આમાં કોને રસ પડશે?
૧. આપણે ચોકીબુરજ કે સજાગ બનો! વાંચીએ ત્યારે શાનો વિચાર કરવો જોઈએ અને શા માટે?
૧ દુનિયાભરના લોકોને ધ્યાનમાં રાખીને ચોકીબુરજ અને સજાગ બનો! તૈયાર કરવામાં આવે છે. એટલે એમાં જુદા જુદા વિષયો પર અનેક પ્રકારના લેખો જોવા મળે છે. જ્યારે આપણે એ મૅગેઝિનમાં દરેક લેખ વાંચીએ ત્યારે, વિચારવું જોઈએ કે ખાસ કરીને કેવા લોકોને એ લેખમાં રસ પડશે અને પછી તેઓને એ મૅગેઝિન આપવાની ગોઠવણ કરીએ.
૨. આપણા મૅગેઝિનમાં કેવા વિષયો વાંચવામાં અમુક લોકોને રસ પડી શકે?
૨ શું હાલનું ચોકીબુરજ બાઇબલના એવા કોઈ વિષય પર ચર્ચા કરે છે, જેના પર તમે અને તમારી સાથે કામ કરનારે પહેલાં વાત કરી હોય? શું કુટુંબને લઈને કોઈ લેખ છે, જે તમારા સગાંને મદદ કરી શકે? સજાગ બનો!માં અમુક દેશ વિશે માહિતી આપતા લેખ હોય છે. એ દેશમાં જવાની યોજના કરતી વ્યક્તિને શું તમે ઓળખો છો? શું એવું કોઈ મૅગેઝિન છે જેમાં તમારા પ્રચાર વિસ્તારમાં આવતા અમુક વેપારધંધા કે સ્થાનિક સરકારી વિભાગના લોકોને રસ પડે? દાખલા તરીકે, વૃદ્ધ લોકોએ સામનો કરવી પડતી તકલીફો પર ચર્ચા કરતું મૅગેઝિન વાંચવામાં ઘરડા ઘર કે નર્સિંગ હોમમાં રહેતા લોકોને રસ પડી શકે. ગુનાખોરી જેવા વિષય પર મૅગેઝિન હોય તો એમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી સંસ્થાઓને રસ પડી શકે.
૩. અનુભવ ટાંકીને જણાવો કે અમુક વિષય પર મૅગેઝિન વાંચવામાં રસ હોય એવા લોકોને એ આપવાથી કેવા ફાયદા થાય છે.
૩ પરિણામો: “બાળકને જવાબદાર વ્યક્તિ બનાવો” વિષય પર ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૧નું સજાગ બનો! મેળવ્યા પછી, તમિલનાડુના એક મંડળે અમુક એવા પ્રચાર વિસ્તારોમાં જવાનું ફરીથી નક્કી કર્યું કે જ્યાં તેઓને આ મૅગેઝિનને લઈને પહેલાં તકલીફ ઊભી થઈ હતી. તેઓ કુટુંબો પાસે ગયા અને જણાવ્યું કે, “બાળકોને જવાબદાર બનાવો વિષય પર સજાગ બનો!નો ખાસ અંક અમે વહેંચી રહ્યા છીએ.” પહેલા જ દિવસે તેઓએ ૨૦૦ જેટલાં મૅગેઝિનનું વિતરણ કર્યું. બે મહિનાની અંદર તેઓએ છ વર્ષોથી જે પ્રચાર વિસ્તારમાં કામ થયું ન હતું, એમાંનો મોટા ભાગનો વિસ્તાર આવરી લીધો અને ૬૦૦થી વધારે મૅગેઝિનો આપ્યા.
૪. આપણે બને એટલા વધારે લોકોને શા માટે મૅગેઝિન આપવા ચાહીએ છીએ?
૪ આપણા મૅગેઝિનો જણાવે છે કે હાલના બનાવો કેમ બની રહ્યાં છે અને આપણે એમાંથી શું શીખવું જોઈએ. તેમ જ, એ આપણું ધ્યાન બાઇબલ અને ઈશ્વરના રાજ્ય તરફ દોરે છે. પૃથ્વી પર ફક્ત આ જ મૅગેઝિનો એવા છે જે “તારણની વાત સંભળાવે છે.” (યશા. ૫૨:૭) એટલે, આપણે બને એટલા વધારે લોકોને એ મૅગેઝિન આપવા ચાહીએ છીએ. એમ કરવાની એક સારી રીત છે કે આપણે પોતાને પૂછીએ, ‘આમાં કોને રસ પડશે?’