દાંતની મરામત
એમાં શું સમાયેલું છે?
તમારા દાંત મહત્ત્વના છે! તમને ખાવા માટે અને બોલવા માટે એની જરૂર છે, અને સોહામણું સ્મિત અથવા હાસ્યનો એક મહત્ત્વનો ભાગ પણ છે.
વાંકા-ચૂકા દાંત ખોરાક ચાવવામાં મુશ્કેલી પેદા કરી શકે, અવાળાના રોગમાં ફાળો આપી શકે, અને બોલવાની ખોડ માટે જવાબદાર બની શકે. નિષ્ણાતોએ પણ નોંધ્યું છે કે વાંકા-ચૂકા દાંત કેટલાક માટે સામાજિક પ્રતિકૂળતા પેદા કરે છે, જેમ કે તેઓ પોતાને મુક્તપણે રજૂ કરવામાં સંકોચ અનુભવી શકે કારણ કે તેઓને લાગે કે તેઓના દાંતને કારણે સ્મિત વિચિત્ર લાગે છે.
તમારા દાંત સીધા ન હોય તો શું? કોણ મદદ કરી શકે? કઈ ઉંમરમાં? કયા પ્રકારની સારવાર લઈ શકાય? શું એ પીડાકારક હશે? શું એ હંમેશા જરૂરી છે?
દાંતવિદ્યાની એક શાખા
દાંતવિદ્યાની એક શાખા આવી સમસ્યાઓને હલ કરે છે જેને દાંતની મરામત કરવી કહેવાય છે. એ દાંતના અવ્યવસ્થિતપણાને સુધારવા સાથે સંબંધિત છે.
દાંતની મરામત કરવામાં શું સમાયેલું છે? એ સમસ્યાઓનું નિદાન અને એ શરૂ થતા પહેલાં અટકાવવાનું તથા દાંતને સીધા કરવાનાં ઉપકરણો બનાવવાનું કાર્ય કરે છે.
ગીચ, વાંકાચૂકા, અને બહાર નીકળેલા દાંત પ્રાચીન સમયમાં પણ લોકો માટે સમસ્યારૂપ હતા, અને ઓછામાં ઓછું આઠમી સદી બી.સી.ઈ.થી આવી સમસ્યાઓ હલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આશ્ચર્યજનક એ છે કે ગ્રીસ અને ઇટ્રુરીયા પ્રાંતમાંની પુરાતત્ત્વીય વસ્તુઓ સાથે પહેલાંના સમયના દાંતનાં સુંદર ઉપકરણો પણ મળી આવ્યાં છે.
આજે, જગતના મોટા ભાગમાં, દાંતોના નિષ્ણાત ડૉક્ટરોને દાંતની મરામત કરનાર (ઓર્થોડોનટિસ્ટ્સ) કહેવામાં આવે છે જેઓ તૂટેલા દાંતોની સારવાર કરે છે. તેઓને દાંત અને જડબાં, તથા એની ફરતેના સ્નાયુઓ, માંસપેશીની વૃદ્ધિ, અને વિકાસનું સારું જ્ઞાન હોય છે.
દાંતની મરામતથી શું થાય છે
દાંતની મરામતની આ વ્યાખ્યા થઈ શકે, “એ દંતવિદ્યાનું એવું ક્ષેત્ર છે જે વધતા અને વધી ચૂકેલા જડબાં અને ચહેરાના હાડકાં અને પેશીઓની રચનાની દેખરેખ, માર્ગદર્શન અને સુધારાને સંબંધિત છે.” એમાં કપાળ ચહેરાની મધ્યે, દબાણ આપીને અને/અથવા ક્રિયાગત દબાણ ઉત્પન્ન કરીને અથવા તેની દિશા બદલીને, દાંત અને ચહેરા વચ્ચે તથા આસપાસના હાડકાં બેસાડવાનો સમાવેશ થાય છે. હા, તકનીકી, પરંતુ ચોકસાઈભરેલી વ્યાખ્યા છે.
તેથી, દાંતની મરામતમાં, દાંત પર અથવા એની ફરતેની રચનાઓ પર દબાણ આપવામાં આવે છે. દરેક વ્યક્તિ માટે એ ઉપકરણ દ્વારા કરવામાં આવે છે કે જે દાંત પર અને અવાળા પર દબાણ આપીને દરેક દરદીની વ્યક્તિગત સમસ્યાઓને સુધારે છે, અને યોગ્ય સ્થિતિમાં લાવે છે.
દાંત ફરતેના હાંડકાઓમાં, કોશો હોય છે જેને અસ્થિશોષક કહેવામાં આવે છે અને અન્ય કોશોને અસ્થિકોરક કહેવામાં આવે છે. ઉપકરણથી દબાણ પેદા કરવાને પરિણામે, અસ્થિશોષકને દબાણ કરવાના કામમાં રાખવામાં આવે છે, જેથી શરીરનો એ પદાર્થ તૂટી પડે છે. દબાણ કરવામાં આવેલા વિસ્તારમાં જગ્યા ખાલી પડે તો એ જગ્યા અસ્થિશોષક દ્વારા રચેલા નવા હાડકાથી ભરાય જાય છે. એ રીતે દાંત ધીમે ધીમે ખસે છે.
શું વાયર, રાળ, અને કદાચ ઈલાસ્ટીકમાંથી બનાવેલ જુદી જાતના ચોકઠાને મોંમા મહિનાઓ સુધી પહેરવું અગવડભર્યું નથી? ચોકઠાને બેસાડવામાં આવે કે ગોઠવવામાં આવે ત્યારે, શરૂઆતમાં એ થોડું અગવડભર્યું લાગી શકે; પરંતુ પાછળથી, એનાથી ટેવાઈ જવાય છે. મંતવ્ય અનુસાર, કોઈ પણ વ્યક્તિ દંત ઉપકરણ પહેરવાથી ટેવાઈ જઈ શકે.
વ્યક્તિને ક્યારે સારવાર આપવી જોઈએ?
બાળકોના દાંતમાં હમણાં દેખાતી અસામાન્ય સ્થિતિ કે ખરાબ આકાર કંઈ પુખ્ત થતા સુધી કાયમ રહે એવું નથી. કેટલાક પ્રકારના દાંત પોતાની ખરાબ સ્થિતિમાંથી જાતે સીધા થઈ જાય છે. હકીકતમાં, અસ્થાયી અથવા દૂધિયા દાંત પડી જવા કે કાયમી દાંત નીકળવાના સમયે, મોંમા આગળની બાજુ વધુ ગીચ થઈ જાય છે, કેમ કે એ દૂધિયા દાંતના કરતાં પ્રમાણમાં મોટા હોય છે.
તેમ છતાં, અસ્થાયી દાઢ પડી ગયા પછી, બદલામાં કાયમી દ્રિમૂળ દાંત નીકળે છે ત્યારે દાંતની તુલનાત્મક પરિસ્થિતિમાં ફેરફાર થાય છે. દાંતના ઉપયોગથી તથા માંસપેશીની રચનાની અસર હેઠળ, દાંત પોતાની જાતે સીધા થઈ જઈ શકે. તેથી તમે મા-બાપ હોવ તો ભયભીત ન થાવ કે તમારા બાળકને શરૂઆતના દાંત વાંકા-ચૂકા નીકળે છે. દાંતની મરામત કરનાર નક્કી કરી શકે કે કંઈ કરવાની જરૂર છે કે નહિ.
બાળકોનો ઇલાજ ક્યારે કરવો જોઈએ એ વિષે દરેક દાંતની મરામત કરનારા એકબીજાથી સહમત થતા નથી. કેટલાક કહે છે બહુ નાની ઉંમરમાં (૪-૬ વર્ષમાં); અન્ય કહે છે પાછળથી, વિકાસના અંતે તરુણાવસ્થા દરમિયાન (૧૨-૧૫ વર્ષમાં). હજુ બીજા પણ છે જે વચ્ચેની સ્થિતિ અપનાવે છે.
ફક્ત બાળકો માટે જ નહિ
દાંતની મરામત ફક્ત બાળકો માટે જ નથી. મોટા થયા પછી પણ, વાંકાચૂકા દાંત ઘણી સમસ્યાઓનું કારણ બને છે. તમારા દાંત અને દાંતની આસપાસની રચનાઓ સારી હોય તો, કોઈ પણ ઉંમરમાં તમારા સ્મિતની સ્થિતિને સુધારી શકાય.
વાંકાચૂકા દાંતથી કઈ સમસ્યાઓ ઊભી થાય છે? ઓછામાં ઓછી ત્રણ પ્રકારની: (૧) દેખાવ સંબંધી સમસ્યાઓ; (૨) ક્રિયાત્મક સમસ્યાઓ, જેમાં જડબાના હલનચલન (દર્દ અને માંસપેશીઓમાં સુમેળની ઉણપ)ની સમસ્યાઓ, ચાવવાની સમસ્યાઓ, અને સ્પષ્ટોચ્ચારણમાં સમસ્યાઓ અને બોલવામાં સમસ્યાઓનો સમાવેશ થાય છે. (૩) દાંત મોટો હોવાને કારણે ઘા થવાનું વધુ જોખમ અને અવાળાનો રોગ તથા દાંત સડવાની સાથે દાંતમાં ક્ષીણ થવા અને દાંત સરખી રીતે ન બેસવાને કારણે એ ઘસાવાનું જોખમ.
વધુમાં, કેટલાક નિષ્ણાતો દાંત એની જગ્યા પર ઠીક રીતે ન બેસવાને કરોડરજ્જુની સ્થિતિમાં સમસ્યાઓ (ખાસ કરીને ગરદનના વિસ્તારમાં) અને માંસપેશીઓના કાર્યની સમસ્યાઓ સાથે જોડે છે. પરંતુ સારવાર કઈ રીતે આપવામાં આવે છે? અને એ ક્યાં સુધી ટકે છે?
સારવારનો સમયગાળો અને રીતો
તમને લાગતું હોય કે તમને કે તમારાં બાળકોના દાંતની મરામત કરાવવાની જરૂર છે તો, તમે એવા કોઈકને પસંદ કરી શકો કે જેના પર તમે ભરોસો મૂકી શકો. સારવારનો સમયગાળો સમસ્યાની ગંભીરતા અને કઈ રીતે સારવાર કરવામાં આવશે એના પર નિર્ભર રહેશે, પરંતુ એમાં કેટલાય મહિનાઓ, કે કદાચ વર્ષો પણ લાગી શકે.
સરળતા માટે, સારવારનાં ઉપકરણોને આપણે બે સમૂહોમાં વિભાજિત કરી શકીએ: અસ્થાયી ઉપકરણો અને કાયમી ઉપકરણો. અસ્થાયી ઉપકરણોને દરદી કાઢી શકે અને પાછા ઘાલી શકે, કાયમી ઉપકરણોને વાસ્તવમાં દાંત પર જડી દેવામાં આવે છે અને તે દાંતોનું વધુ જટિલ કામ કરે છે.
સંશોધને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં મોટી પ્રગતિ કરી છે, તેથી આજે ઘણા “કુદરતી જેવા” ઉપકરણો ઉપલબ્ધ છે. કેટલાક તો દેખાતા પણ નથી કારણ કે એ દાંત જેવા જ રંગના હોય છે, અને બીજા જીભની પાસે અંદરની બાજુએ બેસાડવામાં આવે છે, જેને જિહ્વા સ્થિતિ કહેવામાં આવે છે, જે નજરથી દૂર રહે છે. આવી તકનીકને દાંતની અદૃશ્ય મરામત કહેવામાં આવે છે.
વધુ મુશ્કેલ કિસ્સાઓમાં, દાંતની સારવારના ઉપકરણોથી જોઈએ એવું પરિણામ ન મળે ત્યારે, મોં કે ચહેરાની સમસ્યામાં પ્રવીણ સર્જનની મદદ પણ શોધી શકાય. તે શસ્ત્રક્રિયા કરીને ચહેરાના હાડકાં યોગ્ય સ્થાને બેસાડી શકે છે.
આજે, દાંતની મરામત ઘણાની એ જરૂરિયાતો પૂરી કરી શકે છે જેઓને દાંત અને જડબાની સમસ્યા છે, અને જેઓ પોતાના દાંતને કારણે સંકોચ વિના સ્મિત રેલાવવાનું ઇચ્છે છે. અલબત્ત, વ્યક્તિ દાંતની મરામત કરાવશે કે નહિ એ વ્યક્તિગત નિર્ણય છે.
થોડા સમય માટે, માણસજાતે શારીરિક અપૂર્ણતાઓનો સામનો કરવાનો છે, એમાંની કેટલીક સુધારણા કરવાની ક્રિયાથી દૂર કરી શકાય છે. તથાપિ, આપણે દેવની નવી દુનિયાની રાહ જોઈ શકીએ જ્યારે તે મોંની દરેક સમસ્યાઓ સહિત, અપૂર્ણતાની દરેક અસરોને પૂરેપૂરી રીતે અને કાયમી ધોરણે કાઢી નાખશે. પછી, સંપૂર્ણ સ્વાસ્થ્યની એ નવી દુનિયામાં, આપણામાંના દરેક પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે આપણને મળતા દરેકને ઉષ્માભર્યું, મિત્રતાભર્યું સ્મિત આપીશું.
બાઇબલ એ સમય વિષે ભાખે છે: “આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થએલી છે; તેઓ હર્ષનાદ કરવા માંડે છે.” (યશાયાહ ૧૪:૭) નિશ્ચે, આવી ખુશી અને આનંદ સુંદર સ્મિત સાથે થશે!
ઉપકરણોનું પ્રદર્શન
(૧) જડબાનો વિકાસ વધારવા માટે (૨) દાઢને પાછળની બાજુ ખસેડવા માટે
૧
૨
ખાલી જગ્યાને ભરવા માટે બનાવવામાં આવેલાં ઉપકરણો