વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૧ પાન ૫-૭
  • સ્ટ્રેસ એટલે શું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્ટ્રેસ એટલે શું?
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્ટ્રેસનું સારું અને ખરાબ પાસું
  • લાભદાયી તણાવ, હાનિકારક તણાવ
    સજાગ બનો!—૧૯૯૮
  • સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?
    સજાગ બનો!—૨૦૧૦
  • આ ટેન્શનનું હું શું કરું?
    સજાગ બનો!—૨૦૦૮
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૦
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૧ પાન ૫-૭
એક શહેરમાં ઉદ્યોગપતિ પોતાની ઑફિસનાં પગથિયાં ઉતાવળે ચઢી રહ્યો છે.

ચિંતામાંથી રાહત મેળવો

સ્ટ્રેસ એટલે શું?

સ્ટ્રેસ કે તણાવ એટલે કટોકટીની ઘડીનો સામનો કરવા તમારા શરીરમાં થનાર પ્રતિક્રિયા. એવા સમયે તમારું મગજ સંકેત આપે છે એટલે અમુક રસાયણોનો (હોર્મોન્સનો) પ્રવાહ શરીરમાં વધે છે. એ રસાયણોને લીધે તમારા હૃદયના ધબકારા વધે છે. જરૂર પ્રમાણે લોહીનું દબાણ (બ્લડપ્રેશર) પણ વધે છે. શ્વાસ લેવા-છોડવાની ક્રિયા ઝડપી બને છે અને સ્નાયુઓ સચેત થાય છે. શું બની રહ્યું છે એની તમને જાણ થાય એ પહેલાં તમારું શરીર પગલું ભરવા તૈયાર હોય છે. કટોકટીની એ ઘડી જતી રહે ત્યારે આપો આપ તમારું શરીર સામાન્ય સ્થિતિમાં આવી જાય છે.

સ્ટ્રેસનું સારું અને ખરાબ પાસું

સ્ટ્રેસ કે તણાવ એ કુદરતી પ્રક્રિયા છે, જે તમને પડકારની અથવા જોખમની ઘડીનો સામનો કરવા મદદ કરે છે. એ પ્રક્રિયાની શરૂઆત તમારા મગજમાં થાય છે. સ્ટ્રેસ જો યોગ્ય પ્રમાણમાં હોય, તો તમારા ભલા માટે છે. એ તમને તરત પગલાં ભરવાં સચેત કરે છે. તમારું શરીર ધ્યેયો હાંસલ કરવા અથવા કામ વધુ સારું કરવા પ્રેરાય છે. દાખલા તરીકે, પરીક્ષા કે ઇન્ટરવ્યૂમાં અથવા ખેલકૂદ સમયે એ કામ લાગે છે.

પણ સ્ટ્રેસ જો વધુ પડતો હોય, વારંવાર થતો હોય અથવા લાંબા સમય સુધી ચાલતો હોય, તો તમને નુકસાન કરી શકે. કઈ રીતે? તમારું શરીર જો સતત અથવા અવારનવાર આ “સચેત” સ્થિતિમાં રહ્યા કરે, તો તબિયતને લગતા કોયડા ઊભા થઈ શકે. તમારા શરીરની, લાગણીઓની અથવા મગજની કામગીરીમાં સમસ્યા ઊભી થઈ શકે. એવા સમયે તમારું વર્તન બદલાઈ શકે, પછી એ પોતાના પ્રત્યે હોય કે બીજાઓ પ્રત્યે. વ્યક્તિ ટેન્શનનો સામનો કરવા કદાચ વધુ પડતી દવાઓ લેવા લાગે, કે પછી શરીરને નુકસાન પહોંચાડે તેવી આદતોમાં સપડાઈ શકે. તણાવને લીધે થાકી કે હારી જવાની લાગણી થાય અથવા ડિપ્રેશન આવી શકે. જીવન ટૂંકાવી દેવાના વિચારો પણ આવી શકે.

તણાવની અસર બધા પર એક જેવી હોતી નથી. પણ માનસિક તાણ સતત રહ્યા કરે તો, અનેક બીમારીઓનું મૂળ બની શકે. એની આડઅસર લગભગ આખા શરીર પર થઈ શકે.

સ્ટ્રેસ શરીરને કઈ રીતે અસર કરી શકે?

મગજની કામગીરી પર

એક માણસ માથે હાથ દઈને ઊભો છે, તણાવની અસરો અનુભવે છે.

સ્ટ્રેસ દરમિયાન, તમારું મગજ સંકેત મોકલે છે અને ગ્રંથિઓમાંથી અડ્રેનાલિન તેમજ કોર્ટિસોલ નામનાં હોર્મોન્સ નીકળે છે. એ રસાયણોથી તમારા ધબકારા, તમારું બ્લડપ્રેશર અને લોહીમાં શર્કરાનું (ગ્લુકોઝનું) પ્રમાણ વધે છે. એ પ્રક્રિયાને લીધે તમે તરત કટોકટીની ઘડીનો સામનો કરી શકો છો. જોકે, વધુ પડતા સ્ટ્રેસથી:

  • ચીડિયો સ્વભાવ, ચિંતા, ડિપ્રેશન, માથાનો દુઃખાવો, અનિદ્રાની સમસ્યા થઈ શકે.

સ્નાયુઓ અને હાડકાંની કામગીરી પર

સ્ટ્રેસ દરમિયાન, તમને કોઈ ઈજાથી બચાવવા તમારાં સ્નાયુઓ સચેત કે તંગ બને છે. જોકે, વધુ પડતા સ્ટ્રેસથી:

  • શરીર તૂટવાની, કપાળ અને ગળાના સ્નાયુઓમાં ખેંચ અને દુઃખાવો (ટૅન્શન હેડૅક) તેમજ સ્નાયુઓ સંકોચાવાની સમસ્યા થઈ શકે.

શ્વાસોશ્વાસની કામગીરી પર

સ્ટ્રેસ દરમિયાન, શરીરને વધુ પ્રાણવાયુની (ઑક્સિજનની) જરૂર પડે છે, જે માટે શ્વાસ લેવાની ક્રિયા ઝડપી બને છે. જોકે, વધુ પડતા સ્ટ્રેસથી:

  • હાંફી જવાની, શ્વાસ ચઢવાની તેમજ શ્વાસ રૂંધાઈ જવાની સમસ્યા થઈ શકે.

હૃદય અને નસોની કામગીરી પર

સ્ટ્રેસ દરમિયાન, તમારા શરીરના બધા ભાગોમાં લોહી પહોંચે માટે તમારું હૃદય વધુ જોરથી અને ઝડપથી ધબકે છે. લોહીની વધુ જરૂરવાળા ભાગમાં, જેમ કે સ્નાયુઓમાં લોહી ફરતું રહે માટે નસો પહોળી થાય અથવા સંકોચાય છે. જોકે, વધુ પડતા સ્ટ્રેસથી:

  • હાઈ બ્લડપ્રેશરની, હાર્ટઍટેકની (હૃદયરોગના હુમલાની) અને સ્ટ્રોકની (મગજની નસો જામ થવાથી અથવા ફાટવાથી કોષો મૃત થવાની) સમસ્યા થઈ શકે.

ગ્રંથિઓની કામગીરી પર

સ્ટ્રેસ દરમિયાન, આપણા શરીરની ગ્રંથિઓમાંથી અડ્રેનાલિન તેમજ કોર્ટિસોલ નામનાં હોર્મોન્સ નીકળે છે, જે તણાવના સંજોગોનો સામનો કરવા તમને મદદ કરે છે. તમને વધુ તાકાત (ઊર્જા) મળે માટે તમારું લીવર (યકૃત) લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. જોકે, વધુ પડતા સ્ટ્રેસથી:

  • ડાયાબિટીસની (મધુપ્રમેહની), રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી બીમારીઓ વધુ થવાની, મૂડ બદલાતા રહેવાની તેમજ વજન વધવાની સમસ્યા થઈ શકે.

પેટ અને આંતરડાની કામગીરી પર

સ્ટ્રેસ દરમિયાન, તમારા પાચનતંત્રમાં, ભૂખમાં અને ખોરાકમાંથી પોષણ તત્ત્વો મેળવવાની તમારા આંતરડાની ક્ષમતામાં ફેરફાર થઈ શકે. જોકે, વધુ પડતા સ્ટ્રેસથી:

  • ઊબકા, ઊલટી, મરડો કે પછી કબજિયાતની સમસ્યા થઈ શકે.

પ્રજનન અંગોની કામગીરી પર

સ્ટ્રેસ દરમિયાન, જાતીયતાની લાગણી અને પ્રજનન અંગોની કામગીરીમાં ફેરફારો થઈ શકે. જોકે, વધુ પડતા સ્ટ્રેસથી:

  • નપુંસકતા અને નબળાઈની, માસિક ચક્રમાં ગરબડની સમસ્યા થઈ શકે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો