યુવાનો પૂછે છે . . .
શું કામ વાંચવું જોઈએ?
“અહીં વાંચવાની ધીરજ કોને છે, એના કરતાં ટીવી ન જોઉં?”—માગ્રીટા, ૧૩, રશિયા.
“બુક વાંચું કે બાસ્કૅટબોલ રમું, એ બેમાંથી મારે પસંદ કરવાનું હોય તો, હું રમવાનું જ પસંદ કરીશ.”—ઑસ્કર, ૧૯, યુનાઇટેડ સ્ટેટ્સ.
તમે અહીં સુધી જો વાંચ્યું હોય, તો જોયું હશે કે વાંચવું એક કળા છે. શીખવા જેવી કળા છે. તોપણ, તમને એવું લાગે કે બુક કે મૅગેઝિન વાંચવા, એ દવા લેવા જેવું છે: તમારા ફાયદામાં છે, તોપણ એ લેવાનું તમને ગમતું નથી!
સજાગ બનો! મૅગેઝિને ૧૧ દેશોના યુવાનોના ઇન્ટર્વ્યૂં લીધા. જેથી જાણી શકાય કે તેઓને કેમ વાંચવાનું ગમતું નથી અને વાંચનના કયા ફાયદા છે. એના વિષે યુવાનોએ આમ કહ્યું.
વાંચવું તમને કેમ અઘરું લાગે છે?
“મને ભાગ્યે જ વાંચવા માટે સમય મળે છે.”—શેમશીહા, ૧૯, જર્મની.
“વાંચવું તો બહુ અઘરું કામ. હું થોડો આળસુ છું.”—ઇઝીકીએલ, ૧૯, ફિલિપાઈન્સ.
“કંટાળો આવે એવા વિષયો વાંચવા કોઈ દબાણ કરે, એ મને જરાય ન ગમે.”—ક્રિશ્ચન, ૧૫, ઇંગ્લૅંડ.
“જો પાતળી બુક હોય તો કદાચ વાંચવાનું મન થાય. પણ જાડી બુક જોઈને હું ગભરાઈ જાઉં છું.”—એરીકો, ૧૮, જાપાન.
“વાંચતાં વાંચતાં મારું મન આમ-તેમ ભટકી જાય છે. હું ધ્યાન આપી શકતો નથી.”—ફ્રાન્સિસ્કો, ૧૩, દક્ષિણ આફ્રિકા.
યહોવાહના સાક્ષી હોય એવા યુવાનોને બાઇબલ વાંચવાનું ઉત્તેજન મળે છે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩) એ શું તમારા માટે અઘરું છે? જો એમ હોય તો કેમ?
“બાઇબલ તો કેટલું મોટું છે! મને લાગતું નથી કે હું ક્યારેય આખું બાઇબલ વાંચી શકીશ.”—આના, ૧૩, રશિયા.
“બાઇબલના અમુક ભાગ બહુ અઘરા છે. વાંચવામાં એટલી મજા આવતી નથી.”—જેઝરીલ, ૧૧, ભારત.
“દરરોજ બાઇબલ વાંચવાનું મને અઘરું લાગે છે. કેમ કે મેં એનું શેડ્યૂલ બનાવ્યું નથી.”—એલ્સા, ૧૯, ઇંગ્લૅંડ.
“મારી માટે એ અઘરું છે, કેમ કે ઘરનું કામ અને સ્કૂલનું હોમવર્ક મારો બધો જ સમય લઈ લે છે.”—ઝૂરિશાડાઇ, ૧૪, મૅક્સિકો.
“બાઇબલ વાંચવું અઘરું છે, કેમ કે મને મારી હૉબીમાંથી [મોજશોખમાંથી] સમય મળતો નથી.”—શૉ, ૧૪, જાપાન.
વાંચન કરવું એ એક ચેલેંજ છે. પણ એનાથી તમને શું લાભ થયો?
“વાંચન કરવાથી મારું જ્ઞાન વધ્યું છે. એ કારણથી લોકો સાથે હું સારી રીતે વાતચીત કરી શકું છું.”—મનિષા, ૧૪, ભારત.
“વાંચનથી હું મારી ચિંતાઓ ભૂલી જાઉં છું. મને મનની શાંતિ મળે છે.”—એલીશન, ૧૭, ઑસ્ટ્રેલિયા.
“હું જે જગ્યાઓએ જઈ શકતો નથી, એના વિષે વાંચીને ફરવા જેવી મજા માણું છું.”—ડૂઆન, ૧૯, દક્ષિણ આફ્રિકા.
“બીજાઓ પર આધાર રાખવાને બદલે પુસ્તકો વાંચીને હું જાતે જ નવી નવી વસ્તુઓ વિષે શીખું છું.”—અબિહૂ, ૧૬, મૅક્સિકો.
તમને કેવી રીતે વાંચવાનો શોખ જાગ્યો?
“નાનપણથી મારાં મમ્મી-પપ્પા મને મોટેથી વાંચવાનું ઉત્તેજન આપતાં.”—તાન્યા, ૧૮, ભારત.
‘મારાં મમ્મી-પપ્પા મને ઉત્તેજન આપતાં કે જાણે ફિલ્મ જોતો હોઉં એવી રીતે વાંચું.’—ડેનિયેલ, ૧૮, ઇંગ્લૅંડ.
“બાઇબલમાંથી મનગમતાં પુસ્તકો વાંચવાનું મારા પપ્પાએ મને ઉત્તેજન આપ્યું હતું. જેમ કે ગીતશાસ્ત્ર અને નીતિવચનો. હવે બાઇબલ વાંચવાની મને મજા આવે છે.”—શેરેન, ૧૬, દક્ષિણ આફ્રિકા.
“હું જન્મી ત્યારથી મારાં મમ્મી-પપ્પાએ મારા માટે પુસ્તકો ભેગાં કર્યાં હતાં. હું ચાર વર્ષની થઈ ત્યારે તેઓએ મને ટેબલ-ખુરશી અને બુકશેલ્ફ પણ લાવી આપ્યાં.”—અરિ, ૧૪, જાપાન.
બાઇબલ વાંચવું તમને કેમ મહત્ત્વનું લાગે છે?
“લોકો ઘણી એવી બાબતો માને છે જે બાઇબલ શીખવતું નથી. તો બાઇબલ શું શીખવે છે, એ જાણવા માટે તમારે પોતે જ વાંચવું જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧)—મેથ્યૂ, ૧૫, યુનાઈટેડ સ્ટેટ્સ.
“બાઇબલ વાંચતી વખતે વિચારવું પડે. એનાથી મારી માન્યતાઓ વિષે હું લોકોને સારી રીતે સમજાવી શકું છું.” (૧ તીમોથી ૪:૧૩)—જેન, ૧૯, ઇંગ્લૅંડ.
“બાઇબલ વાંચતી વખતે મને એવું જ લાગે છે કે યહોવાહ મારી સાથે વાત કરે છે. કોઈ વાર એના વિચારો મારા દિલમાં ઊતરી જાય છે.” (હેબ્રી ૪:૧૨)—ઑબાદ્યાહ, ૧૫, ભારત.
“બાઇબલ વાંચવાની મને હવે મજા આવે છે. હું જોઈ શકું છું કે યહોવાહને મારા વિષે કેવું લાગે છે. તે મને સૌથી સારી સલાહ આપે છે.” (યશાયાહ ૪૮:૧૭, ૧૮)—વિક્ટૉરિયા, ૧૪, રશિયા.
તમને બાઇબલ અને એનાં પુસ્તકો વાંચવાનો સમય ક્યારે મળે છે?
“મેં શેડ્યૂલ બનાવ્યું છે. હું દરરોજ સવારે બાઇબલનો એક અધ્યાય વાંચું છું.”—લાઇશ, ૧૭, બ્રાઝિલ.
“હું ટ્રેનમાં સ્કૂલે અપ-ડાઉન કરતી વખતે બાઇબલ અને એના વિષેનાં પુસ્તકો વાંચું છું. છેલ્લાં ચાર વર્ષથી હું એમ કરું છું.”—ટાઈચી, ૧૯, જાપાન.
“હું દરરોજ રાત્રે સૂતા પહેલાં થોડું બાઇબલ વાંચું છું.”—મારિયા, ૧૫, રશિયા.
“દરરોજ હું ચોકીબુરજ અથવા સજાગ બનો!નાં ચાર પાન વાંચું છું. આ રીતે નવું મૅગેઝિન આવે એ પહેલાં હું આખું મૅગેઝિન વાંચી કાઢું છું.”—ઍરિકૉ, ૧૮, જાપાન.
“દરરોજ સ્કૂલે જતાં પહેલાં હું બાઇબલ વાંચું છું.”—જૅમ્સ, ૧૭, ઇંગ્લૅંડ.
ઉપરના દાખલા બતાવે છે કે વાંચનથી તમને પોતાનામાં ભરોસો વધશે. તમારું જ્ઞાન વધશે. જેમ કે બાઇબલ, બાઇબલ સમજાવતાં પુસ્તકો અને આ મૅગેઝિન વાંચવાથી તમને ઈશ્વર સાથે પાકો નાતો બાંધવા મદદ મળશે. (યાકૂબ ૪:૮) તેથી તમને વાંચવાનું અઘરું લાગતું હોય તોપણ હિંમત હારશો નહિ! (g 5/06)
આના વિષે વિચાર કરો
▪ તમારે શા માટે બાઇબલ વાંચવું જોઈએ?
▪ બાઇબલ અને બાઇબલ સમજાવતાં પુસ્તકો વાંચવા માટે ‘સમય સારી રીતે’ વાપરવા તમે શું કરશો?—એફેસી ૫:૧૫, ૧૬.
[પાન ૨૨ પર બોક્સ]
એક માહિતી બીજી સાથે જોડો
તમે જે વાંચો છો એને જે જાણો છો, એની સાથે સરખાવો. નવી માહિતી તમને કેવી રીતે લાગુ પડે છે, એનો વિચાર કરો. આવા સવાલો પર વિચાર કરો:
▪ જે વાંચો એને, જે જાણો છો એની સાથે સરખાવો હું વાંચું છું, એવા સંજોગો કે પ્રોબ્લમ મેં પહેલાં કોઈ મૅગેઝિન કે પુસ્તકમાં વાંચ્યા છે? મેં જે લોકો વિષે વાંચ્યું છે અને જેઓ વિષે વાંચું છું તેઓના ગુણો કઈ રીતે સરખા છે?
▪ વાંચન અને તમે પોતે હું જે વાંચું છું એ કઈ રીતે મારા સંજોગો, સંસ્કાર અને મુશ્કેલીઓ જેવા છે? શું આ માહિતી મને મુશ્કેલીનો સામનો કરવા કે જીવન સુધારવા મદદ કરી શકે?
▪ વાંચન અને આસપાસનું વાતાવરણ કુદરત, વાતાવરણ, જુદા જુદા સમાજ અને સમાજની મુશ્કેલીઓ વિષે એ શું કહે છે? આ માહિતી મને ઈશ્વર વિષે શું શીખવે છે?