પાઠ ૫૯
ચાર છોકરાઓએ યહોવાની આજ્ઞા માની
નબૂખાદનેસ્સાર યહૂદાના અધિકારીઓને, એટલે કે યહૂદાના રાજાઓ અને પ્રધાનોના દીકરાઓને બાબેલોન લઈ આવ્યા. તેમનો એક દરબારી હતો. તેનું નામ હતું આસ્પનાઝ. રાજાએ યુવાનોની જવાબદારી તેને સોંપી. નબૂખાદનેસ્સારે એ દરબારીને કહ્યું કે યુવાનોમાંથી સૌથી તંદુરસ્ત અને હોશિયાર છોકરાઓને પસંદ કરે. એ યુવાનોએ ત્રણ વર્ષ તાલીમ લેવાની હતી, જેથી બાબેલોનના મોટા અધિકારી બની શકે. તેઓએ બાબેલોનની ભાષા વાંચતા, લખતા અને બોલતા શીખવાનું હતું. રાજા અને દરબારીઓ જે ખાતા હતા, એ જ તેઓએ ખાવાનું હતું. એમાંના ચાર છોકરાઓના નામ હતાં: દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા. આસ્પનાઝે તેઓને બાબેલોની નામ આપ્યાં: બેલ્ટશાસ્સાર, શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો. તાલીમ મેળવ્યા પછી શું આ ચાર યહૂદીઓ યહોવાને ભૂલી જશે?
એ ચાર યુવાનોએ નક્કી કરી લીધું હતું કે તેઓ યહોવાની આજ્ઞા માનશે. તેઓ જાણતા હતા કે રાજાએ આપેલું ખાવાનું ન ખાવું જોઈએ. કેમ કે, એમાંની અમુક વસ્તુઓ યહોવાના નિયમ પ્રમાણે અશુદ્ધ હતી. તેઓએ આસ્પનાઝને વિનંતી કરી: ‘અમને રાજાએ આપેલું ખાવાનું ન આપશો.’ આસ્પનાઝે તેઓને કહ્યું: ‘જો તમે એ નહિ ખાઓ અને રાજા જોશે કે તમે નબળા દેખાઓ છો, તો મને મારી નાખશે.’
દાનિયેલને એક વિચાર આવ્યો. તેમણે કારભારીને કહ્યું: ‘અમને દસ દિવસ સુધી ફક્ત શાકભાજી અને પાણી આપો. પછી જોજો કે કોણ તંદુરસ્ત દેખાય છે, અમે કે રાજાનું ખાવાનું ખાય છે એ યુવાનો.’ એ કારભારી માની ગયો.
દસ દિવસ પછી દાનિયેલ અને તેના ત્રણેય દોસ્તો, બીજા યુવાનો કરતાં વધારે તંદુરસ્ત દેખાતા હતા. યહોવા બહુ ખુશ થયા, કેમ કે એ ચાર યુવાનોએ તેમની વાત માની. યહોવાએ દાનિયેલને સપનાં અને દર્શનો સમજવાની બુદ્ધિ આપી.
યુવાનોની તાલીમ પૂરી થઈ પછી, આસ્પનાઝ તેઓને રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ આવ્યો. રાજાએ તેઓ સાથે વાત કરી અને જોયું કે દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા પાસે બીજા યુવાનો કરતાં વધારે બુદ્ધિ અને સમજણ છે. રાજાએ ચારેય યુવાનોને પોતાના દરબારમાં કામ કરવા પસંદ કર્યા. રાજા ઘણી વાર મહત્ત્વનાં કામ માટે તેઓની સલાહ લેતા. આ ચાર યુવાનો રાજાના બધા જ્ઞાનીઓ અને જાદુગરો કરતાં વધારે જ્ઞાની હતા, કેમ કે યહોવાએ તેઓને સમજણ આપી હતી.
દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા બીજા દેશમાં હતા. તોપણ તેઓ ક્યારેય ન ભૂલ્યા કે તેઓ યહોવાના લોકો છે. તમારાં મમ્મી-પપ્પા સાથે હોય કે ન હોય, શું તમે પણ યહોવાને હંમેશાં યાદ રાખશો?
“તું યુવાન છે એ કારણે કોઈ તને મામૂલી ગણી લે, એવું કદી થવા ન દેતો. એના બદલે તું બોલવામાં, વર્તનમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં અને શુદ્ધ ચારિત્રમાં વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે.”—૧ તિમોથી ૪:૧૨