ભ્રષ્ટાચાર કેમ ચાલ્યા કરે છે?
“એક મનુષ્ય બીજા મનુષ્ય પર સત્તા જમાવી તેને નુકશાન પહોંચાડે છે.”—સભાશિક્ષક ૮:૯, કોમન લેંગ્વેજ બાઇબલ.
આ શબ્દો મનુષ્યોનાં રાજનો ખરો ઇતિહાસ બતાવે છે. તેઓનું શાસન ઘણી દુઃખ-તકલીફો માટે જવાબદાર છે. ઇતિહાસ બતાવે છે કે સારો ઇરાદો રાખનારા લોકોએ સારો સમાજ બનાવવા પ્રયત્ન કર્યા, પણ તેઓ વારંવાર લોભ અને ભ્રષ્ટાચારથી ઘેરાઈ જતા. શા માટે? ભ્રષ્ટાચાર કેમ ચાલ્યા જ કરે છે? એ માટે નીચેની ત્રણ ખરાબ અસરો જવાબદાર છે.
૧. પાપની અસર.
બાઇબલ એકદમ સાફ જણાવે છે કે આપણે ‘બધા પાપને આધીન છીએ.’ (રોમનો ૩:૯) વારસામાં મળેલી જીવલેણ બીમારીની જેમ, પાપ આપણામાં “વસે છે.” સદીઓથી, પાપે મનુષ્યો પર રાજાની જેમ “રાજ” કર્યું છે. એનો “નિયમ” આપણામાં સતત કામ કરે છે. માણસોમાં રહેલું પાપી વલણ ઘણા લોકોને સ્વાર્થી બનાવે છે. એના લીધે તેઓ બીજાઓનો ખોટો ઉપયોગ કરીને, ધનદોલત કે સત્તા મેળવવા પ્રેરાય છે.—રોમનો ૫:૨૧; ૭:૧૭, ૨૦, ૨૩, ૨૫.
૨. દુષ્ટ દુનિયાની અસર.
આજે દુનિયામાં ચારેબાજુ સ્વાર્થ અને લોભ જોવા મળે છે. એવા માહોલમાં અમુક લોકો માટે ખરાબ લોકોની અસરથી અલગ રહેવું અઘરું હોય છે. એટલે તેઓ પોતાની સ્વાર્થી ઇચ્છાઓથી દોરાઈને સત્તાના ભૂખ્યા બને છે. જરૂર કરતાં વધારે માલમિલકત મેળવવાની ઇચ્છા તેઓ પોતામાં વધવા દે છે. દુઃખની વાત છે કે પોતાની એ ઇચ્છા પૂરી કરવા તેઓ ખોટો રસ્તો અપનાવવા તૈયાર થઈ જાય છે. આમ, ખરાબ અસરોથી દૂર રહેવાને બદલે, તેઓ ‘લોકોનું અનુકરણ કરીને દુષ્ટતા કરે છે.’—નિર્ગમન ૨૩:૨.
૩. શેતાનની અસર.
ઈશ્વર સામે બળવો પોકારનાર સ્વર્ગદૂત શેતાન, “આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) લોકોને પોતાના ઇશારે નચાવવાની તેને ખૂબ મજા આવે છે. એશોઆરામ અને પૈસેટકે સુખી થવાની મનુષ્યોની સ્વાભાવિક ઇચ્છાઓ, તે ચાલાકીથી વધારે છે. એટલે, લોકો એ સંતોષવા ખોટાં કામ પણ કરવા તૈયાર થઈ જાય છે.
શું એનો એવો અર્થ થાય કે આપણે શેતાનના હાથની કઠપૂતળી છીએ અને જેમ નચાવે તેમ આપણે નાચ્યા કર્યે? આનો જવાબ આપણે પછીના લેખમાં જોઈશું. (w12-E 10/01)