શું તમે જાણો છો?
પ્રાચીન સમયની ઘંટી કેવી હતી?
અનાજ દળવા માટે ઘંટીનો ઉપયોગ કરવામાં આવતો. એ લોટથી તેઓ રોટલી બનાવી શકતા. એ સમયની સ્ત્રીઓ અથવા ચાકરોના રોજિંદા કામોમાં અનાજ દળવું પણ એક કામ હતું. ઘંટીનો અવાજ તેઓના જીવનનો એક ભાગ હતો.—નિર્ગમન ૧૧:૫; યિર્મેયા ૨૫:૧૦.
ઇજિપ્તની કલાકૃતિમાં જોવા મળે છે કે, અનાજ કઈ રીતે દળવામાં આવતું. નીચેના પથ્થર પર અનાજ મૂકવામાં આવતું. એ પથ્થર અંદરની બાજુએ વળેલો અને સહેજ ઢાળવાળો હતો. એનો આકાર ઘોડા કે કોઈ પ્રાણી પર બેસવા માટે વપરાતી સીટ કે જીન જેવો હતો. તેથી, એને જીન-ઘંટી પણ કહેવામાં આવતી. નીચેનો પથ્થર જમીન સાથે જોડાયેલો હતો. વ્યક્તિ ઘંટી આગળ ઘૂંટણે બેસતી. અનાજ લસોટવા તે ઉપરના પથ્થરને બંને હાથે પકડીને આગળ પાછળ ઘસતી. એક અહેવાલ પ્રમાણે એ પથ્થરનું વજન બેથી ચાર કિલોનો હતું. જો તેને હથિયાર તરીકે વાપરવામાં આવે, તો કોઈકનું મોત થઈ શકતું.—ન્યાયાધીશો ૯:૫૦-૫૪.
અનાજ દળવું કુટુંબના ભરણપોષણ માટે ખૂબ જ જરૂરી હતું. તેથી, બાઇબલના નિયમ પ્રમાણે ઘંટી ગીરવે રાખવાની સખત મનાઈ હતી. પુનર્નિયમ ૨૪:૬ જણાવે છે: ‘કોઈ માણસ ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ગીરવે ન લે; કેમ કે તે માણસની ઉપજીવિકા ગીરવે લે છે.’ (w૧૫-E ૦૭/૦૧)
“ગોદમાં” એ શબ્દ શાને રજૂ કરે છે?
બાઇબલ જણાવે છે કે, ઈસુ તેમના ‘પિતાની ગોદમાં છે.’ (યોહાન ૧:૧૮) એ શબ્દ બતાવે છે કે, ઈસુ તેમના પિતા ઈશ્વરના દિલની ખૂબ નજીક છે અને તેમને ખૂબ વહાલા છે. એ સમયના યહુદીઓ જમતી વખતે જે રિવાજ પાળતા, એને પણ એ શબ્દ રજૂ કરે છે.
ઈસુના સમયમાં યહુદીઓ જમવાના ટેબલની આસપાસ દીવાન ગોઠવતા અને એના પર આડા પડીને જમતા. જમવા બેઠેલી વ્યક્તિનું મોં ટેબલ તરફ અને તેના પગ ટેબલથી દૂર રહેતા. તે પોતાના ડાબા હાથે તકિયાનો ટેકો લઈને બેસતી. આ રીતે બેસવાથી તેનો જમણો હાથ છૂટો રહેતો. જમવા બેઠેલી દરેક વ્યક્તિ ડાબી બાજુએ આડી પડેલી હોય છે. એ વિશે એક અહેવાલ જણાવે છે: “એક વ્યક્તિનું માથું તેની પાછળ બેઠેલી વ્યક્તિની છાતી નજીક હતું. તેથી, એ વ્યક્તિ બીજાની ‘ગોદમાં’ હોય એવું કહેવાતું.”
કુટુંબના મુખિયા કે મિજબાની આપનાર વ્યક્તિની નજીક એ રીતે બેસવું એક ખાસ લહાવો કે માન ગણવામાં આવતું. એટલે જ, ઈસુના છેલ્લા પાસ્ખાપર્વ વખતે પ્રેરિત યોહાન ‘જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા,’ તેમની નજીક હતા. બીજા શબ્દોમાં કહીએ તો, પ્રેરિત યોહાન ઈસુની ગોદમાં હતા. એટલે, તે ‘ઈસુની છાતીને ઢળીને’ તેમને સવાલ પૂછી શકતા.—યોહાન ૧૩:૨૩-૨૫; ૨૧:૨૦. (w૧૫-E ૦૭/૦૧)