ઇન્ટરવ્યૂ | પાઓલા કેયોત્સે
એક વૈજ્ઞાનિક પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
ડૉ. પાઓલા કેયોત્સે એક જીવવૈજ્ઞાનિક (મોલીક્યુલર બાયોલોજીસ્ટ) છે. તે ઇટાલીની ફેરારા યુનિવર્સિટીમાં વીસ કરતાં વધારે વર્ષોથી કામ કરી રહ્યાં છે. સજાગ બનો!એ આ બહેનને વિજ્ઞાન અને તેમની શ્રદ્ધા વિશે અમુક સવાલો પૂછ્યા.
તમારા વિશે કંઈ જણાવશો?
મારા પપ્પા બૂટ-ચંપલ બનાવાનું કામ કરતા અને મમ્મી ખેતરમાં કામ કરતાં. પરંતુ, મારું સપનું તો વૈજ્ઞાનિક બનવાનું હતું. ઘરની આસપાસ સુંદર ફૂલો, પક્ષીઓ અને જીવ-જતુંઓ જોઈને હું ખૂબ નવાઈ પામતી. મને લાગતું કે આ બધું કોઈ માણસે નહિ, પણ બહુ શક્તિશાળી વ્યક્તિએ બનાવ્યું છે.
શું તમે નાનપણથી જ સર્જનહારમાં માનતાં આવ્યાં છો?
ના. હું નાની હતી ત્યારથી જ મને થતું કે શું ઈશ્વર છે. મારા પપ્પાને હાર્ટઍટેક આવ્યો અને અચાનક ગુજરી ગયા. મને થવા લાગ્યું કે, ‘જો ઈશ્વરે આટલી સુંદર વસ્તુઓ બનાવી હોય, તો તે કેમ દુઃખ-તકલીફો અને મરણને ચાલવા દે છે?’
વિજ્ઞાનનો અભ્યાસ કરવાથી શું તમને એનો જવાબ મળ્યો?
શરૂઆતમાં તો ન મળ્યો! હું જ્યારે જીવવૈજ્ઞાનિક (મોલીક્યુલર બાયોલોજીસ્ટ) બની, ત્યારે શરીરના કોષોના નાશ વિશે મેં અભ્યાસ શરૂ કર્યો. કોષોનો નાશ બે કારણોથી થતો હોય છે. એક તો, પૂરતા પ્રમાણમાં ઑક્સિજન કે લોહી ન મળવાને લીધે થાય છે. એનાથી સોજો આવે કે ગેંગરીન થાય. બીજું, આપણા શરીરમાં સામાન્ય રીતે થતી ક્રિયામાં પણ કોશો નાશ પામે છે, હું એનો અભ્યાસ કરું છું. આ ક્રિયા આપણી તંદુરસ્તી માટે ખૂબ મહત્ત્વની છે. તેમ છતાં, હમણાંનાં થોડાં વર્ષોથી જ વૈજ્ઞાનિકોએ એના પર ધ્યાન આપ્યું છે.
કોષો નાશ પામવાની એ બીજી ક્રિયા કેમ મહત્ત્વની છે?
આપણું શરીર લાખો-કરોડો સુક્ષ્મ કોષોથી બનેલું છે. એ બધાનો નાશ થઈ એમની જગ્યાએ બીજા નવા કોષો બનવા જોઈએ. એ ક્રિયા માટે, દરેક પ્રકારના કોષને જુદો જુદો સમય લાગે. અમુકને અઠવાડિયું લાગે તો અમુકને વર્ષો. નવા કોષો બનવા અને જૂના કોષો નાશ પામવા વચ્ચેનું સમતોલન મહત્ત્વનું છે. એ જાળવવા શરીરમાં ખૂબ જ જટિલ પ્રક્રિયાઓ થતી હોય છે. જો એ સમતોલન ન જળવાય તો જોખમ ઊભું થઈ શકે.
શું જોખમ ઊભું થઈ શકે?
અમુક અભ્યાસ બતાવે છે કે જો કોષ એના યોગ્ય સમયે નાશ ન પામે, તો સાંધાનો રોગ (રહીયુમેટોઈડ આર્થાઈટીસ) અથવા કૅન્સર થઈ શકે. બીજી બાજુ, જો કોષ એના નિયત સમયને બદલે વહેલાં નાશ પામે, તો મગજને લગતી બીમારી થઈ શકે. જેમ કે, પારકિનસન (સ્નાયુ જકડાવા, ધ્રુજારી) અને અલ્ઝાયમર્સ (યાદશક્તિ ઓછી થવી, અસ્થિરતા). હું આવી બીમારીઓની સારવાર પર સંશોધન કરી રહી છું.
આ અભ્યાસની તમારાં વિચારો પર કેવી અસર પડી?
સાચું કહું તો, હું વધારે ગૂંચવાઈ ગઈ! એક બાજુ મને ખાતરી થઈ કે આ અદ્ભુત ક્રિયા બનાવનાર ચાહે છે કે મનુષ્યો તંદુરસ્ત રહે. બીજી બાજુ, મારો પ્રશ્ન તો હતો જ કે, ‘કેમ લોકો દુઃખ-તકલીફો ભોગવે છે અને મરણ પામે છે?’ હું એનો જવાબ મેળવી શકી નહિ.
એટલે, તમને ખાતરી હતી કે આ ક્રિયા ચોક્કસ કોઈકે બનાવી છે?
હા. એ આખી ક્રિયા એટલી જટિલ છે કે મનુષ્ય ભાગ્યે જ એને સમજી શકે. એમાં કોઈકનું અજોડ જ્ઞાન સાફ દેખાઈ આવે છે. હું માનું છું કે એ ઈશ્વરનું જ્ઞાન છે. એ ક્રિયા ચાલું રાખવા ઘણી જટિલ પ્રક્રિયાઓ થતી હોય છે. એ બધાનો અભ્યાસ કરવા મારે ખૂબ શક્તિશાળી માઈક્રોસ્કોપ (સુક્ષ્મદર્શક યંત્ર) વાપરવો પડે છે. અમુક પ્રક્રિયાઓ, જરૂર પડતા બસ થોડી જ સેકંડોમાં શરૂ થઈને ઘણા કોષોનો નાશ કરી નાખે છે. વળી, અમુક કોષ તો પોતાનો જ નાશ કરે છે. આ બધી ક્રિયાઓ એટલી અદ્ભુત રીતે થાય છે કે આપણી અક્કલ કામ ન કરે.
ઈશ્વર અને દુઃખ-તકલીફોના કારણ વિશે તમને જે સવાલો હતા, એના જવાબો કઈ રીતે મળ્યા?
૧૯૯૧માં, યહોવાના બે યુવાન સાક્ષીઓ મારા ઘરે આવ્યા. મેં તેઓને પૂછ્યું કે આપણે કેમ મરીએ છીએ. તેઓએ બાઇબલમાંથી મને આ જવાબ આપ્યો: ‘એક માણસ દ્વારા પાપે જગતમાં પ્રવેશ કર્યો, અને પાપ દ્વારા મૃત્યુએ પ્રવેશ કર્યો, અને એ રીતે મૃત્યુ આખી માનવજાતમાં ફેલાઈ ગયું, કારણ, બધાએ પાપ કર્યું.’ (રોમ ૫:૧૨, સંપૂર્ણ બાઇબલ) જો પ્રથમ માણસે ઈશ્વરની આજ્ઞા તોડી ન હોત, તો તે સદા માટે જીવતો રહ્યો હોત. મને જોવા મળ્યું કે એ મુદ્દો મારાં સંશોધન સાથે મેળ ખાય છે. હવે મને ખાતરી થઈ કે ઈશ્વરે મનુષ્યને મરવા માટે બનાવ્યો ન હતો. આપણા શરીરના લગભગ બધા જ કોષો નવા બને છે, જેથી હંમેશ માટે જીવવું ચોક્કસ શક્ય છે.
તમને કેવી રીતે ખાતરી થઈ કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે?
ઈશ્વર વિશે બાઇબલ જે કહે છે એ મને ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬માંથી શીખવા મળ્યું, ત્યાં લખ્યું છે: ‘મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એકે અંગ થએલું ન હતું ત્યારે પણ તેઓ સર્વ તારા પુસ્તકમાં લખેલા હતા.’ જીવવૈજ્ઞાનિક હોવાથી મને ખબર છે કે આપણા કોષોમાં માહિતી રહેલી છે. પણ મને થાય છે કે, એ કલમ લખનાર એક સામાન્ય વ્યક્તિ કઈ રીતે આ બધું જાણતી હશે? મેં બાઇબલનો જેમ વધારે અભ્યાસ કર્યો તેમ વધારે ખાતરી થઈ કે એ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.
બાઇબલ જે શીખવે છે એ સમજવા તમને કઈ રીતે મદદ મળી?
યહોવાના એક સાક્ષીએ મને બાઇબલમાંથી શીખવા માટે પૂછ્યું. અભ્યાસ કરવાથી હું આખરે સમજી શકી કે ઈશ્વરે કેમ દુઃખ-તકલીફોને ચાલવા દીધાં છે. બાઇબલમાંથી હું એ પણ શીખી કે ઈશ્વરનો હેતુ “સદાને માટે મરણ રદ” કરવાનો છે. (યશાયા ૨૫:૮) હંમેશ માટેના જીવનનો આનંદ માણવા જરૂરી છે કે શરીરની આ અદ્ભુત ક્રિયાઓ એકદમ સારી રીતે કામ કરતી રહે. આ ક્રિયાઓને પાછી સુધારવી ઈશ્વર માટે ખૂબ જ સહેલી છે.
બાઇબલમાંથી જે શીખ્યા એનાથી તમે બીજાઓને કઈ રીતે મદદ કરો છો?
હું ૧૯૯૫માં યહોવાની સાક્ષી બની. એ પછી, બીજાઓને બાઇબલમાંથી શીખવવાની હું દરેક તક ઝડપી લઉં છું. દાખલા તરીકે, મારી સાથે કામ કરતી એક છોકરીના ભાઈએ આત્મહત્યા કરી હોવાથી તે બહુ હતાશ થઈ ગઈ. તેનું ચર્ચ શીખવતું કે આત્મહત્યા કરનારાઓને ઈશ્વર કદી માફ કરતા નથી. પરંતુ, મેં તેને બાઇબલમાં આપેલી આશા બતાવી કે ગુજરી ગયેલા ફરી જીવતા થશે. (યોહાન ૫:૨૮, ૨૯) ઈશ્વર આપણી કાળજી રાખે છે એ જાણીને તેને ખૂબ જ દિલાસો મળ્યો. આવા સંજોગોમાં મને લાગે છે કે વિજ્ઞાન કરતાં બાઇબલનું સત્ય જણાવવાથી ઘણો સંતોષ મળે છે. (g13-E 01)
[પાન ૬ પર ચિત્ર]
[પાન ૬ પર ચિત્ર]