અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે મદદ
હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને કઈ રીતે મદદ કરી શકાય? સૌ પ્રથમ, તેઓ પર જે વીતી રહ્યું છે એને સમજવાની જરૂર છે. અત્યાચારીઓ ફક્ત શારીરિક જ નહિ, બીજી રીતોએ પણ ઈજા પહોંચાડતા હોય છે. એમાં મૌખિક ધમકીઓ અને દબાણનો સમાવેશ થાય છે કે જેનાથી ભોગ બનનાર વ્યક્તિ પોતાને નકામી અને નિઃસહાય અનુભવે છે.
શરૂઆતના લેખમાં ઉલ્લેખ કરવામાં આવેલી રૅક્સોનાનો વિચાર કરો. ઘણી વાર તેનો પતિ આકરા શબ્દોનો ઉપયોગ કરે છે. રૅક્સોના પોતાના મનની વાત કરતા કહે છે, “તે મને ગાળો આપે છે. તે કહે છે: ‘તું તો ગમાર છે, કંઈ ભણી-ગણી નથી. મારા વગર બાળકોની તું કઈ રીતે કાળજી રાખી શકે? તું આળસુ અને નકામી માતા છે. શું તને એવું લાગે છે કે જો હું તને છોડી દઉં તો સરકાર બાળકો તારી પાસે રહેવા દેશે?’”
રૅક્સોનાનો પતિ બધા જ પૈસા પોતાની પાસે રાખે છે. તે તેને કારનો પણ ઉપયોગ કરવા દેતો નથી અને આખો દિવસ તે શું કરે છે એ જાણવા અવારનવાર ફોન કરે છે. જો તે પોતાના વિચાર જણાવે કે પોતે શું ઇચ્છે છે તો, તે તરત જ ગુસ્સામાં ભડકી ઊઠે છે. પરિણામે, રૅક્સોના હવે કદી પણ પોતાની ઇચ્છા વ્યક્ત કરતી નથી.
આપણે જોઈ શકીએ છીએ તેમ, લગ્નસાથી પર અત્યાચાર એક નાજુક વિષય છે. ઉત્તેજન અને મદદ આપવા માટે તેઓનું પ્રેમથી સાંભળો. યાદ રાખો કે, ભોગ બનનાર વ્યક્તિ પર શું વીતી રહ્યું છે એ વિષે વાત કરવી દુઃખદ છે. તમારો ધ્યેય, ભોગ બનનાર વ્યક્તિ જે રીતે પરિસ્થિતિનો સામનો કરી રહી છે એમાં તેને ઉત્તેજન આપવાનો હોવો જોઈએ.
અત્યાચારનો ભોગ બનનાર કેટલીક સ્ત્રીઓને સરકાર પાસેથી મદદ મેળવવાની જરૂર પડી શકે. એ જ સમયે, પોલીસે છોડાવવા વચ્ચે પડવું પડે એ અનિવાર્ય બને ત્યારે, અત્યાચારી પતિને પોતાનાં કૃત્યોની ગંભીરતાની ખબર પડી શકે. તેમ છતાં, એ સાચું છે કે અત્યાચારી પતિની આંખો મોટી આફત આવ્યા પછી જ ખૂલે છે.
શું અત્યાચારનો ભોગ બનનારી પત્નીએ પોતાના પતિને છોડી દેવો જોઈએ? બાઇબલ જુદા પડવાને સામાન્ય કે નાની બાબત ગણતું નથી. તેમ છતાં, અત્યાચારનો ભોગ બનેલી પત્નીને પોતાનું સ્વાસ્થ્ય અને જીવનને ભયમાં મૂકે એવા પતિ સાથે રહેવા બળજબરી કરવી જોઈએ નહિ. ખ્રિસ્તી પ્રેષિત પાઊલે લખ્યું: “જો તે જુદી થાય તો તેણે ફરીથી પરણવું નહિ, અથવા તો પોતાના પતિની સાથે મેળાપ કરીને રહેવું.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (૧ કોરીંથી ૭:૧૦-૧૬) એકદમ ખરાબ પરિસ્થિતિમાં જુદા પડવા વિષે બાઇબલ મનાઈ કરતું નથી આથી, આ બાબતમાં પત્ની જે કંઈ કરે એ તેની વ્યક્તિગત બાબત છે. (ગલાતી ૬:૫) કોઈએ પણ પત્નીને તેના પતિને છોડી દેવા સમજાવવી જોઈએ નહિ. તેમ જ, અત્યાચારનો ભોગ બનેલી પત્નીનું સ્વાસ્થ્ય, જીવન અને આત્મિકતા ભયમાં મૂકાય ત્યારે, કોઈએ તેને પતિ સાથે રહેવાનું દબાણ પણ કરવું જોઈએ નહિ
શું અત્યાચારનો ભોગ બનેલાઓ માટે કોઈ આશા છે?
અત્યાચાર કરનાર સાથી બાઇબલ સિદ્ધાંતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. એફેસી ૪:૨૯, ૩૧માં આપણે વાંચીએ છીએ: “તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, . . . સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો.”
ખ્રિસ્તને અનુસરવાનો દાવો કરનાર કોઈ પણ પતિ જો પત્ની પર અત્યાચાર કરે તો, તે કહી શકે નહિ કે તે પોતાની પત્નીને પ્રેમ કરે છે. જો તે પોતાની પત્ની સાથે ખરાબ વ્યવહાર કરતો હોય તો, તેના સર્વ સારાં કાર્યોની શું વિસાત? “મારનાર” પતિ ખ્રિસ્તી મંડળમાં કોઈ ખાસ લહાવાઓ મેળવવાને યોગ્ય નથી. (૧ તીમોથી ૩:૩; ૧ કોરીંથી ૧૩:૧-૩) ખરેખર, કોઈ પણ ખ્રિસ્તી વારંવાર ગુસ્સે થઈ જતો હોય તો, તેને ખ્રિસ્તી મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવી શકે.—ગલાતી ૫:૧૯-૨૧; ૨ યોહાન ૯, ૧૦.
શું ક્રૂર પતિઓ પોતાના વર્તનને બદલી શકે? કેટલાકે પોતાના વર્તનને બદલ્યું છે. તેમ છતાં, સામાન્ય રીતે અત્યાચારી પતિ (૧) તેની અયોગ્ય વર્તણૂકને સ્વીકારે, (૨) પોતાનામાં ફેરફારો કરવાની જરૂર લાગે અને, (૩) મદદ શોધે તો જ પોતાનામાં ફેરફાર કરી શકે છે. યહોવાહના સાક્ષીઓને જોવા મળ્યું છે કે જીવનમાં ફેરફારો કરવા માટે બાઇબલ સૌથી અસરકારક છે. યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરનારાઓનો પરમેશ્વર માટેનો પ્રેમ વધ્યો છે. યહોવાહ પરમેશ્વર વિષે આ નવા બાઇબલ વિદ્યાર્થીઓ શીખ્યા છે કે “દુષ્ટ તથા જુલમીથી તે કંટાળે છે.” (ગીતશાસ્ત્ર ૧૧:૫) જોકે, અત્યાચારી મારવાનું બંધ કરી દે એટલું જ પૂરતું નથી. તેણે પોતાની પત્ની પ્રત્યેના વલણને પૂરેપૂરું બદલવાની જરૂર છે.
પતિ, પરમેશ્વર વિષેનું જ્ઞાન મેળવે છે ત્યારે, તે પોતાની પત્નીને નોકર તરીકે નહિ પરંતુ “સહાયકારી” તરીકે જોવાનું શીખે છે તેમ જ, તેને ઊતરતી કક્ષાની નહિ ગણીને “માન” આપે છે. (ઉત્પત્તિ ૨:૧૮; ૧ પીતર ૩:૭) તે પોતાની પત્ની પ્રત્યે દયાળુ બનવાનું અને તેને સાંભળવાનું શીખે છે. (ઉત્પત્તિ ૨૧:૧૨; સભાશિક્ષક ૪:૧) યહોવાહના સાક્ષીઓના બાઇબલ અભ્યાસે ઘણાં યુગલોને મદદ કરી છે. અત્યાચારી કે દાદાગીરી કરનારાઓ માટે ખ્રિસ્તી કુટુંબમાં કોઈ જ જગ્યા નથી.—એફેસી ૫:૨૫, ૨૮, ૨૯.
‘દેવનો શબ્દ જીવંત, સમર્થ છે.’ (હેબ્રી ૪:૧૨) આમ, બાઇબલનું જ્ઞાન યુગલોને તેઓ જે મુશ્કેલીઓનો સામનો કરે છે એને બારીકાઈથી તપાસવા અને એનો હિંમતથી સામનો કરવા મદદ કરે છે. વધુમાં, બાઇબલ ખાતરીપૂર્વક દિલાસો આપે છે કે, યહોવાહના સ્વર્ગીય રાજા આજ્ઞાંકિત માણસજાત પર શાસન કરશે ત્યારે, જગતમાંથી હિંસાને કાઢી નાખશે. બાઇબલ બતાવે છે: “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઇ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨, ૧૪. (g01 11/8)
[પાન ૧૨ પર બ્લર્બ]
અત્યાચારી કે દાદાગીરી કરનારાઓ માટે ખ્રિસ્તી કુટુંબમાં કોઈ જ જગ્યા નથી
[પાન ૮ પર બોક્સ]
જૂઠાં તહોમતો દૂર કરવાં
• પતિના અત્યાચારનો ભોગ બનેલી પત્નીઓ, પોતે જ જવાબદાર છે.
ઘણા અત્યાચાર કરનારા પતિઓ, પોતાને નિર્દોષ ઠરાવવા પોતાની પત્નીઓએ તેઓને ઉશ્કેર્યા હતા એમ કહે છે. અમુક સગા-સંબંધીઓ પણ એવું જ માનવા લાગે છે કે પત્નીનો જ વાંક છે. તેથી, તેનો પતિ અમુક સમયે ગુસ્સે થાય એમાં શું ખોટું છે? પરંતુ, એનાથી અત્યાચારી છટકી જાય છે અને નિર્દોષ વ્યક્તિ ફસાઈ જાય છે. હકીકતમાં, અત્યાચાર સહેતી પત્નીઓ પતિનો ગુસ્સો ઠંડો પાડવા પોતાનાથી બનતું બધું જ કરે છે. વળી, કોઈ પણ સંજોગોમાં પત્નીને મારઝૂડ કરવી એ યોગ્ય નથી. અત્યાચારનું માનસિક વર્તન (અંગ્રેજી) પુસ્તક કહે છે: “પોતાની પત્નીને મારઝૂડ કરતા પુરુષોને અદાલત સારવાર માટે મોકલે છે, કારણ કે તેઓ જુલમના વ્યસની છે. તેઓ ગુસ્સા અને ડિપ્રૅશનથી મુક્ત થવા મારપીટ કરે છે. આમ, તેઓ પોતાની સત્તા બતાવીને ઝઘડાઓ બંધ કરવાના પ્રયત્નો કરે છે. . . . ઘણી વાર, તેઓને પોતે શું કરવું જોઈએ કે મુશ્કેલી શું છે એનું ભાન પણ નથી હોતું.”
• પત્નીને મારે છે એમાં પતિનો નહિ, દારૂનો વાંક છે.
ખરું કે અમુક જણ દારૂ પીધા પછી વધારે મારપીટ કરે છે. પરંતુ, શું દારૂનો વાંક છે? લેખિકા કરીન. જે. વિલ્સને, જ્યારે હિંસા ઘરમાં શરૂ થાય છે (અંગ્રેજી) પુસ્તકમાં આમ લખ્યું: “હકીકતમાં તો દારૂ પીનાર, દારૂનું બહાનું આગળ ધરીને મન ફાવે એમ કરવા ચાહે છે. સમાજમાં દારૂ પીધેલો પતિ મારઝૂડ કરે તો, સામાન્ય ગણવામાં આવે છે. અત્યાચાર સહન કરતી પત્ની તેના અત્યાચારી પતિને બદલે દારૂને દોષ આપવા માંડે છે.” વળી તે આગળ કહે છે: “જો તે પીવાનું બંધ કરશે તો, તે મારપીટ પણ છોડી દેશે.” એવા વિચારો સ્ત્રીને ખોટી આશા આપે છે.
ઘણા સંશોધકો પ્રમાણે દારૂ પીવો અને મારપીટ કરવી બે જુદી જુદી સમસ્યાઓ છે. દારૂ કે ડ્રગ્ઝ લેતા બધા જ પુરુષો કંઈ પોતાની પત્નીઓને મારતા નથી. જ્યારે પતિઓ પત્નીની મારપીટ કરે છે (અંગ્રેજી) પુસ્તકના લેખકો નોંધે છે: “પોતાની પત્નીને મારપીટ કરીને કાબૂમાં રાખવા અને વશ કરવામાં તેઓ સફળ થયા હોવાથી એમ કરવાનું ચાલુ રાખે છે. . . . દારૂ અને ડ્રગ્ઝ તેઓના જીવનનો ભાગ બની ગયા હોય છે. પરંતુ, એમ માનવું મોટી ભૂલ છે કે ડ્રગ્ઝથી પતિ હિંસક બને છે.”
• જુલમી તો દરેક સાથે મારામારી કરે છે.
જુલમીઓ મોટે ભાગે બીજાના પાક્કા દોસ્ત હોય છે. તેઓ સાથે તે એકદમ સારી રીતે વર્તે છે. તેથી, તે હિંસક છે એવું તેના મિત્રો માનવા તૈયાર નથી. તોપણ, એ હકીકત છે કે જુલમી પોતાની પત્નીને કાબૂમાં રાખવા હિંસા પસંદ કરે છે.
• સ્ત્રીઓ ક્યાં કોઈ ફરિયાદ કરે છે?
આમ કહેનારા મોટે ભાગે નિઃસહાય સ્ત્રીના સંજોગો સમજતા નથી કે તે ફરિયાદ કરવા પણ કોની પાસે જાય? અત્યાચાર સહેતી પત્નીના સગા-સંબંધીઓ પણ તેને પોતાના ઘરે થોડા અઠવાડિયાં રાખશે. પરંતુ, પછી શું? બાળકોની કાળજી રાખવી અને એની સાથે ઘરનું ભાડું ચૂકવવા નોકરી કરવી કંઈ સહેલી વાત નથી. કદાચ દેશના કાયદા તેને બાળકો સાથે પતિના ઘરેથી ભાગી ન પણ જવા દે. કેટલીક સ્ત્રીઓએ એમ કર્યું પણ છે, છતાં તેઓને શોધી કાઢીને, બળજબરીથી કે ફોસલાવીને તેના પતિના ઘરે પાછી લઈ જવામાં આવી છે. આવી પરિસ્થિતિ સમજતા નથી એવા જ મિત્રો માની લેશે કે તે ક્યાં કોઈ ફરિયાદ કરે છે.