ઈશ્વરના જ્ઞાનથી જીભ કેળવીએ
શું તમે કદી એવું કહ્યું છે કે ‘કાશ, હું મારા શબ્દો પાછા ખેંચી શકત!’ ખરું કે જીભ પર લગામ રાખવી સહેલી નથી. આપણે પ્રાણીઓને વશ કરી શકીએ છીએ, પણ બાઇબલ કહે છે કે “જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી.” (યાકૂબ ૩:૭, ૮) શું એનો અર્થ એ થાય કે જીભ પર લગામ રાખવાનો પ્રયાસ ન કરવો જોઈએ? ના, એવું નથી. ચાલો આપણે બાઇબલમાંથી અમુક સિદ્ધાંતો જોઈએ જે નાનકડી પણ શક્તિશાળી જીભને કાબૂમાં રાખવા મદદ કરશે.
• નીતિવચનો ૧૦:૧૯ કહે છે,“ઘણું બોલવામાં દોષની અછત હોતી નથી; પણ પોતાના હોઠો પર દાબ રાખનાર ડહાપણ કરે છે.” આપણે વધારે પડતું બોલ બોલ કરીશું તો, કોઈને ખોટું લગાડીશું અથવા મૂર્ખામીભર્યું બોલી નાખીશું. જીભ પર લગામ ન હોય તો, કદાચ કોઈના વિષે ખોટી વાતો ફેલાવી બેસીશું. (યાકૂબ ૩:૫, ૬) જોકે આપણે જીભ પર “દાબ” રાખીશું કે બોલતા પહેલાં ધ્યાન રાખીશું તો, બતાવીએ છીએ કે સામેવાળી વ્યક્તિનો વિચાર કરીએ છીએ. આમ કરવાથી આપણે સમજદાર ગણાઈશું, બીજાનું માન અને ભરોસો જીતી શકીશું.
• યાકૂબ ૧:૧૯ કહે છે, ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા, તથા ક્રોધમાં ધીરા થાવ.’ કોઈ આપણી સાથે વાત કરતું હોય ત્યારે ધ્યાનથી સાંભળીને બતાવીએ છીએ કે તેમનામાં રસ છે. તેમ જ, તેમને માન આપીએ છીએ. પણ ધારો કે કોઈ આપણને માઠું લાગે એવું અથવા ગુસ્સો આવે એવું કહે તો શું કરીશું? આપણે “ક્રોધમાં ધીરા” થવું જોઈએ, તેમની જેમ સામે બોલવું ન જોઈએ. બની શકે કે એની પાછળ કોઈ કારણ હોય. કદાચ કશાકને લીધે તે ગુસ્સે હોય અને ઠંડા થયા પછી એલફેલ બોલવા માટે માફી પણ માંગે. “ક્રોધમાં ધીરા” થવું શું તમને અઘરું લાગે છે? એમ હોય તો, ગુસ્સા પર કાબૂ રાખવા માટે પ્રાર્થના કરો. ઈશ્વરને ખરા દિલથી વિનંતી કરશો તો તે જરૂર મદદ કરશે.—લુક ૧૧:૧૩.
• નીતિવચનો ૨૫:૧૫ કહે છે, “કોમળ જીભ હાડકાંને ભાંગે છે.” મોટા ભાગે લોકો સ્વીકારતા નથી પણ નમ્ર ઉત્તરમાં ઘણી તાકાત છે. કોઈ ભેદભાવને અથવા ગુસ્સાને લીધે વ્યક્તિ કદાચ આપણો સખત વિરોધ કરે. ખરું કે જ્યારે ગરમા-ગરમી હોય ત્યારે નમ્રતા કે પ્રેમથી બોલવું સહેલું નથી. પણ વિચારો કે બાઇબલની સલાહ પાળવાથી કયો ફાયદો થશે અને એમ ન કરવાથી કેવા અંજામ આવશે.
સાચે જ બાઇબલના સિદ્ધાંતો “ઈશ્વર તરફથી આવતું જ્ઞાન” છે. (યાકૂબ ૩:૧૭, કોમન લેંગ્વેજ) ઈશ્વરના જ્ઞાનથી આપણી જીભ કેળવીશું તો બધાને માન, પ્રેમ અને ઉત્તેજન મળે એ રીતે બોલીશું. એવા શબ્દો યોગ્ય સમયે બોલવાથી જાણે કે “રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ” જેવા થશે.—નીતિવચનો ૨૫:૧૧. (g10-E 11)