વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧/૮ પાન ૪
  • જીત અને હાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીત અને હાર
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • છેવટે, ઇલાજ!
  • પ્રાણઘાતક પુનરાગમન
  • શા માટે પ્રાણઘાતક પુનરાગમન?
  • એચઆઈવી અને ટીબી—બેવડી મુશ્કેલી
  • અનેક દવાનો પ્રતિરોધક ટીબી
  • અવરોધ અને ઇલાજ
  • ફેફસાંના રોગ
    સજાગ બનો!—૧૯૯૯
  • પ્રાણઘાતક જોડી
    સજાગ બનો!—૧૯૯૮
  • કરોડોનું જીવન લેનાર
    સજાગ બનો!—૧૯૯૮
  • ટ્યૂબરક્યુલોસીસ ફરીથી હુમલો કરે છે!
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧/૮ પાન ૪

જીત અને હાર

“છેલ્લાં ત્રીસ વર્ષનો ટીબીનો ઇતિહાસ જીત અને હાર રહ્યો છે—એ વૈજ્ઞાનિકોની જીત છે જેઓએ રોગને કાબૂમાં લઈને છેવટે નાબૂદ કરવાનું સાધન પૂરું પાડ્યું, અને તેઓની શોધનો ભરપૂર લાભ લેવામાં વિસ્તૃત નિષ્ફળતા એક હાર છે.”

—જે. આર. બીગનલ, ૧૯૮૨.

ફેફસાંનો રોગ (ટીબી) લાંબા સમયથી ભોગ લઈ રહ્યો છે. યુરોપવાસીઓ દક્ષિણ અમેરિકા દરિયાથી પહોંચ્યા એના લાંબા સમય પહેલાં એણે પેરુના ઈન્કાસને પીડા આપી. મિસરમાં ફારુનના જાહોજલાલીવાળા શાસનમાં પણ એનો હુમલો થયો. પ્રાચીન સમયનાં લખાણો બતાવે છે કે ટીબીએ પ્રાચીન બાબેલોન, ગ્રીસ, અને ચીનમાં ગરીબથી માંડીને તવંગર સુધીના સર્વનો શિકાર કર્યો છે.

પશ્ચિમ જગતમાં, ૧૮મી સદીથી માંડીને ૨૦મી સદીની શરૂઆત સુધી, ટીબી મરણનું મુખ્ય કારણ હતું. છેવટે, ૧૮૮૨માં જર્મન ડૉક્ટર રોબર્ટ કૉચએ રોગના કીટાણુંની શોધ થયાનું અધિકૃતપણે જાહેર કર્યું. તેર વર્ષ પછી વીલહેમ રોન્ટજનએ એક્સ-રેનું સંશોધન કર્યું, જેણે ટીબીનાં લક્ષણોવાળી જીવંત વ્યક્તિઓનાં ફેફસાંની જાંચતપાસ કરવાનું શક્ય બન્યું. પછી, ૧૯૨૧માં ફ્રેંચ વૈજ્ઞાનિકોએ ટીબી પ્રતિકાર રસી ઉત્પન્‍ન કરી. એની શોધ કરનારા વૈજ્ઞાનિકોનાં નામ પરથી બીસીજી (બસિલસ્‌ કેલમેટ-ગેરીન) એકમાત્ર રોગ પ્રતિકારક પ્રાપ્ય રસી છે. તથાપિ, ટીબીએ આઘાતજનક સંખ્યામાં જીવન ભરખી જવાનાં ચાલુ રાખ્યાં.

છેવટે, ઇલાજ!

તબીબોએ ટીબીના દરદીઓને સારવાર કેન્દ્રોમાં મોકલ્યા. આ હૉસ્પિટલો સામાન્યપણે પર્વતોમાં હતી, જ્યાં દરદી આરામ કરી અને તાજી હવામાં શ્વાસ લઈ શકે. પછી ૧૯૪૪માં, યુનાઇટેડ સ્ટેટસના ડૉક્ટરોએ ટીબી વિરુદ્ધ અસરકારક સૌપ્રથમ એન્ટીબાયોટિક, સ્ટ્રેપ્ટોમાયસીન શોધી કાઢી. બીજી ટીબી-વિરોધી દવાઓનો વિકાસ ઝડપથી થયો. છેવટે, ટીબી દરદીઓ, તેઓના પોતાના ઘરે પણ, સાજા થઈ શકે.

રોગના ચેપનો દર ઢળતો ગયો તેમ, ભાવિ ઉજ્જવળ દેખાવા લાગ્યું. સારવાર કેન્દ્રો બંધ થયા, અને ટીબી સંશોધન માટેનો ફાળો બંધ થવા માંડ્યો. અવરોધક કાર્યક્રમો ત્યજી દેવાયા, અને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો નવા તબીબી પડકારો શોધવા માડ્યા.

અવિકસિત જગતમાં ટીબી હજુ જીવન ભરખી રહ્યો હતો છતાં, નિશ્ચે બાબતો સુધરવાની હતી. ટીબી ઇતિહાસ બની ગયો. લોકોએ એમ વિચાર્યું, પરંતુ તેઓ ખોટા હતા.

પ્રાણઘાતક પુનરાગમન

મધ્ય-૧૯૮૦ના દાયકામાં, ટીબીએ ભયજનક અને પ્રાણઘાતક પુનરાગમન શરૂ કર્યું. પછી, એપ્રિલ ૧૯૯૩માં, વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન (ડબલ્યુએચઓ, હૂ)એ ટીબીને “ગોળાવ્યાપી કટોકટી” જાહેર કરતા ઉમેર્યું કે “એના ફેલાવાને રોકવા તત્કાળ પગલાં લેવામાં નહિ આવે તો પછીના દાયકામાં એ રોગ ત્રણ કરોડથી વધુ જીવનનો ભોગ લેશે.” હૂના ઇતિહાસમાં આ પ્રકારની એ પહેલી જાહેરાત હતી.

ત્યારથી માંડીને, કોઈ પણ “તત્કાળ પગલાં”એ પ્રસરતા રોગને તાબે કર્યો નથી. હકીકતમાં, પરિસ્થિતિ વણસી છે. તાજેતરમાં, હૂએ અહેવાલ આપ્યો કે ઇતિહાસમાં કોઈ પણ વર્ષ કરતાં ૧૯૯૫માં વધુ લોકો ટીબીથી નાશ પામ્યા. હૂએ એવી પણ ચેતવણી આપી કે આવતા ૫૦ વર્ષોમાં વધુ ૫૦ કરોડ લોકો ટીબીથી બીમાર થઈ શકે. વધુને વધુ લોકો મોટેભાગે અસાધ્ય, ઘણી દવાઓના પ્રતિરોધક ટીબીના ભોગ બનશે.

શા માટે પ્રાણઘાતક પુનરાગમન?

એક કારણ એ છે કે ગત ૨૦ વર્ષોમાં, જગતના ઘણા ભાગોમાંથી ટીબી-નિયંત્રણ કાર્યક્રમો ઓછા અથવા અદૃશ્ય થતા ગયા છે. એ કારણે રોગિષ્ટ વ્યક્તિઓનો રોગ પારખવા અને સારવાર કરવામાં વિલંબ થયો છે. એનું પરિણામ, વધુ મરણો અને રોગનો ફેલાવો થયું છે.

ટીબીના પુનરાગમનનું બીજું કારણ અવિકસિત જગતના અતિ મોટા ભરચક શહેરોમાં રહેતા ગરીબ, અપૂરતા પોષણવાળા લોકોમાં વધારો છે. ટીબી ગરીબ વસ્તી પૂરતો જ મર્યાદિત નથી-કેમ કે એ તો કોઈને પણ થઈ શકે-એ જ સમયે, બિનઆરોગ્યપ્રદ અને ભરચક વાતાવરણ એકથી બીજી વ્યક્તિને સહેલાઈથી ચેપ લગાડે છે. એવું વાતાવરણ રોગનો સામનો કરવાની લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી બનાવી દે એવી સંભાવના પણ વધારે છે.

એચઆઈવી અને ટીબી—બેવડી મુશ્કેલી

મોટી સમસ્યા એ છે કે ટીબીએ એઈડ્‌સના ઝેરી તત્ત્વ, એચઆઈવી સાથે જીવલેણ મિત્રતા બાંધી છે. અંદાજ અનુસાર, ૧૯૯૫માં એઈડ્‌સ-સંબંધિત કારણોથી મરણ પામેલા દસ લાખ લોકોમાંના કદાચ એક તૃત્યાંશ ટીબીથી મરી ગયા. એનું કારણ એ છે કે એચઆઈવી, ટીબીનો પ્રતિકાર કરવાની શરીરની ક્ષમતા નબળી બનાવે છે.

મોટા ભાગના લોકોમાં ટીબીનો ચેપ બીમાર કરવા સુધી કદી પણ પહોંચતો નથી. શા માટે? કારણ કે ટીબીના કીટાણું મેક્રોફેગસ કહેવાતા કોશોમાં કેદ થયેલા હોય છે. ત્યાં એઓ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ, ખાસ કરીને ટી લીમ્ફોસાઈટ્‌સ, અથવા ટી કોશો દ્વારા કેદ થાય છે.

ટીબીના કીટાણું સજ્જડ-બંધ ઢાંકણવાળી ટોપલીમાંના નાગ જેવા છે. ટોપલી મેક્રોફેગસ છે, અને ઢાંકણ ટી કોશો છે. તેમ છતાં, એઈડ્‌સના ઝેરી તત્ત્વો દૃશ્યમાન થાય છે ત્યારે, એ ટોપલી પરથી ઢાંકણ ખોલી નાખે છે. આમ થાય છે ત્યારે, કીટાણુ બહાર સરકી જાય છે અને શરીરના કોઈ પણ ભાગનો વિનાશ કરવા મુક્ત થઈ જાય છે.

તેથી, તંદુરસ્ત રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો કરતાં એઈડ્‌સના દરદીઓ સક્રિય ટીબી વિકસાવે એ વધુ સંભવિત છે. “એચઆઈવીવાળા લોકો માની ન શકાય એટલા અસરગ્રસ્ત છે,” સ્કૉટલૅન્ડમાંના એક ટીબી નિષ્ણાતે કહ્યું. “લંડનમાંના દવાખાનાના બે એચઆઈવી દરદીઓને, એક ટીબી દરદીને સ્ટ્રેચરમાં તેઓ પાસેથી લઈ જવામાં આવ્યો એ પરસાળમાં બેઠા પછી રોગનો ચેપ લાગ્યો.”

આમ, એઈડ્‌સે ટીબીનો રોગ ફેલાવવામાં ભાગ ભજવ્યો છે. એક અંદાજ અનુસાર, ૨૦૦૦ના વર્ષ સુધીમાં, એઈડ્‌સનો રોગ ટીબીના ૧૪ લાખ કિસ્સાઓમાં પરિણમશે જે અન્યથા બન્યું ન હોત. ટીબી વધવાનો મહત્ત્વનો ઘટક ફક્ત એ જ નથી કે એઈડ્‌સનો ભોગ બનેલાઓને રોગ લાગવાનું સૌથી વધુ જોખમ રહેલું છે. પરંતુ તેઓ એઈડ્‌સ ન હોય એવી વ્યક્તિઓ સમેત, બીજા લોકોને પણ ટીબી પસાર કરી શકે છે.

અનેક દવાનો પ્રતિરોધક ટીબી

ટીબી વિરુદ્ધ લડત વધુ મુશ્કેલ બનાવતો આખરી ઘટક એવા પ્રકારના ટીબીનો ઉદ્‍ભવ છે જે અનેક દવાનો પ્રતિરોધ કરે છે. અસામાન્ય પ્રકારનો આ ટીબી ફરીથી એને એન્ટિબાયોટિક્સના યુગ પહેલાં હતું તેમ, અસાધ્ય બનાવવાની ધમકી ખડી કરે છે.

કટાક્ષપણે જોતા, અનેક દવાના-પ્રતિરોધક ટીબીનું મુખ્ય કારણ ટીબી-વિરોધી દવા લેવામાં અનિયમિતપણું છે. ટીબીની અસરકારક સારવાર ઓછામાં ઓછા છ મહિના ચાલે છે અને દરદી નિયમિતપણે દવાના ચાર ભાગ લે એ જરૂરી બનાવે છે. દરદીને દિવસની ડઝન ગોળીઓ પણ ગળવી પડે. દરદી નિયમિતપણે દવા ન લે અથવા સારવાર પૂરી ન કરે તો, ટીબીનો અસામાન્ય પ્રકાર ઉદ્‍ભવે છે જેને નાબૂદ કરવો મુશ્કેલ અથવા તો અશક્ય છે. કેટલાક અસામાન્ય પ્રકાર તો સામાન્ય ટીબીની સાત પ્રકારની દવાનો પ્રતિકાર કરે છે.

અનેક દવાના-પ્રતિરોધક ટીબીના દરદીની સારવાર કરવી માત્ર મુશ્કેલ જ નથી, પરંતુ એ ખર્ચાળ પણ છે. બીજા ટીબીના દરદીઓની સારવારના ખર્ચ કરતાં એનો ખર્ચ લગભગ ૧૦૦ ગણો વધી જઈ શકે છે. દાખલા તરીકે, યુનાઇટેડ સ્ટેટ્‌સમાં એવા એક જ કિસ્સાની સારવાર કરવાનું દવાનું બીલ ૨,૫૦,૦૦૦ ડોલરથી વધુ થઈ જઈ શકે!

હૂ અંદાજે છે કે જગતવ્યાપી લગભગ ૧૦ કરોડ લોકો એ પ્રકારના અનેક દવાના-પ્રતિરોધક ટીબીથી ચેપગ્રસ્ત હોય શકે, જેમાંના કેટલાકનો જાણમાં હોય એવી કોઈ ટીબી-વિરોધી દવાથી ઇલાજ થઈ શકે નહિ. આ પ્રાણઘાતક પ્રકાર વધુ સામાન્ય પ્રકારો જેટલો જ ચેપી હોય છે.

અવરોધ અને ઇલાજ

આ ગોળાવ્યાપી કટોકટીનો સામનો કરવા શું કરવામાં આવી રહ્યું છે? રોગને અંકુશમાં રાખવાનો સૌથી સારો ઇલાજ ચેપગ્રસ્ત કિસ્સાઓની શરૂઆતથી જ જાંચતપાસ કરવી અને ઇલાજ કરાવવો. એ બીમાર વ્યક્તિને જ મદદરૂપ નથી પરંતુ બીજાઓમાં એ રોગનો ફેલાવો પણ અવરોધે છે.

ટીબીની સારવાર ન થાય ત્યારે, એ એના ભોગ બનેલાઓમાંથી અડધોઅડધને મારી નાખે છે. જો કે, યોગ્ય સારવાર મળતા, એ અનેક દવા-પ્રતિરોધક પ્રકારનો ટીબી ન હોય તો, મોટા ભાગના કિસ્સાઓમાં ટીબીનો ઇલાજ છે.

આપણે જોઈ ગયા તેમ, અસરકારક સારવાર દરદીઓ દવાનો સમગ્ર કોર્સ પૂરો કરે એ જરૂરી બનાવે છે. મોટે ભાગે, તેઓ એમ કરતા નથી. શા માટે નહિ? વારુ, ખાંસી, તાવ, અને બીજાં લક્ષણો સામાન્યપણે સારવાર શરૂ થયાના થોડાં સપ્તાહોમાં અદૃશ્ય થઈ જાય છે. તેથી, ઘણા દરદીઓ એવા નિષ્કર્ષ પર આવે છે તેઓ સાજા થઈ ગયા છે અને દવા લેવાનું બંધ કરી દે છે.”

આ સમસ્યાનો સામનો કરવા, હૂ “ટૂંકા-સમયગાળાની, નિરીક્ષણ હેઠળની સારવાર”ના કાર્યક્રમની ભલામણ કરે છે. નામ સૂચવે છે તેમ, આરોગ્ય કાર્યકરો ઓછામાં ઓછું સારવારના શરૂઆતના બે મહિના એ ખાતરી કરવા નિરીક્ષણ કરે છે કે તેઓના દરદીઓ દવાનો દરેક ભાગ ગળે છે કે નહિ. તોપણ, આમ કરવું હંમેશા સહેલું નથી હોતું કારણ કે ટીબીથી અસરગ્રસ્ત ઘણા સમાજના આરે રહેતા હોય છે. ઘણી વાર તેઓનાં જીવન ઊથલપાથલ અને સમસ્યાઓથી એટલા ભરેલા હોય છે—અરે ઘણા ઘરબાર વિનાના પણ હોય છે ત્યારે તેઓ દવા નિયમિતપણે લે છે કે નહિ એની ખાતરી કરવાનો પડકાર ઝીલવો અઘરો બની જઈ શકે.

તો પછી, માણસજાત પરની આ મરકીને છેવટે જીતવાની કોઈ ભાવિ સંભાવના છે?

ટીબી હકીકતની વિગત

વર્ણનઃ ટીબી એવો રોગ છે જે સામાન્યપણે ફેફસાં પર હુમલો કરે છે અને એનો નાશ કરે છે, પરંતુ એ શરીરના બીજા ભાગો, ખાસ કરીને મગજ, મૂત્રપિંડો, અને હાડકાંમાં પણ પ્રસરી શકે.

ચિહ્‍નોઃ ફેફસાંના ટીબીથી ખાંસી થઈ શકે, વજન અને ખાવાની રુચિ ઘટી જઈ શકે, રાત્રે ખૂબ પરસેવો, નબળાઈ, શ્વાસ લેવામાં મુશ્કેલી, અને છાતીનો દુઃખાવો થઈ શકે.

કઈ રીતે પારખવોઃ ટીબી માટેની ચામડીનો ટેસ્ટ બતાવી શકે કે વ્યક્તિને કીટાણુનો ચેપ લાગ્યો છે કે નહિ. છાતીનો એક્સ-રે ફેફસાંનું નુકસાન જણાવી શકે, જે સક્રિય ટીબી ચેપ સૂચવી શકે. દરદીના થૂંકની પ્રયોગશાળામાં કરેલી તપાસ ટીબી કીટાણુ શોધી કાઢવાની ભરોસાપાત્ર રીત છે.

કોણે તપાસ કરાવવી જોઈએઃ જેઓને ટીબીનાં ચિહ્‍નો દેખાતાં હોય અથવા ઘણી વાર ટીબીના દરદીની નિકટ, આસપાસ-ખાસ કરીને હવાની અપૂરતી અવરજવરવાળા ઓરડામાં રહ્યા હોય.

પ્રતિકારક રસીઃ બીસીજી તરીકે ઓળખાતી એક માત્ર રસી છે. એ બાળકોને સખત ટીબી થતા અટકાવે છે પરંતુ તરુણો અને મોટી ઉંમરનાઓ માટે બહુ ઓછી અસરકારક છે. રસી લગભગ ૧૫ વર્ષના થઈએ ત્યાં સુધી રક્ષણ આપે છે. બીસીજી ચેપગ્રસ્ત ન હોય તેઓને જ રક્ષે છે; ચેપગ્રસ્ત લોકોને એ કોઈ લાભ કરતી નથી.

ટીબી અને ફેશન

એ વિચિત્ર લાગી શકે, પણ ૧૯મી સદી દરમિયાન ટીબીનો રોગ પ્રિય થઈ પડ્યો હતો, કારણ કે લોકો માનતા હતા કે રોગના લક્ષણો લાગણીમય, કુશાગ્ર સ્વભાવમાં વૃદ્ધિ કરતા હતા.

ફ્રેંચ નાટક અને નવલકથા લખનાર એલેક્સાંડ્ર ડુમાસે પોતાના જીવનચરિત્રમાં ૧૮૨૦ના દાયકાની શરૂઆત વિષે લખ્યું: “એ સર્વ ફેશન હતું, એટલે કે છાતીની બીમારી ભોગવવી; દરેક જણ ટીબીના દરદી હતા, ખાસ કરીને કવિઓ; ત્રીસની ઉંમરે પહોંચવા પહેલાં મરી જવું ફેશનવાળું ગણાતું.”

અંગ્રેજી કવિ લોર્ડ બાયર્નએ અહેવાલ આપતા કહ્યું: “મને ટીબીથી મરી જવું ગમવું જોઈએ . . . કારણ કે બધી સ્ત્રીઓ કહેશે, ‘બિચારા બાયર્નને તો જુઓ, મરણ વખતે પણ કેવો આકર્ષક દેખાય છે!’”

ટીબીથી જ મરણ પામનાર, અમેરિકાના લેખક હેનરી ડેવિડ થોરુએ લખ્યું: “સડવું અને રોગ મોટે ભાગે સુંદર હોય છે, જાણે કે . . . ટીબીનો સખત તાવ.”

ટીબીની આ મુગ્ધતા પર વિવેચન કરતા, ધ જરનલ ઑફ ધી અમેરિકન મેડિકલ એસોસિએશનમાંના લેખે જણાવ્યું: “રોગ માટેની આ વિરોધાભાસી લાગણીએ ફેશનનો શોખ જગાડ્યો; સ્ત્રીઓએ ફિક્કાશ પડતા, નાજુક દેખાવા માટે સખત પ્રયાસ કર્યા, સફેદ શણગારનો ઉપયોગ કર્યો, અને પાતળા, સુતરાઉ કાપડના ડ્રેસીસ પસંદ કર્યા—જેમ કે આજે જાડી થઈ જવાના ભયથી અપૂરતુ પોષણ લેતી મોડેલો.”

ટીબીનો ચેપ સહેલાઈથી લાગી જઈ શકે છે?

“ટીબીના જંતુઓથી સંતાવાની કોઈ જ જગ્યા નથી,” હૂ ગોળાવ્યાપી ટીબી કાર્યક્રમના સંચાલક ડૉ. આરેટા કોચી ચેતવે છે. “હવામાં ખાંસીથી કે છીંકથી ફેલાયેલા ટીબીના જંતુઓ શ્વાસમાં લેવાથી જ કોઈને પણ ટીબી થઈ શકે. આ જંતુઓ હવામાં કલાકો, અરે વર્ષો સુધી રહી શકે. આપણે સર્વને જોખમ છે.”

તેમ છતાં, વ્યક્તિ ટીબીથી બીમાર થાય એ પહેલાં, બે બાબતો બનવી જોઈએ. પ્રથમ, તે કે તેણીને ટીબી જંતુઓનો ચેપ લાગવો જોઈએ. બીજું, ચેપની રોગમાં વૃદ્ધિ થવી જોઈએ.

ખૂબ ચેપીલી વ્યક્તિના ટૂંકા સંપર્કમાં પણ ચેપ લાગવાની શક્યતા છે છતાં, ટીબી સંભવિતઃ વારંવારના સંપર્કથી પ્રસરે છે, જેમ કે ભરચક વાતાવરણમાં રહેતા કુટુંબના સભ્યોમાં થાય છે.

વ્યક્તિએ શ્વાસમાં લીધેલા કીટાણુ છાતીમાં વૃદ્ધિ પામે છે. તેમ છતાં ૧૦માંથી ૯ વ્યક્તિઓમાં રોગ પ્રતિકારક શક્તિ ચેપને પ્રસરતા રોકે છે, અને ચેપવાળી વ્યક્તિ બીમાર થતી નથી. જો કે, કોઈક વાર, એચઆઈવી, મધુપ્રમેહ, કેન્સરની કીમોથેરપી સારવારો, અથવા બીજાં કારણોથી રોગ પ્રતિકારક શક્તિ સખત નબળી પડી જાય તો આ નિષ્ક્રિય કીટાણુ સક્રિય બની જઈ શકે છે.

New Jersey Medical School—National Tuberculosis Center

એઈડ્‌સના ઝેરી તત્ત્વથી થયેલા ટીબી કીટાણુ ટોપલીમાંથી છૂટા મૂકેલા નાગ જેવા છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો