ખજૂરીના વૃક્ષ પરથી બોધપાઠ
“અજોડ સુંદરતાનું એક આકર્ષક છાયાચિત્ર.” બાઇબલ એન્સાઇક્લોપેડિયા ખજૂરીના વૃક્ષને આ રીતે વર્ણવે છે. બાઇબલ સમયમાં અને આજે, ખજૂરીના વૃક્ષથી ઈજિપ્તની નાઈલ ખીણ શોભી ઊઠે છે અને એ નેગેવ રણના રણદ્વીપની આજુબાજુ ઠંડક આપનાર છાંયડો પૂરો પાડે છે.
નાળિયેરી જેવાં મોટા ભાગનાં વૃક્ષોની જેમ, ખજૂરીનું વૃક્ષ પણ ઊંચું અને સીધું હોય છે. કેટલાંક ૩૦ મીટર ઊંચાં હોય છે અને ૧૫૦ વર્ષ સુધી ફળ આપ્યાં કરે છે. હા, ખજૂરીનું વૃક્ષ આંખોને ગમે એવું છે અને એ ખૂબ ફળદાયી પણ છે. દર વર્ષે વૃક્ષ પર ખજૂરોના કેટલાંય ઝૂમખાં થાય છે. ફક્ત એક જ ઝૂમખામાં ૧૦૦૦થી વધુ ખજૂરો થાય છે. ખજૂરો વિષે એક અધિકારીએ લખ્યું: “જેઓએ દુકાનમાં પૅકેટમાં વેચાતી સૂકી ખજૂર જ ખાધી હોય તેઓ તાજી ખજૂર કેટલી સ્વાદિષ્ટ હોય છે એનો ભાગ્યે જ વિચાર કરી શકે.”
યોગ્ય રીતે જ, બાઇબલ કેટલીક વ્યક્તિઓની ખજૂરીના વૃક્ષ સાથે તુલના કરે છે. પરમેશ્વરને ખુશ કરનારા બનવા માટે, ફળદાયી ખજૂરીના વૃક્ષની જેમ વ્યક્તિ નૈતિક રીતે સીધી અને સતત સારાં ફળ આપનાર હોવી જોઈએ. (માત્થી ૭:૧૭-૨૦) એ જ કારણે, સુલેમાનના મંદિરમાં અને હઝકીએલના સંદર્શનના મંદિરમાં ખજૂરીના વૃક્ષની રચનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. (૧ રાજા ૬:૨૯, ૩૨, ૩૫; હઝકીએલ ૪૦:૧૪-૧૬, ૨૦, ૨૨) આમ, પરમેશ્વરને પસંદ પડે એવી ઉપાસના કરવા માટે, વ્યક્તિ પાસે ખજૂરીના વૃક્ષ જેવા સારા ગુણો હોવા જોઈએ. પરમેશ્વરનો શબ્દ સમજાવે છે: “ન્યાયી માણસ તાડની (“ખજૂરીની,” NW) પેઠે ખીલશે; તે લબાનોનના દેવદારની પેઠે વધશે.”—ગીતશાસ્ત્ર ૯૨:૧૨.