‘આવતી કાલની ચિંતા ન કરો’
મેથ્યુ ત્રણથી વધારે વર્ષ બેકાર રહ્યો. એના લીધે તેની પત્ની રીનીની સહનશક્તિ ખૂટી પડી. રીનીએ કહ્યું: ‘ભાવિ વિષેની ચિંતાઓ મને કોરી ખાતી હતી. હું સાવ ભાંગી પડી હતી!’ તેની પત્નીને શાંત પાડવા ને દિલાસો આપવા મેથ્યુએ ઘણી કોશિશ કરી. તેણે કહ્યું, ‘શું મેં અત્યાર સુધી આપણા કુટુંબ માટે રોટી-કપડાં અને મકાન પૂરાં પાડ્યાં નથી?’ પણ એ શબ્દો હજુ પૂરા કરે એ પહેલા તો તેની પત્ની બોલી ઊઠી: ‘તને હજી બીજી નોકરી ક્યાં મળી છે! પૈસા ક્યાંથી આવશે?’
કુટુંબમાં કોઈ બેકાર બની જાય ત્યારે ઘરનાની ચિંતા વધી જાય છે. બેકાર વ્યક્તિ વિચારશે: ‘ક્યારે બીજી નોકરી મળશે? નહિ મળે ત્યાં સુધી કેવી રીતે જીવી શકીશું?’
આવી ચિંતા વ્યક્તિને કોરી ખાય એ સમજી શકાય. ચિંતામાં ડૂબી જવાને બદલે ઈસુ ખ્રિસ્તની આ અનમોલ સલાહ ધ્યાનમાં લો: ‘આવતી કાલની ચિંતા ન કરો. આજનું દુઃખ આજને માટે પૂરતું છે.’—માથ્થી ૬:૩૪, IBSI.
ચિંતાઓ પારખો
અહીં ઈસુ એવું કહેવા માગતા ન હતા કે આપણે બેફિકર બનીને જીવીએ. તેમનું કહેવું હતું કે જો કાલ વિષેની ખોટે-ખોટી ચિંતા કરીશું, તો આજની ચિંતામાં વધારો થશે. હકીકતમાં કાલે શું થશે એ પર આપણે કાબૂ રાખી શકતા નથી. પણ રોજ-બ-રોજની ચિંતાઓને કેવી રીતે થાળે પાડવી એ આપણા હાથમાં છે.
જોકે કહેવું સહેલું છે, કરવું અઘરું છે. રબેકાનો દાખલો લો. તેના પતિ ૧૨ વર્ષ ઘરે બેસી રહ્યા. રબેકા કહે છે: ‘આવા સમયે તમારી લાગણીઓ ઊથલ-પાથલ થતી હોય ત્યારે મગજને ઠેકાણે રાખીને વિચારવું બહુ અઘરું છે. તેમ છતાં મેં મારા મન અને લાગણીઓ પર કાબૂ રાખવા કોશિશ કરી. હું ભવિષ્ય વિષે જે વિચાર્યા કરતી હતી, એવું કંઈ થયું નહિ. એટલે મને ભાન થયું કે હું નકામી ચિંતા કરતી હતી. હવે અમે આજના વિષે જ વિચારીએ છીએ. એમ કરવાથી અમારી અનેક મુશ્કેલીઓ દૂર થઈ છે.’
વિચારો: ‘મારી સૌથી મોટી ચિંતા શું છે? કેટલી હદ સુધી એ હકીકત બનશે? આવતી કાલે કંઈ થાય કે ન થાય એ વિચારવા માટે હું કેટલો સમય અને શક્તિ વેડફું છું?’
સંતોષી રહો
આપણે જે વિચારીએ છે એની આપણી લાગણીઓ પર અસર થાય છે. એટલે બાઇબલ આવું વિચારવા કહે છે: ‘આપણને જે ખોરાક અને વસ્ત્ર મળે છે એનાથી સંતોષી રહીએ.’ (૧ તીમોથી ૬:૮) ગમતી ચીજો પાછળ પડવાને બદલે રોજિંદી જરૂરિયાતોથી સંતોષી રહીએ. પણ જો આપણે પોતાની બધી જ ઇચ્છાઓ સંતોષવા પ્રયત્ન કરીશું તો સાદું જીવન જીવવું અઘરું બનશે.—માર્ક ૪:૧૯.
રીની નામની સ્ત્રીને મૂળભૂત જરૂરિયાતોથી સંતોષી રહેતા શીખવું પડ્યું. તે કહે છે: ‘તંગીમાં હું પહેલાની જેમ જીવવા માગતી, ત્યારે મારી ચિંતા બહુ જ વધી જતી. જીવનઢબ બદલવી મારા માટે મુશ્કેલ હતું પણ મારે સાદું જીવન જીવવું પડ્યું. એનાથી વીજળી અને બળતણ માટે પૂરતા પૈસા રહેતા. અમે સાવ રસ્તા પર આવી ગયા નહિ.’
રીનીને ભાન થયું કે મૂળ તકલીફ તેના સંજોગોને લીધે નહિ પણ તેના વિચારોને લીધે હતી. એ ખોટા વિચારોને લીધે તેને લાગ્યું કે બેકારીમાં તે જીવી નહિ શકે. તે કહે છે: ‘હું કાયમ શેખચલ્લીની જેમ વિચારે ચઢી જતી કે મારું જીવન કેવું હોવું જોઈએ. પણ એ ખયાલોની દુનિયા છોડીને મારે હકીકત સ્વીકારવી પડી. ઈશ્વરે દરરોજ અમારી મૂળ જરૂરિયાતો પૂરી પાડી હતી. એનાથી અમે સંતોષી રહેતા, ખુશ રહેતા.’
વિચારો: ‘શું મને આજની જરૂરિયાતો મળી છે? જો મળી હોય તો શું હું કાલ માટેની ચિંતાને દૂર કરી શકું છું? શું હું એવો ભરોસો રાખી શકું કે કાલની જરૂરિયાતો પણ મળતી રહેશે?’
પહેલું પગલું એ છે કે ઓછી આવકમાં જીવવા પ્રયત્ન કરવો.a જો તમે બેકાર થયા હોવ, તો તમે શું કરી શકો જેથી તમે કરકસરથી જીવી શકો? (g10-E 07)
[ફુટનોટ્સ]
a નોકરી શોધવા અને એને જાળવી રાખવા માટે વધારે સૂચનો મેળવવા જુલાઈ ૮, ૨૦૦૫નું અવેક! પાન ૩-૧૧ જુઓ.
[પાન ૫ પર ચિત્રનું મથાળું]
હિંમત ન હારો
ફ્રેડે ઘણાં અઠવાડિયાં સુધી બીજી નોકરી શોધવા કોશિશ કરી. તેને લાગ્યું કે તેને બીજી નોકરી કદી મળવાની નથી. ‘જાણે તમે બસ સ્ટૅન્ડ પર રાહ જોતા ઊભા હોવ કે કોઈક તમને લેવા આવશે, પણ કોઈ આવે જ નહિ.’ છેવટે તેણે અમુક પગલાં ભર્યા. તેણે અનેક કંપનીને પોતાનો બાયોડેટા મોકલી આપ્યો. અમુક કંપની ફ્રેડ જેવા કારીગરોને શોધતી હતી. તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવતા ત્યારે ફ્રેડ બરાબર તૈયારી કરીને જતો. તેને ભરોસો હતો કે ‘ખંતીલા માણસના વિચારોનું પુષ્કળ ફળ મળે છે.’ (નીતિવચનો ૨૧:૫) તે કહે છે: ‘એક કંપનીમાં મારે બે વખત ઇન્ટરવ્યૂ આપવું પડ્યું. બંને વખતે કંપનીના મૅનેજરે અઘરા સવાલોની ઝડી વરસાવી.’ હિંમત હાર્યા વગર તેણે સવાલોના જવાબ આપ્યા. તે કહે છે: ‘છેવટે મને નોકરી મળી ગઈ!’
[પાન ૬ પર ચિત્રનું મથાળું]
આવક કરતાં બીજું કંઈક મહત્ત્વનું છે
તમારા મને વધુ મહત્ત્વનું શું છે, તમારી આબરૂ કે આવક? બાઇબલમાંથી આ બે કહેવતોનો વિચાર કરો:
‘જે માણસ ધનવાન છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ સારો છે.’—નીતિવચનો ૨૮:૬.
“પ્રેમાળ લોકોની સંગતમાં શાકભાજી ખાવાં એ ઘૃણાખોર લોકોની સાથે મિષ્ટાન્ન આરોગવા કરતાં ઉત્તમ છે.”—સુભાષિતસંગ્રહ [નીતિવચનો] ૧૫:૧૭, કોમન લેંગ્વેજ.
આ કલમો બતાવે છે કે વ્યક્તિ ભલે બેકાર હોય કે થોડું કમાતો હોય, સૌથી મહત્ત્વનું એ છે કે તેની આબરૂ સારી હોય, તે ઇમાનદાર હોય. રીનીને આ સમજાયું. તેના પતિનું કામ છૂટી ગયું ત્યારે તેણે પોતાના ચાર બાળકોને કહ્યું: ‘ઘણા પિતાઓ કુટુંબની જવાબદારીથી છૂટવા ઘર છોડીને જતાં રહે છે. પણ કપરા સંજોગોમાંય તમારા પિતા હજી આપણી સાથે રહે છે. તમને અનેક મુશ્કેલીઓમાંથી બહાર લાવ્યા છે. તમે જાણો છો, એ તમને બહુ ચાહે છે. તમારા પિતા જેવા બીજા કોઈ નથી.’