ફોન પર તમારી રીતભાત કેવી છે?
“શું કૌટુંબિક મમતા, તંદુરસ્તી, અને કાર્ય માટેના પ્રેમ પછી, જીવનમાં મઝા, અને આપણા સ્વમાનને પુનઃસ્થાપિત કરવામાં તથા એને વધારવામાં, માયાળુ વાણીની આપલે જેટલું બીજું કંઈ ફાળો આપે છે?”
એ પ્રશ્ન પૂછવામાં, મરહૂમ અમેરિકન લેખિકા અને શિક્ષણકાર લ્યુસી એલીયટ કીલરે મૌખિક સંચારની આપલેમાંથી મળતાં વ્યક્તિગત મઝા અને સંતોષનું ઊંચું મૂલ્ય આંક્યું, જે પ્રેમાળ ક્ષમતા માણસને તેની ઉત્પત્તિ સમયે આપવામાં આવી હતી.—નિર્ગમન ૪:૧૧, ૧૨.
એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલની ટેલિફોનની શોધે છેલ્લા ૧૨ દાયકાથી માનવ વાણીના વહેણના વધારામાં ઘણો ફાળો આપ્યો છે. આજે, પૃથ્વીના અબજો રહેવાસીઓ માટે, વેપાર કે મઝા માટે ઉપયોગ કરવામાં આવતો ટેલિફોન માનવીઓ વચ્ચે અગત્યની કડી પૂરી પાડે છે.
ટેલિફોન અને તમે
ટેલિફોનનો ઉપયોગ તમારા જીવનની ગુણવત્તા કેટલા પ્રમાણમાં વધારે છે? શું તમે સહમત થતા નથી કે એ પ્રશ્નના જવાબનો આધાર ખુદ સાધનને બદલે સંકળાયેલા લોકો પર છે? ખરેખર, એ સમયસરનું છે કે આપણે પૂછીએ કે, ફોન પર તમારી રીતભાત કેવી છે?
ફોન પરની રીતભાત માનસિક વલણ, વાણીની ગુણવત્તા, અને સાંભળવાની ક્ષમતા જેવા વિસ્તારો આવરે છે. ટેલિફોનનો ઉપયોગ કરવાની પ્રક્રિયા અને ત્રાસજનક ફોન હાથ ધરવાની રીતો પણ સંબંધિત છે.
બીજાઓની કાળજીપૂર્વકની વિચારણા
સર્વ માનવ આપલે વિષે સાચું છે તેમ, ફોન પરની સારી રીતભાત હમદર્દીમાંથી ઉદ્ભવે છે. પ્રેષિત પાઊલે લખ્યું: “એકબીજાનું હિત જુઓ અને ફક્ત પોતાનું જ નહિ.”—ફિલિપી ૨:૪, ધ ન્યૂ ઇંગ્લીશ બાઇબલ.
એમ પૂછવામાં આવ્યું કે, “તમને ફોન પરની નબળી રીતભાતના કેવા બહુ સામાન્ય ઉદાહરણો મળ્યા છે?” ત્યારે, ટેલિફોન સ્વીચબોર્ડની એક અનુભવી ઓપરેટર સ્ત્રીએ જવાબ આપ્યો કે તેની યાદીમાં “એવા ફોન કરનારા છે જે કહે છે, ‘હું મેરી બોલું છું’ (તમે કેટલી મેરીને ઓળખો છો?) અથવા, એથી પણ બદતર તો, ‘હું બોલું છું,’ કે ‘હું કોણ બોલું છું’ એમ કહેનાર છે.” કદાચ સારા ઇરાદાથી કરવામાં આવ્યા હોય છતાં, એવા અવિચારી અભિગમ સંકોચ કે અધીરાઈ પેદા કરી શકે. ઓપરેટરે કહેવાનું ચાલુ રાખ્યું: “શા માટે પોતાની સ્પષ્ટ ઓળખ આપીને ફોનની આનંદી શરૂઆત ન કરવી અને વધુમાં, જેને ફોન કરવામાં આવ્યો હોય તેને માટેની વિચારણાને લીધે, શા માટે એમ ન પૂછવું કે એ વાતચીત કરવા માટે અનુકૂળ સમય છે કે કેમ?”
યાદ રાખો કે, તમારા ચહેરા પરનું વક્તવ્ય જોઈ શકાતું નથી છતાં, તમારું વલણ સ્પષ્ટ થશે. કઈ રીતે? તમારા અવાજ પરથી. અધીરાઈ, કંટાળો, ગુસ્સો, ઉદાસીનતા, નિખાલસતા, હસમુખાપણું, સહાયકારકતા, અને ઉષ્મા—એ બધું પ્રગટ થાય છે. સાચું, ખલેલ પહોંચી હોય ત્યારે ચીડ ચઢવી એ સ્વાભાવિક પ્રત્યાઘાત હોય શકે. સારી રીતભાતની ખાતર, એવી સ્થિતિમાં જવાબ આપતા પહેલાં થોભો અને તમારા અવાજમાં “સ્મિત” ઉમેરવાનો પ્રયત્ન કરો. અસહમતીભર્યા અવાજનો ઉપયોગ કર્યા વિના અસહમત થવું શક્ય છે.
કાળજીપૂર્વકની વિચારણા અને આનંદદાયી અવાજનું મિશ્રણ વાણી એવી બનાવી શકે “જે ઉન્નતિને સારૂ આવશ્યક હોય” અને જેનાથી “સાંભળનારાઓનું કલ્યાણ થાય.”—એફેસી ૪:૨૯.
વાણીની ગુણવત્તા
હા, આપણે કયા પ્રકારની વાણીનો ઉપયોગ કરીએ છીએ એ મહત્ત્વનું છે. શું તમે નીચેના નિયમો સાથે સહમત થાઓ છો અને એને પાળો છો? સ્વાભાવિકપણે, સ્પષ્ટપણે, અને વિશિષ્ટપણે બોલો. ગણગણો નહિ. બૂમો ન પાડો—દૂરથી આવેલા ફોન માટે પણ નહિ. તમારા શબ્દોના અસ્પષ્ટ ઉચ્ચાર ન કરો. શબ્દાંશ લંબાવતી કે ગોટલાવતી કઢંગી વાણી નિવારો; વળી “શબ્દ માટે ગોથાં ખવડાવતા ઉચ્ચારો” તથા પુનરુચ્ચાર નિવારો, જે પરેશાન કરી શકે અને ચીડ ચઢાવી શકે. એકધારો નિરસ અવાજ નિવારો. અર્થ પર યોગ્ય ભાર અને સૂરનિયમન વાણીને અર્થપૂર્ણ, રંગીન, અને તાજગીદાયક બનાવે છે. ખ્યાલમાં રાખો કે, ફોન પર વાત કરતી વખતે ખાવું વાણીની ગુણવત્તા વધારતું નથી કે સારી રીતભાત પ્રતિબિંબિત કરતું નથી.
શબ્દોની પસંદગી પણ વિચારણાને યોગ્ય છે. નિર્ણાયકતા જરૂરી છે. સહેલાયથી સમજાય એવા સાદા, સરળ શબ્દોનો ઉપયોગ કરો. શબ્દો સૂચિતાર્થ ધરાવતા હોય છે. એ માયાળુ કે ક્રૂર, દિલાસાયુક્ત કે કઠોર, ઉત્તેજનકારક કે નિરુત્સાહકારક હોય શકે. વધુમાં, વ્યક્તિ ખેદકારક બન્યા વિના રમૂજી, લાગણીશૂન્ય કે અવિવેકી બન્યા વિના નિખાલસ, અને બહાના કાઢનાર બન્યા વિના કુનેહપૂર્ણ બની શકે. સભ્યતાભર્યા વક્તવ્યો જેમ કે “કૃપા કરી” અને “આભાર” હંમેશા આવકાર્ય હોય છે. પ્રેષિત પાઊલના મનમાં માયાળુ, વિચારણાભર્યા, અને સુરુચિકર શબ્દો હતા જ્યારે તેણે લખ્યું: “તમારૂં બોલવું હમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.”—કોલોસી ૪:૬.
સારા શ્રોતા બનો
એક યુવકની એવી વાર્તા છે જેણે પોતાના પિતાને સારા વાતચીત કરનાર બનવાનું રહસ્ય જણાવવા કહ્યું. “મારા દીકરા, સાંભળ,” જવાબ હતો. “હું સાંભળી રહ્યો છું,” યુવકે જવાબ આપ્યો. “મને વધારે કહો.” “બીજું કંઈ કહેવાનું નથી,” પિતાએ જવાબ આપ્યો. ખરેખર ફોન પરની સારી રીતભાત માટે રસિક, સહાનુભૂતિવાળા શ્રોતા બનવું એક અગત્યનો ઘટક છે.
એક સાદો નિયમ પાળવામાં નિષ્ફળ જવાથી તમને ફોન પર કંટાળાજનક વાત કરનાર તરીકે જોવામાં આવી શકે. એ કયો નિયમ છે? વાતચીત પર પોતાનો અધિકાર ન જમાવો. દાખલા તરીકે, તમે સંડોવાયા હો એવી કોઈક નિર્માલ્ય વાતચીતનો અનંત, શબ્દેશબ્દનો અહેવાલ અથવા નજીવી પીડા કે દર્દનો લાંબો વ્યક્તિગત ઇતિહાસ આપવામાં તરબોળ ન થઈ જાઓ. ફરી એકવાર, આ વખતે શિષ્ય યાકૂબ પાસેથી, આપણને અમલયોગ્ય, ટૂંકો બાઇબલ નિયમ મળે છે. “સાંભળવામાં ઝડપી પરંતુ બોલવામાં ધીમા થાઓ.”—યાકૂબ ૧:૧૯, જરૂસાલેમ બાઇબલ.
સમાપ્તિની વિચારણા
હવે ચાલો આપણે ફોન પરની રીતભાતના સંદર્ભમાં આવતા છેલ્લા બે પ્રશ્નો વિચારીએ. ટેલિફોનના ઉપયોગની પ્રક્રિયા વિષે શું કહી શકાય? બિનઆવકાર્ય ફોન હાથ ધરવા માટે કોઈ સૂચિત માર્ગદર્શન છે?
ફોન પર વાત કરતી વખતે, શું તમને કદી એવું લાગ્યું છે કે સામેની વ્યક્તિનો અવાજ ક્યારેક દૂર જઈને લોપ થતો હોય? એણે તમને ફોન તમારા હોઠથી લગભગ બે સેન્ટિમીટર દૂર રાખી એમાં બોલવાનું યાદ દેવડાવવું જોઈએ. વધુમાં, પાર્શ્વભૂમિકામાંના અવાજનું નિયંત્રણ કરવું એ સભ્યતા છે. તમે ફોન કરો ત્યારે, ખોટો નંબર લાગતો નિવારવા માટે કાળજીપૂર્વક ડાયલ કરો; અને ફોન પૂરો થાય ત્યારે, રીસીવર હળવેથી એની જગ્યાએ પાછું મૂકો.
શું તમે ત્રાસજનક ફોનનો ભોગ બન્યા છો? દુઃખની બાબત છે કે, એવા ફોનનું પ્રમાણ વધ્યું છે. અસભ્ય, જાતીયતા સૂચક, કે બીભત્સ ભાષા ફક્ત એક જ પ્રત્યુત્તરને યોગ્ય છે—ફોન મૂકી દેવો. (સરખાવો એફેસી ૫:૩, ૪.) ફોન કરનાર પોતાની ઓળખ આપવાની ના પાડે ત્યારે પણ એ જ લાગુ પડશે. તમે આવેલા ફોન વિષે શંકાશીલ હો તો, હાઉ ટુ રાઈટ એન્ડ સ્પીક બેટર પ્રકાશન ભલામણ કરે છે કે “અજાણ્યો અવાજ પૂછે કે ‘કોણ બોલે છે?’ તો જવાબ ન આપો” અને અજાણી વ્યક્તિ સાથે તમારી યોજનાઓની ચર્ચા ન કરો.
એ જાણવું કેટલું સારું છે કે છેવટે તો, ફોન પર સારી રીતભાત આચરવા માટે નિયમો કે કાયદાકાનૂનની લાંબી યાદી જરૂરી નથી! લોકો મધ્યેના સર્વ વ્યવહારમાં હોય છે તેમ, જેને સામાન્ય રીતે સોનેરી નિયમ કહેવામાં આવે છે એ લાગુ પાડવાથી આનંદદાયી અને બદલો આપતા સંબંધો વિકસે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) ખ્રિસ્તીઓ માટે, માણસને વાણીની ભેટ આપનારને ખુશ કરવાની ઇચ્છા પણ રહેલી છે. ગીતકર્તાએ પ્રાર્થના કરી: “હે યહોવાહ, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.”—ગીતશાસ્ત્ર ૧૯:૧૪. (g96 6/8)