ભાગ ૨૬
મનુષ્યને ઈશ્વરના આશીર્વાદો મળે છે!
મસીહના રાજ્ય દ્વારા યહોવા પોતાનું નામ પવિત્ર મનાવે છે. એ સાબિત કરે છે કે તેમના રાજમાં જ સર્વનું ભલું છે. બધા જ દુષ્ટોનો વિનાશ થાય છે
યોહાને બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ લખ્યું હતું. એમાં તે પોતાને મળેલાં અનેક દર્શનો વિષે જણાવે છે. એ દર્શનોમાં જોવા મળે છે કે યહોવાનો મકસદ કઈ રીતે પૂરો થશે. એનાથી મનુષ્યને સુંદર ભાવિની આશા મળે છે.
પહેલા દર્શનમાં, સ્વર્ગમાં સજીવન થયેલા ઈસુ અમુક મંડળોના વખાણ કરે છે. અમુકને સલાહ આપે છે. બીજા દર્શનમાં સ્વર્ગદૂતો ઈશ્વરના સિંહાસન આગળ આવીને તેમની સ્તુતિ કરે છે.
પછી યહોવાનો મકસદ પૂરો થાય છે તેમ, આમ બને છે: હલવાન એટલે ઈસુને સાત મુદ્રાવાળો વીંટો આપવામાં આવે છે. પહેલી ચાર મુદ્રા ખુલે છે ત્યારે ચાર ઘોડેસવારો દેખાય છે. પહેલો ઘોડો સફેદ છે. એના પર રાજા ઈસુ બેઠા છે. પછીના ત્રણ ઘોડાઓ જુદા જુદા રંગના છે. એના ઘોડેસવારો યુદ્ધ, દુકાળ અને બીમારીને રજૂ કરે છે. આ બધું દુષ્ટ જગતના વિનાશ પહેલાં ચારે બાજુ જોવા મળે છે. સાતમી મુદ્રા ખુલે છે ત્યારે, સાત સ્વર્ગદૂતો રણશિંગડાં વગાડે છે. એ બતાવે છે કે યહોવાએ દુષ્ટોનો ન્યાય કરીને ચુકાદો આપી દીધો છે. એમાંથી સાત આફતો શરૂ થાય છે. એ યહોવાનો ક્રોધ બતાવે છે.
બીજા એક દર્શનમાં નવું જન્મેલું બાળક દેખાય છે. એ છોકરો સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યની શરૂઆતને રજૂ કરે છે. પછી સ્વર્ગમાં લડાઈ થાય છે. શેતાન અને તેના દૂતોને પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે. પછી એક વાણી સંભળાય છે: ‘પૃથ્વીના લોકોને અફસોસ.’ એનું કારણ શું? શેતાન હવે ખૂબ જ ગુસ્સે થયો છે. તે જાણે છે કે તેની ઘડીઓ ગણાઈ રહી છે.—પ્રકટીકરણ ૧૨:૧૨.
યોહાન બીજા એક દર્શનમાં સ્વર્ગમાં હલવાન જુએ છે. આ હલવાન ઈસુ છે. તેમની સાથે પૃથ્વી પરથી પસંદ કરેલા ૧,૪૪,૦૦૦ લોકો છે. તેઓ ઈસુ સાથે ‘સ્વર્ગમાંથી રાજ કરે છે.’ પ્રકટીકરણ જણાવે છે કે યહોવાએ વચન આપેલું સંતાન ઈસુ છે. પછી એ સંતાનમાં ૧,૪૪,૦૦૦ લોકો પણ જોડાય છે.—પ્રકટીકરણ ૧૪:૧; ૨૦:૬.
પૃથ્વીના સર્વ રાજાઓ કે સરકારો આર્માગેદન માટે ભેગા થાય છે. ‘સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને’ આર્માગેદન કહેવાય છે. એ રાજાઓ અને સરકારો કોની સામે લડે છે? સફેદ ઘોડા પર સવાર ઈસુ સામે. પણ ઈસુ અને તેમનું લશ્કર એ રાજાઓ અને સરકારોને હરાવીને નામનિશાન મિટાવી દે છે. શેતાનને કેદ કરવામાં આવે છે. પછી ઈસુ અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીદારો પૃથ્વી પર હજાર વર્ષ રાજ કરે છે. એ હજાર વર્ષને અંતે શેતાનનો નાશ થાય છે.—પ્રકટીકરણ ૧૬:૧૪; ૨૦:૪.
ઈસુના હજાર વર્ષના રાજમાં ઈશ્વરભક્તોને કેવા આશીર્વાદો મળશે? યોહાન લખે છે: ‘યહોવા આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. કોઈનું મરણ નહિ થાય. શોક અને દુઃખ હશે જ નહિ. પહેલાંની દુનિયા હવે રહી નથી.’ (પ્રકટીકરણ ૨૧:૪) ત્યારે ધરતી સુંદરતાથી ખીલી ઊઠશે. સુખનો સૂરજ ઊગશે.
આ રાજ્ય દ્વારા યહોવાનું નામ પવિત્ર મનાય છે. હંમેશ માટે એ સાબિત થાય છે કે યહોવાના રાજમાં જ સર્વનું ભલું છે. તેમના વગર કોઈ સુખી થઈ જ ન શકે. આમ, પ્રકટીકરણના પુસ્તકમાં ઈશ્વરનો સંદેશો પૂરો થાય છે.
—આ માહિતી પ્રકટીકરણમાંથી છે.