ્દોને ગુપ્ત રાખ અને અંતના સમય સુધી પુસ્તક પર મહોર કર.+ ઘણા લોકો એ પુસ્તકનો ખંતથી અભ્યાસ કરશે* અને સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે.”+

૫ પછી મેં* જોયું તો મને બે જણ ત્યાં ઊભેલા દેખાયા, એક નદીના આ કિનારે અને બીજો નદીના પેલા કિનારે.+ ૬ હવે શણનાં વસ્ત્ર પહેરેલો એક માણસ+ નદીના પાણી ઉપર ઊભો હતો. પેલા બેમાંથી એક જણે તેને પૂછ્યું: “આ અદ્‍ભુત બાબતોનો અંત આવતાં કેટલો સમય લાગશે?” ૭ પછી મેં શણનાં વસ્ત્ર પહેરેલા માણસને બોલતા સાંભળ્યો, જે નદીના પાણી ઉપર ઊભો હતો. તે જવાબ આપતો હતો ત્યારે તેણે પોતાનો જમણો અને ડાબો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો અને સદા જીવતા ઈશ્વરના સમ ખાઈને કહ્યું:+ “એ ઠરાવેલા સમય, ઠરાવેલા સમયો અને અડધા સમય* માટે હશે. પવિત્ર લોકોની શક્તિ તોડી પાડવાનું પૂરું થશે+ કે તરત એ બાબતોનો અંત આવશે.”

૮ મેં એ સાંભળ્યું, પણ મને કંઈ સમજાયું નહિ.+ મેં કહ્યું: “મારા માલિક, આ બધાનું શું પરિણામ આવશે?”

૯ તેણે કહ્યું: “દાનિયેલ, તું તારા રસ્તે ચાલ્યો જા, આ શબ્દો ગુપ્ત રાખવામાં આવ્યા છે અને અંતના સમય સુધી એના પર મહોર કરવામાં આવી છે.+ ૧૦ ઘણા લોકો પોતાને સાફ અને ઊજળા કરશે અને તેઓને શુદ્ધ કરવામાં આવશે.+ દુષ્ટ લોકો દુષ્ટતાથી વર્તશે. કોઈ દુષ્ટ એ વાતો સમજી નહિ શકે, પણ જેઓમાં ઊંડી સમજણ છે તેઓ એ સમજશે.+

૧૧ “દરરોજનું અર્પણ+ બંધ કરવામાં આવે અને વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુ ઊભી કરવામાં આવે+ એ સમયથી ૧,૨૯૦ દિવસ વીતશે.

૧૨ “સુખી છે એ માણસ, જે આતુરતાથી રાહ જુએ છે* અને ૧,૩૩૫ દિવસ સુધી ટકી રહે છે!

૧૩ “પણ હે દાનિયેલ, તું અંત સુધી વફાદાર રહે. તું ભરઊંઘમાં સરી જઈશ, પણ નક્કી કરેલા સમયે* તારો હિસ્સો મેળવવા* તું ઊભો થઈશ.”+

વધારે માહિતી ક-૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઘરનાં.”

એટલે કે, બાબેલોનિયા.

મૂળ, “ઇઝરાયેલના દીકરાઓના.”

મૂળ, “બાળકો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “લખાણોનું.”

અથવા કદાચ, “પોષણ.”

મૂળ, “યહૂદાના દીકરાઓ.”

અર્થ, “ઈશ્વર મારા ન્યાયાધીશ છે.”

અર્થ, “યહોવાએ કૃપા બતાવી છે.”

કદાચ એનો અર્થ, “ઈશ્વર જેવું કોણ છે?”

અર્થ, “યહોવાએ મદદ કરી છે.”

એટલે કે, બાબેલોની નામ.

અથવા, “મંજૂરી માંગી.”

અથવા, “ભલાઈ.”

અથવા, “હું રાજા આગળ દોષિત ઠરીશ.”

અથવા, “અનાજ.”

મૂળ, “તગડા.”

અથવા, “અનાજ.”

અથવા, “જાદુટોણાં કરનારા યાજકો.”

અથવા, “જાદુટોણાં કરનારા યાજકો.”

એટલે કે, જોષ જોવામાં અને જ્યોતિષવિદ્યામાં કુશળ લોકોનો સમૂહ.

દા ૨:૪ખ–૭:૨૮ કલમો અરામિક ભાષામાં લખાઈ હતી.

અથવા કદાચ, “ઉકરડો; છાણનો ઢગલો.”

અથવા, “અનાદિકાળથી અનંતકાળ સુધી.”

શબ્દસૂચિમાં “ગુલામી” જુઓ.

મૂળ, “વિચારવા લાગ્યા.”

અથવા, “પ્રતિમા; પૂતળું.”

અથવા, “શેકેલી માટીનો.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “કુંભારની માટીનો.”

એટલે કે, સામાન્ય લોકો.

શબ્દસૂચિમાં “ઈશ્વરનું રાજ્ય” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “રાજાઓનો પ્રભુ.”

અથવા, “જિલ્લાનો.”

શબ્દસૂચિ જુઓ.

આશરે ૨૭ મી. (૮૮ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

આશરે ૨.૭ મી. (૮.૮ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

રાજાની આજ્ઞાઓ અને ફરમાન જાહેર કરનાર દરબારી.

અથવા, “નિંદા કરી.”

અથવા, “તેનું વલણ સાવ બદલાઈ ગયું.”

અથવા, “દેવોના દીકરા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શરીરો અર્પણ કરવા.”

અથવા કદાચ, “ઉકરડો; છાણનો ઢગલો.”

અથવા, “જાદુટોણાં કરનારા યાજકો.”

એટલે કે, જોષ જોવામાં અને જ્યોતિષવિદ્યામાં કુશળ લોકોનો સમૂહ.

અથવા, “સાત કાળ.”

અથવા, “સાત કાળ.”

મૂળ, “આખલાની.”

અથવા, “સાત કાળ.”

મૂળ, “સ્વર્ગો રાજ કરી રહ્યાં છે.”

અથવા, “સાત કાળ.”

કદાચ એનો અર્થ, “દાદા” અથવા “તેની પહેલાં રાજ કરનાર વ્યક્તિ.”

અથવા, “પ્લાસ્ટર કરેલી દીવાલ.”

એટલે કે, જોષ જોવામાં અને જ્યોતિષવિદ્યામાં કુશળ લોકોનો સમૂહ.

દેખીતું છે, એ રાજમાતાને બતાવે છે.

અથવા, “કુશળ માણસ.”

કદાચ એનો અર્થ, “દાદા” અથવા “તેની પહેલાં રાજ કરનાર વ્યક્તિ.”

કદાચ એનો અર્થ, “દાદા” અથવા “તેની પહેલાં રાજ કરનાર વ્યક્તિ.”

અથવા, “જાદુટોણાં કરનારા યાજકો.”

એટલે કે, જોષ જોવામાં અને જ્યોતિષવિદ્યામાં કુશળ લોકોનો સમૂહ.

કદાચ એનો અર્થ, “દાદા” અથવા “તેની પહેલાં રાજ કરનાર વ્યક્તિ.”

મૂળ, “ગાંઠ ઉકેલવાની.”

કદાચ એનો અર્થ, “દાદા” અથવા “તેની પહેલાં રાજ કરનાર વ્યક્તિ.”

મૂળ, “ગાંઠ ઉકેલી શકે છે.”

કદાચ એનો અર્થ, “દાદા” અથવા “તેની પહેલાં રાજ કરનાર વ્યક્તિ.”

અથવા, “તેમના પૌત્ર.”

મૂળ, “મીના, મીના, એક શેકેલ અને અડધો શેકેલ.”

અહીં પ્રાચીન ઈરાનની વાત થાય છે.

મૂળ, “તેના ઈશ્વરના નિયમ.”

અથવા, “ગુફામાં; ભોંયરામાં.”

શબ્દસૂચિમાં “મહોર વીંટી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “તેણે સંગીતકારોને પણ બોલાવ્યા નહિ.”

મૂળ, “તેની ઊંઘ ઊડી ગઈ.”

અથવા, “વિશ્વ પર રાજ કરવાનો તેનો અધિકાર.”

મૂળ, “આકાશના ચાર વાયુઓએ.”

અથવા, “બડાઈ હાંકતું હતું.”

અથવા, “અને જે પ્રાચીન કાળથી છે તે.”

મૂળ, “હજારોહજાર.”

મૂળ, “દસ હજાર વખત દસ હજાર.”

અથવા, “બડાઈની.”

શબ્દસૂચિમાં “ઈશ્વરનું રાજ્ય” જુઓ.

અથવા, “બડાઈ હાંકતું હતું.”

એટલે કે, સાડા ત્રણ સમય.

અથવા, “સૂસા.”

અથવા, “મહેલમાં.”

અથવા, “નહેર.”

અથવા, “તેની તાકાત સામે.”

અથવા, “સૂર્યાસ્તથી.”

અથવા, “તરત નજરે પડે એવું.”

અથવા, “બકરાની તાકાત સામે.”

મૂળ, “આકાશના ચાર વાયુઓમાં.”

અથવા, “સૂર્યોદય.”

અથવા, “શણગારના દેશ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “એ રાજા ગૂંચવણભરી વાતો સમજતો હશે.”

અથવા કદાચ, “ચેતવણી આપ્યા વગર.”

અથવા, “એ દૂરના ભાવિ માટે છે.”

એટલે કે, પવિત્ર પુસ્તકો.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “શોક” જુઓ.

અથવા, “ભય અને માન જગાડે એવા.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “અમારો ન્યાય કરતા ન્યાયાધીશો.”

અથવા, “તમારી વફાદારી.”

અથવા, “મિસરમાંથી.”

અથવા, “પવિત્ર જગ્યા પર તમારા ચહેરાનો પ્રકાશ પાડો.”

અથવા, “ખૂબ અનમોલ છે; તારું ખૂબ માન છે.”

એટલે કે, વર્ષોનાં અઠવાડિયાં.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયીપણું.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

મૂળ, “પ્રબોધક.”

અથવા, “પવિત્રોના પવિત્રનો.” દેખીતું છે, એ ઈશ્વરના સ્વર્ગના રહેઠાણને બતાવે છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “અભિષિક્ત.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “કિલ્લા ફરતે પાણીની ખાઈ.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “કાપી નાખવામાં.”

દેખીતું છે, એ મસીહને બતાવે છે.

અથવા, “પાકો કરાર કરશે.”

મૂળ, “હીદ્દેકેલના.”

પીળા કે કદાચ લીલા રંગનો એક કીમતી પથ્થર.

અથવા, “ખૂબ અનમોલ છે; તારું ખૂબ માન છે.”

અથવા, “પ્રથમ વર્ગનો એક આગેવાન.”

અર્થ, “ઈશ્વર જેવું કોણ છે?”

અથવા, “ખૂબ અનમોલ માણસ; તારું ખૂબ માન છે.”

મૂળ, “તેને.”

અથવા, “અને તેના માટે કિલ્લા જેવો બન્યો.”

અથવા, “તે મોટા વિસ્તાર પર.”

મૂળ, “આકાશના ચાર વાયુઓમાં.”

દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

અથવા, “સમાન હક મળે એવી ગોઠવણ.”

મૂળ, “તેની.” દેખીતું છે, એ દક્ષિણના રાજાને બતાવે છે.

અથવા, “મનગમતી.”

દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

દેખીતું છે, એ દક્ષિણના રાજાને બતાવે છે.

અથવા, “લુટારાઓના દીકરાઓ.”

મૂળ, “તેઓ ઠોકર ખાઈને પડી જશે.”

અથવા, “શણગારના દેશમાં.”

અથવા, “સમાન હક મળે એવી ગોઠવણ.”

દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

અથવા, “સૈનિકોની નોંધણી કરનાર અધિકારી.”

અથવા, “નકામો.”

અથવા કદાચ, “કોઈ ચેતવણી વગર.”

અથવા, “કાવતરાંથી; ખુશામતથી.”

અથવા કદાચ, “કોઈ ચેતવણી વગર.”

અથવા, “તેની સેના તણાઈ જશે.”

દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

અથવા, “ધિક્કાર.”

દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

અથવા, “ખુશામત; જૂઠી વાતો.”

શબ્દસૂચિમાં “ઈશ્વર-વિરોધી” જુઓ.

અથવા, “ખુશામત; જૂઠી વાતો.”

દેખીતું છે, એ ઉત્તરના રાજાને બતાવે છે.

અથવા, “મનગમતી.”

અથવા, “પારકા દેવની મદદથી.”

અથવા કદાચ, “તે જેઓને સ્વીકારે છે.”

અથવા, “તેની સામે શિંગડાં ભીડશે.”

અથવા, “શણગારના દેશમાં.”

અથવા, “મનગમતી.”

અથવા, “તેના ચરણે જશે.”

અથવા, “સૂર્યોદયથી.”

અથવા, “શણગારના દેશના.”

અથવા, “આલીશાન.”

અર્થ, “ઈશ્વર જેવું કોણ છે?”

મૂળ, “તારા લોકોના દીકરાઓ.”

અથવા, “ન્યાયના.”

મૂળ, “ઘણા લોકો આમતેમ દોડશે.”

એટલે કે, દાનિયેલ.

એટલે કે, સાડા ત્રણ સમય.

અથવા, “જે આશા રાખે છે.”

અથવા, “દિવસોના અંતે.”

અથવા, “તને આપેલી જગ્યાએ.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો