પ્રકરણ ૧૩
“તેઓની ઉગ્ર ચર્ચા થઈ”
નિયામક જૂથ આગળ સુન્નતનો મુદ્દો રજૂ કરવામાં આવે છે
પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧-૧૨ના આધારે
૧-૩. (ક) શાના લીધે ખ્રિસ્તી મંડળમાં ભાગલા પડવાનું જોખમ હતું? (ખ) પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં આપેલા આ અહેવાલથી શું શીખવા મળશે?
પાઉલ અને બાર્નાબાસ પ્રચારકાર્યની પહેલી મુસાફરી પૂરી કરીને સિરિયાના અંત્યોખ શહેર પાછા આવે છે. તેઓ ઘણા ખુશ છે, કેમ કે યહોવાએ ‘બીજી પ્રજાના લોકો માટે શ્રદ્ધાનો માર્ગ ખોલ્યો છે.’ (પ્રે.કા. ૧૪:૨૬, ૨૭) અંત્યોખમાં પણ જોરશોરથી ખુશખબર ફેલાવવામાં આવી રહી છે અને “ઘણી મોટી સંખ્યામાં” લોકો ખ્રિસ્તી બની રહ્યા છે.—પ્રે.કા. ૧૧:૨૦-૨૬.
૨ એ સમાચાર ઝડપથી યહૂદિયા પહોંચે છે. પણ એ સાંભળીને કંઈ બધા લોકો ખુશ થતા નથી. ફરી એક વાર સુન્નત વિશે સવાલ ઊભો થાય છે. અમુક લોકોને લાગે છે કે બીજી પ્રજાના લોકોએ સુન્નત કરાવવી જોઈએ, તો અમુકને એવું નથી લાગતું. બીજા પણ અમુક સવાલો ઊભા થાય છે. જેમ કે, યહૂદી ખ્રિસ્તીઓએ અને બીજી પ્રજાના ખ્રિસ્તીઓએ કઈ રીતે એકબીજા સાથે વર્તવું જોઈએ? શું બીજી પ્રજાના ખ્રિસ્તીઓએ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જોઈએ? એ બધા સવાલોને લીધે ભાઈઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. જો એને હલ કરવામાં ન આવે, તો મંડળમાં ભાગલા પડી શકે છે. ચાલો જોઈએ કે ભાઈઓએ શું કર્યું.
૩ પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં આપેલા આ અહેવાલ પર વિચાર કરવાથી ઘણું શીખવા મળશે. આપણે શીખીશું કે જો મંડળમાં એવા સંજોગો ઊભા થાય જેનાથી ભાઈ-બહેનો વચ્ચે ભાગલા પડી શકે, તો શું કરવું જોઈએ.
‘તમે સુન્નત ન કરાવો, ત્યાં સુધી’ (પ્રે.કા. ૧૫:૧)
૪. યહૂદિયાથી આવેલા અમુક માણસો શું શીખવતા હતા? એનાથી કયો સવાલ ઊભો થાય છે?
૪ લૂકે લખ્યું: “યહૂદિયાથી અમુક માણસો [અંત્યોખ] આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા કે, ‘જ્યાં સુધી તમે મૂસાના રિવાજ પ્રમાણે સુન્નત ન કરાવો, ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહિ થાય.’” (પ્રે.કા. ૧૫:૧) આપણે ખાતરીથી નથી કહી શકતા કે ‘યહૂદિયાથી આવેલા માણસો’ ખ્રિસ્તી બન્યા એ પહેલાં તેઓ ફરોશીઓ હતા કે નહિ. ફરોશીઓ મૂસાનું નિયમશાસ્ત્ર ચુસ્ત રીતે પાળતા હતા. એવું લાગે છે કે એ માણસો પર ફરોશીઓના વિચારોની ઊંડી છાપ હતી. વધુમાં, એ માણસો દાવો કરતા હતા કે તેઓ યરૂશાલેમના પ્રેરિતો અને વડીલો તરફથી શીખવી રહ્યા છે. (પ્રે.કા. ૧૫:૨૩, ૨૪) આશરે ૧૩ વર્ષ પહેલાં યહોવાએ પ્રેરિત પિતરને સાફ જણાવ્યું હતું કે તેમણે બીજી પ્રજાના લોકોનો સ્વીકાર કર્યો છે. તો પછી એ યહૂદી ખ્રિસ્તીઓએ કેમ સુન્નતનો નિયમ પકડી રાખ્યો હતો?a—પ્રે.કા. ૧૦:૨૪-૨૯, ૪૪-૪૮.
૫, ૬. (ક) અમુક યહૂદી ખ્રિસ્તીઓએ કેમ સુન્નતનો નિયમ પકડી રાખ્યો હતો? (ખ) શું સુન્નતનો કરાર ઇબ્રાહિમ સાથે કરેલા કરારનો ભાગ હતો? સમજાવો. (ફૂટનોટ જુઓ.)
૫ સુન્નતનો નિયમ પકડી રાખવાના અમુક યહૂદી ખ્રિસ્તીઓ પાસે ઘણાં કારણો હતાં. એક કારણ હતું કે યહોવાએ પોતે આજ્ઞા આપી હતી કે પુરુષોએ સુન્નત કરાવવી જોઈએ. સુન્નતથી સાબિત થતું હતું કે તેઓનો યહોવા સાથે ખાસ સંબંધ છે. સૌથી પહેલા ઇબ્રાહિમ અને તેમના કુટુંબે સુન્નત કરાવી હતી. એ આજ્ઞા મૂસાના નિયમશાસ્ત્ર પહેલાં આપવામાં આવી હતી, જેનો પછીથી નિયમશાસ્ત્રમાં સમાવેશ થયો હતો.b (લેવી. ૧૨:૨, ૩) અરે, પરદેશીઓએ પણ ખાસ લહાવા મેળવવા સુન્નત કરાવવી પડતી હતી. જેમ કે, સુન્નત થયેલા પરદેશીઓ જ પાસ્ખાનું ભોજન ખાવામાં ભાગ લઈ શકતા હતા. (નિર્ગ. ૧૨:૪૩, ૪૪, ૪૮, ૪૯) યહૂદીઓ માટે સુન્નત કરાવવી ખૂબ મહત્ત્વનું હતું. સુન્નત ન થયેલા પુરુષોને તેઓ અશુદ્ધ અને તુચ્છ ગણતા હતા.—યશા. ૫૨:૧.
૬ પણ નિયમ કરારના રદ થયા પછી નવો કરાર અમલમાં આવ્યો હતો. નિયમ કરાર પ્રમાણે એક યહૂદી જન્મથી જ ઈશ્વરની પ્રજાનો ભાગ ગણાતો હતો. પણ નવા કરાર પ્રમાણે એવું ન હતું. એટલે યહૂદી ખ્રિસ્તીઓને યહોવા જેવા વિચારો કેળવવા શ્રદ્ધા અને નમ્રતાની જરૂર હતી. તેઓમાંથી ઘણાં ભાઈ-બહેનો એવા વિસ્તારમાં રહેતાં હતાં, જ્યાં યહૂદીઓની વસ્તી વધારે હતી. એટલે ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારવા અને બીજી પ્રજાનાં ભાઈ-બહેનો સાથે મળીને ભક્તિ કરવા તેઓને ઘણી હિંમતની જરૂર હતી.—યર્મિ. ૩૧:૩૧-૩૩; લૂક ૨૨:૨૦.
૭. ‘યહૂદિયાથી આવેલા માણસો’ કઈ મહત્ત્વની વાત સમજ્યા ન હતા?
૭ શું એનો એવો અર્થ થાય કે યહોવાએ પોતાનાં ધોરણો બદલી નાખ્યાં છે? ના! કેમ કે નિયમશાસ્ત્રમાં જે સિદ્ધાંતો હતા, એ જ સિદ્ધાંતો નવા કરારમાં પણ છે. (માથ. ૨૨:૩૬-૪૦) દાખલા તરીકે, સુન્નત વિશે પાઉલે પછીથી લખ્યું: “જે અંદરથી યહૂદી છે, તે જ સાચો યહૂદી છે. તેની સુન્નત હૃદયની છે, જે લેખિત નિયમોથી નહિ પણ પવિત્ર શક્તિથી થઈ છે.” (રોમ. ૨:૨૯; પુન. ૧૦:૧૬) ‘યહૂદિયાથી આવેલા માણસો’ એ મહત્ત્વની વાત સમજ્યા ન હતા. તેઓને લાગતું હતું કે ઈશ્વરે ક્યારેય સુન્નતનો નિયમ રદ કર્યો ન હતો. તો પછી, એ મુદ્દા પર ચર્ચા થાય ત્યારે શું એ માણસો પોતાના વિચારો બદલશે?
“ઉગ્ર ચર્ચા થઈ અને ઘણો વાદવિવાદ થયો” (પ્રે.કા. ૧૫:૨)
૮. સુન્નતનો મુદ્દો કેમ નિયામક જૂથ આગળ રજૂ કરવામાં આવ્યો?
૮ લૂકે આગળ જણાવ્યું: “એ વિશે પાઉલ અને બાર્નાબાસ સાથે તેઓની [‘યહૂદિયાથી આવેલા માણસોની’] ઉગ્ર ચર્ચા થઈ અને ઘણો વાદવિવાદ થયો. એટલે એવી ગોઠવણ કરવામાં આવી કે પાઉલ, બાર્નાબાસ અને બીજા અમુક ભાઈઓ યરૂશાલેમ જઈને આ મુદ્દો પ્રેરિતો અને વડીલો આગળ રજૂ કરે.”c (પ્રે.કા. ૧૫:૨) કલમમાં જણાવ્યું છે: “તેઓની ઉગ્ર ચર્ચા થઈ અને ઘણો વાદવિવાદ થયો.” બંને પક્ષો ટસના મસ ન થયા. તેઓને પોતાની જ વાત સાચી લાગતી હતી. અંત્યોખના વડીલોથી એ મુદ્દો હલ ન થયો. એટલે મંડળની શાંતિ અને એકતા જાળવવા તેઓએ એ મુદ્દો પ્રેરિતો અને વડીલો આગળ રજૂ કરવાનો નિર્ણય લીધો. ‘યરૂશાલેમમાં એ પ્રેરિતો અને વડીલો’ નિયામક જૂથ તરીકે કામ કરતા હતા. આપણે અંત્યોખના એ વડીલો પાસેથી શું શીખી શકીએ?
અમુક લોકો કહેવા લાગ્યા: “[બીજી પ્રજાના લોકોને] મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની આજ્ઞા કરવી જોઈએ”
૯, ૧૦. પાઉલ, બાર્નાબાસ અને અંત્યોખના ભાઈઓ પાસેથી આપણે શું શીખી શકીએ?
૯ અંત્યોખના ભાઈઓ પાસેથી શીખવા મળે છે કે આપણે યહોવાના સંગઠન પર પૂરો ભરોસો રાખવો જોઈએ. આનો વિચાર કરો: એ ભાઈઓ જાણતા હતા કે નિયામક જૂથના બધા ભાઈઓ અગાઉ યહૂદી હતા. પણ તેઓને ભરોસો હતો કે એ ભાઈઓ સુન્નત વિશે શાસ્ત્ર આધારે યોગ્ય નિર્ણય લેશે. તેઓને કેમ એવી ખાતરી હતી? કેમ કે તેઓ જાણતા હતા કે યહોવા પોતાની પવિત્ર શક્તિ દ્વારા અને ખ્રિસ્તી મંડળના શિર ઈસુ ખ્રિસ્ત દ્વારા એ મુદ્દો હલ કરવા માર્ગદર્શન આપશે. (માથ. ૨૮:૧૮, ૨૦; એફે. ૧:૨૨, ૨૩) આજે પણ જો મંડળમાં કોઈ ગંભીર મુદ્દો ઊભો થાય, તો આપણે અંત્યોખના ભાઈઓ જેવું વલણ રાખીએ. યહોવાના સંગઠન પર અને અભિષિક્ત ભાઈઓથી બનેલા નિયામક જૂથ પર પૂરો ભરોસો રાખીએ.
૧૦ આ અહેવાલમાંથી આપણને નમ્ર રહેવા અને ધીરજ રાખવા વિશે પણ શીખવા મળે છે. બીજી પ્રજાના લોકોને ખુશખબર જણાવવા પાઉલ અને બાર્નાબાસને પવિત્ર શક્તિથી જ પસંદ કરવામાં આવ્યા હતા. તોપણ તેઓએ એવું ન વિચાર્યું કે સુન્નતનો મુદ્દો હલ કરવા તેઓ પાસે અધિકાર છે. (પ્રે.કા. ૧૩:૨, ૩) એટલું જ નહિ, પાઉલે પછીથી લખ્યું: “મને [યરૂશાલેમ] જવાનું જણાવવામાં આવ્યું હતું. એટલે હું ત્યાં ગયો.” એનાથી ખ્યાલ આવે છે કે ઈશ્વરે તેમને ત્યાં જવાનું કહ્યું હતું. (ગલા. ૨:૨) આજે પણ જો એવો કોઈ મુદ્દો ઊભો થાય જેનાથી મંડળની શાંતિ અને એકતા ખોરવાઈ શકે છે, તો વડીલો શું કરે છે? તેઓ નમ્રતા બતાવે છે અને ધીરજ રાખે છે. તેઓ પોતાનો કક્કો ખરો સાબિત કરવાની કોશિશ કરતા નથી. પણ યહોવાના વિચારો જાણવા બાઇબલમાંથી સંશોધન કરે છે અને વિશ્વાસુ ચાકરનું માર્ગદર્શન લે છે.—ફિલિ. ૨:૨, ૩.
૧૧, ૧૨. યહોવા યોગ્ય સમયે આપણી સમજણમાં વધારો કરશે એવો ભરોસો રાખવો કેમ જરૂરી છે?
૧૧ આપણે કદાચ અમુક બાબતો સમજવા થોડી રાહ જોવી પડે. આપણે યહોવા પર ભરોસો રાખીએ કે તે યોગ્ય સમયે આપણી સમજણમાં વધારો કરશે. યાદ કરો કે સાલ ૩૬માં કર્નેલિયસને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા. પણ આશરે સાલ ૪૯માં યહોવાએ સ્પષ્ટ કર્યું કે બીજી પ્રજાના લોકોએ સુન્નત કરાવવાની જરૂર નથી. આમ, ભાઈ-બહેનોએ લગભગ ૧૩ વર્ષ રાહ જોવી પડી. યહોવાએ કેમ આટલા લાંબા સમય સુધી એ મુદ્દો ચાલવા દીધો? સુન્નતનો કરાર ૧,૯૦૦ વર્ષ પહેલાં ઇબ્રાહિમ સાથે કરવામાં આવ્યો હતો અને યહૂદીઓમાં તેમનું ઘણું માન હતું. નમ્ર યહૂદી ખ્રિસ્તીઓ માટે એ સ્વીકારવું કદાચ અઘરું હશે કે સુન્નતનો કરાર રદ થયો છે. એટલે યહોવા તેઓને પૂરતો સમય આપવા માંગતા હતા, જેથી એ મોટો ફેરફાર સ્વીકારી શકે અને પોતાના વિચારો બદલી શકે.—યોહા. ૧૬:૧૨.
૧૨ આપણા પિતા યહોવા આપણને પ્રેમથી શીખવે છે, આપણી સાથે ધીરજથી વર્તે છે. તેમની પાસેથી શીખવું, તેમના હાથે ઘડાવું કેટલી ખુશીની વાત છે! એનાથી હંમેશાં આપણું ભલું થાય છે. (યશા. ૪૮:૧૭, ૧૮; ૬૪:૮) તો ચાલો ક્યારેય ઘમંડ ન કરીએ અને પોતાની વાત પકડી ન રાખીએ. સંગઠનમાં કોઈ કામ કરવાની રીતમાં ફેરફાર થાય અથવા અમુક કલમોની સમજણમાં ફેરફાર થાય ત્યારે, એમાં ભૂલો ન શોધીએ. (સભા. ૭:૮) જો લાગે કે આપણામાં ધીરે ધીરે એવું ખોટું વલણ આવી રહ્યું છે, તો પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૧૫ના બોધપાઠ પર ઊંડો વિચાર કરીએ અને યહોવાને પ્રાર્થના કરીએ.d
૧૩. શિષ્યો બનાવવાના કામમાં આપણે કઈ રીતે યહોવા જેવી ધીરજ બતાવી શકીએ?
૧૩ આપણે બાઇબલ વિદ્યાર્થી સાથે પણ ધીરજથી વર્તવું જોઈએ. બની શકે કે તેને અમુક માન્યતા અથવા રીતરિવાજ બહુ ગમતા હોય અને એ બધું છોડવું તેને અઘરું લાગતું હોય. એવા સમયે આપણે રાહ જોઈએ કે શું તે ઈશ્વરની પવિત્ર શક્તિની મદદથી પોતાનામાં ફેરફાર કરે છે કે નહિ. (૧ કોરીં. ૩:૬, ૭) વધુમાં, આપણે તેના માટે પ્રાર્થના કરીએ. વિદ્યાર્થીને મદદ કરવા શું કરવું જોઈએ એ વિશે યહોવા આપણને યોગ્ય સમયે જરૂર સમજણ આપશે.—૧ યોહા. ૫:૧૪.
તેઓએ સારા અનુભવો “વિગતવાર” જણાવ્યા (પ્રે.કા. ૧૫:૩-૫)
૧૪, ૧૫. (ક) અંત્યોખ મંડળના ભાઈઓએ કઈ રીતે બતાવ્યું કે તેઓ પાઉલ, બાર્નાબાસ અને બીજા ભાઈઓને દિલથી માન આપતા હતા? (ખ) પાઉલ અને તેમના સાથીઓએ કઈ રીતે ફિનીકિયા અને સમરૂનના ભાઈઓનો ઉત્સાહ વધાર્યો?
૧૪ લૂકે આગળ લખ્યું: “મંડળ તેઓને થોડે સુધી મૂકવા આવ્યું પછી, તેઓ ફિનીકિયા અને સમરૂન થઈને ગયા. તેઓએ એ વિસ્તારોના ભાઈઓને વિગતવાર જણાવ્યું કે કઈ રીતે બીજી પ્રજાના લોકો ઈશ્વરની ભક્તિ કરવા લાગ્યા છે. એ સાંભળીને બધા ભાઈઓ ઘણા ખુશ થઈ ગયા.” (પ્રે.કા. ૧૫:૩) અંત્યોખ મંડળના ભાઈઓ પાઉલ, બાર્નાબાસ અને બીજા ભાઈઓને થોડે દૂર સુધી મૂકવા ગયા. એનાથી દેખાઈ આવ્યું કે તેઓ એ ભાઈઓને ખૂબ પ્રેમ કરતા હતા, તેઓને માન આપતા હતા અને દિલથી સાથ-સહકાર આપવા માંગતા હતા. તેઓ એ પણ ચાહતા હતા કે ઈશ્વરનો આશીર્વાદ એ ભાઈઓ પર રહે. ફરી એક વાર અંત્યોખ મંડળે આપણા માટે જોરદાર દાખલો બેસાડ્યો. શું તમે પણ તમારાં ભાઈ-બહેનોને દિલથી માન આપો છો, “ખાસ કરીને [વડીલોને] જેઓ બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે”?—૧ તિમો. ૫:૧૭.
૧૫ યરૂશાલેમ જતા રસ્તે પાઉલ અને તેમના સાથીઓ ફિનીકિયા અને સમરૂન રોકાયા. તેઓએ ત્યાંના ભાઈઓનો ઉત્સાહ વધાર્યો. તેમ જ, એ ભાઈઓને “વિગતવાર જણાવ્યું” કે કઈ રીતે બીજી પ્રજાના ઘણા લોકો ખ્રિસ્તી બની રહ્યા છે. એ અહેવાલ સાંભળનાર ભાઈઓમાંથી અમુક ભાઈઓ કદાચ સ્તેફનના મરણ પછી યરૂશાલેમથી નાસીને ફિનીકિયા અને સમરૂન આવ્યા હતા. આજે પણ જ્યારે આપણે સાંભળીએ છીએ કે યહોવા કઈ રીતે પ્રચારકામ પર આશીર્વાદ આપી રહ્યા છે, ત્યારે ઘણી હિંમત મળે છે. ખાસ કરીને કસોટીનો સામનો કરતા ભાઈ-બહેનોને એવા અહેવાલોથી ઘણું ઉત્તેજન મળે છે. શું તમે પણ એવા અનુભવો સાંભળવા સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં હાજર રહો છો? અથવા આપણાં સાહિત્યમાં કે પછી jw.org વેબસાઇટ પર આવતાં અનુભવો અને જીવન સફર વાંચો છો?
૧૬. શાનાથી ખબર પડે છે કે સુન્નતનો મુદ્દો એક ગંભીર વિષય બની ગયો હતો?
૧૬ પાઉલ અને તેમના સાથીઓ અંત્યોખથી દક્ષિણમાં આશરે ૫૫૦ કિલોમીટરની મુસાફરી કરીને યરૂશાલેમ પહોંચ્યા. લૂકે લખ્યું: “તેઓ યરૂશાલેમ પહોંચ્યા ત્યારે મંડળે, પ્રેરિતોએ અને વડીલોએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. પાઉલે અને બાર્નાબાસે એ બધાં કામો વિશે જણાવ્યું, જે ઈશ્વરે તેઓ દ્વારા કર્યાં હતાં.” (પ્રે.કા. ૧૫:૪) “પણ અમુક શિષ્યો જેઓ અગાઉ ફરોશી પંથના હતા, તેઓ પોતાની જગ્યાથી ઊભા થયા અને કહેવા લાગ્યા: ‘તેઓની સુન્નત થવી જરૂરી છે અને તેઓને મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાની આજ્ઞા કરવી જોઈએ.’” (પ્રે.કા. ૧૫:૫) એનાથી ખબર પડે છે સુન્નતનો મુદ્દો એક ગંભીર વિષય બની ગયો હતો. એનો હલ લાવવો ખૂબ જ જરૂરી હતું.
“પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા” (પ્રે.કા. ૧૫:૬-૧૨)
૧૭. પહેલી સદીના નિયામક જૂથમાં કોણ કોણ હતું? એ જૂથમાં શા માટે પ્રેરિતોની સાથે “વડીલો” હતા?
૧૭ નીતિવચનો ૧૩:૧૦માં લખ્યું છે: “બીજાની સલાહ લેનાર પાસે બુદ્ધિ હોય છે.” એ સિદ્ધાંત પ્રમાણે “[સુન્નતના] મુદ્દાની ચર્ચા કરવા પ્રેરિતો અને વડીલો ભેગા મળ્યા.” (પ્રે.કા. ૧૫:૬) આજે નિયામક જૂથ કરે છે તેમ, એ સમયે “પ્રેરિતો અને વડીલો” બધાં મંડળો તરફથી નિર્ણય લેતા હતા. પણ એ જૂથમાં શા માટે પ્રેરિતોની સાથે “વડીલો” હતા? યાદ કરો કે એ સમય સુધીમાં પ્રેરિત યાકૂબને મારી નાખવામાં આવ્યા હતા અને થોડા સમય માટે પ્રેરિત પિતરને કેદ કરવામાં આવ્યા હતા. બની શકે કે બાકીના પ્રેરિતો સાથે પણ એવું કંઈક થાય. એટલે લાયકાત ધરાવતા બીજા અમુક અભિષિક્ત ભાઈઓને પણ પસંદ કરવામાં આવ્યા હતા, જેથી મંડળોની સારી દેખરેખ રાખી શકાય.
૧૮, ૧૯. પિતરે શું કહ્યું? પિતરની વાત સાંભળીને ભાઈઓએ શું સમજી જવું જોઈતું હતું?
૧૮ લૂકે આગળ લખ્યું: “ઘણી ચર્ચા થયા પછી પિતરે ઊભા થઈને કહ્યું: ‘ભાઈઓ, તમે સારી રીતે જાણો છો કે શરૂઆતના દિવસોમાં ઈશ્વરે તમારામાંથી મને પસંદ કર્યો, જેથી મારા દ્વારા બીજી પ્રજાના લોકો ખુશખબર સાંભળે અને શ્રદ્ધા બતાવે. હૃદય પારખનાર ઈશ્વરે આપણી જેમ એ લોકોને પણ પવિત્ર શક્તિ આપી છે. આમ તેમણે સાબિત કર્યું કે તેમણે તેઓને પસંદ કર્યા છે. તેમણે આપણી અને તેઓની વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી. પણ તેઓની શ્રદ્ધાને લીધે ઈશ્વરે તેઓનાં હૃદયો શુદ્ધ કર્યાં છે.’” (પ્રે.કા. ૧૫:૭-૯) એક પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, કલમ ૭માં જે ગ્રીક શબ્દનું ભાષાંતર “ઘણી ચર્ચા” કરવામાં આવ્યું છે, એનો આવો અર્થ પણ થાય છે: “જાણવાની કોશિશ કરવી; સવાલ-જવાબ કરવા.” ખરું કે સુન્નતના મુદ્દા વિશે ભાઈઓના અલગ અલગ વિચારો હતો, પણ તેઓ પોતાના વિચારો દિલ ખોલીને જણાવવા તૈયાર હતા.
૧૯ સાલ ૩૬માં કર્નેલિયસને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા ત્યારે પિતર ત્યાં હાજર હતા. એટલે પિતરની વાત સાંભળીને ભાઈઓએ આ વાત સમજી જવી જોઈતી હતી: જો યહોવાએ યહૂદીઓને અને બીજી પ્રજાના લોકોને એકસમાન ગણ્યા હોય, તો માણસો પાસે તેઓ વચ્ચે ફરક કરવાનો કોઈ અધિકાર નથી. તેમ જ, એક વ્યક્તિ મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાને લીધે નહિ, પણ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવાને લીધે નેક ઠરે છે.—ગલા. ૨:૧૬.
૨૦. સુન્નતને ટેકો આપનારા લોકો કઈ રીતે “ઈશ્વરની કસોટી” કરતા હતા?
૨૦ ઈશ્વરે જે કહ્યું હતું અને તેમની પવિત્ર શક્તિથી જે કામો થયાં હતાં, એના આધારે પિતરે કહ્યું: “તો તમે કેમ ઈશ્વરની કસોટી કરવા શિષ્યો પર ભારે બોજો મૂકો છો? એ બોજો આપણા બાપદાદાઓ ઊંચકી શક્યા ન હતા અને આપણે પણ ઊંચકી શકતા નથી. આપણને ભરોસો છે કે માલિક ઈસુની અપાર કૃપા દ્વારા આપણી જેમ તેઓને પણ બચાવવામાં આવ્યા છે.” (પ્રે.કા. ૧૫:૧૦, ૧૧) સુન્નતને ટેકો આપનારા લોકો “ઈશ્વરની કસોટી” કરી રહ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ‘ઈશ્વરની ધીરજની કસોટી’ કરી રહ્યા હતા. કઈ રીતે? તેઓ બીજી પ્રજાના લોકો પર એવા નિયમો થોપી બેસાડવા માંગતા હતા, જે તેઓ પોતે પૂરી રીતે પાળી શકતા ન હતા. એટલે જ તેઓ મોતને લાયક ઠર્યા હતા. (ગલા. ૩:૧૦) અરે, એ યહૂદીઓએ તો ઈશ્વરનો આભાર માનવો જોઈતો હતો કે તેમણે ઈસુ દ્વારા અપાર કૃપા બતાવી હતી.
૨૧. બાર્નાબાસ અને પાઉલે શું જણાવ્યું, જેનાથી ભાઈઓને યોગ્ય નિર્ણય લેવા મદદ મળી?
૨૧ પિતરના શબ્દોની લોકો પર ઊંડી અસર થઈ હશે, કેમ કે કલમમાં લખ્યું છે: “એ સાંભળીને આખું ટોળું શાંત થઈ ગયું.” પછી બાર્નાબાસ અને પાઉલે જણાવ્યું કે “તેઓ દ્વારા બીજી પ્રજાના લોકોમાં ઈશ્વરે કેવાં ચમત્કારો અને અદ્ભુત કામો કર્યાં હતાં.” (પ્રે.કા. ૧૫:૧૨) હવે એ બધા પુરાવાને આધારે પ્રેરિતો અને વડીલો સુન્નત વિશે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે યોગ્ય નિર્ણય લઈ શકતા હતા.
૨૨-૨૪. (ક) પહેલી સદીના નિયામક જૂથની જેમ આજે નિયામક જૂથ શું કરે છે? (ખ) બધા વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ ઈશ્વરના સંગઠનના માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે?
૨૨ આજે પણ નિયામક જૂથના ભાઈઓ ભેગા મળે છે ત્યારે, ઈશ્વરના શબ્દ બાઇબલ પર આધાર રાખે છે અને પવિત્ર શક્તિ માટે યહોવાને આજીજી કરે છે. (ગીત. ૧૧૯:૧૦૫; માથ. ૭:૭-૧૧) ભાઈઓ ભેગા મળે એ પહેલાં તેઓને જણાવવામાં આવે છે કે કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, જેથી તેઓ પ્રાર્થના કરીને એ મુદ્દા પર વિચાર કરી શકે. (નીતિ. ૧૫:૨૮) પછી ભાઈઓ ભેગા મળે ત્યારે સાફ સાફ પોતાના વિચારો જણાવે છે, પણ તેઓ પૂરા આદર સાથે જણાવે છે. તેઓ ચર્ચા વખતે વારંવાર બાઇબલ વાપરે છે.
૨૩ મંડળના વડીલો પણ નિયામક જૂથના પગલે ચાલે છે. જોકે ઘણી ચર્ચા પછી પણ કોઈ ગંભીર બાબતનો હલ ન આવે તો વડીલો શું કરી શકે? તેઓ શાખા કચેરી પાસેથી અથવા એના કોઈ પ્રતિનિધિ, જેમ કે સરકીટ નિરીક્ષક પાસેથી માર્ગદર્શન લઈ શકે. જરૂર પડ્યે શાખા કચેરી નિયામક જૂથ પાસેથી વધારે માર્ગદર્શન મેળવી શકે.
૨૪ જે લોકો નમ્રતા, વફાદારી અને ધીરજ બતાવે છે તેમજ સંગઠનના માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે, તેઓથી યહોવા ખૂબ ખુશ થાય છે. યહોવા તેઓને આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી મંડળમાં શાંતિ અને એકતા જોવા મળે છે. ભાઈ-બહેનોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. એ વિશે આપણે આવતા પ્રકરણમાં વધારે જોઈશું.
a “ઢોંગી ભાઈઓનું શિક્ષણ” બૉક્સ જુઓ.
b સુન્નતનો કરાર ઇબ્રાહિમ સાથે કરેલા કરારનો ભાગ ન હતો. ઇબ્રાહિમનો કરાર આજે પણ લાગુ પડે છે. ઈ.સ. પૂર્વે ૧૯૪૩માં ઇબ્રાહિમે કનાન દેશ જવા યુફ્રેટિસ નદી પાર કરી ત્યારે એ કરાર અમલમાં આવ્યો હતો. એ વખતે તેમનું નામ ઇબ્રામ હતું અને તે ૭૫ વર્ષના હતા. પણ સુન્નતનો કરાર ઈ.સ. પૂર્વે ૧૯૧૯માં કરવામાં આવ્યો હતો. એ સમયે ઇબ્રાહિમ ૯૯ વર્ષના હતા.—ઉત. ૧૨:૧-૮; ૧૭:૧, ૯-૧૪; ગલા. ૩:૧૭.