બાળકોએ શું શીખવું જોઈએ?
“પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે.”—૨ તિમોથી ૩:૧૬, IBSI.
બાળકોને ઈશ્વર વિષેનું સત્ય જણાવવું જોઈએ. પણ સવાલ થાય કે તેઓ એ સત્ય ક્યાંથી શીખી શકે? દુનિયાના સૌથી જાણીતા અને માનીતા પુસ્તક બાઇબલમાંથી એ શીખી શકે.
બાઇબલ જાણે ઈશ્વરે લખેલો પત્ર છે, જેમાં તે પોતાના વિષે જણાવે છે. સારા સંસ્કાર કેવી રીતે કેળવી શકીએ એ વિષે પણ માર્ગદર્શન આપે છે. એ માર્ગદર્શન નાના-મોટા બધાને લાગુ પડે છે. ચાલો બાઇબલમાં આપેલ અમુક માર્ગદર્શન અને સલાહ-સૂચનો જોઈએ. એમાંથી બાળકો પણ શીખી શકે છે.
ઈશ્વર આપણને તેમના વિષે શું જણાવે છે?
▪ બાઇબલ કહે છે: ‘તેઓ જાણે કે તું, જેનું નામ યહોવાહ છે, તે તું જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છે.’—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.
શું શીખવા મળે છે: આપણે કહી શકીએ કે ઈશ્વર ખરેખર છે અને તેમનું એક ચોક્કસ નામ છે.
▪ બાઇબલ કહે છે: “યહોવાહ સર્વના અંતઃકરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે; જો તું તેને શોધશે તો તે તને જડશે.”—૧ કાળવૃત્તાંત ૨૮:૯.
શું શીખવા મળે છે: યહોવાહ ઈશ્વર આપણા બધાની સંભાળ રાખે છે. એમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. (ગીતશાસ્ત્ર ૧૦:૧૪; ૧૪૬:૯) તે ઇચ્છે છે કે નાના-મોટા બધાં તેમના વિષે શીખે.
▪ બાઇબલ કહે છે: ‘કોઈ અનાથ છોકરાને દુઃખ ન આપો. જો તું તેને કોઈ પણ પ્રકારે દુઃખ આપે, ને જો તે મને જરા પણ પોકારશે, તો હું નિશ્ચે તેનો પોકાર સાંભળીશ.’—નિર્ગમન ૨૨:૨૨-૨૪.
શું શીખવા મળે છે: યહોવાહ નાના બાળકોની પ્રાર્થના પણ સાંભળે છે. આપણે નિયમિત રીતે ઈશ્વર સાથે વાત કરવી જોઈએ. આપણા વિચારો અને લાગણીઓ તેમની આગળ ઠાલવવા જોઈએ.
▪ બાઇબલ કહે છે: ‘વારંવાર ઈસ્રાએલીઓએ ઈશ્વરની કસોટી કરી અને પવિત્ર ઈશ્વરને દુઃખી કર્યા.’—ગીતશાસ્ત્ર ૭૮:૪૧, કોમન લેંગ્વેજ.
શું શીખવા મળે છે: આપણા વાણી-વર્તનથી ઈશ્વરની લાગણીઓ પર અસર થાય છે. તેથી કંઈ પણ બોલતા કે કરતા પહેલાં વિચાર કરવો જોઈએ.
આપણે બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
▪ બાઇબલ કહે છે: ‘ઈશ્વર ભેદભાવ રાખતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.
શું શીખવા મળે છે: ઈશ્વર જરાય ભેદભાવ રાખતા નથી, તો આપણે પણ રંગ કે દેખાવને લીધે ભેદભાવ રાખવો ન જોઈએ.
▪ બાઇબલ કહે છે: ‘જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે, તો તેને નમ્રતાથી તથા સત્યતાથી ઉત્તર આપવાને સદા તૈયાર રહો.’—૧ પીતર ૩:૧૫.
શું શીખવા મળે છે: પોતાની માન્યતા વિષે કોઈની સાથે વાત કરીએ ત્યારે પૂરા ભરોસાથી પણ નમ્રતાથી વાત કરીએ. જો કોઈની ધાર્મિક માન્યતા આપણાથી અલગ હોય, તોપણ તેઓને માન આપવું જોઈએ.
કુટુંબીજનો સાથે કેવી રીતે વર્તવું જોઈએ?
▪ બાઇબલ કહે છે: “છોકરાં, તમે દરેક બાબતમાં તમારાં માબાપની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને ગમે છે.”—કોલોસી ૩:૨૦.
શું શીખવા મળે છે: આજ્ઞા પાળીને બાળકો બતાવે છે કે તેઓ માબાપને પ્રેમ કરે છે, સાથે સાથે ઈશ્વરને પણ ખુશ કરવા માગે છે.
▪ બાઇબલ કહે છે: ‘એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ યહોવાહે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.’—કોલોસી ૩:૧૩.
શું શીખવા મળે છે: કોઈક વાર કુટુંબના સભ્યો તેમ જ બીજા લોકો આપણને દુઃખ પહોંચાડે છે. જો ઇચ્છતા હોઈએ કે ઈશ્વર આપણને માફી આપે, તો આપણે પણ બીજાઓને માફી આપવી જોઈએ.—માત્થી ૬:૧૪, ૧૫.
પ્રામાણિક અને નમ્ર કેમ બનવું જોઈએ?
▪ બાઇબલ કહે છે: “અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો.”—એફેસી ૪:૨૫.
શું શીખવા મળે છે: સાચું બોલીને આપણે ઈશ્વરને અનુસરીએ છીએ, અને તેમને ખુશ કરીએ છીએ. જે જૂઠું બોલ્યા કરે છે તે ઈશ્વરના દુશ્મન શેતાન જેવો છે, કેમ કે ‘તે જૂઠાનો બાપ છે.’—યોહાન ૮:૪૪; તીતસ ૧:૨.
▪ બાઇબલ કહે છે: ‘જેમ, તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તેમ તમે પણ તેઓને કરો.’—માત્થી ૭:૧૨.
શું શીખવા મળે છે: બીજાઓ તેમ જ કુટુંબીજનોના વિચારો, લાગણીઓ અને જરૂરિયાતો ધ્યાનમાં લેવા જોઈએ. જ્યારે આપણે બીજાઓ પર ‘પ્રીતિ રાખીએ’ છીએ, ત્યારે તેઓ પણ કદાચ આપણી સાથે પ્રેમથી વર્તશે.—૧ પીતર ૩:૮; લુક ૬:૩૮.
આ મુદ્દાઓ બતાવે છે કે બાઇબલનું માર્ગદર્શન ઘણું લાભદાયી છે. જો બાળકોને એ આપવામાં આવે તો તેઓ બીજાઓની કદર કરનાર, માન આપનાર અને હમદર્દી બતાવનાર બની શકે. પણ બાળકોને આ શિક્ષણ કોણે આપવું જોઈએ? (w11-E 08/01)