લાઇમ રોગ
શું તમે જોખમ હેઠળ છો?
એઈડ્સ મુખ્ય સમાચાર બન્યો છે ત્યારે, લાઇમ રોગનો ભાગ્યે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તોપણ, લાઇમ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હકીકતમાં, થોડા વર્ષો પહેલાં જ, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ મેગેઝીનએ એને “એઈડ્સ પછી [યુનાઈટેડ સ્ટેટ્સ]માં સૌથી ઝડપથી વધી રહેલો ચેપી રોગ” કહ્યો. બીજા દેશોમાંના અહેવાલો બતાવે છે કે એ રોગ એશિયા, યુરોપ, અને દક્ષિણ અમેરિકામાં પણ ફેલાઈ રહ્યો છે.
લાઇમ રોગ શું છે? એ કઈ રીતે ફેલાઈ રહ્યો છે? શું તમે જોખમ હેઠળ છો?
ચાંચડ, હરણ, અને તમે
કંઈક ૨૦ વર્ષ પહેલાં, યુનાઈટેડ સ્ટેટ્સના ઈશાન ભાગમાં આવેલા કનેક્ટીકટના લાઇમ નગરમાં અને એની ફરતે સંધિવાના કિસ્સાઓમાં રહસ્યમય વધારો થયો. ભોગ બનેલાઓ મોટે ભાગે બાળકો હતાં. તેઓના સંધિવાની શરૂઆત ફોલ્લીઓ, માથાનો દુખાવો, અને સાંધામાં પીડાથી થઈ. એક રહેવાસીએ નોંધ્યું કે થોડા જ સમયમાં તેના “પતિ અને બે બાળકો ઘોડીની મદદ લેવા લાગ્યા.” થોડા જ વખતમાં, એ વિસ્તારમાંના ૫૦થી વધુ લોકોને અસર પહોંચી, અને થોડાક વર્ષોમાં, હજારો વ્યક્તિઓ એ જ પીડાકારક લક્ષણો અનુભવવા લાગી.
એ બીમારી બીજા રોગોથી ભિન્ન હતી એ સમજીને, સંશોધકોએ એને લાઇમ રોગ નામ આપ્યું. એ શાને લીધે થયો? બોરેલિયા બર્જોરફેરી—ચાંચડમાં રહેતા સ્ક્રૂ આકારના બેક્ટેરિયાને લીધે. એ કઈ રીતે ફેલાય છે? વનમાં ફરતી વખતે, વ્યક્તિ પર ચેપ લાગેલો ચાંચડ ચોંટી શકે. ચાંચડ વનમાં ફરનાર એ કમભાગી વ્યક્તિની ચામડીમાં કાંણું પાડી રોગ લાગુ પાડતા બેક્ટેરિયા અંદર દાખલ કરે છે. ચેપવાળો એ ચાંચડ ઘણીવાર એક હરણથી બીજા પર સવારી કરે છે, ખાય છે અને સંવનન કરે છે અને વધુ લોકો હરણ પાંગરતા હોય એવા ગ્રામીણ વિસ્તારમાં વસે છે તેથી, એમાં નવાઈ નથી કે લાઇમ રોગના બનાવો વધી રહ્યા છે.
લક્ષણો અને કોયડા
લાઇમ રોગનું પહેલું લક્ષણ સામાન્ય રીતે લાલ ડાઘ તરીકે શરૂ થતી ચામડી પરની ફોલ્લીઓ (જે એરીથીમા માઈગ્રેન્સ, કે ઈએમ તરીકે જાણીતી છે) હોય છે. દિવસો કે સપ્તાહોના સમયગાળા દરમ્યાન, એ નિશાનીરૂપ ડાઘ ગોળ, ત્રિકોણ, કે લંબગોળ આકારની ફોલ્લીઓમાં ફેલાય છે જે નાના સિક્કાના કદની હોય શકે કે વ્યક્તિની આખી પીઠ પર ફેલાય શકે. ફોલ્લીઓ થવાની સાથે ઘણીવાર તાવ આવવો, માથાનો દુખાવો થવો, ગરદન અક્કડ થવી, શરીર દુખવું, અને થાક લાગવો વગેરે હોય છે. સમયસર સારવાર કરવામાં ન આવે તો, ભોગ બનેલાઓમાંની અડધાથી વધારે વ્યક્તિઓ સાંધાની પીડા અને સોજાના હુમલા સહન કરે છે, જે મહિનાઓ સુધી ચાલી શકે. સારવાર ન કરવામાં આવેલા દર્દીઓમાંના ૨૦ ટકાને ઊથલો મારતો સંધિવા થાય છે. એમ થવું સામાન્ય નથી છતાં, રોગની અસર જ્ઞાનતંતુતંત્ર પર પણ થઈ શકે અને એ હૃદયના કોયડા પણ ઊભા કરી શકે.—સાથેનું બોક્ષ જુઓ.
ઘણા નિષ્ણાતોને લાઇમ રોગનું નિદાન કરવું અઘરું લાગે છે કેમ કે એના શરૂઆતના, ફ્લુ જેવા લક્ષણો બીજા ચેપના લક્ષણોને મળતા આવે છે. વધુમાં, ચેપ લાગેલી ૪ વ્યક્તિઓમાંથી ૧ને ફોલ્લીઓ થતી નથી—લાઇમ રોગનું એકમાત્ર અજોડ ઓળખચિહ્ન—અને ઘણા દર્દીઓ યાદ કરી શકતા નથી કે તેઓને ચાંચડ કરડ્યો હતો કે નહિ કેમ કે ચાંચડનું કરડવું સામાન્ય રીતે પીડાહીન હોય છે.
એ રોગના નિદાનમાં વધુ વિઘ્ન ઊભું થાય છે કેમ કે હાલમાં પ્રતિદ્રવ્યની લોહીની તપાસ બિનભરોસાપાત્ર છે. દર્દીના લોહીમાંના પ્રતિદ્રવ્યો જણાવે છે કે શરીરના રોગપ્રતિકારતંત્રને હુમલાખોરો જડ્યા છે, પરંતુ એ હુમલાખોરો લાઇમ રોગના બેક્ટેરિયા હોય તો, કેટલીક તપાસ એ કહી શકતી નથી. તેથી દર્દીની તપાસ લાઇમ રોગ હોવાનું જણાવી શકે, પરંતુ ખરેખર, તેના લક્ષણો બીજા બેક્ટેરિયાના ચેપમાંથી આવ્યા હોય શકે. તેથી યુનાઈટેડ સ્ટેટ્સમાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ (NIH, એનઆઈએચ) ડોક્ટરોને ચાંચડના ડંખનો ઇતિહાસ, દર્દીના લક્ષણો, અને એ લક્ષણો પેદા કરતા બીજા રોગોની શક્યતા પૂરેપૂરી રદ કરવા પર પોતાનું નિદાન આધારિત રાખવા સલાહ આપે છે.
સારવાર અને નિવારણ
સમયસર નિદાન કરવામાં આવે તો, મોટા ભાગના દર્દીઓને એન્ટિબાયોટિક્સથી સફળતાપૂર્વક સારવાર આપી શકાય છે. સારવાર જેટલી જલદી શરૂ થાય, એટલી ઝડપથી અને એટલા પૂરા પ્રમાણમાં સાજા થઈ શકાય. સારવાર પછી કેટલાક મહિનાઓ સુધી, થાક અને દુખાવો ચાલુ રહી શકે, પરંતુ એ લક્ષણો વધુ એન્ટિબાયોટિક્સના ઉપચાર વિના ઘટશે. તેમ છતાં, NIH ચેતવણી આપે છે કે, “ઊથલો મારતો લાઇમ રોગ એકવાર થાય એ બાંયધરી નથી કે ભવિષ્યમાં એ બીમારી ફરીથી નહિ થાય.”
શું એ અશાંત કરતું ભાવિ કદી પણ બદલાશે? યુનાઈટેડ સ્ટેટ્સમાંની યેલ યુનિવર્સિટી ઓફ મેડિસિને બહાર પાડેલા સમાચારપત્રે જાહેર કર્યું કે સંશોધકોએ એવી પ્રાયોગિક રસી વિકસાવી છે જે લાઇમ રોગ નિવારી શકે. એ “બમણું કાર્ય કરતી” રસી માનવ રોગપ્રતિકારતંત્રને પ્રતિદ્રવ્ય પેદા કરવા ઉત્તેજન આપે છે જે ઘુષણખોર લાઇમ બેક્ટેરિયા પર હુમલો કરી એને મારી નાખે છે. તે જ સમયે, એ રસી પામેલા દર્દીને કરડતા ચાંચડમાંના જીવંત બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.
“આ રસીની ચકાસણી કરવી,” ડો. સ્ટીવન ઈ. માલાવિસ્ટા કહે છે, જે ૧૯૭૫માં લાઇમ રોગ શોધનાર સંશોધકોમાંના એક છે, “એ લાઇમ રોગના શક્ય ગંભીર પરિણામોથી લોકોને રક્ષવાના આપણા પ્રયત્નોમાં આગવી પ્રગતિ છે.” ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ નોંધે છે કે, વૈજ્ઞાનિકો આશા રાખે છે કે, રોગના ભયે લોકોને ઘરમાં પૂરી રાખ્યા છે એવા વિસ્તારોમાં, “આ રસી વનવિસ્તારને માનવીઓના ઉપયોગ માટે પાછો મેળવવામાં મદદ કરશે.”
જોકે, એ દરમ્યાન, તમે પોતે નિવારણના કેટલાંક પગલાં લઈ શકો. NIH ભલામણ કરે છે: ચાંચડ પુષ્કળ હોય એવા વિસ્તારમાંથી ચાલતા પસાર થાઓ તો, પગદંડીની વચ્ચે રહો. લાંબા પાટલૂન, લાંબી બાંયવાળો શર્ટ, અને ટોપી પહેરો. પાટલૂનને મોજામાં ખોસો, અને પગનો કોઈ પણ ભાગ ખુલ્લો ન રહે એવા બૂટ પહેરો. ઝાંખા રંગના કપડાં પહેરવાથી ચાંચડ શોધી કાઢવા સહેલું પડે છે. કપડાં અને ચામડી પર જીવડાં દૂર કરતાં રસાયણો છાંટવા અસરકારક હોય છે, પરંતુ એ ખાસ કરીને બાળકોમાં ગંભીર આડઅસરો પેદા કરે છે. “ગર્ભવતી સ્ત્રીઓએ લાઇમ રોગના વિસ્તારોમાંના ચાંચડ ખાસ કાળજીપૂર્વક નિવારવા જોઈએ,” NIH ચેતવણી આપે છે, “કેમ કે ન જન્મેલા બાળકને ચેપ લાગી શકે” અને કસુવાવડ કે મૃતબાળક પ્રસવની શક્યતા વધારી શકે.
ઘરે આવ્યા પછી, પોતા પરથી અને તમારાં બાળકો પરથી ચાંચડ શોધો, ખાસ કરીને શરીરના વાળ ધરાવતા ભાગોમાં. કાળજીપૂર્વક એમ કરો કેમ કે ચાંચડનું બચ્ચું આ વાક્યને અંતે આવેલા પૂર્ણવિરામ જેટલું નાનું હોય છે અને એને ધૂળનો રજકણ ગણી લેવાની ભૂલ સહેલાયથી થઈ શકે. તમારી પાસે પાલતુ પ્રાણીઓ હોય તો, તેઓ ઘરમાં પ્રવેશે એ પહેલાં તેઓની તપાસ કરો—તેઓને પણ લાઇમ રોગ થઈ શકે છે.
તમારે ચાંચડ કઈ રીતે દૂર કરવા જોઈએ? તમારી ખુલ્લી આંગળીઓથી નહિ પરંતુ બુઠ્ઠી સમાણીથી. ચાંચડ ચામડી પરની એની પકડ જતી કરે ત્યાં સુધી ચાંચડના માથા પાસે હળવેથી પરંતુ દૃઢપણે ગોદો મારો, પરંતુ એનું શરીર દબાવો નહિ. પછી જંતુનાશક દવાથી ચેપના વિસ્તારને પૂરેપૂરો સાફ કરો. ચેપી રોગોના એક અમેરિકી નિષ્ણાત, ડો. ગેરી વોર્મસર કહે છે કે, ચાંચડને ૨૪ કલાકમાં જ દૂર કરવામાં આવે તો લાઇમ રોગના ચેપથી તમે બચી શકો.
કબૂલ કે, ભારે ચેપવાળા વિસ્તારમાં પણ, પાંગળા બનાવતો લાઇમ રોગ થવાની શક્યતા ઓછી છે. તોપણ, નિવારણના થોડાંક પગલાં લેવાથી એ ઓછી શક્યતા હજુ પણ ઓછી થશે. શું સાવચેતી માટે તકલીફ લેવા જેવી ખરી? લાઇમ રોગથી પીડાતા કોઈને પણ પૂછી જુઓ. (g96 6/22)
લાઇમ રોગનાં ચિહ્નો
ચેપની શરૂઆતમાં:
○ ફોલ્લીઓ થવી
○ સ્નાયુ અને સાંધાનો દુખાવો
○ માથાનો દુખાવો
○ ગરદન અક્કડ થવી
○ નોંધપાત્ર થાક
○ તાવ
○ ચહેરા પર લકવો
○ મેનિન્જાઇટિસ
○ સાંધાના દુખાવા અને થોડા સોજા ચઢવા
ઓછા સામાન્ય:
○ આંખમાં બળતરા
○ ઘેન
○ શ્વાસ ચઢવો
ચેપ વધ્યો હોય ત્યારે:
○ સંધિવા, એકાંતરે થતો કે ઊથલો મારતો
ઓછા સામાન્ય:
○ યાદશક્તિ ગુમાવવી
○ ધ્યાન એકાગ્ર કરવામાં મુશ્કેલી
○ મૂડ કે ઊંઘવાની ટેવમાં ફેરફાર
ચેપ દરમ્યાન જુદા જુદા સમયે એક કે વધુ લક્ષણો દેખાય શકે.—લાઇમ ડિસીઝ—ધ ફેક્ટ્સ, ધ ચેલેન્જ, નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા પ્રકાશિત.
વનમાં ફરવું તમને જોખમમાં મૂકી શકે
Yale School of Medicine
એક ચાંચડ (ઘણો મોટો
બનાવાયેલો)
ચાંચડ (ખરેખરું કદ)