આપણાં સાહિત્યને શું તમે મૂલ્યવાન ગણો છો?
૧ યહોવા અને ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન ઘણું કીમતી છે. આખી દુનિયામાં ફક્ત આપણું સાહિત્ય જ ઈશ્વરના જ્ઞાન વિશે અને તેમની સાથેનો આપણો સંબંધ કઈ રીતે મજબૂત કરવો એ વિશે માહિતી આપે છે. (રોમ. ૧૧:૩૩; ફિલિ. ૩:૮) આપણાં સાહિત્ય માટે સાચી કદર કઈ રીતે બતાવી શકીએ?
૨ અનેક વ્યક્તિઓ અને કુટુંબો રાજ્યગૃહમાં નિયમિત રીતે “જગતવ્યાપી કાર્ય” નામની દાન-પેટીમાં દાન નાંખે છે. કદર બતાવવાની બીજી રીત છે કે, સાક્ષીકાર્યમાં સમજી-વિચારીને સાહિત્ય આપીએ. શું ઘરમાલિક આપણી સાથે વાત કરવા ઇચ્છે છે? આપણી વાતને શું તે ધ્યાનથી સાંભળે છે? આપણા સવાલનો શું તે જવાબ આપે છે? બાઇબલની કલમ આપણે વાંચીએ ત્યારે, શું તે એમાં ધ્યાન આપે છે? જો એવો રસ દેખાય, તો યોગ્ય સાહિત્ય આપવામાં આપણને ઘણી ખુશી થશે. યોગ્ય વ્યક્તિને સાહિત્ય આપીને આપણે બતાવીએ છીએ કે એ સાહિત્ય સૌથી મૂલ્યવાન છે.
૩ રાજ્યગૃહની કે ઘરની અભરાઈ પર ચડાવેલું સાહિત્ય એનો હેતુ પૂરો કરતું નથી. જૂનાં મૅગેઝિન, પુસ્તિકાઓ, પુસ્તકો અને પત્રિકાઓનો પણ સારો ઉપયોગ કરવો જોઈએ. આપણી પાસે જે સાહિત્ય છે શું એ સારી હાલતમાં છે? કે પછી, પીળું પડી ગયેલું કે ફાટી ગયેલું કે ગંદું થઈ ગયેલું છે? જો સારી હાલતમાં હોય, તો એને સાક્ષીકામમાં આપવા પ્રયત્ન કરવો જોઈએ. ફાટી ગયેલું સાહિત્ય વ્યક્તિગત ઉપયોગ માટે રાખી શકાય અથવા એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. મોટા ભાગે આપણે મહિનાની ઑફર પ્રમાણે કરીએ છીએ. જોકે, એ વખતે પણ આપણે બીજું સાહિત્ય આપવાનું નક્કી કરી શકીએ.
૪ સાક્ષીકામમાં આપવા કેટલા સાહિત્યની જરૂર છે એ પર હંમેશાં ધ્યાન આપો. એક સાથે ઘણું બધું સાહિત્ય ભેગું કરી રાખવાની જરૂર નથી. કારણ કે, રાજ્યગૃહમાંથી સભા પહેલાં અને પછી સાહિત્ય મેળવી શકાય છે. ફક્ત એક અઠવાડિયા પૂરતું જ સાહિત્ય તમારી પાસે રાખો. પૂરું થયા પછી બીજું સાહિત્ય લો.
૫ આપણા પ્રચાર વિસ્તારમાં પત્રિકાઓ ઘણી અસરકારક સાબિત થઈ છે. કારણ કે, તે લોકોનું ધ્યાન ખેંચે છે અને તેઓના સવાલોના જવાબ આપે છે. જાહેરમાં પ્રચાર કરતી વખતે કે ઘરે-ઘરે લોકોને મળતી વખતે, આપણું ધ્યાન પત્રિકાઓ, મૅગેઝિન અને પુસ્તિકાઓ આપવા પર હોવું જોઈએ. જાહેરમાં પ્રચાર કરતી વખતે પત્રિકા અને પુસ્તિકા માટે બનાવેલા ખાસ પોસ્ટરનો ઉપયોગ કરવો જોઈએ. ખુશખબર પુસ્તિકા અથવા સુખી કુટુંબ પુસ્તિકાનો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ શરૂ કરવા પૂરા દિલથી પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિ રસ બતાવે અને જો તમને પૂરી ખાતરી હોય કે આપણાં સાહિત્યનો સારો ઉપયોગ થશે, તો બાઇબલ શીખવે છે અથવા બીજું કોઈ યોગ્ય પુસ્તક આપી શકો. અમુક કિસ્સાઓમાં, પહેલી જ મુલાકાતમાં વ્યક્તિ રસ બતાવે ત્યારે બાઇબલ શીખવે છે પુસ્તક આપી શકો. જો શક્ય હોય, તો છાપેલાં સાહિત્યને બદલે jw.org વેબ સાઇટ પરથી અમુક સાહિત્ય તેઓને આપો.
૬ આપણાં સાહિત્યનો સમજી-વિચારીને ઉપયોગ કરીએ અને બતાવીએ કે એ મૂલ્યવાન છે.