ઉદાસીન લોકો માટે દિલાસો
“અત્યાર સુધી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” (રૂમી ૮:૨૨) આ ૧,૯૦૦ વર્ષ અગાઉ લખાયું ત્યારે, માનવ યાતના મહાભારે હતી. ઘણાં ઉદાસીન હતાં. એ માટે, ખ્રિસ્તીઓને અરજ કરવામાં આવી: “ઉદાસીન લોકો સાથે દિલાસાથી વાત કરો.”—૧ થેસ્સાલોનીકી ૫:૧૪, NW.
આજે, માનવ વ્યથા હજુ પણ વધી છે, અને અગાઉ કદી પણ હતાં તેનાં કરતાં વધુ લોકો ઉદાસીન બન્યાં છે. પરંતુ શું એનાથી આપણને આશ્ચર્ય થવું જોઇએ? ખરેખર નહિ જ, કેમ કે બાઇબલ એને “છેલ્લા દિવસો” તરીકે ઓળખાવે છે અને એને “વ્યવહાર કરવામાં અઘરા કટોકટીના સમયો” કહે છે. (૨ તીમોથી ૩:૧-૫, NW) ઇસુ ખ્રિસ્તે અગાઉથી જણાવ્યું કે છેલ્લા દિવસો દરમ્યાન, “પ્રજાઓ . . . ગભરાશે” અને “પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની વકીથી માણસો નિર્ગત થશે.” (ત્રાંસા અક્ષરો અમારાં છે.)—લુક ૨૧:૭-૧૧, ૨૫-૨૭; માત્થી ૨૪:૩-૧૪.
લોકો ચાલુ ને ચાલુ ચિંતા, બીક, દુઃખ, અથવા એવી નકારાત્મક લાગણીઓ અનુભવે છે ત્યારે, તેઓ વારંવાર ઉદાસીન બને છે. ઉદાસીનતા અથવા તીવ્ર દિલગીરીનું કારણ, કોઇ સ્નેહી જનનું મરણ, છૂટાછેડા, નોકરી જતી રહેવી, અથવા સતત માંદગી હોય શકે. લોકોને નકામાપણાની લાગણી થાય ત્યારે, તેઓને લાગે કે તેઓ નિષ્ફળ ગયા છે અને બધાની નજરમાં પડી ગયા છે ત્યારે પણ તેઓ ઉદાસીન બને છે. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં દરેક જણ ગમગીન થઇ જાય છે, પરંતુ જ્યારે વ્યક્તિ નિરાશાની લાગણી વિકસાવી બેસે છે અને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઇ માર્ગ શોધી શકતો નથી ત્યારે, તીવ્ર ઉદાસીનતા પરિણમી શકે.
પ્રાચીન સમયમાં લોકોએ આવી જ લાગણીઓ અનુભવી. અયૂબે માંદગી અને વ્યક્તિગત કમનસીબી ભોગવ્યાં. તેને લાગ્યું કે દેવે તેને ત્યજી દીધો છે, તેથી તેને જીવન પર તિરસ્કાર ઉપજ્યો. (અયૂબ ૧૦:૧; ૨૯:૨, ૪, ૫) યાકૂબ પોતાના પુત્રના મરણના સમાચારથી ઉદાસીન બની ગયો, તેણે દિલાસો પામવાની ના પાડી અને મરી જવાનું ચાહ્યું. (ઉત્પત્તિ ૩૭:૩૩-૩૫) દાઊદે ગંભીર ભૂલ કર્યાની દોષિત લાગણી અનુભવી વિલાપ કર્યો: “હું આખો દિવસ શોક કર્યા કરું છું. હું બેહોશ થયો છું.”—ગીતશાસ્ત્ર ૩૮:૬, ૮; ૨ કોરીંથી ૭:૫, ૬.
આજે, ઘણાં ઉદાસીન બન્યાં છે કારણ કે તેઓએ પોતા પર ઘણાં બોજા લાદ્યાં છે, તેઓ રોજ એવો નિત્યક્રમ અનુસરવા પ્રયાસ કરે છે જે તેઓની માનસિક, લાગણીમય, શારીરિક ક્ષમતાથી પર છે. દેખીતી રીતે જ, તણાવ, અને તેની સાથે નકારાત્મક વિચારો અને લાગણીઓ, શરીર પર અસર પાડી શકે છે અને મગજમાંની રાસાયણિક સમતુલામાં ખલેલ પાડવામાં ફાળો આપી શકે, જેને પરિણામે ઉદાસીનતા આવે છે.—સરખાવો નીતિવચન ૧૪:૩૦.
તેઓને જરૂરી મદદ
એપાફ્રોદિતસ, પ્રથમ-સદીનો ફિલિપીમાંનો ખ્રિસ્તી, “બહુ ઉદાસ હતો, કેમ કે [તેનાં મિત્રોએ] સાંભળ્યું હતું કે તે માંદો છે.” પ્રેષિત પાઊલ માટે પુરવઠો લઇને એપાફ્રોદિતસને તેનાં મિત્રોએ રોમ મોકલ્યો હતો ત્યાર પછી તે માંદો પડી ગયો, કદાચ તેને એમ લાગ્યું હશે કે તેણે તેનાં મિત્રોને નિરાશ કર્યાં છે અને બીજું કે તેઓ તેને નિષ્ફળ ગયેલો ગણતાં હશે. (ફિલિપી ૨:૨૫-૨૭; ૪:૧૮) પ્રેષિત પાઊલે કઇ રીતે મદદ કરી?
તેણે એપાફ્રોદિતસને પત્ર લઇને ફિલિપીનાં મિત્રો પાસે મોકલ્યો જેમાં લખ્યું હતું: “પૂર્ણ આનંદસહિત પ્રભુમાં તેનો [એપાફ્રોદિતસનો] આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો.” (ફિલિપી ૨:૨૮-૩૦) પાઊલે તેના વિષે આટલો ઉચ્ચ અભિપ્રાય આપ્યો એ હકીકતે અને બીજું કે ફિલિપીઓએ તેનો ઉષ્મા અને પ્રેમભર્યો આદરસત્કાર કર્યો તેથી, નિશ્ચે એપાફ્રોદિતસને દિલાસો મળ્યો હશે અને તેને તેની ઉદાસીનતામાંથી બહાર નીકળવામાં મદદ મળી હશે.
નિઃશંક, બાઇબલની “ઉદાસીન લોકો સાથે દિલાસાથી વાત” કરવાની સલાહ સૌથી સારી છે. “બીજાઓ તમારા વિષે એક વ્યક્તિ તરીકે કાળજી લે છે એવું જાણવું જરૂરી છે,” ઉદાસીન બનેલી એક સ્ત્રીએ કહ્યું. “તમારે જરૂર છે કે કોઇ તમને કહે, ‘હું સમજું છું; તમે સારા થઇ જશો.’”
ઉદાસીન વ્યક્તિએ ઘણી વખત પહેલ કરીને સહાનુભૂતિવાળી વ્યક્તિને શોધી કાઢવાની જરૂર છે જેમાં પોતે ભરોસો મૂકી શકે. એ વ્યક્તિ સારી રીતે ધ્યાનથી સાંભળનારી અને ઘણી જ ધીરજવાન હોવી જોઇએ. તેણે ઉદાસીન વ્યક્તિને ભાષણ આપવાનું અથવા ન્યાય કરતા કથનો કરવાનું નિવારવું જોઇએ, જેમ કે, ‘તમને એવું લાગવું જોઇએ નહિ’ અથવા, ‘આ ખરાબ વલણ કહેવાય.’ ઉદાસીન વ્યક્તિની લાગણીઓ બહુ કોમળ હોય છે, અને આવી આકરી ટીકા તો ફક્ત તેને પોતા વિષે વધુ ખરાબ જ લગાડશે.
ઉદાસીન બનેલી વ્યક્તિને નકામાપણાની લાગણી થાય છે. (યૂના ૪:૩) તોપણ, વ્યક્તિએ યાદ રાખવું જોઇએ કે ખરેખર ગણતરીમાં લેવાની બાબત તો એ છે કે દેવ તેને કેટલી મૂલ્યવાન ગણે છે. માણસોએ ઇસુ ખ્રિસ્તની “કદર બૂજી નહિ,” પરંતુ એનાથી કંઇ દેવની નજરમાં તેમનું જે સાચું મૂલ્ય હતું તે બદલાય ગયું નહિ. (યશાયાહ ૫૩:૩) ખાતરી રાખો, જેમ દેવ પોતાના પ્રિય પુત્રને પ્રેમ કરે છે તેમ, તે આપણને પણ પ્રેમ કરે છે.—યોહાન ૩:૧૬.
ઇસુને ઉદાસીન લોકો પર દયા આવી અને તેઓ તેઓનું વ્યક્તિગત મૂલ્ય જુએ એમાં મદદ કરવા તેમણે પ્રયત્ન કર્યો. (માત્થી ૯:૩૬; ૧૧:૨૮-૩૦; ૧૪:૧૪) તેમણે સમજાવ્યું કે દેવ તો નાની, નજીવી ચકલીઓને પણ મૂલ્યવાન ગણે છે. “દેવની દ્રષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી,” તેમણે કહ્યું. તેમની ઇચ્છા પૂરી કરવા પ્રયત્ન કરનાર માનવીઓને તે કેટલા વિશેષ મૂલ્યવાન ગણે છે! ઇસુએ તેઓ વિષે કહ્યું: “તમારા માથાના નિમાળા પણ સઘળા ગણાએલા છે.”—લુક ૧૨:૬, ૭.
સાચું, તીવ્રપણે ઉદાસીન બનેલી, પોતાની નબળાઇઓ અને તૃટિઓથી દબાઇ ગયેલી વ્યક્તિ માટે એવું માનવું કે દેવ તેને આટલી બધી મૂલ્યવાન ગણે છે, એ તેના માટે અઘરું પડી શકે. તેને ચોક્કસ લાગતું હશે કે તે દેવના પ્રેમ અને કાળજી માટે લાયક નથી. “આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવી” શકે, દેવના શબ્દએ સ્વીકાર્યું. પરંતુ શું એ જ નિર્ણાયક ઘટક છે? ના, એ નથી. દેવ સમજે છે કે પાપી માનવીઓ નકારાત્મક વિચાર કરી શકે, અરે પોતાને દોષિત પણ ગણી શકે. તેથી તેમનો શબ્દ તેઓને દિલાસો આપે છે: “આપણા અંતઃકરણ કરતાં દેવ મોટો છે અને તે સઘળું જાણે છે.”—૧ યોહાન ૩:૧૯, ૨૦.
હા, આપણા પ્રેમાળ આકાશી પિતા આપણાં પાપ અને ભૂલો કરતાં વધુ જુએ છે. તે આકરા સંજોગો, આપણો સમગ્ર જીવન માર્ગ, આપણાં પ્રેરણાબળો અને ઇરાદાઓ જાણે છે. તે જાણે છે કે આપણને વારસામાં પાપ, માંદગી, અને મરણ મળ્યાં છે અને એ માટે આપણને ભારે મર્યાદાઓ છે. આપણે પોતા માટે દુઃખ અને સંતાપની લાગણી રાખીએ છીએ એ હકીકત જ સાબિતી છે કે આપણે પાપ કરવા માંગતા નથી અને બહુ દૂર નીકળી ગયા નથી. બાઇબલ કહે છે કે આપણે આપણી ઇચ્છા વિરુદ્ધ “વ્યર્થપણાને સ્વાધીન” થયાં. તેથી દેવ આપણી દયનીય અવદશા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે, અને દયાભરી રીતે આપણી નબળાઇઓ લક્ષમાં રાખે છે.—રૂમી ૫:૧૨; ૮:૨૦.
“યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે,” આપણને ખાતરી આપવામાં આવે છે. “પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેણે આપણાં ઉલ્લંઘન આપણાથી દૂર કર્યાં છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૧૨, ૧૪) સાચે જ, યહોવાહ “સર્વ દિલાસાનો દેવ છે, . . . તે આપણી સર્વ વિપત્તિમાં આપણને દિલાસો આપે છે.”—૨ કોરીંથી ૧:૩, ૪.
ઉદાસીન લોકોને સૌથી જરૂરી મદદ તેઓના દયાળુ દેવની નજીક આવવાથી અને ‘તેઓનો બોજો તેમના પર નાખવાʼના તેમના આમંત્રણને સ્વીકારવાથી મળે છે. તે ખરેખર “કચડાય રહેલાઓના હૃદયને ઉત્તેજિત કરી” શકે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨; યશાયાહ ૫૭:૧૫, NW) તેથી દેવનો શબ્દ આ પ્રાર્થનાનું, આમ કહી, ઉત્તેજન આપે છે: “તમારી સર્વ ચિંતા તેના પર [યહોવાહ પર] નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.” (૧ પીતર ૫:૭) હા, પ્રાર્થના અને આજીજીઓ દ્વારા, વ્યક્તિઓ દેવ પાસે આવી શકે અને “દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે,” તેનો આનંદ માણી શકે.—ફિલિપી ૪:૬, ૭; ગીતશાસ્ત્ર ૧૬:૮, ૯.
જીવન-ઢબમાં વ્યવહારુ ફેરગોઠવણો પણ વ્યક્તિને ઉદાસીન મિજાજ આંબવામાં મદદ કરી શકે. શારીરિક કસરત, આરોગ્યપ્રદ ખોરાક ખાવો, તાજી હવા અને પૂરતો આરામ લેવાં, અને વધારે પડતું ટીવી જોવું નિવારવું, એ બધું મહત્વનું છે. એક સ્ત્રીએ ઉદાસીન વ્યક્તિઓને ઝડપભેર ચલાવડાવીને મદદ કરી છે. એક ઉદાસીન સ્ત્રીએ કહ્યું: “મારે ચાલવા માટે જવું નથી” ત્યારે, સ્ત્રીએ નમ્રભાવે પરંતુ મક્કમપણે જવાબ આપ્યો: “હા, તમારે જવાનું છે.” સ્ત્રીએ અહેવાલ આપ્યો: ‘અમે ૬ કિલોમીટર ચાલ્યાં. પાછા ફર્યાં ત્યારે, તે થાકી ગઇ હતી, પરંતુ તેને વધારે સારું લાગતું હતું. તમે પ્રયાસ ન કરી જુઓ ત્યાં સુધી તમે માની શકતા નથી કે જોમભરી કસરત કેટલી મદદરૂપ છે.’
કેટલીક વખત, દરેક પ્રયત્ન કરવામાં આવ્યો હોય, જેમાં તબીબી ઉપચારનો પણ સમાવેશ થાય, છતાં ઉદાસીનતા પૂરેપૂરી આંબવી અશક્ય બને છે. “મેં બધું જ અજમાવી જોયું,” એક મધ્યવયની સ્ત્રીએ કહ્યું, “પરંતુ ઉદાસીનતા રહે જ છે.” તેવી જ રીતે, એ તો અશક્ય છે કે આંધળાં, બહેરાં, કે લંગડાઓને સાજા કરવામાં આવે. તોપણ, ઉદાસીન લોકો નિયમિત દેવનો શબ્દ વાંચી દિલાસો અને આશા મેળવી શકે, જે સર્વ માનવી દુષણોમાંથી કાયમી છુટકારાની ચોક્કસ આશા આપે છે.—રૂમી ૧૨:૧૨; ૧૫:૪.
જ્યારે કોઇ ફરી ઉદાસીન થશે નહિ
જ્યારે ઇસુએ છેલ્લા દિવસોમાં પૃથ્વી પર બનનાર ભયંકર બાબતોનું વર્ણન કર્યું ત્યારે, તેમણે ઉમેર્યું: “આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો; કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે.” (લુક ૨૧:૨૮) ઇસુ છુટકારો મેળવી દેવની ન્યાયી નવી દુનિયામાં પ્રવેશવાનું કહી રહ્યા હતા, જ્યાં “સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઇને દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામશે.”—રૂમી ૮:૨૧.
માનવજાત માટે ભૂતકાળના બોજાઓથી મુક્ત થવું અને દરરોજ દિવસની પ્રવૃત્તિ શરૂ કરવા આતુર સ્ફટિક-શુદ્ધ મન સાથે ઊઠવું, કેવી રાહત થશે! હવે પછી કોઇ પર ઉદાસીનતાના વાદળ ઘેરાશે નહિ. માણસજાતને આપવામાં આવેલું ચોક્કસ વચન એવું છે કે દેવ “તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
બીજું કાંઈ જણાવવામાં આવ્યું ન હોય તો, વાપરવામાં આવેલ બાઈબલ ભાષાંતર ભારતની બાઈબલ સોસાયટીએ બહાર પાડેલું પવિત્ર શાસ્ત્ર ગુજરાતી ઓ. વી. બાઈબલ છે.