વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧૦/૧૫ પાન ૩-૬
  • પૈસા વિશે યોગ્ય વલણ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પૈસા વિશે યોગ્ય વલણ
  • સજાગ બનો!—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • પૈસા અને ધારણા
  • બાઇબલ શું કહે છે?
  • તમારા જીવનમાં પૈસાનું મહત્ત્વ કેટલું છે?
  • શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • પૈસા કઈ રીતે વાપરવા?
    કુટુંબ સુખી બનાવો
  • શું પૈસા પાછળ પડવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૭
  • તમે પૈસા બાબતે કઈ રીતે સમતોલ બની શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૫
g ૧૦/૧૫ પાન ૩-૬
એક માણસ સિક્કાની થપ્પીને જોઈ રહ્યો છે

મુખ્ય વિષય

પૈસા વિશે યોગ્ય વલણ

ઘણા લોકો માને છે કે, “પૈસા વગર જીવવું શક્ય નથી.” અમુક હદે એ સાચું છે. કારણ કે, રોટી, કપડાં અને મકાન ખરીદવા પૈસાની જરૂર પડે છે. એક લેખકે કહ્યું: “આપણા જીવનમાં પૈસા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો દુનિયામાંથી પૈસાને કાઢી જ નાખવામાં આવે, તો લોકોમાં અંધાધૂંધી ફેલાઈ જાય અને એક જ મહિનામાં યુદ્ધ ફાટી નીકળે.”

ખરું કે, પૈસાથી બધું જ નથી ખરીદી શકાતું. નૉર્વેના એક કવિએ લખ્યું: ‘પૈસાથી તમે ખોરાક ખરીદી શકો પણ ભૂખ નહિ; દવાઓ પણ તંદુરસ્તી નહિ; આરામદાયક ગાદલું પણ ઊંઘ નહિ; પુસ્તક પણ જ્ઞાન નહિ, ઘરેણાં પણ સુંદરતા નહિ; મનોરંજન પણ આનંદ નહિ; મિત્ર પણ મિત્રતા નહિ; સેવકો પણ વફાદારી નહિ.’—આર્ને ગાર્બોગ.

પૈસા માટે યોગ્ય વલણ રાખવાથી જીવનમાં સંતોષ મેળવવો શક્ય બને છે. ધ્યેય પૂરો કરવા પૈસા કમાઈ શકીએ પણ, પૈસા કમાવાનો જ ધ્યેય ન હોવો જોઈએ. પવિત્ર શાસ્ત્ર આપણને ચેતવે છે: ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાકે પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.’—૧ તીમોથી ૬:૧૦.

ધ્યાન આપો કે, અહીં જણાવ્યા પ્રમાણે પૈસાથી નહિ પણ, પૈસાના લોભથી નુકસાન થાય છે. હકીકતમાં, પૈસાનો લોભ રાખવાથી મિત્રો અને કુટુંબીજનો સાથેના સંબંધમાં તિરાડ પડી શકે છે. ચાલો, અમુક ઉદાહરણો જોઈએ.

પૈસાનો ઢગલો થઈ રહ્યો છે

ડેનિયલ:a “હું અને થોમસ સારા દોસ્ત હતા. તે ઘણો ઈમાનદાર હતો. અમારા વચ્ચે કદી કોઈ તકરાર થઈ ન હતી. એક વાર તેણે મારી પાસેથી કાર ખરીદવાનું નક્કી કર્યું. તેણે લખાણમાં આપ્યું કે, એ જેવી હાલતમાં છે એવી જ તે લેશે. મારી કારમાં કોઈ ખરાબી છે એની મને જરાય ખબર ન હતી. પણ, ત્રણ મહિના પછી કાર બગડી ગઈ. થોમસને લાગ્યું કે મેં તેને છેતર્યો છે. તે ગુસ્સે થઈ ગયો અને પૈસા પાછા માંગવા લાગ્યો. મને બહુ જ આઘાત લાગ્યો. મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે, તે ગરમ થઈ ગયો અને મારું સાંભળવા તૈયાર જ ન હતો. પૈસાની વાત આવી ત્યારે એ મારો દોસ્ત હવે દોસ્ત ન રહ્યો.”

અસિન: “નસરીમ મારી નાની બહેન છે. અમારા બંનેનું બહુ સારું બનતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે પૈસાના લીધે અમારા સંબંધો બગડશે. પરંતુ, એવું જ બન્યું. મારાં મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યાં ત્યારે, તેઓની બધી સંપત્તિ અમારા નામે કરી ગયા હતાં. તેઓની ઇચ્છા હતી કે, એ સંપત્તિ અમારા વચ્ચે સરખા ભાગે વહેંચાય. પરંતુ, મારી બહેને વધારે ભાગની માંગણી કરી. મેં મારાં મમ્મી-પપ્પાની ઇચ્છા પ્રમાણે કર્યું. એ મારી બહેનને જરાય ન ગમ્યું. તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને ધમકીઓ આપવા લાગી. હજીયે તે મારાથી સખત નારાજ છે.”

પૈસા અને ધારણા

પૈસા વિશે યોગ્ય વલણ ન હોય તો, લોકો બીજાઓ માટે ખોટી ધારણાઓ બાંધી શકે. દાખલા તરીકે, અમીર વ્યક્તિ કદાચ વિચારે કે, ગરીબ લોકો આળસુ હોવાથી પોતાની પરિસ્થિતિ સુધારી શકતા નથી. જ્યારે કે, ગરીબ વ્યક્તિ કદાચ વિચારશે, પૈસાદાર લોકો વધારે વસ્તુઓ મેળવવા પાછળ મંડ્યા રહે છે અથવા લોભી છે. ૧૭ વર્ષની લીન સાથે એવું જ બન્યું. તેનું કુટુંબ બહુ પૈસાદાર છે. તે જણાવે છે:

પૈસા વિશેની બાઇબલની સારી સલાહ આજે પણ એટલી જ લાગુ પડે છે

“દોસ્તો મને પૈસાદાર બાપની દીકરી તરીકે ઓળખતા. એટલે, તેઓ અવારનવાર મારા વિશે આવું કહેતા: ‘તને શાની ચિંતા? જો તું પપ્પા પાસે કંઈ માંગીશ, તો તને તરત લાવી આપશે’ અથવા ‘અમે તારા જેવા પૈસાદાર નથી અને તમારા લોકો પાસે જેવી ગાડીઓ છે એવી તો અમે સપનામાં પણ વિચારી નથી શકતા.’ આખરે, મેં મારા દોસ્તોને સમજાવ્યું કે મને એવું ના કહે. કારણ કે, એવા શબ્દોથી મને દુઃખ થાય છે. હું ચાહતી હતી કે તેઓ મને પૈસાદાર નહિ પણ, બીજાઓને મદદ કરનાર એક નમ્ર વ્યક્તિ તરીકે ઓળખે.”

બાઇબલ શું કહે છે?

બાઇબલ ક્યારેય પૈસા કે પૈસાદાર લોકોની ટીકા કરતું નથી. સવાલ એ નથી કે વ્યક્તિ પાસે કેટલા પૈસા છે, પરંતુ પૈસા માટેનું તેનું વલણ કેવું છે એ મહત્ત્વનું છે. પૈસા વિશે યોગ્ય વલણ રાખવા બાઇબલ સારી સલાહ આપે છે. એ સલાહ આજે પણ એટલી જ લાગુ પડે છે. ચાલો, અમુક ઉદાહરણો જોઈએ.

બાઇબલ કહે છે: ‘પૈસાદાર થવા તનતોડ મહેનત ન કર.’—નીતિવચનો ૨૩:૪.

ધ નાર્સિસિઝમ એપિડેમિક નામનું પુસ્તક કહે છે: “જેઓ ધનસંપત્તિ પાછળ પડે છે, તેઓ ઉદાસ રહે છે. તેઓની તબિયત પણ સારી રહેતી નથી. જેમ કે, શરદી થાય, કમર અને માથું દુઃખે. તેઓને કદાચ વધારે દારૂ પીવાની અને ડ્રગ્સ લેવાની ઇચ્છા થાય. પૈસા મેળવવા પાછળ દોડતા લોકોની હાલત દયાજનક થઈ જાય છે.”

બાઇબલ કહે છે: ‘તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે છે તેમાં સંતોષી રહો.’—હિબ્રૂ ૧૩:૫.

સંતોષી વ્યક્તિને પણ પૈસાની ચિંતા થાય છે. પરંતુ, તે ચિંતામાં ડૂબી જતી નથી. કારણ કે, તે જાણે છે કે તેના જીવનમાં કઈ બાબત વધારે મહત્ત્વની છે. દાખલા તરીકે, પૈસે-ટકે ખોટ જાય ત્યારે, તે વધારે પડતી ચિંતા કરતી નથી. એના બદલે, તે પ્રેરિત પાઊલે આપેલી આ સલાહ પ્રમાણે કરે છે: “ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું; હરપ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને, તેમ જ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું.”—ફિલિપી ૪:૧૨.

બાઇબલ કહે છે: “પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે.”—નીતિવચનો ૧૧:૨૮.

નિષ્ણાતોને જોવા મળ્યું છે કે, છૂટાછેડાનું એક કારણ પૈસા પણ છે. પૈસાની તકલીફને લીધે લોકો આત્મહત્યા પણ કરે છે. અમુક લોકો માટે લગ્‍ન વખતે આપેલા વચન અથવા પોતાના જીવન કરતાં પણ વધારે મહત્ત્વ પૈસાનું હોય છે. જ્યારે કે, સંતોષી લોકો પૈસામાં વધારે ભરોસો મૂકતા નથી. તેઓ ઈસુએ કહેલા આ શબ્દોમાં ભરોસો રાખે છે: “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.”—લુક ૧૨:૧૫.

તમારા જીવનમાં પૈસાનું મહત્ત્વ કેટલું છે?

એક માણસની બાજુમાં પૈસા પડ્યા છે અને તે અરીસામાં જોઈને પોતાની તપાસ કરી રહ્યો છે

શું તમારે પૈસા પ્રત્યે યોગ્ય વલણ રાખવાની જરૂર છે? એ પારખવા તમને નીચેના સવાલો મદદ કરશે.

  • શું હું રાતોરાત પૈસાદાર બનવા ચાહું છું?

  • શું હું કંજૂસ છું?

  • શું હું એવા મિત્રો બનાવું છું જેઓ કાયમ પૈસા અને પોતાની કિંમતી ચીજવસ્તુઓ વિશે જ વાતો કરતા હોય?

  • શું હું પૈસા કમાવા જૂઠું બોલું છું અને બેઈમાની કરું છું?

  • શું હું એવું માનું છું કે પૈસા હશે તો જ લોકો મને માન આપશે?

  • શું હું હંમેશાં પૈસા વિશે વિચાર્યા કરું છું?

  • શું પૈસા વિશેના મારા વલણને લીધે મારી તબિયત અને કુટુંબ સાથેના સંબંધને અસર થાય છે?

    ઉદાર બનતા શીખો

તમારો એક પણ જવાબ “હા”માં હોય તો, પૈસાદાર બનવાના વલણ અને લાલચનો નકાર કરવાના પ્રયત્નો કરો. એવા દોસ્તો બનાવવાનું ટાળો, જેઓ પૈસા અને કિંમતી ચીજવસ્તુઓ મેળવવા પાછળ મંડ્યા રહેતા હોય. એના બદલે, સારા સંસ્કારોને વધુ મહત્ત્વ આપતા લોકો સાથે દોસ્તી કરો.

પૈસાના લોભને તમારા દિલમાં ઘર ન કરવા દો. ખરું કે, પૈસા જરૂરી છે. પરંતુ, મિત્રો, કુટુંબીજનો, તમારી તંદુરસ્તી અને લાગણીને વધુ મહત્ત્વ આપો. એમ કરીને તમે બતાવશો કે પૈસા વિશે તમારું યોગ્ય વલણ છે. (g15-E 09)

a આ લેખમાં નામ બદલ્યાં છે.

બે સ્ત્રીઓ ગુસ્સામાં એકબીજાને જોઈ રહી છે

પૈસા કરતાં કુટુંબ વધારે મહત્ત્વનું છે

“મારા પપ્પાએ હાલમાં જ વસિયતનામું બનાવ્યું છે. મને બહુ જ ઓછો અને બીજાં ભાઈ-બહેનોને વધારે ભાગ આપવાનું તેમણે નક્કી કર્યું. અમે એ વિશે વાત પણ કરી. હું તેમની વાત સમજી ગયો અને તેમના નિર્ણય સાથે સહમત થયો. પૈસા જેવી સાવ નજીવી બાબતને લીધે હું કુટુંબમાં ક્યારેય ભાગલા નહિ પડવા દઉં.”—૫૫ વર્ષના જોશુ.

પૈસા અને ભેદભાવ

“ગરીબને પોતાનો પડોશી પણ ધિક્કારે છે; પણ દ્રવ્યવાનને ઘણા મિત્રો હોય છે.”—નીતિવચનો ૧૪:૨૦.

બાઇબલની આ કલમ બતાવે છે તેમ, પૈસા માટેનું આપણું વલણ લોકો સાથેના આપણા વર્તનને અસર કરી શકે. દાખલા તરીકે, ગરીબ અથવા આપણા માટે કશું ન કરી શકે એવા લોકોને કદાચ આપણે નીચા ગણીએ. જ્યારે કે, અમીર લોકોની આગળ-પાછળ ફરીએ. તેઓ પાસેથી પૈસા કે બીજી ચીજવસ્તુઓ મેળવવાની આશાએ તેઓની વાહવાહ કરીએ.

જે વ્યક્તિ ગરીબને નીચી પાડે છે અને ‘પોતાના સ્વાર્થને માટે અમીરની ખુશામત કરે’ છે, તે ભેદભાવ રાખે છે. (યહુદા ૧૬; યશાયા ૧૦:૧, ૨) એવી વ્યક્તિને બાઇબલ નકારે છે. તેથી, ભેદભાવ ન રાખવાનો અને બધાને સમાન ગણવાનો ધ્યેય રાખો.

બાઇબલમાંથી સારા વિચારો

બાઇબલ કબૂલે છે . . .

  • “દ્રવ્ય આશ્રય છે.”—સભાશિક્ષક ૭:૧૨.

જોકે, બાઇબલ ચેતવે છે . . .

  • “જે માણસ દ્રવ્યવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.”—નીતિવચનો ૨૮:૨૦.

  • ‘જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક લાલચમાં પડે છે.’—૧ તીમોથી ૬:૯.

એટલે, બાઇબલ સલાહ આપે છે . . .

  • “તમારો સ્વભાવ નિર્લોભી થાય.”—હિબ્રૂ ૧૩:૫.

  • “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો; કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.”—લુક ૧૨:૧૫.

  • “ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો મા.”—હિબ્રૂ ૧૩:૧૬.

શું ફાયદા થશે?

  • ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી મળે છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

  • ‘ઉદાર વ્યક્તિ સમૃદ્ધ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.’—નીતિવચનો ૧૧:૨૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો