પાઠ ૧૮
અમારાં ભાઈ-બહેનોને મુશ્કેલ સંજોગોમાં કઈ રીતે મદદ કરીએ છીએ?
ડોમિનિકન રિપબ્લિક
જાપાન
હૈતી
જ્યારે આફત આવી પડે ત્યારે, એનાથી અસર પામેલાં ભાઈ-બહેનોને મદદ કરવા યહોવાના સાક્ષીઓ તરત જ ગોઠવણ કરે છે. એનાથી દેખાઈ આવે છે કે અમે એકબીજાને ખરેખર પ્રેમ કરીએ છીએ. (યોહાન ૧૩:૩૪, ૩૫; ૧ યોહાન ૩:૧૭, ૧૮) અમે કેવી રીતે મદદ કરીએ છીએ?
અમે દાન મોકલીએ છીએ. પહેલી સદીમાં યહૂદિયામાં મોટો દુકાળ પડ્યો હતો. એ સમયે ત્યાંના ખ્રિસ્તીઓને મદદ કરવા અંત્યોખના ભાઈ-બહેનોએ પૈસા મોકલ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૭-૩૦) એ જ રીતે, કોઈ પણ જગ્યાએ અમારાં ભાઈ-બહેનો પર તકલીફ આવી છે એવી જાણ થાય ત્યારે, અમે અમારા મંડળ દ્વારા દાન મોકલીએ છીએ, જેથી તેઓને જરૂરી ચીજ-વસ્તુઓ મળી શકે.—૨ કોરીંથી ૮:૧૩-૧૫.
અમે જરૂરી મદદ કરીએ છીએ. આફત આવી હોય ત્યાંના વડીલો તપાસ કરે છે કે મંડળના બધા ભાઈ-બહેનો સલામત છે કે નહિ. રાહત સમિતિ જરૂર પડે ત્યારે ખોરાક, પીવાનું ચોખ્ખું પાણી, કપડાં, તંબૂ અને દવા-સારવાર આપવાની ગોઠવણો કરે છે. જરૂરી આવડત ધરાવતા ઘણા યહોવાના સાક્ષીઓ પોતાને ખર્ચે રાહતકાર્યમાં ભાગ લેવા જાય છે. તેઓ તૂટેલાં ઘરો કે પ્રાર્થનાઘરો સમારવા પણ મદદ કરે છે. અમારા સંગઠનમાં સંપ અને સાથે મળીને કામ કરવાનો અનુભવ છે. એટલે જરૂર પડે ત્યારે સાધન-સામગ્રી સાથે ભાઈ-બહેનો તરત જ હાજર થઈ જાય છે. ખરું કે, અમે અમારાં ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ, પણ શક્ય હોય ત્યારે બીજા ધર્મોના લોકોને પણ મદદ કરીએ છીએ.—ગલાતી ૬:૧૦.
દુઃખ સહેવા અમે દિલાસો અને બાઇબલમાંથી મદદ આપીએ છીએ. આફતનો ભોગ બનેલાઓને દિલાસાની ખાસ જરૂર હોય છે. ત્યારે તેઓને હિંમત આપવા અમે ‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવા તરફ મીટ માંડીએ છીએ. (૨ કોરીંથી ૧:૩, ૪) દુઃખી લોકોને બાઇબલમાંથી આશા આપતાં ઈશ્વરનાં વચનો અમે રાજી-ખુશીથી બતાવીએ છીએ. અમે જણાવીએ છીએ કે દુઃખ અને પીડા આપતી બધી આપત્તિઓને ઈશ્વરનું રાજ્ય જલદી જ કાઢી નાંખશે.—પ્રકટીકરણ ૨૧:૪.
- આફતના સમયે યહોવાના સાક્ષીઓ શાના લીધે તરત જ પગલાં લઈ શકે છે? 
- ભોગ બનેલાઓને અમે કેવો દિલાસો આપીએ છીએ?