પૃથ્વીની ખોવાયેલી સુંદરતા
ચોખ્ખું પાણી
કહેવાય છે ને કે જળ એ જ જીવન છે. એનો અર્થ થાય કે જીવવા માટે પાણી ખૂબ જરૂરી છે, ખાસ કરીને ચોખ્ખું પાણી. મનુષ્યો અને પ્રાણીઓનાં શરીરમાં તેમજ ઝાડપાનમાં પાણીની માત્રા સૌથી વધારે હોય છે. તળાવ, નદીઓ, ભીની જમીન અને જમીનની અંદરના પાણીથી બધા માણસો અને પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે છે. આ પાણીથી ખેતર અને ઝાડપાનને પણ સિંચવામાં આવે છે.
ચોખ્ખા પાણીની અછત
પૃથ્વીનો મોટો ભાગ પાણીથી ભરેલો છે. તોપણ વિશ્વ હવામાન સંસ્થા પ્રમાણે “પૃથ્વીનું ૦.૫ ટકા પાણી જ શુદ્ધ છે.” ભલે આપણને એ પ્રમાણ ઓછું લાગે પણ એ પાણી આપણા બધા માટે પૂરતું છે. તો પછી શુદ્ધ પાણીની અછત કેમ છે? કારણ કે માણસોએ એને ખૂબ પ્રદૂષિત કરી દીધું છે. એટલું જ નહિ, એનો વપરાશ ઘણો વધી ગયો છે અને વાતાવરણમાં થતા ફેરફારને લીધે એ મળવું અઘરું થઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે ૩૦ વર્ષની અંદર પાંચ અબજ લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી નહિ મળી રહે.
પૃથ્વીની અજોડ રચના
આપણી પૃથ્વીને એ રીતે બનાવવામાં આવી છે કે પાણી કદી ખૂટે નહિ. ઉપરાંત, પાણીને શુદ્ધ રાખવા માટી, સમુદ્રના જીવજંતુઓ અને સૂર્યનો તાપ મહત્ત્વનો ભાગ ભજવે છે. પૃથ્વીને એ રીતે રચવામાં આવી છે કે એ હંમેશાં ટકી રહે. ચાલો એના અમુક પુરાવા જોઈએ.
માટી બહુ સારી રીતે પાણીને ગાળી શકે છે. માટીને લીધે ઘણા ખરાબ તત્ત્વો પાણીમાંથી અલગ થઈ જાય છે. ભીની જમીનમાં એવા અમુક છોડ ઊગે છે જે પાણીમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને જંતુનાશકો કાઢી નાખે છે.
વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે પાણી કુદરતી રીતે કેમનું ચોખ્ખું થાય છે. વહેતા પાણીને લીધે એમાં રહેલા ખરાબ તત્ત્વો ઓગળી જાય છે. પછી બૅક્ટેરિયા એનો નાશ કરી નાખે છે.
તળાવ કે નદીનાં છીપલાં પાણીમાંથી ઝેરી પદાર્થ કાઢી શકે છે, એ પણ થોડા જ દિવસોમાં. આ છીપલાઓ તો એટલી સરસ રીતે પાણીને શુદ્ધ કરે છે કે પાણી શુદ્ધ કરવાના મશીનને (વૉટર ટ્રીટમૅન્ટ પ્લાન્ટને) પણ બાજુ પર મૂકી દે.
જળચક્રને કારણે પૃથ્વીનું પાણી પૃથ્વી પર જ રહે છે. એ સિવાય બીજી પણ કેટલીક કુદરતી પ્રક્રિયાઓ છે. એ બધાને લીધે પાણી પૃથ્વીના વાતાવરણની બહાર નથી જતું કે ગાયબ નથી થઈ જતું.
માણસોના પ્રયાસો
જો ગાડીમાંથી ઑઇલ ટપકતું હોય તો એની મરામત કરાવવી જોઈએ અને ઝેરી રસાયણનો પણ યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. આ રીતે આપણે એ જગ્યાઓને સાફ રાખીશું જ્યાંથી ચોખ્ખું પાણી મળે છે
નિષ્ણાતો આપણને સલાહ આપે છે કે પાણી બચાવવા આપણે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. એ ઉપરાંત, પાણી ગંદુ ન થાય એ માટે તેઓએ આપણને અમુક સૂચનો પણ આપ્યાં છે. જેમ કે, જો આપણી ગાડીમાંથી ઑઇલ ટપકતું હોય તો એની મરામત કરાવવી જોઈએ. જો કોઈ દવા ફેંકવી હોય તો એને ટૉયલેટમાં ન નાખવી જોઈએ. કોઈ પણ રસાયણને (કેમિકલને) ગટરમાં ન નાખવું જોઈએ.
એન્જિનિયરોએ નવી નવી રીતો શોધી છે, જેથી ખારા પાણીમાંથી મીઠાને અલગ કરી શકાય છે. આ રીતે પીવાલાયક પાણીનું પ્રમાણ વધારી શકાય છે.
જોવા જઈએ તો ખારા પાણીમાંથી મીઠાને અલગ કરવું મોટા પાયે શક્ય નથી, કારણ કે એમાં ઘણો ખર્ચો થાય છે અને ઘણી ઊર્જા વપરાય છે. ૨૦૨૧માં સંયુક્ત રાષ્ટ્રસંઘે (યુનાઈટેડ નેશન્સે) પાણી બચાવવા વિશે એક અહેવાલ આપ્યો હતો. એમાં જણાવ્યું હતું કે “આખી દુનિયામાં પાણી બચાવવાના પ્રયાસોને બમણા કરવાની જરૂર છે.”
ઈશ્વર આપે છે આશાનું કિરણ
“ઈશ્વર . . . પાણીનાં ટીપાંને ઉપર ખેંચી લે છે, એ ઠરીને ધુમ્મસ અને વરસાદ બને છે. પછી વાદળ એને નીચે ઠાલવે છે અને મનુષ્યો પર વરસાદ વરસાવે છે.”—અયૂબ ૩૬:૨૬-૨૮.
ઈશ્વરે એવાં ઘણાં ચક્રો બનાવ્યાં છે, જેથી પાણી પૃથ્વી પર ટકી રહે.—સભાશિક્ષક ૧:૭.
ઈશ્વરે પૃથ્વીને એ રીતે બનાવી છે કે એ આપમેળે પાણી શુદ્ધ કરતી રહે. એટલે ખાતરી રાખી શકીએ કે ઈશ્વર પાસે માણસોએ ઊભી કરેલી મુશ્કેલીઓનો હલ લાવવાની શક્તિ અને ઇચ્છા પણ છે. એ વિશે જાણવા પાન ૧૫ પર આપેલો લેખ વાંચો: “ઈશ્વરનું વચન, પૃથ્વી રહેશે કાયમ.”