વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bt પ્રકરણ ૧૯ પાન ૧૪૮-૧૫૫
  • ‘બોલતો રહેજે, ચૂપ રહેતો નહિ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘બોલતો રહેજે, ચૂપ રહેતો નહિ’
  • ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • તેઓ “તંબુ બનાવવાનો વ્યવસાય કરતાં હતાં” (પ્રે.કા. ૧૮:૧-૪)
  • “ઘણા કોરીંથીઓએ શ્રદ્ધા મૂકી” (પ્રે.કા. ૧૮:૫-૮)
  • “આ શહેરમાં એવા ઘણા લોકો છે જેઓ મારા પર શ્રદ્ધા મૂકશે” (પ્રે.કા. ૧૮:૯-૧૭)
  • “જો યહોવાની ઇચ્છા હશે” (પ્રે.કા. ૧૮:૧૮-૨૨)
  • “બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • પ્રેરિતોનાં કૃત્યોના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
bt પ્રકરણ ૧૯ પાન ૧૪૮-૧૫૫

પ્રકરણ ૧૯

‘બોલતો રહેજે, ચૂપ રહેતો નહિ’

પાઉલ ગુજરાન ચલાવવા કામ તો કરે છે, પણ પ્રચારકામને જીવનમાં પહેલું રાખે છે

પ્રેરિતોનાં કાર્યો ૧૮:૧-૨૨ના આધારે

૧-૩. પ્રેરિત પાઉલ કેમ કોરીંથ આવ્યા છે? તેમના મનમાં કયા સવાલો હશે?

સાલ ૫૦ હવે બસ પૂરી થવા આવી છે. પાઉલ કોરીંથ શહેરમાં છે. એ ધનવાન શહેર વેપાર માટે જાણીતું છે. અહીંયા ઘણી મોટી સંખ્યામાં ગ્રીક, રોમન અને યહૂદી લોકો રહે છે.a પાઉલ આ શહેરમાં કોઈ નોકરી શોધવા અથવા કોઈ કામધંધો કરવા આવ્યા નથી. તે તો લોકોને ઈશ્વરના રાજ્યની સાક્ષી આપવા આવ્યા છે, જે સૌથી વધારે મહત્ત્વનું કામ છે. જોકે તેમને રહેવા માટે એક જગ્યા અને ગુજરાન ચલાવવા પૈસાની જરૂર પડશે. પણ તેમણે નિર્ણય કર્યો છે કે તે કોઈના પર બોજ નહિ બને. તે ચાહતા નથી કે લોકો એવું વિચારે કે તે ઈશ્વરનો સંદેશો જણાવે છે, એટલે તેમને પૈસેટકે મદદ કરવી જોઈએ. તો પછી તે કોરીંથમાં કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવશે?

૨ પાઉલ તંબુ બનાવવાનું કામ જાણે છે. એ કામ જરાય સહેલું નથી, તોપણ તે મહેનત કરવામાં પીછેહઠ કરતા નથી. શું તેમને આ શહેરમાં કામ મળશે? શું તેમને રહેવાની કોઈ યોગ્ય જગ્યા મળશે? પાઉલના મનમાં ઘણા સવાલો હશે, પણ તેમણે હંમેશાં યાદ રાખ્યું કે પ્રચારકામ સૌથી મહત્ત્વનું છે.

૩ એવું લાગે છે કે પાઉલ અમુક સમય માટે કોરીંથ રહ્યા. ત્યાં તેમને પ્રચારમાં ઘણાં સારાં પરિણામ મળ્યાં. આપણે પણ ચાહીએ છીએ કે લોકોને ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ. ચાલો જોઈએ કે પાઉલે કોરીંથમાં જે રીતે સાક્ષી આપી, એમાંથી આપણને શું શીખવા મળે છે.

કોરીંથ—બે બંદરોવાળું શહેર

કોરીંથ શહેર જમીનના એક સાંકડા પટ્ટા પર વસેલું હતું. એ પટ્ટો ગ્રીસના દક્ષિણી વિસ્તાર પેલ્લોપોનીઝને, ગ્રીસના બાકીના વિસ્તાર સાથે જોડતો હતો. એ પટ્ટાના સૌથી સાંકડા ભાગની પહોળાઈ છ કિલોમીટર કરતાં પણ ઓછી હતી. એટલે કોરીંથમાં બે બંદરો હતા. પશ્ચિમમાં લેકેઓન બંદર હતું. ત્યાંથી ઇટાલી, સિસિલી અને સ્પેન જવાનો દરિયાઈ માર્ગ હતો. પૂર્વમાં કિંખ્રિયા બંદર હતું. ત્યાંથી એજિયન સમુદ્રના વિસ્તારો, એશિયા માઈનોર, સિરિયા અને ઇજિપ્ત જવા વહાણો આવજા કરતાં હતાં.

પેલ્લોપોનીઝના દક્ષિણી ભાગમાં પવનનું જોર ખૂબ હતું અને ત્યાંથી જવું વહાણો માટે જોખમ ભરેલું હતું. એટલે નાવિકો ઘણી વાર પોતાનું વહાણ કોરીંથના કોઈ એક બંદર પર અટકાવી દેતા. પછી માલ-સામાન ઉતારીને બીજા બંદર સુધી પહોંચાડતા અને ત્યાં બીજા વહાણ પર એ સામાન પાછો ચઢાવતા. પણ જો વહાણ હલકું હોય તો એ માટે બંને બંદર વચ્ચે પથ્થરવાળો રસ્તો હતો. એ રસ્તા પર વહાણને પૈડાંવાળા પાટિયાની મદદથી એક બંદરેથી બીજા બંદરે ખેંચીને લઈ જવામાં આવતું. કોરીંથ શહેર એવી જગ્યાએ વસેલું હતું કે જ્યાં ચારે દિશાથી વેપારીઓ વેપાર કરવા આવતા. તેઓ દરિયાઈ માર્ગે કે જમીન માર્ગે આવતા. તેઓએ એ શહેરને ધનવાન તો બનાવ્યું, સાથે સાથે ગંદાં કામોનો અડ્ડો પણ બનાવ્યું. પરિણામે, કોરીંથ શહેર બદનામ થઈ ગયું.

પ્રેરિત પાઉલના દિવસોમાં કોરીંથ શહેર રોમન પ્રાંત અખાયાનું પાટનગર હતું અને સરકારી કામકાજનું ખાસ કેન્દ્ર હતું. ત્યાંના લોકો અલગ અલગ ધર્મ પાળતા હતા. જેમ કે, રોમન સમ્રાટની ભક્તિ માટે એક મંદિર હતું. ગ્રીસ અને ઇજિપ્તનાં દેવી-દેવતાઓ માટે નાનાં-મોટાં મંદિરો હતાં. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન પણ હતું.—પ્રે.કા. ૧૮:૪.

કોરીંથ પાસે ઇસ્થમિયા નામની જગ્યાએ દર બે વર્ષે ખેલકૂદની સ્પર્ધા રાખવામાં આવતી. એ સ્પર્ધા ખૂબ જ જાણીતી હતી, ઑલિમ્પિક રમતો જેટલી જાણીતી હતી. ૫૧ની સાલમાં પાઉલ કોરીંથમાં હતા ત્યારે કદાચ ઇસ્થમિયામાં ખેલકૂદની સ્પર્ધા ચાલતી હતી. એટલે બાઇબલના એક શબ્દકોશમાં આમ જણાવ્યું છે: “એ જાણીને આપણને નવાઈ નથી લાગતી કે પાઉલે કોરીંથીઓને પત્ર લખ્યો ત્યારે ખેલકૂદની સ્પર્ધાનો પહેલી વાર ઉલ્લેખ કર્યો હતો.”—૧ કોરીં. ૯:૨૪-૨૭.

તેઓ “તંબુ બનાવવાનો વ્યવસાય કરતાં હતાં” (પ્રે.કા. ૧૮:૧-૪)

૪, ૫. (ક) પાઉલ કોરીંથમાં કોના ઘરે રોકાયા? તેમણે કયું કામ કર્યું? (ખ) પાઉલ કેવી રીતે તંબુ બનાવવાનું કામ શીખ્યા હતા?

૪ પાઉલ કોરીંથ આવ્યા એના થોડા સમય પછી તે એક પતિ-પત્નીને મળ્યા. પતિનું નામ આકુલા અને પત્નીનું નામ પ્રિસ્કિલા હતું, જે પ્રિસ્કા તરીકે પણ ઓળખાતી હતી. તેઓ દિલથી મહેમાનગતિ બતાવતાં હતાં. તેઓ થોડા સમય પહેલાં જ કોરીંથ આવ્યાં હતાં. કેમ કે સમ્રાટ ક્લોદિયસે “બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાનો હુકમ કર્યો હતો.” (પ્રે.કા. ૧૮:૧, ૨) આકુલા અને પ્રિસ્કિલાએ પાઉલ માટે પોતાના ઘરના દરવાજા ખોલી દીધા અને તેઓના વ્યવસાયમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. કલમમાં જણાવ્યું છે: ‘આકુલા અને પ્રિસ્કિલા તંબુ બનાવવાનો વ્યવસાય કરતાં હતાં. પાઉલ પણ એ જ વ્યવસાય કરતા હતા, એટલે તે તેઓના ઘરે રોકાયા અને તેઓ સાથે કામ કરવા લાગ્યા.’ (પ્રે.કા. ૧૮:૩) પાઉલ જ્યાં સુધી કોરીંથમાં રહ્યા, ત્યાં સુધી તે એ પ્રેમાળ યુગલના ઘરે રોકાયા. કદાચ એ સમયગાળામાં જ તેમણે અમુક પત્રો લખ્યા, જે આજે બાઇબલમાં જોવા મળે છે.b

૫ પાઉલ “ગમાલિયેલના ચરણે” ભણ્યા હતા, તો પછી તે કેવી રીતે તંબુ બનાવવાનું કામ શીખ્યા હતા? (પ્રે.કા. ૨૨:૩) એવું લાગે છે કે પહેલી સદીમાં યહૂદીઓ પોતાનાં બાળકોને ઉચ્ચ શિક્ષણની સાથે સાથે નાનાં-મોટાં કામ પણ શીખવતા. તેઓ એવાં કામ કરવામાં જરાય નાનમ અનુભવતા ન હતા. પાઉલ કિલીકિયાના તાર્સસ શહેરના હતા. એ શહેર કિલીકિયમ નામના કાપડ માટે જાણીતું હતું, જેમાંથી તંબુ બનાવવામાં આવતો હતો. પાઉલ કદાચ નાનપણમાં તંબુ બનાવવાનું શીખ્યા હશે. તંબુ બનાવવાનું કામ જરાય સહેલું ન હતું. તંબુ બનાવવા કાપડને વણવામાં આવતું અથવા કાપીને સીવવામાં આવતું. એ કાપડ જાડું અને કડક હતું, એટલે એને કાપવું અને સીવવું બહુ જ અઘરું હતું. એ કામમાં અથાક મહેનત લાગતી.

૬, ૭. (ક) પાઉલ કેમ તંબુ બનાવવાનું કામ કરતા હતા? કઈ રીતે ખબર પડે કે પોતાના કામ વિશે આકુલા અને પ્રિસ્કિલા પણ પાઉલ જેવું જ વિચારતાં હતાં? (ખ) આજે કઈ રીતે ભાઈ-બહેનો પાઉલ, આકુલા અને પ્રિસ્કિલાના દાખલાને અનુસરે છે?

૬ પાઉલે તંબુ બનાવવાના કામમાં જ પોતાનાં બધાં સમય-શક્તિ ખર્ચી ન નાખ્યાં. તે ફક્ત પોતાનું ગુજરાન ચલાવવા એ કામ કરતા હતા, જેથી બીજાઓ પાસેથી “કંઈ પણ લીધા વગર” ખુશખબરનો પ્રચાર કરી શકે. (૨ કોરીં. ૧૧:૭) આકુલા અને પ્રિસ્કિલા પણ કામ વિશે પાઉલ જેવું જ વિચારતાં હતાં. એટલે સાલ ૫૨માં જ્યારે પાઉલ કોરીંથ છોડીને એફેસસ ગયા, ત્યારે એ બંને પણ પોતાનું બધું જ છોડીને પાઉલ સાથે ગયાં. એફેસસમાં આકુલા અને પ્રિસ્કિલાના ઘરે મંડળ સભાઓ માટે ભેગું મળતું હતું. (૧ કોરીં. ૧૬:૧૯) પછીથી એ બંને રોમ ગયાં અને ફરી પાછાં એફેસસ આવ્યાં. એ ઉત્સાહી પતિ-પત્નીએ ઈશ્વરના રાજ્યને પોતાના જીવનમાં સૌથી પહેલું રાખ્યું અને બીજાઓ માટે પોતાને ખર્ચી નાખ્યાં. એટલે જ ‘બીજી પ્રજાઓનાં બધાં મંડળોએ’ તેઓનો ખૂબ ખૂબ આભાર માન્યો.—રોમ. ૧૬:૩-૫; ૨ તિમો. ૪:૧૯.

૭ આજે ઘણાં ભાઈ-બહેનો પાઉલ, આકુલા અને પ્રિસ્કિલાના દાખલાને અનુસરે છે. તેઓ ઉત્સાહથી પ્રચાર કરવાની સાથે સાથે અમુક કામ પણ કરે છે, જેથી બીજાઓ પર “ખર્ચનો બોજો” ન આવે. (૧ થેસ્સા. ૨:૯) ઘણા પાયોનિયરો પોતાનું ગુજરાન ચલાવવા અઠવાડિયાના અમુક દિવસો અથવા વર્ષના અમુક મહિના નોકરી કરે છે. પણ તેઓ માટે પાયોનિયરીંગ વધારે મહત્ત્વનું છે. તેઓના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે! આકુલા અને પ્રિસ્કિલાની જેમ ઘણાં ભાઈ-બહેનો સરકીટ નિરીક્ષકને પોતાના ઘરે રાખે છે. ભાઈ-બહેનો જાણે છે કે ‘મહેમાનગતિ બતાવવાથી’ ઘણું ઉત્તેજન અને તાજગી મળે છે.—રોમ. ૧૨:૧૩.

પાઉલના પત્રોથી ઉત્તેજન મળ્યું

આશરે સાલ ૫૦-૫૨ના સમયગાળામાં પ્રેરિત પાઉલ ૧૮ મહિના સુધી કોરીંથમાં રહ્યા. ત્યાંથી તેમણે થેસ્સાલોનિકીઓને પહેલો અને બીજો પત્ર લખ્યો, જે આજે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં જોવા મળે છે. કદાચ એ સમયગાળામાં અથવા એના થોડા સમય પછી તેમણે ગલાતીઓને પત્ર લખ્યો.

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર, ઈશ્વરની પ્રેરણાથી લખેલો પાઉલનો પહેલો પત્ર હતો. આશરે ૫૦ની સાલમાં પાઉલ તેમની પ્રચારકાર્યની બીજી મુસાફરીમાં થેસ્સાલોનિકા ગયા હતા. ત્યાં એક નવું મંડળ શરૂ થયું, પણ તરત જ પાઉલ અને સિલાસે વિરોધનો સામનો કર્યો. એટલે તેઓએ એ શહેર છોડવું પડ્યું. (પ્રે.કા. ૧૭:૧-૧૦, ૧૩) પાઉલને આ નવા મંડળની ખૂબ ચિંતા હતી. એટલે તેમણે બે વાર ત્યાં પાછા જવાની કોશિશ કરી, પણ દરેક વખતે “શેતાન [તેમના] માર્ગમાં આડો આવ્યો.” એટલે તેમણે તિમોથીને થેસ્સાલોનિકા મોકલ્યા, જેથી તે ત્યાંના ભાઈઓને દિલાસો આપી શકે અને દૃઢ કરી શકે. આશરે સાલ ૫૦ના અંતમાં તિમોથી પાછા કોરીંથ આવ્યા અને થેસ્સાલોનિકા વિશે સારી ખબર લાવ્યા. એ પછી પાઉલે થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર લખ્યો.—૧ થેસ્સા. ૨:૧૭–૩:૭.

પાઉલે પહેલો પત્ર લખ્યો એના પછી તરત સાલ ૫૧માં તેમણે થેસ્સાલોનિકીઓને બીજો પત્ર લખ્યો હશે. બંને પત્રોમાં પાઉલ, તિમોથી અને સિલ્વાનુસ (જેમને પ્રેરિતોનાં કાર્યોમાં સિલાસ કહેવામાં આવ્યા છે) થેસ્સાલોનિકાનાં ભાઈ-બહેનોને સલામ મોકલે છે. પણ પાઉલે કોરીંથ છોડ્યું એ પછી, બાઇબલમાં ક્યાંય એવું જોવા નથી મળતું કે એ ત્રણેય ભાઈઓ ફરી ભેગા મળ્યા હતા. (પ્રે.કા. ૧૮:૫, ૧૮; ૧ થેસ્સા. ૧:૧; ૨ થેસ્સા. ૧:૧) પાઉલે કેમ આ બીજો પત્ર લખ્યો? એવું લાગે છે કે જે વ્યક્તિએ પાઉલનો પહેલો પત્ર પહોંચાડ્યો હતો, તેણે પાછા આવીને એ મંડળ વિશે અમુક ખબર આપી હશે. એ જાણીને પાઉલને એટલી ખુશી થઈ કે તેમણે બીજો પત્ર લખ્યો. તેમણે થેસ્સાલોનિકાના ભાઈઓનાં પ્રેમ અને ધીરજના વખાણ કર્યા. જોકે અમુક ભાઈઓ માનતા હતા કે માલિક ઈસુની હાજરીનો સમય નજીક છે, એટલે તેમણે તેઓના વિચારો પણ સુધાર્યા.—૨ થેસ્સા. ૧:૩-૧૨; ૨:૧, ૨.

ગલાતીઓને પત્ર વાંચીને ખ્યાલ આવે છે કે ભાઈ-બહેનોને પત્ર લખતા પહેલાં પાઉલ ઓછામાં ઓછું બે વાર તેઓને મળ્યા હતા. સાલ ૪૭-૪૮માં પાઉલે બાર્નાબાસ સાથે પિસીદિયાના અંત્યોખ, ઇકોનિયા, લુસ્ત્રા અને દર્બે શહેરની મુસાફરી કરી હતી. એ બધાં શહેરો રોમન પ્રાંત ગલાતિયાનો ભાગ હતાં. પછી સાલ ૪૯માં પાઉલે સિલાસ સાથે ફરી ગલાતિયા પ્રાંતમાં મુસાફરી કરી. (પ્રે.કા. ૧૩:૧–૧૪:૨૩; ૧૬:૧-૬) આ પત્ર લખવાનું કારણ શું હતું? કેમ કે તેમની મુલાકાત પછી તરત અમુક ઢોંગી ભાઈઓ મંડળમાં આવ્યા હતા. તેઓ શીખવતા હતા કે સુન્‍નત કરાવવી અને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જરૂરી છે. પાઉલે એ વિશે સાંભળીને તરત આ પત્ર લખ્યો હશે. બની શકે કે તેમણે આ પત્ર કોરીંથથી લખ્યો હોય અથવા એફેસસથી લખ્યો હોય. સિરિયાના અંત્યોખ પાછા જતી વખતે તે થોડો સમય એફેસસમાં રોકાયા હતા. અથવા તેમણે સિરિયાના અંત્યોખ પહોંચીને પણ પત્ર લખ્યો હોય શકે.—પ્રે.કા. ૧૮:૧૮-૨૩.

“ઘણા કોરીંથીઓએ શ્રદ્ધા મૂકી” (પ્રે.કા. ૧૮:૫-૮)

૮, ૯. પાઉલનો વિરોધ થયો ત્યારે તેમણે શું કર્યું? એ પછી તેમણે ક્યાંથી પ્રચારકામ ચાલુ રાખ્યું?

૮ આપણે જોઈ ગયા કે પાઉલ ફક્ત પોતાનું સેવાકાર્ય પૂરું કરવા તંબુ બનાવવાનું કામ કરતા હતા. જ્યારે મકદોનિયાના મંડળે સિલાસ અને તિમોથીના હાથે પાઉલ માટે અમુક ભેટ મોકલાવી, ત્યારે એ વાત વધારે સ્પષ્ટ થઈ. (૨ કોરીં. ૧૧:૯) ધ્યાન આપો કે એ પછી પાઉલ ‘વધારે ઉત્સાહથી સંદેશો ફેલાવવા લાગ્યા.’ બીજા એક બાઇબલ ભાષાંતરમાં જણાવ્યું છે કે તે “પોતાનો બધો સમય” સંદેશો ફેલાવવામાં આપવા લાગ્યા. (પ્રે.કા. ૧૮:૫) જોકે પાઉલનું પ્રચારકામ વધવા લાગ્યું તેમ, યહૂદીઓનો વિરોધ પણ વધવા લાગ્યો. ખ્રિસ્ત તેઓનો ઉદ્ધાર કરી શકે છે એ સંદેશો તેઓએ સ્વીકારવાની ના પાડી દીધી. પાઉલ બતાવવા માંગતા હતા કે તેઓ પર જે આવી પડવાનું હતું, એ માટે તે જવાબદાર ન હતા. એટલે પાઉલે પોતાનાં કપડાં ખંખેર્યાં અને કહ્યું: “તમારું લોહી તમારા માથે. હું નિર્દોષ છું. હવેથી, હું બીજી પ્રજાઓના લોકો પાસે જઈશ.”—પ્રે.કા. ૧૮:૬; હઝકિ. ૩:૧૮, ૧૯.

૯ તો પાઉલે ક્યાંથી પોતાનું પ્રચારકામ ચાલુ રાખ્યું? તિતસ યુસ્તસ નામના માણસે તેમને પોતાના ઘરે બોલાવ્યા. તે કદાચ યહૂદી બન્યો હતો અને તેનું ઘર સભાસ્થાનની બાજુમાં જ હતું. એટલે પાઉલે સભાસ્થાનને બદલે યુસ્તસના ઘરેથી પ્રચારકામ ચાલુ રાખ્યું. (પ્રે.કા. ૧૮:૭) પાઉલ કોરીંથમાં રહ્યા ત્યાં સુધી આકુલા અને પ્રિસ્કિલાના ઘરે રહ્યા. પણ તે ખુશખબર જણાવવાનું અને શીખવવાનું કામ યુસ્તસના ઘરેથી કરતા રહ્યા.

૧૦. કઈ રીતે દેખાઈ આવે છે કે પાઉલ લોકો માટે ફેરફાર કરવા તૈયાર હતા?

૧૦ પાઉલે કહ્યું હતું કે તે બીજી પ્રજાઓના લોકો પાસે જશે. પણ જો યહૂદી અને યહૂદી થયેલા લોકોને સંદેશો સાંભળવો હોય તો શું? શું તે તેઓથી મોં ફેરવી લેશે? ના, તે એવું કહેવા માંગતા ન હતા. અહેવાલમાં જણાવ્યું છે: “સભાસ્થાનના મુખ્ય અધિકારી ક્રિસ્પુસે માલિકમાં શ્રદ્ધા મૂકી. તેના ઘરના બધા લોકોએ પણ શ્રદ્ધા મૂકી.” એવું લાગે છે કે ક્રિસ્પુસની સાથે સાથે સભાસ્થાનમાં આવતા બીજા યહૂદીઓ પણ ખ્રિસ્તી બન્યા. બાઇબલમાં જણાવ્યું છે: “સંદેશો સાંભળનારા ઘણા કોરીંથીઓએ શ્રદ્ધા મૂકી અને બાપ્તિસ્મા લીધું.” (પ્રે.કા. ૧૮:૮) આમ, કોરીંથમાં એક નવું મંડળ શરૂ થયું. ત્યાંનાં ભાઈ-બહેનો તિતસ યુસ્તસના ઘરે સભા માટે ભેગાં મળતાં હતાં. લૂકે પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં બધા અહેવાલો મોટે ભાગે ક્રમમાં લખ્યા છે. એટલે કહી શકીએ કે પાઉલે પોતાનાં કપડાં ખંખેર્યાં એ પછી અમુક યહૂદી અને યહૂદી થયેલા લોકો ખ્રિસ્તી બન્યા હતા. એનાથી દેખાઈ આવે છે કે પાઉલ લોકો માટે ફેરફાર કરવા તૈયાર હતા.

૧૧. ચર્ચના લોકોને સંદેશો જણાવવા કઈ રીતે પાઉલને અનુસરી શકીએ?

૧૧ આજે અનેક દેશોમાં ચર્ચોનો ઘણો પ્રભાવ છે અને ચર્ચોની લોકો પર મજબૂત પકડ છે. અમુક દેશોમાં અને ટાપુઓ પર ચર્ચના મિશનરીઓએ ઘણા લોકોને ખ્રિસ્તી બનાવ્યા છે. પણ ઈશ્વર સાથે સંબંધ કેળવવાને બદલે કોરીંથના યહૂદીઓની જેમ એ લોકો તો ધાર્મિક રીતરિવાજોમાં ડૂબેલા છે. તોપણ યહોવાના સાક્ષીઓ તરીકે આપણે તેઓને મદદ કરવા માંગીએ છીએ. આપણે પાઉલની જેમ તેઓને પ્રચાર કરીએ છીએ અને બાઇબલની વાતોને સારી રીતે સમજવા મદદ કરીએ છીએ. ક્યારેક ક્યારેક તેઓ આપણો વિરોધ કરે છે અથવા તેઓના ધર્મગુરુઓ આપણી સતાવણી કરે છે. તોપણ આપણે હિંમત હારતા નથી અને તેઓને મદદ કરતા રહીએ છીએ. આપણે જાણીએ છીએ કે ચર્ચના અનેક લોકોને “ઈશ્વર માટે હોંશ તો છે, પણ તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી રીતે સમજતા નથી.” (રોમ. ૧૦:૨) આપણે એવા લોકોને જ તો શોધીએ છીએ, જેઓ ખરેખર સત્ય જાણવા માંગે છે.

“આ શહેરમાં એવા ઘણા લોકો છે જેઓ મારા પર શ્રદ્ધા મૂકશે” (પ્રે.કા. ૧૮:૯-૧૭)

૧૨. ઈસુએ દર્શનમાં પાઉલને કઈ ખાતરી આપી?

૧૨ પાઉલના મનમાં કદાચ ગડમથલ ચાલતી હશે કે તેમણે કોરીંથમાં પ્રચાર ચાલુ રાખવો જોઈએ કે નહિ. પણ પછી એવું કંઈક થયું જેનાથી તેમની એ મૂંઝવણ દૂર થઈ ગઈ. રાતે માલિક ઈસુએ તેમને દર્શનમાં કહ્યું: “ડરતો નહિ, પણ બોલતો રહેજે. તું ચૂપ રહેતો નહિ, કેમ કે આ શહેરમાં એવા ઘણા લોકો છે જેઓ મારા પર શ્રદ્ધા મૂકશે. હું તારી સાથે છું, કોઈ માણસ હુમલો કરીને તારું કંઈ બગાડી શકશે નહિ.” (પ્રે.કા. ૧૮:૯, ૧૦) જરા વિચારો, એ દર્શનથી પાઉલને કેટલી હિંમત મળી હશે! ઈસુએ પોતે ખાતરી આપી હતી કે પાઉલનો એકેય વાળ વાંકો નહિ થાય. એટલું જ નહિ, શહેરમાં એવા ઘણા લોકો હતા જેઓને સંદેશો જણાવવાનો બાકી હતો. એ દર્શન પછી પાઉલે શું કર્યું? કલમમાં જણાવ્યું છે: ‘તે દોઢ વર્ષ ત્યાં રહ્યા અને લોકોને ઈશ્વરનો સંદેશો શીખવતા રહ્યા.’—પ્રે.કા. ૧૮:૧૧.

૧૩. ન્યાયાસન આગળ જતી વખતે પાઉલે શાના વિશે વિચાર્યું હશે? પણ તેમને કઈ ખાતરી હતી અને કેમ?

૧૩ કોરીંથમાં પાઉલને આશરે એક વર્ષ થઈ ગયું. એ સમયે તેમને ફરીથી ખાતરી મળી કે ઈસુ તેમને મદદ કરી રહ્યા હતા. ધ્યાન આપો કે જ્યારે ‘યહૂદીઓ એક થઈને પાઉલની વિરુદ્ધ ઊઠ્યા અને તેમને ન્યાયાસન આગળ લઈ ગયા’ ત્યારે શું થયું. (પ્રે.કા. ૧૮:૧૨) અમુક લોકોનું માનવું છે કે એ ન્યાયાસન એક ઊંચા ઓટલા પર આવેલું હતું. એ ઓટલો ભૂરા અને સફેદ રંગના સંગેમરમરથી બનેલો હતો અને એના પર સુંદર કોતરણી કરવામાં આવી હતી. એ ન્યાયાસન કદાચ કોરીંથના બજારની વચ્ચોવચ હતું. ન્યાયાસનની સામે એટલી મોટી જગ્યા હતી કે લોકોનાં ટોળે ટોળાં ત્યાં ભેગાં મળી શકતાં હતાં. અમુક ઇતિહાસકારોનું કહેવું છે કે એ ન્યાયાસન સભાસ્થાનથી કદાચ થોડાં પગલાં જ દૂર હતું. એટલે એ યુસ્તસના ઘરથી પણ એકદમ નજીક હતું. ન્યાયાસન આગળ જતી વખતે પાઉલે વિચાર્યું હશે કે સ્તેફનને કઈ રીતે પથ્થરે મારી નાખવામાં આવ્યા હતા. સ્તેફન ઈસુના એવા પહેલા શિષ્ય હતા, જેમની સાથે આવો કરુણ બનાવ બન્યો હતો. એ સમયે પાઉલ શાઉલ નામથી ઓળખાતા હતા અને ‘સ્તેફનને મારી નાખવામાં તેમની સંમતિ હતી.’ (પ્રે.કા. ૮:૧) શું કોરીંથમાં પાઉલ સાથે પણ એવું જ થશે? ના, કેમ કે ઈસુએ ખાતરી આપી હતી કે ‘કોઈ પણ માણસ તને ઈજા કરશે નહિ.’—પ્રે.કા. ૧૮:૧૦, ઓ.વી. બાઇબલ.

પાઉલ પર મૂકેલા આરોપને ગાલિયો રફેદફે કરી દે છે. એના લીધે પાઉલના વિરોધીઓ બહુ ગુસ્સામાં છે. રોમન સૈનિકો તેઓને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

“એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.”—પ્રેરિતોનાં કાર્યો ૧૮:૧૬

૧૪, ૧૫. (ક) યહૂદીઓએ પાઉલ પર કયો આરોપ મૂક્યો? ગાલિયોએ કેમ પાઉલના મામલાને રફેદફે કરી નાખ્યો? (ખ) સોસ્થનેસ સાથે શું થયું? કદાચ એનું શું પરિણામ આવ્યું?

૧૪ પાઉલ ન્યાયાસન આગળ પહોંચ્યા ત્યારે શું થયું? અખાયા પ્રાંતનો રાજ્યપાલ ગાલિયો પાઉલનો ન્યાય કરવાનો હતો. તે રોમન ફિલસૂફ સીનેકાનો મોટો ભાઈ હતો. યહૂદીઓએ ગાલિયો સામે પાઉલ પર આ આરોપ મૂક્યો: “આ માણસ લોકોને એ રીતે ઈશ્વરની ભક્તિ કરવાનું શીખવે છે, જે નિયમ વિરુદ્ધ છે.” (પ્રે.કા. ૧૮:૧૩) તેઓ કહેવા માંગતા હતા કે અમુક યહૂદીઓને ખ્રિસ્તી બનાવીને પાઉલે નિયમ તોડ્યો છે. પણ ગાલિયોએ જોયું કે પાઉલે કંઈ “ખોટું” કર્યું નથી અથવા કોઈ “ગંભીર ગુનો” કર્યો નથી. (પ્રે.કા. ૧૮:૧૪) તે યહૂદીઓના ઝઘડામાં પડવા માંગતો ન હતો. એટલે પાઉલ પોતાના બચાવમાં કંઈ બોલે એ પહેલાં તો ગાલિયોએ આખો મામલો રફેદફે કરી નાખ્યો. યહૂદીઓ ગુસ્સામાં બેકાબૂ બની ગયા. તેઓએ પોતાનો બધો ગુસ્સો સોસ્થનેસ નામના એક માણસ પર ઉતાર્યો. સોસ્થનેસને કદાચ ક્રિસ્પુસની જગ્યાએ સભાસ્થાનનો મુખ્ય અધિકારી બનાવવામાં આવ્યો હતો. યહૂદીઓએ સોસ્થનેસને પકડ્યો “અને ન્યાયાસન આગળ તેને મારવા લાગ્યા.”—પ્રે.કા. ૧૮:૧૭.

૧૫ એ જોઈને ગાલિયોએ કેમ ટોળાને રોક્યું નહિ? કદાચ ગાલિયોને લાગ્યું હશે કે સોસ્થનેસે જ ટોળાને ઉશ્કેર્યું હતું અને હવે તેને પોતાનાં કામોનું ફળ મળી રહ્યું છે. આપણે જાણતા નથી કે સોસ્થનેસે એવું કર્યું હતું કે નહિ. પણ એવું લાગે છે કે આ બનાવનું એક સારું પરિણામ આવ્યું. ઘણાં વર્ષો પછી પાઉલે કોરીંથ મંડળને લખેલા પહેલા પત્રમાં સોસ્થનેસ નામના એક ભાઈનો ઉલ્લેખ કર્યો. (૧ કોરીં. ૧:૧, ૨) શું આ એ જ સોસ્થનેસ છે જેને ટોળાએ માર્યો હતો? જો એમ હોય તો એ અનુભવ પછી કદાચ સોસ્થનેસ ખ્રિસ્તી બન્યો હતો.

૧૬. ઈસુએ પાઉલને કહેલા શબ્દોથી આપણને કઈ રીતે પ્રચાર કરતા રહેવા મદદ મળે છે?

૧૬ યહૂદીઓએ પાઉલનો સંદેશો સ્વીકાર્યો નહિ, એ પછી ઈસુએ તેમને ખાતરી આપી હતી કે ‘ડરતો નહિ, પણ બોલતો રહેજે. તું ચૂપ રહેતો નહિ. હું તારી સાથે છું.’ (પ્રે.કા. ૧૮:૯, ૧૦) આપણે પણ ઈસુના એ શબ્દો હંમેશાં યાદ રાખવા જોઈએ. ખાસ કરીને લોકો આપણું ન સાંભળે ત્યારે. આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે યહોવા લોકોનું દિલ વાંચી શકે છે અને નમ્ર લોકોને પોતાની પાસે દોરી શકે છે. (૧ શમુ. ૧૬:૭; યોહા. ૬:૪૪) એનાથી પ્રચાર કરતા રહેવાનો આપણો ઉત્સાહ વધી જાય છે, ખરું ને? દર વર્ષે લાખો લોકો બાપ્તિસ્મા લે છે, એટલે કે દરરોજ સેંકડો લોકો યહોવાના ભક્ત બને છે. ઈસુએ આજ્ઞા આપી હતી કે “બધા દેશના લોકોને શિષ્યો બનાવો.” જેઓ ઈસુની એ આજ્ઞા પાળે છે તેઓને ઈસુએ આ વચન આપ્યું છે: “દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”—માથ. ૨૮:૧૯, ૨૦.

“જો યહોવાની ઇચ્છા હશે” (પ્રે.કા. ૧૮:૧૮-૨૨)

૧૭, ૧૮. કિંખ્રિયા છોડતી વખતે પાઉલને કઈ વાતો યાદ આવી હશે?

૧૭ આપણે જોઈ ગયા કે ગાલિયોએ પાઉલના પક્ષમાં નિર્ણય લીધો હતો. શું એ પછી કોરીંથના આ નવા મંડળ માટે શાંતિનો સમયગાળો શરૂ થયો? આપણે એવું ખાતરીથી નથી કહી શકતા. પણ અહેવાલમાં જણાવ્યું છે કે પાઉલે કોરીંથના ભાઈઓથી વિદાય લીધી એ પહેલાં ‘થોડા દિવસ ત્યાં વધારે રોકાયા.’ પછી સાલ ૫૨ની વસંત ઋતુમાં તેમણે કિંખ્રિયાના બંદરથી સિરિયા જવાની યોજના બનાવી. એ બંદર કોરીંથથી પૂર્વ દિશામાં આશરે ૧૧ કિલોમીટર દૂર હતું. કિંખ્રિયા છોડતા પહેલાં પાઉલે ‘માનતા લીધી હોવાથી પોતાના વાળ ટૂંકા કરાવ્યા.’c (પ્રે.કા. ૧૮:૧૮) પછી પાઉલની સાથે આકુલા અને પ્રિસ્કિલા જોડાયાં. તેઓ એજિયન સમુદ્ર પાર કરીને એશિયા માઈનોરમાં આવેલા એફેસસ શહેર ગયાં.

૧૮ કિંખ્રિયા છોડતી વખતે પાઉલને કોરીંથમાં વિતાવેલો સમય યાદ આવ્યો હશે. તેમની પાસે ઘણી મીઠી યાદો હતી અને ખુશ થવાના ઘણાં કારણો હતાં. ત્યાં તેમણે ૧૮ મહિના પ્રચાર કર્યો હતો. એના તેમને ઘણાં સારાં પરિણામો મળ્યાં હતાં. કોરીંથમાં સૌથી પહેલું મંડળ શરૂ થયું હતું. ત્યાંનાં ભાઈ-બહેનો સભા માટે યુસ્તસના ઘરે ભેગાં મળતાં હતાં. એ મંડળમાં યુસ્તસ, ક્રિસ્પુસ અને તેના ઘરના સભ્યો તેમજ બીજા લોકો હતા. પાઉલને એ નવાં ભાઈ-બહેનો માટે ખૂબ લાગણી હતી. કેમ કે તેમણે તેઓને ખ્રિસ્તી બનવા મદદ કરી હતી. પછીથી તેમણે એક પત્રમાં જણાવ્યું કે તેઓ બધા તેમના દિલ પર લખાયેલા ભલામણપત્રો જેવા હતા. પાઉલની જેમ આપણને પણ એ લોકો માટે ખાસ લાગણી હોય છે, જેઓને આપણે યહોવા વિશે શીખવા મદદ કરીએ છીએ. એવા જીવતા-જાગતા ‘ભલામણપત્રોને’ જોઈને આપણને ઘણી ખુશી થાય છે.—૨ કોરીં. ૩:૧-૩.

૧૯, ૨૦. એફેસસ પહોંચીને પાઉલે શું કર્યું? જો આપણે ઈશ્વરની સેવામાં વધારે કરવા માંગતા હોઈએ, તો પાઉલની જેમ શું કરવું જોઈએ?

૧૯ પાઉલ એફેસસ પહોંચ્યા કે તરત તેમણે પ્રચારકામ શરૂ કરી દીધું. ‘તે સભાસ્થાનમાં ગયા અને યહૂદીઓ સાથે ચર્ચા કરવા લાગ્યા.’ (પ્રે.કા. ૧૮:૧૯) તે એફેસસમાં લાંબો સમય ના રોકાયા. જોકે ભાઈઓએ તેમને વધારે સમય રોકાવાની વિનંતી કરી, પણ ‘તે માન્યા નહિ.’ વિદાય લેતી વખતે તેમણે કહ્યું: “જો યહોવાની ઇચ્છા હશે, તો હું તમારી પાસે પાછો આવીશ.” (પ્રે.કા. ૧૮:૨૦, ૨૧) પાઉલ જાણતા હતા કે એફેસસમાં ઘણા લોકોને સંદેશો જણાવવાનો બાકી છે. એટલે તેમણે પાછા એ શહેર જવાની યોજના બનાવી. પણ તેમણે એ વાત યહોવાના હાથમાં છોડી દીધી. પાઉલે આપણા માટે એક સરસ દાખલો બેસાડ્યો છે. આપણે ઈશ્વરની સેવામાં વધારે કરવા અમુક પગલાં ભરવાની જરૂર છે. એ માટે પહેલ કરવાની જરૂર છે. જોકે એની સાથે સાથે આપણે યહોવાનું માર્ગદર્શન લેવું જોઈએ અને તેમની ઇચ્છા પ્રમાણે કામ કરવું જોઈએ.—યાકૂ. ૪:૧૫.

૨૦ આકુલા અને પ્રિસ્કિલાને એફેસસમાં છોડીને પાઉલ દરિયાઈ માર્ગે કાઈસારીઆ ગયા. પછી તે કાઈસારીઆથી યરૂશાલેમ ગયા અને ત્યાંના મંડળની મુલાકાત લીધી. (પ્રે.કા. ૧૮:૨૨) એ પછી પાઉલ સિરિયાના અંત્યોખ ગયા. જ્યારે તે મુસાફરીમાં ન હોય ત્યારે અંત્યોખમાં રહેતા. આમ, તેમણે પ્રચારકાર્યની બીજી મુસાફરી સરસ રીતે પૂરી કરી. તેમના પ્રચારકાર્યની ત્રીજી અને છેલ્લી મુસાફરી કેવી હશે? એ વિશે આપણે આગળ જોઈશું.

પાઉલની માનતા

પ્રેરિતોનાં કાર્યો ૧૮:૧૮માં જણાવ્યું છે કે પાઉલ કિંખ્રિયામાં હતા ત્યારે ‘તેમણે માનતા લીધી હોવાથી પોતાના વાળ ટૂંકા કરાવ્યા.’ તેમણે કેવી માનતા લીધી હતી?

મોટા ભાગે માનતા લેવાનો અર્થ થાય કે ઈશ્વરને રાજીખુશીથી વચન આપવું. એ વચન કોઈ કામ કરવા વિશે, બલિદાન ચઢાવવા વિશે કે પછી કોઈ ખાસ રીતે સેવા કરવા વિશે હોય શકે. અમુક લોકોનું માનવું છે કે પાઉલે નાઝીરીવ્રત પૂરું કર્યા પછી પોતાના વાળ કપાવ્યા હતા. પણ શાસ્ત્ર પ્રમાણે એક નાઝીરી પોતાની માનતા પૂરી કરી લે, પછી તેણે “મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ” પોતાનું માથું મૂંડાવવાનું હતું. આ કામ ફક્ત યરૂશાલેમમાં થઈ શકતું હતું. પણ પાઉલ તો કિંખ્રિયામાં હતા, એટલે કહી શકીએ કે તેમણે નાઝીરીવ્રત લીધું ન હતું.—ગણ. ૬:૫, ૧૮.

પાઉલે આ માનતા ક્યારે લીધી હતી, એ વિશે પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં કંઈ જણાવ્યું નથી. બની શકે કે તેમણે ખ્રિસ્તી બન્યા પહેલાં આ માનતા લીધી હોય. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં એ પણ નથી જણાવ્યું કે પાઉલે યહોવા પાસે કોઈ ખાસ માંગણી કરી હતી કે નહિ. પણ એક પુસ્તકમાં જણાવ્યું છે કે પોતાના વાળ કપાવીને પાઉલ કદાચ બતાવવા માંગતા હતા કે “તે ઈશ્વરનો ખૂબ આભાર માને છે. કેમ કે તેમના રક્ષણથી જ તે કોરીંથમાં પોતાનું સેવાકાર્ય પૂરું કરી શક્યા હતા.”

a “કોરીંથ—બે બંદરોવાળું શહેર” બૉક્સ જુઓ.

b “પાઉલના પત્રોથી ઉત્તેજન મળ્યું” બૉક્સ જુઓ.

c “પાઉલની માનતા” બૉક્સ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો