અત્યાચારી વાણીનાં
મૂળ ખુલ્લાં કરવાં
“મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.”
ઈ સુ ખ્રિસ્તે કંઈક બે સહસ્ત્રવર્ષાવધિ અગાઉ ઉપરના શબ્દો જણાવ્યા હતા. હા, વ્યક્તિના શબ્દો ઘણીવાર તેની ગહન લાગણીઓ તથા પ્રેરણાબળનું પ્રતિબિંબ પાડે છે. એ પ્રશંસાપાત્ર હોય શકે છે. (નીતિવચન ૧૬:૨૩) બીજી તર્ફે, એ કપટી હોય શકે છે.—માત્થી ૧૫:૧૯.
એક સ્ત્રીએ પોતાના સાથી સંબંધી કહ્યું: “તે મારી સાથે અનપેક્ષિતપણે ગુસ્સે થઈ જતા હોય એમ લાગે છે, અને તેમની સાથે રહેવું ઘણીવાર સુરંગના મેદાનમાં થઈને ચાલવા જેવું હોય છે—ખબર ન પડે કે ક્યારે ગુસ્સો ફાટી નીકળશે.” રિચર્ડ પણ પોતાની પત્ની સાથેની એવી જ પરિસ્થિતિ વર્ણવે છે. “લિડિયા હંમેશા લડવા માટે તૈયાર હોય છે,” તે કહે છે. “તે ફક્ત બોલતી જ નથી; હું જાણે એક નાનું બાળક હોઉં એમ તે મારી તરફ આંગળી ચીંધીને મને ધમકાવે છે.”
અલબત્ત, સૌથી સારા લગ્નોમાં પણ દલીલો ફાટી નીકળી શકે, અને બધા પતિઓ તથા પત્નીઓ એવી બાબતો કહે છે જેનાથી તેઓને પાછળથી ખેદ થાય છે. (યાકૂબ ૩:૨) પરંતુ લગ્નમાં અત્યાચારી વાણીનો અર્થ એથી વધારે રહેલો છે; એ ઉતારી પાડવાનો અને ટીકાત્મક વાણીનો સમાવેશ કરે છે જેનો ઇરાદો સાથી પર અધિકાર કે કાબૂ ધરાવવાનો હોય છે. કેટલીકવાર, હાનિકારક વાણી નમ્રતાના બનાવટી દેખાવના આવરણમાં છુપાએલી હોય છે. દાખલા તરીકે, ગીતકર્તા દાઊદે એવા માણસનું વર્ણન કર્યું જે બોલવામાં નરમ હતો, તોપણ અંદરખાને ધૂર્ત હતો: “તેના હૃદયમાં યુદ્ધનું ઝેર હતું. તેની વાતો તેલ કરતાં નરમ હતી, તોપણ તેઓ ઉઘાડી તરવારો જેવી હતી.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૧; નીતિવચન ૨૬:૨૪, ૨૫) કઠોર વાણી બહારથી દ્વેષભાવવાળી હોય કે ઢાંકપિછોડાવાળી હોય, એ લગ્નને પાયમાલ કરી નાખી શકે છે.
એ કઈ રીતે શરૂ થાય છે
એક વ્યક્તિ કયા કારણોથી અત્યાચારી વાણી વાપરે છે? સામાન્ય રીતે, એવી વાણીના ઉપયોગનું પગેરું વ્યક્તિ શું જુએ છે અને શું સાંભળે છે એના પરથી કાઢી શકાય છે. ઘણા દેશોમાં કટાક્ષ, અપમાન, અને ઉતારી પાડવાને સ્વીકાર્ય અરે હાસ્યાસ્પદ ગણવામાં આવે છે.a ખાસ કરીને પતિઓ સમાચારમાધ્યમથી અસર પામી શકે જેણે પુરુષને ઘણીવાર આપખુદી ચલાવતા તથા ગુસ્સાવાળા “મરદ” તરીકે રજૂ કર્યો છે.
a દેખીતી રીતે જ, પ્રથમ સદીમાં પણ એ સાચું હતું. ધ ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્ષનરી ઓફ ન્યૂ ટેસ્ટામેન્ટ થીયોલોજી નોંધે છે કે “ગ્રીકો માટે બીજાઓનું કઈ રીતે અપમાન કરવું કે પોતાનું અપમાન કઈ રીતે નિભાવી લેવું તે જાણવું એ જીવનની કળાઓમાંની એક હતી.”
એ જ રીતે, હલકી વાણી વાપરનારા ઘણાઓ એવા ઘરોમાં ઊછર્યા હોય છે જ્યાં માબાપનો ગુસ્સો, ખીજ, અને તિરસ્કાર નિયમિત ધોરણે મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવતો હોય. આમ, નાની વયથી માંડીને, તેઓએ એવો સંદેશો મેળવ્યો કે એ પ્રકારનું વર્તન સામાન્ય છે.
એવા વાતાવરણમાં ઊછરનાર બાળક વાણીની ઢબ કરતાં કંઈક વધુ શીખી શકે; તે પોતાના વિષે અને બીજાઓ વિષે વિકૃત દૃષ્ટિ પણ અપનાવી શકે. દાખલા તરીકે, બાળકને કઠોર વાણીથી કહેવામાં આવે તો, તે નકામા હોવાની લાગણી સાથે ઊછરશે, અરે ગુસ્સાથી તપી પણ ઊઠશે. પરંતુ બાળક પોતાના પિતાને તેની માતાને મૌખિક રીતે ફક્ત ઠપકારતો સાંભળે તો શું? બાળક ઘણું જ નાનું હોય તોપણ, તે સ્ત્રીઓ પ્રત્યેનો પોતાના પિતાનો અનાદર ગ્રહણ કરી શકે છે. બાળક પોતાના પિતાના વર્તન પરથી શીખી શકે કે સ્ત્રીઓ પર પુરુષનો કાબૂ હોવો જરૂરી છે અને એ કાબૂ મેળવવાની રીત તેઓને ડરાવવાની કે હાનિ પહોંચાડવાની છે.
આવેશી મા/બાપ આવેશી બાળક ઉછેરી શકે, જે મોટું થઈને “પુષ્કળ ગુના” આચરનાર “ક્રોધનો માલિક” બની શકે. (નીતિવચન ૨૯:૨૨, NW નિમ્નનોંધ) એમ હાનિકારક વાણીનો વારસો એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થઈ શકે છે. પાઊલે સારા કારણોસર પિતાઓને સલાહ આપી: “પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો.” (કોલોસી ૩:૨૧) અર્થપૂર્ણ રીતે, થીયોલોજિકલ લેક્ષિકન ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ અનુસાર “ચીડવો” ભાષાંતર કરવામાં આવેલો ગ્રીક શબ્દ, “લડાઈ માટે તૈયારી કે ઉશ્કેરણી કરવા”નો અર્થ ધરાવે છે.
અલબત્ત, માબાપની અસર હોવી એ બીજા સાથે મૌખિક કે બીજી કોઈ રીતે હુમલો કરવાનું બહાનું નથી; પરંતુ એ કઠોર વાણી પ્રત્યેનું વલણ કઈ રીતે ગહનપણે જડાઈ શકે છે એ સમજાવવામાં મદદ કરે છે. એક યુવક પોતાની પત્ની સાથે શારીરિક રીતે ગેરવર્તાવ ન પણ કરે, પરંતુ શું તે તેની સાથે શબ્દોથી અને પોતાના હાવભાવથી ગેરવર્તાવ કરે છે? વ્યક્તિને સ્વતપાસ પ્રગટ કરી શકે કે તેણે સ્ત્રીઓ માટેનો તેના પિતાનો અનાદર ગ્રહણ કર્યો છે.
દેખીતી રીતે, ઉપરના સિદ્ધાંતો સ્ત્રીઓને પણ લાગુ પડી શકે છે. માતા તેના પતિ સાથે મૌખિક દુર્વ્યવહાર કરે તો, તેની દીકરી લગ્ન કરશે ત્યારે પોતાના પતિ સાથે એ જ રીતે વ્યવહાર કરશે. બાઇબલનું એક નીતિવચન કહે છે: “તોછળી જીભ તથા ગુસ્સાવાળી સ્ત્રીની સંગત કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું વધારે સારું છે.” (નીતિવચન ૨૧:૧૯, ધ બાઇબલ ઈન બેઝિક ઇંગ્લિશ) તથાપિ, માણસે આ બાબતમાં ખાસ સાબદા રહેવાની જરૂર છે. શા માટે?
જુલ્મીનો અધિકાર
સામાન્યપણે, લગ્નમાં પતિ પાસે પત્ની કરતાં વધારે અધિકાર હોય છે. તે લગભગ હંમેશા શારીરિક રીતે વધારે મજબૂત હોવાથી, શારીરિક હાનિની કોઈ પણ ધમકી વધારે ડરાવનારી હોય છે.b વધુમાં, ઘણીવાર પુરુષ વધારે સારી નોકરીની આવડતો, સ્વતંત્રપણે જીવવાની વધુ કળા, અને વધુ નાણાકીય સરસાઈ ધરાવતા હોય છે. એ કારણે, મૌખિક હુમલાનો શિકાર બનેલી સ્ત્રીને શક્યપણે સપડાયા હોવાની અને એકલા હોવાની લાગણી થઈ શકે. તે શાણારાજા સુલેમાનના કથન સાથે સહમત થઈ શકે: “ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ કરવામાં આવે છે તે સર્વ મેં જોયો; જુલમ વેઠનારાઓનાં આંસુ પડતાં હતાં, અને તેમને દિલાસો દેનાર કોઈ નહોતું; તેમના પર જુલમ કરનારાઓના પક્ષમાં બળ હતું, પણ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું.”—સભાશિક્ષક ૪:૧.
b મૌખિક ગુસ્સો કૌટુંબિક હિંસાના ઉંબરાનું પગથિયું હોય શકે. (સરખાવો નિર્ગમન ૨૧:૧૮.) મારપીટ કરવામાં આવેલી સ્ત્રીઓ માટેના એક સલાહકાર કહે છે: “મારપીટ વિરુદ્ધ, ઘાયલ કરવા વિરુદ્ધ, કે ગળુ દબાવવા વિરુદ્ધ રક્ષણ શોધવા માટે આવેલી દરેક સ્ત્રીના જીવનમાં, બિનશારીરિક અત્યાચારનો એક લાંબો અને પીડાકારી ઇતિહાસ હોય છે.”
પતિ બે અતિરેક વચ્ચે ડગમગ્યા કરે—એક ક્ષણે નમ્ર અને બીજી ક્ષણે ટીકાત્મક—તો પત્ની મૂંઝવાઈ શકે. (સરખાવો યાકૂબ ૩:૧૦.) વધુમાં, તેનો પતિ યથાયોગ્ય રીતે પૂરું પાડનાર હોય તો, કઠોર વાણીનો શિકાર બનેલી પત્ની લગ્નમાં કંઈક વાંધો છે એવું વિચારવા માટે દોષિત હોવાની લાગણી અનુભવી શકે. તે તેના પતિના વર્તન માટે પોતાને પણ દોષ આપી શકે. “શારીરિક મારપીટનો ભોગ બનેલી પત્નીની જેમ,” એક સ્ત્રી કબૂલે છે, “હું હંમેશા વિચારતી કે મારામાં કંઈક વાંધો હતો.” બીજી પત્ની કહે છે: “મને એવું માનવા દોરવામાં આવી હતી કે હું તેમને સમજવામાં જરા વધારે મહેનત કરીશ અને તેમની સાથે ‘ધીરજ રાખીશ’ તો મને શાંતિ મળશે.” દુઃખદપણે, અત્યાચાર ઘણીવાર ચાલુ રહે છે.
એ ખરેખર દુઃખદ છે કે ઘણા પતિઓ જેને પ્રેમ તથા માવજત કરવાની પ્રતિજ્ઞા લીધી હોય છે એ સ્ત્રી પર અંકુશ ચલાવીને પોતાના અધિકારનો દુરુપયોગ કરે છે. (ઉત્પત્તિ ૩:૧૬) પરંતુ એવી પરિસ્થિતિ વિષે શું થઈ શકે? “મારે છોડી જવું નથી,” એક પત્ની કહે છે, “હું ફક્ત એવું ઇચ્છું છું કે તે મારા પ્રત્યેનો અત્યાચાર બંધ કરે.” એક પતિ લગ્નના નવ વર્ષ પછી કબૂલે છે: “મને સમજાયું કે હું મૌખિક અત્યાચારના સંબંધમાં છું અને હું જ અત્યાચારી છું. હું મારી પત્નીને છોડું એને બદલે ચોક્કસપણે બદલાવા માંગું છું.”
હાનિકારક વાણીથી જેઓનું લગ્ન છિન્નભિન્ન થઈ ગયું છે તેઓ માટે મદદ રહેલી છે, જે હવે પછીનો લેખ બતાવશે.
દુઃખદપણે, ઘણા પતિઓ જેને પ્રેમ તથા માવજત કરવાની પ્રતિજ્ઞા લીધી હોય છે એ સ્ત્રી પર અંકુશ ચલાવીને પોતાના અધિકારનો દુરુપયોગ કરે છે
બાળક પોતાના માબાપ એકબીજા સાથે જે રીતે વ્યવહાર રાખે છે એ દ્વારા અસર પામે છે