વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૨/૮ પાન ૨૦
  • ‘નદીની આંખોʼથી સાવધ રહો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘નદીની આંખોʼથી સાવધ રહો!
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઘાતક ‘નદીની આંખો’
  • વૈભવ એના જીવનને ધમકીરૂપ
  • શિકારીનું જતન કરવું
  • કેટલીક જૂની દંતકથાઓ દૂર કરવામાં આવી
  • નરી ક્રૂરતા અને હિંસા જ હોતી નથી
  • મગરનું જડબું
    સજાગ બનો!—૨૦૧૫
  • શું તમે મગર સામે મુસ્કુરાઈ શકો?
    સજાગ બનો!—૨૦૦૫
સજાગ બનો!—૧૯૯૬
g96 ૨/૮ પાન ૨૦

‘નદીની આંખોʼથી સાવધ રહો!

સજાગ બનો!ના ઓસ્ટ્રેલિયામાંના ખબરપત્રી તરફથી

એક સાહસી પર્યટક ઓસ્ટ્રેલિયાના નોર્ધન ટેરેટરી અર્થાત્‌ કાકાડુ નેશનલ પાર્કમાંની અદ્‍ભુત કળણભૂમિમાં ઈસ્ટ એલિગેટર રિવરની ઉપનદીમાં પોતાની હોડીને શાંતિથી હલેસાં મારી રહી હતી. અચાનક જ, તેને જે બિનહાનિકારક લાકડાનો ટૂકડો લાગ્યો એણે તેની હોડી પર હુમલો કરવા માંડ્યો. એ જેનો ભય રાખવામાં આવતો હતો એવો ખારા પાણીનો મગર હતો, અને પર્યટક વર્ષના સૌથી જોખમી સમયે એના નિશ્ચિત વિસ્તારમાં હતી.

સંઘર્ષ કરી, તે દૂર વૃક્ષોના ઝુંડ સુધી હલેસાં મારીને ગઈ. જેવો તેણે પોતાનો પગ પ્રથમ ડાળી પર મૂક્યો તેમ, મગર પાણીમાંથી બહાર આવ્યો, તેને ખેંચીને નીચે પાડી, અને કુલ ત્રણ વાર ગોળ ગોળ ફેરવી. દરેક વખતે મગરે પોતાની પકડ બદલી તેમ, સ્ત્રીએ કાદવવાળા નદીકિનારા પર ચઢવાનો ઉગ્ર પ્રયત્ન કર્યો. ત્રીજા પ્રયત્ને, તે કિનારા પર ચઢી જઈ શકી, અને પછી એક ગોવાળે તેની મદદ માટેની આકરી બૂમો સાંભળી ત્યાં સુધી તે ઘસડાતી ઘસડાતી બે કિલોમીટર સુધી ગઈ. ભયંકર જખમો થયા છતાં, તે સ્ત્રી બચવા પામી.

એ દુર્ઘટના ૧૯૮૫માં બની. બે વર્ષ પછી એક અમેરિકી પર્યટક એટલી સફળ ન નીવડી. તેણે સંગાથીઓની ચેતવણી અવગણીને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની મગરથી ભરપૂર પ્રિન્સ રીજેન્ટ રિવરમાં તરવાનું નક્કી કર્યું. ખારા પાણીના મગરે તેના પર હુમલો કરી તેને મારી નાખી. એ પાણીમાં નાના મગર હતા એવા અહેવાલો સૂચવે છે કે એ કદાચ પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરતી માદા મગર હતી.

ઘાતક ‘નદીની આંખો’

ડેલ્ટા પ્રદેશમાંના માછીમારને ચાંદનીમાં ચળકતા પાણીમાં ઊતરતા જીવડાને લીધે થતી ફક્ત તરંગોની અસર જ જોવા મળે છે. છતાં પણ, ઓસ્ટ્રેલિયાના છેક ઉત્તરમાંના માછીમારો અદૃશ્ય—‘નદીની આંખો’—વિષે હંમેશા સાવધ હોય છે. તે પ્રકાશ ફેંકે તો, તેને પાણીની સપાટીમાંથી સહેજ બહાર નીકળેલી મગરની ચમકતી લાલ આંખો જોવા મળશે. તે પ્રાચીન શિકારીના વિસ્તારમાંનો એક ઘૂસણખોર છે.

બીજી જગ્યાઓએ પણ મળી આવતા, ઓસ્ટ્રેલિયાના ખારા પાણીના મગર જગતના મગરના ૧૨ જૂથપ્રકારોમાં સૌથી મોટા અને સૌથી ખતરનાક હોય છે. એ વધીને સાત મીટર જેટલા લાંબા થઈ શકે છે. અસંદેહી શિકાર એની તેજસ્વી આંખો એટલી મોડી જુએ છે કે એનો અચાનક હુમલો અને ગબડાવીને ડૂબાવી મારવાની એની કુખ્યાત તરકીબમાંથી છૂટી શકતું નથી. શિકારમાં ભેંસ, ઢોર, અને ઘોડા જેવાં મોટાં પ્રાણીઓ પણ, તેઓ કિનારે પાણી પીતા હોય ત્યારે, તેઓ પર હુમલો કરવામાં આવ્યો છે.

વૈભવ એના જીવનને ધમકીરૂપ

મગર એનો શિકાર બનનારના દુઃખ માટે ઢોંગી આંસુ સારે છે એવી પ્રાચીન દંતકથા આધુનિક સંસ્કૃતિમાં “મગરનાં આંસુ” વક્તવ્યમાં ઊતરી આવી છે. પરંતુ મગરને માટે આંસુ સારવામાં આવ્યાં નથી. એને બદલે, પાણીના ચાહનાર, પેટે ચાલનાર એ પ્રાણીનો એની પીઠ, કે ચામડા માટે નિર્દયપણે શિકાર કરવામાં આવ્યો છે.

અતિ ઇચ્છનીય ચામડાની વસ્તુઓના રૂપમાં ઘણા મગરોનું પ્રદર્શન કરવામાં આવે છે, કેમ કે ખારા પાણીના મગરના ચામડાને કેટલાક લોકો દુનિયાનું સૌથી સારું ચામડું ગણે છે—પ્રાપ્ય હોય એવું સૌથી પોચું અને સૌથી વધુ ટકાઉ. તાજેતરમાં લંડનમાં સ્ત્રીની હેન્ડબેગની વેચાણ કિંમત $૧૫,૦૦૦ હતી. જગતના ઘણા ભાગોમાં મગરનું ચામડું હજુ પણ પ્રતિષ્ઠાનું ચિહ્‍ન ગણાય છે.

પુષ્કળ નફાની લાલચે ઓસ્ટ્રેલિયામાં ખારા પાણીના મગરના જીવનને ધમકી ઊભી કરી છે. વર્ષ ૧૯૪૫થી માંડીને ૧૯૭૧ વચ્ચે, ફક્ત નોર્ધન ટેરેટરીમાં જ એ પેટે ચાલનાર પ્રાણીઓમાંના ૧,૧૩,૦૦૦ને મારી નાખવામાં આવ્યાં. મગરનો નાશ ન થઈ જાય એ માટે ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં એના શિકારને મર્યાદિત બનાવવામાં આવ્યો, અને પરિણામે ૧૯૮૬ સુધીમાં વનમાં એની સંખ્યા વધી. તેથી ઓસ્ટ્રેલિયામાં મગર જોખમ હેઠળ નથી, તેમ છતાં કેટલાક લોકો દલીલ કરે છે કે એનું કુદરતી આવાસ જોખમ હેઠળ છે.

શિકારીનું જતન કરવું

સદીઓથી ઓસ્ટ્રેલિયાની આદિવાસીઓની વસ્તીએ જાણે-અજાણે મગરની વસ્તીનું જતન કર્યું. કેટલાક કુળો મગરનો શિકાર કરવામાં કાબેલ હતાં ત્યારે, બીજાં કુળોએ ધાર્મિક કારણોસર શિકાર પર પ્રતિબંધ મૂક્યો હતો.

તાજેતરના વર્ષોમાં શિક્ષણ પર ભાર મૂકવાની સાથે સાથે મગરના ઉછેરે મગરના જતનમાં ફાળો આપ્યો છે. હવે પર્યટકો મગરના ફાર્મ પર ભેગા થાય છે, જે એની નાણાકીય સફળતા નિશ્ચિત બનાવે છે, જ્યારે કે એના ઉછેરના કાર્યક્રમો મગરનું ચામડું તથા માંસ વનમાંની એની વસ્તીને હાનિ પહોંચાડ્યા વિના પ્રાપ્ય બનાવે છે.

મગરનું ફાર્મ ચલાવનાર એક પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન વ્યક્તિ માને છે કે લોકો જે વસ્તુઓને ચાહે, સમજે, અને પોતાનાં જગ્યા તથા સમયમાંથી કેટલાંક આપે એનું જ જતન કરે છે. તેણે વિવેચન કર્યું: “તેથી લોકો મગર તરફ બહુ જોતા નથી. પરંતુ એનું ઈકોલોજીકલ મૂલ્ય બીજી કોઈ પણ સુંદર વસ્તુ જેટલું જ હોય છે.”

વ્યક્તિ મગરના ફાર્મની મુલાકાત લઈને કળણભૂમિના રંગના ચામડાવાળા પેટે ચાલતા એ પ્રાણીઓને નજીકથી—પરંતુ તારની વાડની સલામતી પાછળથી—જુએ એ આનંદદાયી હોય છે. ફાર્મના કામદારો ભયને અવગણી મગરના વિસ્તારમાં પ્રવેશે છે, અને એને વિવિધ બાબતો કરી બતાવવાનું આમંત્રણ આપે છે તથા તાજી મરઘી અને બીજાં માંસથી બદલો આપે છે. જોકે, તાજેતરમાં ફાર્મનો એક કામદાર અઘરી રીતે શીખ્યો કે મગરને કદી પણ ગૃહિત માની લેવો નહિ. અનપેક્ષિતપણે, મગરે અચાનક જ તેના પર હુમલો કરી તેનો ડાબો હાથ પૂરેપૂરો ફાડી ખાધો!

બીજી તર્ફે, ૧૨ મહિનાના મગરને હાથમાં લેવો એક અવનવો અનુભવ અને ઘણું જ્ઞાનપ્રદ હોય છે. એના પેટ પરની ચામડી ઘણી જ પોચી હોય છે, જ્યારે કે એની પીઠ પરની ઓસ્ટીયોડર્મ્સ કહેવાતી તકતીઓ દ્રવગતિવાળું (hydrodynamic) બખ્તર બનાવે છે. હવે એ સમજી શકાય એમ છે કે એનું ચામડું શા માટે આટલું મોંઘું હોય છે. પરંતુ આ “બચ્ચા”થી સાવધ રહેજો. જેનું જડબું સલામતપણે બાંધી દેવામાં આવ્યું હોય એવો ૧૨ મહિનાનો મગર પણ એના કદના પ્રમાણમાં ઘણો મજબૂત હોય છે.

ન સેવાયેલા મગરના બચ્ચાં પોતાના કોચલામાંથી અવાજ કરે છે અને તેઓના નાના નાકની અણી પરના હંગામી દાંતની મદદથી અચાનક બહાર નીકળી આવે છે ત્યારે એ નિહાળનારાઓને આનંદ આપે છે. મોટા ભાગનાઓ સહમત થશે કે કદાચ એ જ એવો સમય હોય છે જ્યારે એક મગર ખરેખર મનોહર લાગતો હોય છે!

કેટલીક જૂની દંતકથાઓ દૂર કરવામાં આવી

એ પેટે ચાલતા ભયાનક પ્રાણીઓ મગરના ફાર્મમાં કાળજી હેઠળ ઊછરે છે તેમ તેઓને નિકટથી અવલોકવાને લીધે લાંબા સમયથી માનવામાં આવતી કેટલીક દંતકથાઓ દૂર થઈ છે. વર્ષોથી એમ માનવામાં આવતું હતું કે મગર વીજળી વેગે અચાનક હુમલો કરતા પહેલાં દિવસો સુધી, અરે સપ્તાહો સુધી, ધીરજપૂર્વક પોતાના શિકારનો પીછો કરે છે. જોકે, હાલના અવલોકને પ્રગટ કર્યું છે કે મગર સામાન્ય રીતે ઋતુકાળ, જે ચોમાસામાં હોય છે, એ દરમ્યાન પોતાના વિસ્તારની બાબતે આક્રમક હોય છે. એ સમય દરમ્યાન શિકાર એના વિસ્તારમાં પ્રવેશે તો, મગર આક્રમકપણે એની પાછળ જાય છે, જ્યારે કે વર્ષના બીજા સમયે, મગર એ જ પ્રાણીને દૂરથી નીરસપણે અવલોકશે.

આજે મગરને આનંદપ્રમોદના વિસ્તારમાં જોવામાં આવે તો, મગરના નિષ્ણાત શિકારીઓ એને પકડીને બીજી જગ્યાએ મૂકે છે. તેઓની એક તરકીબ એ છે કે નીચેના જડબા પર ગાળો નાખવો, એને ઊંચો કરવો, અને ઉપલા તથા નીચેના જડબાને ઝડપથી ભેગાં બાંધી દેવાં. એ મગરનાં જડબાંને લગભગ શક્તિહીન કરી નાખે છે, કેમ કે નીચેના જડબાના બંધ કરવાના સ્નાયુઓ અત્યંત શક્તિશાળી હોય છે ત્યારે, ખોલવાના સ્નાયુ નબળા હોય છે. જોકે, શિકારી સાવધ ન હોય તો, મગરની શક્તિશાળી પૂછડી એને જમીન પર પછાડી શકે છે.

નરી ક્રૂરતા અને હિંસા જ હોતી નથી

ગંભીર ઈજા કરી શકતા એ જડબાં કાળજીપૂર્ણ કાર્ય પણ કરી શકે છે. ન જન્મેલા મગર પોતાનું કોચલું તોડી બહાર આવવામાં આળસ કરે તો, માદા મગર પોતાના ઈંડાને બહુ જ હળવેથી ગબડાવી બચ્ચાંને પગલાં લેવા ઉત્તેજિત કરે છે.

મગરના દાંત ચીરવાને બદલે પકડવા માટે તૈયાર કરવામાં આવેલાં હોય છે. શિકાર નાનો હોય તો, એને આખો જ ગળી જવામાં આવે છે. નહિ તો, એને ફાડી નાખીને ટૂકડે ટૂકડે ખાવામાં આવે છે. એ પેટે ચાલતા પ્રાણીના મૃતદેહો પર કરવામાં આવેલા શબપરીક્ષણે એના પેટમાં પથ્થરો હોવાનું પ્રગટ કર્યું છે. જાણી જોઈને ખાવામાં આવ્યા હોય કે નહિ, પરંતુ એ પથ્થરો ડૂબકીમાં સ્થિરતા આપતા હોવાનું માનવામાં આવે છે.

ઘણી વાર મુલાકાતીઓ મગરને પોતાનાં મોટાં જડબાં ખોલીને નદી કિનારે પડેલા અવલોકે છે. કદાચ મોટા ભાગનાં લોકો અનુમાન કરશે કે એવી સ્થિતિ આક્રમણ દર્શાવતી હશે. એથી ભિન્‍ન, ખુલ્લાં જડબાંવાળી સ્થિતિ એને બહારના ઉષ્ણતામાનને અનુકૂળ થવા દે છે. પેટે ચાલતાં બધાં પ્રાણીઓની જેમ, મગર સતત પોતાનાં શરીરના ઉષ્ણતામાનની ફેરગોઠવણ કરતા હોય છે.

મગર પેટે ચાલતું પ્રાણી હોવા છતાં, ઘણા આશ્ચર્યની બાબત છે કે, સસ્તન પ્રાણીઓની જેમ, એના હૃદયમાં ચાર ક્ષેપકો હોય છે. તેમ છતાં, મગર ડૂબકી મારે છે ત્યારે, એક ફેરફાર થાય છે, અને હૃદય જાણે ત્રણ ક્ષેપકો ધરાવતું હોય એ રીતે કાર્ય કરે છે.

ખારા પાણીનો મગર (crocodile) અને મગરમચ્છ (alligator) વચ્ચેનો તફાવત એ છે કે મગરનું નાક પાતળું હોય છે અને એનું જડબું બંધ હોય છે ત્યારે પણ નીચેના જડબાના દાંત દેખાતા હોય છે. ખરું, મગર જ્યાં નાના મગર રહે છે એવા આફ્રિકાથી માંડીને, ભારત ફરતે, અને એશિયામાં થઈને પાપુઆ ન્યૂ ગીની સુધી મળી આવે છે. તેઓ છેક ઓસ્ટ્રેલિયા જેટલે દક્ષિણે વસે છે અને વૃક્ષોવાળા દરિયાકિનારા તથા વિષુવૃતીય કળણભૂમિ પસંદ કરે છે, કેમ કે તેઓ પાણીના કિનારા નજીક પોતાના દર ખોદે છે. એનો એક કુદરતી ગેરલાભ એ છે કે ઘણી વાર પૂરના પાણી મગરના ઈંડામાંના ગર્ભની મોટી સંખ્યાને ડૂબાડી દે છે. પુખ્ત મગર, બેરામન્ડી માછલી, અને નાન્કીન પક્ષી જેવા શિકારીઓને લીધે, મગરના બચ્ચાંમાંથી ફક્ત ૫૦ ટકા જ તેઓનું પહેલું વર્ષ પૂરું કરે છે.

આશ્ચર્યજનકપણે, મગર પોતાના ખોરાકના પુરવઠા સાથે જન્મ લેતા હોય છે. તેઓ જીવનના પ્રથમ થોડાં સપ્તાહો પોતાના શરીરમાંની ઈંડાની જરદીવાળી કોથળીમાંથી પોષણ મેળવે છે. તથાપિ, તેઓની માતા તેઓને કોમળતાથી પોતાના મોંમાં મૂકી પાણીને કિનારે લાવે છે કે તરત જ, તેઓ પોતાના મોઢાની કસરત કરવાનું શરૂ કરી પહોંચમાં હોય એ બધાને બચકાં ભરે છે.

શા માટે ‘નદીની આંખો’ શબ્દાવલિ આટલી યોગ્ય છે? કેમ કે નાના હોય ત્યારે પણ, કૃત્રિમ પ્રકાશમાં તેઓની નાની આંખો લાલ રંગે પ્રકાશે છે. નેત્રપટલ પાછળનું સ્ફટિકનું પળ રાતે દૃષ્ટિ વધારે છે અને લાલ ચળકાટ પેદા કરે છે.

હા, મગર સાચે જ એક કુતૂહલ જગાવતું, પેટે ચાલતું પ્રાણી છે—પરંતુ હંમેશા એનાથી માનપૂર્ણ અંતર જાળવો. અને કોઈ પણ માછીમાર જાણે છે તેમ, લિવયાથાનને પાલતુ પ્રાણી બનાવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે.

અયૂબની કવિતા મગરને “લિવયાથાન” તરીકે યોગ્યપણે જ વર્ણવે છે: “શું તું મગરને [“લિવયાથાનને,” NW] ગલથી ખેંચી કાઢી શકે? અથવા દોરીથી તેની જીભને દબાવી શકે? શું તું તેના નાકમાં નાથ ઘાલી શકે? કે આંકડાથી તેનું જડબું વીંધી શકે? શું તે તારી આગળ કરગરશે? કે તે તારી આગળ નમ્ર વચનો બોલશે? શું તે તારી સાથે એવો કરાર કરશે, કે તું તેને હંમેશને માટે ચાકર રાખે? પક્ષી સાથે તું રમે છે તેમ તેની સાથે તું રમશે શું? અથવા તારી કુમારિકાઓને સારૂ તેને તું બાંધશે? શું માછીઓ તેનો વેપાર કરશે? શું તેઓ તેને વેપારીઓમાં વહેંચી આપશે? શું તેની ચામડીને પાંખવાળાં ભાલોડાંથી કે તેના માથાને મચ્છી મારવાના ભાલાથી ભરી શકે છે? તારો હાથ તેના ઉપર મૂકી જો; ત્યારે જે યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ.”—અયૂબ ૪૧:૧-૮.

ચેતવણીના એ ડહાપણભર્યા શબ્દો અસાવધ અને જિજ્ઞાસુને અરજ કરે છે: ‘નદીની આંખો’—શક્તિશાળી, ભયાવહ મગર—થી સાવધ રહો! (g96 1/22)

રાતે પાણી પર પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે, મગરની ‘નદીની આંખો’ લાલ રંગે ચમકે છે

ડાબે: મગરનું બચ્ચું અચાનક ઈંડું તોડી બહાર આવે છે

ઇન્સેટ: એક પુખ્ત મગર મેરી રિવરના કાદવવાળા કિનારે તળકો ખાય છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો