વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૧૦૮ પાન ૨૫૦-પાન ૨૫૧ ફકરો ૬
  • ઈસુ દુશ્મનોના ફાંદામાં ફસાતા નથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ દુશ્મનોના ફાંદામાં ફસાતા નથી
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૧૦૮ પાન ૨૫૦-પાન ૨૫૧ ફકરો ૬
ઈસુ પાસે કર ભરવાનો સિક્કો છે અને તે ફરોશીઓના સવાલોનો જવાબ આપી રહ્યા છે

પ્રકરણ ૧૦૮

ઈસુ દુશ્મનોના ફાંદામાં ફસાતા નથી

માથ્થી ૨૨:૧૫-૪૦ માર્ક ૧૨:૧૩-૩૪ લુક ૨૦:૨૦-૪૦

  • જે સમ્રાટનું છે એ સમ્રાટને

  • સજીવન થયેલાઓના લગ્‍ન વિશે સવાલ

  • સૌથી મોટી આજ્ઞાઓ

ઈસુના દુશ્મનો તેમનાથી ખૂબ નારાજ હતા. ઈસુએ થોડી વાર પહેલાં જણાવેલાં ઉદાહરણોથી તેઓનો ઢોંગ ખુલ્લો પડી ગયો હતો. એટલે, ફરોશીઓએ ઈસુને ફાંદામાં ફસાવવા યોજના ઘડી. તેઓ ઈસુના મોઢે એવું કંઈક બોલાવવા માંગતા હતા, જેના આધારે તેમને પકડીને રોમન રાજ્યપાલને સોંપી શકે. ઈસુને ફાંદામાં પાડવા તેઓએ પોતાના અમુક શિષ્યોને પૈસા આપીને મોકલ્યા.—લુક ૬:૭.

તેઓએ ઈસુને કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય બોલો છો તથા શીખવો છો અને કોઈ ભેદભાવ રાખતા નથી, પણ તમે સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો: શું સમ્રાટને કર આપવો યોગ્ય છે કે નહિ?” (લુક ૨૦:૨૧, ૨૨) ઈસુ તેઓની ખુશામતમાં આવી ન ગયા, એની પાછળ તેઓનો ઢોંગ અને છળકપટ તે જોઈ શકતા હતા. જો તે કહે કે, ‘ના, એ કર આપવો યોગ્ય નથી,’ તો તેમના પર રોમન સત્તા સામે બળવો પોકારવાનો આરોપ લાગી શકે. અને જો તે એમ કહે કે, ‘હા, એ કર આપવો યોગ્ય છે,’ તો રોમન સત્તાથી ત્રાસી ગયેલા લોકો એને બીજી રીતે સમજી લે અને ઈસુની સામે થાય. તો પછી, ઈસુએ કેવો જવાબ આપ્યો?

તેમણે જવાબમાં કહ્યું: “ઓ ઢોંગીઓ, તમે કેમ મારી કસોટી કરો છો? કર ભરવાનો સિક્કો મને બતાવો.” તેઓ તેમની પાસે એક દીનાર લાવ્યા. તેમણે તેઓને પૂછ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” તેઓએ કહ્યું, “સમ્રાટનાં.” પછી, ઈસુએ સરસ માર્ગદર્શન આપતા કહ્યું: “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”—માથ્થી ૨૨:૧૮-૨૧.

એ લોકો ઈસુનો જવાબ સાંભળીને દંગ રહી ગયા. ઈસુના જોરદાર જવાબથી તેઓના મોં સિવાઈ ગયા અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પણ, દિવસ પૂરો થયો ન હતો અને ઈસુને ફાંદામાં પાડવાના પ્રયત્નો હજુ બંધ થયા ન હતા. ફરોશીઓ ઈસુને ફસાવવામાં નિષ્ફળ ગયા એ પછી, બીજા જૂથના ધર્મગુરુઓ ઈસુ પાસે આવ્યા.

તેઓ સાદુકીઓ હતા અને તેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકો જીવતા કરાશે. તેઓએ સજીવન થવા વિશે અને પતિના ભાઈ સાથે લગ્‍ન વિશે સવાલ પૂછ્યો: “ઉપદેશક, મુસાએ કહ્યું છે કે, ‘જો કોઈ માણસ બાળકો વિના મરણ પામે, તો તેની પત્ની સાથે તેનો ભાઈ લગ્‍ન કરે અને પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.’ હવે અમારે ત્યાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્‍ન કર્યું અને તે બાળક વિના ગુજરી ગયો; તે પોતાની પત્ની પોતાના ભાઈ માટે રાખી ગયો. બીજા અને ત્રીજા એમ સાતેય ભાઈઓ સાથે એવું જ થયું. સૌથી છેલ્લે, પેલી સ્ત્રી મરણ પામી. એટલે, મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, સાતમાંથી તે કોની પત્ની બનશે? કેમ કે એ બધાએ તેને પત્ની બનાવી હતી.”—માથ્થી ૨૨:૨૪-૨૮.

સાદુકીઓ મુસાનાં લખાણોમાં માનતા હતા. એટલે, એ લખાણો તરફ તેઓનું ધ્યાન દોરતા ઈસુએ જવાબ આપ્યો: “તમે ભૂલ કરો છો. શું એ સાચું નથી, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત? જ્યારે તેઓને મરણમાંથી જીવતા કરવામાં આવે છે, ત્યારે માણસો પરણતા નથી કે સ્ત્રીઓને પરણાવવામાં આવતી નથી, પણ તેઓ સ્વર્ગના દૂતો જેવા હોય છે. હવે, મરણમાંથી ઉઠાડવામાં આવશે તેઓ વિશે શું તમે મુસાના પુસ્તકમાં વાંચ્યું નથી કે ઝાડવા વિશેના અહેવાલમાં ઈશ્વરે તેમને કહ્યું હતું: ‘હું ઈબ્રાહીમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું’? તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો.” (માર્ક ૧૨:૨૪-૨૭; નિર્ગમન ૩:૧-૬) એ સાંભળીને ટોળું ખૂબ નવાઈ પામ્યું.

ઈસુએ ફરોશીઓ અને સાદુકીઓ બંનેને ચૂપ કરી દીધા હતા. એટલે, હવે એ બંને જૂથના ધર્મગુરુઓ સાથે મળીને ઈસુની પરીક્ષા કરવા આવ્યા. એક શાસ્ત્રીએ તેમને પૂછ્યું: “ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”—માથ્થી ૨૨:૩૬.

ઈસુએ જવાબ આપ્યો: “પહેલી આ છે, ‘હે ઇઝરાયેલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર એક જ યહોવા છે; અને તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી અને તારા પૂરા બળથી પ્રેમ કર.’ બીજી આ છે, ‘તું જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.’ આ આજ્ઞાઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.”—માર્ક ૧૨:૨૯-૩૧.

ઈસુનો જવાબ સાંભળીને એ શાસ્ત્રીએ કહ્યું: “શિક્ષક, તમે સત્ય જ કહ્યું, ‘ઈશ્વર એક જ છે અને તેમના સિવાય બીજું કોઈ નથી’; અને પોતાના પૂરા હૃદયથી, પૂરી સમજણથી અને પૂરા બળથી તેમને પ્રેમ કરવો તથા પોતાના પર રાખે છે એવો પ્રેમ પોતાના પડોશી પર રાખવો, એ આજ્ઞાઓ બધાં અગ્‍નિ-અર્પણો તથા બલિદાનો કરતાં વધારે મહત્ત્વની છે.” તેણે સમજદારીથી જવાબ આપ્યો છે, એ જોઈને ઈસુએ તેને કહ્યું: “તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.”—માર્ક ૧૨:૩૨-૩૪.

ઈસુ ત્રણ દિવસથી (નીસાન ૯, ૧૦ અને ૧૧) મંદિરમાં શીખવતા હતા. આ શાસ્ત્રીની જેમ, અમુક લોકો ખુશી ખુશી ઈસુને સાંભળતા હતા. પણ ધર્મગુરુઓના કિસ્સામાં એવું ન હતું. ‘એ પછી તેઓએ તેમને વધારે સવાલ પૂછવાની હિંમત ન કરી.’

  • ફરોશીઓએ ઈસુને ફાંદામાં ફસાવવા શું કર્યું? એનું શું પરિણામ આવ્યું?

  • સાદુકીઓએ ઈસુને ફસાવવાની કોશિશ કરી ત્યારે, ઈસુએ કઈ રીતે તેઓની યોજના નિષ્ફળ બનાવી?

  • શાસ્ત્રીના સવાલનો જવાબ આપતી વખતે ઈસુએ કઈ ખૂબ મહત્ત્વની વાત પર ભાર મૂક્યો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો