વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧૦/૧૧ પાન ૧૦-૧૨
  • ટાબરિયા અને ટીનેજ વચ્ચેના બાળકોની સંભાળ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ટાબરિયા અને ટીનેજ વચ્ચેના બાળકોની સંભાળ
  • સજાગ બનો!—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • સાંભળવાનો સમય
  • ‘એકબીજાને માફ કરો’
  • “આભારી બનો”
  • ‘શિક્ષા કરવાથી પાછા ન હઠો’
  • “તમારું વાજબીપણું સર્વના જાણવામાં આવે”
  • બાળકો મોટા કરવા ઈશ્વરની મદદ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • બાળકોને કઈ રીતે શીખવવું જોઈએ?
    કુટુંબ સુખી બનાવો
  • તમારાં બાળકોને ઊછરવામાં મદદ કરો
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૧
g ૧૦/૧૧ પાન ૧૦-૧૨

ટાબરિયા અને ટીનેજ વચ્ચેના બાળકોની સંભાળ

“મોટા ભાગે બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી ઘરમાં જ રહેતું હોય છે. એટલે તે સલામત હોય છે અને સારા સંસ્કાર આપવા સહેલા હોય છે. પણ તેઓ સ્કૂલે જતાં થાય ત્યારે, બીજાઓની અસર પડે છે. બીજાઓની જેમ બોલવા લાગે છે, વિચારવા લાગે છે અને નવી રીતો શીખે છે.”—ઇટાલીના વોલ્ટર ભાઈ.

બાળકો મોટા થાય છે તેમ, તેઓની નાની દુનિયા મોટી થતી જાય છે. તેઓ નવા નવા લોકોના સંપર્કમાં આવે છે. જેમ કે, સાથે રમનારા, સાથે ભણનારા અને સગાં-સંબંધીઓ. ઉપર જણાવેલા વોલ્ટર ભાઈના કહ્યા પ્રમાણે, હવે બાળક પર તમારી એકલાની જ અસર નથી. બાળક પાંચેક વર્ષનું થાય ત્યાં સુધી તમારી જોડે વધારે રહે છે. એટલે આ ગાળામાં તેને સારી રીતભાત અને આજ્ઞા પાળવાના ફાયદા બતાવવા જોઈએ. તેમ જ તેઓને ખરું-ખોટું પારખતા શીખવવું જોઈએ.

આ બધું તેઓમાં તરત કે આપોઆપ આવી જશે નહિ પણ શીખવવું પડશે. જેમ કે, બાળકની ‘ભૂલો સુધારવી અને પ્રોત્સાહન આપવું’ જોઈએ. તેઓને શીખવતી વખતે ‘ધીરજ’ રાખવી જોઈએ. (૨ તીમોથી ૪:૨, કોમન લેંગ્વેજ) પ્રાચીન સમયના ઇઝરાયલી માબાપોને ઈશ્વરે આ કરવાની આજ્ઞા આપી હતી: “તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (પુનર્નિયમ ૬:૬, ૭) આ કલમ પ્રમાણે બાળકોને સતત શીખવતા રહેવું જોઈએ.

જોકે, બાળકોના ઉછેરમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે. ચાલો એમાંની અમુક જોઈએ.

સાંભળવાનો સમય

બાઇબલ જણાવે છે કે “બોલવાનો” અને સાંભળવાનો પણ વખત હોય છે. (સભાશિક્ષક ૩:૭) તમારું અને બીજાઓનું પણ ધ્યાનથી સાંભળવા તમે બાળકને કેવી રીતે શીખવી શકો? એ માટે તમે પોતે સારો દાખલો બેસાડો. શું તમે તમારા બાળકનું અને બીજાઓનું ધ્યાનથી સાંભળો છો?

બાળકોનું ધ્યાન સહેલાઈથી ભટકી શકે છે. એટલે તમે બાળકની સાથે વાતચીત કરશો ત્યારે તમારી ધીરજની કસોટી થશે. દરેક બાળક અજોડ હોય છે. તમારે જોવું પડશે કે બાળક સાથે કેવી રીતે વાત કરી શકાય. દાખલા તરીકે, બ્રિટનમાં રહેતા એક પિતા ડેવિડ કહે છે: “મારી દીકરીને મેં જે કહ્યું હોય, એ પોતાના શબ્દોમાં જણાવવા કહું છું. એટલે તે મોટી થાય છે, તેમ વધારે સારી રીતે સાંભળે છે.”

ઈસુએ પોતાના શિષ્યોને શીખવતી વખતે કહ્યું: “તમે કેવી રીતે સાંભળો છો,” એના પર ધ્યાન આપો. (લુક ૮:૧૮) જો મોટાઓને સાંભળવામાં ધ્યાન આપવાની જરૂર પડતી હોય, તો બાળકોને કેટલી વિશેષ જરૂર છે!

‘એકબીજાને માફ કરો’

બાઇબલ જણાવે છે કે, ‘એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને માફ કરો.’ (કોલોસી ૩:૧૩) બાળકોને દિલથી માફ કરતા પણ શીખવવું જોઈએ. પણ કેવી રીતે?

સાંભળવા વિષે આપણે આગળ જોઈ ગયા. એવી જ રીતે માફી આપવા વિષે પણ તમારે દાખલો બેસાડવો પડશે. લોકો સાથેના વ્યવહારમાં તમારું માફી આપવાનું વલણ બાળકો જોઈ શકવા જોઈએ. રશિયાની મરિના નામની એક મા એમ કરવાનો પૂરો પ્રયાસ કરે છે. તે કહે છે: “માફી આપવા, જતું કરવા અને ખોટું ન લગાડવા વિષે અમે બાળકો આગળ સારો દાખલો બેસાડીએ છીએ. જો મારાથી કોઈ ભૂલ થઈ જાય, તો હું બાળકોની માફી માંગું છું. હું ચાહું છું કે આ જ બાબત તેઓ પણ શીખે અને બીજાઓ સાથે એ રીતે વર્તે.”

બાળકોને તકરાર થાળે પાડવાનું અને માફ કરવાનું શીખવીશું તો, જીવનમાં તેઓને કામ આવશે. એટલે, બાળકોને અત્યારથી જ બીજાઓનો વિચાર કરવાનું અને પોતાની ભૂલ સ્વીકારવાનું શીખવો. આમ કરીને તમે બાળકોમાં મૂલ્યવાન ગુણો કેળવો છો, જે તેઓને આગળ જતા કામ લાગશે.

“આભારી બનો”

બાઇબલ પ્રમાણે આપણે દુષ્ટ દુનિયાના “છેલ્લા સમયમાં” જીવીએ છીએ. એટલે આ “સંકટના વખતો” છે, જેમાં ઘણા લોકો “સ્વાર્થી” છે. (૨ તીમોથી ૩:૧, ૨) બાળકોને નાનપણથી જ આભાર માનતા શીખવવું જોઈએ. બાઇબલમાં પાઊલ નામના ઈશ્વરભક્તે લખ્યું: “આભારી બનો.”—કોલોસી ૩:૧૫, કોમન લેંગ્વેજ.

બાળકો નાના હોય ત્યારથી જ તેઓને સારી આદતો શીખવો. બીજાઓનું ભલું કરવાનું પણ શીખવો. એ તમે કેવી રીતે કરી શકો? ડૉક્ટર કેલ પ્રુટે પેરેન્ટ્‌સ મૅગેઝિનમાં લખ્યું, ‘હંમેશા તમારા કુટુંબના સભ્યોનો આભાર માનીને તમે બાળકોને આભાર માનતા શીખવી શકો. જેમ કે, તમે કંઈ મદદ મેળવો અથવા કોઈએ તમારા માટે સારું કર્યું હોય તો, તેઓનો આભાર માનો. આ તમારે સતત કરતા રહેવું જોઈએ.’

બ્રિટનમાં રહેતા રીચર્ડ નામના એક પિતા એમ કરવાની પૂરી કોશિશ કરે છે. તે કહે છે: “કોઈએ અમને મદદ કરી હોય તો હું અને મારી પત્ની તેમનો આભાર માનીએ છીએ. જેમ કે, સ્કૂલના શિક્ષકો અથવા દાદા-દાદી કે નાના-નાની, વગેરે. કોઈ કુટુંબે અમને જમવા બોલાવ્યા હોય તો અમે તેઓને ‘થેંક્યું-કાર્ડ’ લખીએ છીએ. પછી, અમારા બાળકો એના પર સહી કરે અથવા તો કોઈ ચિત્ર દોરે.” આભાર માનવાથી અને ઉદાર બનવાથી તમારા બાળકને આગળ જતાં ગાઢ અને કાયમી સંબંધ બાંધવા મદદ મળશે.

‘શિક્ષા કરવાથી પાછા ન હઠો’

બાળકો મોટા થાય તેમ તેઓએ સમજવું જરૂરી છે કે પોતે જેવું કામ કરશે એવું ફળ ભોગવશે. નાનપણથી બાળકોને શીખવવું જોઈએ કે, તેઓ જે કરશે એના સારાં અથવા ખરાબ પરિણામ માટે પોતે જવાબદાર છે. એટલે બાળકોને આ સિદ્ધાંત સમજવા મદદ કરો: જેવું વાવશો એવું જ લણશો. (ગલાતી ૬:૭) કઈ રીતે?

બાઇબલ જણાવે છે કે શિખામણ આપવામાં કે ‘શિક્ષા કરવામાં પાછા ન હઠો.’ (નીતિવચનો ૨૩:૧૩) જો તમે બાળકને કંઈક ખોટું કરવાની સજા જણાવી હોય અને તે ખોટું કરે, તો સજા આપતા અચકાશો નહિ. આર્જેન્ટિનામાં રહેતી નોર્મા નામની એક મા કહે છે, “પોતાના શબ્દોને વળગી રહેવું મહત્ત્વનું છે. એમ નહિ કરો તો બાળકોને મનફાવે એમ કરવાની છૂટ મળી જશે.”

બાળકો સાથે માબાપ જીભાજોડી કરવાનું ટાળી શકે છે. કેવી રીતે? બાળકોને પહેલેથી સમજવા મદદ કરો કે જો તેઓ કહેવું નહિ માને તો કેવું પરિણામ આવશે. બાળકો નિયમ ન તોડે એ માટે તેઓને આટલું સમજાવો: ક્યા નિયમો છે. એને તોડવાની સજા શું છે અને સજામાં કોઈ બાંધછોડ નહિ થાય.

જોકે શિસ્ત આપીએ ત્યારે હદ પાર વગરનો ગુસ્સો કરવો નહિ. બાઇબલ જણાવે છે, ‘સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ અને ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.’ (એફેસી ૪:૩૧) શિસ્ત આપવાનો અર્થ એ નથી કે બાળકોને ઢોરમાર આપીએ અને કડવા વેણ બોલીએ.

પણ બાળક તમારી ધીરજની કસોટી કરે તો કેવી રીતે ગુસ્સા પર કાબૂ રાખશો? ન્યૂઝીલૅન્ડમાં રહેતા પીટર નામના એક પિતા કહે છે, “ઘણી વાર ગુસ્સા પર કાબૂ રાખવો સહેલું હોતું નથી. જોકે, બાળકોને ખ્યાલ થવો જોઈએ કે તેને મળેલી શિક્ષા પાછળ માબાપનો ગુસ્સો નહિ પણ પોતાનો જ હાથ છે.”

પીટર અને તેમની પત્ની બાળકોને શીખવે છે કે કહેલું કરવાથી લાંબા ગાળે કેવો ફાયદો થશે. પીટર કહે છે: “બાળકો અમને પરેશાન કરે તો, અમે તેઓની હેરાનગતિ ચલાવી લેતા નથી. બલ્કે, તેઓએ કેવા વ્યક્તિ બનવું જોઈએ એ જણાવીએ છીએ.”

“તમારું વાજબીપણું સર્વના જાણવામાં આવે”

ઈશ્વરે પોતાના લોકોને કહ્યું હતું: હું “ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.” (યિર્મેયાહ ૪૬:૨૮) જો બાળકે કંઈક ખોટું કર્યું હોય તો યોગ્ય શિસ્ત આપવાથી એના સારા પરિણામો આવશે. પાઊલે પોતાના સમયના ખ્રિસ્તીઓને લખ્યું હતું કે, “તમારું વાજબીપણું સર્વના જાણવામાં આવે.”—ફિલિપી ૪:૫, NW.

વાજબીપણાનો અર્થ થાય કે, બાળકનું માન જળવાઈ રહે એ રીતે તેને શિસ્ત આપવી. ઇટાલીમાં રહેતા શેન્ટી કહે છે: “હું મારા દીકરા કે દીકરીને કદી નીચા નથી પાડતો. હું તેઓની મુશ્કેલીનું જડ પારખીને તેઓને સુધરવા મદદ કરું છું. હું મારા બાળકોને ક્યારેય લોકોની હાજરીમાં શિસ્ત નથી આપતો. અરે, શક્ય હોય તો બાળકોને પણ એકબીજાની સામે શિસ્ત આપતો નથી. તેઓની ખામીઓ વિષે ખાનગી કે જાહેરમાં મજાક નથી ઉડાવતો.”

આગળ જણાવેલા રિચર્ડ ભાઈ પણ જોઈ શકે છે કે વાજબી બનવાનો ફાયદો છે. તેમનું કહેવું છે, “બાળકોને એક સામટી શિક્ષા ન આપો. તમે શિક્ષા કરો તો આગળની ભૂલ ઉમેરો નહિ. તમે એક વખતે શિક્ષા કરો પછી એના વિષે વાત ન કરો. બાળકને તેની ભૂલ વારંવાર યાદ ન કરાવો.”

બાળકોને ઉછેરવા માટે સખત મહેનત માંગી લે છે. એમાં ઘણું જતું પણ કરવું પડે છે. પણ એના આશીર્વાદો અનેક છે. યેલના રશિયામાં રહેતી એક મા છે. તેના કિસ્સામાં પણ આ સાચું પડ્યું છે. તે કહે છે: “હું મારા દીકરા સાથે વધુ સમય ગાળી શકું એ માટે પાર્ટ-ટાઈમ નોકરી કરું છું. જોકે એનાથી મને ઓછા પૈસા મળે છે, પણ મારા દીકરાને ખુશ થતો જોઈને મને ઘણો આનંદ થાય છે. એનાથી અમારો સંબંધ પણ વધારે ગાઢ બન્યો છે.” (g11-E 10)

[પાન ૧૧ પર ચિત્ર]

બાળકને બીજાનું ભલું કરવાનું શીખવવું જોઈએ

[પાન ૧૨ પર ચિત્ર]

બાળકનું માન જળવાઈ રહે એ રીતે શિસ્ત આપો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો