યહોવાહે
અમારો માર્ગ સરળ બનાવ્યો
મારો જન્મ સ્વિટ્ઝર્લૅન્ડમાં જૂગ રાજ્યના એક નગર, ખામની નજીક ૧૯૨૪માં થયો હતો. મારા માબાપને ૧૩ બાળકો હતા—૧૦ છોકરા અને ૩ છોકરીઓ. હું સૌથી મોટો છોકરો હતો. બે છોકરાઓ નાનપણમાં જ મરી ગયા. મહા મંદી દરમિયાન અમે બાકી રહેલાઓનો ઉછેર એક ફાર્મ પર ચુસ્ત કૅથલિક તરીકે થયો.
પપ્પા પ્રમાણિક અને સારા-સ્વભાવના વ્યક્તિ હતા, પરંતુ તેમને ક્યારેક ક્રોધના દૌરા પડતા હતા. એક પ્રસંગે, માએ પોતાની અદેખાઈને કારણે પપ્પા પર અન્યાયી રીતે વાંક કાઢ્યો ત્યારે તેમણે માને માર પણ માર્યો. તે અમારા પડોશની સ્ત્રીઓ સાથે તેમની વાતચીત સહન નહિ કરી શકતી, જોકે તેમની વફાદારી પર શંકા કરવાને તેની પાસે કોઈ કારણ નહોતું. એ બાબતથી હું ખૂબ જ દુ:ખી થઈ જતો હતો.
મા ખૂબ જ વહેમીલી હતી. તે નાની ઘટનાઓને પણ “શોધનાગ્નિમાંના કમભાગી જીવો” તરફથી ચિહ્નો સમજતી. હું આવા ભોળપણને ધિક્કારતો હતો. પરંતુ પાદરીઓ તેની જૂઠી ધાર્મિક વિચારસરણીને ટેકો આપનાર વાંચન સામગ્રી આપીને તેની વહેમીલી માન્યતાઓને પોષતા હતા.
મને પ્રશ્નો હતા
બાળપણથી જ, મારા મનમાં દેવ અને માણસના પ્રારબ્ધ વિષેના પ્રશ્નો હતા. મેં તર્કપૂર્ણ નિષ્કર્ષોએ પહોંચવાની કોશિશ કરી, પરંતુ એમાં ઘણી બધી વિસંગતતા હતી! મેં સંતો, ચમત્કારો અને વગેરે સંબંધી કૅથલિક પ્રકાશનો વાંચ્યા. છતાં પણ, એનાથી મારી તર્કબુદ્ધિ સંતુષ્ટ ન થઈ. મને એવું લાગ્યું જાણે હું અંધકારમાં ફાંફાં મારી રહ્યો છું.
અમારા અહીંના પાદરીએ મને સલાહ આપી કે પોતાના પ્રશ્નો પર વિચાર ન કરું. તેમણે કહ્યું કે બધું જ સમજવાની ઇચ્છા રાખવી ઘમંડનું ચિહ્ન છે અને દેવ અહંકારી લોકોથી દૂર રહે છે. મને એ શિક્ષણથી ખાસ કરીને સખત અણગમો હતો કે જે કોઈ પોતાના પાપ સ્વીકાર્યા વગર જ મરી જાય છે તેમને દેવ બળતા નર્કમાં હંમેશા યાતના આપશે. એનો અર્થ પૃથ્વી પરના મોટા ભાગના માનવીઓ હંમેશ માટે યાતના ભોગવશે થતો હોવાથી, મને ઘણી વાર આશ્ચર્ય થતું, ‘એ દેવના પ્રેમ સાથે કેવી રીતે બંધબેસી શકે?’
મેં પાપ કબૂલાતના કૅથલિક આચરણ પર પણ પ્રશ્ન ઊઠાવ્યો. અમને કૅથલિક શાળામાં જણાવવામાં આવ્યું કે ભૂંડા વિચાર ગંભીર પાપ છે અને એ એક પાદરી સમક્ષ કબૂલવાની જરૂર છે ત્યારે હું ડરી ગયો. હું આશ્ચર્ય પામતો: ‘શું મેં યાદ કરીને તમામ બાબતના પાપ કબૂલ કર્યા છે? અથવા શું હું કંઈક બાબત ભૂલી ગયો છું, જેના કારણે મારી પાપ કબૂલાત અમાન્ય થઈ જશે અને મારા પાપ માફ નહિ કરવામાં આવશે?’ આ રીતે દેવની દયા અને માફ કરવાની તેમની તત્પરતા વિષે મારા હૃદયમાં શંકાના બી વવાયા.
લગભગ ત્રણ કે ચાર વર્ષ સુધી, હું ઉદાસ કરનાર વિચારો સામે લડતો રહ્યો જેણે મને થકવી દીધો. મેં દેવ પરનો સર્વ વિશ્વાસ તરછોડવા વિચાર્યું. પરંતુ પછી પાછું વિચારતો, ‘હું પ્રયાસ કરીશ તો, ચોક્કસ મને ખરો માર્ગ મળશે.’ સમય જતાં, મને દેવના અસ્તિત્વ પર વિશ્વાસ થઈ ગયો, પરંતુ હું મારી ધાર્મિક માન્યતાઓ વિષેની અનિશ્ચિતતાથી હેરાન-પરેશાન હતો.
નાનપણથી જ ઠસાવવામાં આવ્યું હોવાના કારણે, હું માનતો હતો કે ઈસુ ખ્રિસ્તના મનમાં રોમન કૅથલિક ચર્ચ હતું જ્યારે તેમણે પ્રેષિત પીતરને કહ્યું: “આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ.” (માત્થી ૧૬:૧૮) હું એ માનવા લાગ્યો કે છેવટે ચર્ચના સારા ભાગો જીત મેળવશે, અને એ ધ્યેય મેળવવા માટે, હું ચર્ચને સહકાર આપવા માંગતો હતો.
લગ્ન અને કુટુંબ
કુટુંબમાં સૌથી મોટો પુત્ર હોવાથી, હું મારા પિતા સાથે ખેતરમાં કામ કરતો હતો જ્યાં સુધી કે મારો નાનો ભાઈ મારી જગ્યા લેવાને યોગ્ય ન થઈ ગયો. ત્યાર પછી હું કૅથલિક કૃષિ શાળા ગયો, જ્યાં મેં માસ્ટરની ઊપાધિ મેળવી. પાછળથી, મેં લગ્ન સાથી જોવાની શરૂઆત કરી.
મારી એક બહેન દ્વારા, મારી ઓળખાણ મારિયા સાથે થઈ ગઈ. મને ખબર પડી કે તેણે એક એવો પતિ મેળવવા માટે પ્રાર્થના કરી હતી કે જેની સાથે તે અનંતજીવન મેળવવાને પ્રયાસ કરી શકે. અમે અમારી લગ્ન જાહેરાતમાં લખ્યું: “પ્રેમમાં એક અમે સુખની શોધમાં છીએ, અમે અમારી નજર દેવ પર કેન્દ્રિત કરી છે. અમારો માર્ગ છે જીવન, અને અમારો ધ્યેય અનંત સુખ છે.” અમારું લગ્ન જૂન ૨૬, ૧૯૫૮માં ઝુરીખ પાસે, કૉન્વન્ટ ફારમાં થયું.
મારિયા અને હું એક જ પાર્શ્વભુમિકાના હતા. તે અતિશય ધાર્મિક કુટુંબની હતી અને સાત બાળકોમાં સૌથી મોટી હતી. તે સર્વ ખેતરની જવાબદારી, શાળાનું કામકાજ, અને ચર્ચમાં હાજરી આપવામાં વ્યસ્ત રહેતા હતા, એથી રમવા માટે થોડો જ સમય રહેતો હતો. અમારા લગ્નના શરૂઆતના વર્ષો સહેલાં નહોતાં. ધાર્મિક બાબતો પરના મારા અનેક પ્રશ્નોને કારણે, મારિયાને શંકા થવા માંડી કે તેણે યોગ્ય માણસ સાથે લગ્ન કર્યા છે કે નહિ. તેણે ચર્ચ શિક્ષણો કે યુદ્ધો, ધર્મયુદ્ધો અને ઈન્ક્વીઝીશનને ટેકો આપનાર ચર્ચ આચરણો પર પ્રશ્ન ઊઠાવવાની ના પાડી દીધી. તેમ છતાં, અમે બંનેએ અમારો ભરોસો દેવ પર મૂક્યો અને અમને ખાતરી હતી કે અમે તેમની ઇચ્છા પ્રમાણે કરવાનું શોધતા હોવાથી, તે અમને કદી તજશે નહિ.
વર્ષ ૧૯૫૯માં અમે પૂર્વ સ્વિટ્ઝર્લૅન્ડમાં હોમબર્ગ પાસે એક ફાર્મ ભાડે રાખ્યું. એ ૩૧ વર્ષ સુધી અમારું ઘર હતું. માર્ચ ૬, ૧૯૬૦માં અમારો પહેલો પુત્ર યોસેફ જન્મ્યો. ત્યાર પછી તેના છ ભાઈ અને એક બહેન, રાહેલ જન્મી. મારિયાએ પોતાને અતિગહન સિદ્ધાંતો પ્રત્યે વિશ્વાસુ, એક ન્યાયી અને નિષ્પક્ષપાતી મા સાબિત કરી છે. તે અમારા કુટુંબ માટે એક સાચેસાચો આશીર્વાદ છે.
બાઇબલ સત્ય શોધવું
ધીમેધીમે, અમારી ધાર્મિક અજ્ઞાનતા વધુને વધુ અસહ્ય થવા લાગી. વર્ષ ૧૯૬૦ના દાયકાની આંખરમાં, અમે કૅથલિક પીપલ્સ હાઈસ્કૂલમાં વ્યાખ્યાનો સાંભળવા માટે જવા લાગ્યા, પરંતુ અમે પહેલા કરતાં વધારે ગૂંચવણમાં પડી ઘરે પાછા ફરતા. વક્તાઓ પોતાના જ વિચારો જણાવતા હતા, કોઈ શાસ્ત્રીય આધાર નહોતા બતાવતા. વર્ષ ૧૯૭૦ની શરૂઆતમાં, મેં ઈસુના શબ્દો પર વિચાર કર્યો: “જો તમે બાપ પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે તે આપશે. . . . માગો, ને તમને મળશે.”—યોહાન ૧૬:૨૩, ૨૪.
દેવના શબ્દમાંથી આ ખાતરી મેળવીને મેં વારંવાર પ્રાર્થના કરી: “પિતા, કૅથલિક ચર્ચ જ સાચો ધર્મ હોય તો, કૃપા કરીને મને એ અચૂક રીતે બતાવ. પરંતુ એ ખોટો હોય તો, એ પણ મને એકદમ સ્પષ્ટ રીતે બતાવ અને હું દરેકને જણાવીશ.” પહાડ પરના ભાષણમાં ઈસુની ‘માગતા રહો’ માહિતી અનુસરીને મેં વારંવાર વિનંતી કરી.—માત્થી ૭:૭, ૮.
મારિયા સાથે મારી વાતચીતો—ખાસ કરીને “સંતો”ની ઉપાસના, શુક્રવારે માંસ ખાવા વિષે અને વગેરે સંબંધી ૧૯૬૦ના દાયકામાં કૅથલિક શિક્ષણોમાં થયેલ ફેરફારો વિષે—ને કારણે છેવટે તેને શંકાઓ થવા લાગી. એક વખતે, ૧૯૭૦ની વસંતમાં મીસમાં હાજરી આપતી વખતે, તેણે પ્રાર્થના કરી: “હે દેવ, અમને અનંતજીવનનો માર્ગ બતાવો. અમે કંઈ જાણતા નથી કે ખરો માર્ગ કયો છે. હું કોઈ પણ વાત માનીશ, પરંતુ અમારા આખા કુટુંબ માટે ખરો માર્ગ બતાવો.” અમે જાણી ન લીધું કે અમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે ત્યાં સુધી, હું તેની પ્રાર્થના વિષે જાણતો ન હતો અને તે મારી પ્રાર્થના વિષે જાણતી ન હતી.
બાઇબલ સત્ય મેળવવું
વર્ષ ૧૯૭૦ની શરૂઆતમાં એક રવિવાર સવારે દેવળમાંથી પાછા ફર્યા પછી, અમારા દરવાજો ખખડાવવામાં આવ્યો. પોતાના દસ વર્ષના છોકરા સાથે આવેલા માણસે પોતાને યહોવાહના સાક્ષી તરીકે ઓળખાવ્યો. હું બાઇબલ ચર્ચા માટે સહમત થયો. યહોવાહના સાક્ષીઓ વિષે મને જે કંઈ કહેવામાં આવ્યું હતું એ કારણે મેં વિચાર્યું કે હું તેને સહેલાઈથી ખોટો સાબિત કરી દઈશ, મને ખબર નહોતી કે તેઓ ખૂબ જ માહિતી-સંપન્ન લોકો છે.
અમારી ચર્ચા બે કલાક સુધી ચાલી પણ સંતોષકારક પરિણામ આવ્યું નહિ, અને પછીના રવિવારે પણ એમ જ થયું. હું ત્રીજી ચર્ચાની અપેક્ષા રાખતો હતો, પરંતુ સાક્ષી આવ્યો નહિ. મારિયાએ કહ્યું કે તે સમજ્યો હશે કે એનો કંઈ ફાયદો નથી. તે બે અઠવાડિયા પછી પાછો ફર્યો ત્યારે હું ખુશ હતો. તરત જ મેં કહ્યું: “૩૫ વર્ષથી હું નર્ક વિષે વિચારી રહ્યો છું. હું એ સ્વીકારી જ નથી શકતો કે દેવ, જે પ્રેમ છે, આટલી ક્રૂર રીતે પોતાના પ્રાણીઓને પીડા આપશે.”
“તમે સાચું કહો છો,” સાક્ષીએ જવાબ આપ્યો. “બાઇબલ એવું નથી શીખવતું કે નર્ક વેદનાનું સ્થળ છે.” તેણે મને બતાવ્યું કે શેઓલ અને હાડેસ માટે હેબ્રી અને ગ્રીક શબ્દો, જેને કૅથલિક બાઇબલમાં હંમેશા “નર્ક” ભાષાંતર કરવામાં આવે છે, ફક્ત સામાન્ય કબરને સૂચવે છે. (ઉત્પત્તિ ૩૭:૩૫; અયૂબ ૧૪:૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૧) વધુમાં, તેમણે એ કલમો વાંચી જે સાબિત કરે છે કે માનવ જીવ મર્ત્ય છે અને પાપની શિક્ષા મરણ છે, વેદના નહિ. (હઝકીએલ ૧૮:૪; રૂમી ૬:૨૩) એ બાબતે, મને સ્પષ્ટ સમજાવા લાગ્યું કે મને આખા જીવન પર્યંત ધાર્મિક જૂઠાણાંના અંધકારમાં રાખવામાં આવ્યો હતો. હવે હું વિચારવા લાગ્યો કે ચર્ચના અન્ય મતો પણ ખોટા છે.
હું વધારે છેતરાવા માંગતો નહોતો, એથી મેં એક કૅથલિક બાઇબલ કોશ અને પોપોનો પાંચ-ગ્રંથિય ઇતિહાસ ખરીદ્યો. એ પ્રકાશનોને છાપવાનો પરવાનો હતો, અર્થાત રોમન કૅથલિક બિશપ સત્તાએ એને છાપવાની મંજૂરી આપી હતી. પોપોનો ઇતિહાસ વાંચવાથી હું વાકેફ થયો કે તેઓમાંનાં અમુક જગતના સૌથી ખરાબ ગુનેગારોમાંના હતા! અને બાઇબલ કોશ તપાસવાથી, મને જાણવા મળ્યું કે ત્રૈક્ય, નર્કાગ્નિ, શોધનાગ્નિ, અને ચર્ચના બીજા અનેક શિક્ષણો બાઇબલ આધારિત નથી.
હવે હું સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવા માટે તૈયાર હતો. શરૂઆતમાં, મારિયા ફક્ત સભ્યતા બતાવવા માટે બેસી જતી, પરંતુ જલદી જ તેણે શીખેલી બાબતોને સ્વીકારી લીધી. ચાર મહિના પછી મેં કૅથલિક ચર્ચ છોડી દીધું અને પાદરીને જણાવી દીધું કે અમારાં બાળકો હવે ધાર્મિક વર્ગોમાં જશે નહિ. પછીના રવિવારે પાદરીએ પોતાના ચર્ચ-સભ્યોને યહોવાહના સાક્ષીઓ વિષે ચેતવ્યા. મેં બાઇબલનો ઉપયોગ કરીને પોતાની માન્યતાઓનો બચાવ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ પાદરી આવી ચર્ચા માટે સહમત ન થયો.
એ પછી અમે ઝડપી પ્રગતિ કરી. છેવટે, મેં અને મારી પત્નીએ ડિસેમ્બર ૧૩, ૧૯૭૦માં પાણીના બાપ્તિસ્મા દ્વારા યહોવાહને પોતાનું સમર્પણ ચિહ્નિત કર્યું. એક વર્ષ પછી, મારે ખ્રિસ્તી તટસ્થતાના વાદવિવાદને કારણે બે મહિના જેલમાં વિતાવવા પડ્યા. (યશાયાહ ૨:૪) એ ટૂંકા સમયગાળા માટે પણ, મારી પત્નીને આંઠ બાળકો સાથે છોડવી સહેલું નહોતું. બાળકોની ઉંમર ફક્ત ૪ મહિનાથી ૧૨ વર્ષ સુધીની હતી. એ ઉપરાંત, અમારી પાસે ખેતર અને પાલતુ જાનવર હતા જેની સંભાળ રાખવાની હતી. પરંતુ યહોવાહની મદદથી, તેઓ મારા વગર પહોંચી વળ્યા.
રાજ્ય હિતોને આગળ રાખવા
અમારા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ, કદી મંડળની સભા ચૂકતું નહિ સિવાય કે કોઈ બીમાર થાય. અને અમે અમારા કામના ભારણની વ્યવસ્થા એ રીતે કરતા હતા કે અમે કદી કોઈ પણ મોટા મહાસંમેલનોમાં ચૂકતા નહિ. જલદી જ અમારા મેડા પરની બાળકોની રમતો એ બાબતોનો અભિનય કરવા પર કેન્દ્રિત હતી જે તેઓ ખ્રિસ્તી સભાઓમાં અવલોકતા હતા. દાખલા તરીકે, તેઓ એક બીજાને વિદ્યાર્થી વાર્તાલાપ સોંપતા અને રજૂઆતોનો મહાવરો કરતા. આનંદની બાબત છે કે, તેઓ સર્વએ અમારી આત્મિક માહિતીને પ્રત્યુત્તર આપ્યો. મને હજુ પણ યાદ છે કે જ્યારે એક સરકીટ સંમેલનમાં મારું અને મારી પત્નીનું ઇન્ટર્વ્યૂં લેવામાં આવ્યું હતું, અમારા આંઠ બાળકો એક હરોળમાં બેસીને—મોટાથી માંડીને નાના સુધી—ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા.
અમારા બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરવા અમારી મુખ્ય ચિંતા બની ગઈ. (એફેસી ૬:૪) અમે અમારું ટેલિવિઝન દૂર કરવાનો નિર્ણય કર્યો, અને અમે હંમેશા ઉત્સાહી સાથી ખ્રિસ્તીઓને અમારે ઘરે આમંત્રણ આપતા જેથી અમારા બાળકો તેમના અનુભવો અને ઉત્સાહથી લાભ મેળવી શકે. અમે ધ્યાન રાખતા હતા કે અવિચારી વાત અને બીજાઓની ટીકા ન કરવામાં આવે. કોઈ ભૂલ કરે તો, અમે એ બાબત પર વાત કરતા અને કોઈ ખાસ કારણોને ધ્યાનમાં લેતા. અમે પરિસ્થિતિને વાજબી રીતે અને ન્યાયપૂર્વક જોવામાં પોતાના બાળકોને મદદ કરવા પ્રયાસ કર્યો. અમે અન્ય યુવાનિયાઓ સાથે સરખામણી કરવાનું નિવાર્યું. અને અમે બાળકોને વધુ પડતાં લાડ લડાવીને બગાડવા કે તેમના વર્તનના પરિણામોથી બચાવવું પણ નિવાર્યું.—નીતિવચન ૨૯:૨૧.
છતાં, પોતાના બાળકોને ઉછેરવા સમસ્યા રહિત નહોતું. દાખલા તરીકે, એક વખત સહાધ્યાયીઓએ તેને એક દુકાનમાંથી પૈસા આપ્યા વગર કેન્ડી લેવાને ઉશ્કેર્યો. અમને એ વાતની ખબર પડી ત્યારે, અમે અમારા બાળકોને પૈસા આપવા અને માફી માંગવા માટે દુકાને પાછા મોકલ્યો. એવું કરવામાં તેમને શરમ તો લાગી, પરંતુ તેઓ પ્રમાણિકતાનો પાઠ શીખ્યા.
પ્રચારકાર્યમાં અમારી સાથે આવવાને પોતાના બાળકોને બળજબરી કરવાને બદલે, અમે એ કાર્યને પ્રાધાન્ય આપીને ઉદાહરણ બેસાડ્યું. બાળકોએ જોયું કે અમે સભાઓ અને ક્ષેત્રસેવાને ખેતર સાથે સંકળાયેલા કામથી મોખરે રાખતા હતા. અમારા આંઠ બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેરવાના અમારા પ્રયાસો પર નિશ્ચે આશીર્વાદ મળ્યો.
અમારો સૌથી મોટો છોકરો જોસેફ, એક ખ્રિસ્તી વડીલ છે અને તેણે પોતાની પત્ની સાથે સ્વિટ્ઝર્લૅન્ડમાં યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીમાં કેટલાય વર્ષો સેવા કરી છે. થોમાસ એક વડીલ છે, અને તે અને તેની પત્ની પાયોનિયર છે, જે પૂરા-સમયના સેવકોને કહેવામાં આવે છે. ડેનિયેલે ચેમ્પિયન સાયકલિસ્ટનો પોતાનો ધંધો છોડી દીધો છે, તે એક વડીલ છે, અને તે અને તેની પત્ની અન્ય મંડળમાં પાયોનિયર છે. બૅનો અને તેની પત્ની કેન્દ્રિય સ્વિટ્ઝર્લૅન્ડમાં સક્રિય સેવક છે. અમારો પાંચમો છોકરો, ક્રિસ્ટયાન અમે જે મંડળમાં હાજરી આપીએ છીએ એ જ મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. તે પરિણીત છે અને તેને બે બાળકો છે. ફ્રાંટ્સ બર્નના એક મંડળમાં પાયોનિયર અને વડીલ છે, અને ઉર્સ જે પહેલા સ્વિટ્ઝર્લૅંન્ડ શાખા કચેરીમાં સેવા કરતો હતો, પરિણીત છે અને પાયોનિયર તરીકે સેવા કરી રહ્યો છે. અમારી એકનીએક દીકરી રાહેલ અને તેનો પતિ પણ કેટલાય વર્ષો સુધી પાયોનિયર હતા.
મારા બાળકોના ઉદાહરણને અનુસરતા, જૂન ૧૯૯૦માં દુન્યવી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી, હું પણ પાયોનિયર બની ગયો. મારા પોતાના અને મારા કુટુંબના જીવનને પાછું ફરીને જોવાથી, હું ચોક્કસ કહું છું કે યહોવાહે અમારો માર્ગ સરળ બનાવ્યો અને અમારા પર “સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો” આશીર્વાદ વર્ષાવ્યો છે.—માલાખી ૩:૧૦.
મારી પ્રિય પત્નીની મનપસંદ બાઇબલ કલમ છે: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) અને મારી કલમ: “તું યહોવાહમાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૪) અમે બંનેએ આ સુંદર વક્તવ્યોના સત્યનો અનુભવ કર્યો છે. અમારો ધ્યેય છે અમારા બાળકો અને તેમના કુટુંબો સહિત, અમારા દેવ યહોવાહની હંમેશ માટે સ્તુતિ કરવી.—યોજેફ હેગલીના જણાવ્યા પ્રમાણે.