શું તમને યાદ છે?
છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી શું તમને આ મુદ્દા યાદ છે?
• આપણે પરમેશ્વરની સેવામાં થાકી ગયા હોય તો, શું કરી શકીએ?
આપણે શા માટે ઠંડા પડી ગયા છીએ એનું કારણ શોધી કાઢવું જોઈએ. એ આપણી આદતો કે ધનદોલત હોય શકે કે જેને બાજુએ મૂકી દેવાની જરૂર છે. આપણે આપણા સંજોગો પ્રમાણે વાજબી ધ્યેયો બેસાડી શકીએ. આપણી શ્રદ્ધાનો દીવો હોલવાય ન જાય એ બહુ મહત્ત્વનું છે. એ માટે યહોવાહને રોજ પ્રાર્થના કરવી અને વરદાનો પર વિચાર કરવો જરૂરી છે.—૮/૧૫, પાન ૨૩-૬.
• શા માટે યહોવાહના સાક્ષીઓ ૧,૪૪,૦૦૦ના આંકડાને અસલ સંખ્યા ગણે છે?
પ્રેષિત યોહાને ૧,૪૪,૦૦૦ વિષે જણાવ્યું પછી, તેમણે “કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા” જોઈ હતી. (પ્રકટીકરણ ૭:૪, ૯) જો ૧,૪૪,૦૦૦ની સંખ્યા અસલ હોય તો, તેમણે બતાવેલા તફાવતનું કંઈ મહત્ત્વ રહેતું નથી. ઈસુએ પણ તેમની સાથે રાજ્યમાં રાજ કરનારાઓને “નાની ટોળી” કહ્યા. (લુક ૧૨:૩૨)—૯/૧, પાન ૩૦.
• ઈસ્રાએલીઓ કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીઓનું માંસ શા માટે પરદેશીને વેચી શકતા?
જે પરદેશીઓએ દેશમાં રહેવા માટે અમુક નિયમો અપનાવ્યા હોય, પરંતુ યહોવાહના ભક્ત બન્યા ન હોય તેઓ મુસાના નિયમ હેઠળ ન હતા. એ કારણથી ઈસ્રાએલીઓ તેઓને આવા પ્રાણીઓનું માંસ આપી કે વેચી શકતા હતા. (પુનર્નિયમ ૧૪:૨૧) જ્યારે કે, ધર્મ બદલનારા કરારના નિયમથી બંધાયેલા હતા. અને તેઓ પ્રાણીઓનું લોહી ખોરાકમાં લઈ શકતા ન હતા. (લેવીય ૧૭:૧૦)—૯/૧૫, પાન ૨૬.
• બાયોમિમેટીક્સ શું છે, અને શા માટે ખ્રિસ્તીઓએ એમાં રસ લેવો જોઈએ?
એ વિજ્ઞાનનું એક ક્ષેત્ર છે, કે જેમાં કુદરતની નકલ કરવામાં આવે છે. દાખલા તરીકે, રાઈટ નામના ભાઈઓએ પંખીઓનો અભ્યાસ કરીને વિમાન બનાવ્યું. કુદરતની નકલ કરેલી ચીજોથી ખ્રિસ્તીઓ ઈશ્વરને મહિમા આપવા પ્રેરાય શકે.—૧૦/૧, પાન ૯.
• બીજો કોરીંથી ૧૨:૨-૪માં પારાદૈસમાં ઉપાડી લેવામાં આવેલો માણસ કોણ છે?
આ માણસ પાઊલ જ હોવા જોઈએ. આ દર્શનની વાત કરી એ પહેલાં, પાઊલ પોતાના વિરોધીઓને જણાવી રહ્યા હતા કે પોતે ઈસુના પ્રેષિત છે. આ સિવાય, બાઇબલમાં બીજી કોઈ વ્યક્તિને સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવી હોય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આથી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એ કહેવું વ્યાજબી હશે કે આ દર્શન પાઊલને જ થયું હતું.—૧૦/૧૫, પાન ૮.
• ઈસુ પાસે એવા કયા ગુણો હતા કે જેના લીધે પરમેશ્વરે તેમને નેતા તરીકે પસંદ કર્યા?
પ્રમાણિકતા અને શુદ્ધ વર્તણૂક રાખીને ઈસુ સત્યના માર્ગમાં ચાલ્યા. તેમણે તન-મનથી પરમેશ્વરની સેવા કરી. ઈસુએ દિલથી લોકોનું ધ્યાન રાખ્યું, તેમ જ તે કામમાં મહેનતુ હતા.—૧૧/૧ પાન ૬-૭.
• ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના શાસન દરમિયાન, શેતાનના દૂતો ક્યાં હશે?
આપણે દેખીતી રીતે જ એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે તેઓ ખ્રિસ્તના હજાર વર્ષના શાસન દરમિયાન શેતાન સાથે ઊંડાણમાં હશે. (પ્રકટીકરણ ૨૦:૧-૩) ઉત્પત્તિ ૩:૧૫માં ભાખ્યા પ્રમાણે શેતાનનું માથું છૂંદવાનો અર્થ એમ થાય કે ઈસુના હજાર વર્ષના રાજ દરમિયાન શેતાનને ઊંડાણમાં નાખવામાં આવશે. આ સંતાનમાં દુષ્ટ દૂતોનો પણ સમાવેશ થાય છે. એ દૂતોને ઈસુનો બહુ જ ડર લાગે છે, કેમ કે તેઓને ખબર છે કે ભવિષ્યમાં તેઓએ ત્યાં જ જવાનું છે. (લુક ૮:૩૧)—૧૧/૧૫, પાન ૩૦-૧.
• શું વ્યક્તિએ દારૂનો નશો ચડવા માંડે, ત્યાં સુધી પીવું જોઈએ?
અમુક લોકો ખૂબ દારૂ પીવે, પરંતુ આપણને એમ નહિ લાગે કે તેઓ પીધેલા છે. જે વ્યક્તિઓને ઘણું પીવાની ટેવ હોય, તેઓ ધીમે ધીમે ‘દારૂના ગુલામ બની’ જાય છે. (તીતસ ૨:૩, પ્રેમસંદેશ) ઈસુની ચેતવણી આપી: ‘અતિશય ખાનપાનથી મન જડ થઈ જાય છે.’ (લુક ૨૧:૩૪, ૩૫) ભલે વ્યક્તિને દારૂનો નશો ન ચડે, તોપણ એવું નથી કે તેને કંઈ અસર થવાની નથી. ઘણો દારૂ પીવાથી વ્યક્તિ ચોક્કસ આળસુ બનશે અને ઝોલા ખાવા લાગશે. અરે, તે ભક્તિમાં પણ આળસુ બની જશે.—૧૨/૧, પાન ૧૯-૨૧.