શું પરમેશ્વર આપણા પર દુઃખ લાવે છે?
મારીયનની યુવાન દીકરીને માથા પર ખૂબ ઈજા થઈ ત્યારે, તેણે તરત પરમેશ્વરને પ્રાર્થના કરી.a મારીયને કહ્યું કે, “હું તો સાવ લાચાર થઈ ગઈ હતી.” તેની દીકરીની હાલત વધુ ગંભીર બની ગઈ. મારીયન પોકારી ઊઠી: ‘હે ઈશ્વર, મારી દીકરીને શા માટે આમ થાય છે?’ તે સમજી જ ન શકી કે જો ઈશ્વર દયાળુ હોય તો, આવી લાચાર હાલતમાં પોતે શા માટે છે?
કદાચ તમે પણ આવી કોઈ દુઃખી હાલતમાં મારીયન જેવું વિચાર્યું હશે. કદાચ તમને લાગી શકે કે પરમેશ્વરે તમને કેમ છોડી દીધા છે? દાખલા તરીકે, લીસાના પૌત્રનું ખૂન થયું ત્યારે, તેણે વિચાર્યું, “શા માટે પરમેશ્વર દુષ્ટતાને ચાલવા દે છે?” પછી તે કહે છે: “હવે મારી શ્રદ્ધા પહેલા જેવી મજબૂત નથી.” એક માતાનો વિચાર કરો. તેનો લાડલો દીકરો ઓચિંતો મરી ગયો ત્યારે તેણે કહ્યું: ‘ઈશ્વરે મને જરાય દિલાસો ન આપ્યો. તેમની દયા ક્યાં છે? હું ઈશ્વરને કદી માફ નહિ કરું!’
ઘણા લોકો આ દુનિયાની હાલત જોઈને પરમેશ્વરને દોષ આપે છે. શા માટે? ઘણા દેશોમાં ગરીબાઈ અને ભૂખમરો છે. યુદ્ધોને લીધે લાખો ઘરબાર વગરના થઈ જાય છે. એઈડ્ઝને કારણે હજારો લાખો છોકરાઓ અનાથ બની જાય છે. કરોડો લોકો અનેક જાતના રોગોથી પીડાતા હોય છે. આ જોઈને, ઘણા માને છે કે એ બધું પરમેશ્વરને લીધે જ થાય છે, કેમ કે તે કંઈ કરતા નથી.
પરંતુ, એ ખરેખર પરમેશ્વરનો વાંક નથી. એનું કારણ તો કંઈ બીજું જ છે. અરે તમે નહિ માનો, પણ પરમેશ્વરે આપણને વચન આપ્યું છે કે તે નજીકમાં સર્વ દુઃખોનો અંત લાવી દેશે. તમે કદાચ પૂછશો: ‘આપણે કઈ રીતે જાણી શકીએ કે પરમેશ્વર આપણું ધ્યાન રાખે છે?
[ફુટનોટ]
a નામો બદલવામાં આવ્યા છે.