પાઠ ૧૦
સાચો ધર્મ કેવી રીતે પારખી શકો?
૧. શું એક જ સાચો ધર્મ છે?
‘જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો.’—માથ્થી ૭:૧૫.
ઈસુએ ખરા ઈશ્વરની ભક્તિ કરવાનું શીખવ્યું હતું, એ જ ખરો ધર્મ છે. એ જાણે હંમેશ માટેના જીવન તરફ લઈ જતો માર્ગ છે. ઈસુએ કહ્યું હતું કે એ માર્ગ “થોડા” લોકોને જ મળે છે. (માથ્થી ૭:૧૪) ઈશ્વર ફક્ત એવા લોકોની ભક્તિ સ્વીકારે છે, જેઓ બાઇબલના ખરા શિક્ષણ પ્રમાણે કરે છે. એકલા ખરા ઈશ્વરની ભક્તિને લીધે સાચા ભક્તો એકતામાં રહે છે.—ગીતશાસ્ત્ર ૨૫:૫; યોહાન ૧૪:૬; એફેસી ૪:૫ વાંચો.
૨. ઈસુએ કોના વિષે ચેતવણી આપી હતી?
‘તેઓ ઈશ્વરને ઓળખવાનો ઢોંગ કરે છે, પણ પોતાનાં કાર્યોથી ઈશ્વરનો નકાર કરે છે.’—તીતસ ૧:૧૬.
ઈસુએ શિષ્યોને ચેતવણી આપી હતી કે અમુક લોકો ઈશ્વર વિષે જૂઠું શિક્ષણ ફેલાવશે. ઉપર ઉપરથી એવું દેખાશે કે તેઓ ખ્રિસ્તીઓ છે. તમે કેવી રીતે સાચા ખ્રિસ્તીઓને પારખી શકો? તેઓના ગુણો અને કાર્યોથી તમે પારખી શકશો કે તેઓ ખરેખર કોણ છે. ઈશ્વર સ્વીકારે છે એવી ભક્તિ કરવાથી જ સાચા ખ્રિસ્તીઓ બનાય છે.—માથ્થી ૭:૧૩-૨૩ વાંચો.
૩. તમે કઈ રીતે સાચી ભક્તિ કરતા લોકોને પારખી શકો?
સાચા ખ્રિસ્તીઓની ઓળખ આપતા પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપો:
સાચા ભક્તો માને છે કે બાઇબલ ઈશ્વરનો સંદેશો છે. તેઓ બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવા બનતા બધા પ્રયાસો કરે છે. તેઓ માણસોના નહિ, પણ ઈશ્વરના વિચારો શીખવે છે. (માથ્થી ૧૫:૭-૯) સાચા ભક્તો ઢોંગ કરતા નથી. તેઓ જે શીખવે છે એ અમલમાં મૂકે છે.—યોહાન ૧૭:૧૭; ૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો.
ઈસુના શિષ્યોને ઈશ્વરના નામ ‘યહોવા’ માટે ખૂબ માન છે. ઈશ્વરના નામ માટે માન હોવાથી ઈસુએ લોકોને એના વિષે શીખવ્યું. તેમણે ઈશ્વરને ઓળખવા લોકોને મદદ કરી. ઈશ્વરનું નામ પવિત્ર મનાય, એવી પ્રાર્થના કરતા તેમણે શીખવ્યું. (માથ્થી ૬:૯) તમારા વિસ્તારમાં કયો ધર્મ ખરા ઈશ્વરનું નામ જાહેર કરે છે?—યોહાન ૧૭:૨૬; યોએલ ૨:૩૨ વાંચો.
સાચા ખ્રિસ્તીઓ ઈશ્વરના રાજ્ય વિષે શીખવે છે. ઈશ્વરે પોતાના રાજ વિષે પ્રચાર કરવા ઈસુને ધરતી પર મોકલ્યા હતા. મનુષ્યની સર્વ તકલીફોનો ઇલાજ ફક્ત ઈશ્વરનું રાજ્ય છે. ઈસુએ જીવનની છેલ્લી ઘડી સુધી એ રાજ્ય વિષે શીખવ્યું. (લુક ૪:૪૩; ૮:૧; ૨૩:૪૨, ૪૩) ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યો પણ એ રાજ્ય વિષે સંદેશો ફેલાવશે. જો કોઈ તમારી સાથે ઈશ્વરના રાજ્ય વિષે વાત કરે, તો તેઓ કયા ધર્મના લોકો છે?—માથ્થી ૨૪:૧૪ વાંચો.
ઈસુના શિષ્યો આ દુષ્ટ દુનિયાનો કોઈ ભાગ નથી. તમે તેઓને ઓળખી શકશો, કેમ કે તેઓ રાજકારણમાં ભાગ લેતા નથી. તેઓ સમાજના ઝઘડા, વિરોધ કે હડતાલ જેવી બાબતોમાં પણ ભાગ લેતા નથી. (યોહાન ૧૭:૧૬; ૧૮:૩૬) તેમ જ, તેઓ ખોટાં કામો કરતા નથી અને દુનિયાના રંગે રંગાતા નથી.—યાકૂબ ૪:૪ વાંચો.
સાચા ખ્રિસ્તીઓ એકબીજાને જીવની જેમ ચાહે છે. તેઓ બાઇબલમાંથી શીખ્યા છે કે સર્વ જાતિના લોકો સાથે માનથી વર્તવું જોઈએ. બીજા ધર્મના લોકોએ ઘણી વાર યુદ્ધોમાં સાથ-સહકાર આપ્યો છે. પરંતુ ખરા ઈશ્વરભક્તો કદી એવું નથી કરતા. (મીખાહ ૪:૧-૪) એના બદલે, સાચા ખ્રિસ્તીઓ નિઃસ્વાર્થ ભાવે બીજાઓને મદદ કરવા, પોતાના સમય-સંપત્તિ વાપરે છે.—યોહાન ૧૩:૩૪, ૩૫; ૧ યોહાન ૪:૨૦ વાંચો.
૪. શું તમે સાચો ધર્મ પારખી શકો છો?
કયો ધર્મ ફક્ત બાઇબલમાંથી શીખવે છે? કયા ધર્મના લોકો ઈશ્વરના નામને માન આપે છે? કયો ધર્મ પ્રચાર કરે છે કે ફક્ત ઈશ્વરનું રાજ્ય મનુષ્યની સર્વ તકલીફોનો ઇલાજ છે? કયા ધર્મના લોકો એકબીજાને જીવની જેમ ચાહે છે અને યુદ્ધમાં કોઈ ભાગ લેતા નથી? તમે શું કહેશો?—૧ યોહાન ૩:૧૦-૧૨ વાંચો.