વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પ્રકરણ ૧૭ પાન ૧૬૪-૧૭૩
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • મથાળાં
  • સરખી માહિતી
  • શા માટે યહોવાને જ પ્રાર્થના કરવી?
  • ઈશ્વર કેવી પ્રાર્થના સાંભળે છે?
  • પ્રાર્થના વિશેના અમુક સવાલો
  • પ્રાર્થનાનો જવાબ કઈ રીતે મળે છે?
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • તમારી અરજો ઈશ્વરને જણાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • શું પ્રાર્થનાથી કંઈ લાભ થાય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • પ્રાર્થના દ્વારા આપણા સ્વભાવ વિષે જાણી શકીએ છીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
વધુ જુઓ
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પ્રકરણ ૧૭ પાન ૧૬૪-૧૭૩

સત્તર

ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો

  • આપણે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

  • ઈશ્વર કેવી પ્રાર્થના સાંભળે છે?

  • પ્રાર્થનાનો જવાબ કઈ રીતે મળે છે?

આકાશ નીચે એક સ્ત્રી પ્રાર્થના કરી રહી છે

‘આકાશ તથા પૃથ્વી’ બનાવનાર યહોવા, આપણી પ્રાર્થના સાંભળે છે

૧, ૨. (ક) યહોવાને પ્રાર્થના કરવી કેમ મોટો આશીર્વાદ છે? (ખ) બાઇબલ પ્રાર્થના વિશે જે શીખવે છે એ કેમ જાણવું જોઈએ?

જરા વિશ્વની કલ્પના કરો! એમાં આવેલી આપણી પૃથ્વી સાવ નાનકડી લાગે. યહોવા ‘આકાશ અને પૃથ્વીʼને બનાવનાર છે. તેમની નજરમાં ધરતી પર વસતી સર્વ પ્રજાઓ જાણે ડોલમાંથી ટપકતા પાણીના એક ટીપા જેવી છે. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૫; યશાયા ૪૦:૧૫) તોપણ ‘જેઓ યહોવાને વિનંતી કરે છે, ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે પોતાના ભક્તોની ઇચ્છા પૂરી કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે અને તેઓને બચાવશે.’ (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯) જરા વિચારો! પરમેશ્વર યહોવા, આખા વિશ્વના માલિક જાણે તમારી પાસે ઊભા છે. જો તમે ‘ખરા ભાવથી તેમને પોકારશો,’ તો તે જરૂર સાંભળશે. પ્રાર્થનાથી તમે જાણે ઈશ્વરને પગે પડીને કાલાવાલા કરી શકો છો!

૨ આજે કરોડો લોકો ઈશ્વરને પ્રાર્થના કરે છે. શું યહોવા બધી જ પ્રાર્થના સાંભળે છે? પ્રાર્થના વિશે બાઇબલ શું શીખવે છે? એ જાણવું ખૂબ જરૂરી છે, કેમ કે યહોવા સાથે પાકો નાતો બાંધવા પ્રાર્થના બહુ જ મદદ કરે છે.

શા માટે યહોવાને જ પ્રાર્થના કરવી?

૩. તમારે શા માટે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ?

૩ વિશ્વના માલિક યહોવા તમને આ વિનંતી કરે છે: ‘કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે, આભાર-સ્તુતિ કરીને તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની અને મનોની સંભાળ રાખશે.’ (ફિલિપી ૪:૬, ૭) શું તમે આ વિનંતી એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાખશો? ના, જરાય નહિ!

૪. યહોવા સાથે પાકો નાતો બાંધવા પ્રાર્થના કઈ રીતે મદદ કરશે?

૪ યહોવા સાથે પ્રાર્થનામાં વાત કરવાથી, તેમની સાથે તમારો પાકો નાતો બંધાય છે. તમારા ખાસ દોસ્તનો વિચાર કરો. તમને કંઈક જોઈતું હોય, ત્યારે જ તમે તેની સાથે વાત કરતા નથી, ખરું ને? પણ તમે નાની-નાની વાત એકબીજાને કહો છો. કંઈ બન્યું હોય કે કશાની ચિંતા હોય તો તમે તેની સાથે દિલ ખોલીને વાત કરો છો. યહોવા સાથેનો તમારો નાતો પણ એવો જ છે. આ પુસ્તકમાં તમે બાઇબલમાંથી ઘણું શીખ્યા છો. હવે તમને ખબર છે કે યહોવા કોણ છે, કેવા છે, તે આપણને કેવા આશીર્વાદો આપે છે. તમે સાચા ઈશ્વરને સારી રીતે ઓળખી શક્યા છો! હવે પ્રાર્થનામાં તેમને તમારાં સુખ-દુઃખ જણાવી શકો. હૈયું ઠાલવી શકો. યહોવા સાથે તમે ચાહો એટલી વાતો કરીને, અતૂટ નાતો બાંધી શકો.—યાકૂબ ૪:૮.

ઈશ્વર કેવી પ્રાર્થના સાંભળે છે?

૫. શું બતાવે છે કે યહોવા બધાની પ્રાર્થનાઓ સાંભળતા નથી?

૫ શું યહોવા બધાની પ્રાર્થના સાંભળે છે? એક બનાવનો વિચાર કરો. પહેલાના જમાનામાં, યહોવાની ઇઝરાયલી પ્રજાએ તેમનો માર્ગ છોડી દીધો. ઈશ્વરભક્ત યશાયાએ તેઓને યહોવાનો સંદેશો જણાવ્યો: ‘તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી રંગાયેલા છે.’ (યશાયા ૧:૧૫) આ બતાવે છે કે યહોવા આપણાં કામો જુએ છે. જો ખોટાં કામ કરીશું, તો ઈશ્વર આપણો પોકાર સાંભળશે નહિ. તો પછી આપણે જાણવું જોઈએ કે ઈશ્વર કોની પ્રાર્થનાઓ સાંભળે છે. ચાલો હવે એ જોઈએ.

૬. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે એ માટે સૌથી પહેલા શું કરવું જોઈએ? એ કઈ રીતે દેખાઈ આવશે?

૬ સૌથી પહેલા તો આપણને ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. થોડી-ઘણી નહિ, પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. (માર્ક ૧૧:૨૪) ઈશ્વરભક્ત પાઉલે કહ્યું: ‘કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શકતી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે બદલો આપે છે.’ (હિબ્રૂ ૧૧:૬) ઈશ્વર પર વિશ્વાસ રાખવો, શ્રદ્ધા હોવી, એનો શું અર્થ થાય? ફક્ત એમ નહિ કે ‘હા, હું માનું છું કે ઈશ્વર છે, તે પ્રાર્થના સાંભળે છે અને જવાબ પણ આપે છે.’ યહોવામાં ખરી શ્રદ્ધા તો આપણા વાણી-વર્તનથી દેખાઈ આવશે. આપણું જીવન એનો જીવતો-જાગતો પુરાવો હોવું જોઈએ.—યાકૂબ ૨:૨૬.

૭. (ક) આપણે કેમ માનથી યહોવાને પ્રાર્થના કરવી જોઈએ? (ખ) આપણે કઈ રીતે નમ્રતાથી અને ખરા દિલથી પ્રાર્થના કરી શકીએ?

૭ બીજું કે આપણે નમ્રતાથી, ખરા દિલથી ને માનથી ઈશ્વરને પ્રાર્થના કરીએ. શા માટે એવું? માનો કે તમારે કોઈ રાજાને કે વડાપ્રધાનને મળવા જવાનું છે. શું તમે તેમની સાથે માનથી વાત નહિ કરો? ચોક્કસ, તમે એમ જ કરશો. યહોવા તો આખા વિશ્વના માલિક છે, બાદશાહ છે. (ગીતશાસ્ત્ર ૧૩૮:૬) તેમની સત્તાનો કોઈ પાર નથી. (ઉત્પત્તિ ૧૭:૧) એટલે આપણે વિશ્વના રાજા સાથે વાત કરતી વખતે સૌથી વધારે માન આપવું જોઈએ! નમ્રતાથી વિનંતી કરવી જોઈએ. આપણી પ્રાર્થના કોઈ જાપ જપતા હોઈએ એવી નહિ, પણ દિલમાંથી નીકળેલી પ્રાર્થના હશે.—માથ્થી ૬:૭, ૮.

૮. જેના માટે પ્રાર્થના કરી હોય, એના વિશે શું કરવું જોઈએ?

૮ ત્રીજું, યહોવા ચાહે છે કે આપણે જેના માટે પ્રાર્થના કરીએ, એના માટે બનતા પ્રયત્નો પણ કરીએ. દાખલા તરીકે, આપણે આવી અરજ કરીએ: ‘દિવસની અમારી રોટલી આજ અમને આપો.’ પછી શું હાથ જોડીને બેસી રહીશું? ના, આપણે બનતી મહેનત કરીશું. કોઈ પણ કામ કરીશું, જેથી યહોવાના આશીર્વાદથી આપણને જોઈતું ભોજન મળી રહે. (માથ્થી ૬:૧૧; ૨ થેસ્સાલોનિકી ૩:૧૦) માનો કે તમારે કોઈ ખરાબ આદત છોડી દેવી છે. એને માટે યહોવાને કાલાવાલા કરો છો. પણ પછી તમારે તન-મન પર પૂરો કાબૂ રાખવો પડશે, જેથી તમે લલચાઈને એમાં ફસાઈ ન જાવ. (કલોસી ૩:૫) આપણે જોયું કે યહોવા કોની પ્રાર્થના સાંભળે છે. ચાલો હવે પ્રાર્થના વિશે બીજા અમુક સવાલોના જવાબ પણ જોઈએ.

પ્રાર્થના વિશેના અમુક સવાલો

૯. આપણે કોને પ્રાર્થના કરવી જોઈએ? કોના નામમાં પ્રાર્થના કરવી જોઈએ?

૯ કોને પ્રાર્થના કરવી? ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું કે ‘સ્વર્ગમાંના પિતા’ યહોવાને પ્રાર્થના કરો. (માથ્થી ૬:૯) એટલે આપણે ફક્ત યહોવા પરમેશ્વરને જ પ્રાર્થના કરવી જોઈએ. પાંચમા પ્રકરણમાં શીખી ગયા તેમ, યહોવાએ ઈસુને ધરતી પર મોકલ્યા. ઈશ્વરની ગોઠવણ પ્રમાણે તેમણે કુરબાની આપી. એનાથી જ આપણને પાપ અને મોતમાંથી છુટકારો મળ્યો છે. (યોહાન ૩:૧૬; રોમન ૫:૧૨) યહોવાએ ઈસુને આપણા મુખ્ય યાજક અને ન્યાયાધીશ બનાવ્યા છે. (યોહાન ૫:૨૨; હિબ્રૂ ૬:૨૦) બાઇબલમાં યહોવા કહે છે કે આપણે ઈસુને નામે જ પ્રાર્થના કરવી જોઈએ. ઈસુએ પોતે કહ્યું: “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.” (યોહાન ૧૪:૬) એટલે જો આપણે ઈસુને નામે ફક્ત યહોવાને પ્રાર્થના કરીશું, તો જ તે સાંભળશે.

૧૦. પ્રાર્થના કરતી વખતે કોઈ ખાસ રીતે બેસવું કે ઊભા રહેવું કેમ જરૂરી નથી?

૧૦ શું કોઈ ખાસ રીતે બેસીને કે ઊભા રહીને પ્રાર્થના કરવી જોઈએ? ના. યહોવા એવું કંઈ નથી કહેતા. બાઇબલ શીખવે છે કે કોઈ પણ રીતે પ્રાર્થના કરી શકાય. જેમ કે બેસીને, ઊભા રહીને, માથું નમાવીને કે ઘૂંટણે પડીને. (૧ કાળવૃત્તાંત ૧૭:૧૬; નહેમ્યા ૮:૬; દાનિયેલ ૬:૧૦; માર્ક ૧૧:૨૫) સૌથી મહત્ત્વનું એ છે કે આપણું દિલ સાફ હોવું જોઈએ. દેખાડો ન કરવો જોઈએ. આપણે ગમે એ કરતા હોઈએ કે ગમે ત્યાં હોઈએ, જો મુસીબતમાં આવી પડીએ, તો મનમાં જ પ્રાર્થના કરી શકીએ. ભલે આજુ-બાજુ કોઈને કંઈ ખબર ન પડી હોય, પણ યહોવા ચોક્કસ એ સાંભળે છે.—નહેમ્યા ૨:૧-૬.

૧૧. તમે શાના વિશે પ્રાર્થના કરી શકો?

૧૧ શાના વિશે પ્રાર્થના કરી શકીએ? બાઇબલ આમ કહે છે: ‘જો આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.’ (૧ યોહાન ૫:૧૪) આ બતાવે છે કે યહોવાની મરજી પ્રમાણે આપણે કોઈ પણ વિનંતી કરી શકીએ. શું તમારી બધી ચિંતાઓ વિશે પ્રાર્થના કરી શકો? હા, ચોક્કસ! યહોવાથી કંઈ છૂપું રાખવાની, શરમાવાની કે ગભરાવાની જરૂર નથી. જેમ તમે તમારા દોસ્ત કે બેનપણી સાથે પેટ-છૂટી વાત કરો, તેમ ઈશ્વર સામે ‘તમારું હૃદય ઠાલવી દો.’ (ગીતશાસ્ત્ર ૬૨:૮) તમે સચ્ચાઈને માર્ગે ચાલવા યહોવા પાસેથી શક્તિ પણ માગી શકો. (લૂક ૧૧:૧૩) કોઈ પણ મુસીબત સહન કરવા હિંમત માગી શકો. સમજી-વિચારીને નિર્ણયો લેવા મદદ માટે પણ વિનંતી કરી શકો. (યાકૂબ ૧:૫) કોઈ ભૂલ કરી બેસો તો, તરત જ ઈસુની કુરબાનીમાં શ્રદ્ધા રાખીને માફી માંગો. કાલાવાલા કરો. (એફેસી ૧:૩, ૭) પણ સ્વાર્થી બનીને પોતાને માટે જ બધું માંગ માંગ ન કરીએ. આપણે બીજાઓ માટે પણ પ્રાર્થના કરીએ. જેમ કે સગાં-વહાલાં અને યહોવાના ભક્તો.—પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૫; કલોસી ૪:૧૨.

૧૨. આપણી પ્રાર્થનામાં સૌથી વધારે મહત્ત્વ શાને આપવું જોઈએ? એ કઈ રીતે કરી શકાય?

૧૨ આપણી પ્રાર્થનામાં સૌથી વધારે મહત્ત્વ શાને આપવું જોઈએ? આપણા મહાન પરમેશ્વર યહોવાને. યહોવાએ આપણા માટે કેટલું કર્યું છે! તેમનો જયજયકાર કરીએ. તેમની ભલાઈ માટે દિલથી સ્તુતિ કરીએ. (૧ કાળવૃત્તાંત ૨૯:૧૦-૧૩) ઈસુએ આપણને પ્રાર્થના કરતા શીખવ્યું છે. માથ્થી ૬:૯-૧૩ એના વિશે જણાવે છે. એમાં ઈસુએ પહેલા કહ્યું કે ‘યહોવાનું નામ રોશન થાય. તેમનું નામ પવિત્ર મનાય. ઈશ્વરનું રાજ્ય આવે. સ્વર્ગમાં થાય છે તેમ, ધરતી પર તેમની ઇચ્છા પૂરી થાય.’ એ પછી જ ઈસુએ શીખવ્યું કે પ્રાર્થનામાં પોતાની ચિંતાઓ પણ યહોવાને જણાવો. આપણા જીવનમાં યહોવા અને તેમની ભક્તિ જ બધું છે. એટલે આપણે પહેલા એના વિશે પ્રાર્થના કરીએ. પછી બીજી અરજ કરીએ.

૧૩. પ્રાર્થના કેટલી લાંબી હોવી જોઈએ, એ વિશે બાઇબલ શું જણાવે છે?

૧૩ પ્રાર્થના કેટલી લાંબી હોવી જોઈએ? બાઇબલ એવો કોઈ નિયમ આપતું નથી, પછી ભલે તમે એકલા કરો, કે બીજાઓ સાથે કરો. કદાચ બધાની સાથે જમતા પહેલાં ટૂંકી પ્રાર્થના હોઈ શકે. તમે એકલા યહોવા આગળ પ્રાર્થનામાં હૈયું ઠાલવો ત્યારે એ લાંબી પણ હોય. (૧ શમુએલ ૧:૧૨, ૧૫) ઈસુએ ઢોંગી ધર્મગુરુઓના જેવી પ્રાર્થના ન કરવાની સલાહ આપી. તેઓ ફક્ત દેખાડો કરવા લાંબી લાંબી પ્રાર્થના કરતા હતા. (લૂક ૨૦:૪૬, ૪૭) યહોવાને આવી પ્રાર્થના જરાય પસંદ નથી. એટલે આપણે પ્રાર્થના કરીએ ત્યારે, દિલથી કરીએ. યહોવા એ ચોક્કસ સાંભળશે, પછી ભલેને એ લાંબી હોય કે ટૂંકી હોય.

અલગ અલગ સંજોગોમાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે

તમે ગમે ત્યારે પ્રાર્થના કરો, યહોવા સાંભળે છે

૧૪. ‘હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ,’ એનો શું અર્થ થાય? એનાથી તમને કેવું લાગે છે?

૧૪ દિવસમાં કેટલી વાર પ્રાર્થના કરવી જોઈએ? બાઇબલ કહે છે: ‘હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ.’ ‘સર્વ સમયે પ્રાર્થના કરો.’ ‘નિત્ય પ્રાર્થના કરો.’ (લૂક ૧૮:૧; રોમન ૧૨:૧૨; ૧ થેસ્સલોનિકી ૫:૧૭) એનો અર્થ એવો નથી કે રાત-દિવસ બસ પ્રાર્થના જ કરતા રહો. ના, બાઇબલ જણાવે છે કે ગમે ત્યારે પ્રાર્થના કરો. આપણે ચાહીએ એટલી વાર પ્રાર્થના કરીએ. યહોવાની સ્તુતિ કરવા, સલાહ માંગવા, મદદ અને દિલાસો મેળવવા, અરે, કોઈ વાર બસ દિલનો ઊભરો ઠાલવવા પણ ઈશ્વરને પોકાર કરી શકીએ. યહોવા સાથે ચોવીસ કલાકમાં ગમે ત્યારે વાત કરી શકીએ. યહોવા આપણી સર્વ પ્રાર્થનાઓ સાંભળે છે, પછી ભલેને દિવસમાં ગમે એટલી વાર પ્રાર્થના કરીએ કે ગમે તેટલી લાંબી પ્રાર્થના કરીએ. તો પછી ચાલો આપણે કોઈ પણ સંજોગોમાં આપણા સુખ-દુઃખ વિશે યહોવાને બધુંય જણાવતા રહીએ!

૧૫. આપણે એકલા પ્રાર્થના કરીએ કે બીજું કોઈ મોટેથી પ્રાર્થના કરાવે ત્યારે છેલ્લે કેમ ‘આમીન’ કહેવું જોઈએ?

૧૫ પ્રાર્થનાને અંતે કેમ ‘આમીન’ કહેવું જોઈએ? ‘આમીન’ કે ‘આમેન’ એટલે ‘તથાસ્તુ’ કે ‘એમ જ થાઓ.’ બાઇબલનાં ઘણાં ઉદાહરણો બતાવે છે કે ઈશ્વરભક્તો પ્રાર્થનાને અંતે ‘આમીન’ કહેતા, પછી ભલે તેઓ લોકોની સાથે પ્રાર્થના કરતા હોય કે પછી એકલા કરતા હોય. (૧ કાળવૃત્તાંત ૧૬:૩૬; ગીતશાસ્ત્ર ૪૧:૧૩) તમે પોતાની પ્રાર્થનાને અંતે ‘આમીન’ કહો ત્યારે, એ બતાવે છે કે તમે ખરા દિલથી પ્રાર્થના કરી છે. બીજું કોઈ મોટેથી પ્રાર્થના કરાવતું હોય, એના અંતે પણ આપણે મોટેથી કે મનમાં ‘આમીન’ કહીએ છીએ. આપણે જાણે કહીએ છીએ કે મારા દિલની પણ એ જ પ્રાર્થના છે.—૧ કરિંથી ૧૪:૧૬.

પ્રાર્થનાનો જવાબ કઈ રીતે મળે છે?

૧૬. પ્રાર્થના વિશે આપણે કઈ ખાતરી રાખી શકીએ?

૧૬ શું યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે? હા, બિલકુલ! યહોવા તો ‘પ્રાર્થનાના સાંભળનાર’ છે. તે કરોડો લોકોની દિલથી કરેલી પ્રાર્થનાના જવાબ આપે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) યહોવા અનેક રીતોથી આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે.

૧૭. કેમ કહી શકીએ કે યહોવા પોતાના સ્વર્ગદૂતો અને ભક્તોને મોકલીને આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે?

૧૭ યહોવા પોતાના સ્વર્ગદૂતોને મોકલીને આપણી મદદ કરે છે. અથવા તેમના ભક્તોને મોકલીને આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. (હિબ્રૂ ૧:૧૩, ૧૪) એવા ઘણા અનુભવો છે. જેમ કે કોઈએ બાઇબલ વિશે જાણવા ઈશ્વરને પોકાર કર્યો હોય. ટૂંક સમયમાં જ તેઓને યહોવાના ભક્તો મળ્યા. એ બતાવે છે કે લોકોને પોતાનું જ્ઞાન આપવા, યહોવા સ્વર્ગદૂતોને મોકલીને આપણને માર્ગદર્શન આપે છે. (પ્રકટીકરણ ૧૪:૬) કોઈ વાર એવું પણ બને કે તમે યહોવાને પ્રાર્થના કરો ત્યારે, તે મંડળના કોઈ ભાઈ-બહેનને મોકલીને તમને જરૂરી મદદ આપે.—નીતિવચનો ૧૨:૨૫; યાકૂબ ૨:૧૬.

એક યુગલ મોટી ઉંમરના અપંગ મિત્રને મદદ કરી રહ્યું છે

તમારી પ્રાર્થનાના જવાબમાં, યહોવા કોઈ ભક્તને મોકલીને તમને મદદ કરી શકે છે

૧૮. યહોવા પોતાની શક્તિથી અને બાઇબલથી કઈ રીતે પ્રાર્થનાનો જવાબ આપે છે?

૧૮ યહોવા આપણી પ્રાર્થનાનો જવાબ બાઇબલથી પણ આપે છે. કોઈ પણ મુસીબતો સહન કરવા યહોવા શક્તિ આપે છે. હિંમત અને માર્ગદર્શન આપે છે. (૨ કરિંથી ૪:૭) ઘણી વખત કોઈ નિર્ણય લેવા માટે મદદની જરૂર હોય. આપણે તરત યહોવા પાસે દોડી જઈએ છીએ, પછી બાઇબલ વાંચતા હોઈએ કે આ પુસ્તક જેવા યહોવાના સાક્ષીઓનાં સાહિત્ય પર વિચારતા હોઈએ. એમાંની કોઈક સલાહ જાણે આપણી પ્રાર્થનાનો જ જવાબ હોય! એવું પણ બને કે આપણે મંડળમાં યહોવાની ભક્તિ કરવા ભેગા મળીએ અને ખરા સમયે જોઈતી સલાહ સાંભળવા મળે. કે પછી મંડળના કોઈ વડીલ તરફથી આપણને જરૂરી માર્ગદર્શન મળે.—ગલાતી ૬:૧.

૧૯. એવું લાગે કે પ્રાર્થનાનો જવાબ નથી મળતો ત્યારે શું ધ્યાનમાં રાખીએ?

૧૯ કોઈ વખત એમ થાય કે ‘હજુ મારી પ્રાર્થનાનો જવાબ કેમ મળ્યો નથી?’ એવું નથી કે યહોવા જવાબ આપી શકતા નથી. તે આપણા કરતાં વધારે સારી રીતે જાણે છે કે આપણને કેવી મદદની જરૂર છે. યહોવા ખરા સમયે આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. ઘણી વખત તે જુએ છે કે આપણે એ ‘મદદ મેળવવા’ કેટલી હદે વિનંતી કરીએ છીએ. (લૂક ૧૧:૫-૧૦) જો તમને કશાની જરૂર હશે, તો તમે ઘણી વખત માંગશો, મળે નહિ ત્યાં સુધી માંગતા રહેશો. એનાથી યહોવા જોઈ શકશે કે તમારી શ્રદ્ધા કેટલી અડગ છે. પણ આપણે ધારીએ એમ જ, યહોવા જવાબ આપતા નથી. દાખલા તરીકે, તમને કોઈ તકલીફ એટલી સતાવે છે કે વાત ન પૂછો. તમે એને કોઈ પણ હિસાબે દૂર કરવા યહોવાને બહુ કાલાવાલા કરો. જવાબમાં કદાચ યહોવા એ તકલીફ દૂર ન પણ કરે. એના બદલે એ સહન કરવાની શક્તિ આપશે.—ફિલિપી ૪:૧૩.

૨૦. યહોવાને કેમ પ્રાર્થના કરતા રહેવું જોઈએ?

૨૦ યહોવા વિશ્વના સર્જનહાર છે. તોપણ તે આપણા જેવા મામૂલી માણસની પ્રાર્થના સાંભળે છે. એનાથી વધારે આપણે તેમની પાસેથી બીજું શું માંગીએ! (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮) ચાલો આપણે પ્રાર્થના કરતા રહીએ. મિત્રની જેમ, તેમને આપણી બધી જ વાતો કરીએ. એમ કરીશું તો, દુનિયાની કોઈ તાકાત આપણને પ્રાર્થનાના સાંભળનાર યહોવાથી જુદા નહિ કરી શકે!

બાઇબલ આમ શીખવે છે

  • પ્રાર્થનાથી યહોવા સાથેનો આપણો નાતો પાકો કરી શકીશું.—યાકૂબ ૪:૮.

  • પૂરી શ્રદ્ધાથી, નમ્રતાથી અને સાફ દિલથી પ્રાર્થના કરીશું, તો યહોવા ચોક્કસ સાંભળશે.—માર્ક ૧૧:૨૪.

  • ઈસુને નામે ખુદ યહોવાને પ્રાર્થના કરવી જોઈએ.—માથ્થી ૬:૯; યોહાન ૧૪:૬.

  • યહોવા ‘પ્રાર્થનાના સાંભળનાર’ છે. તે તેમના સ્વર્ગદૂતો, ભક્તો, તેમની શક્તિ અને બાઇબલથી જવાબ આપે છે.—ગીતશાસ્ત્ર ૬૫:૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો