વિશ્વને નિહાળતા
ગરમ કીડી
_
સ્વિટ્ઝરલેન્ડમાંના બે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે શા માટે સહરાના રણમાં અમુક કીડીઓ ૬૦ ડિગ્રી સેલ્સિયસવાળી ધગધગતી ગરમીમાં ટકી શકે છે. યુનિવર્સિટી ઓફ ઝ્યુરિકની ઝૂઓલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના રુડિગર વેઈનર અને બેસલ યુનિવર્સિટીના આનુવંશિકતાવાદી વોલ્ટર ગેરિએ શોધ્યું કે કીડીઓ “ઉષ્ણ પ્રહારક પ્રોટીન (HSPs, એચએસપીઝ, heat shock proteins) તરીકે ઓળખાતું દ્રવ્ય પેદા કરે છે જે શરીરના પ્રોટીનને ગરમીથી નુકસાન થતાં રક્ષણ આપે છે,” સાયન્સ સામયિક અહેવાલ આપે છે. તીવ્ર ગરમીમાં “સર્વ પ્રાણીઓ [ગરમીના પ્રહારથી] નુકસાન શરૂ થાય પછી કેટલુંક HSPs પેદા કરે છે,” સામયિક કહે છે, પરંતુ “કીડીઓ શરૂઆતથી જ એ પેદા કરે છે.” કઈ રીતે? સંશોધકોને જાણવા મળ્યું કે કીડીઓ ગરમીના પ્રહારની નકલ કરીને પોતાના દરમાંથી નીકળ્યા પહેલાં HSPs પેદા કરે છે. ગેરિ ઉમેરે છે: “આપણે એ વિચારવા જેટલા હોશિયાર ન હતા, પરંતુ કીડીઓ હતી.” કે પછી એના ઉત્પન્નકર્તા હોશિયાર હતા?
સિગારેટ કરતાં વધુ હાનિકારક
_
ભારતની વિધાનસભાની સમિતિ બીડી વિષે એ નિર્ણય પર આવી, જેને ગરીબ માણસની સિગારેટ પણ કહેવામાં આવે છે. અંદાજ પ્રમાણે ૪૦ લાખથી વધારે પુરુષો, સ્ત્રીઓ, અને બાળકો મળીને રોજની ૩૦ કરોડથી વધુ બીડી બનાવે છે, એટલે કે ટીંબરૂનાં પાંદડાંમાં તમાકુના ભૂકાને લપેટી દોરાથી બાંધે છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, તાજેતરનો એક અહેવાલ બતાવે છે કે સિગારેટ કરતાં બીડીથી કેન્સર થવાની શક્યતા અઢી ગણી વધારે છે, જેનાથી સિલિકોસિસ તથા ટ્યુબરક્યુલોસિસ થઈ શકે છે, અને ૪૭ ટકા ટાર અને ૩.૭ ટકા નિકોટીન ધરાવે છે જેની સરખામણીમાં સામાન્ય ભારતીય સિગારેટ ૩૬ ટકા ટાર અને ૧.૯ ટકા નિકોટીન ધરાવે છે. ફક્ત ધૂમ્રપાન કરનારા જ જોખમ હેઠળ નથી. બીડી બનાવતા લાખો લોકો સામાન્યપણે બિનસ્વાસ્થ્યપ્રદ સ્થિતિમાં ઘણા કલાકો કામ કરતા જોવા મળ્યા છે, જેઓ બંધિયાર ઝૂંપડીઓમાં તમાકુની ભૂકી શ્વાસમાં લેતા હોય છે. ખાસ કરીને બાળમજૂરો સહન કરે છે.
પ્રવાસની બીમારી
_
શું તમને પ્રવાસની બીમારી થાય છે? થતી હોય તો, તમે એકલા જ નથી. દર ૧૦માંથી ૯ જણ ભિન્ન માત્રામાં પ્રવાસની બીમારી થવાનું વલણ ધરાવે છે, એમ ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યુન અહેવાલ આપે છે. કૂતરાં, ખાસ કરીને ગલુડિયાં, પણ લાગણીશીલ હોય છે. માછલીનું તોફાની દરિયામાં વહાણ દ્વારા વહન કરવામાં આવે છે ત્યારે, એ પણ સમુદ્રીય બીમારી અનુભવી શકે છે! એનો ઉપાય શું છે? ઘણા લોકો દવાનો ઉપયોગ કરે છે જે મોટા ભાગની દવાની દુકાનેથી ખરીદી શકાય છે. અહીં બીજા સૂચનો છે જે મદદ કરી શકેઃ ચાલતા વાહનોમાં વાંચશો નહિ. ઓછી હલતી જગ્યાએ બેસો—દાખલા તરીકે, કારની આગળની સીટમાં કે વિમાનની પાંખની પાસે. ક્ષિતિજ જેવા દૂરના પદાર્થો પર નજર કેન્દ્રિત કરો. તમારે એમ ન કરવું હોય તો, તમારી આંખો બંધ કરી દો.
અરક્ષિત બાળકો
_
ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય સર્વેક્ષણે પ્રગટ કર્યું કે માબાપ નોકરી પર હોય કે મિત્રને મળવા ગયા હોય ત્યારે, છ વર્ષની વય જેટલાં નાનાં બાળકોને એકલાં ઘરે મૂકી જાય છે, એમ ધ કેનબરા ટાઈમ્સ અહેવાલ આપે છે. બોય્ઝ ટાઉન નેશનલ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સની પ્રવક્તા વેન્ડી રીડ અનુસાર, “અડધોઅડધ બાળકોએ કહ્યું કે તેઓને એકલવાયું લાગતું હતું અને પોતાના માબાપના સંગાથને યાદ કરતા હતા, જ્યારે કે મોટા ભાગની ટકાવારીવાળાં ૧૨થી ઓછી વયનાં બાળકો—અંધારાથી, વાવાઝોડાથી, ઘરફોડુઓથી, કે અપહરણથી—બીતાં હતાં.” વધુમાં, રીડે કહ્યું કે “૭૧ ટકા બાળકો પાસે મુશ્કેલી ઊભી થાય તો અનુસરવા માટે કોઈ માર્ગદર્શન ન હતું અને ૧૨થી ઓછી વયનાં અડધોઅડધ બાળકો પોતાનાં માબાપનો સંપર્ક કઈ રીતે સાધવો એ પણ જાણતાં ન હતાં,” ટાઈમ્સે અહેવાલ આપ્યો.
ઘોંઘાટ બંધ કરો
_
“મહેરબાની કરી એ ઘોંઘાટ બંધ કરો,” વર્તમાનપત્ર ધ ટોરન્ટો સ્ટારનું મથાળું આજીજી કરે છે. શહેરમાંથી ઘાસ કાપવાના યંત્રનો, સૂકા પાંદડા ભેગા કરવાના યંત્રનો, રસ્તા ખોદવાના યંત્રનો, કારના હોર્ન તથા એલાર્મનો, મોટા સુવાહ્ય રેડિયાનો, કૂતરાના ભસવાનો, બાળકોના રડવાનો, અને મોડી રાત સુધી ચાલતી મહેફિલોના ઘોંઘાટને લીધે અવાજવિરોધી વૃંદો શાંતિ તથા સૌમ્ય માટે ઝુંબેશ ચલાવે છે. સતત એવો ઘોંઘાટ સાંભળવાથી “થાક અને ચિંતા વધી શકે છે,” સ્ટાર કહે છે. એ ઉમેરે છે: “તબીબી સંશોધન બતાવે છે કે લોહીનું દબાણ વધી શકે છે, હૃદયના ધબકારાનું પ્રમાણ પણ બદલાઈ શકે છે અને શરીર એડ્રીનલીન તથા રક્તવાહિનીઓને અસર કરતા બીજા અંત:સ્ત્રાવો પેદા કરે છે. આરોગ્ય અધિકારીઓ અનુસાર, ઘાસ કાપવાના ઘોંઘાટિયા યંત્રના કે મોટરસાયકલના ઘોંઘાટ જેવો ૮૫ ડેસિબલ કરતાં વધારે ઘોંઘાટ આઠ કલાકથી વધારે સાંભળવામાં આવે તો એ તમારી શ્રવણશક્તિ માટે ભયજનક છે.
(g96 1/8 & 1/22)