મોંઘવારીનો સામનો કઈ રીતે કરી શકો?
ઉદાર બનો
જો તમે મોંઘવારીનો માર સહેતા હો, તો તમને થશે કે ઉદાર બનવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી. પણ તમારી પાસે જે છે એમાંથી બીજાઓને આપવાથી તમને મોંઘવારીનો માર સહેવા મદદ મળશે. હા, તમે કરકસર કરવાની સાથે સાથે ઉદાર પણ બની શકો છો.
એ કેમ જરૂરી છે?
નાની નાની બાબતોમાં પણ ઉદાર બનવાથી આપણને પોતાને સારું લાગે છે, ખુશી મળે છે. કેટલાક ડૉક્ટરોનું કહેવું છે કે બીજાઓને આપવાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. જેમ કે, ચિંતાઓ અને સ્ટ્રેસમાં ઘટાડો થાય છે, બ્લડપ્રેશર ઓછું થાય છે, દુઃખ-દર્દમાં રાહત મળે છે. અરે, મીઠી ઊંઘ આવે છે.
જ્યારે બીજાઓને પૈસેટકે અથવા બીજી રીતે મદદ કરીએ છીએ, ત્યારે આપણે પણ અચકાયા વગર મદદ સ્વીકારી શકીએ છીએ. ઇંગ્લૅન્ડમાં રહેતા હાવર્ડભાઈ જણાવે છે: “હું અને મારી પત્ની બીજાઓને ઉદાર રીતે મદદ કરવાની તકો શોધીએ છીએ. એટલે અમને મદદની જરૂર હોય છે ત્યારે, અમે સહેલાઈથી મદદ સ્વીકારી શકીએ છીએ.” ખરું કે, દિલથી ઉદાર વ્યક્તિ બીજાઓ પાસે કંઈ મેળવવાની આશા રાખતી નથી. પણ તે બીજાઓને મદદ કરે છે ત્યારે, બદલામાં તેને સાચા દોસ્તો મળી શકે છે. એવા દોસ્તો જે અઘરા સમયે પડખે ઊભા રહે છે.
તમે શું કરી શકો?
તમારી પાસે જે છે એમાંથી બીજાઓને આપો. ભલે તમારી પાસે થોડું હોય, તોપણ તમે બીજાઓને આપી શકો છો. અરે, એ સાદું જમવાનું પણ હોય શકે. ડનકેનભાઈ અને તેમનું કુટુંબ યુગાન્ડામાં રહે છે. તેઓ ખૂબ ગરીબ છે, તોપણ તેઓ ઉદારતા બતાવવાની એકેય તક ચૂકતા નથી. ડનકેનભાઈ કહે છે: “રવિવારે હું અને મારી પત્ની કોઈને ને કોઈને ઘરે જમવા બોલાવીએ છીએ. ભલે જમવાનું સાદું હોય, પણ અમને તેઓ સાથે સમય પસાર કરવાની મજા આવે છે.”
પણ તમે બીજાઓને કંઈક આપો ત્યારે ધ્યાન રાખજો કે તમારા કુટુંબ પાસે પૂરતું હોય.—અયૂબ ૧૭:૫.
અજમાવી જુઓ: કોઈને સાદું જમવા અથવા ચા-નાસ્તા માટે બોલાવો. શું તમારી પાસે એવી કોઈ વસ્તુ છે, જેની તમને જરૂર નથી? શું તમે મિત્રોને અથવા પડોશીઓને એ આપી શકો, જેથી તેઓને કામ આવે?
બીજી રીતોએ ઉદાર બનો. અમુક ભેટો આપવા માટે પૈસા ખર્ચવા નથી પડતા. જેમ કે, આપણે બીજાઓને મદદ કરવા સમય આપી શકીએ છીએ, બતાવી શકીએ છીએ કે આપણને તેઓની ચિંતા છે. અરે, પ્રેમભર્યા બે શબ્દો પણ કંઈ ભેટથી ઓછા નથી. એટલે પૂરા દિલથી બીજાઓને બતાવી આપો કે તમે તેઓને કેટલો પ્રેમ કરો છો, તેઓ તમારા માટે કેટલા કિંમતી છે.
અજમાવી જુઓ: બીજાઓને ઘરનાં કામમાં, સમારકામમાં અથવા ખરીદી કરવામાં મદદ કરો. તમે કોઈ દોસ્તને કાર્ડ લખીને અથવા મેસેજ કરીને તેના હાલચાલ પૂછો.
જ્યારે તમે દિલ ખોલીને બીજાઓને આપો છો, ત્યારે તમારી ખુશીઓ બમણી થઈ જાય છે.