પ્રકરણ ૧૧
ભક્તિ માટેની જગ્યાઓ
યહોવાના સાચા ભક્તોને ભેગા મળવાની આજ્ઞા આપવામાં આવી છે, જેથી તેઓ માર્ગદર્શન મેળવે અને એકબીજાને ઉત્તેજન આપે. (હિબ્રૂ. ૧૦:૨૩-૨૫) ઇઝરાયેલીઓ જે ઈશ્વરના પસંદ કરાયેલા લોકો હતા, તેઓ શરૂઆતમાં ‘મંડપ, એટલે કે મુલાકાતમંડપ’ આગળ આવીને ભક્તિ કરતા હતા. (નિર્ગ. ૩૯:૩૨, ૪૦) પછી દાઉદના દીકરા સુલેમાને ઈશ્વરને મહિમા આપવા મંદિર બાંધ્યું. (૧ રાજા. ૯:૩) ઈસવીસન પૂર્વે ૬૦૭માં એ મંદિરનો નાશ થયો, એ પછી યહૂદીઓ ઈશ્વરની ભક્તિ કરવા સભાસ્થાનોમાં ભેગા મળતા હતા. સમય જતાં એ મંદિર ફરી બાંધવામાં આવ્યું અને ત્યાં ફરીથી સાચી ભક્તિ થવા લાગી. ઈસુ એ મંદિરમાં અને સભાસ્થાનોમાં શીખવતા હતા. (લૂક ૪:૧૬; યોહા. ૧૮:૨૦) ઈસુએ પહાડ પર પણ સભા રાખી હતી.—માથ. ૫:૧–૭:૨૯.
૨ ઈસુના મરણ પછી ખ્રિસ્તીઓ જાહેર જગ્યાઓએ અને ઘરોમાં ભેગા મળતા હતા. ત્યાં તેઓ શાસ્ત્રમાંથી શીખવી શકતા હતા અને ભાઈ-બહેનોની સંગતનો આનંદ માણી શકતા હતા. (પ્રે.કા. ૧૯:૮, ૯; રોમ. ૧૬:૩, ૫; કોલો. ૪:૧૫; ફિલે. ૨) અમુક વાર વિરોધીઓથી બચવા પહેલી સદીના ખ્રિસ્તીઓ ખાનગી જગ્યાએ મળતા હતા. સાચે જ, પહેલાંના સમયના ઈશ્વરભક્તો ‘યહોવા પાસેથી શીખવા’ ભક્તિની જગ્યાએ ભેગા મળવા આતુર હતા.—યશા. ૫૪:૧૩.
૩ આજે પણ સભાઓ જાહેર જગ્યાઓએ અને ઘરોમાં રાખવામાં આવે છે. પ્રચારની સભા મોટા ભાગે ઘરોમાં રાખવામાં આવે છે. આવી સભાઓ માટે પોતાનું ઘર આપતાં ભાઈ-બહેનો એને એક મોટો લહાવો ગણે છે. ઘણાએ અનુભવ્યું છે કે પોતાના ઘરના દરવાજા ખુલ્લા મૂકવાથી, તેઓ પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ કરી શકે છે.
પ્રાર્થનાઘર
૪ યહોવાના સાક્ષીઓ ખાસ કરીને પ્રાર્થનાઘરમાં સભાઓ રાખે છે. સામાન્ય રીતે જમીન ખરીદીને નવું પ્રાર્થનાઘર બનાવવામાં આવે છે. અથવા કોઈ મકાન કે ઇમારત ખરીદીને એનું સમારકામ કરવામાં આવે છે અને એને પ્રાર્થનાઘર તરીકે વાપરવામાં આવે છે. શક્ય હોય તો ઘણાં મંડળો એક જ પ્રાર્થનાઘર વાપરી શકે, જેથી પ્રાર્થનાઘરનો સારો ઉપયોગ થાય અને પૈસા બચે. અમુક વિસ્તારોમાં હૉલ ભાડે રાખવામાં આવે છે. જો નવું પ્રાર્થનાઘર બાંધવામાં આવ્યું હોય અથવા એમાં મોટા પાયે સમારકામ થયું હોય, તો એ માટે સમર્પણ કાર્યક્રમ રાખી શકાય. પણ એમાં નાનું-મોટું સમારકામ થયું હોય તો, સમર્પણ કાર્યક્રમની જરૂર નથી.
૫ પ્રાર્થનાઘર એટલાં આલીશાન ન હોવાં જોઈએ કે એ જોઈને લોકોની આંખો પહોળી થઈ જાય. અલગ અલગ જગ્યાએ એની ડિઝાઇનમાં ફરક હોય શકે, પણ એનો હેતુ ભક્તિ માટે હોવો જોઈએ. (પ્રે.કા. ૧૭:૨૪) દરેક વિસ્તારના સંજોગો પ્રમાણે સભાઓ એવી જગ્યાએ હોવી જોઈએ, જ્યાં લોકો સહેલાઈથી પહોંચી શકે અને એનો આનંદ માણી શકે.
૬ અમુક મંડળો એક પ્રાર્થનાઘર વાપરે છે, તેઓ એના વપરાશ, સગવડો અને સમારકામ માટે ઉદારતાથી દાન આપે છે. કોઈ જાતનો ફાળો ઉઘરાવવામાં આવતો નથી કે એ આપવા કોઈને મજબૂર કરવામાં આવતા નથી. પ્રાર્થનાઘરમાં દાન પેટી મૂકવામાં આવે છે. સભામાં આવનારા લોકો એમાં દાન નાખી શકે છે, જેથી પ્રાર્થનાઘરના કોઈ પણ ખર્ચને પહોંચી વળાય. તેઓ રાજીખુશીથી અને પૂરા દિલથી દાન આપે છે.—૨ કોરીં. ૯:૭.
૭ મંડળનાં બધાં ભાઈ-બહેનો પ્રાર્થનાઘર માટે દાન આપે છે, એને ચોખ્ખું અને સારી હાલતમાં રાખવા મહેનત કરે છે. તેઓ એ કામને એક લહાવો ગણે છે. મોટા ભાગે એક વડીલ અથવા સહાયક સેવક સાફ-સફાઈના કામનું શેડ્યુલ બનાવે છે. સાફ-સફાઈનું કામ પ્રચારના ગ્રૂપ પ્રમાણે કરવામાં આવે છે, જેમાં ગ્રૂપ નિરીક્ષક કે તેમના સહાયક આગેવાની લે છે. પ્રાર્થનાઘર અંદરથી અને બહારથી યહોવાને અને તેમના સંગઠનને શોભે એવું હોવું જોઈએ.
મંડળનાં બધાં ભાઈ-બહેનો પ્રાર્થનાઘર માટે દાન આપે છે, એને ચોખ્ખું અને સારી હાલતમાં રાખવા મહેનત કરે છે. તેઓ એ કામને એક લહાવો ગણે છે
૮ જે પ્રાર્થનાઘરમાં એકથી વધારે મંડળો ભેગાં થતાં હોય, એ બધાં મંડળના વડીલો પ્રાર્થનાઘર દેખરેખ સમિતિ બનાવે છે. આ સમિતિ પ્રાર્થનાઘરને લગતાં બધાં કામકાજ કરે છે. બધાં મંડળોના વડીલોના જૂથ એક ભાઈને દેખરેખ સમિતિના સેવક બનાવે છે. એ વડીલોના માર્ગદર્શન નીચે આ સમિતિ કામ કરે છે અને પ્રાર્થનાઘરની સાફ-સફાઈનું ધ્યાન રાખે છે. સમિતિ ખાતરી કરે છે કે પ્રાર્થનાઘર સારી હાલતમાં રાખવામાં આવે અને સફાઈ કરવા માટે જરૂરી ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં હોય. પ્રાર્થનાઘર વાપરતાં મંડળોએ હળી-મળીને કામ કરવું જોઈએ.
૯ એકથી વધારે મંડળો પ્રાર્થનાઘર વાપરતાં હોય તો, વારાફરતી સભાઓના સમયમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે. એનું શેડ્યુલ બનાવતી વખતે વડીલો બધાં ભાઈ-બહેનોનો વિચાર કરશે અને પ્રેમ બતાવશે. (ફિલિ. ૨:૨-૪; ૧ પિત. ૩:૮) કોઈ એક મંડળે બીજા મંડળ માટે નિર્ણય લેવો ન જોઈએ. એક મંડળમાં સરકીટ નિરીક્ષકની મુલાકાત હોય ત્યારે, એ જ પ્રાર્થનાઘર વાપરતાં બીજાં મંડળો એ અઠવાડિયા માટે સભાઓના સમયમાં જરૂરી ફેરફાર કરશે.
૧૦ પ્રાર્થનાઘરમાં લગ્નનાં અને મરણપ્રસંગનાં પ્રવચનો રાખી શકાય. પણ એ માટે મંડળ સેવા સમિતિની મંજૂરી જરૂરી છે. આ વડીલો મંજૂરી આપતા પહેલાં ધ્યાનથી વિચારે છે કે એવા કાર્યક્રમોમાં શું કરવામાં આવશે. પછી તેઓ શાખા કચેરીના માર્ગદર્શન પ્રમાણે નિર્ણય લે છે.
૧૧ જે ભાઈ-બહેનોને એવા પ્રસંગો માટે પ્રાર્થનાઘર વાપરવાની મંજૂરી મળી હોય, તેઓ પાસેથી યહોવાના ભક્તોને શોભે એવાં વાણી-વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. પ્રાર્થનાઘરમાં એવું કંઈ ન કરવું જોઈએ, જેનાથી મંડળનાં ભાઈ-બહેનોને ઠોકર લાગે અથવા યહોવાનું અને મંડળનું નામ બદનામ થાય. (ફિલિ. ૨:૧૪, ૧૫) શાખા કચેરીના માર્ગદર્શન પ્રમાણે પ્રાર્થનાઘરમાં યહોવાની ભક્તિને લગતા બીજા કાર્યક્રમો પણ રાખી શકાય, જેમ કે, રાજ્ય સેવા શાળા અને પાયોનિયર સેવા શાળા.
૧૨ આપણે યાદ રાખવું જોઈએ કે જ્યાં સભાઓ થાય છે એ ભક્તિની જગ્યા છે. એટલે આપણાં કપડાં, શણગાર અને રીતભાતથી દેખાઈ આવવું જોઈએ કે આપણે એને માન આપીએ છીએ. (સભા. ૫:૧; ૧ તિમો. ૨:૯, ૧૦) આ વિશે આપણને જે પણ સલાહ મળે એ પાળીને બતાવીએ છીએ કે આપણે સભાઓની કદર કરીએ છીએ.
૧૩ સભાઓ દરમિયાન સારી ગોઠવણ જળવાઈ રહે એ મહત્ત્વનું છે. એટલે સારું રહેશે કે બાળકો પોતાનાં મમ્મી-પપ્પા સાથે બેસે. મમ્મી-પપ્પાએ નાનાં બાળકો સાથે એવી જગ્યાએ બેસવું જોઈએ જેથી જરૂર પડે તો સહેલાઈથી બાળકને બહાર લઈ જઈ શકાય. જેમ કે, બાળક મસ્તી કરતું હોય અને એને સમજાવવાની જરૂર પડે અથવા કોઈ બીજા કારણને લીધે બહાર જવું પડે તો, બીજાઓને ખલેલ નહિ પહોંચે.
૧૪ પ્રાર્થનાઘરની સભાઓમાં યોગ્ય ભાઈઓને એટેન્ડન્ટનું કામ સોંપવામાં આવે છે. એ ભાઈઓ સાવચેતી રાખીને કામ કરતા હોવા જોઈએ, બધા સાથે પ્રેમથી વર્તતા હોવા જોઈએ અને સમજી-વિચારીને નિર્ણયો લઈ શકતા હોવા જોઈએ. તેઓની જવાબદારી છે કે તેઓ નવા લોકોને પ્રેમથી આવકારે, મોડા આવનારાઓને જગ્યા શોધી આપે, સભાની હાજરી ગણે અને પ્રાર્થનાઘરમાં હવા-ઉજાસનું ધ્યાન રાખે. જો એટેન્ડન્ટના ધ્યાનમાં આવે કે બાળકો સભા પહેલાં અને પછી દોડાદોડ કરે છે અથવા સ્ટેજ પર રમે છે, તો એટેન્ડન્ટે મમ્મી-પપ્પાને પોતાનાં બાળકોની સંભાળ રાખવાનું કહેવું જોઈએ. જો કોઈ બાળક સભામાં બહુ તોફાન કરતું હોય તો એટેન્ડન્ટ તેનાં મમ્મી કે પપ્પાને પ્રેમથી જણાવી શકે કે તેને બહાર લઈ જાય, જેથી બીજાઓને ખલેલ ન પહોંચે. એટેન્ડન્ટની મહેનતને લીધે બધા લોકો સભામાં ધ્યાન આપી શકે છે. સારું રહેશે કે વડીલો કે સહાયક સેવકોને એટેન્ડન્ટનું કામ સોંપવામાં આવે.
પ્રાર્થનાઘરનું બાંધકામ
૧૫ પહેલી સદીમાં અમુક ભાઈ-બહેનો અમીર હતાં, તો બીજાં અમુક ગરીબ. એટલે પ્રેરિત પાઉલે લખ્યું: “હું ચાહું છું કે બધે સમાનતા હોય. અત્યારે તમારી પાસે જે વધારે છે, એનાથી તેઓની ખોટ પૂરી થાય અને તેઓની પાસે જે વધારે છે, એનાથી તમારી ખોટ પૂરી થાય. આમ, બધે સમાનતા જળવાઈ રહે.” (૨ કોરીં. ૮:૧૪) આજે પણ એવી જ “સમાનતા” જોવા મળે છે. આખી દુનિયાનાં મંડળોમાંથી આવતાં દાનો ભેગાં કરીને એવા વિસ્તારોમાં મોકલવામાં આવે છે, જ્યાં પ્રાર્થનાઘરો બાંધવા અને એનું સમારકામ કરવા પૈસાની જરૂર છે. આખી દુનિયાનાં ભાઈ-બહેનો ઉદારતાથી દાન આપે છે. સંગઠન અને મદદ મેળવતાં મંડળો એ દાનોની ખૂબ કદર કરે છે.
૧૬ શાખા કચેરી વિસ્તારને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે કે કયું મંડળ કયા પ્રાર્થનાઘરમાં સભાઓ રાખશે. શાખા કચેરી એ પણ નક્કી કરે છે કે શાખાના વિસ્તારમાં ક્યારે અને ક્યાં નવાં પ્રાર્થનાઘરો બાંધવાં અને જૂનાં પ્રાર્થનાઘરોનું ક્યારે સમારકામ કરવું. આફતો આવે ત્યારે, જો પ્રાર્થનાઘરોને નુકસાન થાય તો એનું સમારકામ કરવામાં આવે છે અને અમુક વાર ભાઈ-બહેનોનાં ઘરોની પણ મરામત કરવામાં આવે છે.
૧૭ શાખા કચેરીના માર્ગદર્શન પ્રમાણે સ્વયંસેવકો પ્રાર્થનાઘર માટે જગ્યા ખરીદે છે, એની ડિઝાઇન તૈયાર કરે છે, બાંધકામની પરવાનગી લે છે, બાંધકામ કરે છે અને એની સંભાળ રાખે છે. મોટા ભાગના દેશોમાં પ્રાર્થનાઘરોની ખૂબ માંગ હોવાથી, ઘણા સ્વયંસેવકોની જરૂર છે. બાપ્તિસ્મા પામેલા પ્રકાશકો જેઓ મદદ કરવા તૈયાર હોય અને યોગ્ય લાયકાતો ધરાવતા હોય, તેઓ ફોર્મ ભરીને મંડળ સેવા સમિતિને આપી શકે. બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશકો પણ પોતાના પ્રાર્થનાઘરના બાંધકામમાં કે સમારકામમાં મદદ કરી શકે છે.
સંમેલનગૃહ
૧૮ પહેલી સદીનાં ભાઈ-બહેનો મોટા ભાગે નાના સમૂહમાં ભેગા મળતાં હતાં. પણ અમુક વાર ‘ઘણા લોકો’ ભેગા મળતા હતા. (પ્રે.કા. ૧૧:૨૬) આજે પણ યહોવાના લોકો સરકીટ સંમેલનો અને મહાસંમેલનો માટે મોટી સંખ્યામાં ભેગા મળે છે. એ માટે મોટો હૉલ કે કોઈ જગ્યા ભાડે રાખવામાં આવે છે. પણ જો કોઈ હૉલ ન હોય અથવા એ હૉલ સંમેલન માટે યોગ્ય ન હોય, તો સંમેલનગૃહ બાંધી શકાય અથવા કોઈ મોટી ઇમારત ખરીદી શકાય.
૧૯ અમુક વખતે કોઈ મોટી ઇમારત ખરીદીને એનું સમારકામ કરવામાં આવે છે, પછી એ સંમેલનગૃહ તરીકે વપરાય છે. મોટા ભાગે જગ્યા ખરીદીને નવો હૉલ બાંધવામાં આવે છે. વિસ્તારની જરૂરિયાત પ્રમાણે સંમેલનગૃહો નાનાં-મોટાં હોય શકે. સંમેલનગૃહ ખરીદવા કે બાંધવા વિશેનો નિર્ણય શાખા કચેરી લે છે. પણ એ નિર્ણય લેતા પહેલાં શાખા કચેરી ધ્યાનથી વિચારે છે કે સંમેલનગૃહ પાછળ કેટલો ખર્ચ થશે અને એ કેટલું વપરાશે.
૨૦ શાખા કચેરી સંમેલનગૃહનાં કામકાજ અને દેખરેખ માટે અમુક ભાઈઓને પસંદ કરે છે. સંમેલનગૃહની નિયમિત સાફ-સફાઈ થાય છે, વર્ષમાં બે વાર પૂરેપૂરી સાફ-સફાઈ થાય છે અને એની સાર-સંભાળ રાખવામાં આવે છે. એ બધાં કામની જવાબદારી અલગ અલગ સરકીટને સોંપવામાં આવે છે. જે ભાઈ-બહેનો એ કામમાં ભાગ લે છે તેઓને ઘણો ફાયદો થાય છે. એટલે મંડળોને ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ પૂરા દિલથી એ કામમાં ભાગ લે.—ગીત. ૧૧૦:૩; માલા. ૧:૧૦.
૨૧ કોઈ વાર સંમેલનગૃહ ઈશ્વરની ભક્તિના બીજા કાર્યક્રમો માટે પણ વપરાય છે. જેમ કે, બાઇબલ શાળાઓ અને સરકીટ નિરીક્ષકો તેમજ સરકીટના વડીલો માટેની ખાસ સભાઓ. પ્રાર્થનાઘરની જેમ સંમેલનગૃહ પણ ઈશ્વરને સમર્પણ કરેલી જગ્યા છે. એટલે જેમ પ્રાર્થનાઘરમાં ધ્યાન રાખીએ છીએ, તેમ સંમેલનગૃહમાં પણ ધ્યાન રાખીએ કે આપણાં વાણી-વર્તન, કપડાં અને શણગાર સારાં હોય.
૨૨ છેલ્લા દિવસોના અંત ભાગમાં ઘણા લોકો ઝડપથી યહોવાના સંગઠનમાં આવી રહ્યા છે. એ યહોવાના આશીર્વાદનો પુરાવો છે. (યશા. ૬૦:૮, ૧૦, ૧૧, ૨૨) એટલે ભક્તિની જગ્યાઓ મેળવવા, એને ચોખ્ખી રાખવા અને સારી હાલતમાં રાખવા આપણે પૂરો સાથ-સહકાર આપીએ. યહોવાનો દિવસ નજીક આવે છે તેમ, એકબીજાને ઉત્તેજન આપવા આપણને આ જગ્યાઓ વધારે ને વધારે મદદ કરે છે. એટલે આપણે એ જગ્યાઓની ઘણી કદર કરીએ છીએ.