નિયામક જૂથ તરફથી પત્ર
વહાલા ભાઈ-બહેનો:
આજે સિત્તેર લાખથી વધારે ભાઈ-બહેનો તન-મનથી યહોવાની ભક્તિ કરી રહ્યાં છે. એ જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે. તમે જ્યારે બીજા દેશમાંથી આવતા ભાઈ-બહેનોને મળો છો ત્યારે તરત જ તેઓ માટે પ્રેમની લાગણી ઉભરાઈ આવે છે. (યોહા. ૧૩:૩૪, ૩૫) અનેક દેશોમાં આપણા ભાઈ-બહેનો પૂરી શ્રદ્ધાથી યહોવાની ભક્તિ કરી રહ્યાં છે. એ વિષે આ વર્ષની યરબુકમાંથી ઉત્તેજનભર્યા અનુભવો વાંચશો તેમ, તેઓ સાથે ખાસ સંબંધ અનુભવશો.
દુનિયાના ચારે ખૂણેથી મળેલો અહેવાલ બતાવે છે, કે તમે બધા જ કુટુંબ તરીકે ભક્તિની ગોઠવણનો પૂરો લાભ લઈ રહ્યાં છો. નાના બાળકોનું ધ્યાન ભટકી ન જાય માટે માબાપ અનેક રીતો વાપરે છે, એ જાણીને આનંદ થયો છે. (એફે. ૬:૪) યુગલો આ ગોઠવણનો લાભ લેતા હોવાથી તેઓનો સંબંધ મજબૂત થયો છે. (એફે. ૫:૨૮-૩૩) કુટુંબો તેમ જ કુંવારા અને વિધુર પણ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી લાભ પામી રહ્યા છે.—યહો. ૧:૮, ૯.
તાજેતરમાં જેઓ કુદરતી આફતોનો ભોગ બન્યા છે તેઓ વિષે અમને ખૂબ દુઃખ થાય છે. એવા સમયે જેઓએ રાજી-ખુશીથી રાહત કામમાં ભાગ લીધો તેઓ સર્વનો અમે ખૂબ આભાર માનીએ છીએ. (પ્રે.કૃ. ૧૧:૨૮-૩૦; ગલા. ૬:૯, ૧૦) તેમ જ, દરેક મંડળમાં અમુક ભાઈ-બહેનો, બીજાની ભૌતિક જરૂરિયાતો પારખીને તેઓને મદદ કરવામાં પહેલ કરે છે. એમ કરવાથી તમે પહેલી સદીની દરકાસ જેવા છો. તે ‘ભલું કરતી અને દાનધર્મ કરતી હતી.’ (પ્રે.કૃ. ૯:૩૬) ખાતરી રાખો કે તમે જે કંઈ કરો છો એની યહોવા કદર કરે છે. તે જરૂર તમને આશીર્વાદ આપશે.—માથ. ૬:૩, ૪.
અમુક દેશમાં યહોવાની ભક્તિ કરવાનો હક્ક છીનવી લેવા અધિકારીઓ કાવતરાંથી ‘નિયમો’ ઘડે છે. (ગીત. ૯૪:૨૦-૨૨) દુનિયાભરમાં ભાઈ-બહેનો જાણે છે કે ઈસુએ સતાવણી થશે જ એવું કહ્યું હતું. એટલે તેઓ પૂરી શ્રદ્ધાથી અને ડર્યા વગર સતાવણી સહે છે. (યોહા. ૧૫:૧૯, ૨૦) અમે જણાવવા માંગીએ છીએ કે તમે અમને બહુ વહાલા છો. અમે રોજ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, કે ‘તમે જે આશા રાખો છો એનો ખુલાસો માંગનારને હંમેશા નમ્રતાથી જવાબ આપશો.’—૧ પીત. ૩:૧૩-૧૫.
તમે સર્વ ભાઈ-બહેનોના અમે ખૂબ વખાણ કરીએ છીએ. દર વર્ષે યહોવાના ભક્તોને ખોટાં કામોમાં ફસાવવા શેતાન સખત મહેનત કરી રહ્યો છે. પણ તમે એમાં ફસાયા નથી. દુનિયાના સંસ્કારો કૂદકેને ભૂસકે નીચા જઈ રહ્યાં છે. જ્યારે કે તમે દિવસે દિવસે ‘પ્રભુની શક્તિથી બળવાન’ થઈ રહ્યાં છો. (એફે. ૬:૧૦) તેમ જ, “શેતાનની કુયુક્તિઓ સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો” પહેરી લીધાં છે. (એફે. ૬:૧૧, ૧૨) યહોવા તમારા દાખલાથી શેતાનને જોરદાર જવાબ આપી શકશે એ ભૂલશો નહિ!—નીતિ. ૨૭:૧૧.
૨૦૧૧માં ૧,૯૩,૭૪,૭૩૭ લોકો સ્મરણપ્રસંગમાં આવ્યા હતા એનાથી અમને ખૂબ આનંદ થયો. ગયા વર્ષે એપ્રિલમાં સહાયક પાયોનિયરીંગ કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું હતું. એમાં તમે દિલથી ભાગ લીધો હોવાથી એટલા લોકો સ્મરણપ્રસંગમાં આવ્યા હતા. દુનિયાના ચારે ખૂણેથી યહોવાના ભક્તો એકરાગમાં તેમની સ્તુતિ કરતા હતા, એ કરોડો લોકોએ સાંભળ્યું. (રોમ. ૧૦:૧૮) એપ્રિલમાં ૨૬,૫૭,૩૭૭ જણે સહાયક પાયોનિયરીંગ કર્યું હતું. પછી ભલે તમે પાયોનિયરીંગ કર્યું હોય કે પ્રચારમાં વધારે ભાગ લીધો હોય. એમાં તમે તન-મનથી જે ઉત્સાહ બતાવ્યો એની અમે કદર કરીએ છીએ.—ગીત. ૧૧૦:૩; કોલો. ૩:૨૩.
ગયા વર્ષે ૨,૬૩,૧૩૧ જણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું હતું. એ માટે અમે યહોવાનો અને તમારા સર્વનો આભાર માનીએ છીએ. કેમ કે તમે આ આમંત્રણ આપવામાં ભાગ લીધો: “આવ. જે સાંભળે છે તે એમ કહે, કે આવ. અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.” (પ્રકટી. ૨૨:૧૭) ખાસ તો સ્વર્ગમાં ઈશ્વરનું રાજ્ય સ્થપાઈ ગયું છે, એના અનેક પાસા આપણે ૨૦૧૧ના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં તપાસ્યા હતા. એટલે હવે આપણે પૂરા જોશથી કહી શકીએ ‘ઈશ્વરનું રાજ્ય આવો!’ ઈસુએ કહ્યું કે ‘હું ઝડપથી થોડી વારમાં આવું છું.’ એટલે આપણે પણ પ્રેરિત યોહાનની સાથે કહી શકીએ: “આમેન; હે પ્રભુ ઈસુ, આવ.”—પ્રકટી. ૨૨:૨૦.
એ અજોડ બનાવોની રાહ જોતા, તમે દરેક જણ યહોવાની ભક્તિ માટે કાર્યોથી જે પ્રેમ બતાવો છો એની અમે કદર કરીએ છીએ. તમે સર્વ ભાઈ-બહેનો અમને ખૂબ જ વહાલા છો!—૧ યોહા. ૩:૧૮.
તમારા ભાઈઓ,
યહોવાના સાક્ષીઓનું નિયામક જૂથ