ઝડપનો અમીર
સજાગ બનો!ના સાઉથ આફ્રિકામાંના ખબરપત્રી તરફથી
એ શીર્ષક કોણ ધરાવે છે? ચિત્તો, જે ટૂંકું અંતર દોડવામાં દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. દરેક ચિત્તાના ટપકાંની ઢબ અજોડ હોય છે—એ માટે ચિત્તો નામ “ટપકાંવાળું શરીર” અર્થવાળા સંસ્કૃત શબ્દમાંથી આવે છે.
કેટલાક કહે છે કે પ્રથમ નજરે એ ધ્યાનાકર્ષક પગવાળી બિલાડી લાગે છે. બીજાઓ ટીકા કરે છે કે એની પીઠ નબળી અને એનું માથું બહુ નાનું હોય છે. પરંતુ એ લક્ષણો ચિત્તાના લાભમાં કાર્ય કરે છે. લાંબા પાછલા પગ ઉચ્ચાલન પૂરું પાડે છે, અને એમ ચિત્તા માટે મનોરંજક નૃત્યકારની જેમ ચાલવું અને ભવ્યતાથી દોડવું શક્ય બનાવે છે. અને આ પ્રાણી સાચે જ બહુ ઝડપથી દોડી શકે છે! ચિત્તો ઊભેલી સ્થિતિમાંથી, થોડી સેકન્ડોમાં જ કલાકના લગભગ ૧૧૦ કિલોમીટરની ઝડપ પકડી શકે છે.
ચિત્તો વધુ ઝડપ માટે સુયોજિત છે. એનું હળવું હાડપિંજર અસાધારણપણે અનુકૂળ થતી કરોડરજ્જુ ધરાવે છે જે કમાનની જેમ વાંકી વળી અને સીધી થઈ શકે છે. ચિત્તાને ઊંડી છાતી, મોટાં ફેફસાં, મજબૂત હૃદય, સમતુલા પૂરી પાડતી પૂંછડી, અને ઝડપથી શ્વાસ લઈ શકે એવા મોટા નસકોરાં આપવામાં આવ્યાં છે—જે બધું એ પ્રાણીની અજોડ ઝડપમાં ફાળો આપે છે. જોકે, ચિત્તાની શક્તિનો વિસ્ફોટ અલ્પજીવી હોય છે. પૂરી ઝડપે માત્ર ૪૦૦ મીટર સુધી ગયા પછી, તેણે ઠંડા પડવા માટે થોભવું જ પડે છે.
સામાન્ય રીતે ચિત્તા માનવીઓને ધમકીરૂપ હોતા નથી. વર્ષોથી ચિત્તાનો ઉછેર કરનાર એન વોન ડિક પોતાના પુસ્તક ધ ચીટાઝ ઓફ ડ વિલ્ટમાં લખે છે: “ખાવાનું આપવાનું પૂરું થયા પછી, અંધારું થાય એ પહેલાં મને બિલાડીઓના મારા કુટુંબ સાથે છેલ્લી થોડી ક્ષણો વિતાવવાનું ગમતું. અમારી વચ્ચે ભરોસાની લાગણી વિકસી હતી અને તેઓ પાલતુ ન હોવા છતાં મને ખબર હતી કે તેઓ મને હાનિ નહિ કરે.”
જોકે, માનવીઓ ચિત્તા પ્રત્યે એટલા માયાળુ રહ્યા નથી. દાખલા તરીકે, આફ્રિકામાં શિકારીઓ એના અસાધારણ ચામડાનો લોભ રાખતા, અને ઊભી કરવામાં આવેલી વસાહતોએ ચિત્તાના વસવાટની જગ્યા મર્યાદિત કરી છે. એને લીધે ચિત્તાની સંખ્યા નોંધપાત્રપણે ઘટી છે. એક સમયે ભારતમાં ચિત્તા પુષ્કળ હતા, પરંતુ ૧૯૫૨માં એ ત્યાંથી નાબૂદ થયા છે. ભૂમધ્યના પૂર્વીય કિનારાના કેટલાક દેશોમાં પણ હવે એ રહ્યા નથી.
આપણે કેટલા બધા ખુશ થઈ શકીએ કે દેવની નવી દુનિયામાં, લોભી માનવીઓ પ્રાણીઓ માટે ધમકીરૂપ નહિ હોય! (યશાયાહ ૧૧:૬-૯) કદાચ એ સમયે તમને એ અદ્ભુતપણે રચવામાં આવેલા ઝડપના અમીર, ચિત્તાને જોવાનો લહાવો મળશે. (g96 7/22)