બાઇબલનું દૃષ્ટિબિંદુ
શું પૃથ્વી અગ્નિથી ભસ્મીભૂત થશે?
ન્યુક્લિયર વિસ્ફોટથી બળીને ખાખ થઈ જશે, મોટા થઈ રહેલા સૂર્યથી બળીને ભસ્મ થઈ જશે, કે ક્રોધી દેવ બાળી નાખશે—નાશની રીત ભિન્ન હોય શકે, પરંતુ ઘણા લોકોને ખાતરી થઈ ચૂકી છે કે ગ્રહ પૃથ્વી, માનવજાતનું ઘર, સર્વનાશ કરતી ભઠ્ઠીમાં, અર્થાત્ મોટા વિનાશથી તેનો અંત આવશે.
કેટલાક લોકો પૃથ્વી વિરુદ્ધ માણસે કરેલા અત્યાચારની ઉપયુક્ત શિક્ષા તરીકે દેવ નિર્દેશિત અગ્નિકાંડનું એંધાણ આપતી બાઇબલની કલમો ટાંકે છે. બીજાઓ ઑસ્ટ્રેલિયામાંની યુનિવર્સિટી ઑફ એડેલેઈડ ખાતેના પ્રાધ્યાપક, પોલ ડેવીસના મંતવ્યનો પડઘો પાડે છે, જે અગ્નિમય વિનાશમાંથી ટાળી ન શકાય એવી પૃથ્વીની ડૂબકી વિષે લખે છે. તે પોતાના પુસ્તક ધ લાસ્ટ થ્રી મિનિટ્સમાં તર્કાધારિત અનુમાન બાંધે છે: “સૂર્ય જેમ વધારે ફૂલે છે તેમ, તે . . . પૃથ્વીને પોતાની જ્વાળામાં ગરક કરશે. આપણો ગ્રહ એક સળગતા અંગારા જેટલો નાનો બની જશે.” પૃથ્વીના ભાવિ વિષે સત્ય શું છે? અગ્નિમય સંપૂર્ણ વિનાશ ભાખતા લાગે એવા બાઇબલનાં શાસ્ત્રવચનો આપણે કઈ રીતે સમજવા જોઈએ?
શું દેવ કાળજી લે છે?
યિર્મેયાહ ૧૦:૧૦-૧૨ ખાતે આપણને માહિતગાર કરવામાં આવ્યા છે: “યહોવાહ સત્ય દેવ છે. . . . તેણે પોતાના સામર્થ્યથી પૃથ્વી બનાવી છે, પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે, ને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે.” દેવે પૃથ્વી બનાવી અને એને મક્કમપણે સ્થાપિત કરી. તેથી તેમણે ડહાપણ, પ્રેમ, અને સમજણથી માનવજાતના સુંદર ઘર તરીકે પૃથ્વીને અચોક્કસ સમય સુધી ટકવા કાળજીપૂર્વક તૈયાર કરી.
દેવે કરેલી માનવજાતની ઉત્પત્તિ વિષે, બાઇબલ અહેવાલ આપે છે: “તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં. અને દેવે તેઓને આશીર્વાદ દીધો; અને દેવે તેઓને કહ્યું, કે સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.” (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) તેમણે ઉત્પત્તિકાર્ય પૂરું કર્યું ત્યારે, તે નિઃશંકપણે જાહેર કરી શક્યા કે “તે ઉત્તમોત્તમ” હતું. (ઉત્પત્તિ ૧:૩૧) તે ઇચ્છતા હતા કે એ એવી જ સ્થિતિમાં રહે. કેટલાક સંભાવ્ય માબાપ પોતાના અપેક્ષિત નવજાત શિશુ માટે ઓરડાની રચના તથા સજાવટ કરે છે તેમ, દેવે સુંદર બાગ બનાવ્યો હતો અને એમાં માણસ આદમને એ વિકસાવવા તથા કાળજી લેવા એમાં મૂક્યો હતો.—ઉત્પત્તિ ૨:૧૫.
આદમે સંપૂર્ણતા અને પૃથ્વીની કાળજી રાખવાની પોતાની ફરજ ત્યજી દીધી. પરંતુ શું દેવે પોતાનો હેતુ ત્યજી દીધો? યશાયાહ ૪૫:૧૮ સૂચવે છે કે તેમણે પોતાનો હેતુ ત્યજી દીધો નહિ: “આકાશોને ઉત્પન્ન કરનાર યહોવાહ તેજ દેવ છે; પૃથ્વીનો બનાવનાર . . . તે છે; તેણે એને સ્થાપન કરી, ઉજ્જડ રહેવા સારૂં એને ઉત્પન્ન કરી નથી, તેણે વસ્તીને સારૂં તેને બનાવી.” (યશાયાહ ૫૫:૧૦, ૧૧ પણ જુઓ.) માણસ રક્ષક તરીકેની પોતાની ફરજથી બેદરકાર રહ્યો છતાં, દેવે પૃથ્વી અને એની પરના જીવન સાથે કરેલો કરાર પાળવાનું ચાલુ રાખ્યું. ઈસ્રાએલના પ્રાચીન રાષ્ટ્રને આપવામાં આવેલા નિયમકરારે દર સાતમા વર્ષે ‘દેશ માટેના સાબ્બાથʼની જોગવાઈ કરી હતી. એમાં પરોપકારી નિયમોનો સમાવેશ થતો હતો જે પશુઓને અમુક અંશે રક્ષણ આપતો. (લેવીય ૨૫:૪; નિર્ગમન ૨૩:૪, ૫; પુનર્નિયમ ૨૨:૧, ૨, ૬, ૭, ૧૦; ૨૫:૪; લુક ૧૪:૫) બાઇબલમાં આ તો ફક્ત થોડા જ ઉદાહરણો છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે દેવ માનવજાત અને દેવે તેને હવાલે સોંપેલી સર્વ બાબતોની ઘણી જ કાળજી રાખે છે.
“પહેલી પૃથ્વી”
તેથી વિસંગત લાગતા બાઇબલના શાસ્ત્રવચનો આપણે કઈ રીતે એકરાગમાં લાવી શકીએ? એવું એક શાસ્ત્રવચન ૨ પીતર ૩:૭ છે, જે, કિંગ જેમ્સ વર્શન અનુસાર, કહે છે: “હમણાંના આકાશ અને પૃથ્વી, એ જ શબ્દથી ન્યાયકાળના દિવસ તથા અધર્મી માણસોના નાશ માટે બાળવાને સારૂં અનામત રાખવામાં આવ્યાં છે.” બીજું શાસ્ત્રવચન પ્રકટીકરણ ૨૧:૧ છે જે જણાવે છે: “મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં: કેમકે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે.”
પીતરના શબ્દો શાબ્દિક રીતે લેવાના હોય અને ગ્રહ પૃથ્વીને ખરા અગ્નિથી બાળી નાખવાની હોય તો, પછી શાબ્દિક આકાશો—તારાઓ અને બીજાં આકાશી પદાર્થો—પણ અગ્નિથી નાશ થવાં જોઈએ. જોકે, એ દૃષ્ટિ માત્થી ૬:૧૦: “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ,” અને ગીતશાસ્ત્ર ૩૭:૨૯: “ન્યાયીઓ દેશનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે,” જેવા શાસ્ત્રવચનોમાં મળી આવતી ખાતરી સાથે વિરોધમાં છે. વધુમાં, તીવ્રપણે ગરમ થઈ ચૂકેલા સૂર્ય અને તારાઓ પર અગ્નિની શું અસર હશે, જે સતતપણે ન્યુક્લિયર વિસ્ફોટ પેદા કરે છે?
બીજી તર્ફે, બાઇબલ “પૃથ્વી” શબ્દાવલી અલંકારિક અર્થમાં વારંવાર વાપરે છે. દાખલા તરીકે, ઉત્પત્તિ ૧૧:૧ કહે છે: “અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી.” અહીં, “પૃથ્વી” શબ્દ સામાન્ય માણસજાત, અથવા માનવ સમાજનો સંદર્ભ ધરાવે છે. (૧ રાજા ૨:૧, ૨; ૧ કાળવૃત્તાંત ૧૬:૩૧ પણ જુઓ.) બીજો પીતર ૩:૫, ૬નો પૂર્વાપર સંબંધ “પૃથ્વી”નો એ જ અલંકારિક ઉપયોગ દર્શાવે છે. એ નુહના દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે, પ્રલયમાં દુષ્ટ માનવ સમાજનો નાશ કરવામાં આવ્યો અને નુહ તથા તેનું કુટુંબ તેમ જ ખુદ ગોળાને બચાવવામાં આવ્યાં. (ઉત્પત્તિ ૯:૧૧) એ જ રીતે, ૨ પીતર ૩:૭ ખાતે, એ કહે છે કે નાશ કરવામાં આવ્યાં એ “અધર્મી માણસો” હતા. એ દૃષ્ટિ આખા બાઇબલ સાથે સહમત થાય છે. નાશ માટે ચિહ્નિત થઈ ચૂકેલો દુષ્ટ સમાજ, અગાઉ ટાંકવામાં આવેલા પ્રકટીકરણ ૨૧:૧માં ઉલ્લેખ પામેલી “પહેલી પૃથ્વી” છે.
ખરેખર, એક કાળજી લેતા પાર્થિવ પિતા પોતાના ઘરની અખંડતા જાળવવા માટે શક્ય બધા પ્રયત્ન કરશે તેમ, યહોવાહ દેવ પોતાની ઉત્પત્તિ વિષે ખુબ જ ચિંતાતુર છે. તેમણે એક વખત અનૈતિક અને દુષ્ટ લોકોને ફળદ્રુપ યરદનની ખીણમાંથી કાઢ્યા હતા અને દેશના નવા રક્ષકોને ખાતરી આપી હતી, જેઓ તેમની સાથે કરારમાં હતા, કે તેઓ તેમના નિયમો પાળશે તો, ‘દેશને અશુદ્ધ કરવાને લીધે એણે અગાઉની પ્રજાને ઓકી કાઢ્યા તેમ તે તેઓને ઓકી કાઢશે નહિ.’—લેવીય ૧૮:૨૪-૨૮.
“નવી પૃથ્વી”
આજે, જાતીયપણે લંપટ, હિંસકપણે નિર્દય, અને રાજકીયપણે ભ્રષ્ટ થયેલા સમાજે પૃથ્વીને પ્રદુષિત કરી છે. ફક્ત દેવ એને ઉગારી શકે. તે બરાબર એમ જ કરશે. પ્રકટીકરણ ૧૧:૧૮ ખાતે, તે જેઓ “પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનું” વચન આપે છે. પુનઃસ્થાપિત અને નવી બનાવેલી પૃથ્વીને દેવનો ભય રાખનારા અને પોતાના સાથી માનવોને નિખાલસપણે પ્રેમ કરનારા લોકોથી વસાવવામાં આવશે. (હેબ્રી ૨:૫; સરખાવો લુક ૧૦:૨૫-૨૮.) દેવના આકાશી રાજ્ય હેઠળના બદલાણો એટલાં અગાધ હશે કે બાઇબલ એને “નવી પૃથ્વી”—એક નવો માનવ સમાજ—કહે છે.
આપણે ગીતશાસ્ત્ર ૩૭:૨૯ જેવાં શાસ્ત્રવચનો વાંચીએ છીએ અને માત્થી ૬:૧૦ ખાતે ઈસુએ કરેલા નિવેદનો સમજીએ છીએ ત્યારે, આપણને ખાતરી થાય છે કે કોઈ અજાણી કુદરતી શક્તિ કે સર્વનાશ કરવાની શક્તિ ધરાવતો માણસ આપણા ગ્રહનો નાશ કરશે નહિ. તેઓ દેવનો હેતુ નિરર્થક કરશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૦; યશાયાહ ૪૦:૧૫, ૨૬) વિશ્વાસુ માનવજાત બેહદ સુંદરતા તથા અનંત આનંદવાળી પરિસ્થિતિ મધ્યે રહેશે. પૃથ્વીના ભાવિ વિષેનું એ સત્ય છે, કેમ કે એ માનવજાતના પ્રેમાળ ઉત્પન્નકર્તાનો હેતુ છે અને હંમેશા રહ્યો છે.—ઉત્પત્તિ ૨:૭-૯, ૧૫; પ્રકટીકરણ ૨૧:૧-૫.