દવાઓનો ઉપયોગ ડહાપણભરી રીતે કરો
સજાગ બનો!ના નાઇજીરિયામાંના ખબરપત્રી તરફથી
સ્ત્રીએ ફરિયાદ કરી કે તેને માથામાં અને પેટમાં દુખતું હતું. ડોક્ટરે તેની સાથે ટૂંકમાં વાત કરી. પછી તેણે મેલેરિયા માટેના ઇન્જેક્ષનનો ત્રણ દિવસનો કોર્સ, માથાનો દુખાવો બંધ કરવા પેરાસિટેમોલ (એસીટામિનોફેન), પેટમાં ચાંદુ હોય શકે એ માટે બે દવાઓ, ચિંતા ઓછી કરવા ટ્રેંક્વિલાઈઝર્સ, અને છેવટે આરોગ્ય માટે, મલ્ટિવિટામિનનો કોર્સ લખી આપ્યાં. મોટું બિલ આવ્યું, પરંતુ સ્ત્રીએ વાંધો ઉઠાવ્યો નહિ. દવાઓ તેના કોયડાનો ઉકેલ લાવશે એવા ભરોસાસહિત તે ખુશ થઈને ઘેર ગઈ.
પશ્ચિમ આફ્રિકામાં આ રીતે દવા આપવામાં આવે એ સામાન્ય છે. ત્યાં એક મોટા દેશમાંના સર્વેક્ષણે બતાવ્યું કે જાહેર આરોગ્ય કેન્દ્રોમાંના આરોગ્ય કાર્યકરો દરેક દર્દીની દર મુલાકાત દીઠ સરેરાશ ૩.૮ ભિન્ન દવાઓ લખી આપે છે. હકીકતમાં, ઘણા લોકો પુષ્કળ દવાઓ લખી આપતા ડોક્ટરને સારો ડોક્ટર ગણતા હોય છે.
આરોગ્યની પરિસ્થિતિ કેવી હતી એનો તમે વિચાર કરો તો કદાચ પશ્ચિમ આફ્રિકામાંના રહેવાસીઓ દવાઓમાં આવો ભરોસો કેમ રાખે છે એ સમજી શકાય એમ છે. લેખક જોન ગન્થરે ૪૦થી વધુ વર્ષો પહેલાં, શરૂઆતના સમય વિષે લખ્યું: “ગુલામોના આ દરિયાકાંઠાએ ફક્ત . . . અશ્વેતોને જ મારી નાખ્યા નથી; એણે ગોરાઓને પણ મારી નાખ્યા છે, અને આફ્રિકાનો આ ભાગ દંતકથાઓમાં ‘ગોરા માણસની કબર’ તરીકે જાણીતો છે. સદીઓ સુધી, મચ્છર ગિનીના દરિયાકાંઠાનો નિર્વિવાદ રાજા હતું. એ રાજાના ચુનંદા અને વ્યાધિકારક શસ્ત્રોમાં યલો ફીવર, બ્લેકવોટર ફીવર, મેલેરિયા હતાં. પશ્ચિમ કિનારાની આપત્તિકારક ઘાતક આબોહવા દૂરના ભૂતકાળની બાબત નથી, પરંતુ જીવંત યાદગીરીની બાબત છે. એક લોકવાયકા એક રાજકીય અધિકારીનું વર્ણન કરે છે જેને નાઇજીરિયામાં કામગીરી સોંપવામાં આવી અને તેણે પોતાના પેન્શન વિષે પૂછ્યું. ‘પેન્શન?’ કોલોનિયલ ઓફિસમાંના તેના ઉપરીએ ઉત્તર આપ્યો. ‘મારા દોસ્ત, નાઇજીરિયા જતું કોઈ પણ નિવૃત્ત થવા જેટલું લાંબું જીવતું નથી.’”
સમય બદલાયો છે. આજે, ફક્ત મચ્છરથી ફેલાતા રોગો જ નહિ પરંતુ બીજા રોગોનો સામનો કરવા માટેની દવાઓ પણ છે. ફક્ત રસીઓએ જ ઓરી, ઊંટાટિયું, ધનુર, અને ડિપ્થેરિયાનો મરણનો આંક નાટકીય રીતે ઘટાડ્યો છે. રસીનો આભાર કે, શીતળાને નાબૂદ કરવામાં આવ્યા છે. થોડા જ વખતમાં પોલિઓ પણ ભૂતકાળની બાબત બની જશે.
એમાં કંઈ નવાઈ નથી કે આજે ઘણા આફ્રિકનોને દવાના મૂલ્યમાં ઊંડો વિશ્વાસ છે. અલબત્ત, એવો વિશ્વાસ પશ્ચિમ આફ્રિકા પૂરતો મર્યાદિત નથી. યુનાઈટેડ સ્ટેટ્સમાં, ડોક્ટરો દર વર્ષે ૫૫ અબજથી વધુ પ્રીસ્ક્રિપ્શનો લખી આપે છે. ફ્રાંસમાં લોકો દર વર્ષે ગોળીઓની સરેરાશ ૫૦ બાટલીઓ ખરીદે છે. અને જાપાનમાં સરેરાશ વ્યક્તિ તબીબી દવાઓ પર વાર્ષિક $૪૦૦થી વધારે (યુ.એસ.) ખર્ચે છે.
લાભોની સામે જોખમો
આધુનિક દવાઓએ માનવજાતને ઘણી મદદ કરી છે. યોગ્યપણે ઉપયોગ કરવામાં આવે તો, એ તંદુરસ્તી વધારે છે, પરંતુ અયોગ્યપણે ઉપયોગ કરવામાં આવે ત્યારે, એ હાનિ કરી શકે અને મારી પણ નાખી શકે. દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્સમાં, દર વર્ષે ૩,૦૦,૦૦૦ લોકોને તબીબી દવાઓના વિપરિત રીએક્શન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, અને ૧૮,૦૦૦ મરણ પામે છે.
દવાઓનો ડહાપણભર્યો ઉપયોગ કરવા માટે, એ સમજવું મહત્ત્વનું છે કે હંમેશા કંઈક પ્રમાણમાં જોખમ રહેલું હોય છે. કોઈ પણ દવા, અરે એસ્પિરિન પણ, હાનિકારક આડઅસર પેદા કરી શકે છે. તમે કેટલીક દવાઓ એક સાથે લો તો આડઅસરોની શક્યતા વધે છે. તમારા શરીરમાં દવા કઈ રીતે કાર્ય કરશે એના પર ખોરાક અને પીણા પણ અસર કરે છે અને એમ એની અસર તીવ્ર બનાવી કે નાબૂદ કરી શકે છે.
બીજાં જોખમો પણ રહેલાં છે. તમને અમુક દવાની એલર્જીને લીધે રીએક્શન પણ આવી શકે. તમે લખી આપ્યા પ્રમાણે—યોગ્ય ડોઝમાં યોગ્ય સમયગાળા સુધી—દવા ન લો તો એ કદાચ તમને મદદ નહિ કરે અને તમને હાનિ પણ કરી શકે. તમારો ડોક્ટર ખોટી દવા કે બિનજરૂરી દવા લખી આપે તોપણ એવું જ પરિણામ આવી શકે. તમે જૂની થઈ ગયેલી, હલકા પ્રકારની, કે બનાવટી દવા લો તોપણ હાનિનું જોખમ રહેલું છે.
જોખમ ઓછાં કરવા માટે, તમારે તમે લેતા હો એવી દવાઓ વિષે શક્ય તેટલું વધારે જાણવું જોઈએ. હકીકતો જાણવાથી તમને ઘણો જ લાભ થઈ શકે.
એન્ટિબાયોટિક્સ—લાભો અને ગેરલાભો
લગભગ ૫૦ વર્ષ પહેલાં એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવ્યાં ત્યારથી માંડીને, એણે લાખો લોકોનાં જીવન બચાવ્યાં છે. એણે રક્તપિત્ત, ટીબી, ન્યૂમોનિયા, સ્કાર્લેટ ફીવર, અને સિફિલીસ જેવા ભયંકર રોગો પર કાબૂ કર્યો છે. એ બીજા ચેપ સાજા કરવામાં પણ ચાવીરૂપ ભાગ ભજવે છે.
યુનાઈટેડ સ્ટેટ્સની ટફ્ટ્સ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલ ખાતેના તબીબીશાસ્ત્રના પ્રોફેસર ડો. સ્ટુઅર્ટ લેવીએ કહ્યું: “[એન્ટિબાયોટિક્સે] દવાઓમાં ક્રાન્તિ કરી છે. એ એકમાત્ર આડત છે જેણે તબીબી ઇતિહાસને સૌથી વધુ બદલ્યો છે.” બીજા એક તબીબી અધિકારી કહે છે: “એ એવો ખૂણાનો પથ્થર છે જેના પર આધુનિક તબીબીશાસ્ત્ર બંધાયું છે.”
જોકે, તમે તમારા ડોક્ટર પાસે દોડી જાવ અને કેટલીક એન્ટિબાયોટિક્સ માંગો એ પહેલાં, એની નકારાત્મક બાજુનો વિચાર કરો. અયોગ્યપણે વાપરવામાં આવે ત્યારે, એન્ટિબાયોટિક્સ ભલાઈને બદલે હાનિ વધારે કરી શકે. એનું કારણ એ છે કે એન્ટિબાયોટિક્સ શરીરમાંના બેક્ટેરિયા પર હુમલો કરી એનો નાશ કરવાનું કામ કરે છે. પરંતુ તેઓ હંમેશા બધા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરતા નથી; બેક્ટેરિયાના અમુક પ્રકારો હુમલો ખાળી શકે છે. એ રીઢા પ્રકારો ફક્ત બચી જ જતા નથી પરંતુ વધે છે અને એકમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.
દાખલા તરીકે, એક સમયે ચેપનો નાશ કરવામાં પેનિસિલીન બહુ અસરકારક હતું. હવે, કેટલાક પ્રમાણમાં બેક્ટેરિયાના રીઢા બનેલા પ્રકારોને લીધે, દવાની કંપનીઓ પેનિસિલીનની સેંકડો ભિન્ન જાતો વેચે છે.
તમે કોયડા નિવારવા માટે શું કરી શકો? તમને ખરેખર એન્ટિબાયોટિક્સની જરૂર હોય તો, ખાતરી કરો કે એ લાયકાતવાળા ડોક્ટરે લખી આપી હોય, અને કાયદેસર જગ્યાએથી જ એ મેળવો. એન્ટિબાયોટિક્સ લખી આપવા માટે તમારા ડોક્ટર પર દબાણ ન કરો—તમારી બીમારી માટે લખી આપેલી દવા યોગ્ય છે એ નક્કી કરવા માટે ડોક્ટર માંગી શકે કે તમે પ્રયોગશાળામાં કેટલીક તપાસ કરાવો.
તમે યોગ્ય ડોઝ યોગ્ય સમયગાળા સુધી લો એ પણ મહત્ત્વનું છે. એન્ટિબાયોટિક્સનો કોર્સ પૂરો થાય એ પહેલાં તમને સારું થઈ ગયું હોય એમ લાગે છતાં, એનો કોર્સ પૂરો કરવો જોઈએ.
શું ગોળીઓ કરતાં ઇન્જેક્ષન વધારે સારાં હોય છે?
“મારે ઇન્જેક્ષન જોઈએ છે!” વિકસતા દેશોમાં એ શબ્દો ઘણા આરોગ્ય કાર્યકરોએ સાંભળ્યા છે. એવી વિનંતી માટેનો આધાર એ માન્યતા છે કે ઇન્જેક્ષન દ્વારા દવાને સીધેસીધી લોહીમાં નાખવામાં આવે છે અને એ ગોળીઓ કરતાં વધારે શક્તિશાળી ઇલાજ પૂરો પાડે છે. કેટલાક દેશોમાં લાયસન્સ વિનાના ‘ઇન્જેક્ષનવાળા ડોક્ટરો’ બજારમાં જોવા મળે એ સામાન્ય હોય છે.
ઇન્જેક્ષન એવાં જોખમો ધરાવે છે જે ગોળીઓ ધરાવતી હોતી નથી. સોય ચોખ્ખી ન હોય તો, દર્દીને હેપટાઈટસ, ધનુર, અને એઇડ્સનો પણ ચેપ લાગી શકે છે. ગંદી સોય પીડાકારક ગૂમડું પણ પેદા કરી શકે. લાયકાત વિનાની વ્યક્તિ ઇન્જેક્ષન આપે તો જોખમ વધી જાય છે.
તમને ખરેખર ઇન્જેક્ષનની જરૂર હોય તો, ખાતરી કરો કે એ તબીબી લાયકાતવાળી વ્યક્તિ આપે. તમારા પોતાના રક્ષણને માટે હંમેશા ખાતરી કરી લો કે સોય અને સિરીંજ જંતુમુક્ત હોય.
બનાવટી દવાઓ
દવા બનાવવાનો ગોળાવ્યાપી ઉદ્યોગ મોટો વેપાર છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) અનુસાર, દર વર્ષે $૧૭૦ અબજ (યુ.એસ.) કમાય છે. પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માટે, સિદ્ધાંતહીન લોકોએ બનાવટી દવાઓ પેદા કરી છે. બનાવટી દવાઓ ખરી દવાઓ જેવી જ દેખાય છે—અને તેઓનાં લેબલ તથા ખોખાં પણ—પરંતુ એ નકામી હોય છે.
બનાવટી દવાઓ બધે હોય છે ત્યારે, એ ખાસ કરીને વિકસતા જગતમાં સામાન્ય હોય છે અને એ કરુણ પરિણામો નિપજાવે છે. નાઇજીરિયામાં, ઔદ્યોગિક વિલાયક ધરાવતી પીડાહારક દવા પીધા પછી ૧૦૯ બાળકો કિડની ખલાસ થઈ જવાથી મરણ પામ્યાં. મેક્ષિકોમાં, દાઝી ગયેલાઓને વહેર, કોફી, અને ધૂળ ધરાવતા ધારવામાં આવેલા ઇલાજથી ચામડીનો ભારે ચેપ લાગ્યો. બ્રહ્મદેશમાં, મેલેરિયાના તાવનો સામનો ન કરતી બનાવટી દવા લેવાને લીધે અનેક ગ્રામીણો મેલેરિયામાં મૃત્યુ પામ્યા. “સૌથી વધુ જોખમ હેઠળ,” હુ જણાવે છે, “ફરીથી સૌથી ગરીબ લોકો હોય છે, જેઓને કેટલીકવાર લાગે છે કે તેઓ માનપાત્ર કંપનીએ બનાવેલી અસરકારક જણાતી દવા સસ્તામાં ખરીદી રહ્યા છે.”
તમે બનાવટી દવાથી પોતાને કઈ રીતે રક્ષી શકો? તમે જે ખરીદો એ હોસ્પિટલની દવાની દુકાનો જેવા સારી શાખવાળા ઉદ્ભવમાંથી ખરીદવાની ખાતરી કરો. ફેરિયાઓ પાસેથી ન ખરીદો. નાઇજીરિયાના બેનિન સિટીમાંનો એક વૈદ ચેતવણી આપે છે: “ફેરિયાઓ માટે તો દવાઓ વેચવી એ ફક્ત એક વેપાર છે. તેઓ જાણે ચોકલેટ કે બિસ્કિટ વેચતા હોય એમ દવા વેચતા હોય છે. તેઓ વેચતા હોય એવી દવાઓ ઘણીવાર જૂની થઈ ગયેલી કે બનાવટી હોય છે. તેઓ વેચી રહ્યા હોય છે એવી દવા વિષે કંઈ જાણતા હોતા નથી.”
ગરીબીનો કોયડો
વ્યક્તિ મેળવે છે એ તબીબી સારવાર ઘણીવાર તેની પાસે કેટલા પૈસા છે એનાથી નક્કી થાય છે. વિકસતા દેશોમાં લોકો ખર્ચ ઓછો કરવા અને સમય બચાવવા, ડોક્ટર પાસે જવાને બદલે સીધા જ દવાની દુકાને જઈ એવી દવા ખરીદે છે જેને માટે કાયદા પ્રમાણે પ્રીસ્ક્રિપ્શનની જરૂર હોય. તેઓએ એ દવા અગાઉ વાપરી હોવાથી અથવા મિત્રોએ એની ભલામણ કરી હોવાથી તેઓને ખબર હોય છે કે તેઓને કઈ દવા જોઈએ છે. પરંતુ તેઓને જે જોઈએ છે એની તેઓને જરૂર ન પણ હોય શકે.
લોકો બીજી રીતોએ પણ ખર્ચ ઓછો કરવાનો પ્રયત્ન કરે છે. ડોક્ટર પ્રયોગશાળામાં તપાસ કરે છે અને અમુક દવા લખી આપે છે. દર્દી પ્રીસ્ક્રિપ્શન દવાની દુકાને લઈ જાય છે પરંતુ તેને જણાય છે કે એ દવાની કિંમત બહુ છે. તેથી વધુ પૈસા શોધવાની જગ્યાએ, લોકો ઘણીવાર સસ્તી કે લખી આપવામાં આવેલી દવાનો અમુક ભાગ જ ખરીદે છે.
શું તમને દવાની ખરેખર જરૂર છે?
તમને દવાની ખરેખર જરૂર હોય તો, તમે શું લઈ રહ્યા છો એ જાણી લો. લખી આપવામાં આવેલી દવા વિષે તમારા ડોક્ટરને કે દવાના દુકાનદારને પ્રશ્નો પૂછતા શરમાવ નહિ. તમને એ જાણવાનો હક્ક છે. છેવટે તો, તમારા શરીરે સહન કરવું પડી શકે.
તમે તમારી દવાનો યોગ્ય રીતે ઉપયોગ ન કરો તો, તમે સાજા ન પણ થાવ. તમારે જાણવાની જરૂર છે કે કેટલી દવા લેવી, ક્યારે લેવી, અને કેટલો સમય લેવી. તમારે એ પણ જાણવાની જરૂર છે કે એ લેવાની સાથે કયા ખોરાક, પીણાં, અને બીજી દવાઓ કે પ્રવૃત્તિઓ નિવારવાનાં છે. અને તમારે શક્ય આડઅસરો વિષે અને એ થાય તો શું કરવું એ વિષે જાણવાની જરૂર છે.
એ પણ ખ્યાલમાં રાખો કે દવાઓ દરેક તબીબી કોયડાનો ઇલાજ પૂરો પાડતી નથી. તમારે દવાની જરા પણ જરૂર ન પણ હોય શકે. હુનું એક પ્રકાશન વર્લ્ડ હેલ્થ જણાવે છે: “ફક્ત જરૂર હોય ત્યારે જ દવાનો ઉપયોગ કરો. ઘણીવાર આરામ, સારો ખોરાક અને પુષ્કળ પાણી પીવાથી વ્યક્તિને સારા થવામાં મદદ મળે છે.” (g96 9/22)
“હજાર રોગના હજાર ઇલાજ,” એક રૂમી કવિએ કંઈક ૨,૦૦૦ વર્ષ પહેલાં લખ્યું. આજે, એ કવિએ એમ લખ્યું હોત કે, ‘હજાર રોગની હજાર ગોળીઓ’! ખરેખર, એવું લાગે છે કે, વાસ્તવિક હોય કે કાલ્પનિક, લગભગ દરેક રોગને માટે એક ગોળી હોય છે. વર્લ્ડ બેન્ક અનુસાર, જગતવ્યાપી ૫,૦૦૦થી વધુ સક્રિય પદાર્થોમાંથી લગભગ ૧,૦૦,૦૦૦ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે.
દવાઓનો સમજુ ઉપયોગ
૧. જૂની થઈ ગયેલી દવાઓનો ઉપયોગ ન કરો.
૨. સારી શાખવાળા ઉદ્ભવમાંથી ખરીદો. ફેરિયાઓ પાસેથી ન ખરીદો.
૩. તમે સૂચનાઓ સમજો છો અને એને અનુસરો છો એની ખાતરી કરો.
૪. બીજી વ્યક્તિને લખી આપેલી દવાઓનો ઉપયોગ ન કરો.
૫. ઇન્જેક્ષનનો આગ્રહ ન રાખો. મોંથી લીધેલી દવા ઘણીવાર એટલી જ અસરકારક હોય છે.
૬. દવાઓને ઠંડી જગ્યાએ, બાળકોની પહોંચથી દૂર રાખો.