વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૫/૧૫ પાન ૩૧-૩૨
  • ‘હજુ ઘણી કાપણી બાકી છે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘હજુ ઘણી કાપણી બાકી છે’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૫/૧૫ પાન ૩૧-૩૨

આપણો ઇતિહાસ

‘હજુ ઘણી કાપણી બાકી છે’

જ્યોર્જ યંગ

જ્યોર્જ યંગ માર્ચ ૧૯૨૩માં રીઓ ડી જનેરો આવે છે

વર્ષ છે ૧૯૨૩. સાઓ પાઊલો શહેરનો એક હૉલ ખીચોખીચ ભરેલો છે. જ્યોર્જ યંગ જોરદાર પ્રવચન આપી રહ્યા છે. તેમના પ્રવચનનું પોર્ટુગીઝમાં ભાષાંતર થઈ રહ્યું છે. હાજર બધા જ ૫૮૫ લોકો ધ્યાનથી સાંભળી રહ્યા છે. પોર્ટુગીઝ બાઇબલની કલમોને પ્રોજેક્ટર દ્વારા મોટા પડદા પર બતાવવામાં આવી રહી છે. પછી, એક પુસ્તિકા બહાર પાડીને એ પ્રવચનનો ભવ્ય અંત કરવામાં આવે છે. એ પુસ્તિકા મિલિયન્સ નાઉ લિવિંગ વીલ નેવર ડાય! હતી. એની સેંકડો પ્રતો પોર્ટુગીઝ, અંગ્રેજી, જર્મન અને ઇટાલિયન ભાષામાં વહેંચવામાં આવે છે. એ પ્રવચન ખૂબ જ સરસ છે, એવી વાત ફેલાય છે. બે દિવસ પછી પ્રવચન સાંભળવા માટે ફરી એ હૉલ ખીચોખીચ ભરાઈ જાય છે! ચાલો જોઈએ કે, એવું તો શું બન્યું જેના લીધે એ પ્રસંગો ગોઠવવામાં આવ્યા.

સાલ ૧૮૬૭માં સારાહ બલોના ફરગ્યુસન પોતાના કુટુંબ સાથે અમેરિકાથી બ્રાઝિલ રહેવાં આવ્યાં. ૧૮૯૯માં તેમનો નાનો ભાઈ અમેરિકાથી બ્રાઝિલ આવ્યો ત્યારે, તે પોતાની સાથે અમુક બાઇબલ સાહિત્ય લઈ આવ્યો હતો. સાહિત્ય વાંચ્યા પછી સારાહને ખબર પડી કે એ જ સત્ય છે. આપણું સાહિત્ય વધુ વાંચવાની ઇચ્છા થવાથી તેમણે અંગ્રેજી વૉચ ટાવરનું લવાજમ ભર્યું. એમાંનો બાઇબલ સંદેશો વાંચીને તેમનામાં ખૂબ જ ઉત્સાહ જાગ્યો. તેમણે ભાઈ સી. ટી. રસેલને લખ્યું: ‘હું મારા અનુભવ પરથી કહી શકું કે, પહોંચી ન શકાય એટલી દૂર કોઈ વ્યક્તિ નથી!’

કેન ધ લિવિંગ ટૉક વીથ ધ ડેડ? પત્રિકાનું પહેલું પાન (પોર્ટુગીઝ)

કેન ધ લિવિંગ ટૉક વીથ ધ ડેડ? (પોર્ટુગીઝ)

સારાહે બાઇબલનો સંદેશો બીજાઓને જણાવવા બનતું બધું કર્યું. પરંતુ, તેમને કેટલીક વાર થતું કે મને, મારા કુટુંબને અને બ્રાઝિલમાં રહેતા નમ્ર લોકોને સત્ય શીખવા વધુ મદદ કોણ કરશે. ૧૯૧૨માં બ્રુકલિન બેથેલે સારાહને જણાવ્યું કે તેમના શહેર સાઓ પાઊલોમાં કોઈ આવવાનું છે. તે વ્યક્તિ પોતાની સાથે પત્રિકા વ્હેર આર ધ ડેડ?ની હજારો પ્રતો પોર્ટુગીઝ ભાષામાં લાવશે. ૧૯૧૫માં સારાહે જણાવ્યું કે તેમને એ વાંચીને નવાઈ લાગતી કે ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ આશા રાખે છે કે તેઓને જલદી જ સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. એ વિશે પોતાનો વિચાર જણાવતા તેમણે લખ્યું: ‘બ્રાઝિલ અને દક્ષિણ અમેરિકા વિશે શું? જો તમે વિચારો કે દક્ષિણ અમેરિકા દુનિયાનો કેટલો મોટો ભાગ છે, તો તમને ખ્યાલ આવશે કે, હજુ ઘણી કાપણી બાકી છે.’ સાચે જ, હજુ ઘણી કાપણી બાકી હતી.

આશરે ૧૯૨૦માં બ્રાઝિલના નૌકાસૈન્યના આઠ યુવાનો ન્યૂ યૉર્ક સીટીમાંના એક મંડળની સભામાં ગયા. તેઓના જહાજનું સમારકામ ચાલતું હોવાથી તેઓ ત્યાં આવ્યા હતા. તેઓ પાછા રીઓ ડી જનેરો ગયા ત્યારે બાઇબલમાંથી શીખેલી નવી આશા વિશે બીજાઓને જણાવ્યું. એના થોડા સમય પછી, માર્ચ ૧૯૨૩માં એ શહેરમાં ભાઈ જ્યોર્જ યંગ પ્રવાસી નિરીક્ષક તરીકે આવ્યા. ત્યાં તેમને રસ ધરાવતા ઘણા લોકો મળ્યા. ભાઈએ અમુક સાહિત્યને પોર્ટુગીઝ ભાષામાં ભાષાંતર કરાવવાની ગોઠવણ કરી. એ પછી ભાઈ યંગ સાઓ પાઊલો શહેર ગયા, જ્યાંની વસ્તી એ સમયે આશરે છ લાખ હતી. તેમણે ત્યાં પ્રવચન આપ્યું અને પુસ્તિકાનું વિતરણ કર્યું, જેના વિશે આપણે લેખની શરૂઆતમાં જોઈ ગયા. તેમણે અહેવાલમાં જણાવ્યું કે ત્યાં ‘એકલા હોવાને લીધે મને પ્રવચનની જાહેરાત માટે છાપા પર નિર્ભર રહેવું પડ્યું હતું. બ્રાઝિલમાં જેની જાહેરાતો થઈ હોય એવાં એ સૌપ્રથમ પ્રવચનો હતાં. એ જાહેરાતો બ્રાઝિલના આઈ.બી.એસ.એ.ના નામ હેઠળ કરવામાં આવી હતી.’a

 પ્રોજેક્ટર

ભાઈ યંગના પ્રવચન દરમિયાન બાઇબલની કલમોને પ્રોજેક્ટર દ્વારા મોટા પડદા પર બતાવવામાં આવી

ડિસેમ્બર ૧૫, ૧૯૨૩ના વૉચ ટાવરમાં બ્રાઝિલ વિશેના અહેવાલમાં આમ જણાવ્યું છે: ‘આપણે જ્યારે વિચારીએ કે ત્યાં પહેલી જૂનના દિવસે કામ શરૂ થયું એ સમયે કોઈ સાહિત્ય ન હતું. છતાં, પ્રભુએ એ કામ પર કેટલો બધો આશીર્વાદ આપ્યો છે, ત્યારે એ જોઈને આશ્ચર્ય થાય છે!’ અહેવાલ આગળ જણાવે છે કે, સાઓ પાઊલોમાં ભાઈ યંગે બે પ્રવચન આપ્યાં હતાં. જૂન ૧થી લઈને સપ્ટેમ્બર ૩૦ સુધી તેમણે એવાં કુલ ૨૧ પ્રવચન આપ્યાં, જેમાં આશરે ૩,૬૦૦ લોકો હાજર રહ્યા. રીઓ ડી જનેરોમાં પણ રાજ્યનો સંદેશો પ્રસરી રહ્યો હતો. થોડા જ મહિનાઓમાં પોર્ટુગીઝ ભાષામાં ૭,૦૦૦ કરતાં વધારે સાહિત્ય વહેંચવામાં આવ્યું. વધુમાં ૧૯૨૩, નવેમ્બર-ડિસેમ્બરના ચોકીબુરજથી પોર્ટુગીઝ ભાષામાં અંક બહાર પડવા લાગ્યા.

સારાહ ફરગ્યુસન

બ્રાઝિલમાંથી અંગ્રેજી વૉચ ટાવરનું લવાજમ ભરનાર પહેલી વ્યક્તિ સારાહ બલોના ફરગ્યુસન

ભાઈ જ્યોર્જ યંગ અને બહેન સારાહની મુલાકાત વિશે ધ વૉચ ટાવર જણાવે છે: ‘બહેને ભાઈ જ્યોર્જને જોયા ત્યારે તે સ્તબ્ધ બની ગયાં. તેમણે ભાઈ યંગનો હાથ પકડીને તેમને આશ્ચર્ય સાથે જોયા કર્યું અને બોલી ઊઠ્યાં, “શું હું એક પ્રવાસી નિરીક્ષકને જોઈ રહી છું?”’ થોડા જ સમય પછી તેમણે અને તેમનાં અમુક બાળકોએ બાપ્તિસ્મા લીધું. તે બાપ્તિસ્મા લેવા ૨૫ વર્ષથી રાહ જોઈ રહ્યાં હતાં. ઑગસ્ટ ૧, ૧૯૨૪ના વૉચ ટાવરમાં જણાવ્યું છે કે બ્રાઝિલમાં ૫૦ લોકોએ બાપ્તિસ્મા લીધું હતું, જેમાં મોટા ભાગના રીઓ ડી જનેરોમાંથી હતા.

આશરે ૯૦ વર્ષ પહેલાં સારાહે કરેલો સવાલ આજે આપણે પૂછવાની જરૂર નથી કે, ‘બ્રાઝિલ અને દક્ષિણ અમેરિકા વિશે શું?’ અત્યારે, બ્રાઝિલમાં ૭,૬૦,૦૦૦ કરતાં વધારે સાક્ષીઓ ખુશખબર જાહેર કરી રહ્યા છે. આખા દક્ષિણ અમેરિકામાં રાજ્યનો સંદેશો પોર્ટુગીઝ, સ્પૅનિશ અને બીજી ઘણી સ્થાનિક ભાષાઓમાં જાહેર થઈ રહ્યો છે. ૧૯૧૫માં બહેન સારાહે સાચું જ કહ્યું હતું કે, ‘હજુ ઘણી કાપણી બાકી છે.’—બ્રાઝિલના આપણા ઇતિહાસમાંથી.

a આઈ.બી.એસ.એ. ગુજરાતીમાં બાઇબલ વિદ્યાર્થીઓનું આંતરરાષ્ટ્રીય સંગઠન તરીકે ઓળખાય છે.

Acervo Fotográfico da Light

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો