બાઇબલ શું કહે છે
દેવનો પવિત્ર આત્મા શું છે?
“હવે સર્વ લોક બાપ્તિસ્મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા
પામીને પ્રાર્થના કરતો હતો, એટલામાં આકાશ ઊઘડી ગયું; અને પવિત્ર આત્મા કબૂતરરૂપે તેના પર ઊતર્યો; અને આકાશમાંથી એવી વાણી થઈ, કે તું મારો
વહાલો દીકરો છે; તારા પર હું પ્રસન્ન છું.”—લુક ૩:૨૧, ૨૨.
પ્રાચીન ગ્રીસમાંનાં ફિલસૂફોનાં વૃંદ સાથે વાત કરતા પ્રેષિત પાઊલે દેવને “આકાશ તથા પૃથ્વીનો પ્રભુ” કહ્યા. પાઊલે જણાવ્યું, આ દેવે જેમણે, “જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું” અને “શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪–૨૮) દેવ આ સર્વ બાબતો કઈ રીતે સિદ્ધ કરી શકે છે? તે તેમનાં પવિત્ર આત્મા, અથવા સક્રિય બળ દ્વારા એમ કરે છે.
બાઇબલ દેવને “મહા સમર્થ અને બળવાન” તરીકે પણ ઓળખાવે છે. (યશાયાહ ૪૦:૨૬) હા, દેવે આખું બ્રહ્માંડ રચ્યું છે, જેમાં તેમનું સામર્થ્ય અને શક્તિ દેખાઈ આવે છે.
શક્તિનો ઉપયોગ
પવિત્ર આત્મા એ દેવની શક્તિ છે એમ કહેવું એ કંઈ ચોકસાઈભર્યું નથી. કેમ કે શક્તિ ઘણી વાર કોઈકમાં કે કોઈક વસ્તુમાં અપ્રગટ હોય શકે, જેમ કે બૅટરીમાં સંગ્રહેલી વિજશક્તિ. જોકે, શાસ્ત્રવચનો, દેવની શક્તિને જીવંત સ્થિતિમાં જુએ છે, જેમકે બૅટરીમાંથી વપરાઈ રહેલી વિજશક્તિ. (ઉત્પત્તિ ૧:૨) તેથી, દેવનો પવિત્ર આત્મા એ આગળ ધપતી શક્તિ, તેમનું સક્રિય બળ છે.
બાઇબલ ઘણી વખત પવિત્ર આત્મા વિષે એમ કહે છે કે જાણે એ કંઈક કાર્ય સિદ્ધ કરતો હોય તેમ અથવા એ જાણે દેવથી કંઈક અલગ હોય. (માત્થી ૨૮:૧૯, ૨૦; લુક ૩:૨૧,૨૨; પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૯; ૧૩:૪; ૧૫:૨૮, ૨૯) કેટલાક જેઓએ આ અહેવાલ વાંચ્યા છે, તેઓ એવા અનુમાન પર આવ્યા છે કે, પવિત્ર આત્મા એ દેવથી ભિન્ન વ્યક્તિત્વ ધરાવે છે. શાસ્ત્રવચનોમાં આવી લખાણશૈલી શા માટે વાપરવામાં આવી છે?
સર્વશક્તિમાન દેવનું શરીર આપણા જેવું પદાર્થનું બનેલું નથી પણ તેનાથી તદ્દન ભિન્ન છે. તે એક આત્મા છે, જેને આપણે જોઈ શકતા નથી. (યોહાન ૪:૨૪) બાઇબલ કહે છે કે યહોવાહ દેવ આકાશોમાં વસે છે અને ત્યાંથી તે સર્વ માણસજાતને જુએ છે. (ગીતશાસ્ત્ર ૩૩:૧૩, ૧૪) એ સમજી શકાય એમ છે. ઉત્પન્નકર્તા તેમણે જે વસ્તુઓ ઉત્પન્ન કરી તેનાથી મહાન હોવા જ જોઈએ. તે એના પર માલિકી ધરાવે છે, એનો ઉપયોગ કરે છે, એને ઘડે છે, અને એ તેમના અંકુશમાં છે.—ઉત્પત્તિ ૧:૧.
તેમના અદૃશ્ય રહેઠાણમાંથી, દેવ જ્યારે ઇચ્છે ત્યારે અને જ્યાં ઇચ્છે ત્યાં બાબતો કરી શકે છે. તેથી, તેમના પવિત્ર આત્માનો જ્યાં ઉપયોગ કરતા હોય ત્યાં તેમણે હાજર રહેવાની જરૂર નથી. તે તેમના આત્માને એ કાર્ય સિદ્ધ કરવા મોકલી શકે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૦) આ બાબત તેઓ સ્પષ્ટપણે સમજી શકશે કે જેઓ આધુનિક સમયમાં વાયર વગરનાં રીમોટ કંટ્રોલ દ્વારા ઘરમાં વસ્તુઓ ચલાવે છે. વિજળી અને ઇનફ્રા કિરણોમાં આજે આપણે અદૃશ્ય શક્તિ જોઈ શકીએ છીએ તેમ. એજ પ્રમાણે, તેમની અદૃશ્ય શક્તિ, અથવા આત્મા દ્વારા, દેવ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા વગર, જે ઇચ્છે તે સિદ્ધ કરી શકે છે.—યશાયાહ ૫૫:૧૧.
બાઇબલ લખાયું એ સમયમાં આ બાબત સમજવી ઘણી અઘરી બની હશે. પવિત્ર આત્મા વિષે વાત કરવી જરૂરી છે, જેથી વાચકો સમજી શકે કે દેવ પોતાની જગ્યાએથી ખસ્યા વગર પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે છે, જાણે કે એ શકિત પોતાથી અલગ હોય એ રીતે. જ્યારે બાઇબલ પવિત્ર આત્મા વિષે આમ કે તેમ કરતા દર્શાવે છે ત્યારે, એ હકીકત જણાવે છે કે દેવે પોતાની ઇચ્છા સિદ્ધ કરવા પોતાની શક્તિનો ઉપયોગ કર્યો.
પવિત્ર શક્તિનો ભિન્ન ઉપયોગ
યહોવાહે સજીવ અને નિર્જીવ વસ્તુઓની ઉત્પત્તિ માટે પવિત્ર આત્માનો ઉપયોગ કર્યો હતો. (ગીતશાસ્ત્ર ૩૩:૬) દેવે જળપ્રલય દ્વારા હિંસક અને બિનપશ્ચાત્તાપી લોકોનો નાશ કરવા માટે પણ એનો ઉપયોગ કર્યો હતો. (ઉત્પત્તિ ૬:૧–૨૨) આ એ જ પવિત્ર આત્મા હતો જેના દ્વારા દેવે પોતાના દીકરાનું કિંમતી જીવન યહુદી કુમારીકા મરિયમનાં ગર્ભમાં મૂકયું.—લુક ૧:૩૫.
કેટલીક વખત, પવિત્ર આત્માએ માણસોને દુશ્મનોની સામે, પોતાનાં જીવના જોખમે પણ દૃઢતાપૂર્વક અને હિંમતથી સત્ય બોલવા ઉત્તેજિત કર્યા હતા. (મીખાહ ૩:૮) અને બાઇબલમાં એવા ઘણા બનાવો નોંધવામા આવ્યા છે, ખાસ કરીને એમાં ભવિષ્યવાણીનો સમાવેશ થાય છે, જ્યારે પુરુષ અને સ્ત્રીઓને આ બળ દ્વારા જોઈ શક્યા અથવા એના વડે પૂરી સમજ પાડવામાં આવી હતી. જ્યારે કોઈ માણસ ખાતરીપૂર્વક કહી નથી શકતું કે ભાવિમાં શું થશે, ત્યારે આપણે પવિત્ર આત્માનું અજોડ પરિણામ જોઈ શકીએ છીએ.—૨ પીતર ૧:૨૦, ૨૧.
અમુક વ્યક્તિ પાસે આત્મા વડે ચમત્કાર કરવાની શક્તિ પણ હોઈ શકે. દાખલા તરીકે, ઈસુ પણ કુદરતી શક્તિને અંકુશમાં રાખી શકતા હતા, માંદાઓને સાજા, અને વળી મૂએલાંઓને પણ ઊઠાડી શકતા હતા. (લુક ૪:૧૮-૨૧; ૮:૨૨–૨૬, ૪૯–૫૬; ૯:૧૧) શરૂઆતના ખ્રિસ્તીઓને દેવના સેવકો તરીકે આખા જગતમાં સાક્ષી આપવા માટે સંગઠિત કરવા પવિત્ર આત્મા એક સાધન હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૨:૧–૪૭; રૂમીઓને પત્ર ૧૫:૧૮, ૧૯; ૧ કોરીંથી ૧૨:૪–૧૧.
આપણા માટે દેવની શક્તિનો ઉપયોગ
શું આજે દેવનાં માનવીય સેવકો આ અમર્યાદિત શક્તિ મેળવી શકે છે કે કેમ? હા! દેવ તેમના લોકોને તેમની ઇચ્છા સમજવા અને સિદ્ધ કરવા અમુક માત્રામાં પવિત્ર આત્મા આપે છે. તે ફક્ત તેઓને જ તેમનો પવિત્ર આત્મા આપે છે જેઓ ખરેખર માંગે છે, પ્રાર્થનાપૂર્વકની માંગણી કરે છે, જેઓનો સાચો ધ્યેય હોય છે, અને જેઓ દેવના માર્ગમાં ચાલે છે. (૧ કોરીંથી ૨:૧૦ -૧૬) આ આત્મા “પરાક્રમની અધિકતાથી” અપૂર્ણ માનવીઓને એ રીતે તૈયાર કરે છે કે, જેથી તેઓ નડતરો હોવા છતાં વફાદાર રીતે દેવની સેવા કરવા માટે લાયક બને. તેથી ચોક્કસપણે, દેવથી ડરનારા બધા જ લોકો ઇચ્છે છે કે, તેઓ પર કયા દેવનો પવિત્ર આત્મા રહે.—૨ કોરીંથી ૪:૭; લુક ૧૧:૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૮; એફેસીઓને પત્ર ૪:૩૦.
જલદી જ દેવ આ મહાન સામર્થ્યવાન શક્તિનો ઉપયોગ કરીને આ દુષ્ટ જગતમાં જોવા મળતા અન્યાય અને દુઃખને દૂર કરશે, જેથી તેમનું મહાન અને પવિત્ર નામ શુદ્ધ થઈ શકે. પવિત્ર આત્મા આખા જગતના ભલા માટે અસર કરશે, અને એનાં બધાં પરિણામ સારાં હશે તે જોઈ શકીશું, જે તેના બનાવનારને મહિમા આપશે.—ગલાતી ૫:૨૨, ૨૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪.