અમારા વાચકો તરફથી
ભરોસો કેટલાક મિત્રો અને સગાઓએ વિશ્વાસઘાત કર્યો હોવાથી મને કચડાઈ ગયાની લાગણી થતી હતી. મેં મારી આસપાસના સર્વની વિશ્વસનીયતા વિષે શંકા કરવાનું શરૂ કર્યું. પરંતુ “તમે કોના પર ભરોસો કરી શકો?” (માર્ચ ૮, ૧૯૯૬) શૃંખલાએ મને ભરોસા વિષેની વધુ સંતુલિત દૃષ્ટિ આપી. એવી સમયસરની માહિતી માટે તમારો આભાર.
ઈ. આઈ., કોરિયા
વર્ષો દરમ્યાન મેં મારા પર અત્યાચાર કરનાર મારા પિતા, બે પતિઓ, અને એક ખ્રિસ્તી ભાઈ દ્વારા વિશ્વાસઘાત અનુભવ્યો. હું એ હદે પહોંચી કે મેં કોઈના પર ભરોસો ન કરવાનું નક્કી કર્યું. મેં પોતાને ખાતરી કરાવી કે મારે કોઈની જરૂર ન હતી. પરંતુ એ લેખે મને વધુ સંતુલિત બનવામાં મદદ કરી. મારા માટે કોઈના પર ભરોસો મૂકવો અઘરું છે છતાં, હું પ્રયત્ન કરવાનું ચાલુ રાખીશ. આ વખતે હું કોના પર ભરોસો રાખું છું એ વિષે વધારે કાળજી લઈશ.
સી. એચ., યુનાઈટેડ સ્ટેટ્સ
મેટરહોર્ન મેં “અજોડ મેટરહોર્ન” (માર્ચ ૮, ૧૯૯૬) લેખ વાંચ્યો. એ સુંદર પર્વતના ચિત્રએ મારું ધ્યાન આકર્ષ્યું! લેખને લીધે દેવની સૃષ્ટિની મારી કદર હજુ વધી.
જે. ડબ્લ્યૂ., યુનાઈટેડ સ્ટેટ્સ
સફરજન “રોજ એક સફરજન ખાવ અને તંદુરસ્ત રહો” (માર્ચ ૮, ૧૯૯૬) લેખ માટે તમારો ઘણો જ આભાર. એણે મારો રસ જાગૃત કર્યો, કેમ કે અમારી નાની વાડીમાં સફરજનનાં ૧૦૦થી વધુ વૃક્ષો છે. વૃક્ષો વધારે ફળ પેદા કરે એટલા માટે એની કાપકૂપ કરવાનો અમે આનંદ માણીએ છીએ. અમે તમારા બધા લેખોની ચોકસાઈની કદર કરીએ છીએ. એ તાજગીદાયક, ભરોસાપાત્ર મહિતી પૂરી પાડે છે.
પી. બી., યુનાઈટેડ સ્ટેટ્સ
દબામણીયુક્ત વર્તણૂક ઉત્કૃષ્ટ લેખ “દબામણીયુક્ત વર્તણૂક—શું એ તમારા જીવનનું નિયંત્રણ કરે છે?” (માર્ચ ૮, ૧૯૯૬) માટે તમારો આભાર. હું ફક્ત ૨૦ વર્ષની છું, અને હું દબામણીયુક્ત વર્તણૂકથી પીડાઉં છું. મને શું થઈ રહ્યું છે એ વિષે માહિતી માટે મેં વારંવાર યહોવાહ પાસે પ્રાર્થનામાં માગણી કરી.
એમ. એ. સી., સ્પેન
મેં પૂરા સમયના સુવાર્તિક તરીકે સેવા કરી પાયોનિયરીંગ શરૂ કર્યું એ સમયની આસપાસ દેવ વિષે અનિચ્છિત, અપમાનજનક વિચારોએ મને હેરાન કરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે મેં અક્ષમ્ય પાપ કર્યું છે, અને હું ઘણીવાર રડી. મારી લાગણીઓ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવવામાં આવેલી જોઈને મને કેવું લાગે છે એની તમે કલ્પના કરી શકતા નથી. મને કદી પણ લાગ્યું નહિ કે બીજી કોઈ વ્યક્તિને એવું જ થયું હોય શકે. ભાઈઓ, હંમેશા મદદ માટે પ્રાપ્ય હોવા માટે તમારો આભાર.
સી. બી., નાઇજીરિયા
મેં આંસુઓસહિત વારંવાર એ લેખ વાંચ્યો. એણે મારું વિગતવાર વર્ણન કર્યું! મને નવાઈ લાગતી હતી કે હું પાગલ થઈ જઈ રહી છું કે કેમ અથવા અપદૂતો મારા મન પર કબજો જમાવી રહ્યા છે કે કેમ. એ જાણવાથી રાહત મળી કે બીજા ભાઈઓ પણ એવું દર્દ સહન કરી રહ્યા છે.
કે. ટી., જાપાન
હું એ કોયડા માટે મદદ માટે વારંવાર યહોવાહ પાસે ગયો છું. પરંતુ મેં પડતું મૂકવાનો નિર્ણય કર્યો કેમ કે મને લાગ્યું કે એ વ્યર્થ હતું અને કોઈ પણ બાબત મને મદદ કરી શકશે નહિ. હવે હું પોતાને સમજી શકું છું, અને મને રાહત થઈ છે. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે એ લેખ બહુ પ્રેમાળપણે લખવામાં આવ્યો હતો. મને ખાતરી છે કે યહોવાહ ખરેખર આપણી કાળજી લે છે.
જે. એફ., ચેક રીપબ્લિક
સાત વર્ષથી મને દબામણીયુક્ત વિચારોએ માનસિક રીતે ત્રાસ આપ્યો છે. એનાથી મને થાકી ગયાની અને ઉદાસીનતાની લાગણી થઈ છે. મને એટલી બધી શરમ લાગી અને દોષિતપણાની લાગણી થઈ કે હું કોઈની પણ સાથે એની ચર્ચા ન કરી શકું. મને તો ખરેખર એમ લાગ્યું કે મારું મગજ ખસી ગયું છે. મેં એ લેખ વાંચ્યો ત્યારે, મારા માનવામાં પણ ન આવ્યું. હું જે સહન કરી રહી હતી એ બીજા કોઈએ પણ અનુભવ્યું હતું! મારી આંખોમાં આંસુ આવી ગયાં. હું હવે એકલી ન હતી. મેં અક્ષમ્ય પાપ કર્યું ન હતું, અને યહોવાહ મારા પર ગુસ્સે ન હતા.
એસ. બી., સાઉથ આફ્રિકા