વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt માર્ક ૧:૧-૧૬:૮
  • માર્ક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ક
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માર્ક

માર્કે લખેલી ખુશખબર

૧ ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત* વિશે ખુશખબરની શરૂઆત આ પ્રમાણે છે: ૨ પ્રબોધક* યશાયાએ લખેલું છે તેમ, “(જો! હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારો રસ્તો તૈયાર કરશે.)*+ ૩ વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.’”+ ૪ બાપ્તિસ્મા આપનાર યોહાન વેરાન પ્રદેશમાં આવ્યો. તે લોકોને કહેવા લાગ્યો કે તેઓ પાપોનો પસ્તાવો કરે અને બાપ્તિસ્મા* લે, જેથી તેઓને પાપોની માફી મળે.+ ૫ યહૂદિયાના આખા વિસ્તારમાંથી અને યરૂશાલેમમાંથી બધા રહેવાસીઓ તેની પાસે જવા લાગ્યા. તેઓએ જાહેરમાં પોતાનાં પાપ કબૂલ કર્યાં અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.+ ૬ યોહાન ઊંટના વાળમાંથી બનેલાં કપડાં પહેરતો અને કમરે ચામડાનો પટ્ટો બાંધતો.+ તે તીડો અને જંગલી મધ ખાતો.+ ૭ તે પ્રચાર કરતો કે “મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. હું નીચો નમીને તેમનાં ચંપલ કાઢવાને* પણ યોગ્ય નથી.+ ૮ મેં તમને પાણીથી બાપ્તિસ્મા આપ્યું છે, પણ તે તમને પવિત્ર શક્તિથી* બાપ્તિસ્મા આપશે.”+

૯ એ દિવસોમાં ઈસુ ગાલીલના નાઝરેથ શહેરમાંથી યોહાન પાસે આવ્યા અને તેણે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.+ ૧૦ ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા અને તેમણે આકાશ ઊઘડી ગયેલું જોયું. તેમણે પોતાના પર કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ ઊતરતી જોઈ+ ૧૧ અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો: “તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.”+

૧૨ તરત જ પવિત્ર શક્તિ તેમને વેરાન પ્રદેશમાં લઈ ગઈ. ૧૩ ઈસુ વેરાન પ્રદેશમાં ૪૦ દિવસ રહ્યા, જ્યાં જંગલી પ્રાણીઓ હતાં. ત્યાં શેતાને* તેમનું પરીક્ષણ કર્યું.+ પછી સ્વર્ગદૂતોએ* તેમની સેવા કરી.+

૧૪ યોહાનને પકડવામાં આવ્યા પછી ઈસુ ગાલીલ ગયા+ અને ઈશ્વરની ખુશખબર જણાવવા લાગ્યા.+ ૧૫ તેમણે કહ્યું: “નક્કી કરેલો સમય આવી ગયો છે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો+ અને ખુશખબરમાં ભરોસો મૂકો.”

૧૬ એકવાર ઈસુ ગાલીલ સરોવરને* કિનારે ચાલતા હતા. તેમણે સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને+ સરોવરમાં જાળ નાખતા+ જોયા. તેઓ માછીમાર હતા.+ ૧૭ ઈસુએ તેઓને કહ્યું: “મારી પાછળ આવો અને હું તમને જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે માછલીઓને નહિ, માણસોને ભેગા કરશો.”+ ૧૮ તેઓ તરત જ પોતાની જાળ પડતી મૂકીને તેમની પાછળ ગયા.+ ૧૯ થોડે આગળ ગયા પછી ઈસુએ ઝબદીના બે દીકરા, યાકૂબ અને યોહાનને જોયા. તેઓ પોતાની હોડીમાં જાળ સાંધતા હતા.+ ૨૦ ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા. એટલે તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેમની પાછળ ગયા. ૨૧ તેઓ કાપરનાહુમ શહેરમાં ગયા.

સાબ્બાથનો* દિવસ શરૂ થયો ત્યારે, ઈસુ સભાસ્થાનમાં* ગયા અને શીખવવા લાગ્યા.+ ૨૨ ઈસુની શીખવવાની રીત જોઈને લોકો દંગ થઈ ગયા. તે શાસ્ત્રીઓની* જેમ નહિ પણ જેની પાસે અધિકાર હોય તેની જેમ શીખવતા હતા.+ ૨૩ એ સમયે તેઓના સભાસ્થાનમાં દુષ્ટ દૂતના* કાબૂમાં એક માણસ હતો. તેણે બૂમ પાડી: ૨૪ “ઓ નાઝરેથના ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા?+ શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.”+ ૨૫ પણ ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ!” ૨૬ દુષ્ટ દૂતે એ માણસને સખત રીતે મરડી નાખ્યો અને મોટેથી ચીસ પાડીને તેનામાંથી નીકળી ગયો. ૨૭ લોકો એટલા દંગ થઈ ગયા કે તેઓ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા: “આ શું? આ તો જોરદાર રીતે શીખવે છે! અરે, તે દુષ્ટ દૂતોને પણ પૂરા અધિકારથી હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.” ૨૮ તેમના વિશેની વાત ઝડપથી ગાલીલ પ્રદેશમાં ચારે બાજુ ફેલાઈ ગઈ.

૨૯ એ પછી તેઓ સભાસ્થાનમાંથી નીકળીને સિમોન અને આંદ્રિયાના ઘરે ગયા.+ યાકૂબ અને યોહાન તેઓની સાથે હતા. ૩૦ સિમોનની સાસુ+ તાવને લીધે પથારીમાં સૂઈ ગઈ હતી. તેઓએ તરત ઈસુને તેના વિશે જણાવ્યું. ૩૧ ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી. એટલે તેનો તાવ ઊતરી ગયો અને તે તેઓની સેવા કરવા લાગી.

૩૨ પછી સૂરજ આથમ્યો અને સાંજ ઢળી ત્યારે, લોકો બીમાર અને દુષ્ટ દૂતોના વશમાં હતા તેઓને ઈસુ પાસે લાવવા લાગ્યા.+ ૩૩ આખું શહેર એ ઘરના બારણા આગળ ભેગું થયું. ૩૪ ઈસુએ જાતજાતના રોગોથી પીડાતા ઘણા લોકોને સાજા કર્યા.+ તેમણે લોકોને ઘણા દુષ્ટ દૂતોથી આઝાદ કર્યા. પણ તેમણે એ દૂતોને બોલવા ન દીધા, કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.*

૩૫ વહેલી સવારે હજુ તો અંધારું હતું ત્યારે, ઈસુ ઊઠીને બહાર ગયા. તે એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા.+ ૩૬ સિમોન અને તેની સાથેના બીજા શિષ્યો તેમને શોધવા નીકળી પડ્યા. ૩૭ તેઓએ તેમને શોધી કાઢીને કહ્યું: “બધા તમને શોધે છે.” ૩૮ ઈસુએ કહ્યું: “ચાલો આપણે બીજે ક્યાંક નજીકનાં નગરોમાં જઈએ, જેથી હું ત્યાં પણ પ્રચાર કરું. હું એ માટે જ આવ્યો છું.”+ ૩૯ તે ત્યાંથી નીકળીને આખા ગાલીલમાં ફર્યા. ત્યાંનાં સભાસ્થાનોમાં તે પ્રચાર કરવા લાગ્યા અને લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢવા લાગ્યા.+

૪૦ પછી ઈસુ પાસે રક્તપિત્ત* થયેલો એક માણસ આવ્યો. તે તેમની આગળ ઘૂંટણિયે પડીને વિનંતી કરવા લાગ્યો: “જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”+ ૪૧ એ જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. તે હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.”+ ૪૨ તરત જ તેનો રક્તપિત્ત જતો રહ્યો અને તે શુદ્ધ થયો. ૪૩ ઈસુએ તરત જ એ માણસને વિદાય આપી અને ચેતવણી આપી: ૪૪ “જોજે, કોઈને કશું કહેતો નહિ. પણ યાજક* પાસે જઈને બતાવ. તું શુદ્ધ થયો હોવાથી મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”+ ૪૫ પણ એ માણસ ત્યાંથી નીકળીને એ વાત બધે ફેલાવવા લાગ્યો. તેણે એ ખબર એટલી બધી ફેલાવી કે ઈસુ માટે ખુલ્લેઆમ કોઈ પણ શહેરમાં જવું અઘરું થઈ પડ્યું. એટલે તે શહેર બહાર એકાંત જગ્યાએ રહ્યા. તોપણ લોકો બધી બાજુએથી તેમની પાસે આવતા હતા.+

૨ થોડા દિવસ પછી ઈસુ ફરીથી કાપરનાહુમમાં આવ્યા. લોકોમાં વાત ફેલાઈ ગઈ કે તે ઘરે આવ્યા છે.+ ૨ ત્યાં એટલા બધા લોકો ભેગા થયા કે આખું ઘર ભરાઈ ગયું, એટલે સુધી કે બારણામાં પેસવાની પણ જગ્યા ન હતી. ઈસુ તેઓને ખુશખબર જણાવવા લાગ્યા.+ ૩ લોકો તેમની પાસે લકવો થયેલા એક માણસને લાવ્યા, જેને ચાર માણસોએ ઊંચક્યો હતો.+ ૪ પણ ટોળાને લીધે તેઓ તેને ઈસુ પાસે લઈ જઈ શક્યા નહિ. એટલે તેઓએ ઈસુ જ્યાં હતા ત્યાં ઉપરથી છાપરું ખોલ્યું અને એ ખુલ્લી જગ્યામાંથી લકવો થયેલા માણસને પથારી સાથે નીચે ઉતાર્યો. ૫ ઈસુએ તેઓની શ્રદ્ધા જોઈને+ લકવો થયેલા માણસને કહ્યું: “દીકરા, તારાં પાપ માફ થયાં છે.”+ ૬ કેટલાક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા. તેઓ વિચારતા હતા:+ ૭ “આ માણસ આવું કેમ બોલે છે? તે ઈશ્વરનું અપમાન* કરે છે. ઈશ્વર સિવાય બીજું કોણ પાપ માફ કરી શકે?”+ ૮ ઈસુ તરત જ સમજી ગયા કે તેઓ કેવું વિચારે છે. તેમણે તેઓને કહ્યું: “તમે તમારાં દિલમાં કેમ આવું વિચારો છો?+ ૯ લકવો થયેલા માણસને શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે’ કે પછી ‘ઊભો થા અને તારી પથારી ઉઠાવીને ચાલ’? ૧૦ પણ હું તમને બતાવું કે માણસના દીકરાને*+ પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે.”+ તેમણે લકવો થયેલા માણસને કહ્યું: ૧૧ “હું તને કહું છું કે ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.” ૧૨ તે ઊભો થયો અને તરત પોતાની પથારી ઉઠાવીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. તેઓ બધા દંગ રહી ગયા અને ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યા: “અમે આવું ક્યારેય જોયું નથી!”+

૧૩ ફરીથી ઈસુ સરોવરના કિનારે ગયા. તેમની પાસે ટોળેટોળાં આવવા લાગ્યાં અને તે તેઓને શીખવવા લાગ્યા. ૧૪ તે જતા હતા ત્યારે તેમણે અલ્ફીના દીકરા લેવીને* કર ભરવાની કચેરીમાં બેઠેલો જોયો. તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.” તે ઊભો થયો અને તેમની પાછળ ગયો.+ ૧૫ પછી ઈસુ એ લેવીના ઘરમાં જમવા બેઠા હતા. ઈસુ અને તેમના શિષ્યો સાથે ઘણા કર ઉઘરાવનારા ને પાપીઓ પણ જમવા બેઠા હતા. તેઓમાંના ઘણા તેમના શિષ્યો બન્યા હતા.+ ૧૬ ફરોશીઓમાંના* શાસ્ત્રીઓએ જોયું કે ઈસુ પાપીઓ અને કર ઉઘરાવનારાઓ સાથે જમે છે. એટલે તેઓ તેમના શિષ્યોને પૂછવા લાગ્યા: “તે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાય છે?” ૧૭ એ સાંભળીને ઈસુએ તેઓને કહ્યું: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે. હું નેક* લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”+

૧૮ યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ રાખતા હતા. એટલે તેઓએ ઈસુને પૂછ્યું: “યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો કેમ ઉપવાસ કરતા નથી?”+ ૧૯ ઈસુએ કહ્યું: “જ્યાં સુધી વરરાજા+ સાથે હોય છે, ત્યાં સુધી શું તેના મિત્રોએ ઉપવાસ કરવાની જરૂર છે? જ્યાં સુધી વરરાજા તેઓ સાથે છે, ત્યાં સુધી તેઓ ઉપવાસ કરતા નથી. ૨૦ પણ એવા દિવસો આવશે જ્યારે વરરાજાને તેઓ પાસેથી લઈ લેવામાં આવશે+ અને એ દિવસોમાં તેઓ ઉપવાસ કરશે. ૨૧ જૂના કપડા પર કોઈ નવા કપડાનું થીંગડું મારતું નથી. જો તે એમ કરે, તો એ થીંગડું સંકોચાઈને જૂના કપડાને ફાડશે અને એ વધારે ફાટશે.+ ૨૨ કોઈ જૂની મશકોમાં* નવો દ્રાક્ષદારૂ ભરતું નથી. જો તે એમ કરે, તો દ્રાક્ષદારૂ મશકોને ફાડી નાખશે અને દ્રાક્ષદારૂની સાથે સાથે મશકો પણ ગુમાવી બેસશે. પણ નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરવામાં આવે છે.”

૨૩ હવે ઈસુ સાબ્બાથના દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ચાલતાં ચાલતાં અનાજનાં કણસલાં તોડવા લાગ્યા.+ ૨૪ ફરોશીઓએ ઈસુને કહ્યું: “જુઓ! તેઓ સાબ્બાથના દિવસે કેમ એવું કામ કરે છે, જે નિયમની વિરુદ્ધ છે?” ૨૫ તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે જ્યારે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા અને તેઓ પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૨૬ શું તમે મુખ્ય યાજક* અબ્યાથાર+ વિશેના અહેવાલમાં નથી વાંચ્યું? દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને અર્પણની રોટલી* ખાધી. તેમણે પોતાના સાથીઓને પણ એ આપી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.”+ ૨૭ પછી ઈસુએ કહ્યું: “સાબ્બાથ લોકો માટે છે,+ લોકો સાબ્બાથ માટે નથી. ૨૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પણ માલિક છે.”+

૩ ઈસુ ફરી એક વાર સભાસ્થાનમાં ગયા. ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો.*+ ૨ ફરોશીઓની નજર ઈસુ પર હતી. તેઓને જોવું હતું કે સાબ્બાથના દિવસે તે માણસને સાજો કરે છે કે નહિ, જેથી તેમના પર આરોપ મૂકી શકાય. ૩ ઈસુએ સુકાયેલા* હાથવાળા માણસને કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે આવ.” ૪ પછી તેમણે તેઓને કહ્યું: “નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવ બચાવવો કે જીવ લેવો?”+ પણ તેઓ ચૂપ રહ્યા. ૫ ઈસુએ ગુસ્સે થઈને તેઓ સામે જોયું. તેઓનાં દિલ કઠણ હોવાથી તે ઘણા દુઃખી થયા.+ તેમણે એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ સાજો થઈ ગયો. ૬ ફરોશીઓ બહાર ગયા અને તરત જ હેરોદીઓ*+ સાથે મળીને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા.

૭ પણ ઈસુ પોતાના શિષ્યો સાથે ત્યાંથી નીકળીને સરોવર તરફ ગયા. ગાલીલ અને યહૂદિયામાંથી ઘણા બધા લોકો તેમની પાછળ ગયા.+ ૮ એટલું જ નહિ, ઈસુનાં અનેક કામો વિશે સાંભળીને યરૂશાલેમથી, અદુમથી, યર્દન પારથી, તૂર અને સિદોનથી મોટી સંખ્યામાં લોકો તેમની પાસે આવ્યા. ૯ તેમણે શિષ્યોને જણાવ્યું કે તેમના માટે એક નાની હોડી તૈયાર રાખે, જેથી ટોળાના ધસારાથી તે દબાઈ ન જાય. ૧૦ ઈસુએ ઘણાને સાજા કર્યા હતા. એટલે જેઓને મોટી બીમારી હતી તેઓ બધા તેમને અડકવા તેમના પર પડાપડી કરતા હતા.+ ૧૧ એટલે સુધી કે દુષ્ટ દૂતની+ પકડમાં હતા એ માણસો તેમને જોતા ત્યારે, તેમના પગ આગળ પડીને બૂમો પાડતા: “તું ઈશ્વરનો દીકરો છે.”+ ૧૨ પણ ઈસુએ ઘણી વાર હુકમ આપ્યો કે પોતે કોણ છે એ તેઓ કોઈને જણાવે નહિ.+

૧૩ તે પહાડ પર ચઢ્યા અને પોતાના શિષ્યોમાંથી કેટલાકને બોલાવ્યા.+ તેઓ તેમની પાસે ગયા.+ ૧૪ તેમણે ૧૨ને પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો* નામ આપ્યું. તેઓ તેમની સાથે રહ્યા. તેમણે તેઓને પ્રચાર કરવા મોકલ્યા. ૧૫ તેમણે તેઓને દુષ્ટ દૂતો કાઢવાનો અધિકાર પણ આપ્યો.+

૧૬ તેમણે પસંદ કરેલા ૧૨ શિષ્યોનાં+ નામ આ હતાં: સિમોન, જેને તેમણે પિતર નામ આપ્યું,+ ૧૭ ઝબદીનો દીકરો યાકૂબ અને યાકૂબનો ભાઈ યોહાન (તેમણે તેઓને બોઅનેરગેસ નામ આપ્યું, જેનો અર્થ થાય, “ગર્જનાના દીકરાઓ”),+ ૧૮ આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની* ૧૯ અને યહૂદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.

પછી ઈસુ એક ઘરમાં ગયા. ૨૦ ફરી એક વાર ટોળું ભેગું થઈ ગયું અને તેઓ ખાઈ પણ ન શક્યા. ૨૧ તેમનાં સગાઓએ આ બધું સાંભળ્યું. તેઓ ઈસુને પાછા લઈ આવવા નીકળી પડ્યા. તેઓ કહેતા હતા કે “તેનું મગજ ફરી ગયું છે.”+ ૨૨ યરૂશાલેમથી આવેલા શાસ્ત્રીઓ પણ કહેતા હતા: “તેનામાં બાલઝબૂલ* છે. તે દુષ્ટ દૂતોના રાજાની મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ ૨૩ ઈસુએ તેઓને પોતાની પાસે બોલાવ્યા અને ઉદાહરણો આપીને કહ્યું: “શેતાન કઈ રીતે શેતાનને કાઢી શકે? ૨૪ જો કોઈ રાજ્યમાં ભાગલા પડે તો એ રાજ્ય ટકી શકતું નથી.+ ૨૫ જો કોઈ ઘરમાં ભાગલા પડે તો એ ઘર ટકશે નહિ. ૨૬ જો શેતાન પોતાની જ સામે ઊભો થાય અને તેના રાજ્યમાં* ભાગલા પડે, તો તે ટકી શકે નહિ, પણ તેનો અંત આવી જશે. ૨૭ હકીકતમાં કોઈ વ્યક્તિ બળવાન માણસના ઘરમાં ઘૂસીને તેની મિલકત લૂંટી લેતા પહેલાં એ માણસને બાંધશે. ત્યાર પછી જ તેનું ઘર લૂંટી શકશે. ૨૮ હું તમને સાચે જ કહું છું કે માણસો ભલે ગમે એવું પાપ કરે કે ખરાબ બોલે, એ બધું માફ કરવામાં આવશે. ૨૯ પણ જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે, તેને ક્યારેય માફ કરવામાં નહિ આવે.+ તે કાયમ માટે એ પાપનો દોષિત ઠરશે.”+ ૩૦ ઈસુએ એમ કહ્યું, કારણ કે તેઓ કહેતા હતા: “તેનામાં દુષ્ટ દૂત છે.”+

૩૧ ઈસુની મા અને તેમના ભાઈઓ+ આવીને બહાર ઊભાં રહ્યાં. તેઓએ તેમને બોલાવવા એક માણસને અંદર મોકલ્યો.+ ૩૨ એ સમયે ઈસુની ફરતે ટોળું બેઠું હતું. તેઓમાંથી એકે તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માંગે છે.”+ ૩૩ તેમણે કહ્યું: “મારી મા અને મારા ભાઈઓ કોણ છે?” ૩૪ તેમણે પોતાની આસપાસ બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને કહ્યું: “જુઓ, મારી મા અને મારા ભાઈઓ!+ ૩૫ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે.”+

૪ ઈસુ ફરીથી સરોવર પાસે શીખવવા લાગ્યા. તેમની પાસે મોટું ટોળું ભેગું થઈ ગયું. એટલે તે એક હોડીમાં બેસીને કિનારાથી દૂર ગયા અને ટોળાને શીખવવા લાગ્યા. આખું ટોળું સરોવરને કિનારે હતું.+ ૨ તે તેઓને ઉદાહરણોથી ઘણી વાતો શીખવવા લાગ્યા.+ તેઓને શીખવતી વખતે તેમણે કહ્યું:+  ૩ “સાંભળો! એક વાવનાર બી વાવવા માટે ગયો.+ ૪ તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં. ૫ અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી. માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં.+ ૬ પણ સૂર્યના તાપથી કુમળા છોડ કરમાઈ ગયા અને એના મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયા. ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં. એણે કોઈ ફળ આપ્યું નહિ.+ ૮ પણ બીજાં બી સારી જમીન પર પડ્યાં. એ ઊગ્યાં અને વધીને ફળ આપવાં લાગ્યાં. કોઈએ ૩૦ ગણાં, કોઈએ ૬૦ ગણાં, તો કોઈએ ૧૦૦ ગણાં ફળ આપ્યાં.”+ ૯ પછી તેમણે કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+

૧૦ ઈસુ એકલા હતા ત્યારે બાર પ્રેરિતો અને બીજા શિષ્યો તેમને ઉદાહરણો વિશે સવાલ પૂછવા લાગ્યા.+ ૧૧ તેમણે તેઓને કહ્યું: “ઈશ્વરના રાજ્યનું પવિત્ર રહસ્ય+ તમને જણાવવામાં આવ્યું છે, પણ બીજાઓ માટે આ બધી વાતો ઉદાહરણોમાં છે.+ ૧૨ એ માટે કે તેઓ જુએ પણ તેઓને કંઈ સૂઝે નહિ, તેઓ સાંભળે પણ તેઓ સમજે નહિ. તેઓ કદી પાછા ફરે નહિ અને માફી મેળવે નહિ.”+ ૧૩ તેમણે તેઓને કહ્યું: “તમે આ ઉદાહરણ સમજતા નથી, તો પછી બીજાં બધાં ઉદાહરણો કઈ રીતે સમજશો?

૧૪ “વાવનાર ઈશ્વરનો સંદેશો વાવે છે.+ ૧૫ રસ્તાને કિનારે પડેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને તરત જ શેતાન આવીને+ તેઓનાં હૃદયમાં વાવેલો સંદેશો લઈ જાય છે.+ ૧૬ એ જ રીતે, ખડકાળ જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને તરત જ એને આનંદથી સ્વીકારે છે.+ ૧૭ પણ તેઓનાં મૂળ ઊંડાં હોતાં નથી, એટલે થોડો જ સમય ટકે છે. પછી ઈશ્વરના સંદેશાને લીધે મુસીબતો કે સતાવણી આવે ત્યારે, તેઓ તરત ઠોકર ખાય છે. ૧૮ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે,+ ૧૯ પણ દુનિયાની ચિંતા,+ ધનદોલતની માયા+ અને બીજી બધી વસ્તુઓની લાલસા+ તેઓનાં હૃદયમાં જઈને ઈશ્વરના સંદેશાને દબાવી દે છે અને તેઓ ફળ આપતા નથી. ૨૦ પણ સારી જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને ખુશીથી સ્વીકારે છે. તેઓ ૩૦ ગણાં, ૬૦ ગણાં તથા ૧૦૦ ગણાં ફળ આપે છે.”+

૨૧ તેમણે આમ પણ કહ્યું: “શું દીવો ટોપલા નીચે કે ખાટલા નીચે મૂકવામાં આવે છે? શું એ ઊંચે દીવી પર મૂકવા માટે લાવવામાં આવતો નથી?+ ૨૨ એવું કંઈ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે. એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી જે ઉઘાડું પાડવામાં નહિ આવે.+ ૨૩ હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+

૨૪ પછી ઈસુએ કહ્યું: “તમે જે સાંભળો છો એના પર ધ્યાન આપો.+ જે માપથી તમે માપી આપો છો, એ માપથી તમને માપી આપવામાં આવશે. હા, તમને વધારે ઉમેરી આપવામાં આવશે. ૨૫ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે.+ જેની પાસે નથી તેની પાસે જે છે એ પણ લઈ લેવામાં આવશે.”+

૨૬ પછી તેમણે કહ્યું: “ઈશ્વરનું રાજ્ય કોઈ માણસ જમીનમાં બી વાવે એવું છે. ૨૭ તે રાતે ઊંઘી જાય છે અને સવારે ઊઠે છે. બીને ફણગો ફૂટે છે અને વધે છે. પણ એ કઈ રીતે થાય છે એ તે જાણતો નથી. ૨૮ જમીન ધીમે ધીમે ફળ આપે છે. પહેલા છોડની દાંડી ફૂટે, પછી કણસલું નીકળે અને આખરે કણસલું દાણાથી ભરાઈ જાય છે. ૨૯ પણ જેવો પાક તૈયાર થાય કે તરત એ માણસ દાતરડું ફેરવે છે, કેમ કે કાપણીનો સમય આવી ગયો છે.”

૩૦ પછી તેમણે કહ્યું: “આપણે ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવી શકીએ અથવા કયા ઉદાહરણથી સમજાવી શકીએ? ૩૧ એ રાઈના બી જેવું છે. એને જમીનમાં રોપવામાં આવે છે ત્યારે, પૃથ્વી પરનાં સર્વ બી કરતાં નાનું હોય છે.+ ૩૨ પણ રોપાયા પછી એ ઊગીને બીજા બધા છોડ કરતાં મોટું થાય છે. એના પર મોટી મોટી ડાળીઓ આવે છે અને એની છાયામાં આકાશનાં પક્ષીઓ રહે છે.”

૩૩ ઈસુએ આવાં અનેક ઉદાહરણોથી+ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવ્યો. તેઓ સમજી શકે એટલું તેમણે તેઓને શીખવ્યું. ૩૪ ઉદાહરણ વગર તે તેઓની સાથે કદીયે વાત કરતા નહિ. પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં બધું સમજાવતા.+

૩૫ એ દિવસે સાંજ ઢળી ત્યારે તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો આપણે સામે પાર જઈએ.”+ ૩૬ તેઓએ ટોળાને વિદાય કર્યા અને ઈસુને હોડીમાં લઈને ગયા. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી.+ ૩૭ હવે પવનનું ભારે તોફાન શરૂ થયું. મોજાં હોડીને અથડાવાં લાગ્યાં અને હોડી પાણીથી ભરાવા લાગી.+ ૩૮ પણ ઈસુ હોડીના પાછળના ભાગમાં ઓશિકા પર માથું મૂકીને ઊંઘતા હતા. તેઓ તેમને જગાડીને કહેવા લાગ્યા: “ગુરુજી, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ ને તમને કંઈ પડી નથી?” ૩૯ એટલે તેમણે ઊભા થઈને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું: “ચૂપ! શાંત થઈ જા!”+ એટલે પવન બંધ થઈ ગયો અને એકદમ શાંતિ છવાઈ ગઈ. ૪૦ પછી તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ગભરાઓ છો? શું તમારામાં હજી પણ શ્રદ્ધા નથી?” ૪૧ પણ તેઓ ખૂબ ડરી ગયા હતા અને એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? પવન અને સરોવર પણ તેમનું કહેવું માને છે!”+

૫ પછી તેઓ સરોવરની પેલે પાર ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા.+ ૨ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે એક માણસ તરત જ કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યો. એ માણસ ખરાબ દૂતના વશમાં હતો. ૩ તે કબરો વચ્ચે રહેતો હતો અને કોઈ તેને બાંધી શકતું ન હતું. અરે, સાંકળથી પણ નહિ. ૪ તેને ઘણી વાર બેડીઓ અને સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. પણ તે સાંકળો તોડી નાખતો અને બેડીઓ ભાંગી નાખતો. તેને કાબૂ કરવાની કોઈનામાં તાકાત ન હતી. ૫ તે કબ્રસ્તાનમાં રાત-દિવસ બૂમો પાડ્યા કરતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. ૬ પણ તેણે ઈસુને દૂરથી જોયા ત્યારે તે દોડી આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો.+ ૭ તેણે મોટા અવાજે બૂમ પાડીને કહ્યું: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને ઈશ્વરના સોગંદ દઉં છું કે મને પીડા આપીશ નહિ.”+ ૮ તેણે એટલા માટે એવું કહ્યું, કારણ કે ઈસુ તેને કહેતા હતા: “ઓ ખરાબ દૂત, એ માણસમાંથી બહાર નીકળ.”+ ૯ ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ.” ૧૦ તેણે ઘણી વાર ઈસુને વિનંતી કરી કે તેઓને એ પ્રદેશમાંથી બહાર કાઢી ન મૂકે.+

૧૧ ત્યાં ભૂંડોનું+ મોટું ટોળું પર્વત પર ચરતું હતું.+ ૧૨ ખરાબ દૂતો તેમને વિનંતી કરવા લાગ્યા: “અમને ભૂંડોમાં જવાની રજા આપ, જેથી અમે તેઓમાં જઈએ.” ૧૩ તેમણે રજા આપી એટલે ખરાબ દૂતો નીકળીને ભૂંડોમાં ગયા. આશરે ૨,૦૦૦ ભૂંડોનું એ ટોળું ટેકરીની ધાર પરથી નીચે સરોવરમાં પડ્યું અને ડૂબી મર્યું. ૧૪ એ જોઈને ભૂંડો ચરાવનારા ભાગી ગયા. તેઓએ શહેરમાં અને સીમમાં એ વિશે ખબર આપી. જે થયું હતું એ જોવા લોકો આવ્યા.+ ૧૫ તેઓ ઈસુ પાસે આવ્યા. જે માણસ ખરાબ દૂતોની સેનાના વશમાં હતો, તેને કપડાં પહેરેલો અને શાંત ચિત્તે બેઠેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. ૧૬ આ બનાવ નજરે જોનારા લોકોએ તેઓને જણાવ્યું કે ખરાબ દૂતોના વશમાં હતો એ માણસનું અને ભૂંડોનું શું થયું હતું. ૧૭ એટલે લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા કે તેઓના પ્રદેશમાંથી દૂર જતા રહે.+

૧૮ ઈસુ હોડીમાં ચઢતા હતા ત્યારે, જે માણસમાંથી ખરાબ દૂત કાઢવામાં આવ્યો હતો, એ માણસ તેમની સાથે જવા આજીજી કરવા લાગ્યો.+ ૧૯ પણ ઈસુએ ના પાડીને તેને કહ્યું: “ઘરે તારાં સગાઓ પાસે જા. યહોવાએ* તારા માટે જે કંઈ કર્યું છે અને તારા પર જે દયા બતાવી છે, એ વિશે તેઓને જણાવ.” ૨૦ એ માણસ ત્યાંથી નીકળીને દકાપોલીસ* ગયો. ઈસુએ તેના માટે જે કર્યું હતું એ બધું કહેવા લાગ્યો. એ સાંભળીને બધા લોકો નવાઈ પામ્યા.

૨૧ ઈસુ હોડીમાં પાછા સામે કાંઠે પહોંચ્યા ત્યારે, મોટું ટોળું તેમની પાસે ભેગું થઈ ગયું.+ તે સરોવર પાસે હતા. ૨૨ યાઐરસ નામનો સભાસ્થાનનો એક અધિકારી આવ્યો અને ઈસુને જોઈને તેમના પગ આગળ પડ્યો.+ ૨૩ તેણે વારંવાર આજીજી કરી: “મારી નાની દીકરી ખૂબ જ બીમાર છે.* મહેરબાની કરીને તમે આવો. તેના પર હાથ મૂકો,+ જેથી તે સાજી થાય અને જીવતી રહે.” ૨૪ એટલે ઈસુ તેની સાથે જવા નીકળ્યા. મોટું ટોળું તેમની પાછળ પાછળ ગયું અને લોકો તેમની નજીક જવા પડાપડી કરતા હતા.

૨૫ ત્યાં એક સ્ત્રી હતી, જે ૧૨ વર્ષથી+ લોહીવાથી*+ પીડાતી હતી. ૨૬ તેણે ઘણા વૈદો પાસે સારવાર કરાવી હતી અને ખૂબ દુઃખ સહન કર્યું હતું. તેણે પોતાની પાસે જે કંઈ હતું એ બધું વાપરી નાખ્યું હતું. પણ ફાયદો થવાને બદલે, તેની હાલત વધારે ખરાબ થઈ હતી. ૨૭ તેણે ઈસુ વિશેની વાતો સાંભળી હતી. એટલે તે ટોળામાં પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાને અડકી.+ ૨૮ તે મનમાં ને મનમાં કહેતી હતી: “જો હું ફક્ત તેમના ઝભ્ભાને અડકું તો સાજી થઈ જઈશ.”+ ૨૯ તરત જ તેનું લોહી વહેતું બંધ થઈ ગયું. તેને ખબર પડી કે તે મોટી બીમારીમાંથી સાજી થઈ છે.

૩૦ ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી શક્તિ નીકળી છે.+ તેમણે ટોળામાં પાછળ ફરીને પૂછ્યું: “મારા ઝભ્ભાને કોણ અડક્યું?”+ ૩૧ શિષ્યોએ કહ્યું: “તમે જુઓ છો કે ટોળું તમારી નજીક આવવા પડાપડી કરે છે અને તમે પૂછો છો, ‘મને કોણ અડક્યું?’” ૩૨ પણ આવું કોણે કર્યું એ જાણવા તે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા. ૩૩ જે બન્યું હતું એ સ્ત્રીને ખબર હતી. એટલે તે ગભરાતી ગભરાતી આવી અને ઈસુ આગળ ઘૂંટણિયે પડી. તેણે તેમને બધું જણાવી દીધું. ૩૪ તેમણે તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. શાંતિથી જા+ અને આ મોટી બીમારીમાંથી સાજી થા.”+

૩૫ ઈસુ હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરેથી કેટલાક માણસો આવ્યા. તેઓએ અધિકારીને કહ્યું: “તમારી દીકરી ગુજરી ગઈ છે. હવે ગુરુજીને તકલીફ આપવાની શું જરૂર છે?”+ ૩૬ તેઓના શબ્દો ઈસુને કાને પડ્યા ત્યારે, તેમણે એ અધિકારીને કહ્યું: “ગભરાઈશ નહિ,* માત્ર શ્રદ્ધા રાખ.”+ ૩૭ તેમણે પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાન સિવાય કોઈને પોતાની સાથે આવવા દીધા નહિ.+

૩૮ તેઓ સભાસ્થાનના અધિકારીના ઘરે આવ્યા. ઈસુએ જોયું કે ત્યાં શોરબકોર થઈ રહ્યો હતો. લોકો મોટેથી રડતા અને વિલાપ કરતા હતા.+ ૩૯ તેમણે અંદર જઈને તેઓને કહ્યું: “તમે શા માટે શોરબકોર કરો છો? શા માટે રડો છો? છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.”+ ૪૦ એ સાંભળીને તેઓ તેમના પર હસવા લાગ્યા. પણ તેમણે બધાને બહાર મોકલી દીધા. પછી છોકરીનાં માબાપ અને શિષ્યોને લઈને તે અંદર ગયા, જ્યાં છોકરીને રાખી હતી. ૪૧ તેમણે એ છોકરીનો હાથ પકડીને કહ્યું: “તલિથા કુમી,” જેનો અર્થ થાય: “નાની છોકરી, હું તને કહું છું, ઊઠ!”+ ૪૨ એ છોકરી તરત જ ઊઠી અને ચાલવા લાગી. (તે ૧૨ વર્ષની હતી.) એ જોઈને તેઓની ખુશીનો પાર ન રહ્યો. ૪૩ પણ ઈસુએ તેઓને અનેક વાર આજ્ઞા કરી* કે આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ.+ તેમણે છોકરીને કંઈક ખાવાનું આપવા કહ્યું.

૬ તે ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા.+ શિષ્યો પણ તેમની સાથે સાથે ગયા. ૨ સાબ્બાથના દિવસે તે સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેમને સાંભળનારા મોટા ભાગના લોકોએ નવાઈ પામીને કહ્યું: “આ માણસ એ બધું ક્યાંથી શીખ્યો?+ તેની પાસે આવું જ્ઞાન ક્યાંથી આવ્યું? તે આવાં પરાક્રમી કામો કઈ રીતે કરે છે?+ ૩ શું તે સુથાર નથી?+ શું તે મરિયમનો દીકરો નથી?+ શું તે યાકૂબ,+ યૂસફ, યહૂદા અને સિમોનનો+ ભાઈ નથી? શું તેની બહેનો આપણી સાથે નથી?” આ રીતે લોકો તેમના વિશે ઠોકર ખાવા લાગ્યા. ૪ ઈસુએ તેઓને કહ્યું: “પ્રબોધકને પોતાના વતન, પોતાનાં સગાઓ અને પોતાના ઘર સિવાય બધે માન મળે છે.”+ ૫ તેમણે ફક્ત અમુક બીમાર લોકો પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા, પણ ત્યાં બીજા કોઈ ચમત્કારો કર્યા નહિ. ૬ તેઓમાં શ્રદ્ધાની ખામી જોઈને તેમને નવાઈ લાગી. એ વિસ્તારનાં ગામોમાં ફરીને તે શીખવવા લાગ્યા.+

૭ પછી તેમણે બાર પ્રેરિતોને બોલાવ્યા અને બબ્બેની જોડમાં મોકલ્યા.+ તેમણે તેઓને લોકોમાંથી ખરાબ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો.+ ૮ તેમણે તેઓને આજ્ઞા પણ આપી કે મુસાફરી માટે એક લાકડી સિવાય બીજું કંઈ લેવું નહિ. રોટલી નહિ, ખોરાકની થેલી નહિ કે કમરપટ્ટામાં નાણું* નહિ.+ ૯ પણ જે કપડાં અને ચંપલ પહેર્યાં હોય એ જ લઈને જવું. ૧૦ તેમણે કહ્યું: “તમે કોઈ ઘરમાં જાઓ ત્યારે, એ શહેરમાંથી નીકળતા સુધી ત્યાં જ રહો.+ ૧૧ જ્યાં પણ તમારો સ્વીકાર ન થાય કે લોકો તમારું ન સાંભળે, ત્યાંથી નીકળતી વખતે તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો,* જેથી તેઓને સાક્ષી મળે.”+ ૧૨ તેઓએ જઈને પ્રચાર કર્યો, જેથી લોકો પસ્તાવો કરે.+ ૧૩ તેઓએ ઘણા ખરાબ દૂતો કાઢ્યા+ અને ઘણા બીમાર લોકોને તેલ ચોળીને સાજા કર્યા.

૧૪ હવે રાજા હેરોદે* આ સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ ઘણું જાણીતું થઈ ગયું હતું. લોકો કહેતા હતા: “બાપ્તિસ્મા આપનાર યોહાનને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે. એટલે તે આવાં શક્તિશાળી કામો કરે છે.”+ ૧૫ પણ બીજા લોકો કહેતા હતા: “એ તો એલિયા છે.” જ્યારે અમુક કહેતા હતા: “તે જૂના જમાનાના પ્રબોધકો જેવો પ્રબોધક છે.”+ ૧૬ પણ હેરોદે એ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું: “એ યોહાન છે, જેનું માથું મેં કપાવી નંખાવ્યું હતું. તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે.” ૧૭ હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્‍ન કરી લીધા હતા. હેરોદિયાને લીધે હેરોદે માણસો મોકલીને યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+ ૧૮ એ માટે કે યોહાન હેરોદને આમ કહેતો હતો: “તારા ભાઈની પત્નીને તેં પોતાની પત્ની બનાવી છે, એ યોગ્ય નથી.”+ ૧૯ તેથી હેરોદિયા તેના પર ખાર રાખતી હતી. તે તેને મારી નાખવા માંગતી હતી, પણ એમ કરી શકી ન હતી. ૨૦ હેરોદ જાણતો હતો કે યોહાન નેક અને પવિત્ર માણસ છે.+ એટલે તે તેનાથી ડરતો હતો અને તેનું રક્ષણ કરતો હતો. યોહાનની વાતો સાંભળીને તે મૂંઝવણમાં પડી જતો કે તેનું શું કરવું. તોપણ તે તેનું ખુશીથી સાંભળતો હતો.

૨૧ પણ હેરોદના જન્મદિવસે+ હેરોદિયાને તક મળી. એ દિવસે હેરોદે પોતાના મોટા મોટા અધિકારીઓ, સેનાપતિઓ અને ગાલીલના આગળ પડતા માણસોને મિજબાની આપી.+ ૨૨ હેરોદિયાની દીકરી ત્યાં આવી. તેણે નાચીને હેરોદ અને તેની સાથે જમવા બેઠેલાઓને ખુશ કર્યા. હેરોદ રાજાએ છોકરીને કહ્યું: “માંગ, માંગ, તું માંગે એ આપીશ.” ૨૩ તેણે સોગંદ ખાઈને કહ્યું: “તું મારી પાસે જે કંઈ માંગીશ એ હું તને આપીશ, મારા અડધા રાજ્ય સુધી તને આપીશ.” ૨૪ એટલે તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું: “હું શું માંગું?” તેણે કહ્યું: “બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું.” ૨૫ તે તરત રાજા પાસે દોડી ગઈ અને બોલી: “હું ઇચ્છું છું કે બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું તમે હમણાં જ મને થાળમાં આપો.”+ ૨૬ આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું. પણ પોતાના સોગંદ અને મહેમાનોને લીધે તેણે તેની વિનંતી સ્વીકારી. ૨૭ રાજાએ તરત જ અંગરક્ષક મોકલ્યો અને યોહાનનું માથું લાવવાનો હુકમ કર્યો. એટલે તેણે કેદખાનામાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું. ૨૮ તે તેનું માથું થાળમાં લઈ આવ્યો. એ તેણે છોકરીને આપ્યું અને છોકરીએ પોતાની માને આપ્યું. ૨૯ જ્યારે યોહાનના શિષ્યોએ એ સાંભળ્યું, ત્યારે તેઓ આવીને તેનું શબ લઈ ગયા અને કબરમાં મૂક્યું.

૩૦ પ્રેરિતો ઈસુ પાસે ભેગા થયા. તેઓએ જે કર્યું હતું અને જે શીખવ્યું હતું એ બધું તેમને જણાવ્યું.+ ૩૧ તેમણે કહ્યું: “તમે બધા મારી સાથે એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.”+ ત્યાં ઘણા લોકો આવતાં-જતાં હોવાથી તેઓ પાસે નવરાશનો જરાય સમય ન હતો. અરે, જમવાનો પણ સમય ન હતો. ૩૨ તેઓ એકાંત જગ્યાએ જવા હોડીમાં નીકળ્યા.+ ૩૩ પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઘણાને એની જાણ થઈ. બધાં શહેરોમાંથી લોકો દોડ્યા અને તેઓના કરતાં પહેલાં ત્યાં પહોંચી ગયા. ૩૪ ઈસુ હોડીમાંથી નીચે ઊતર્યા ત્યારે તેમણે મોટું ટોળું જોયું. તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા,+ એ જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.+ તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.+

૩૫ ઘણું મોડું થઈ ગયું હતું. ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ગયું છે.+ ૩૬ તેઓને વિદાય આપો, જેથી તેઓ આસપાસની સીમમાં અને ગામોમાં જઈને ખાવાનું વેચાતું લે.”+ ૩૭ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.” એ સાંભળીને તેઓએ કહ્યું: “શું અમે ૨૦૦ દીનારની* રોટલીઓ ખરીદી લાવીએ અને લોકોને ખાવા આપીએ?”+ ૩૮ તેમણે કહ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે? જોઈ આવો!” તેઓએ તપાસ કરીને કહ્યું: “પાંચ રોટલી અને બે માછલી છે.”+ ૩૯ ઈસુએ બધા લોકોને લીલાં ઘાસ પર નાનાં નાનાં ટોળાંમાં બેસવા કહ્યું.+ ૪૦ તેઓ ૧૦૦-૧૦૦ અને ૫૦-૫૦નાં ટોળાંમાં બેઠા. ૪૧ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો.+ તેમણે રોટલી તોડી અને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી. તેમણે બે માછલીઓ પણ બધા માટે વહેંચી આપી. ૪૨ તેઓ બધાએ ધરાઈને ખાધું. ૪૩ વધેલી માછલીઓ સિવાય શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+ ૪૪ જેઓએ રોટલી ખાધી તેઓ ૫,૦૦૦ પુરુષો હતા.

૪૫ ઈસુએ જરાય મોડું કર્યા વગર શિષ્યોને પોતાની આગળ હોડીમાં સામે કિનારે બેથસૈદા તરફ જવા કહ્યું. પછી તેમણે લોકોને વિદાય કર્યા.+ ૪૬ તેઓને વિદાય કર્યા પછી, તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા.+ ૪૭ જ્યારે સાંજ ઢળી ત્યારે હોડી સરોવર વચ્ચે હતી, પણ ઈસુ પહાડ પર એકલા હતા.+ ૪૮ તેમણે જોયું કે સામો પવન હોવાને લીધે, શિષ્યો હલેસાં મારવા ઘણી મહેનત કરે છે. એટલે આશરે રાતના ચોથા પહોરે,* તે સરોવરના પાણી પર ચાલીને તેઓની તરફ આવ્યા. પણ એવું લાગતું હતું કે તે તેઓની આગળ નીકળી જવા ચાહતા હતા.* ૪૯ તેમને સરોવરના પાણી પર ચાલતા જોઈને શિષ્યોએ વિચાર્યું: “આ સપનું છે કે શું?” તેઓ બૂમો પાડવા લાગ્યા. ૫૦ તેમને જોઈને બધા ગભરાઈ ગયા. ઈસુએ તરત જ તેઓને કહ્યું: “હિંમત રાખો! ડરો નહિ, એ તો હું છું.”+ ૫૧ તે તેઓ પાસે હોડીમાં ચઢી ગયા અને પવન બંધ થઈ ગયો. એનાથી તેઓ દંગ થઈ ગયા. ૫૨ તેઓ રોટલીના ચમત્કારનો અર્થ હજી સમજ્યા ન હતા. તેઓને એ સમજવું અઘરું લાગતું હતું.

૫૩ તેઓ સામે પાર ગન્‍નેસરેત પહોંચ્યા અને નજીકમાં લંગર નાખ્યું.+ ૫૪ પણ તેઓ હોડીમાંથી બહાર આવ્યા કે તરત લોકો ઈસુને ઓળખી ગયા. ૫૫ લોકો આખા પ્રદેશમાં ફરી વળ્યા અને બીમાર લોકોને પથારીમાં નાખીને ઈસુ પાસે લઈ ગયા. ઈસુ જ્યાં જવાના હોય, એની ખબર મળતા તેઓ ત્યાં પહોંચી જતા. ૫૬ ઈસુ જે ગામો, શહેરો કે સીમોમાં જતા, ત્યાં તેઓ બીમાર લોકોને બજારમાં લાવતા. તેઓ ઈસુને વિનંતી કરતા કે ફક્ત તેમના ઝભ્ભાની કોરને અડકવા દે.+ જેઓ એને અડકતા, તેઓ બધા સાજા થઈ જતા.

૭ હવે યરૂશાલેમથી આવેલા ફરોશીઓ અને અમુક શાસ્ત્રીઓ તેમની પાસે ભેગા થયા.+ ૨ તેઓએ જોયું કે ઈસુના અમુક શિષ્યો અશુદ્ધ હાથે, એટલે કે હાથ ધોયા વગર* ખાવાનું ખાય છે. ૩ (ફરોશીઓ અને બધા યહૂદીઓ પોતાના બાપદાદાઓના રિવાજોને ચુસ્તપણે વળગી રહે છે. એટલે તેઓ કોણી સુધી હાથ ધોયા વગર ખાતા નથી. ૪ તેઓ બજારમાંથી આવે ત્યારે પણ પોતાને પાણીથી શુદ્ધ કર્યા વગર ખાતા નથી. આવા તો ઘણા રિવાજો તેઓમાં ઊતરી આવ્યા છે, જેને તેઓ ચુસ્તપણે વળગી રહે છે, જેમ કે પ્યાલા, કુંજા અને તાંબાનાં વાસણોને પાણીમાં બોળીને કાઢવાં.)+ ૫ એટલે ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછ્યું: “તમારા શિષ્યો બાપદાદાઓના રિવાજો કેમ પાળતા નથી અને અશુદ્ધ હાથે ખાવાનું ખાય છે?”+ ૬ તેમણે તેઓને કહ્યું: “ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે ભવિષ્યવાણી કરીને બરાબર જ લખ્યું હતું: ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં દિલ મારાથી ઘણાં દૂર ચાલ્યાં ગયાં છે.+ ૭ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે. તેઓ માણસોની આજ્ઞાઓ જાણે ઈશ્વરની આજ્ઞાઓ હોય એમ શીખવે છે.’+ ૮ તમે ઈશ્વરની આજ્ઞાઓને પડતી મૂકો છો અને માણસોના રિવાજોને વળગી રહો છો.”+

૯ તેમણે તેઓને કહ્યું: “તમે તમારા રિવાજોને જાળવી રાખવા ઈશ્વરની આજ્ઞાઓ ચાલાકીથી ટાળો છો.+ ૧૦ દાખલા તરીકે, મૂસાએ કહ્યું હતું કે ‘તમારાં માતા-પિતાને માન આપો’+ અને ‘જે કોઈ પિતાનું કે માતાનું ખરાબ બોલે છે અને અપમાન કરે છે* તેને મારી નાખવો.’+ ૧૧ પણ તમે કહો છો, ‘કોઈ માણસ પિતાને કે માતાને કહે: “મારી પાસે જે કંઈ છે એ કુરબાન કરેલું છે (એટલે કે, ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે). હું તમને કંઈ મદદ કરી શકતો નથી.”’ ૧૨ આ રીતે તમે એ માણસને પિતા કે માતા માટે કંઈ પણ કરવા દેતા નથી.+ ૧૩ આમ તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞાઓ નકામી બનાવી દો છો.+ તમે આવું તો બીજું ઘણું કરો છો.”+ ૧૪ ઈસુએ ટોળાને ફરી પોતાની પાસે બોલાવીને કહ્યું: “તમે બધા મારું સાંભળો અને એનો અર્થ સમજો.+ ૧૫ એવું કંઈ નથી જે બહારથી માણસની અંદર જઈને તેને અશુદ્ધ કરે, પણ માણસમાંથી જે બહાર નીકળે છે એ તેને અશુદ્ધ કરે છે.”+ ૧૬ *—

૧૭ ઈસુ ટોળાથી દૂર એક ઘરમાં ગયા ત્યારે, તેમના શિષ્યો તેમને એ ઉદાહરણ વિશે સવાલ પૂછવા લાગ્યા.+ ૧૮ તેમણે તેઓને કહ્યું: “શું બીજાઓની જેમ તમે પણ નથી સમજતા? શું તમે નથી જાણતા કે બહારનું કંઈ પણ માણસની અંદર જાય છે એ તેને અશુદ્ધ કરતું નથી? ૧૯ એ તેના હૃદયમાં જતું નથી, પણ તેના પેટમાં જાય છે અને શરીરની બહાર નીકળી જાય છે.” આમ ઈસુએ સર્વ પ્રકારના ખોરાકને શુદ્ધ ઠરાવ્યો. ૨૦ તેમણે કહ્યું: “માણસની અંદરથી જે બહાર આવે છે એ તેને અશુદ્ધ કરે છે.+ ૨૧ માણસની અંદરથી, એટલે કે હૃદયમાંથી જ દુષ્ટ વિચારો બહાર નીકળે છે.+ જેમ કે, વ્યભિચાર,* ચોરી, હત્યા, ૨૨ લગ્‍ન બહાર જાતીય સંબંધ, લોભ, દુષ્ટ કામો, કપટ, બેશરમ કામો,* ઈર્ષાળુ આંખો, નિંદા, ઘમંડ અને મૂર્ખાઈ. ૨૩ આ બધી દુષ્ટ બાબતો માણસની અંદરથી બહાર નીકળે છે અને તેને અશુદ્ધ કરે છે.”

૨૪ ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા.+ ત્યાં તે એક ઘરમાં ગયા અને ચાહતા હતા કે કોઈને એની જાણ ન થાય. પણ તે લોકોની નજરથી છૂપા રહી શક્યા નહિ. ૨૫ એક સ્ત્રી હતી, જેની નાની દીકરી ખરાબ દૂતના વશમાં હતી. તે ઈસુ વિશે સાંભળીને તરત આવી અને તેમના પગ આગળ પડી.+ ૨૬ એ સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાના ફિનીકિયાની નાગરિક* હતી. તેણે પોતાની દીકરીને ખરાબ દૂતની પકડમાંથી છોડાવવા ઈસુને વારંવાર આજીજી કરી. ૨૭ પણ ઈસુએ તેને કહ્યું: “પહેલા બાળકોને ધરાઈને ખાવા દે. બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી બરાબર નથી.”+ ૨૮ સ્ત્રીએ કહ્યું: “હા સાહેબ, પણ બાળકોની મેજ નીચે પડેલા ટુકડા ગલૂડિયાં ખાય છે.” ૨૯ એ સાંભળીને ઈસુએ કહ્યું: “તેં આમ કહ્યું છે, એટલે હવે ઘરે જા. તારી દીકરીમાંથી ખરાબ દૂત નીકળી ગયો છે.”+ ૩૦ તે પોતાના ઘરે ગઈ. તેણે જોયું તો તેની દીકરી ખાટલામાં સૂતી હતી અને ખરાબ દૂત તેનામાંથી નીકળી ગયો હતો.+

૩૧ જ્યારે ઈસુ તૂરના પ્રદેશમાંથી પાછા ફર્યા, ત્યારે સિદોનને રસ્તે દકાપોલીસના* પ્રદેશમાંથી પસાર થઈને ગાલીલ સરોવરે આવી પહોંચ્યા.+ ૩૨ ત્યાં લોકો તેમની પાસે એક માણસને લઈ આવ્યા, જે બહેરો હતો અને બરાબર બોલી શકતો ન હતો.+ તેઓએ તેમને વિનંતી કરી કે એ માણસ પર હાથ મૂકીને સાજો કરે. ૩૩ ઈસુ એ માણસને ટોળાથી દૂર એકાંતમાં લઈ ગયા. તેમણે તેના કાનોમાં પોતાની આંગળી નાખી. પછી તે થૂંક્યા અને તેની જીભને અડ્યા.+ ૩૪ તેમણે ઉપર આકાશ તરફ જોઈને ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું: “એફફથા,” એટલે કે “ખૂલી જા.” ૩૫ એ માણસના કાન ઊઘડી ગયા+ અને તેની જીભ ખૂલી ગઈ. તે બરાબર બોલવા લાગ્યો. ૩૬ ઈસુએ લોકોને આજ્ઞા કરી કે એ વિશે કોઈને કહેવું નહિ.+ પણ તેમણે જેટલી મના કરી એટલી તેઓએ વાત વધારે ફેલાવી.+ ૩૭ તેઓની નવાઈનો કોઈ પાર ન રહ્યો.+ તેઓએ કહ્યું: “તેમનાં બધાં કામો કેવાં જોરદાર છે! અરે, તે બહેરાને સાંભળતા કરે છે અને મૂંગાને બોલતા કરે છે.”+

૮ એ દિવસોમાં ફરી એક વાર મોટું ટોળું ભેગું થયું અને તેઓ પાસે ખાવાને કંઈ ન હતું. ઈસુએ શિષ્યોને બોલાવીને કહ્યું: ૨ “મને ટોળાની દયા આવે છે,+ કેમ કે તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓ પાસે કંઈ ખાવાનું નથી.+ ૩ જો હું તેઓને ભૂખ્યા જ ઘરે મોકલી દઉં, તો તેઓ રસ્તામાં બેભાન થઈ જશે. અમુક તો ઘણે દૂરથી આવ્યા છે.” ૪ પણ શિષ્યોએ કહ્યું: “આ લોકો પેટ ભરીને ખાઈ શકે એટલી રોટલી આ ઉજ્જડ જગ્યામાં ક્યાંથી લાવવી?” ૫ એ સાંભળીને તેમણે તેઓને પૂછ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું: “સાત.”+ ૬ તેમણે ટોળાને જમીન પર બેસવા કહ્યું. તેમણે સાત રોટલીઓ લઈને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે એ તોડીને શિષ્યોને આપી અને તેઓએ ટોળાને વહેંચી આપી.+ ૭ તેઓની પાસે અમુક નાની માછલીઓ પણ હતી. તેમણે એના પર પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો અને તેઓને એ વહેંચી આપવા કહ્યું. ૮ લોકોએ ધરાઈને ખાધું અને શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને સાત ટોપલા ભર્યા.+ ૯ ત્યાં આશરે ૪,૦૦૦ પુરુષો હતા. પછી તેમણે લોકોને વિદાય કર્યા.

૧૦ ઈસુ તરત પોતાના શિષ્યો સાથે હોડીમાં ચઢ્યા અને દલમાનુથા પ્રદેશમાં આવ્યા.+ ૧૧ ત્યાં ફરોશીઓ આવ્યા ને તેમની સાથે દલીલ કરવા લાગ્યા. તેઓ તેમની કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.+ ૧૨ તેમણે ઊંડો નિસાસો નાખીને કહ્યું: “આ પેઢી કેમ નિશાની શોધે છે?+ હું સાચે જ કહું છું: આ પેઢીને કોઈ નિશાની આપવામાં આવશે નહિ.”+ ૧૩ પછી તે તેઓને ત્યાં મૂકીને પાછા હોડીમાં બેઠા અને સામે પાર ગયા.

૧૪ શિષ્યો પોતાની સાથે રોટલી લેવાનું ભૂલી ગયા. હોડીમાં એક રોટલી સિવાય તેઓ પાસે બીજું કંઈ ન હતું.+ ૧૫ ઈસુએ તેઓને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી: “તમારી આંખો ખુલ્લી રાખો, ફરોશીઓ અને હેરોદના ખમીરથી* સાવચેત રહો.”+ ૧૬ તેઓ અંદરોઅંદર એ વાત પર દલીલ કરવા લાગ્યા કે તેઓમાંથી કેમ કોઈ રોટલી લાવ્યું નહિ. ૧૭ એ જાણીને ઈસુએ કહ્યું: “રોટલી ન લાવવા વિશે તમે કેમ દલીલ કરો છો? શું તમને હજુ ખબર પડી નથી અને એનો અર્થ સમજતા નથી? શું તમને હજુ સમજણ પડતી નથી? ૧૮ ‘શું તમે આંખ હોવા છતાં જોતા નથી અને કાન હોવા છતાં સાંભળતા નથી?’ શું તમને યાદ નથી? ૧૯ જ્યારે મેં ૫,૦૦૦ પુરુષો માટે પાંચ રોટલી+ તોડી, ત્યારે વધેલા ટુકડા ભરેલી કેટલી ટોપલીઓ તમે ભેગી કરી હતી?” તેઓએ કહ્યું: “બાર.”+ ૨૦ પછી તેમણે પૂછ્યું: “જ્યારે મેં ૪,૦૦૦ પુરુષો માટે સાત રોટલી તોડી, ત્યારે વધેલા ટુકડા ભરેલા કેટલા ટોપલા તમે ભેગા કર્યા હતા?” તેઓએ કહ્યું: “સાત.”+ ૨૧ તેમણે કહ્યું: “શું તમે હજુ પણ સમજતા નથી?”

૨૨ તેઓ બેથસૈદામાં આવ્યા. અહીં લોકો ઈસુ પાસે એક આંધળા માણસને લાવ્યા. તેઓ વિનંતી કરવા લાગ્યા કે તે તેને અડકીને સાજો કરે.+ ૨૩ તેમણે આંધળા માણસનો હાથ પકડ્યો અને ગામ બહાર લઈ ગયા. તેની આંખો પર થૂંક્યા પછી+ તેમણે તેના પર હાથ મૂકીને પૂછ્યું: “તને કંઈ દેખાય છે?” ૨૪ માણસે નજર ઉઠાવીને કહ્યું: “મને માણસો દેખાય છે, પણ તેઓ હાલતાં-ચાલતાં વૃક્ષો જેવા દેખાય છે.” ૨૫ તેમણે ફરીથી એ માણસની આંખો પર પોતાના હાથ મૂક્યા અને તે માણસ સ્પષ્ટ જોવા લાગ્યો. તેની આંખોની રોશની પાછી આવી અને તે બધું સાફ સાફ જોઈ શકતો હતો. ૨૬ તેમણે તેને ઘરે મોકલીને કહ્યું: “આ ગામમાં જઈશ નહિ.”

૨૭ ઈસુ અને તેમના શિષ્યો હવે કાઈસારીઆ ફિલિપીનાં ગામોમાં જવા નીકળ્યા. તેમણે પોતાના શિષ્યોને રસ્તામાં સવાલ પૂછ્યો: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”+ ૨૮ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન,+ કોઈ કહે છે એલિયા,+ કોઈ કહે છે પ્રબોધક.” ૨૯ તેમણે તેઓને સવાલ પૂછ્યો: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો: “તમે ખ્રિસ્ત છો!”+ ૩૦ તેમણે તેઓને આજ્ઞા કરી કે તેમના વિશે કોઈને કહેવું નહિ.+ ૩૧ તે તેઓને શીખવવા લાગ્યા કે માણસના દીકરાએ ઘણી સતાવણી સહેવી પડશે. વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેમને ધિક્કારશે. તેમને મારી નાખવામાં આવશે+ અને ત્રણ દિવસ પછી જીવતા કરાશે.+ ૩૨ તે હિંમતથી આ વાત કહેતા હતા. પણ પિતરે તેમને એક બાજુએ લઈ જઈને ઠપકો આપ્યો.+ ૩૩ તેમણે ફરીને શિષ્યો તરફ જોયું અને પિતરને ઠપકો આપ્યો: “મારી પાછળ જા, શેતાન! તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.”+

૩૪ તેમણે પોતાના શિષ્યો સાથે ટોળાને બોલાવ્યું અને તેઓને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+ ૩૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે અને ખુશખબરને લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને બચાવશે.+ ૩૬ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે અને પોતાનું જીવન* ગુમાવે તો એનાથી શો લાભ?+ ૩૭ માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?+ ૩૮ જો આ પાપી અને વ્યભિચારી* પેઢીમાં કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પવિત્ર દૂતો સાથે આવશે,+ ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.”+

૯ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલામાંથી અમુક જ્યાં સુધી ઈશ્વરના રાજ્યને સત્તામાં આવી ગયેલું નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”+ ૨ ઈસુ છ દિવસ પછી પિતર, યાકૂબ અને યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો.+ ૩ તેમનો ઝભ્ભો ચમકવા લાગ્યો. એ એવો સફેદ થઈ ગયો કે દુનિયાનો કોઈ પણ ધોબી એવો સફેદ કરી ન શકે. ૪ ત્યાં તેઓને એલિયાની સાથે મૂસા દેખાયા. તેમણે તેઓને ઈસુ સાથે વાત કરતા જોયા. ૫ પિતરે ઈસુને કહ્યું: “ગુરુજી,* આપણે અહીં રહીએ એ સારું છે. અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” ૬ પિતર જાણતો ન હતો કે શું કરવું. તેઓ ગભરાઈ ગયા હતા. ૭ એવામાં એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું. વાદળમાંથી અવાજ આવ્યો:+ “આ મારો વહાલો દીકરો છે.+ તેનું સાંભળો.”+ ૮ પછી તરત જ તેઓએ આજુબાજુ જોયું તો ત્યાં ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ.

૯ પહાડ પરથી ઊતરતી વખતે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે જ્યાં સુધી માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં ન આવે,+ ત્યાં સુધી તેઓએ જે જોયું એ વિશે કોઈને જણાવે નહિ.+ ૧૦ તેઓએ એ વાત દિલમાં ઉતારી.* પણ તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે તેમણે મરણમાંથી ઊઠવાની વાત કરી એનો શું અર્થ થાય. ૧૧ તેઓ તેમને પૂછવા લાગ્યા: “શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ+ પહેલા આવવું જોઈએ?”+ ૧૨ તેમણે કહ્યું: “એલિયા સાચે જ પહેલા આવશે અને તે બધું તૈયાર કરશે.+ પણ શાસ્ત્રમાં કેમ એવું લખેલું છે કે માણસના દીકરાએ સતાવણી સહેવી પડશે+ અને તેનું અપમાન થશે?+ ૧૩ હું તમને કહું છું કે એલિયા+ આવી ચૂક્યા છે. જેમ તેમના વિશે લખેલું છે તેમ તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું છે.”+

૧૪ ઈસુ અને ત્રણ શિષ્યો બીજા શિષ્યો પાસે આવ્યા. તેઓએ બીજા શિષ્યોની આસપાસ ઘણા લોકોને ટોળે વળેલા જોયા. શિષ્યો સાથે શાસ્ત્રીઓ દલીલ કરતા હતા.+ ૧૫ પણ જ્યારે બધાની નજર ઈસુ પર પડી, ત્યારે તેઓ નવાઈ પામ્યા. તેઓ તેમને સલામ કરવા દોડી ગયા. ૧૬ ઈસુએ પૂછ્યું: “તમે તેઓ સાથે શું દલીલ કરો છો?” ૧૭ ટોળામાંના એકે તેમને કહ્યું: “શિક્ષક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો હતો. તે ખરાબ દૂતના વશમાં છે. એ દૂતે તેને મૂંગો કરી દીધો છે.+ ૧૮ તે જ્યારે પણ મારા દીકરા પર હુમલો કરે છે, ત્યારે તેને જમીન પર પછાડી દે છે. મારો દીકરો મોંમાંથી ફીણ કાઢે છે, દાંત પીસે છે અને કમજોર થઈ જાય છે. મેં તમારા શિષ્યોને ખરાબ દૂત કાઢવા કહ્યું, પણ તેઓ એમ કરી શક્યા નહિ.” ૧૯ તેમણે કહ્યું: “ઓ શ્રદ્ધા વગરની પેઢી,+ હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? મારે તમારું ક્યાં સુધી સહન કરવાનું? છોકરાને મારી પાસે લાવો.”+ ૨૦ તેઓ છોકરાને તેમની પાસે લાવ્યા. ઈસુને જોઈને તરત જ ખરાબ દૂતે છોકરાને મરડી નાખ્યો. છોકરો જમીન પર પડીને આળોટવા લાગ્યો અને મોંમાંથી ફીણ કાઢવા લાગ્યો. ૨૧ ઈસુએ તેના પિતાને પૂછ્યું: “આવું તેને ક્યારથી થાય છે?” તેણે કહ્યું: “બાળપણથી. ૨૨ ખરાબ દૂત તેને મારી નાખવા ઘણી વાર આગમાં અને પાણીમાં નાખી દે છે. જો તમે કંઈ કરી શકતા હો, તો અમારા પર દયા કરો અને અમને મદદ કરો.” ૨૩ ઈસુએ તેને કહ્યું: “તું કેમ કહે છે કે ‘તમે કરી શકતા હો તો’? જેને શ્રદ્ધા છે તેના માટે બધું શક્ય છે.”+ ૨૪ છોકરાનો પિતા તરત બોલી ઊઠ્યો: “મને શ્રદ્ધા છે! મારી શ્રદ્ધા વધારવા મદદ કરો.”+

૨૫ ઈસુએ જોયું કે એક ટોળું તેઓ તરફ દોડતું આવે છે. એટલે તેમણે ખરાબ દૂતને ધમકાવ્યો: “ઓ મૂંગા અને બહેરા કરી દેનાર ખરાબ દૂત, હું તને હુકમ કરું છું કે તેનામાંથી બહાર નીકળ અને પાછો તેનામાં જતો નહિ!”+ ૨૬ ખરાબ દૂતે બૂમ પાડી અને છોકરાને અનેક વાર મરડી નાખ્યા પછી તે નીકળી ગયો. છોકરો મરી ગયો હોય એવો થઈ ગયો. તેઓમાંના મોટા ભાગના કહેવા લાગ્યા: “તે મરી ગયો છે!” ૨૭ પણ ઈસુએ તેને હાથ પકડીને ઊભો કર્યો અને તે ઊભો થયો. ૨૮ પછી ઈસુ એક ઘરમાં ગયા ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમને પૂછ્યું: “અમે કેમ એને કાઢી ન શક્યા?”+ ૨૯ તેમણે કહ્યું: “આ જાતના ખરાબ દૂતને ફક્ત પ્રાર્થનાથી જ કાઢી શકાય છે.”

૩૦ તેઓ ત્યાંથી નીકળ્યા અને ગાલીલમાંથી પસાર થયા. પણ ઈસુ ચાહતા ન હતા કે કોઈને એ વિશે જાણ થાય. ૩૧ તે પોતાના શિષ્યોને શીખવતા હતા અને તેઓને કહેતા હતા: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે અને તેઓ તેને મારી નાખશે.+ પણ મારી નંખાયા છતાં તે ત્રણ દિવસ પછી જીવતો થશે.”+ ૩૨ તે જે કહેતા હતા એ શિષ્યો સમજ્યા નહિ. પણ તેઓ તેમને સવાલ પૂછતા ગભરાતા હતા.

૩૩ તેઓ કાપરનાહુમ આવ્યા. જ્યારે ઈસુ ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને સવાલ પૂછ્યો: “તમે રસ્તામાં શાના વિશે દલીલ કરતા હતા?”+ ૩૪ તેઓ ચૂપ રહ્યા, કેમ કે રસ્તામાં તેઓ દલીલ કરી રહ્યા હતા કે તેઓમાં સૌથી મોટું કોણ છે. ૩૫ તેથી તે બેઠા અને બાર શિષ્યોને બોલાવીને કહ્યું: “જો કોઈ પહેલો થવા ચાહે, તો તેણે બધાથી છેલ્લા થવું અને બધાના સેવક બનવું.”+ ૩૬ ઈસુએ એક બાળકને બોલાવીને તેઓની વચ્ચે ઊભું રાખ્યું. તેમણે તેના ખભે હાથ મૂકીને તેઓને કહ્યું: ૩૭ “જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે,+ તે મારો પણ સ્વીકાર કરે છે. જે મારો સ્વીકાર કરે છે, તે ફક્ત મારો જ નહિ, મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”+

૩૮ યોહાને તેમને કહ્યું: “ગુરુજી, અમે એક માણસને તમારા નામે દુષ્ટ દૂતો કાઢતા જોયો. અમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે આપણામાંનો એક નથી.”+ ૩૯ પણ ઈસુએ કહ્યું: “તેને રોકવાનો પ્રયત્ન કરતા નહિ. એવું કોઈ નથી જે મારા નામે શક્તિશાળી કામો કરે અને તરત જ મારા વિશે કંઈ ખરાબ બોલે. ૪૦ જે આપણી વિરુદ્ધ નથી તે આપણી સાથે છે.+ ૪૧ હું તમને સાચે જ કહું છું કે તમે ખ્રિસ્તના છો+ એટલા માટે જો કોઈ તમને પ્યાલો પાણી પાય, તો તેને જરૂર એનું ઇનામ મળશે.+ ૪૨ પણ જે કોઈ શ્રદ્ધા રાખનારા આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે એ વધારે સારું થાય કે તેને ગળે ઘંટીનો પથ્થર* બાંધીને દરિયામાં નાખવામાં આવે.+

૪૩ “જો તારો હાથ તને કદી ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. બંને હાથ સાથે ગેહેન્‍નામાં,* કદી ન હોલવાતી આગમાં નંખાવા કરતાં લૂલા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૪૪ *— ૪૫ જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. બંને પગ સાથે ગેહેન્‍નામાં નંખાવા કરતાં લંગડા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૪૬ *— ૪૭ જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તારી પાસેથી એને દૂર ફેંકી દે.+ બે આંખ સાથે ગેહેન્‍નામાં નંખાવા કરતાં, એક આંખ સાથે ઈશ્વરના રાજ્યમાં જવું તારા માટે વધારે સારું છે.+ ૪૮ ગેહેન્‍નામાં કીડા મરતા નથી અને આગ હોલવાતી નથી.+

૪૯ “કોઈ મીઠું ભભરાવતું હોય એમ, બધા લોકો* પર આગ વરસાવવામાં આવશે.+ ૫૦ મીઠું સારું છે. પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય, તો તમે શાનાથી એની ખારાશ પાછી લાવશો?+ તમે સ્વાદવાળા મીઠા જેવા બનો.+ એમ કરીને તમે એકબીજા સાથે શાંતિ જાળવી રાખો.”+

૧૦ ઈસુ ત્યાંથી નીકળીને યર્દન પાર કરીને યહૂદિયાની સરહદમાં આવી પહોંચ્યા. ફરીથી લોકોનાં ટોળેટોળાં તેમની પાસે આવ્યાં. તે પોતાની રીત પ્રમાણે તેઓને શીખવવા લાગ્યા.+ ૨ ફરોશીઓ ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું કે પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે, એ યોગ્ય છે કે નહિ?+ ૩ તેમણે તેઓને કહ્યું: “મૂસાએ તમને કઈ આજ્ઞા આપી હતી?” ૪ તેઓએ કહ્યું: “છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની મૂસાએ રજા આપી હતી.”+ ૫ પણ ઈસુએ તેઓને કહ્યું: “તેમણે તમારાં દિલ કઠણ હોવાને લીધે+ એ આજ્ઞા લખી હતી.+ ૬ સૃષ્ટિની શરૂઆતથી ‘ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં હતાં.+ ૭ એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડી દેશે.+ ૮ એ માણસ અને તેની પત્ની બંને એક શરીર થશે.’+ એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. ૯ તેથી ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”+ ૧૦ ફરી એક વાર તેઓ ઘરમાં હતા ત્યારે, શિષ્યો તેમને એ વિશે સવાલ પૂછવા લાગ્યા. ૧૧ તેમણે કહ્યું: “જે કોઈ પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે પહેલી પત્નીનો હક છીનવી લે છે અને વ્યભિચાર કરે છે.+ ૧૨ જે કોઈ સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપ્યા પછી બીજાને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+

૧૩ પછી લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે.* પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા.+ ૧૪ એ જોઈને ઈસુ નારાજ થયા અને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.+ ૧૫ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ નાના બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યને સ્વીકારતો નથી, તે એમાં જશે નહિ.”+ ૧૬ તેમણે બાળકોને બાથમાં લીધાં અને તેઓ પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો.+

૧૭ તે પોતાને રસ્તે જતા હતા ત્યારે, એક માણસ દોડીને આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. તેણે સવાલ પૂછ્યો: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૧૮ ઈસુએ કહ્યું: “તું મને શા માટે ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.+ ૧૯ તું આજ્ઞાઓ જાણે છે: ‘ખૂન ન કરો,+ વ્યભિચાર ન કરો,+ ચોરી ન કરો,+ ખોટી સાક્ષી ન પૂરો,+ છેતરપિંડી ન કરો,+ માતા-પિતાને માન આપો.’”+ ૨૦ પેલા માણસે તેમને કહ્યું: “શિક્ષક, આ બધું તો હું બાળપણથી પાળતો આવ્યો છું.” ૨૧ ઈસુએ તેના પર પ્રેમભરી નજર નાખતા કહ્યું, “તારામાં એક વાત ખૂટે છે: જા, જઈને તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+ ૨૨ પણ એ સાંભળીને તે નિરાશ થઈ ગયો. તે બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલ-મિલકત હતી.+

૨૩ ઈસુએ આસપાસ ઊભેલા લોકો પર નજર ફેરવીને શિષ્યોને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું થઈ પડશે!”+ ૨૪ તેમની એ વાતથી શિષ્યોને નવાઈ લાગી. પછી ઈસુએ કહ્યું: “બાળકો, ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું છે! ૨૫ ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે.”+ ૨૬ તેઓ હજુ વધારે નવાઈ પામ્યા અને તેમને* કહેવા લાગ્યા: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૭ ઈસુએ તેઓ સામે જોઈને કહ્યું: “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે એવું નથી. ઈશ્વર માટે બધું જ શક્ય છે.”+ ૨૮ પિતરે તેમને કહ્યું: “જુઓ! અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ.”+ ૨૯ ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું, જે કોઈએ મારે લીધે અને ખુશખબરને લીધે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે,+ ૩૦ તેને હમણાં ૧૦૦ ગણાં વધારે ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરો મળશે. પણ તેણે સતાવણી સહેવી પડશે+ અને આવનાર દુનિયામાં તેને હંમેશ માટેનું જીવન મળશે. ૩૧ પણ ઘણા જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે, જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે.”+

૩૨ હવે તેઓ યરૂશાલેમના રસ્તે જતા હતા અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. એટલે શિષ્યોને નવાઈ લાગી અને જેઓ પાછળ ચાલતા હતા તેઓ ગભરાવા લાગ્યા. ઈસુ ફરીથી બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા. તે પોતાના પર જે આવી પડવાનું હતું એ વિશે તેઓને જણાવવા લાગ્યા:+ ૩૩ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે અને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દેશે. ૩૪ તેઓ તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેને કોરડા મારશે અને તેને મારી નાખશે. પણ ત્રણ દિવસ પછી તે જીવતો કરાશે.”+

૩૫ ઝબદીના દીકરાઓ, યાકૂબ અને યોહાને+ તેમની પાસે આવીને કહ્યું: “ગુરુજી, અમારી વિનંતી છે કે અમે જે કંઈ માંગીએ એ તમે અમારા માટે કરો.”+ ૩૬ ઈસુએ તેઓને પૂછ્યું: “તમે શું ચાહો છો? હું તમારા માટે શું કરું?” ૩૭ તેઓએ કહ્યું: “અમે ચાહીએ છીએ કે તમને મહિમા મળે ત્યારે અમારામાંથી એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસે.”+ ૩૮ પણ ઈસુએ કહ્યું: “તમે જાણતા નથી કે તમે શું માંગી રહ્યા છો. હું જે પ્યાલો* પીવાનો છું, એ શું તમે પી શકશો? જે બાપ્તિસ્મા હું લેવાનો છું, એ બાપ્તિસ્મા શું તમે લઈ શકશો?”+ ૩૯ તેઓએ કહ્યું: “અમે એવું કરી શકીએ છીએ.” એટલે ઈસુએ કહ્યું: “જે પ્યાલો હું પીવાનો છું એ તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લેવાનો છું એ બાપ્તિસ્મા તમે લેશો.+ ૪૦ પણ મારે જમણે કે ડાબે હાથે બેસાડવાનું હું નક્કી કરતો નથી. એ જગ્યા જેઓ માટે નક્કી કરી છે તેઓની છે.”

૪૧ જ્યારે બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા.+ ૪૨ પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું: “તમે જાણો છો કે જેઓ દુનિયાના શાસકો ગણાય છે, તેઓ પ્રજા પર હુકમ ચલાવે છે અને તેઓના મોટા માણસો પ્રજા પર અધિકાર ચલાવે છે.+ ૪૩ તમારામાં આવું ન થવું જોઈએ. પણ જે કોઈ તમારામાં મોટો થવા ચાહે, તેણે તમારા સેવક બનવું જોઈએ.+ ૪૪ જે કોઈ તમારામાં પહેલો થવા ચાહે, તેણે બધાના દાસ બનવું જોઈએ. ૪૫ કેમ કે, માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો છે+ અને ઘણા લોકોના છુટકારાની કિંમત* ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”+

૪૬ તેઓ યરીખોમાં આવ્યા. જ્યારે ઈસુ, તેમના શિષ્યો અને ઘણા લોકો યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે બર્તિમાય (તિમાયનો દીકરો) રસ્તાની બાજુએ બેઠો હતો. તે આંધળો ભિખારી હતો.+ ૪૭ તેણે સાંભળ્યું કે નાઝરેથના ઈસુ ત્યાંથી પસાર થાય છે. એટલે તે બૂમો પાડીને કહેવા લાગ્યો: “ઓ ઈસુ, દાઉદના દીકરા,+ મારા પર દયા કરો!”+ ૪૮ એ સાંભળીને ઘણાએ તેને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. પણ તે હજુ વધારે મોટા અવાજે પોકારવા લાગ્યો: “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૪૯ ઈસુ ઊભા રહ્યા અને કહ્યું: “તેને બોલાવો.” તેઓએ આંધળા માણસને બોલાવીને કહ્યું: “હિંમત રાખ! ઊભો થા, તે તને બોલાવે છે.” ૫૦ તે પોતાનો ઝભ્ભો ફેંકી દઈને તરત ઊભો થયો અને ઈસુ પાસે ગયો. ૫૧ ઈસુએ તેને પૂછ્યું: “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” આંધળા માણસે કહ્યું: “ગુરુજી,* મને દેખતો કરો.” ૫૨ ઈસુએ કહ્યું: “જા, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”+ તરત જ તે દેખતો થયો+ અને તેમની પાછળ રસ્તા પર ચાલવા લાગ્યો.

૧૧ હવે તેઓ યરૂશાલેમ પાસે, જૈતૂન પર્વત પર બેથફગે અને બેથનિયા+ ગામ નજીક પહોંચ્યા. ઈસુએ બે શિષ્યોને આમ કહીને મોકલ્યા:+ ૨ “તમારી નજરે પડે છે એ ગામમાં જાઓ. એમાં જતાં જ તમને ગધેડાનું બચ્ચું બાંધેલું મળી આવશે. એના પર કદી કોઈ માણસ બેઠો નથી. એને છોડીને અહીં લઈ આવો. ૩ જો કોઈ તમને પૂછે, ‘તમે આ શું કરો છો?’ તો તમારે કહેવું, ‘માલિકને એની જરૂર છે અને તે જલદી એને પાછું મોકલી આપશે.’” ૪ તેઓ એ ગામમાં ગયા. તેઓને બહાર શેરીમાં, ઘરનાં બારણાં પાસે ગધેડાનું બચ્ચું બાંધેલું મળી આવ્યું અને તેઓએ એને છોડ્યું.+ ૫ પણ ત્યાં ઊભેલા કેટલાક લોકોએ તેઓને પૂછ્યું: “તમે ગધેડાના બચ્ચાને કેમ છોડો છો?” ૬ ઈસુએ જે કંઈ કહ્યું હતું, એ શિષ્યોએ જણાવ્યું અને લોકોએ તેઓને જવા દીધા.

૭ તેઓ ગધેડાનું બચ્ચું+ ઈસુ પાસે લાવ્યા. તેઓએ એના પર પોતાનાં કપડાં નાખ્યાં અને ઈસુ એના પર બેઠા.+ ૮ ઘણાએ પોતાનાં કપડાં રસ્તા પર પાથર્યાં. બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તા પર પાથરી.+ ૯ ઈસુની આગળ-પાછળ ચાલનારા લોકો પોકારી રહ્યા હતા: “અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો!+ યહોવાના* નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે!+ ૧૦ અમારા પિતા દાઉદના આવનાર રાજ્ય પર ઈશ્વરનો આશીર્વાદ છે!+ હે સ્વર્ગમાંના ઈશ્વર, અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો!” ૧૧ તે યરૂશાલેમમાં આવ્યા. તેમણે મંદિરમાં જઈને આજુબાજુ બધે નજર નાખી. પણ મોડું થઈ ગયું હોવાથી તે બાર શિષ્યો સાથે બેથનિયા જવા નીકળી ગયા.+

૧૨ પછીના દિવસે તેઓ બેથનિયાથી નીકળ્યા ત્યારે ઈસુને ભૂખ લાગી.+ ૧૩ તેમણે દૂરથી અંજીરનું એક ઝાડ જોયું, જેના પર પાંદડાં હતાં. એના પર ફળ છે કે નહિ, એ જોવા તે નજીક ગયા. પણ તેમને એના પર પાંદડાં સિવાય બીજું કંઈ મળ્યું નહિ, કેમ કે ત્યારે અંજીરની મોસમ ન હતી. ૧૪ તેમણે એ ઝાડને કહ્યું: “હવે તારા પરથી કદી કોઈ ફળ ખાશે નહિ.”+ તેમના શિષ્યો એ સાંભળતા હતા.

૧૫ હવે તેઓ યરૂશાલેમમાં આવ્યા. ઈસુએ મંદિરમાં જઈને એમાં વેચનારા અને ખરીદનારા બધાને બહાર કાઢી મૂક્યા. તેમણે નાણાં બદલનારાઓની મેજો અને કબૂતર વેચનારાઓની બેઠકો ઊંધી વાળી દીધી.+ ૧૬ તેમણે કોઈને વાસણ લઈને મંદિરમાંથી પસાર થવા ન દીધા. ૧૭ તેમણે લોકોને શીખવતા કહ્યું: “શું એમ લખેલું નથી કે ‘મારું ઘર બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે’?+ પણ તમે એને લુટારાઓનો અડ્ડો બનાવ્યો છે.”+ ૧૮ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ એ વિશે સાંભળ્યું. તેઓ વિચારવા લાગ્યા કે તેમને કઈ રીતે મારી નાખવા.+ તેઓ ઈસુથી ડરતા હતા, કેમ કે આખું ટોળું તેમના શિક્ષણથી નવાઈ પામ્યું હતું.+

૧૯ મોડી સાંજ થઈ ત્યારે તેઓ શહેરની બહાર ગયા. ૨૦ પણ બીજા દિવસે વહેલી સવારે રસ્તેથી પસાર થતી વખતે તેઓએ જોયું તો અંજીરનું એ આખું ઝાડ મૂળમાંથી સુકાઈ ગયું હતું.+ ૨૧ પિતરે એ ઝાડ વિશે યાદ કરતા તેમને કહ્યું: “ગુરુજી,* જુઓ! તમે શ્રાપ આપ્યો હતો એ અંજીરનું ઝાડ સુકાઈ ગયું છે.”+ ૨૨ ઈસુએ તેઓને કહ્યું: “ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. ૨૩ ધારો કે કોઈ આ પહાડને કહે, ‘ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ હું સાચે જ કહું છું કે જો તે મનમાં શંકા ન કરે અને શ્રદ્ધા રાખે કે પોતે જે કંઈ કહે એવું થશે, તો તેના માટે એમ જરૂર થશે.+ ૨૪ એટલે હું તમને કહું છું કે જે માટે તમે પ્રાર્થના કરો છો અને માંગો છો, એ મળી ગયું છે એવી શ્રદ્ધા રાખો અને એ તમને જરૂર મળશે.+ ૨૫ જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો ત્યારે કોઈની વિરુદ્ધ જે કંઈ પણ હોય એ માફ કરો. એમ કરશો તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારાં પાપ માફ કરશે.”+ ૨૬ *—

૨૭ તેઓ ફરીથી યરૂશાલેમ આવ્યા. ઈસુ મંદિરમાં ફરતા હતા ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો આવ્યા. ૨૮ તેઓએ પૂછ્યું: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? એ અધિકાર તને કોણે આપ્યો?”+ ૨૯ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને એક સવાલ પૂછું છું. મને જવાબ આપો, પછી હું તમને જણાવીશ કે હું આ બધું કયા અધિકારથી કરું છું. ૩૦ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો+ એ ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી? મને જવાબ આપો.”+ ૩૧ તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’ ૩૨ શું આપણે એમ કહીએ કે ‘માણસો તરફથી’?” તેઓ એમ કહેતા ડરતા હતા, કેમ કે બધા લોકો યોહાનને પ્રબોધક માનતા હતા.+ ૩૩ તેઓએ ઈસુને જવાબ આપ્યો: “અમને ખબર નથી.” ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.”

૧૨ પછી તે તેઓને ઉદાહરણો આપીને વાત કરવા લાગ્યા: “એક માણસે દ્રાક્ષાવાડી કરી+ અને એની ફરતે વાડ ઊભી કરી. એ વાડીમાં દ્રાક્ષાકુંડ ખોદીને તૈયાર કર્યો. એની ચોકી કરવા બુરજ બાંધ્યો+ અને ખેડૂતોને ભાગે આપીને પરદેશ ગયો.+ ૨ દ્રાક્ષની કાપણીની મોસમમાં તેણે પોતાના ચાકરને ખેડૂતો પાસે મોકલ્યો, જેથી તેઓ દ્રાક્ષાવાડીની પેદાશમાંથી તેનો ભાગ આપે. ૩ પણ તેઓએ ચાકરને પકડ્યો, માર્યો અને ખાલી હાથે પાછો મોકલી દીધો. ૪ ફરી માલિકે બીજા ચાકરને તેઓ પાસે મોકલ્યો. તેઓએ તેના માથા પર ઘા કર્યો અને તેનું અપમાન કર્યું.+ ૫ માલિકે બીજા એક ચાકરને મોકલ્યો. તેઓએ તેને મારી નાખ્યો. તેણે બીજા ઘણાને મોકલ્યા અને એમાંથી અમુકને તેઓએ માર માર્યો અને અમુકને મારી નાખ્યા. ૬ તેની પાસે હજી એક બાકી હતો, તેનો વહાલો દીકરો.+ તેણે છેવટે એમ વિચારીને તેને મોકલ્યો: ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’ ૭ પણ પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે.+ ચાલો તેને મારી નાખીએ અને તેનો વારસો આપણો થઈ જશે.’ ૮ તેઓએ તેને પકડીને મારી નાખ્યો અને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા.+ ૯ હવે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? તે આવશે અને ખેડૂતોને મારી નાખશે. તે દ્રાક્ષાવાડી બીજાઓને સોંપશે.+ ૧૦ શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું? ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+ ૧૧ ખુદ યહોવાએ* એવું કર્યું છે અને એ અમારી નજરે અજાયબ છે.’”+

૧૨ તેઓ ઈસુને પકડવા માંગતા હતા, કેમ કે તેઓ સમજી ગયા કે તેમણે તેઓને ધ્યાનમાં રાખીને ઉદાહરણ આપ્યું હતું. પણ તેઓ ટોળાથી ગભરાતા હોવાથી તેમને છોડીને ચાલ્યા ગયા.+

૧૩ પછી ઈસુને તેમની જ વાતોમાં ફસાવવા તેઓએ કેટલાક ફરોશીઓ અને હેરોદીઓને મોકલ્યા.+ ૧૪ તેઓએ આવીને તેમને કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ કહો છો. તમે કોઈને ખુશ કરવા મીઠી મીઠી વાતો કરતા નથી. તમે લોકોનો બહારનો દેખાવ જોતા નથી, પણ તમે સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. એટલે અમને જણાવો કે શું સમ્રાટને* કર આપવો યોગ્ય છે? ૧૫ શું આપણે કર ભરવો જોઈએ કે ન ભરવો જોઈએ?” ઈસુએ તેઓનો ઢોંગ પારખીને કહ્યું: “તમે કેમ મારી કસોટી કરો છો? મને દીનાર* બતાવો.” ૧૬ તેઓ એક સિક્કો લાવ્યા અને તેમણે તેઓને કહ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” તેઓએ કહ્યું: “સમ્રાટનાં.” ૧૭ ઈસુએ કહ્યું: “જે સમ્રાટનું* છે એ સમ્રાટને+ અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”+ એ સાંભળીને તેઓ દંગ રહી ગયા.

૧૮ પછી સાદુકીઓ* ઈસુ પાસે આવ્યા. તેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકોને જીવતા કરાશે.*+ તેઓએ ઈસુને કહ્યું:+ ૧૯ “ઉપદેશક, મૂસાએ લખ્યું હતું કે જો કોઈ માણસ મરી જાય અને પાછળ પત્ની મૂકી જાય પણ તેને બાળક ન હોય, તો એ માણસનો ભાઈ તેની પત્ની સાથે લગ્‍ન કરે. તે પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.+ ૨૦ એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. પહેલાએ પત્ની કરી, પણ તે મરણ પામ્યો ત્યારે તેને કોઈ બાળક ન હતું. ૨૧ બીજા ભાઈએ તેની પત્ની સાથે લગ્‍ન કર્યા, પણ બાળક વગર તે મરણ પામ્યો. ત્રીજા સાથે પણ એવું જ થયું. ૨૨ સાતેય ભાઈઓ બાળક વગર મરણ પામ્યા. સૌથી છેલ્લે પેલી સ્ત્રી પણ મરણ પામી. ૨૩ તે સાતેયની પત્ની બની હતી. તો પછી મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, તે કોની પત્ની બનશે?” ૨૪ ઈસુએ તેઓને કહ્યું: “તમે મોટી ભૂલ કરો છો, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત જાણતા.+ ૨૫ મરણમાંથી જીવતા કરવામાં આવેલા માણસો કે સ્ત્રીઓ લગ્‍ન કરતા નથી. પણ તેઓ સ્વર્ગના દૂતો જેવા હોય છે.+ ૨૬ મરણમાંથી ઉઠાડવામાં આવશે તેઓ વિશે શું તમે મૂસાના પુસ્તકમાં નથી વાંચ્યું? ઈશ્વરે ઝાડવા પાસે તેમને આમ કહ્યું હતું: ‘હું ઇબ્રાહિમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું.’+ ૨૭ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો.”+

૨૮ ત્યાં આવેલા શાસ્ત્રીઓમાંના એકે તેઓને દલીલ કરતા સાંભળ્યા. ઈસુએ તેઓને સરસ રીતે જવાબ આપ્યો છે એ જાણીને તેણે પૂછ્યું: “બધી આજ્ઞાઓમાં પહેલી* કઈ છે?”+ ૨૯ ઈસુએ જવાબ આપ્યો: “પહેલી આ છે, ‘હે ઇઝરાયેલ, સાંભળ, યહોવા* આપણા ઈશ્વર એક જ યહોવા* છે. ૩૦ તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા મનથી અને પૂરા બળથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ ૩૧ બીજી આ છે, ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’+ આ આજ્ઞાઓ કરતાં બીજી કોઈ આજ્ઞા મોટી નથી.” ૩૨ એ શાસ્ત્રીએ તેમને કહ્યું: “શિક્ષક, તમે સાચું કહ્યું: ‘ઈશ્વર એક જ છે અને તેમના સિવાય બીજું કોઈ નથી.’+ ૩૩ માણસે પૂરા દિલથી, પૂરી સમજણથી, પૂરા બળથી તેમને પ્રેમ કરવો જોઈએ અને પોતાના પર રાખે છે એવો પ્રેમ પોતાના પડોશી પર રાખવો જોઈએ. એ આજ્ઞાઓ બધાં અગ્‍નિ-અર્પણો* અને બલિદાનો કરતાં વધારે મહત્ત્વની છે.”+ ૩૪ તેણે સમજદારીથી જવાબ આપ્યો છે, એ પારખીને ઈસુએ તેને કહ્યું: “તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.” એ પછી વધારે સવાલ પૂછવાની કોઈએ હિંમત ન કરી.+

૩૫ મંદિરમાં શીખવતી વખતે ઈસુએ કહ્યું: “શાસ્ત્રીઓ એવું કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?+ ૩૬ પવિત્ર શક્તિની દોરવણીથી+ દાઉદે પોતે કહ્યું હતું, ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’+ ૩૭ દાઉદ પોતે તેને માલિક કહે છે, તો પછી તે કઈ રીતે તેમનો દીકરો થાય?”+

મોટું ટોળું તેમને ખુશીથી સાંભળતું હતું. ૩૮ તેમણે શીખવતા કહ્યું: “શાસ્ત્રીઓથી સાવધ રહો! તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું પસંદ છે. તેઓને બજારોમાં લોકો સલામો ભરે એવું ગમે છે.+ ૩૯ તેઓને સભાસ્થાનોમાં આગળની* બેઠકો ગમે છે. તેઓને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યાઓ ગમે છે.+ ૪૦ તેઓ વિધવાઓનાં ઘર* પચાવી પાડે છે અને દેખાડો કરવા લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓને આકરી સજા થશે.”

૪૧ પછી તે દાન-પેટીઓ દેખાય એવી જગ્યાએ બેઠા.+ તે જોતા હતા કે લોકો દાન-પેટીઓમાં પૈસા નાખે છે. અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા.+ ૪૨ એક ગરીબ વિધવા આવી અને તેણે સાવ ઓછી કિંમતના બે નાના સિક્કા* નાખ્યા.+ ૪૩ તેમણે શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દાન-પેટીઓમાં પૈસા નાખનારા બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે.+ ૪૪ એ બધાએ પોતાની પુષ્કળ ધનદોલતમાંથી નાખ્યું. પણ ગરીબ વિધવાએ પોતાનું બધું જ, એટલે પોતાની આખી જીવન-મૂડી નાખી છે.”+

૧૩ તે મંદિરમાંથી બહાર જતા હતા ત્યારે, એક શિષ્યે તેમને કહ્યું: “ગુરુજી, જુઓ! કેવાં સુંદર પથ્થરો અને બાંધકામો!”+ ૨ પણ ઈસુએ કહ્યું: “તું જે મોટાં બાંધકામો જુએ છે, એનો એકેય પથ્થર બીજા પથ્થર પર રહેશે નહિ. એ બધા પથ્થર પાડી નાખવામાં આવશે.”+

૩ પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠા, જ્યાંથી સામે મંદિર દેખાતું હતું. ત્યાં પિતર, યાકૂબ, યોહાન અને આંદ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું: ૪ “અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? એ બધાના અંતની નિશાની શું હશે?”+ ૫ ઈસુ તેઓને કહેવા લાગ્યા: “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૬ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું તે છું’ અને ઘણાને ભમાવશે. ૭ તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળો ત્યારે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.+

૮ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ધરતીકંપો થશે અને ખોરાકની અછત પડશે.+ આ બધું તો દુઃખોની* શરૂઆત જ છે.+

૯ “તમે પોતાના વિશે સાવધ રહો. લોકો તમને અદાલતોને* સોંપી દેશે+ અને તમને સભાસ્થાનોમાં મારવામાં આવશે.+ મારા લીધે તમને રાજ્યપાલો અને રાજાઓ સામે ઊભા કરવામાં આવશે, જેથી તેઓને સાક્ષી મળે.+ ૧૦ બધા દેશોમાં પહેલા ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.+ ૧૧ જ્યારે તેઓ તમને અદાલતમાં લઈ જાય, ત્યારે પહેલેથી ચિંતા ન કરશો કે અમે શું કહીશું. એ સમયે પવિત્ર શક્તિ જે જણાવે એ બોલજો, કેમ કે બોલનાર તમે નહિ પણ પવિત્ર શક્તિ છે.+ ૧૨ ભાઈ ભાઈને અને પિતા બાળકને મારી નંખાવશે. બાળકો પોતાનાં માબાપ સામે થશે અને તેઓને મારી નંખાવશે.+ ૧૩ તમે મારા શિષ્યો છો એટલે* બધા લોકો તમારો ધિક્કાર કરશે.+ પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે*+ તેનો જ ઉદ્ધાર થશે.+

૧૪ “તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને એવી જગ્યાએ ઊભેલી જોશો,+ જ્યાં એણે ન હોવું જોઈએ (વાચકે સમજવા ધ્યાન આપવું). એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+ ૧૫ જે માણસ ધાબા પર હોય, તેણે નીચે ન ઊતરવું કે કંઈ પણ લેવા ઘરમાં ન જવું. ૧૬ જે માણસ ખેતરમાં હોય તેણે પોતાની વસ્તુઓ કે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૭ એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે!+ ૧૮ પ્રાર્થના કરતા રહો કે શિયાળામાં એવું ન બને, ૧૯ કેમ કે એ દિવસો વિપત્તિના દિવસો હશે.+ ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆતથી આજ સુધી એવી વિપત્તિ થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.+ ૨૦ જો એ દિવસો યહોવા* ઓછા ન કરે તો કોઈ જ બચશે નહિ. પણ ઈશ્વરના પસંદ કરાયેલા લોકોને લીધે તે એ દિવસો ઓછા કરશે.+

૨૧ “જો કોઈ તમને કહે કે ‘જુઓ! ખ્રિસ્ત અહીં છે’ અથવા ‘જુઓ! તે ત્યાં છે,’ તો એ માનતા નહિ.+ ૨૨ જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઊભા થશે.+ લોકોને ભમાવવા તેઓ ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે! ૨૩ એટલે તમે સાવધ રહો.+ મેં તમને બધી વાતો પહેલેથી જણાવી છે.

૨૪ “પણ એ દિવસોમાં વિપત્તિ પછી સૂર્ય અંધકારમય બની જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે.+ ૨૫ આકાશમાંથી તારાઓ ખરી પડશે અને આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે. ૨૬ પછી તેઓ માણસના દીકરાને+ પુષ્કળ શક્તિ અને ગૌરવ સાથે વાદળો પર આવતો જોશે.+ ૨૭ ત્યાર બાદ તે દૂતોને મોકલશે અને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.+

૨૮ “હવે અંજીરના ઝાડના ઉદાહરણમાંથી આ શીખો: એની કુમળી ડાળી ઊગે અને એનાં પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે.+ ૨૯ એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે.+ ૩૦ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ.+ ૩૧ આકાશ અને પૃથ્વી નાશ પામશે,+ પણ મારા શબ્દો કાયમ ટકશે.+

૩૨ “એ દિવસ અથવા એ ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.+ ૩૩ સાવધ રહો અને જાગતા રહો,+ કારણ કે તમે જાણતા નથી કે નક્કી કરેલો સમય ક્યારે આવશે.+ ૩૪ એ પરદેશ જતા એક માણસ જેવું છે, જેણે ઘર છોડતી વખતે પોતાના ચાકરોને અધિકાર સોંપ્યો.+ તેણે દરેકને કામ આપ્યું અને દરવાનને જાગતા રહેવાની આજ્ઞા કરી.+ ૩૫ એટલે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે,+ મોડી સાંજે કે મધરાતે કે પરોઢ થતાં પહેલાં* કે વહેલી સવારે.+ ૩૬ એવું ન થાય કે તે અચાનક આવે ત્યારે તમને ઊંઘતા જુએ.+ ૩૭ પણ હું તમને જે કહું છું, એ બધાને કહું છું: જાગતા રહો!”+

૧૪ બે દિવસ પછી+ પાસ્ખાનો*+ તહેવાર અને બેખમીર રોટલીનો તહેવાર*+ હતો. મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ વિચારતા હતા કે કઈ રીતે ઈસુને કપટથી પકડે અને મારી નાખે.+ ૨ તેઓ કહેતા હતા કે “તહેવારના સમયે નહિ, કદાચ લોકો ધાંધલ મચાવે.”

૩ ઈસુ બેથનિયામાં સિમોનના ઘરમાં જમવા બેઠા હતા,* જે અગાઉ રક્તપિત્તિયો* હતો. ત્યાં એક સ્ત્રી સંગેમરમરની શીશીમાં અસલ જટામાંસીનું* ઘણું કીમતી, સુગંધી તેલ લઈને આવી. તે સંગેમરમરની શીશી ખોલીને એ તેલ તેમના માથા પર રેડવા લાગી.+ ૪ કેટલાક ગુસ્સે થઈને એકબીજાને કહેવા લાગ્યા: “આ સુગંધી તેલનો બગાડ શા માટે કર્યો? ૫ એ સુગંધી તેલ ૩૦૦થી પણ વધારે દીનારમાં* વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શકાયા હોત!” તેઓ સ્ત્રી પર ઘણા ગુસ્સે થયા.* ૬ પણ ઈસુએ કહ્યું: “તેને રહેવા દો. તમે તેને કેમ હેરાન કરો છો? તેણે મારા માટે બહુ સરસ કામ કર્યું છે.+ ૭ ગરીબો તો કાયમ તમારી સાથે હશે+ અને તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો. પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.+ ૮ તે જે કરી શકતી હતી એ તેણે કર્યું છે. તેણે મારા શરીર પર સુગંધી તેલ લગાડીને પહેલેથી મારા દફનની તૈયારી કરી છે.+ ૯ હું તમને સાચે જ કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે,+ ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”+

૧૦ બારમાંનો એક યહૂદા ઇસ્કારિયોત મુખ્ય યાજકો પાસે ગયો, જેથી ઈસુને દગો આપીને તેઓને સોંપી દે.+ ૧૧ તેઓએ એ સાંભળ્યું ત્યારે ઘણા ખુશ થયા. તેઓએ તેને ચાંદીના સિક્કા આપવાનું વચન આપ્યું.+ એટલે તે ઈસુને દગો દેવાની તક શોધવા લાગ્યો.

૧૨ બેખમીર રોટલીના તહેવારના+ પહેલા દિવસે પાસ્ખાનું બલિદાન ચઢાવવાનો રિવાજ હતો.+ શિષ્યોએ ઈસુને કહ્યું: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાના ભોજનની તૈયારી કરીએ?”+ ૧૩ એટલે તેમણે બે શિષ્યોને આમ કહીને મોકલ્યા: “શહેરમાં જાઓ અને પાણીનું માટલું લઈને જતો એક માણસ તમને મળશે. તેની પાછળ પાછળ જાઓ.+ ૧૪ તે જે ઘરમાં જાય એ ઘરના માલિકને કહેજો કે ‘ઉપદેશક કહે છે: “મહેમાનનો ઓરડો ક્યાં છે, જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લઈ શકું?”’ ૧૫ તે તમને ઉપરના માળે તૈયાર કરેલો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં આપણા માટે તૈયારી કરજો.” ૧૬ શિષ્યો નીકળીને શહેરમાં ગયા અને જેવું તેમણે કહ્યું હતું એવું જ થયું. ત્યાં તેઓએ પાસ્ખા માટે તૈયારી કરી.

૧૭ સાંજ ઢળી ગઈ પછી ઈસુ બાર શિષ્યો સાથે ત્યાં આવ્યા.+ ૧૮ તેઓ જમવા બેઠા હતા ત્યારે ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંનો એક જે મારી સાથે ખાય છે તે મને દગો દેશે.”+ ૧૯ એ સાંભળીને તેઓ દુઃખી થયા અને વારાફરતી પૂછવા લાગ્યા: “એ હું તો નથી ને?” ૨૦ તેમણે કહ્યું: “તે બારમાંનો એક છે, જે મારી સાથે એક જ વાટકામાંથી ખાય છે.+ ૨૧ ખરું કે માણસના દીકરા વિશે શાસ્ત્રવચનો જે કહે છે એ પ્રમાણે તેનું મરણ થશે, પણ માણસના દીકરાને દગો દેનારને અફસોસ!+ તે જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”+

૨૨ તેઓ જમતા હતા ત્યારે, તેમણે રોટલી લીધી અને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. તેમણે એ તોડી અને શિષ્યોને આપીને કહ્યું: “લો, આ મારા શરીરને રજૂ કરે છે.”+ ૨૩ તેમણે પ્યાલો લીધો અને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. તેમણે એ પ્યાલો તેઓને આપ્યો અને બધાએ એમાંથી પીધું.+ ૨૪ તેમણે તેઓને કહ્યું: “એ મારા લોહીને રજૂ કરે છે,+ જે કરારને*+ પાકો કરે છે. એ લોહી ઘણા લોકો માટે વહેવડાવવામાં આવશે.+ ૨૫ હું તમને સાચે જ કહું છું કે ઈશ્વરના રાજ્યમાં હું નવો દ્રાક્ષદારૂ ન પીઉં, એ દિવસ સુધી હું દ્રાક્ષદારૂ ફરીથી પીશ નહિ.” ૨૬ પછી તેઓ સ્તુતિગીતો* ગાઈને જૈતૂન પર્વત પર જવા નીકળી ગયા.+

૨૭ ઈસુએ તેઓને કહ્યું: “તમારા બધાની શ્રદ્ધા ડગમગી જશે,* કેમ કે લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારીશ+ અને ઘેટાં વિખેરાઈ જશે.’+ ૨૮ પણ મને ઉઠાડવામાં આવશે અને હું તમારી આગળ ગાલીલ જઈશ.”+ ૨૯ પિતરે તેમને કહ્યું: “ભલે બીજાઓની શ્રદ્ધા ડગી જાય, પણ મારી શ્રદ્ધા કદીયે નહિ ડગે!”+ ૩૦ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું: “હું તને સાચે જ કહું છું કે આજે, હા, આજે રાતે કૂકડો બે વાર બોલે એ પહેલાં, તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ ૩૧ પણ તે વારંવાર કહેવા લાગ્યો: “ભલે મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમને ઓળખવાની ના પાડીશ નહિ.” બીજા બધાએ પણ એવું જ કહ્યું.+

૩૨ તેઓ ગેથશેમાને નામની જગ્યાએ આવી પહોંચ્યા. તેમણે શિષ્યોને કહ્યું: “હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.”+ ૩૩ તે પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લઈ ગયા.+ તે બહુ દુઃખી અને પરેશાન થવા લાગ્યા. ૩૪ તેમણે તેઓને કહ્યું: “હું મરવાની અણીએ હોઉં એટલી વેદના થાય છે.+ અહીં રહો અને જાગતા રહો.”+ ૩૫ તે જરાક આગળ જઈને જમીન પર ઘૂંટણિયે પડ્યા. તે પ્રાર્થના કરવા લાગ્યા કે જો શક્ય હોય તો તેમણે આ ઘડીમાંથી પસાર થવું ન પડે. ૩૬ તેમણે કહ્યું: “અબ્બા,* પિતાજી,+ તમારા માટે બધું શક્ય છે. આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ હું ચાહું છું એમ નહિ, પણ તમે ચાહો છો એ પ્રમાણે થાઓ.”+ ૩૭ ઈસુ પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા. તેમણે પિતરને કહ્યું: “સિમોન, શું તું ઊંઘે છે? શું તારામાં થોડી વાર પણ જાગતા રહેવાની શક્તિ નથી?+ ૩૮ જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.+ ખરું કે મન તો તૈયાર* છે, પણ શરીર કમજોર છે.”+ ૩૯ તે ફરીથી ગયા અને પ્રાર્થનામાં એ જ વાત જણાવી.+ ૪૦ તે પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઘેરાયેલી હતી. એટલે તેઓને ખ્યાલ ન આવ્યો કે તેમને શું કહેવું. ૪૧ તે ત્રીજી વાર આવ્યા અને તેઓને કહ્યું: “આવા સમયે તમે ઊંઘો છો અને આરામ કરો છો! હવે ઊંઘતા નહિ! જુઓ, માણસના દીકરાને દગાથી પાપીઓના હાથમાં સોંપવાની ઘડી આવી પહોંચી છે.+ ૪૨ ઊઠો, ચાલો જઈએ. જુઓ! મને દગો દેનાર આવી પહોંચ્યો છે.”+

૪૩ હજુ તો તે બોલતા હતા એવામાં યહૂદા આવ્યો, જે બારમાંનો એક હતો. તેની સાથે તલવારો અને લાઠીઓ લઈને ઘણા લોકો આવ્યા હતા. મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોએ તેઓને મોકલ્યા હતા.+ ૪૪ ઈસુને દગો આપનારે એ લોકોને એક નિશાની આપીને નક્કી કર્યું હતું: “હું જેને ચુંબન કરું એ જ તે છે, તેને પકડી લેજો. સિપાઈઓના પહેરા નીચે તેને લઈ જજો.” ૪૫ તેણે ઈસુ પાસે જઈને કહ્યું: “સલામ ગુરુજી!”* પછી તેણે તેમને ચુંબન કર્યું. ૪૬ એટલે તેઓએ ઈસુને પકડી લીધા. ૪૭ ત્યાં જેઓ ઊભા હતા, તેઓમાંના એકે પોતાની તલવાર ખેંચી કાઢી. તેણે પ્રમુખ યાજકના* ચાકર પર ઘા કરીને તેનો કાન ઉડાવી દીધો.+ ૪૮ ઈસુએ તેઓને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ તલવારો અને લાઠીઓ લઈને કેમ મને પકડવા આવ્યા છો?+ ૪૯ રોજ હું મંદિરમાં શીખવતો હતો ત્યારે તમારી સાથે હતો,+ તોપણ તમે મને પકડ્યો નહિ. પણ શાસ્ત્રવચનો પૂરાં થાય એ માટે આમ થયું છે.”+

૫૦ બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.+ ૫૧ પણ એક યુવાન ઉઘાડા શરીર પર ઉત્તમ શણનું કપડું ઓઢીને તેમની પાછળ થોડા અંતરે ચાલવા લાગ્યો. ટોળાએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો. ૫૨ પણ તે શણનું કપડું ત્યાં છોડીને ઉઘાડા શરીરે* નાસી ગયો.

૫૩ ઈસુને તેઓ પ્રમુખ યાજક પાસે લઈ ગયા.+ ત્યાં બધા મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ ભેગા થયા.+ ૫૪ પણ પિતર થોડું અંતર રાખીને પ્રમુખ યાજકના આંગણા સુધી તેમની પાછળ પાછળ ગયો. તે ઘરના ચાકરો સાથે બેસીને આગ પાસે તાપવા લાગ્યો.+ ૫૫ મુખ્ય યાજકો અને આખી યહૂદી ન્યાયસભા* ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ સાક્ષીઓ શોધતા હતા, પણ તેઓને કોઈ મળ્યું નહિ.+ ૫૬ ખરું કે ઘણા તેમની વિરુદ્ધ ખોટી સાક્ષી આપતા હતા,+ પણ તેઓની જુબાની એકબીજા સાથે મેળ ખાતી ન હતી. ૫૭ બીજા કેટલાક ઊભા થઈને તેમની વિરુદ્ધ ખોટી સાક્ષી આપીને કહેતા હતા: ૫૮ “અમે તેને કહેતા સાંભળ્યો હતો કે ‘હું હાથે બનેલા આ મંદિરને પાડી નાખીશ અને હાથે બન્યું ન હોય એવું મંદિર ત્રણ દિવસમાં બાંધીશ.’”+ ૫૯ આ વિશે પણ તેઓની જુબાની એકબીજા સાથે મેળ ખાતી ન હતી.

૬૦ પ્રમુખ યાજક તેઓની વચ્ચે ઊભો થયો અને ઈસુને સવાલ પૂછવા લાગ્યો: “શું તારે કંઈ નથી કહેવું? શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?”+ ૬૧ પણ તે ચૂપ રહ્યા અને કંઈ જવાબ ન આપ્યો.+ પ્રમુખ યાજક ફરીથી તેમને પૂછવા લાગ્યો: “શું તું ખ્રિસ્ત છે, સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો છે?” ૬૨ ઈસુએ કહ્યું: “હા હું છું! તમે માણસના દીકરાને+ શક્તિશાળી ઈશ્વરના જમણા હાથે બેઠેલો+ અને આકાશનાં વાદળો સાથે આવતો જોશો.”+ ૬૩ એ સાંભળીને પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડતાં કહ્યું: “હવે સાક્ષીઓની શું જરૂર છે?+ ૬૪ તમે ઈશ્વરની નિંદા સાંભળી છે. તમારું શું કહેવું છે?” તેઓ બધાએ ઈસુને મોતને લાયક ઠરાવ્યા.+ ૬૫ કેટલાક તેમના પર થૂંક્યા.+ તેઓએ તેમનો ચહેરો ઢાંકીને મુક્કા માર્યા અને કહ્યું: “જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?” પછી અદાલતના સિપાઈઓએ તેમને તમાચા માર્યા અને તેમને લઈ ગયા.+

૬૬ પિતર નીચે આંગણામાં હતો, એ વખતે પ્રમુખ યાજકની એક દાસી આવી.+ ૬૭ પિતર ત્યાં તાપતો હતો. દાસીએ તેની સામે જોઈને કહ્યું: “તું પણ નાઝરેથના આ ઈસુ સાથે હતો.” ૬૮ પિતરે ના પાડી અને કહ્યું: “હું તેને નથી ઓળખતો. મને સમજાતું નથી કે તું શું કહે છે.” તે બહાર દરવાજા* તરફ જતો રહ્યો. ૬૯ ત્યાં એ દાસીની નજર તેના પર પડી. તે ફરીથી પાસે ઊભેલા લોકોને કહેવા લાગી: “આ તેઓમાંનો એક છે.” ૭૦ પિતરે ફરીથી ના પાડી. થોડી વાર પછી આસપાસ ઊભેલા લોકો ફરીથી પિતરને કહેવા લાગ્યા: “તું ચોક્કસ તેઓમાંનો એક છે, કેમ કે તું ગાલીલનો છે.” ૭૧ પણ તે પોતાને શ્રાપ આપવા અને સમ ખાવા લાગ્યો: “હું એ માણસને ઓળખતો નથી, જેની તમે વાત કરો છો!” ૭૨ તરત જ કૂકડો બીજી વાર બોલ્યો.+ પિતરને યાદ આવ્યું કે ઈસુએ કહ્યું હતું: “કૂકડો બે વાર બોલે એ પહેલાં તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ તે બહુ દુઃખી થઈને રડવા લાગ્યો.

૧૫ પરોઢ થઈ કે તરત જ મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ, એટલે કે આખી યહૂદી ન્યાયસભાએ ભેગા મળીને વાત કરી. તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધા.+ ૨ પછી પિલાતે ઈસુને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?”+ તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.”+ ૩ પણ મુખ્ય યાજકો તેમના પર જાતજાતના આરોપો મૂકતા હતા. ૪ પિલાતે ફરીથી તેમને પૂછ્યું: “શું તારે કંઈ જવાબ આપવો નથી?+ જો તારી વિરુદ્ધ તેઓ કેટલા બધા આરોપો મૂકે છે.”+ ૫ પણ ઈસુએ કોઈ જવાબ આપ્યો નહિ, એટલે પિલાતને નવાઈ લાગી.+

૬ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો પિલાતને કોઈ પણ એક કેદીને છોડી મૂકવાની અરજ કરે અને પિલાત તેને છોડી મૂકે.+ ૭ એ સમયે બારાબાસ નામનો એક માણસ બીજા અમુક લોકો સાથે કેદમાં હતો. તેઓ બધાએ સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો અને ખૂન કર્યું હતું. ૮ હવે ટોળું પિલાત પાસે આવ્યું અને અરજ કરવા લાગ્યું કે તે પોતાના રિવાજ પ્રમાણે તેઓ માટે જે કરતો હતો એ કરે. ૯ તેણે કહ્યું: “શું તમે ચાહો છો કે હું યહૂદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?”+ ૧૦ પિલાત જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે ઈસુને તેના હાથમાં સોંપી દીધા છે.+ ૧૧ પણ મુખ્ય યાજકોએ ટોળાને એવી માંગણી કરવા ઉશ્કેર્યું કે તે ઈસુને બદલે બારાબાસને છોડી દે.+ ૧૨ પિલાતે ફરીથી તેઓને પૂછ્યું: “તો પછી તમે જેને યહૂદીઓનો રાજા કહો છો તેનું હું શું કરું?”+ ૧૩ તેઓએ ફરીથી બૂમો પાડી: “તેને વધસ્તંભે ચઢાવો!”+ ૧૪ પિલાતે પૂછ્યું: “શા માટે? તેણે શું ગુનો કર્યો છે?” પણ તેઓ મોટેથી બૂમો પાડતા રહ્યા: “તેને વધસ્તંભે ચઢાવો!”+ ૧૫ પિલાતે લોકોને સંતોષ થાય એ માટે બારાબાસને છોડી મૂક્યો. તેણે ઈસુને કોરડા મરાવ્યા+ અને તેમને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+

૧૬ સૈનિકો તેમને રાજ્યપાલના ઘરના આંગણામાં લઈ ગયા અને તેઓએ બધા સૈનિકોને ભેગા કર્યા.+ ૧૭ તેઓએ તેમને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો. ૧૮ તેઓ મશ્કરી કરીને કહેવા લાગ્યા: “હે યહૂદીઓના રાજા, સલામ!”*+ ૧૯ તેઓ સોટી લઈને તેમના માથા પર મારતા હતા અને તેમના પર થૂંકતા હતા. તેઓ ઘૂંટણિયે પડીને તેમને નમન કરતા હતા. ૨૦ તેઓની મજાક પૂરી થઈ ત્યારે તેઓએ તેમના પરથી જાંબુડિયા રંગનો ઝભ્ભો કાઢી લીધો અને તેમનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને વધસ્તંભે ખીલાથી જડી દેવા લઈ ગયા.+ ૨૧ તેઓએ ત્યાંથી પસાર થતા એક માણસને ઈસુનો વધસ્તંભ ઊંચકવા બળજબરી કરી. તે કુરેની શહેરનો સિમોન હતો અને સીમમાંથી આવતો હતો. તે એલેકઝાંડર અને રૂફસનો પિતા હતો.+

૨૨ પછી તેઓ ઈસુને ગલગથા નામની જગ્યાએ લઈ આવ્યા, જેનો અર્થ થાય, “ખોપરીની જગ્યા.”+ ૨૩ અહીં તેઓએ તેમને નશીલો કડવો રસ* ભેળવેલો દ્રાક્ષદારૂ આપવાનો પ્રયત્ન કર્યો,+ પણ તેમણે એ પીધો નહિ. ૨૪ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા અને તેમનાં કપડાં વહેંચી લીધાં. એ માટે તેઓએ ચિઠ્ઠીઓ* નાખીને નક્કી કર્યું કે કોણ શું લેશે.+ ૨૫ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા ત્યારે સવારના નવેક વાગ્યા હતા.* ૨૬ તેમના પર મુકાયેલા આરોપની આ તકતી હતી: “યહૂદીઓનો રાજા.”+ ૨૭ તેમની આસપાસ બે લુટારાને પણ વધસ્તંભે જડવામાં આવ્યા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+ ૨૮ *— ૨૯ ત્યાંથી પસાર થનારાઓએ માથું હલાવીને તેમની મશ્કરી કરી:+ “અરે, તું તો મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનો હતો.+ ૩૦ હવે વધસ્તંભ પરથી નીચે ઊતરીને પોતાને બચાવ.” ૩૧ શાસ્ત્રીઓ સાથે મુખ્ય યાજકો પણ તેમની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી!+ ૩૨ ઇઝરાયેલનો રાજા, ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી નીચે આવે, જેથી અમે જોઈએ અને શ્રદ્ધા મૂકીએ.”+ જેઓને તેમની સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તેઓ પણ તેમનું અપમાન કરવા લાગ્યા.+

૩૩ પછી બપોરના બારેક વાગ્યાથી* ત્રણેક વાગ્યા* સુધી આખા દેશમાં અંધારું છવાઈ ગયું.+ ૩૪ બપોરના ત્રણેક વાગ્યે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “એલી, એલી, લામા સાબાખ્થાની?” એનો અર્થ થાય, “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?”+ ૩૫ એ સાંભળીને પાસે ઊભેલા અમુક લોકો કહેવા લાગ્યા: “જુઓ! તે એલિયાને બોલાવે છે.” ૩૬ એટલે કોઈ દોડીને ગયો અને વાદળી* લઈને ખાટા દ્રાક્ષદારૂમાં બોળી. એ તેણે લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપીને+ કહ્યું: “ચાલો જોઈએ કે એલિયા તેને નીચે ઉતારવા આવે છે કે નહિ.” ૩૭ પણ ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા.*+ ૩૮ મંદિરનો* પડદો+ ઉપરથી નીચે સુધી ફાટીને બે ભાગ થઈ ગયો.+ ૩૯ ઈસુના મરણ વખતે જે કંઈ બન્યું હતું એ જોઈને, તેમની સામે ઊભેલા લશ્કરી અધિકારીએ કહ્યું: “ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો!”+

૪૦ ત્યાં સ્ત્રીઓ પણ દૂરથી જોઈ રહી હતી. તેઓમાં મરિયમ માગદાલેણ, નાના* યાકૂબની ને યોસેની મા મરિયમ અને શલોમી હતી.+ ૪૧ ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની સાથે રહીને તેમની સેવા કરતી હતી.+ બીજી ઘણી સ્ત્રીઓ પણ હતી, જેઓ તેમની સાથે યરૂશાલેમથી આવી હતી.

૪૨ મોડી બપોર થઈ ચૂકી હતી અને એ પાસ્ખાની તૈયારીનો દિવસ, એટલે કે સાબ્બાથની આગળનો દિવસ હતો. ૪૩ અરિમથાઈનો યૂસફ આવ્યો, જે ધર્મસભાનો* માનનીય સભ્ય હતો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. તે હિંમત કરીને પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું.+ ૪૪ પણ ઈસુનું આટલું જલદી મરણ થયું છે એ જાણીને પિલાતને નવાઈ લાગી. એટલે તેણે લશ્કરી અધિકારીને બોલાવીને પૂછ્યું કે તેમનું ખરેખર મરણ થયું છે કે નહિ. ૪૫ લશ્કરી અધિકારી પાસેથી ખાતરી કરી લીધા પછી તેણે યૂસફને શબ લઈ જવાની મંજૂરી આપી. ૪૬ યૂસફ બારીક શણનું કાપડ ખરીદી લાવ્યો. પછી તેણે તેમને નીચે ઉતાર્યા અને બારીક શણના કાપડમાં વીંટાળીને કબરમાં મૂક્યા,+ જે ખડકમાં ખોદવામાં આવી હતી. તેણે કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવી દીધો.+ ૪૭ પણ મરિયમ માગદાલેણ અને યોસેની મા મરિયમ, ઈસુને જ્યાં મૂકવામાં આવ્યા હતા એ જગ્યા જોયા કરતી હતી.+

૧૬ સાબ્બાથ+ પૂરો થયો ત્યારે મરિયમ માગદાલેણ, યાકૂબની મા મરિયમ+ અને શલોમીએ સુગંધી દ્રવ્ય* ખરીદ્યાં, જેથી કબરે જઈને ઈસુના શબને લગાડે.+ ૨ અઠવાડિયાના પહેલા દિવસે વહેલી સવારે સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ કબર પાસે આવી.+ ૩ તેઓ એકબીજાને કહેતી હતી: “આપણા માટે કબરના મુખ પરથી પથ્થર કોણ ગબડાવશે?” ૪ પણ તેઓએ જોયું તો પથ્થર ઘણો મોટો હોવા છતાં એને ગબડાવી દેવામાં આવ્યો હતો.+ ૫ તેઓ કબરમાં દાખલ થઈ ત્યારે, તેઓએ સફેદ ઝભ્ભો પહેરેલા યુવાન માણસને જમણી બાજુ બેઠેલો જોયો. તેઓ ચોંકી ગઈ! ૬ તેણે તેઓને કહ્યું: “ચોંકી ન જાઓ.+ તમે નાઝરેથના ઈસુને શોધો છો ને, જેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા. તેમને તો મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.+ તે અહીં નથી. જુઓ, તેઓએ તેમને મૂક્યા હતા એ જગ્યા આ રહી.+ ૭ જાઓ, તેમના શિષ્યોને અને પિતરને કહો કે ‘તે તમારી આગળ ગાલીલ જાય છે.+ તેમણે તમને જણાવ્યું હતું એમ, તમે તેમને ત્યાં જોશો.’”+ ૮ તેઓ બહાર આવી ત્યારે ડરથી ધ્રૂજતી અને દંગ રહી ગયેલી હતી. તેઓ કબર પાસેથી ભાગી. તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ, કેમ કે તેઓ ગભરાયેલી હતી.*+

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

માલ ૩:૧ જુઓ, જેમાંથી કૌંસમાંના શબ્દો લીધા છે.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ચંપલની દોરી છોડવાને.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “દૂતો” જુઓ.

બાઇબલમાં એને ગન્‍નેસરેત સરોવર અને તિબેરિયાસ સરોવર પણ કહેવામાં આવ્યું છે.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “તેઓ જાણતા હતા કે તે કોણ છે.”

અથવા, “કોઢ.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઈશ્વરની નિંદા.”

શબ્દસૂચિ જુઓ.

આ માથ્થીનું બીજું એક નામ છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જેને લકવો થયો હતો.”

અથવા, “લકવો થયેલા.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઉત્સાહી.”

શેતાન માટે વપરાયેલો ખિતાબ. શબ્દસૂચિ જુઓ.

અથવા, “તેનામાં.”

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મરવાની અણીએ છે.”

સ્ત્રીઓને થતી લોહી વહેવાની બીમારી, જે લાંબા સમય સુધી ચાલે છે.

અથવા, “ચિંતા કરીશ નહિ.”

અથવા, “સખત મના કરી.”

મૂળ, “તાંબું.”

એ જવાબદારી પૂરી થવાને બતાવે છે.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એટલે કે, સવારના આશરે ૩:૦૦ વાગ્યાથી ૬:૦૦ વાગ્યે સૂરજ ઊગે ત્યાં સુધી.

અથવા, “જવાની તૈયારીમાં હતા.”

એટલે કે, વિધિપૂર્વક શુદ્ધ કર્યા વગર.

અથવા, “નિંદા કરે છે.”

વધારે માહિતી ક-૩ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જન્મથી નાગરિક.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

અથવા, “બેવફા.”

હિબ્રૂ, રાબ્બી.

અથવા કદાચ, “વાત પોતાના પૂરતી રાખી.”

અથવા, “ગધેડું ફેરવે એ પથ્થર.”

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૩ જુઓ.

વધારે માહિતી ક-૩ જુઓ.

એટલે કે, ગેહેન્‍નામાં નંખાયેલા લોકો.

મૂળ, “તેઓ પર હાથ મૂકે.”

અથવા કદાચ, “એકબીજાને.”

“પ્યાલો,” ઈશ્વરની નિંદાના ખોટા આરોપ નીચે ઈસુને મરવા દેવાની ઈશ્વરની ઇચ્છાને રજૂ કરે છે.

શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, રાબ્બોની.

વધારે માહિતી ક-૫ જુઓ.

હિબ્રૂ, રાબ્બી.

વધારે માહિતી ક-૩ જુઓ.

મૂળ, “સ્વર્ગથી.”

શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

મૂળ, “કાઈસારને.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “કાઈસારનું.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સૌથી મહત્ત્વની.”

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “સૌથી સારી.”

અથવા, “મિલકત.”

મૂળ, “બે લેપ્ટા,” એટલે કે, ક્વોડ્રન્સ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “પ્રસૂતિની પીડા જેવા દુઃખની.”

અથવા, “નીચલી યહૂદી ન્યાયસભાને.”

મૂળ, “મારા નામને લીધે.”

અથવા, “ધીરજ રાખીને સહન કરે છે.”

વધારે માહિતી ક-૫ જુઓ.

સામાન્ય રીતે “પેઢી” એટલે કે કોઈ એક સમયગાળામાં જીવતા અલગ અલગ ઉંમરના લોકો.

મૂળ, “કૂકડો બોલે ત્યારે.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મેજને અઢેલીને બેઠા હતા.”

અથવા, “કોઢિયો.” શબ્દસૂચિ જુઓ.

માનવામાં આવે છે કે આ સુગંધી તેલ, હિમાલયના પર્વતોમાં થતા એક ખુશબોદાર છોડમાંથી બનાવવામાં આવતું હતું. શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “તેઓએ એ સ્ત્રીને ખખડાવી નાખી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ભજનો.”

મૂળ, “તમે બધા ઠોકર ખાશો.”

હિબ્રૂ અથવા અરામિક શબ્દ, જેનો અર્થ થાય, “ઓ પિતા!”

અથવા, “આતુર.”

હિબ્રૂ, રાબ્બી.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સાવ ઓછાં કપડાંમાં; ફક્ત અંદરના વસ્ત્રમાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઓસરી.”

અથવા, “જય હો.”

અથવા, “બોળ.” શબ્દસૂચિમાં “બોળ” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “આશરે ત્રીજો કલાક હતો.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

વધારે માહિતી ક-૩ જુઓ.

મૂળ, “છઠ્ઠા કલાકથી.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

મૂળ, “નવમા કલાક.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

અથવા, “સ્પંજ.”

અથવા, “છેલ્લો શ્વાસ લીધો.”

શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

અથવા, “ઠીંગણા.”

અથવા, “યહૂદી ન્યાયસભાનો.”

શબ્દસૂચિ જુઓ.

જૂની ભરોસાપાત્ર હસ્તપ્રતો પ્રમાણે માર્કની ખુશખબર આઠમી કલમના શબ્દોથી પૂરી થાય છે. વધારે માહિતી ક-૩ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો