વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પ્રકરણ ૧ પાન ૬-૧૧
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાના સંગઠનનો સ્વર્ગમાંનો ભાગ
  • યહોવાનું સંગઠન આગળ વધી રહ્યું છે
  • જે મહત્ત્વનું છે એ તમે પારખી લો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • “ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • યહોવાના સંગઠન સાથે શું તમે આગળ વધી રહ્યા છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • યહોવા પોતાના સંગઠનને ચલાવી રહ્યા છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પ્રકરણ ૧ પાન ૬-૧૧

પ્રકરણ ૧

યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન

આજે દુનિયામાં ઘણાં સંગઠનો છે. એ સંગઠનો ધર્મ, રાજકારણ, વેપાર અને સમાજ સેવાને લગતાં કામ કરે છે. એ દરેક સંગઠનની ખાસિયતો, ધોરણો, વિચારો અને ધ્યેયો અલગ અલગ છે. પણ એ બધામાં એક સંગઠન એકદમ જુદું તરી આવે છે. ઈશ્વરના શબ્દ, બાઇબલથી સાફ જાણવા મળે છે કે એ સંગઠન યહોવાના સાક્ષીઓનું છે.

૨ કેટલી ખુશીની વાત છે કે તમે યહોવાના સંગઠન સાથે સંગત રાખો છો. તમે પોતે ખાતરી કરી કે ઈશ્વરની ઇચ્છા શું છે અને હવે એ પ્રમાણે જીવો છો. (ગીત. ૧૪૩:૧૦; રોમ. ૧૨:૨) આખી દુનિયામાં ફેલાયેલા આ સંગઠનના પ્રેમાળ લોકો સાથે ભેગા મળીને તમે જોરશોરથી યહોવાની ભક્તિ કરો છો. (૨ કોરીં. ૬:૪; ૧ પિત. ૨:૧૭; ૫:૯) એટલે બાઇબલમાં આપેલા વચન પ્રમાણે તમને પુષ્કળ આશીર્વાદો મળ્યા છે, ખુશી મળી છે. (નીતિ. ૧૦:૨૨; માર્ક ૧૦:૩૦) યહોવાની ઇચ્છા પૂરી કરીને તમે ભાવિમાં મળનાર એ જીવન માટે પોતાને તૈયાર કરો છો, જે હંમેશાં ટકશે.—૧ તિમો. ૬:૧૮, ૧૯; ૧ યોહા. ૨:૧૭.

૩ આપણા મહાન સર્જનહારનું આ અજોડ સંગઠન દુનિયાભરમાં ફેલાયેલું છે. એની દેખરેખ યહોવા પોતે રાખે છે. હા, તે પોતે એ સંગઠન ચલાવે છે. તે બધાના આગેવાન છે. આપણને તેમના પર પૂરો ભરોસો છે. તે આપણા ન્યાયાધીશ અને રાજા છે. તે આપણને નિયમો આપે છે. (યશા. ૩૩:૨૨) યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે. તેમની ઇચ્છા પૂરી થાય એ માટે તેમણે અમુક એવી ગોઠવણો કરી છે, જેના લીધે આપણે “ઈશ્વરની સાથે કામ” કરી શકીએ છીએ.—૨ કોરીં. ૬:૧, ૨.

૪ જેમ જેમ આ દુનિયાનો અંત નજીક આવતો જાય છે, તેમ તેમ આપણે ઈસુના માર્ગદર્શન પ્રમાણે ચાલવા બનતું બધું કરીએ છીએ. કારણ કે યહોવાએ રાજા અને આગેવાન તરીકે ખ્રિસ્ત ઈસુને પસંદ કર્યા છે. (યશા. ૫૫:૪; પ્રકટી. ૬:૨; ૧૧:૧૫) ઈસુએ પોતે કહ્યું હતું કે તેમના શિષ્યો તેમનાથી પણ મોટાં મોટાં કામો કરશે. (યોહા. ૧૪:૧૨) એવું કઈ રીતે શક્ય બનવાનું હતું? ઈસુના શિષ્યોની સંખ્યા વધવાની હતી અને તેઓ લાંબા સમય સુધી પ્રચાર કરવાના હતા. એટલે તેઓ દૂર દૂરના વિસ્તારો સુધી પ્રચાર કરી શકવાના હતા અને પૃથ્વીના છેડા સુધી રાજ્યની ખુશખબર ફેલાવી શકવાના હતા.—માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; પ્રે.કા. ૧:૮.

૫ ઈસુની એ ભવિષ્યવાણી સાચી પડી. જોકે ઈસુએ જણાવ્યું હતું કે ખુશખબર ફેલાવવાનું કામ યહોવાએ નક્કી કરેલા સમયે બંધ થઈ જશે. બાઇબલની બધી ભવિષ્યવાણીઓથી ખબર પડે છે કે યહોવાનો મહાન અને ભયંકર દિવસ એકદમ નજીક છે.—યોએ. ૨:૩૧; સફા. ૧:૧૪-૧૮; ૨:૨, ૩; ૧ પિત. ૪:૭.

યહોવા ચાહે છે એ રીતે ભક્તિ કરવા આપણે વધારે મહેનત કરીએ. એ માટે આપણે શીખવું જોઈએ કે ઈશ્વરનું સંગઠન કઈ રીતે કામ કરે છે

૬ આ છેલ્લા દિવસોમાં યહોવાની ઇચ્છા શું છે, એ આપણે જાણીએ છીએ. એટલે તે ચાહે છે એ રીતે ભક્તિ કરવા આપણે વધારે મહેનત કરીએ. એ માટે શું કરી શકીએ? ઈશ્વરનું સંગઠન કઈ રીતે કામ કરે છે એ વિશે શીખીએ. પછી એને પૂરો સાથ-સહકાર આપીએ. આ સંગઠન બાઇબલના સિદ્ધાંતો, નિયમો, આદેશો, ધોરણો, આજ્ઞાઓ અને શિક્ષણને આધારે કામ કરે છે.—ગીત. ૧૯:૭-૯.

૭ યહોવાના લોકો બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. એટલે તેઓ હળી-મળીને કામ કરે છે અને તેઓ વચ્ચે શાંતિ છે. (ગીત. ૧૩૩:૧; યશા. ૬૦:૧૭; રોમ. ૧૪:૧૯) દુનિયાભરનાં આપણાં ભાઈ-બહેનો વચ્ચેનું આ બંધન કેમ આટલું મજબૂત છે? પ્રેમને લીધે. પ્રેમ આપણી ઓળખ છે અને એ આપણાં કામોથી દેખાઈ આવે છે. (યોહા. ૧૩:૩૪, ૩૫; કોલો. ૩:૧૪) યહોવાના આશીર્વાદથી આપણી વચ્ચે એકતા છે. એ એકતાને કારણે આપણે યહોવાના સંગઠનના સ્વર્ગમાંના ભાગ સાથે ચાલી શકીએ છીએ.

યહોવાના સંગઠનનો સ્વર્ગમાંનો ભાગ

૮ પ્રબોધક યશાયા, હઝકિયેલ અને દાનિયેલે યહોવાના સંગઠનના સ્વર્ગમાંના ભાગ વિશે દર્શનો જોયાં હતાં. (યશા., અધ્યાય ૬; હઝકિ., અધ્યાય ૧; દાનિ. ૭:૯, ૧૦) પ્રેરિત યોહાને પણ સ્વર્ગમાં કેવી ગોઠવણો છે, એ વિશે દર્શન જોયું હતું. એ દર્શનની ઝલક આપણને પ્રકટીકરણના પુસ્તકમાં મળે છે. તેમણે યહોવાને ભવ્ય રાજ્યાસન પર બેઠેલા જોયા. યહોવાની આસપાસ દૂતો હતા. તેઓ પોકારતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા, જે હતા, જે છે અને જે આવનાર છે.” (પ્રકટી. ૪:૮) યોહાને ‘રાજ્યાસનની વચ્ચે એક ઘેટું’ પણ ઊભેલું જોયું. એ ઈશ્વરનું ઘેટું, એટલે કે ઈસુ ખ્રિસ્ત છે.—પ્રકટી. ૫:૬, ૧૩, ૧૪; યોહા. ૧:૨૯.

૯ દર્શનમાં યહોવા રાજ્યાસન પર બેઠા હતા, જે બતાવે છે કે સંગઠન તે પોતે ચલાવે છે. તેમના વિશે અને તેમના સર્વોચ્ચ અધિકાર વિશે ૧ કાળવૃત્તાંત ૨૯:૧૧, ૧૨માં લખ્યું છે: “હે યહોવા, તમે જ મહાન, ભવ્ય, શક્તિશાળી અને ગૌરવવાન છો. તમે જ માન-મહિમાને યોગ્ય છો. આકાશ અને પૃથ્વીમાં જે કંઈ છે એ તમારું જ છે. હે યહોવા, રાજ્ય તમારું છે. બધા પર તમારો જ અધિકાર છે. ધનદોલત અને ગૌરવ તમારી પાસેથી મળે છે. બધા પર તમારું રાજ છે. તમારા હાથમાં સત્તા અને તાકાત છે. તમારો હાથ લોકોને મોટા અને બળવાન બનાવે છે.”

૧૦ ઈસુ ખ્રિસ્ત યહોવા સાથે કામ કરતા હોવાથી સ્વર્ગમાં તેમની પાસે ઊંચી પદવી છે. તેમને ઘણી સત્તા સોંપવામાં આવી છે. અરે, “ઈશ્વરે બધું જ તેમના પગ નીચે લાવીને આધીન કર્યું અને મંડળની સર્વ બાબતો પર તેમને આગેવાન બનાવ્યા.” (એફે. ૧:૨૨) પ્રેરિત પાઉલે ઈસુ વિશે કહ્યું: “ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું. ઈશ્વરે એવું કર્યું, જેથી સ્વર્ગના, પૃથ્વી પરના અને જમીન નીચેના બધા જ ઈસુના નામને મહિમા આપે. બધા લોકો જાહેરમાં કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત આપણા માલિક છે, જેથી ઈશ્વર આપણા પિતાને મહિમા મળે.” (ફિલિ. ૨:૯-૧૧) એટલે આપણે આગેવાન ઈસુ પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ, જે કોઈની સાથે અન્યાય કરતા નથી.

૧૧ દાનિયેલ પ્રબોધકે દર્શનમાં જોયું કે વયોવૃદ્ધ યહોવા સ્વર્ગમાં પોતાના રાજ્યાસન પર બિરાજેલા હતા. ‘હજારો ને હજારો દૂતો તેમની સેવા કરતા હતા અને લાખો ને લાખો તેમની આગળ ઊભા હતા.’ (દાનિ. ૭:૧૦) દૂતોના આ સૈન્ય વિશે બાઇબલ જણાવે છે કે એ ‘પવિત્ર સેવા કરનારા દૂતો છે. તેઓને એ લોકોની સેવા માટે મોકલ્યા છે, જેઓને તારણનો વારસો મળવાનો છે.’ (હિબ્રૂ. ૧:૧૪) આ બધા દૂતોને યહોવાના સંગઠનમાં અલગ અલગ અધિકાર આપવામાં આવ્યો છે.—કોલો. ૧:૧૬.

૧૨ યહોવાના સંગઠનનો જે ભાગ સ્વર્ગમાં છે, એના પર આપણે મનન કરીએ. એમ કરીશું તો સમજી શકીશું કે દર્શન જોઈને યશાયા કેમ દંગ રહી ગયા હતા. તેમણે દર્શનમાં “યહોવાને ભવ્ય અને ઊંચા રાજ્યાસન પર બિરાજેલા જોયા.” “તેમની આગળ સરાફો ઊભા હતા.” યશાયાએ લખ્યું: “મને અફસોસ! હું ચોક્કસ માર્યો જઈશ, કેમ કે મારા મોંમાંથી અશુદ્ધ વાતો નીકળે છે. હું જે લોકો વચ્ચે રહું છું, તેઓનાં મોંમાંથી પણ અશુદ્ધ વાતો નીકળે છે. મેં રાજાને, સૈન્યોના ઈશ્વર યહોવાને નજરોનજર જોયા છે!” યશાયા એ સમજી શક્યા કે યહોવાનું સંગઠન કેટલું ભવ્ય છે. એ જોઈને તેમને ખૂબ નવાઈ લાગી અને તેમને થયું કે એ સંગઠન સામે પોતે કંઈ જ નથી. એ દર્શનની તેમના પર જોરદાર અસર થઈ. એટલે જ્યારે સ્વર્ગમાંથી પોકાર થયો કે યહોવાનો ન્યાયચુકાદો જાહેર કરવા કોણ જશે, ત્યારે યશાયાએ કહ્યું: “હું જઈશ! મને મોકલો!”—યશા. ૬:૧-૫, ૮.

૧૩ આજે પણ યહોવાના ભક્તો તેમના સંગઠન વિશે શીખે છે અને એની કદર કરે છે. તેઓ પર એવી જ અસર થાય છે, જેવી યશાયા પર થઈ હતી. સંગઠન આગળ વધે છે તેમ, આપણે પણ એની સાથે સાથે ચાલવા પ્રયત્ન કરીએ છીએ. આપણે યહોવાના સંગઠનમાં પૂરો ભરોસો બતાવવા બનતું બધું કરીએ છીએ.

યહોવાનું સંગઠન આગળ વધી રહ્યું છે

૧૪ હઝકિયેલના પુસ્તકના પહેલા અધ્યાયમાં બતાવ્યું છે કે યહોવા સ્વર્ગમાં એક ભવ્ય રથ પર બિરાજેલા છે. આ જોરદાર રથ યહોવાના સંગઠનના એ ભાગને રજૂ કરે છે, જેને માણસો જોઈ શકતા નથી. એ રથને યહોવા ચલાવે છે. એનો મતલબ કે તે સંગઠનને પ્રેમથી માર્ગદર્શન આપે છે અને પોતાની ઇચ્છા પૂરી કરવા એ રથનો ઉપયોગ કરે છે.—ગીત. ૧૦૩:૨૦.

૧૫ એ રથના એક પૈડામાં બીજું પૈડું છે અને બંને પૈડાંનો આકાર એકસરખો છે. બંને પૈડાં એક ધરી પર કાટખૂણે લગાવેલાં છે. એટલે એ ‘કોઈ પણ દિશામાં જઈ શકે છે.’ (હઝકિ. ૧:૧૭) આંખના પલકારામાં એ દિશા બદલી શકે છે. પણ એવું નથી કે આ રથ પર કોઈનો કાબૂ નથી અથવા એને કોઈ ચલાવનાર નથી. યહોવા પોતાના રથને, એટલે કે સંગઠનને ગમે તે દિશામાં જવા દેતા નથી. હઝકિયેલ ૧:૨૦માં લખ્યું છે: “ઈશ્વરની શક્તિ દૂતોને જ્યાં દોરતી ત્યાં તેઓ જતા.” એનાથી ખબર પડે છે કે યહોવા પવિત્ર શક્તિ દ્વારા સંગઠનને પોતે ચાહે એ દિશામાં લઈ જાય છે. આપણે પોતાને આ સવાલ પૂછીએ: ‘શું હું સંગઠનની સાથે સાથે ચાલું છું?’

૧૬ યહોવાના સંગઠનની સાથે ચાલવાનો શું અર્થ થાય? સભાઓમાં જવું અને ખુશખબર ફેલાવવામાં ભાગ લેવો જ પૂરતું નથી. પણ આપણે ભક્તિમાં પ્રગતિ કરતા રહીએ અને યહોવા સાથે સંબંધ મજબૂત કરતા રહીએ, ‘જે વધારે મહત્ત્વનું છે એ પારખી લઈએ.’ તેમ જ, ઈશ્વર તરફથી મળતા શિક્ષણની નવામાં નવી માહિતીથી જાણકાર રહીએ. (ફિલિ. ૧:૧૦; ૪:૮, ૯; યોહા. ૧૭:૩) આપણે હંમેશાં યાદ રાખીએ કે જો બધા વચ્ચે તાલમેલ હશે અને સાથ-સહકારથી કામ કરતા હશે, તો જ સંગઠન સારી રીતે ચાલશે. પણ એ માટે આપણે શું કરી શકીએ? યહોવાએ આપણને જે સમય-શક્તિ, આવડત અને માલ-મિલકત આપ્યાં છે, એનો પૂરેપૂરો ઉપયોગ તેમની સેવામાં કરીએ. યહોવાના રથ જોડે ચાલવાની સાથે સાથે આપણે એ વાતનું પણ ધ્યાન રાખીએ છીએ કે જે સંદેશો જણાવીએ, એ પ્રમાણે જીવતા પણ હોઈએ.

૧૭ યહોવાના સંગઠનની મદદથી આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરવા આગળ વધી રહ્યા છીએ. આપણે એ વાત હંમેશાં યાદ રાખીએ કે એ રથને યહોવા ચલાવે છે. એટલે એ રથ સાથે ચાલીને બતાવીએ છીએ કે આપણે યહોવાને માન આપીએ છીએ. તેમ જ આપણા ખડક યહોવા પર પૂરો ભરોસો રાખીએ છીએ. (ગીત. ૧૮:૩૧) બાઇબલમાં વચન આપ્યું છે: “યહોવા પોતાના લોકોને બળ આપશે. યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.” (ગીત. ૨૯:૧૧) યહોવા પોતાના સંગઠનને બળ અને શાંતિ આપે છે. આપણે એ સંગઠનનો ભાગ છીએ એટલે આપણને પણ એ આશીર્વાદો મળે છે. એમાં કોઈ શંકા નથી કે આપણે હમણાં અને હંમેશાં યહોવાની ઇચ્છા પ્રમાણે કરતા રહીશું તો પુષ્કળ આશીર્વાદો મળતા રહેશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો