વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પ્રકરણ ૧૦ પાન ૧૦૫-૧૧૬
  • વધારે સેવા કરવાની રીતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વધારે સેવા કરવાની રીતો
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મથાળાં
  • સરખી માહિતી
  • મંડળમાં પ્રકાશક તરીકે સેવા આપવી
  • વધારે જરૂર હોય ત્યાં સેવા આપવી
  • બીજી ભાષામાં ખુશખબર જણાવવી
  • પાયોનિયર સેવા
  • ફિલ્ડ મિશનરીઓ
  • સરકીટ કામ
  • બાઇબલ શાળાઓ
  • બેથેલ સેવા
  • બાંધકામ સેવા
  • ઈશ્વરની ભક્તિમાં તમે કેવા ધ્યેયો રાખ્યા છે?
  • પૂરા સમયના સેવકોની કદર કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ટોળાની દેખરેખ રાખતા વડીલો
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પ્રકરણ ૧૦ પાન ૧૦૫-૧૧૬

પ્રકરણ ૧૦

વધારે સેવા કરવાની રીતો

ઈસુએ પોતાના શિષ્યોને પ્રચાર કરવા મોકલ્યા ત્યારે કહ્યું: “ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે.” ઘણું કામ કરવાનું હતું એટલે ઈસુએ આમ પણ કહ્યું: “ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.” (માથ. ૯:૩૭, ૩૮) કઈ રીતે પ્રચાર કરવો એ વિશે પણ ઈસુએ શિષ્યોને શીખવ્યું. તેમના આ શબ્દોથી ખબર પડે છે કે એ કામ માટે બહુ ઓછો સમય બાકી છે: “તમે ઇઝરાયેલનાં બધાં શહેરો અને ગામડાઓમાં ખુશખબર ફેલાવવાનું પૂરું કરો એ પહેલાં માણસનો દીકરો આવી પહોંચશે.”—માથ. ૧૦:૨૩.

૨ આજે પણ ઘણું કામ છે, ઘણા લોકોને ખુશખબર જણાવવાની છે. અંત આવે એ પહેલાં, ખુશખબરનો પ્રચાર થાય એ ખૂબ જરૂરી છે. પણ સમય તો પાણીની જેમ વહેતો જાય છે. (માર્ક ૧૩:૧૦) આ દુનિયા જાણે ખેતર છે અને એમાં આપણે પ્રચાર કરવાનો છે. આપણા સંજોગો પણ ઈસુ અને તેમના શિષ્યો જેવા જ છે. પણ ફરક બસ એટલો જ છે કે આપણે મોટા પાયે કામ કરવાનું છે. દુનિયાના કરોડો ને કરોડો લોકોની સરખામણીમાં આપણી શું ગણતરી? પણ આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે એ કામમાં યહોવા ચોક્કસ મદદ કરશે. ઈશ્વરના રાજ્યની ખુશખબર આખી ધરતી પર જરૂર ફેલાશે અને યહોવાએ નક્કી કરેલા સમયે અંત ચોક્કસ આવશે. પણ સોંપેલું કામ સારી રીતે પૂરું કરી શકીએ એ માટે શું આપણે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા મૂકીશું? આપણે ઈશ્વરની વધારે સેવા કરવા કેવા ધ્યેય રાખી શકીએ?

૩ યહોવા પોતાના વિશ્વાસુ ભક્તો પાસેથી શું ચાહે છે એ વિશે ઈસુએ કહ્યું: “તું પૂરા દિલથી અને પૂરા જીવથી અને પૂરા મનથી અને પૂરા બળથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.” (માર્ક ૧૨:૩૦) આપણી પાસે આશા રાખવામાં આવે છે કે આપણે ઈશ્વરની ભક્તિ પૂરા તન-મનથી કરીએ. એનો અર્થ કે યહોવાની ભક્તિમાં દિલ રેડી દઈએ. એનાથી દેખાઈ આવશે કે આપણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ છીએ અને આખું જીવન યહોવાને સમર્પિત કર્યું છે. (૨ તિમો. ૨:૧૫) દરેક વ્યક્તિ પોતાનાં સંજોગો અને આવડતો પ્રમાણે યહોવાની સેવામાં વધારે કરી શકે, એ માટે ઘણી તક રહેલી છે. આગળ જણાવ્યું છે કે વધારે સેવા કરવા કઈ કઈ તક રહેલી છે. એના પર વિચાર કરો અને પછી નક્કી કરો કે તમે કયા ધ્યેયો રાખશો.

મંડળમાં પ્રકાશક તરીકે સેવા આપવી

૪ જેઓ સત્યના માર્ગે ચાલે છે તેઓ દરેકને ખુશખબર ફેલાવવાનો અનમોલ લહાવો મળ્યો છે. આ મહત્ત્વનું કામ ઈસુએ પોતાના શિષ્યોને સોંપ્યું હતું. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) મોટા ભાગના લોકો જેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બન્યા છે, તેઓએ ખુશખબર સાંભળી અને તરત બીજાઓને જણાવવાનું શરૂ કરી દીધું. આંદ્રિયા, ફિલિપ, કર્નેલિયસ અને બીજાઓએ પણ એવું જ કર્યું હતું. (યોહા. ૧:૪૦, ૪૧, ૪૩-૪૫; પ્રે.કા. ૧૦:૧, ૨, ૨૪; ૧૬:૧૪, ૧૫, ૨૫-૩૪) શું કોઈ વ્યક્તિ બાપ્તિસ્મા લે એ પહેલાં ખુશખબર જણાવી શકે? હા, ચોક્કસ! એક વ્યક્તિ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા લાયક ઠરે પછી તરત તે ઘર ઘરનો પ્રચાર કરી શકે છે. તે પોતાનાં સંજોગો અને આવડત પ્રમાણે, અલગ અલગ રીતે પણ ખુશખબર જણાવી શકે છે.

૫ બાપ્તિસ્મા પછી એક પ્રકાશક ઇચ્છા રાખશે કે તે બીજાઓને બાઇબલમાંથી શીખવવા બનતું બધું જ કરે. ભાઈઓ અને બહેનો બંનેને ખુશખબર જાહેર કરવાનો એકસરખો લહાવો મળ્યો છે. આપણે ઈશ્વરના રાજ્યને લગતું કોઈ પણ નાનું-મોટું કામ કરી શકીએ છીએ, એ એક મોટો આશીર્વાદ છે. જે વ્યક્તિ અલગ અલગ રીતોથી વધારે સેવા કરે છે, તેને ઘણી ખુશી મળશે.

વધારે જરૂર હોય ત્યાં સેવા આપવી

૬ બની શકે કે તમારા મંડળના વિસ્તારમાં વારંવાર પ્રચાર થયો હોય અને મોટા ભાગના લોકોને સંદેશો જણાવવામાં આવ્યો હોય. એટલે કદાચ તમને એવા વિસ્તારમાં જઈને સેવા આપવાની ઇચ્છા થાય, જ્યાં વધારે જરૂર છે. (પ્રે.કા. ૧૬:૯) જો તમે વડીલ અથવા સહાયક સેવક હો, તો કોઈ બીજા મંડળને મદદ કરી શકો. એ મંડળનાં ભાઈ-બહેનો તમારી કદર કરશે. તમારા સરકીટ નિરીક્ષક તમને જણાવી શકે કે સરકીટમાં કયા મંડળને તમે મદદ કરી શકો. જો તમે પોતાના દેશના કોઈ બીજા વિસ્તારમાં જઈને સેવા આપવા માંગતા હો, તો શાખા કચેરી તમને જરૂરી માહિતી આપી શકે.

૭ શું તમે બીજા કોઈ દેશમાં જઈને સેવા આપવા ચાહો છો? જો એમ હોય તો તમારે બહુ સમજી-વિચારીને નિર્ણય લેવો પડશે. પહેલા એ વિશે તમારા મંડળના વડીલો સાથે વાત કરો. કેમ કે તમે જે નિર્ણય લેશો એનાથી તમારા પર અને તમારી સાથે આવનાર પર ઘણી અસર પડશે. (લૂક ૧૪:૨૮) જો તમે લાંબા સમય સુધી ત્યાં રહેવાનું વિચારતા ન હો, તો સારું રહેશે કે તમે પોતાના જ દેશમાં બીજા કોઈ વિસ્તારમાં જઈને સેવા આપો.

૮ અમુક દેશોમાં મંડળની દેખરેખ રાખનારા ભાઈઓ થોડા જ સમયથી સત્યમાં છે અને તેઓ પાસે વધારે અનુભવ નથી. એ નમ્ર ભાઈઓ ખુશીથી એવા અનુભવી વડીલોને આગેવાની લેવા દે છે, જેઓ બીજી જગ્યાએથી મંડળમાં સેવા આપવા આવ્યા હોય. જો તમે વડીલ હો અને એવા કોઈ દેશમાં જવાનું વિચારતા હો, તો તમારો ઇરાદો એવો ન હોવો જોઈએ કે એ ભાઈઓને બદલે તમે જવાબદારી નિભાવશો. પણ તમારો ઇરાદો તેઓની સાથે સેવા કરવાનો હોવો જોઈએ. તેઓને મંડળની જવાબદારીઓ ઉપાડવાનું અને સ્વીકારવાનું ઉત્તેજન આપો. (૧ તિમો. ૩:૧) તમે જે દેશમાં હતા ત્યાં જે રીતે બધું થતું હતું, એ રીતે અહીંના મંડળમાં થતું ન હોય તો ધીરજ રાખો. એક વડીલ તરીકે તમારી પાસે ઘણો અનુભવ હશે એટલે એ મંડળના ભાઈઓને શીખવો. એમ કરશો તો તેઓ જવાબદારી સારી રીતે નિભાવવા તૈયાર થશે. પછી જો તમારે પોતાના દેશમાં પાછા જવું પડે, તોપણ આ વડીલો મંડળની જવાબદારીઓ સંભાળી શકશે.

૯ તમે જે જગ્યાએ જવા માંગો છો ત્યાંની શાખા કચેરી તમને એ મંડળોનાં નામ આપશે, જ્યાં મદદની જરૂર છે. પણ એ પહેલાં તમારી મંડળ સેવા સમિતિ એ શાખા કચેરીને ભલામણપત્ર મોકલશે. ભલે તમે વડીલ, સહાયક સેવક, પાયોનિયર કે પ્રકાશક હો, આ પત્રની જરૂર પડશે. સેવા સમિતિ એ ભલામણપત્ર અને તમે જે દેશમાં જવા માંગો છો એને લગતા તમારા સવાલો, ત્યાંની શાખા કચેરીને મોકલી આપશે.

બીજી ભાષામાં ખુશખબર જણાવવી

૧૦ વધારે સેવા કરવા કદાચ તમે બીજી કોઈ ભાષા શીખી શકો. તમે સાઇન લેંગ્વેજ પણ શીખી શકો. જો તમે બીજી ભાષા શીખીને એમાં ખુશખબર જણાવવાનો ધ્યેય રાખ્યો હોય, તો વડીલો અને સરકીટ નિરીક્ષક સાથે વાત કરો. તેઓ જરૂરી સૂચનો અને ઉત્તેજન આપશે. શાખા કચેરીના માર્ગદર્શન પ્રમાણે અમુક સરકીટમાં બીજી ભાષા શીખવાના ક્લાસ રાખવામાં આવ્યા છે, જેથી પ્રકાશકો અને પાયોનિયરોને એ ભાષામાં ખુશખબર જણાવવાની તાલીમ મળે.

પાયોનિયર સેવા

૧૧ બધા જ પ્રકાશકો જાણતા હોવા જોઈએ કે સહાયક, નિયમિત અને ખાસ પાયોનિયર બનવા તેમજ પૂરા સમયની બીજી સેવાઓ આપવા કેવી લાયકાતો જરૂરી છે. એક વ્યક્તિએ પાયોનિયર બનવા બાપ્તિસ્મા લીધું હોવું જોઈએ અને તેની શાખ સારી હોવી જોઈએ. તેના સંજોગો એવા હોવા જોઈએ કે તે ચોક્કસ કલાકો પ્રચાર કરી શકે. સહાયક અને નિયમિત પાયોનિયર સેવા માટેની અરજીઓ મંડળ સેવા સમિતિ મંજૂર કરે છે. પણ ખાસ પાયોનિયરોને શાખા કચેરી પસંદ કરે છે.

૧૨ સહાયક પાયોનિયરોની પસંદગી ઓછામાં ઓછા એક મહિના માટે, અમુક મહિનાઓ માટે કે લાંબા સમય માટે થાય છે. એનો આધાર પ્રકાશકના સંજોગો પર રહેલો છે. ઘણાં ભાઈ-બહેનો અમુક ખાસ પ્રસંગોએ સહાયક પાયોનિયરીંગ કરે છે. જેમ કે, સ્મરણપ્રસંગના સમયગાળામાં અથવા સરકીટ નિરીક્ષકની મુલાકાતના મહિનામાં. અમુક ભાઈ-બહેનો રજાઓ હોય એ મહિનાઓમાં સહાયક પાયોનિયરીંગ કરે છે. બાપ્તિસ્મા પામેલાં બાળકો સ્કૂલમાં વેકેશન હોય એ મહિનાઓમાં સહાયક પાયોનિયરીંગ કરી શકે. દર માર્ચ અને એપ્રિલમાં તેમજ સરકીટ નિરીક્ષકની મુલાકાત દરમિયાન સહાયક પાયોનિયર સેવા માટેના કલાકો ઘટાડવામાં આવે છે. એટલે પ્રકાશકો એ મહિનાઓમાં પણ સહાયક પાયોનિયરીંગ કરી શકે છે. ભલે તમારા સંજોગો ગમે એવા હોય, જો તમારાં વાણી-વર્તન સારાં હશે, તમને કોઈ ખરાબ આદત નહિ હોય, તમે અમુક ચોક્કસ કલાકો પૂરા કરી શકતા હશો અને તમને લાગતું હોય કે તમે એક કે વધારે મહિના સહાયક પાયોનિયરીંગ કરી શકશો, તો વડીલો તમારી અરજી પર વિચાર કરશે અને તમને મંજૂરી આપશે.

૧૩ નિયમિત પાયોનિયર બનવા જરૂરી છે કે તમે આખા વર્ષ માટે નક્કી કરેલા કલાકો પૂરા કરી શકતા હોવા જોઈએ. નિયમિત પાયોનિયર તરીકે તમારે મંડળની બધી ગોઠવણોને પૂરો સાથ-સહકાર આપવો જોઈએ અને બધા સાથે હળી-મળીને પ્રચાર કરવો જોઈએ. ઉત્સાહી પાયોનિયરો મંડળ માટે મોટો આશીર્વાદ છે. તેઓ પ્રચાર માટે ભાઈ-બહેનોનો જોશ વધારે છે અને બીજાં ભાઈ-બહેનોને પણ પાયોનિયર બનવા ઉત્તેજન આપે છે. જોકે તમને બાપ્તિસ્મા લીધાને ઓછામાં ઓછા છ મહિના થયા હોય અને તમે સારો દાખલો બેસાડનાર પ્રકાશક હો, તો તમે નિયમિત પાયોનિયર માટેની અરજી કરી શકો છો.

૧૪ ખાસ પાયોનિયરોની પસંદગી મોટા ભાગે એવા નિયમિત પાયોનિયરોમાંથી થાય છે, જેઓ ખુશખબર જણાવવામાં કુશળ હોય છે. તેમ જ, શાખા કચેરી તેઓને જ્યાં મોકલે ત્યાં સેવા આપવા તૈયાર હોય છે. ઘણી વાર તેઓને છૂટાછવાયા વિસ્તારોમાં મોકલવામાં આવે છે, જેથી ખુશખબરમાં રસ હોય એવા લોકોને શોધી શકે અને નવાં મંડળો શરૂ કરી શકે. ક્યારેક ખાસ પાયોનિયરોને એવાં મંડળોમાં મોકલવામાં આવે છે, જ્યાં પ્રચારનો વિસ્તાર પૂરો કરવા મદદની જરૂર હોય. વડીલો હોય એવા અમુક ખાસ પાયોનિયરોને નાનાં મંડળોમાં પણ મોકલવામાં આવે છે, જેથી એ મંડળોને મદદ કરી શકે, પછી ભલે ત્યાં વધારે પ્રકાશકોની જરૂર ન પણ હોય. ખાસ પાયોનિયરોને જીવન જરૂરિયાત માટે નાની રકમ આપવામાં આવે છે. અમુકને થોડા સમય માટે જ ખાસ પાયોનિયરો તરીકે પસંદ કરવામાં આવે છે.

ફિલ્ડ મિશનરીઓ

૧૫ નિયામક જૂથની સેવા સમિતિ ફિલ્ડ મિશનરીઓની પસંદગી કરે છે. પછી તેઓને જે તે દેશની શાખા સમિતિ ભરચક વસ્તીવાળા વિસ્તારોમાં પ્રચાર કરવા મોકલે છે. તેઓ પ્રચારકામને આગળ વધારવા અને મંડળનાં કામો સારી રીતે કરવા મદદ કરે છે. મોટા ભાગે તેઓને રાજ્ય પ્રચારકો માટેની શાળામાં તાલીમ મળી હોય છે. તેઓને રહેવા માટે ઘર અને જીવન જરૂરિયાતો માટે નાની રકમ આપવામાં આવે છે.

સરકીટ કામ

૧૬ સરકીટ નિરીક્ષકની પસંદગી નિયામક જૂથ કરે છે. તેઓને તાલીમ આપવામાં આવે છે. પહેલા તો તેઓ થોડા સમય માટે સરકીટ નિરીક્ષક તરીકે અનુભવ લે છે. એ ભાઈઓને પ્રચારકામ બહુ વહાલું હોય છે અને તેઓ ભાઈ-બહેનોને ખૂબ પ્રેમ છે. તેઓ ઉત્સાહથી પાયોનિયરીંગ કરે છે, બાઇબલનો સારો અભ્યાસ કરે છે, સારાં પ્રવચનો આપે છે અને જોરદાર રીતે શીખવે છે. તેઓ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો બતાવવામાં સારો દાખલો બેસાડે છે. તેઓ દરેક બાબતમાં વાજબી હોય છે અને સમજી-વિચારીને નિર્ણય લે છે. જો ભાઈ પરણેલા હોય તો તેમની પત્ની પાયોનિયર હોય છે અને પોતાનાં વાણી-વર્તનથી સારો દાખલો બેસાડે છે. તે ખુશખબર જણાવવામાં કુશળ હોય છે. તે પતિને આધીન રહે છે અને પતિના વતી બોલતી નથી અથવા વાતચીત દરમિયાન પોતે જ બોલ બોલ કરતી નથી. સરકીટ નિરીક્ષકો અને તેઓની પત્નીઓએ મહેનત માંગી લે એવું કામ કરવાનું હોય છે. એટલે જેઓ આ સેવા આપવા ચાહે છે તેઓની તંદુરસ્તી ઘણી સારી હોવી જોઈએ. સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપવા પાયોનિયરો પોતે અરજી ભરતા નથી. એના બદલે તેઓ પોતાની ઇચ્છા સરકીટ નિરીક્ષકને જણાવશે અને તે તેઓને અમુક સૂચનો આપશે.

બાઇબલ શાળાઓ

૧૭ રાજ્ય પ્રચારકો માટે શાળા: બહુ ઓછો પ્રચાર થયો હોય એવા વિસ્તારમાં પ્રચાર કરવા અને મંડળોને ભક્તિમાં મક્કમ કરવા વધારે પ્રચારકોની જરૂર છે. એટલે કુંવારા ભાઈઓ, કુંવારી બહેનો અને પરિણીત યુગલો રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા અરજી કરી શકે. તાલીમ લીધા પછી ભાઈ-બહેનોને પોતાના જ દેશના એવા વિસ્તારોમાં મોકલવામાં આવે છે જ્યાં વધારે જરૂર છે. ત્યાં તેઓ નિયમિત પાયોનિયર તરીકે સેવા આપે છે. પણ જે ભાઈ-બહેનો બીજા કોઈ દેશમાં જઈને અથવા પોતાના જ દેશમાં રહીને બીજી કોઈ રીતે સેવા આપવા તૈયાર હોય તો તેઓને ત્યાં મોકલવામાં આવી શકે. અમુકને ખાસ પાયોનિયર બનાવવામાં આવી શકે. અમુકને એ સોંપણી થોડા સમય માટે આપવામાં આવી શકે. જે પાયોનિયરો આ શાળામાં જવા માંગે છે, તેઓ મહાસંમેલનમાં રાખવામાં આવતી સભામાં જઈ શકે. એ સભામાં જણાવવામાં આવે છે કે એ શાળામાં જવા કઈ લાયકાતો હોવી જોઈએ.

૧૮ ગિલયડ શાળા (વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ): આ શાળામાં જવા એવા કુંવારા ભાઈઓ, કુંવારી બહેનો અને પરિણીત યુગલોને પસંદ કરવામાં આવે છે, જેઓને અંગ્રેજી આવડે છે અને જેઓ પૂરા સમયની ખાસ સેવા કરે છે. તેઓમાં પ્રચારકામ અને શાખાનું કામ સારી રીતે કરવાની ક્ષમતા હોય છે. તેઓએ પોતાનાં કામોથી બતાવી આપ્યું છે કે તેઓ ભાઈ-બહેનોને ખુશી ખુશી મદદ કરવા માંગે છે. તેમ જ, તેઓ બાઇબલનું અને સંગઠન તરફથી મળતું માર્ગદર્શન સમજવા અને એને લાગુ પાડવા ભાઈ-બહેનોને પ્રેમથી મદદ કરે છે. દરેક દેશની શાખા સમિતિ યોગ્ય ભાઈ-બહેનોને શાળા માટે અરજી કરવા જણાવે છે. આ શાળામાંથી તાલીમ લીધી હોય એ ભાઈ-બહેનોને પોતાના દેશમાં કે બીજા દેશમાં પ્રચાર કરવા મોકલવામાં આવે છે. અથવા પોતાના દેશની કે બીજા કોઈ દેશની શાખા કચેરીમાં સેવા કરવા મોકલવામાં આવે છે.

બેથેલ સેવા

૧૯ બેથેલમાં સેવા આપવી એ મોટો લહાવો છે. બેથેલ શબ્દનો અર્થ થાય, “ઈશ્વરનું ઘર.” બેથેલમાં ઈશ્વરની ભક્તિને લગતાં જે કામો થાય છે એ જોતા આ નામ એકદમ યોગ્ય છે. બેથેલમાં સેવા આપતાં ભાઈ-બહેનો ઘણું મહત્ત્વનું કામ કરે છે. તેઓ બાઇબલનું શિક્ષણ આપતું સાહિત્ય તૈયાર કરે છે, એનું ભાષાંતર કરે છે અને મંડળો સુધી પહોંચાડે છે. આખી પૃથ્વી પરનાં બધાં મંડળોની દેખરેખ રાખનાર અને માર્ગદર્શન આપનાર નિયામક જૂથ બેથેલમાં સેવા આપતાં ભાઈ-બહેનોની ઘણી કદર કરે છે. બેથેલ કુટુંબનાં ઘણાં ભાઈ-બહેનો ભાષાંતરનું કામ કરે છે. તેઓ એવા વિસ્તારમાં રહે છે, જ્યાં એ ભાષા બોલાતી હોય. એનાથી તેઓ રોજબરોજ વપરાતી ભાષા સાંભળી શકે છે. તેઓ એ પણ જોઈ શકે છે કે સાહિત્યમાં વપરાતી ભાષા લોકો સમજે છે કે નહિ.

૨૦ બેથેલનું મોટા ભાગનું કામ સખત મહેનત માંગી લે છે. એટલે બેથેલમાં ખાસ કરીને એવા યુવાન ભાઈઓને બોલાવવામાં આવે છે, જેઓએ બાપ્તિસ્મા લીધું હોય, તંદુરસ્ત હોય અને શરીર મજબૂત હોય. તમારા દેશની સંભાળ રાખતી શાખા કચેરીમાં જો જરૂર હોય અને તમે ત્યાં સેવા આપવા ચાહતા હો તો મંડળના વડીલો સાથે વાત કરો. તેઓ તમને જણાવશે કે બેથેલ સેવા માટે કઈ લાયકાતો હોવી જોઈએ.

બાંધકામ સેવા

૨૧ સુલેમાનના સમયમાં મંદિરનું બાંધકામ કરવું એ પવિત્ર સેવા હતી. એવી જ રીતે આજે ઈશ્વરની ભક્તિ માટે બાંધકામ કરવું, એ પણ પવિત્ર સેવાનો ભાગ છે. (૧ રાજા. ૮:૧૩-૧૮) ઘણાં ભાઈ-બહેનો પૂરા ઉત્સાહથી આ કામમાં ભાગ લે છે. તેઓ એ માટે પોતાનાં સમય, શક્તિ અને માલ-મિલકત વાપરે છે.

૨૨ શું તમે બાપ્તિસ્મા લીધું છે અને બાંધકામમાં મદદ કરી શકો છો? જો મદદ કરી શકતા હો, તો તમારા વિસ્તારમાં બાંધકામની દેખરેખ રાખતા ભાઈઓને ઘણી ખુશી થશે. જો તમને વધારે કંઈ આવડતું ન હોય તોપણ તેઓ તમને શીખવવા તૈયાર હશે. તમારા વડીલોને જણાવો કે તમે બાંધકામમાં મદદ કરવા તૈયાર છો. લાયકાત ધરાવતા અમુક પ્રકાશકો સ્વયંસેવકો તરીકે બીજા દેશોમાં જઈને બાંધકામમાં સેવા આપે છે.

૨૩ આપણે બાંધકામમાં અલગ અલગ રીતે ભાગ લઈ શકીએ છીએ. સારો દાખલો બેસાડતા હોય અને બાંધકામની અમુક આવડત હોય એવા પ્રકાશકો, પોતાના વિસ્તારમાં ચાલતા બાંધકામમાં સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ સ્વયંસેવકો તરીકે સેવા આપી શકે છે. અમુક ભાઈ-બહેનો દૂરના વિસ્તારમાં થતા પ્રોજેક્ટ પર થોડા સમય માટે સેવા આપી શકે છે. તેઓને શાખા કચેરી બે અઠવાડિયાંથી લઈને ત્રણ મહિના માટે બાંધકામ સ્વયંસેવકો તરીકે પસંદ કરે છે. આ સેવામાં જેઓને લાંબા સમય માટે પસંદ કરવામાં આવે છે, તેઓને બાંધકામ સેવકો કહેવામાં આવે છે. જે બાંધકામ સેવકોને બીજા દેશોમાં મોકલવામાં આવે છે, તેઓને પરદેશ જઈને બાંધકામ કરતા સેવકો કહેવામાં આવે છે. બાંધકામ સેવકો અને બાંધકામ સ્વયંસેવકોથી બાંધકામ જૂથ બને છે. એ જૂથ દરેક પ્રોજેક્ટમાં આગેવાની લે છે. એ જૂથની સાથે સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ સ્વયંસેવકો તેમજ મંડળોના સ્વયંસેવકો કામ કરે છે. બાંધકામ જૂથો શાખાના વિસ્તારમાં એક પછી એક બાંધકામ કરતા રહે છે.

ઈશ્વરની ભક્તિમાં તમે કેવા ધ્યેયો રાખ્યા છે?

૨૪ જો તમે યહોવાને સમર્પણ કર્યું હોય, તો તમારી ઇચ્છા કાયમ માટે યહોવાની ભક્તિ કરવાની હશે. પણ શું તમે યહોવાની ભક્તિમાં ધ્યેયો રાખ્યા છે? જો ધ્યેયો રાખ્યા હશે તો તમે તમારી શક્તિ અને માલ-મિલકત સમજદારીથી વાપરી શકશો. (૧ કોરીં. ૯:૨૬) તમે યહોવાની સેવામાં વધારે કરશો તો ભક્તિમાં આગળ વધી શકશો અને મહત્ત્વની વાતોને જીવનમાં પહેલી રાખી શકશો.—ફિલિ. ૧:૧૦; ૧ તિમો. ૪:૧૫, ૧૬.

૨૫ ઈશ્વરની ભક્તિમાં પ્રેરિત પાઉલે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. (૧ કોરીં. ૧૧:૧) યહોવાની ભક્તિમાં પાઉલે તનતોડ મહેનત કરી હતી. તેમણે જોયું કે યહોવાએ તેમને સેવાની ઘણી તકો આપી હતી. પાઉલે કોરીંથના ભાઈઓને લખ્યું: “હું મારું સેવાકાર્ય પૂરું કરી શકું માટે એક મોટું દ્વાર ખોલવામાં આવ્યું છે.” શું આપણા કિસ્સામાં પણ એ સાચું નથી? મંડળમાં આપણી પાસે યહોવાની ભક્તિ કરવાની ઘણી તકો રહેલી છે, ખાસ કરીને ખુશખબર ફેલાવવામાં. પણ પાઉલના કિસ્સામાં હતું તેમ, ‘મોટા દ્વારમાંથી’ પસાર થતી વખતે આપણે ‘ઘણા વિરોધીઓ’ સામે લડત આપવી પડે છે. (૧ કોરીં. ૧૬:૯) પાઉલ પોતાને તાલીમ આપવા તૈયાર હતા. ધ્યાન આપો તેમણે કહ્યું: “હું મારા શરીરને મુક્કા મારું છું અને એને ગુલામ બનાવીને કાબૂમાં રાખું છું.” (૧ કોરીં. ૯:૨૪-૨૭) શું આપણે પણ એવું જ વલણ રાખીએ છીએ?

જો ધ્યેયો રાખ્યા હશે તો તમે તમારી શક્તિ અને માલ-મિલકત સમજદારીથી વાપરી શકશો

૨૬ આપણને બધાને ઉત્તેજન આપવામાં આવે છે કે એવા ધ્યેયો રાખીએ જેને પૂરા કરી શકીએ. પછી એને પૂરા કરવા મહેનત કરીએ. આજે ઘણાં ભાઈ-બહેનો અલગ અલગ રીતે પૂરા સમયની સેવા કરે છે. કેમ કે તેઓએ નાના હતા ત્યારથી જ વધારે સેવા કરવાના ધ્યેયો રાખ્યા હતા. એવું કરવા તેઓનાં મમ્મી-પપ્પાએ અને બીજાઓએ ઉત્તેજન આપ્યું હતું. તેઓએ વર્ષોથી યહોવાની સેવામાં ભરપૂર આશીર્વાદોનો આનંદ માણ્યો છે અને તેઓને પોતાના નિર્ણયનો જરાય અફસોસ નથી. (નીતિ. ૧૦:૨૨) બીજા પણ ધ્યેયો રાખી શકાય, જેમ કે દર અઠવાડિયે ખુશખબર ફેલાવવી, બાઇબલ અભ્યાસ શરૂ કરવો અને ચલાવવો અથવા સભાઓની સારી તૈયારી કરવા વધારે સમય આપવો. પણ સૌથી મહત્ત્વનું તો એ છે કે આપણે ભક્તિમાં અડગ રહીએ અને આપણું સેવાકાર્ય સારી રીતે પૂરું કરીએ. એમ કરીશું તો આપણે યહોવાને મહિમા આપી શકીશું. તેમ જ યુગોના યુગો સુધી તેમની ભક્તિ કરવાનો ધ્યેય પૂરો કરી શકીશું.—લૂક ૧૩:૨૪; ૧ તિમો. ૪:૭ખ, ૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો