પાઠ ૬
ગુજરી ગયેલાઓ માટે આપણને કઈ આશા છે?
૧. ગુજરી ગયેલાઓ વિષે કઈ ખુશખબર છે?
ઈસુ ધરતી પર હતા ત્યારે એક કરુણ બનાવ બન્યો હતો. તેમનો મિત્ર લાજરસ ગુજરી ગયો. તે યરૂશાલેમ શહેર નજીક આવેલા બેથાનીઆ ગામમાં રહેતો હતો. ઈસુ ત્યાં પહોંચ્યા ત્યારે, લાજરસને ગુજરી ગયાને ચાર દિવસ થઈ ગયા હતા. તેની બહેનો મારથા અને મરિયમ સાથે, ઈસુ તેની કબર પાસે ગયા. લોકોનું ટોળું પણ ત્યાં ભેગું થયું. પછી ઈસુએ લાજરસને જીવતો કર્યો! જરા કલ્પના કરો કે એ જોઈને મારથા અને મરિયમને કેટલી ખુશી થઈ હશે!—યોહાન ૧૧:૨૦-૨૪, ૩૮-૪૪ વાંચો.
ગુજરી ગયેલા લોકો વિષેની ખુશખબર મારથા પહેલેથી જાણતી હતી. તેને ખબર હતી કે ભાવિમાં ગુજરી ગયેલા લોકોને યહોવા ધરતી પર જીવતા કરશે.—અયૂબ ૧૪:૧૪, ૧૫ વાંચો.
૨. ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે?
ઈશ્વરે આદમને કહ્યું કે “તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”—ઉત્પત્તિ ૩:૧૯.
આપણે બધા માટીના બનેલા છીએ. (ઉત્પત્તિ ૨:૭; ૩:૧૯) આપણે મરણ પામીએ ત્યારે કંઈ જ બચતું નથી. આપણું મગજ પણ નાશ પામે છે. એટલે, એમાંના બધા વિચારો નાશ પામે છે. આપણામાં આત્મા જેવું પણ કંઈ જ નથી. લાજરસનો વિચાર કરો. તેણે મરણ પછી કંઈ અનુભવ્યું ન હતું, નહિ તો જીવતા થયા પછી જરૂર એના વિષે જણાવ્યું હોત. આ બતાવે છે કે મરણ પછી વ્યક્તિને કોઈ સૂઝ-બૂઝ રહેતી નથી.—સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦ વાંચો.
ગુજરી ગયેલી વ્યક્તિને શું ઈશ્વર આગમાં રિબાવે છે? બાઇબલ શીખવે છે કે મરણ પછી વ્યક્તિને કંઈ ભાન રહેતું નથી. એટલે નરકમાં પીડા ભોગવવાની માન્યતા સાવ ખોટી છે. આવી માન્યતા ઈશ્વરને બદનામ કરે છે. હકીકતમાં, નરકમાં લોકોને રિબાવવાની માન્યતાને યહોવા બહુ ધિક્કારે છે.—યિર્મેયા ૭:૩૧ વાંચો.
૩. શું ગુજરી ગયેલાઓ આપણી સાથે વાત કરી શકે છે?
મરણ પામેલી વ્યક્તિ વાત કરી શકતી નથી. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૭) પરંતુ, દુષ્ટ દૂતો એવી ચાલાકીથી વાત કરે છે કે જાણે ગુજરી ગયેલી વ્યક્તિ જ બોલતી હોય. (યહુદા ૬) ગુજરી ગયેલાઓ સાથે વાત કરવાના પ્રયાસને યહોવા સાફ મના કરે છે.—પુનર્નિયમ ૧૮:૧૦, ૧૧ વાંચો.
૪. કોને જીવતા કરવામાં આવશે?
ગુજરી ગયેલા લાખો લોકોને જીવતા કરવામાં આવશે. જેઓને યહોવા વિષે ખબર ન હતી અને જેઓ ખરાબ કામો કરતા હતા, એવા અમુક લોકોને પણ જીવતા કરવામાં આવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫ વાંચો.
જીવતા થયેલા બધા લોકોને ઈશ્વર વિષેનું સત્ય જાણવાની તક મળશે. ઈસુમાં વિશ્વાસ મૂકવાની અને તેમની આજ્ઞાઓ પાળવાની પણ તક મળશે. (પ્રકટીકરણ ૨૦:૧૧-૧૩) જીવતા થયેલા લોકો જો સારાં કામ કરશે, તો હંમેશ માટે ધરતી પર જીવવાનો આનંદ માણશે.—યોહાન ૫:૨૮, ૨૯ વાંચો.
૫. જીવતા કરવાની ગોઠવણ, યહોવા વિષે શું જણાવે છે?
યહોવાએ મનુષ્યો માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે. એના લીધે ગુજરી ગયેલા લોકોને જીવતા કરવાનું શક્ય બન્યું છે. જીવતા કરવાની ગોઠવણમાં યહોવાની અપાર કૃપા દેખાઈ આવે છે. જ્યારે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે, ત્યારે તમે ખાસ કોને મળવા ચાહશો?—યોહાન ૩:૧૬; રોમનો ૬:૨૩ વાંચો.